લખાણ પર જાઓ

રૂપસુંદરી અને બીજા સ્ત્રીરત્નો/રામમણિ

વિકિસ્રોતમાંથી
← માહ–માલિક રૂપસુંદરી અને બીજા સ્ત્રીરત્નો
રામમણિ
શિવપ્રસાદ દલપતરામ પંડિત
ઇંદુમુખી, માધુરી, ગોપી
અને
રસમયી
 →


१५८–राममणि

બંગાળી ભાષાના કાવ્ય–ઇતિહાસનું અવલોકન કરતાં ઘણી વિદુષી ૨મણીઓનો પરિચય મળી આવે છે. વૈષ્ણવોના પ્રાચીન ગ્રંથોમાં ઘણી સ્ત્રીકવિઓનાં રચેલાં પદ મળી આવે છે. રામમણિ બંગાળી સ્ત્રીઓમાં સૌથી જૂની કવયિત્રી છે. એણે રાધાકૃષ્ણની લીલા સંબંધી ઘણાં પદ રચ્યાં છે. એ પ્રખ્યાત ભક્તકવિ શ્રી ચંડીદાસ ઠાકુરની સમકાલીન સ્ત્રીકવિ હતી, એ એક ધોબીની છોકરી હતી. એક દિવસ એ ભૂખીતરસી નિરાધાર અવસ્થામાં ફરતી ફરતી વાંકુડા જિલ્લામાં નાન્નુર ગામમાં વિશાલાક્ષિ દેવીના મંદિરના બારણા આગળ આવીને ઊભી. ચંડીદાસ જે વિશાલાક્ષિ દેવીના પૂજારી હતા, તેમણે રામમણિની દુર્દશા જોઈને તેને દેવમંદિરની દાસી તરીકે નોકર રાખી. રામમણિ બે વખત દેવીનો પ્રસાદ જમીને ત્યાંજ દિવસ ગાળવા લાગી. ચંડીદાસ નીચેના શબ્દોમાં રામામણિનો પરિચય આપે છે :—

"રામિણી નામની એક ધોબીની બાલિકા, ઘણી દીન અવસ્થામાં ઘાટ અને મેદાનમાં ભટકતી ભટકતી ભિક્ષા માગતી હતી. તેનો અપાર ક્લેશ જોઈને મંદિરનું વાસીદું વગેરે કામ ઉપર મેં તેને નીમી, એ દેવીના આશ્રયમાં રહેવા લાગી. અલ્૫ વયમાંજ એ દુઃખી સ્ત્રીએ કાર્યમાં નિયુક્ત થઈ, દિવસે દિવસે એ વધવા લાગી."

એ સ્ત્રી રામિણી કામકાજમાં નિપુણ હોવાથી બધાને પ્રિય થઈ પડી હતી. ચંડીદાસ કહે છેઃ "તાહા૨ પિરીતિ જગતે નહિ ઉપમા" તેની પ્રીતિનો જોટો જગતમાં મળે એમ નહોતું.

લોકો એવો અપવાદ મૂકતા કે, ચંડીદાસ આ રામમણિ ઉપર પ્રેમાસક્ત હતા. રામમણિ પણ ચંડીદાસને ચાહતી. તેમના શુદ્ધ પ્રેમનો પરિચય રામમણિના લખેલા પદ ઉપરથી મળી છે. ચંડીદાસે જ્યારે ચિતામાં શયન કર્યું. ત્યારે રામમણિએ ઉન્મત્ત થઈને એક હૃદયદ્રાવક ગીત ગાયું હતું.

ચંડીદાસ એક ધોબણ (રામમણિ) ના ઉપર આસક્ત થઈ ગયા એ આરોપ મૂકીને ગામના બ્રાહ્મણોએ તેમને ન્યાતબહાર મૂક્યા હતા અને પૂજારીપદ ઉપરથી પણ કાઢી મૂક્યા હતા; પરંતુ એ આરોપ મિથ્યા હતો. ચંડીદાસે રામમણિને ભાવના આવેશમાં કદી માતા તરીકે અને ગુરુ તરીકે સંબોધન કર્યું છે.

ચંડીદાસ અને રામમણિના પ્રેમમાં કોઈ પણ જાતનો વિકાર નહોતો, એ વાતની સાક્ષી તેનાં રચેલાં બંગાળી પદોમાંથી સારી પેઠે મળી આવે છે. પ્રેમની નિર્મળ જ્યોતિથી રામી (રામમણિ) ધોબણે પોતાના ચરિત્રને ધોયું હતું.