રૂપસુંદરી અને બીજા સ્ત્રીરત્નો/ફલ્ગુહસ્તિની

વિકિસ્રોતમાંથી
← યશોદા કુમારી રૂપસુંદરી અને બીજા સ્ત્રીરત્નો
ફલ્ગુહસ્તિની
શિવપ્રસાદ દલપતરામ પંડિત
મોરિકા →


११४–फल्गुहस्तिनी


વિદુષીનું નામ સંસ્કૃત સાહિત્યમાં ઘણું જાણીતું નથી. એનું કારણ એ છે કે એની રચેલી કવિતા ઝાઝી મળી આવતી નથી. સુભાષિતાવલિમાં એને નામે બે પદ ઉતારવામાં આવ્યાં છે, જેમાંનું એક ભતૃહરિના નીતિશતકમાં પણ મળી આવે છે, એટલા માટે એ પદ્ય (सृजति तावदशेषगुणाकरं) કોનું રચેલું છે તે ચોક્કસપણે કહી શકાતું નથી. બીજું પદ શારંગધર પદ્ધતિમાં પણ મળી આવે છે.

त्रिनयनजटावल्लीपुष्पं मनोभवकार्मुकं ।
ग्रह किसलयं सन्ध्यानारीनितम्वनखक्षतम् ।
तिमिरभिदुरं व्योम्नः शृंगं निशावदनस्मितं
प्रतिपदि नवस्येन्दोर्बिंम्बं सुखोदयमस्तु वः ।।

ચંદ્ર ત્રણ નેત્રવાળા શિવ જટારૂપી લતાનું ફૂલ છે, કામદેવનું વાંકું ધનુષ્ય છે, ગ્રહોનો નવી કળી સમાન છે, સંધ્યારૂપી નારીના નિતમ્બ ઉપર લાલ નખક્ષત જેવો છે (ઉદય પામતી વખતે ચન્દ્રમામાં કાંઈક લાલાશ હોય છે અને નખક્ષત પણ લાલ હોય છે), અંધકારનો નાશ કરનારા આકાશના શિખર સમાન છે, રાત્રીરૂપી નાયિકાના વદન ઉપર કોમળ સ્મિત સમાન છે; એવો મનોરમ પડવાના ચંદ્રનો ઉદય તમારે માટે સુખરૂપ હો.

આ પદ્યમાં રૂપકની છટા કેટલી સરસ છે !

વિધિના સર્જનમાં દેવનું પ્રાબલ્ય જોઇને ફલ્ગુહસ્તિની કહે છે કે, “પ્રથમ બ્રહ્મા સર્વ ગુણની ખાણરૂપ અને પૃથ્વીના અલંકારરૂપ પુરુષરત્નને ઘડે છે અને તેજ સમયે તેને ઘડીમાં નાશ પામે એવો કરે છે, તો અહહ ! વિધિની એ કેવી મૃર્ખતા !”

ઉપર કહ્યું તેમ આ શ્લોકને માટે ભર્તૃહરિ અને ફલ્ગુહસ્તિની બે દાવાદાર છે, છતાં પ્રથમ શ્લોક ઉપરથી એટલું તો સ્પષ્ટ જણાઈ આવે છે કે એનામાં ઊંચા પ્રકારની પ્રતિભા હોવી જોઈએ.