લખાણ પર જાઓ

રૂપસુંદરી અને બીજા સ્ત્રીરત્નો/જયદેવપત્ની પદ્મિની

વિકિસ્રોતમાંથી
← અતિમંબે રૂપસુંદરી અને બીજા સ્ત્રીરત્નો
જયદેવપત્ની પદ્મિની
શિવપ્રસાદ દલપતરામ પંડિત
પૃથા →


१२७–जयदेवपत्नी पद्मिनी

સાધ્વીનાં માતાપિતા શ્રી જગન્નાથપુરીમાં રહેતાં હતાં. તેના પિતા એક અગ્નિહોત્રી બ્રાહ્મણ હતા. પદ્મિની ઘણી રૂપવતી અને ગુણવતી હતી. તેનો વિવાહ પુરી પાસેના કિંસુરિલ્વ ગામના રહેવાસી જયદેવ કવિ સાથે થયો હતો. જયદેવ કવિ ઘણા પ્રસિદ્ધ અને વિદ્વાન હતા. તેમની સ્ત્રી પદ્મિની પણ ઘણી પતિવ્રતા હતી. પતિ ઉપર તેને ઘણોજ અગાધ પ્રેમ હતો. શ્રીકૃષ્ણની પણ એ પૂરી ભક્ત હતી. જયદેવ કવિ પોતાના ગામના રાજાના આશ્રિત હતા એટલે પદ્મિની પણ વખતોવખત રાજાની રાણીને મળવા અંતઃપુરમાં જતી હતી.

એક વખત રાજાની એક રાણીનો ભાઈ મરી ગયો અને તેની સ્ત્રી તેની પાછળ સતી થઈ ગઈ. એ કૃત્ય માટે રાણી એ સતીની પ્રશંસા કરીને કહેવા લાગીઃ “જુઓ, એ કેવી પતિવ્રતા હતી કે પોતાના પતિની પાછળ બળીને ભસ્મ થઈ ગઈ. આજના જમાનામાં એવી સ્ત્રી બીજી કોઈ નહિ હોય !” ૨ાણીની ખુશામતખોર દાસીઓ હાજી હા કહીને તેની વાતને પુષ્ટિ આપતી ગઈ, પણ પદ્મિનીને એ વાત પસંદ ન પડી, તેથી એ ચુપચાપ બેસી રહી. પદ્મિનીને ચુપચાપ જોઈને રાણીને ગુસ્સો ઊપજ્યો અને તેણે આમ મૌન બેસી રહેવાનું કારણ પૂછ્યું, પદ્મિનીએ હાથ જોડીને વિનયપૂર્વક ઉત્તર આપ્યો “રાણીજી! આપનું કહેવું વાજબી છે, પણ મારા નમ્ર અભિપ્રાય પ્રમાણે ખરી પતિવ્રતા તો એજ કહેવાય કે જે પતિના મૃત્યુના સમાચાર સાંભળતાંવારજ દેહનો ત્યાગ કરી દે. પતિના મરી ગયા પછી ચિતામાં બળી મરવું એમાં તે શી મોટી વાત છે ?”

પદ્મિનીના આ સ્પષ્ટ જવાબથી રાણી ઘણી અપ્રસન્ન થઈ અને કોઈ પ્રસંગે તેની પરીક્ષા લેવાનો વિચાર કર્યો. એક વખત રાજા સાત્ત્વિક શિકાર ખેલવા ગયો, તેની સાથે કવિવર જયદેવજીને પણ જવું પડ્યું. આ લાગ સાધીને રાણીએ આખા શહેરમાં જૂઠી ખબર ફેલાવી દીધી કે જયદેવને તો સિંહે ફાડી ખાધા. આ અબર સાંભળતાંવારજ પદ્મિની પતિવિયોગથી વિહ્‌વળ થઈ ગઈ અને એકદમ બેહોશ થઇ જઈને જમીન ઉપર ઢળી પડી. તેના બચવાની જરા પણ આશા રહી નહિ, આખા નગરમાં હાહાકાર વ્યાપી ગયો. પદ્મિનીનો આ અગાધ પ્રેમ તથા આટલી બધી પતિભક્તિ જોઈને રાણી ઘણીજ આશ્ચર્ય પામી અને ખુલ્લી રીતે તેની પ્રશંસા કરવા લાગી. પોતાનેજ લીધે નિર્દોષ પદ્મિનીનું મૃત્યુ આવી પહોંચ્યું એ વિચારથી એ ઘણીજ ચિંતાતુર થઈ. મનમાં ને મનમાં રાણી વિચારવા લાગી કે, “જ્યારે જયદેવ કવિને આ વાતની ખબર પડશે ત્યારે એ મને શું કહેશે ? આખા શહેરના લોકો મારી નિંદા કરશે અને ઈશ્વરને ત્યાં પણ મારે બ્રહ્મહત્યા તથા સ્ત્રીહત્યાનું પાપ ભોગવવું પડશે. હાય ! મારી બુદ્ધિ ક્યાં બહેર મારી ગઈ કે મને એવી દુષ્ટબુદ્ધિ સૂઝી ! હાય ! હવે મારા પતિ મને શું કહેશે? આજથી એમની દૃષ્ટિમાં હું શું છે અને ઘાતક ગણાઈશ. હવે એ મને કોઈ દિવસ પોતાની પાસે નહિ રહેવા દે, તથા હમેશાં મારો તિરસ્કાર કરશે.”

આ પ્રમાણે રાણીના મનનાં ઘણોજ પશ્ચાત્તાપ થઈ રહ્યો હતો, તથા ક્ષણે ક્ષણે નવી ચિંતાઓ ઊપજતી હતી, એટલામાંજ રાજાની સવારી શહેરમાં આવી પહોંચી અને રાજાએ મહેલમાં પ્રવેશ કર્યો. નગરમાં પ્રવેશ કરતાં વારજ પત્ની સંબધી હૃદયવિદારક સમાચાર જયદેવ કવિના સાંભળવામાં આવ્યા. તરતજ એ ઘેર પહોંચ્યા અને પત્નીને મૃત્યુના મુખમાં પડેલી જોઈને વિલાપ કરવા લાગ્યા.

રાજાએ પણ પોતાની રાણીને ઘણીજ ધમકાવી: “હે દુષ્ટા ! તું સ્ત્રી નહિ પણ રાક્ષસી છું. તું મારી પાસે રહેવાને યોગ્ય નથી. તે નિરપરાધી, નિર્દોષી, સદ્‌ગુણી સ્ત્રીને જોતજોતામાં મારી નાખી છે. એને મૃત્યુથી કવિરાજ જયદેવજીનું જીવન પણ નિસ્તેજ થઈ જશે. તારા જેવી નિર્દય સ્ત્રી બીજી કોઈ નહિ હોય.”

જયદેવે મૃત્યુશાય્યામાં પડેલી પત્નીની પાસે બેસીને મધુર સ્વરથી ગીતગોવિંદ ગાઈને શ્રીકૃષ્ણની સ્તુતિ કરવા માંડી. એ અપૂર્વ સ્તુતિ સાંભળીને ત્યાં આગળ બેઠેલા બધા લોકો કરુણ રસમાં લીન થઈ જઈને રુદન કરવા લાગ્યા. એમ કહેવાય છે કે, સ્તુતિ સંપૂર્ણ થતાંવા૨જ શ્રી ભગવાનની કૃપાથી પદ્મિનીનાં નેત્ર ઊઘડ્યાં અને ઊંઘમાંથી ઉઠનારા મનુષ્યની પેઠે આળસ મરડીને એ ઊભી થઈ તથા કહેવા લાગીઃ “અહો ! આજ તો હું ખૂબ ઊંઘી.” તેને સાજી થયેલી જોઇને બધાને ઘણોજ આનંદ થયો, આખા શહેરમાં પદ્મિનીના સતીત્વ અને પાતિવ્રત્યાની ઘણી પ્રશંસા થવા લાગી અને લોકો તેને દેવી તરીકે પૂજવા લાગ્યા.