રૂપસુંદરી અને બીજા સ્ત્રીરત્નો/રૂપસુંદરી
← લલ્લાવદી | રૂપસુંદરી અને બીજા સ્ત્રીરત્નો રૂપસુંદરી શિવપ્રસાદ દલપતરામ પંડિત |
જયશિખરીની રાણીઓ → |
९६–रूपसुंदरी
ઇo સo સાતમા સૈકાના પાછલા ભાગમાં આ૫ણી ગરવી ગુજરાત ઉપ૨ જયશિખરી નામનો ચાવડા વંશનો રાજા રાજ્ય કરતો હતો. તેની રાજધાની પંચાસર નામના નગરમાં હતી. પંચાસર કચ્છના રણની પાસે વસેલું હતું, જયશિખરી ઘણો પ્રતાપી, ચતુર અને વીર પુરુષ હતો. પોતાના રાજ્યનો વહીવટ એણે ઘણી સારી રીતે કર્યો હતો અને તેને પરિણામે તેનું રાજ્ય ઘણી સમૃદ્ધ સ્થિતિમાં હતું. ધનધાન્ય, મણિમાણિક્ય તથા સુવર્ણ વગેરેથી ગુર્જરાધીશના ભંડાર એ સમયે ભરપૂર હતા; વળી રાજા જયશિખરીના રાજભવનમાં એક અપૂર્વ રત્ન હતું. એ રત્ન તે રાજા જયશિખરીની ધર્મ પત્ની–મુલતાનની રાજકન્યા રાણી રૂપસુંદરી હતી. રૂપસુંદરીમાં નામને અનુરૂપજ ગુણ હતા. તેનું રૂપ નિઃસંદેહ અતિ સુંદર અને દિવ્ય હતું; તે ઉપરાંત તેનામાં શુરાતન, સહનશીલતા, બુદ્ધિચાતુર્ય આદિ ઉત્તમ ગુણ પણ હતા.
રાજા જયશિખરી જે સમયમાં આપણા ગુજરાતમાં રાજ્ય કરી રહ્યો હતો, તેજ અરસામાં એટલે કે વિ. સં. ૭૫૨ અને ઈ. સ. ૬૯૬ માં કલ્યાણકટક નામના નગરમાં ભુવડ નામનો રાજા રાજ્ય કરતો હતો. કલ્યાણકટક નગર દક્ષિણ ભારતવર્ષમાં આવેલું કલ્યાણ નગર હોય એમ ઈતિહાસવેત્તાઓનું માનવું છે. રાજા ભુવડ પણ ઘણોજ પ્રતાપી હતો. તેણે પોતાનું સામ્રાજ્ય ઘણે દૂર સુધી પ્રવર્તાવ્યું હતું. આસપાસના ઘણા મુલકો રાજા ભુવડના ઝંડાતળે આવી ચૂક્યા હતા. જે રાજ્યો સીધી રીતે તેના રાજ્યમાં ખાલસા નહોતાં થઈ ગયાં તે રાજ્યોએ ભુવડને ખંડણી આપીને તેનું ઉપરીપણું સ્વીકાર્યું હતું. એ સમયના પ્રસિદ્ધ રાજાઓમાંથી ફક્ત ગુજરાતનો રાજા જયશિખરીજ તેના તાબામાં નહોતો આવ્યો. કોઈનું પણ શરણ લીધા વગર રાજા જયશિખરી સ્વતંત્રપણે ગુજરાતમાં શાસન કરી રહ્યો હતો.
કલ્યાણનો રાજા ભુવડ વિદ્યાનો પણ રસિક હતો. તેના દરબારમાં દૂર દેશાવરથી વિદ્વાનો અને પંડિતો આવતા તથા સાહિત્ય અને કળાની ચર્ચા કરી સારૂં ઈનામ મેળવીને સંતોષપૂર્વક ચાલ્યા જતા. એક દિવસે શંકર નામના કોઈ કવિએ ભુવડના દરબારમાં જઈને પોતાની પ્રતિભાયુક્ત કવિતામાં ગુજરાતની ઘણી પ્રશંસા કરી. ગુજરાતની ભૂમિ એ વખતે ઘણી રસાળ હતી. લોકો આબાદ હાલતમાં હતા. લક્ષ્મીની રેલંછેલ ગુજરાતનાં નગરોમાં થઈ રહી હતી. લોકો સુશીલ અને શાંત હતા, એવા દેશની પ્રશંસા એક નિપુણ કવિની મધુર અને અસરકારક વાણીમાં રાજા ભુવડના સાંભળવામાં આવવાથી ગુજરાતને માટે તેના મનમાં મોહ ઉત્પન્ન થયો. અધૂરામાં પૂરું કવિ શંકરે ગુર્જરેશ જયશિખરીની રાણી રૂપસુંદરીના રૂપ અને ગુણનાં પણ વખાણ કર્યાં, વળી રાજા ભુવડ વિદ્યાનો વ્યસની હોવાથી તેણે એ પણ જણાવ્યું કે, “ગુજરાત આખી પૃથ્વીનું તત્ત્વ છે. ત્યાં સરસ્વતીનો નિરંતર વાસ છે. મેં મારી વિદ્યા પણ એ દેશમાંથી મેળવી છે.”
કવિ શંકરની વાણીએ રાજા ભુવડના હૃદય ઉપર ઘણીજ ઉોંડી અસર કરી, તેણે ગુજરાત તથા ગુજરાતની રાણી રૂપસુંદરીના સ્વામી બનવાનો સંકલ્પ કર્યો. એ સંકલ્પને સાધવા માટે રાજા ભુવડે પોતાના શૂરા સામંતો સાથે જયશિખરીના રાજ્ય ઉપર ચડાઈ કરી. આ યુદ્ધના પરિણામ સંબંધે ૨ાણી રૂપસુંદરીના મનમાં ઘણી શંકાઓ ઉત્પન્ન થઈ, ભુવડના મોટા સૈન્ય આગળ પોતાના પતિનું બળ ચાલી શકે નહિ અને રખે એ યુદ્ધમાં રાજા જયશિખરીનો કાળ આવી જાય, એવી એવી અનેક શંકાઓ તેના પ્રેમાળ હૃદયને આકુળવ્યાકુળ કરી નાખવા લાગી. પ્રારંભમાં તેણે પતિને યુદ્ધમાં જવાની ના કહી; પણ જયશિખરીએ જણાવ્યું કે, “પ્રિયે ! ખરો રજપૂત યુદ્ધથી કોઈ પણ દિવસ ડરતો નથી. જીવતા શત્રુને શરણે જવું, પરાધીન રહીને સુખવૈભવ ભોગવવાં, તેના કરતાં દેશનો બચાવ કરતાં શત્રુઓના શસ્ત્રથી ઘાયલ થઈ, આ નશ્વર દેહને યુદ્ધક્ષેત્રમાં રણદેવીને સમર્પણ કરવો, એ સેંકડો દરજ્જે સારૂં છે, વહાલિ ! તમે સુશીલ છો, વીરપત્ની છો અને વીર ક્ષત્રિયની કન્યા છો. ક્ષાત્રધર્મ જાણ્યા છતાં પ્રેમના ક્ષણિક આવેશમાં આવી જઈને મને મારો ક્ષાત્રધર્મ બજાવતાં શા સારૂ રોકો છો ? યુદ્ધમાં વિજયી થઈશ તો પાછો આવીને તમને આલિંગન દઈશ. પાછાં આપણે સુખ અને વૈભવમાં જીવન વ્યતીત કરીશું; પણ ઈશ્વરને જો ગુજરાતના રાજ્યની સ્વાધીનતા જાળવી રાખવાનું પસંદજ નહિ હોય, તો દેવની ગતિને આધીન થઈ સ્વર્ગલોકમાં યથાસમયે તને મળવાની રાહ જોતો બેસીશ. આવે સમયે તારે ઉદાસ વૃત્તિને ધારણ કરવી ન જોઈએ.”
વીરાંગનાને માટે આટલા શબ્દો પૂરતા હતા. રૂપસુંદરીને પોતાની દુર્બળતાનું ભાન થયું. તેણે ઘણા પ્રેમપૂર્વક રાજા જયશિખરીને રણક્ષેત્રમાં જવાની રજા આપી, એટલું જ નહિ પણ યુદ્ધમાં મરણિયા થઈને લડવાને રાજાને ઉત્સાહિત કર્યો.
રાજા જયશિખરી પત્ની રજા લઈને યુદ્ધક્ષેત્રમાં ગચો. ત્યાં એ ભુવડના અસંખ્ય સૈન્ય સાથે વીરતાથી લડ્યો, પરંતુ દેવ સાનુકૂળ નહિ હોવાથી એ યુદ્ધમાં સફળ થવાનાં કોઈ ચિહ્ન રાજા જયશિખરીને જણાયાં નહિ. રાજા જયશિખરીનો સાળો—રાણી રૂપસુંદરીનો ભાઈ શરપાળ પણ તેની સાથે યુદ્ધમાં હતો. રાજા જયશિખરીએ શૂરપાળને પોતાની પાસે એકાંતમાં લાવીને કહ્યું: “શૂરપાળજી ! આ યુદ્ધનું પરિણામ આપણા લાભમાં ઊતરે એવો સંભવ જણાતો નથી. હું તો આ રણભૂમિમાંજ કામ આવીશ, પણ મને આ વખતે તમારી બહેનનો વિચાર આકુળવ્યાકુળ કરી રહ્યો છે. એ આ વખતે સગર્ભા છે. એને હવે મહેલમાં રહેવા દેવી, એ જરા પણ સલાહભરેલું નથી. તમારા ઉપર મારો પૂર્ણ વિશ્વાસ છે. તમે જઇને એને કોઈ ગુપ્ત સ્થાનમાં મૂકી આવો, કે જેથી એ નિર્ભયપણે રહી શકે. એના ગર્ભમાંથી પુત્ર જન્મશે તો ચાવડા વંશનું નામ ઊભું રહેશે અને કોઈ પણ દિવસે મારી વહાલી ગુજરાતનો ઉદ્ધાર થવાનો સંભવ રહેશે. અત્યારે રાણી રૂપસુંદરીનું અને તેના ભાવી બાળકનું રક્ષણ કરવાની ઘણીજ જરૂર છે; અને એ કાર્ય તમારા વગર બીજા કોઈથી પાર ઊતરે એમ નથી.જાઓ ! સિધાવો ! અને વેળાસર યોગ્ય વ્યવસ્થા કરો !”
રાજાની આજ્ઞા મળતાંવારજ શૂરપાળ રાજભુવનમાં ગયો અને રાજાની ઈચ્છાનુસા૨ રૂપસુંદરીને લઈને વનમાં ચાલ્યો ગયો. રસ્તામાં જ્યારે રૂપસુંદરીને શૂરપાળના ઉદ્દેશની ખબર પડી ત્યારે તેણે ભાઈને ઘણો ઠપકો આપીને કહ્યું: “ભાઈ ! તમે આ કેવો અનર્થ કરી રહ્યા છો ! હું પ્રાણ જતા સુધી પ્રાણનાથનો સાથ છોડવાની નથી. સુખમાં તેમની સાથી રહી છું તો આ સંકટના સમયમાં પણ તેમની સાથીજ રહીશ. તમે મને રણક્ષેત્રમાં લઈ જાઓ. ભુવડને પણ જોઈ લેવા દો કે ગુજરાતની રાણી કેવી રીતે તલવાર ચલાવે છે. ભાઈ ! તમે મને રોકશો નહિ. પ્રાણનાથ રણક્ષેત્રમાં ચુદ્ધ કરી રહ્યા છે અને તમે મને પ્રાણ બચાવવા ખાતર નાસી જવાની સલાહ આપી રહ્યા છો, એ કેટલું અનુચિત છે ? જીવન અને મૃત્યુમાં સ્વામીની સહધર્મિણી થવું એજ સ્ત્રીનું પરમ કર્તવ્ય છે. ન કરે નારાયણ ને પતિદેવ વીરશય્યામાં શયન કરશે, તો હું પણ તેમને મારા ખોળામાં લઈને ચિંતામાં આરોહણ કરી ભસ્મરૂપ થઈ જઈશ. આ દેહનું સાર્થક એમાં છે. એથી વિપરીત આચરણ કરવામાં મારી જાતને તથા આપણા વીરકુટુંબની પ્રતિષ્ઠાને કલંક લાગે એમ છે, શૂરપાળ ! આપણા દેશના પ્રાચીન ઈતિહાસો તેં નથી સાંભળ્યા ? સીતા, શૈવ્યા અને દ્રોપદી જેવી સતીઓએ પતિની ખાતર કેટકેટલાં સંકટ વેઠવ્યાં છે, તેનો વિચાર કર. ભાઈ ! તું પણ તારી બહેનને ક્ષાત્રધર્મ બજાવવા રણભૂમિમાં જવા દે.”
શૂરપાળે ઉત્તર આપ્યો “બહેન ! તારૂં કહેવું અક્ષરે અક્ષર સત્ય છે. તારા જેવી કન્યા મારા કુળમાં જન્મ પામ્યાથી મારા કુળનું ગૌરવ વધી ગયું છે, એમ હું માનું છું, ક્ષત્રિયબાળાના મુખમાંથી જે વચનો નીકળવાં જોઈએ તેજ વચનો તારા મોંમાંથી નીકળી રહ્યાં છે. તારા વિચારોની કાંઈક કલ્પના મેં પહેલેથીજ કરી હતી અને એટલા સારૂ મેંજ તારી તરફથી મહારાજા સાથે ઘણો વાદવિવાદ કર્યો હતો, પણ આખરે ઘણો ઊંડો વિચાર કરીને મહારાજાએ મને આજ્ઞા આપી છે કે, મારે તને ગુપ્તપણે કોઈ નિર્ભય સ્થાનમાં મૂકી આવવી. વધારે વિચાર કર્યાથી મને પણ મહારાજાની આજ્ઞા ઉચિત લાગે છે. તું પણ જરા સ્વસ્થ ચિત્તે એ સંબંધી વિચાર કરીશ તો તને જણાશે કે મહારાજાની આજ્ઞા ઘણી દૂરદર્શી અને સમયોચિત છે. સમય અને સ્થિતિને ધ્યાનમાં લઈ, ભવિષ્યનો વિચાર કરી, બુદ્ધિમત્તાથી ચાલવું, એ જ સુશિક્ષિત રજપૂતાણીનું કર્તવ્ય છે.”
ચતુર રૂપસુંદરીના હૃદયમાં ભાઈનો બોધ એકદમ ઊતરી ગયો. મહારાજ જયશિખરીની અંતિમ ઈચ્છાનું રહસ્ય એ સમજી ગઈ કે, “મારા ગર્ભમાં ઈશ્વરકૃપાએ પુત્ર જન્મશે તો એ કોઈ દિવસ ગુર્જર દેશનો શત્રુઓના હાથમાંથી ઉંદ્ધાર કરશે તથા ચાવડા વંશનું નામ ઉજ્જવળ કરશે.”
શાંત ચિત્તે રૂપસુંદરી ભાઈ શૂ૨પાળની સાથે વનમાં ગઈ. થોડે દૂર ગયા પછી તેણે શૂરપાળને પણ સ્વામીને સહાય કરવા સારૂ રણક્ષેત્રમાં મોકલી દીધો. સગર્ભા રૂપસુંદરી એકલી એ વનમાં ચાલવા લાગી. ચાલતાં ચાલતાં એ ભીલોના નિવાસસ્થાન આગળ આવી પહોંચી. એક ભીલડીએ તેના ઉપર દયા આણીને તેને પોતાના ઝુંપડામાં આશ્રય આપ્યો. એ ભીલડી રાણી રૂપસુંદરીને સારૂ કંદમૂળ તથા ફળફળાદિ આણી આપતી. રાજવૈભવમાં ઉછરેલી રાણી રૂપસુંદરી એ સાદા ખોરાકને પણ ઘણો આનંદ અને સંતોષપૂર્વક ખાતી તથા પોતાને આશ્રય આપવા સારૂ એ ભીલડીનો વારંવાર આભાર માનતી. એ ભીલડીના ઘરમાંજ રાણી રૂપસુંદરીને પ્રસવ થયો. સંવત ૭૫૨ ની વસંતઋતુમાં વૈશાખ સુદ ૧૫ ને દિવસે સૂર્યોદય સમયે રાણી રૂપસુંદરીના ગર્ભમાંથી એક પુત્રરત્ને જન્મ લીધો. એ ભીલડીના ઘરમાંજ એ બાળકનું લાલનપાલન થયું. વનમાં જન્મ થવાથી એ પુત્રનું નામ વનરાજ રાખવામાં આવ્યું. વડના ઝાડ નીચે એક ટોપલીમાં વનરાજ હીંચવા લાગ્યો. જે કુમારનો પિતા આખા ગુજરાતના વિશાળ રાજ્યનો રાજા હતો, તે કુમારની આજે આ દશા ! ક્યાં એ રાજા ! કયાં એ રાજવૈભવ ! રત્નજડિત સોનાના પલંગ ઉપર શયન કરનારી પટરાણીને આજે એક કંગાલ ભીલડીના ઝૂંપડામાં સૂવા વારો આવ્યો !! મખમલની તળાઈઓમાં અથવા રત્નમાણિક્યજડિત સુંદર હીંડોળામાં હીંચનાર, દાસીઓના હાથમાં ખમા ખમા થનાર કોમળ રાજકુમાર આજે ઝાડની નીચે સૂઇ રહૃાો હતો !! કાળનું ચક્ર એવુંજ છે, એ ઘડીમાં રાજાને રંક અને રંકને રાજા બનાવી દે છે. સાધારણ મનુષ્યો એવા સંકટના સમયમાં ધૈર્ય ખોઈ બેસે છે, પણ રાણી રૂપસુંદરીએ પોતાનું ધૈર્ય ચળવા દીધું નહિ, પૂર્ણ શાંતિથી દુઃખના દહાડા એણે ગુજાર્યા.
વનરાજ છએક મહિનાનો થયો એવામાં શીલગુણસૂરી નામનો એક જતિ એ ભીલડીના ઝૂંપડા આગળ આવી પહોંચ્યો. તેણે એ વડની ડાળી નીચે કપડાના ખોયામાં વનરાજને હીંચતો જોયો. બાળકનું રૂપ જોઈને જતિ મુગ્ધ થઈ ગયો અને તેને પોતાની સાથે લઈ જવાનો નિશ્ચય કર્યો. રાણી રૂપસુંદરીએ તેને પરપુરુષ જાણીને પ્રથમ તો કાંઈ વાતચીત ન કરી, પણ જ્યારે એ સાધુની સુશીલતા સંબંધે તેને ખાતરી થઈ ત્યારે તેણે તેને પોતાનો ખરો પરિચચ આપ્યો. જતિએ રાજા જયશિખરીના મૃત્યુના સમાચાર રાણીને આપ્યા. એ સમાચારથી રાણીને અત્યંત ખેદ થયો, પણ જતિ શીલગુણસૂરિના આશ્વાસનથી તેને કાંઈ ધૈર્ય આવ્યું. યતિએ તેને કહ્યું: “બહેન ! તમે રાજાનાં રાણી છો. તમારે આમ જંગલમાં રહેવું ન ઘટે, તમે મારી સાથે ચાલો. હું તમને મારાં સગાંબહેન તરીકે ગણીને રાખીશ.” રાણી રૂપસુંદરીને તેના વચન પર વિશ્વાસ બેઠો અને તે જૈન યતિના આશ્રયે જઈને વસી. યતિજીએ પોતાના વચનનું અક્ષરશઃ પાલન કર્યું. તેણે રાણી રૂપસુંદરીનો સગીબહેનની પેઠે સત્કાર કર્યો તથા રાજકુમારને પણ યોગ્ય વિદ્યા આપી. થોડા સમય પછી શૂરપાળ પણ ત્યાં આવી પહોંચ્યો અને બહેન તથા ભાણેજને સુખી જોઈને ઘણો પ્રસન્ન થયો.
રૂપસુંદરીએ વનરાજને ઉત્તમ શિક્ષણ આપ્યું અને વીરત્વનો મહિમા તથા રાજધર્મસંબંધી ઉત્તમ બોધ આપી યથાસમયે પિતાનું વેર લેવાને તેને પ્રેર્યો. વનરાજ ઘણોજ પરાક્રમી યુવક નીવડવ્યો. તેણે પિતાના શત્રુનો પરાજય કરીને વિક્રમ સંવત ૮૦૨, ઈ૦ સ૦ ૭૪૬ માં ગુજરાતની રાજગાદી મેળવી.
રૂપસુંદરીએ પુત્રને રાજ્ય મળ્યા પછી, પોતાને આશ્રય આપનાર તથા મદદ કરનારની યોગ્ય કદર કરી વનરાજ જેવા વીરપુત્રને જન્મ આપ્યાથી રૂપસુંદરી ‘રત્નગર્ભા’ ઉપનામને પાત્ર થઇ છે.
વનરાજની માતાના નામ સંબંધી તથા તેને આશ્રય આપનાર સાધુના નામ સંબંધી ઈતિહાસવેત્તાઓમાં મતભેદ છે. મોઢેરા બ્રાહ્મણોના પુસ્તકમાં વનરાજની માતાનું નામ છત્તા (અક્ષતા) જણાવ્યું છે અને તેને કોઈ બ્રાહ્મણે આશ્રય આપ્યો હતો એમ કહે છે. પોતાની યુક્તિના ટેકામાં બ્રાહ્મણો એવી દલીલ રજૂ કરે છે કે જૈન સાધુઓનો ધર્મ એવો છે કે તેમનાથી વનમાં રાણીને આશ્રય આપી શકાય નહિ; પરંતુ એ વિવાદગ્રસ્ત બાબતે સાથે આપણા ઉદ્દેશને કાંઈ સંબંધ નથી. વનરાજની માતાના સદ્ગુણો સંબંધે સર્વેનો એકમત છે અને એ સદ્ગુણોજ સ્ત્રીઓને અનુકરણ કરવા યોગ્ય છે.