લખાણ પર જાઓ

રૂપસુંદરી અને બીજા સ્ત્રીરત્નો/સુલતાના રઝિયાબેગમ

વિકિસ્રોતમાંથી
← સતી નાગમતી રૂપસુંદરી અને બીજા સ્ત્રીરત્નો
સુલતાના રઝિયાબેગમ
શિવપ્રસાદ દલપતરામ પંડિત
દાઈ મનમેલ →


१३७–सुलताना रज़ियाबेगम

સૂર્ય, ચંદ્ર કે અગ્નિવંશ જેવાં પ્રતાપી રાજ્યકુળોથી શાસિત થયેલા આપણા દેશના ભાગ્યમાં ઈ. સ. ૧૨૦૬ થી ૧૨૮૮ સુધી ગુલામવંશના રાજાઓનો રાજ્યઅમલ ભોગવવાનું નિર્માણ થયું હતું ! ઐબક ઉર્ફે કુતુબુદ્દીન એ વંશનો સ્થાપક હતો. ઐબકને બાલ્યાવસ્થામાં ખુરાસાનની રાજધાની નિશાપુરમાં આણવામાં આવ્યો હતો. ત્યાં એક ધનવાન પુરુષે તેને ખરીદી લીધો અને ભણાવ્યો. એ શેઠના મૃત્યુ પછી એક બીજા વેપારીએ તેને ખરીદી લીધો અને તેની ચંચળતા જોઈને શાહબુદ્દીન ઘોરીને ભેટ આપ્યો. શાહબુદ્દીનની એના ઉપર ઘણી પ્રીતિ થઈ અને તે તેના ઉપર પુષ્કળ પ્રેમ રાખવા લાગ્યો. બાદશાહનનો તેના ઉપર ઘણો વિશ્વાસ હતો. બાદશાહે તેને યુદ્ધકળામાં અને રાજ્યપ્રબંધમાં કેળવ્યો અને આખરે એને હિંદુસ્તાનમાં પોતાના પ્રતિનિધિ તરીકે મોકલ્યો. ગિઝનીમાં શાહબુદ્દીન મહંમદ ઘોરીનું મરણ નીપજ્યા પછી કુતુબુદ્દીન પોતાને દિલ્હીનો સ્વતંત્ર બાદશાહ ગણવા લાગ્યો. પોતાના નામથી તેણે ખુત્બા પઢાવ્યા અને સિક્કા પણ પડાવ્યા; એટલું જ નહિ પણ સ્વર્ગવાસી બાદશાહનાં સગાંઓ સાથે લગ્ન સંબંધ બાંધ્યો. ગિઝનીના સૂબેદારની કન્યા સાથે પોતે લગ્ન કર્યું અને સિંધના સૂબેદારને પોતાની બહેન તથા અલ્તમશ નામના બીજા સરદારને પોતાની પુત્રી પરણાવી. આ પ્રમાણે દિલ્હીની ગાદી પચાવી પાડનાર ગુલામને ઉચ્ચ કુળના મુસલમાનો સાથે સંબંધ બાંધી કુળવાન બની જતાં વાર ન લાગી. કુતુબુદ્દીને પોતાના રાજ્યનો વિસ્તાર ઘણો વધાર્યો. એ એક સજ્જન, ન્યાયી અને ઉદાર બાદશાહ હતો.

કુતુબુદ્દીનને આરામ નામે એક પુત્ર હતો. ઈ. સ. ૧૨૧૦માં પોલો રમતાં રમતાં બાદશાહનું મૃત્યુ થયું, ત્યારે આરામશાહ એની ગાદીએ બેઠો, પણ આવડું મોટું સામ્રાજ્ય ચલાવવાની શક્તિ એનામાં નહોતી. એના અનેક સૂબાઓ પોતાના તાબાના પ્રાંત પચાવી પાડીને સ્વતંત્ર બનવા લાગ્યા. આવી સ્થિતિ જોઈને દિલ્હીના મુખ્ય સરદારોએ કુતુબુદ્દીનના જમાઈ અલ્તમશને દિલ્હી આવીને રાજ્યપ્રબંધ પોતાના હાથમાં લેવાની વિનંતિ કરી. અલ્તમશે આવી આરામશાહનો પરાજય કરી દિલ્હીનું રાજ્ય કબજામાં લીધું. અલ્તમશ સારા કુળમાં જન્મ પામ્યો હતો; પરંતુ મોટાભાઈએ તેને એક તુર્કને ત્યાં ગુલામ તરીકે વેચી નાખ્યો હતો. એ તુર્કે એના સોંદર્ય અને બુદ્ધિથી પ્રસન્ન થઈ એને સારૂં શિક્ષણ આપ્યું અને પુષ્કળ ધન લઈને કુતુબુદ્દીનને વેચ્યો. કુતુબુદ્દીને તેને ઈ○ સ○ ૧૧૯૬ માં ગ્વાલિયરનો કારભાર સોંપ્યો અને તેના ગુણ તથા સેવાથી પ્રસન્ન થઈ પોતાની પુત્રી પણ તેને પરણાવી. અલ્તમશે ઇ○ સ○ ૧૨૧૦ થી ૧૨૩૫ સુધી રાજ્ય કર્યું અને અનેક પ્રાંત જીતીને દિલ્હીની સત્તામાં વધારો કર્યો. ઈ○ સ○ ૧૨૩૬ માં એ પ્રતાપી બાદશાહનું મૃત્યુ થયું. તેની જગ્યાએ તેનો પુત્ર રૂકનુદીન ફિરોજશાહ ગાદીએ બેઠો. એ ઘણોજ દુર્ગુણી, વ્યસની અને જુલ્મી રાજા હતો. રાજા શિવપ્રસાદ ‘ઈતિહાસ તિમિરનાશક’ ગ્રંથમાં એના સંબંધમાં લખે છે કે, “એને તો રાતદિવસ ભાંડ અને વેશ્યાઓનું કામ હતું. નશો કરવો અને તમાશા જોવા એજ વિનોદ આઠે પહોર ચાલ્યા કરતો હતો. રાજ્ય માને ભરોસે છોડ્યું હતું. ખજાનો ખોટાં ખર્ચોમાં લૂંટાવી દેવામાં આવતો હતો. એની મા પણ ઘણી જુલમી હતી.” પ્રજા તેમજ સરદારો માતા અને પુત્રથી ત્રાસી ગયા, એમણે એ બન્નેને કેદ પકડ્યાં અને રૂકનુદ્દીનની બહેન ને બાદશાહ અલ્તમશની પુત્રી રઝિયાને સર્વાનુમતે રાજસિંહાસન ઉપર બેસાડી. ભારતના મુસ્લિમ ઇતિહાસમાં પ્રથમ વાર જ એક રમણીને રાજકર્મી થવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થયું. દિલ્હીના સિંહાસન ઉપર બિરાજનાર તો રઝિયા પહેલી અને છેલ્લી મહિલા હતી. અયોગ્ય રાજ્યકર્તાને લીધે રાજ્ય પર આવી પડેલી ઘોર આપત્તિ સમયે પ્રજા તેમજ સરદારોએ એક મતે રઝિયાને જ પસંદ કરી, એજ બતાવી આપે છે કે એ ઘણી સુયોગ્ય, વિદુષી અને રાજકાર્યકુશળ સ્ત્રી હોવી જોઈએ.

અલ્તમશ પોતે ઘણો સુંદર હતો. એટલે અપૂર્વ સૌંદર્ય તો રઝિયાને વારસામાં મળ્યું હતું, તે ઉપરાંત પિતાને એના ઉપર વિશેષ પ્રેમ હોવાથી એક રાજકુમારીને છાજે એવું ઉત્તમ પ્રકારનું શિક્ષણ એને મળ્યું હતું. ફારસી વ્યાકરણ પ્રમાણે રઝિયા સુલતાના કહેવાવી જોઈતી હતી; પરંતુ એ પોતાને સુલતાન (નર–જાતિના) શબ્દથી સંબોધાવું પસંદ કરતી હતી. પોતાના નામના સિક્કામાં એણે લખાવ્યું: “સુલ્તાને-આજમદીન અને દુનિયાની શોભા.” ફરિશ્તા પોતાના ઈતિહાસમાં લખે છે: “રઝિયામાં સારા રાજાઓના બધા ગુણોનો સમાવેશ હતો. તેનામાં કોઈ દોષ હોય તો તે એટલો જ હતો કે તે સ્ત્રી હતી. પણ એમાં એનો શો દોષ ? એને સ્ત્રી બનાવી એ દોષ તો વિધાતાનો હતો. ગુણવાન મનુષ્યોમાં પૂજવા યોગ્ય તો તેમના ગુણ છે; તેમનું સ્ત્રીપણું, કે પુરુષપણું નહિ. રઝિયા દિલ્હીની ગાદીને શોભાવવાને કેવી રીતે યોગ્ય હતી અને અલ્તમશે પોતાનાં અનેક સંતાનોમાંથી એનેજ એ કામને યોગ્ય શા સારૂ ગણી હતી તે સંબંધે કાંઇક કહીશું.

રઝિયાને વિદ્યાનો ઘણો પ્રેમ હતો. એ કુરાન સારી રીતે વાંચી તથા સમજી શકતી. એ ઉપરાંત સાહિત્યનો પણ એણે સારો અભ્યાસ કર્યો હતો. ફારસી ભાષામાં કવિતા પણ લખતી, દિલ્હીમાં કુતુબમિનાર નામનો જે આશ્ચર્યજનક અને સુંદર મિનારો છે, તે વાસ્તવમાં રઝિયાના પિતા અલ્તમાશના સમયમાં બંધાયો હતો. સંભવ છે કે બાદશાહ કુતુબુદ્દીનના સમયમાં તેનો આરંભ થયો હોય અથવા તો મૂળ યોજના એની હોવાથી કુતુબમિનાર નામથી પ્રસિદ્ધ થયેલ હોય. એ મિનારની પૂર્ણાહુતિ નિમિત્તે થયેલા સમારંભમાં વિદુષી રાજકન્યા હાજર હતી અને એમ કહેવાય છે કે એ પ્રસિદ્ધ સ્તંભ ઉપર કોતરેલા વાક્યની રચના રઝિયાએ પોતેજ કરી હતી.

ઈ. સ. ૧૨૨૬ માં દક્ષિણનાં સ્વતંત્ર રાજ્યોને હસ્તગત કરવાના ઉદ્દેશથી અલ્તમશ બાદશાહ દિલ્હીથી પોતાનું સૈન્ય લઈને નીકળ્યો. આ સવારીમાં તેને સંપૂર્ણ વિજય મળ્યો, પરંતુ એમાં એને છ વર્ષ વીતી ગયાં. પિતાની ગેરહાજરીમાં રાજકારભાર કોને સોંપવો એ એક મહત્ત્વનો પ્રશ્ન થઈ પડ્યો હતો. તે વખતે અલ્તમશના વયે પહોંચેલા વીસ પુત્રો વિદ્યમાન હતા. બાદશાહે દિલ્હી જઈને પોતાના તખ્ત પર રઝિયાને સ્થાપિત કરી અને સાભિમાન કહ્યું: “મારા વીસ પુત્રો આજે હયાત છે તો પણ રાજ્યનો બોજો તે સર્વને ભારે લાગશે; પરંતુ આ મારી કોમળ રઝિયાને તેનો લેશ પણ ભાર લાગનાર નથી. આ વીસ પુત્રોના અંગમાં જેટલું પાણી છે તે કરતાં આ પુત્રીમાં વિશેષ છે.” પિતાની ગેરહાજરીમાં તેણે એવા ઉત્તમ પ્રકારે રાજકારભાર ચલાવ્યો કે, લોકોએ તેના સંબંધમાં બાંધેલી શુભાશાઓ પૂર્ણ થઈ.

રઝિયા જોકે તરુણ હતી તોપણ તે પોતાની જવાબદારી સંપૂર્ણ રીતે જાણતી હતી. ન્યાય અને દયાપૂર્વક રાજ્ય ચલાવવાનો એણે નિશ્ચય કર્યો હતો. એની વૃત્તિ ઘણી ધાર્મિક હોવાથી, એ દરરોજ ઈશ્વરને પ્રાર્થના કરતી કે, “હે ખુદા ! મને બુદ્ધિ અને બળ આપ કે જેથી હું સત્કાર્યમાં પ્રવૃત્ત થાઉં અને મારા હાથમાં સોંપાયલી રૈયતનું કલ્યાણ કરૂં.” રઝિયાએ કોઈના ઉપર અન્યાય કે જુલમ નહોતો કર્યો. એના સુશાસનથી બધા પ્રસન્ન થતા; એટલે સુધી કે જેમનો હક્ક ડુબાડીને પિતાએ રાજ્યવહિવટ એને સોંપ્યો હતો, તે શાહજાદાઓ પણ બહેન ઉપર બહુ પ્રસન્ન હતા; કેમકે એમને પોતાનું પેન્શન વખતસર મળી જતું. ઇ. સ. ૧૨૩૨માં અલ્તમશ વિજય પ્રાપ્ત કરીને દિલ્હી પાછો ફર્યો ત્યારે રઝિયાએ રાજ્યનો બધો કારભાર એને સોંપી દીધો અને પોતે આજ્ઞાંકિત પુત્રી તરીકે મહેલમાં વસવા અને વિદ્યાધ્યયનમાં પોતાનો સમય ગાળવા લાગી.

પિતાના મૃત્યુ અને રૂકનુદ્દીનના પદભ્રષ્ટ થયા પછી એ સુલતાના બની. એણે ‘પડદા’નો ત્યાગ કરીને પુરુષની માફક જ રાજ્યતંત્ર ચલાવવા માંડ્યું.

રાજા શિવપ્રસાદ “સિતારે–હિંદ” નામના પોતાના ઈતિહાસમાં લખે છે: “એ દરરોજ બાદશાહની પેઠે કબા (ઝબ્ભો) અને તાજ પહેરીને તખ્ત ઉપર બિરાજીને દરબાર ભરતી હતી. મોં ઉપર નકાબ–ઘૂંઘટ કદી નાખતી નહિ અને શુદ્ધ ન્યાય આપીને લોકોની ફરિયાદ સાંભળતી હતી. યુદ્ધના સમયમાં એ બધી સેનાને મોખરે હાથી ઉપર સવાર થઈને જતી અને જાતેજ સૈન્યને ચલાવતી હતી. રાજ્યનો બધો કારભાર જાતે ચલાવતી, જેથી અમલદારોને કાંઈ અસાવધાની કરવાનો પ્રસંગ જ નહોતો મળતો. એણે કેટલાએ સારા અને નવા સુધારાઓ દાખલ કર્યા અને સારા કાયદાઓ ઘડ્યા હતા. બધાંને એ કાયદા પ્રમાણે ચલાવવાનો પ્રયત્ન કરતી હતી. ગરીબ અને દુઃખીઓ ઉપર તેને બહુ દયા આવતી હતી. એ ઘણી લાગણીપૂર્વક ન્યાય કરતી અને એક ઉદાર બાદશાહની પેઠે શાસન કરતી હતી.”

રાજસિંહાસન ઉપર કોઈ નિશ્ચિંત બેસી રહેવા પામતું નથી. દેખીતી રીતે રઝિયા સર્વની સંમતિથી ગાદીએ બેઠી હતી, પણ વાસ્તવિક એક પક્ષ એની વિરુદ્ધમાં પણ હતો. સ્ત્રીજાતિની યોગ્યતા ઉપર વિશ્વાસ ન રાખનાર એક વર્ગ બધા કાળમાં અસ્તિત્વ ધરાવતો રહ્યો છે. એ વર્ગ રઝિયા ગાદી ઉપર બિરાજીને પોતાના ઉપર શાસન ચલાવે એ સાંખી શક્યો નહિ. ધીમે ધીમે તેમની નાખુશીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરવા માંડ્યું. આ ઉમરાવોએ સૈન્ય એકઠું કરીને પદભ્રષ્ટ થયેલા બાદશાહના વઝીરને તેનો મુખ્ય સેનાધિપતિ બનાવી દિલ્હી પર સવારી કરી. આ લોકોના સૈન્યની આગળ રઝિયાના સૈન્યનો નિભાવ થઈ શક્યો નહિ, પરંતુ જે કાર્ય સૈન્યથી થઈ શક્યું નહિ તે રઝિયાએ પોતાના ચાતુર્યથી કર્યું. પોતાના શત્રુ પૈકી કેટલાક તેના માનીતા છે; એવો ભાસ ઉત્પન્ન કરી તે ઉમરાવોમાં પરસ્પર દ્વેષાગ્નિ સળગાવ્યો. આથી તેઓમાં પરસ્પર ફાટફૂટ થઈ અને તે સર્વે રઝિયાના તાબેદાર થયા. આ લોકો પૈકી જેમના તરફથી વિશેષ ઉપદ્રવ થવાનો સંભવ જણાયો તેને તેણે દેહાંતદંડ કર્યો અને ઈતરને પોતાના સ્વાભાવિક ઔદાર્યથી પોતાના કરી લીધા. આ પ્રકારે તેણે સર્વ રાજ્ય વિદ્રોહનો અંત આણ્યો અને જ્યાં ત્યાં શાંતિ પ્રસારી દીધી.

ત્યાર પછી બે વર્ષ પર્યંત તેનો રાજ્યકારભાર અત્યુત્તમ રીતે ચાલ્યો. રઝિયાનું રાજ્યનીતિચાતુર્ય શ્રેષ્ઠ પ્રતિનું હતું અને અંતસ્થ કારભારમાં પણ તેની દક્ષતા પ્રશંસાપાત્ર હતી. તે નિત્ય સુલતાનનો પોશાક પહેરી દરબારમાં બેસતી. સ્ત્રી જાતિનો પોશાક અને પડદો તેણે ત્યજ્યો હતો. તે પુરુષની પેઠે મસ્તક પર ટોપી પણ ધારણ કરતી હતી. અરજદારોની અરજ તે પોતે સાંભળતી અને કોઈ પણ પ્રકારનો આડપડદો રાખ્યા સિવાય ખુલે મોઢે હાથી પર બેસતી. તે પોતાનાં રાજ્યવ્યવસ્થાનાં કાર્યો અંતઃકરણની લાગણીપૂર્વક અને સદ્‌વિવેકબુદ્ધિપૂર્વક કરતી હતી.

ફિરોજશાહની કારકીર્દિમાં જે અંધાધૂધી પ્રસરી રહી હતી તે સર્વે નિર્મૂળ કરી તેણે સુવ્યવસ્થા સ્થાપી અને ઉત્તમ સુધારા કર્યા. જૂના કાયદાઓ દુરસ્ત કર્યા, મહત્વના મુકદ્દમાઓનો ફેંસલો કર્યો અને એકંદર રીતે રાજ્યવ્યવસ્થાનું કાર્ય એવા ઉત્કૃષ્ટ પ્રકારે કર્યું કે સર્વે જણને આ સ્ત્રી નથી, પરંતુ એકાદ ન્યાયી અને કાર્યકુશળ પાદશાહજ છે એમ લાગ્યું.

અત્યાર સુધી વિવાહ સંબંધી કાંઈ પણ વિચાર તેના મનમાં આવ્યો હોય એમ દેખાતું નથી, તે અલ્પવયસ્ક હતી ત્યારે તેનું સૌંદર્ય જોઈને અનેક પુરુષોના મન તેના પ્રતિ આકર્ષિત થયાં હતાં, પરંતુ આજ પર્યત કોઈને પણ તેણે ઉત્તેજન આપ્યું નહોતું. તે સિંહાસનારૂઢ થઈ ત્યાંસુધી એ બાબતમાં તેના મનની સ્પષ્ટ વલણ કયી તરફ હતું તે કાંઈ જણાતું નથી; પરંતુ તેના મનની આવી સ્થિતિ ઘણી વાર સુધી ટકી નહિ. રઝિયાની પાસે એક હબસી સરદાર ઘોડેસવારોનો નાયક હતો. આ સરદારના પ્રારંભના દિવસો ગુલામગીરીમાં ગયા હતા. તે રૂપમાં સુંદર, ચતુર અને રઝિયા જેવી સ્ત્રીનું મન હરણ કરે એવી યોગ્યતા ધરાવતો હતો; પરંતુ આ હલકા દરજ્જાના માણસ પર રઝિયાનું ચિત્ત ચોંટેલું જોઈ તેના અમીરઉમરાવોને ખોટું લાગ્યું. જ્યારે સુલતાના અશ્વારૂઢ થવાની હોય ત્યારે આ હબસી સરદાર તેને ઊંચકીને બેસાડતો હતો, એ સિવાય તેની સાથે કાંઈ વિશેષ ઘાડો સંબંધ નહોતો. પોતાની ઉજ્જવળ કીર્તિને કલંક લાગે એવું કોઈ પણ કૃત્ય તેના હાથથી થયું નહોતું. સુલતાના રઝિયાના અંગમાં સર્વ સદ્‌ગુણો વાસ કરતા હતા અને તેનું વર્તન સૂક્ષ્મ દૃષ્ટિથી જોનારને દૂષિત લાગતું નહોતું, એમ ફરિશ્તા કહે છે.

સુલતાનાનું મન આ હબસી સરદાર પર ચોટ્યું હતું એ વાત સત્ય છે. વખત જોઈ તેનો દરજ્જો વધારવો અને તેને પોતાનો પતિ કરી બન્નેએ રાજ્યસુખ અનુભવવું એ રઝિયાના મનનો વિચાર સર્વ લોકોને જણાઈ ચૂક્યો હતો, પરંતુ આ પ્રીતિનું પરિણામ સારૂં આવ્યું નહિ. પોતાના પ્રિયકરની યોગ્યતા વધારવા જતાં રઝિયાને પોતાને અનિષ્ટ પરિણામ ભોગવવું પડ્યું. તે સરદારને રઝિયાએ મુખ્ય સેનાપતિ અર્થાત્ અમીરઉમરાવની પદવી આપતાંજ સર્વ સરદારોએ તેની સામે ખુલ્લી રીતે બંડ કર્યું.

અલ્ટુનિયા નામનો તુર્કી સરદાર બંડ કરવાને પ્રથમ પ્રવૃત્ત થયો અને તેણે સૈન્ય એકત્રિત કર્યું. આ વાત સુલતાના રઝિયાના સાંભળવામાં આવી કે તરત જ તે પોતાનું પ્રચંડ સૈન્ય લઈને તેના પર હલ્લો કરવાને ગઈ, પરંતુ માર્ગમાં તેના પોતાનાજ સૈન્યે બંડ કર્યું અને તેના પ્રિયકર પેલા હબસી સેનાપતિને તેની સમક્ષજ ઠાર કર્યો. સૈન્યના આ કૃત્યથી સુલતાના રઝિયાને ઘણો ક્રોધ ચઢ્યો; પરંતુ તેના સરદારોએ પોતાના બચાવને માટે તેને કેદ કરી; એટલું જ નહિ પરંતુ તેની આજીજી પ્રતિ લક્ષ ન આપતાં તેને તેના શત્રુઓના હાથમાં સોંપી દીધી. પછી તે સરદારોએ રઝિયાના બંધુ બહેરામને સિંહાસન પર બેસાડયો. આ બહેરામ અત્યંત નીચ અને વિષયલંપટ હતો.

બેગમ તેના શત્રુના હાથમાં ગઈ એટલે તેમના સરદારને પોતે કેવું કૃત્ય કરે છે એ વાતનું બિલકુલ ભાન રહ્યું નહિ. અલ્ટુનિયાને તેની શોચનીય સ્થિતિ જોઈને દયા આવી અને તેણે તેને સ્વતંત્ર કરવામાં વાર લગાડી નહિ; એટલું જ નહિ પરંતુ તેનું સૌંદર્ય અને વર્તન જોઇને તેને એટલો આનંદ થયો કે તેણે પોતાનું અંતઃકરણ તેને અર્પણ કર્યું. તે તુર્કીસરદારનું શૌર્ય અને અનુપમ ઉદારતા જોઈને રઝિયા પણ તેના ઉપર મોહિત થઈ અને પરણવા કબૂલ થઈ. થોડા સમયમાં એ ઉભયનો લગ્ન સમારંભ મોટા ઠાઠમાઠ સાથે થયો.

પછી ભટીંડાના કિલ્લામાં બન્નેએ કેટલોક સમય ગાળ્યો. પછી તેમણે પોતાના મહત્ત્વના કાર્ય તરફ લક્ષ આપ્યું અને એક મોટું લશ્કર એકઠું કરીને રાજ્ય પાછું મેળવવા દિલ્હી ઉપર હુમલો કર્યો, પરંતુ બિચારી રઝિયા અને તેના સ્વામીનું કાંઈ વળ્યું નહિ. તેના સૈન્યે અપૂર્વ શૌર્ય બતાવ્યું પરંતુ શત્રુનું જોર વિશેષ હોવાથી તેને પાછું ફરવું પડ્યું. પાછળથી પણ એકાદ બે યુદ્ધ થયાં; પરંતુ પુષ્કળ માણસો નાશ પામ્યાં અને રઝિયા પોતાના પતિ સહિત શત્રુના હાથમાં સપડાઈ. તેમણે તેને અને તેના પતિને ઠા૨ મારી નાખ્યાં.

કૃતઘ્ની અને અભિમાની સરદારો રઝિયાની ઉદારતા, વીરતા, અને સુશાસનને એટલા જલદી ભૂલી ગયા ! રઝિયા એમની સામ્રાજ્ઞી હતી, એના ઉપર એમણે દયા બતાવવી જોઈતી હતી. અફસોસ !

રાજા શિવપ્રસાદ રઝિયાના મૃત્યુનું વૃત્તાંત આ રીતે લખે છે: “રઝિયા પુરુષના વેશમાં નાઠી હતી. રસ્તામાં સૂઈ ગઈ. એક ખેડૂત એના પોશાકની નીચે કસબ અને મોતીથી ભરેલી ચોળી જોઈ લીધી. તેણે જાણ્યું કે આ કોઈ સ્ત્રી છે. આથી તેને મારી નાખીને કપડાં ઉતારી લીધાં અને લાશ જમીનમાં દાટી દીધી.”

આમ કેવળ સાડાત્રણ વર્ષ રાજ્ય કરીને ઇ○ સ○ ૧૨૪૦માં રઝિયાના જીવનનો અંત આવ્યો. એ ટૂંક સમયના રાજ્યશાસનમાં પોતાના ઉચ્ચ ગુણોનો પરિચય આપતી ગઈ છે. મુસલમાની રિયાસતનો ઇતિહાસ લખનાર રા. રા. સર દેસાઈ એના સંબંધમાં નીચે પ્રમાણે લખે છે :—

“વાસ્તવિક રીતે રાજ્યકારભાર ચલાવવાને તે સમર્થ હતી; પરંતુ સ્ત્રી રાજ્ય કરે એ કલ્પનાજ તુર્કી લોકોને રુચી નહિ, તેથી તેનો નાશ થયો. આજ સુધી મુસલમાની અમલમાં ત્રણ સ્ત્રીઓએ રાજગાદી ભોગવી છે. એક આ રઝિયા અને બીજી શજારૂદર, ઈ. સ. ૧૨૫૦ માં ઈજિપ્તની રાણી હતી. એણે ધર્મયુદ્ધમાં ફ્રાન્સના નવમા લૂઇ (સેંટ લૂઈ)નો પરાભવ કર્યો હતો. ત્રીજી આબિશ ઈરાનમાં તેરમા સૈકામાં રાજ્ય કરતી હતી. દિલ્હીના તખ્ત ઉપર બેસનાર પહેલી રાણી રઝિયા હતી. ત્યાર પછી કોઈ નારી એ સિંહાસન ઉપર બેઠી નથી. ફક્ત મહારાણી વિક્ટોરિયાએ દિલ્હીમાં દરબારભરીને કૈસરેહિંદનો ખિતાબ ધારણ કર્યો હતો.”