રૂપસુંદરી અને બીજા સ્ત્રીરત્નો/લાહિની

વિકિસ્રોતમાંથી
← મણયલ્લદેવી રૂપસુંદરી અને બીજા સ્ત્રીરત્નો
લાહિની
શિવપ્રસાદ દલપતરામ પંડિત
રાણકદેવી →


१२०–लाहिनी

જપૂતાનામાં આવેલા સિરોહી રાજ્યમાં વસંતગઢ નામનું એક પ્રાચીન સ્થાન છે. એને કેટલાક લોકો વસંતપુર પણ કહે છે. સાધારણ લોકોમાં એ સ્થાન ‘વાંતપરાગઢ’ ના નામથી પ્રસિદ્ધ છે. પહેલાંના સમયમાં ત્યાં આગળ પરમાર રાજાઓનું રાજ્ય હતું.

ઇસવીસન ૧૦૪૨ ની લગભગમાં ત્યાં આગળ પૂર્ણપાલ નામનો એક રાજા રાજ્ય કરતો હતો. લાહિની એ પૂર્ણપાલ રાજની નાની બહેન હતી. તેનું લગ્ન વિગ્રહરાજ સાથે થયું હતું. તે બાલ્યાવયમાં વિધવા થઈને પોતાના ભાઈને ઘેર ચાલી આવી હતી.

ભાઈને ઘેર આવ્યા પછી ધર્મસાધન અને ઈશ્વરભક્તિામાં તેણે ચિત્ત પરોવ્યું હતું. તેનો પૂરો ઇતિહાસ મળી આવતો નથી, પણ એટલું જાણવામાં આવ્યું છે કે તેણે વસિષ્ઠપુરમાં રહીને સૂર્યદેવના તૂટી ગયેલા મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો તથા લોકોને પાણી પીવા માટે એક વાવડીનો પણ જીર્ણોદ્ધાર કરાવ્યો હતો, એ વાવડી હજુ પણ લાહિનીના ઉપરથી “લાણવાવ” (લાહિનીવાપી) કહેવાય છે. એ વાવડીના શિલાલેખ ઉપર પરમાર રાજાઓની વંશાવળી આપવામાં આવી છે.

લાહિનીનું જે થોડું ઘણું વૃત્તાંત મળી આવે છે, તે ઉપરથી સ્પષ્ટ જણાઈ આવે છે કે એ ધાર્મિક અને પરોપકારી વૃત્તિની સ્ત્રી હતી.