રૂપસુંદરી અને બીજા સ્ત્રીરત્નો/શિલા ભટ્ટારિકા

વિકિસ્રોતમાંથી
← વિજ્જકા રૂપસુંદરી અને બીજા સ્ત્રીરત્નો
શિલા ભટ્ટારિકા
શિવપ્રસાદ દલપતરામ પંડિત
જસમા ઓડણ →


११७–शीला भट्टारिका

નદેવના સુભાષિતમાં એનું નામ લેવામાં આવે છે. ભોજદેવના દરબારને શોભાવતી કવિમંડળીમાં એ હતી એવી દંતકથા પ્રચલિત છે. એક શ્લોકનો પૂર્વાર્ધ ભોજરાજે રચેલો અને ઉત્તરાર્ધ શીલાએ રચેલો મનાય છે. એ શ્લોકને ભર્તૃહરિ શતકમાં પણ સ્થાન મળ્યું છે એટલે વાસ્તવિક હકીકત કળવાનું કામ સહેલું નથી.

શીલા પરમવિદુષી અને સંસ્કારી કવયિત્રી હતી, રાજશેખર કવિએ એની ઘણી પ્રશંસા કરી છે. એ લખે છે કે, “શબ્દ અને અર્થને એક સરખી રીતે ગૂંથ્યાં હોય એને પાંચાલિ રીતિ કહે છે – જો તે શીલા ભટ્ટારિકાની વાણીમાં કે બાણની ઉક્તિમાં હોય તો.”

આવી પ્રસિદ્ધ અને વખણાયેલી નારીની કવિતાનો પરિચય નીચેના શ્લોકમાંથી મળે છે. “હે દૂતિ! તું જુવાન છે અને તે યુવક ચપળ છે, દિશાઓ અંધકારથી કાળી છે, સંદેશો રહસ્યવાળો છે, વળી સંકેતસ્થાન જંગલમાં છે; માટે ફરી ફરીને કહું છું કે આ વસંત પવન મનને બીજી બાજુ લઈ જાય તો, હે નિપુણ દૂતિ ! તું ક્ષેમ સમાગમને માટે જા. દેવતાઓ તારું રક્ષણ કરો.”

બીજા શ્લોકનો ભાવાર્થ આ પ્રમાણે છે, “પ્રિયાના વિરહથી દુઃખી એવા મારા હૃદયમાં આજે ચિંંતાને સ્થાન મળ્યું છે, એમ સમજીને નિદ્રા મને છોડીને ચાલી ગઈ છે. ખરૂંજ છે કે કૃતઘ્નની ઉપાસના કોણ કરે ? ”