રૂપસુંદરી અને બીજા સ્ત્રીરત્નો/હમીરમાતા ને હમીરપત્ની

વિકિસ્રોતમાંથી
← કોટારાણી રૂપસુંદરી અને બીજા સ્ત્રીરત્નો
હમીરમાતા ને હમીરપત્ની
શિવપ્રસાદ દલપતરામ પંડિત
સાધુપત્ની કર્મદેવી →


१४८–४९–हमीरमाता ने हमीरपत्नी

ચિતોડનો સંહાર થયાના થોડા દિવસ અગાઉ રાણા લક્ષ્મણસિંહનો જ્યેષ્ઠ પુત્ર અરિસિંહ મૃગયા રમવાને માટે આન્દાબા નામક એક જંગલમાં ગયો હતો. અરિસિંહ અને તેના અનુચરો એક સૂવરની પાછળ હથિયાર લઈને દોડ્યા. સૂવર એક જુવારના ખેતરમાં પેસી ગયું.

જંગલી પશુપક્ષીઓ આવીને ધાન્ય ખાઈ ન જાય એટલા માટે ખેડૂતો ખેતરમાં એક માળો બાંધીને તેમાં પહેરો ભરવા બેસે છે; તે જ રીતે એ ખેતરના માલિક–ખેડૂતની જુવાન કન્યા એ વખતે માળા ઉપર બેસીને પહેરો ભરતી હતી. સૂવર ખેતરમાં પેઠું હતું પણ રાજકુમાર અને તેના સોબતીઓ પણ તેની પાછળ ખેતરમાં પેસી જઈને દોડાદોડી કરી મૂકે, તો એના ખેતરને ઘણું જ નુકસાન થવાનો સંભવ હતો; તેથી એણે માળા ઉપરથી નીચે ઊતરીને અરિસિંહને કહ્યું: “રાજકુમાર ! આપ ખેતરમાં પેસીને મારૂં ધાન્ય બગાડશો નહિ. હું સૂવર મારી આપું છું.” બધા વિસ્મય પામી ગયા. ખેડૂતકન્યાએ જુવારની એક પૂળી કાપી સૂવરની આગળ નાખી અને પાછી હટી ગઈ. જ્યારે એ સૂવર ત્યાં આગળ આવ્યું, ત્યારે પોતાના તીરથી એને વીંધીને તરતજ રાજકુમારની પાસે લઈ ગઈ. કુમારીનું આ પુરુષાતન અને પરાક્રમ જોઈને બધા મુગ્ધ થઈ ગયા અને તેની ઘણી પ્રશંસા કરતા કરતા સૌ પોતપોતાને મુકામે ગયા.

તંબૂમાં ગયા પછી રાજપુત્ર અને તેના અનુચરો નદીને કિનારે સ્નાનસંધ્યા કરી રહ્યા હતા, એવામાં એક મોટો પથ્થર આવીને અરિસિંહના ઘોડાના પગ ઉપર પડ્યો. ઘોડો તરતજ જમીન ઉપર પડી ગચો. બધાએ તપાસ કરીને જોયું તો ખબર પડી કે ખેડૂતની કન્યા માળા ઉપરથી જાનવરોને હાંકવા માટે પથ્થર ફેંકી રહી હતી. તેમાંથી એક પથ્થરે આટલે દૂર આવીને ઘોડાનો પગ ભાંગી નાખ્યો હતો. ખેડૂતકન્યાના બળનું આ બીજું પ્રમાણ મળવાથી બધા રજપૂતો આશ્ચર્ય પામી ગયા. એ કુમારીને જ્યારે ખબર પડી કે પથ્થરે રાજકુમારના ઘોડાને ઘાયલ કર્યો છે, ત્યારે એ ઘણી શરમાઈ ગઈ અને ભયભીત થઈને રાજકુમાર પાસે જઈને બોલી: “રાજકુમાર ! મને ક્ષમા કરો. મારી ગફલતથી આપના ઘોડાને સખ્ત ઈજા થઈ છે. હું સ્ત્રીજાતિ છું. આપની પ્રજા છું. મારો અપરાધ મનમાં ન આણશો.”

અરિસિંહે હસીને કહ્યું: “ક્ષમા તો આપીશ, પણ તારી શક્તિ જોઈને અમે બધા છક થઈ ગયા છીએ. તારી બરાબરી કરી શકવાનું અમારામાંથી કોઈનું ગજું નથી. તારા જેવી બળવાન સ્ત્રીઓ મારા દેશમાં ઘણી હોય તો દરેકને હાથે ફેંકાયેલા પથ્થરથી મારા દશ દશ ઘોડાના પગ તૂટી જાય તો પણ હું પરવા ન કરૂં ! મને અફસોસ એટલોજ થાય છે કે અત્યારે તને ભેટ આપવા લાયક કોઈ વસ્તુ મારી પાસે નથી.”

ખેડૂતકન્યાએ કહ્યું: “રાજપુત્ર ! આપે મને ક્ષમા આપી છે, તથા આપની મારા ઉપર કૃપા છે, એજ મારે મનથી મોટું ઈનામ છે. મારે બીજું કાંઈ ઈનામ જોઈતું નથી. ગરીબ રૈયતનું સ્મરણ રાખો, એજ પ્રાર્થના છે.” રાજપુત્રને પ્રણામ કરીને ખેડૂતકન્યા પોતાને કામે વળગી.

અરિસંહ પોતાના સોબતીઓ સાથે રાજધાની તરફ જવા નીકળ્યો. રસ્તામાં પાછો એમને એ ખેડૂતકન્યા સાથે મેળાપ થયો. માથા ઉપર એક હાંલ્લું મૂકીને તથા બે હાથમાં બે ભેંસોની સાંકળ પકડીને એ ઘેર પાછી જતી હતી. રાજકુમારના સાથીઓમાંથી એક જણાના મનમાં વિચાર આવ્યો કે, આ છોકરીએ આજે અમને નીચું જોવડાવ્યું છે માટે હવે એને પણ જરા હંફાવવી જોઈએ. એમ વિચારીને એણે પોતાના ઘોડાને એવો પૂરપાટ દોડાવ્યો કે, એની ઠોકરથી ખેડૂતકન્યાના માથા ઉપરનું હાંલ્લું પડી જાય. ખેડૂતકન્યા પણ તેનો મનસૂબો સમજી ગઈ. એણે જરાક હસીને પોતાના હાથમાંની સાંકળ ઘોડાને એવા જોરથી મારી કે, એ કૌતુકપ્રિય રજપૂત ઘોડાસમેત નીચે પડી ગયો.

બધા ખડખડાટ હસી પડ્યા, રાજપુત્રના સોબતીએ બીજાની મશ્કરી કરતાં પોતાની જ ફજેતી કરાવી. એણે લંગડાતે લંગડાતે ખેડૂતકન્યાની પાસે આવીને કહ્યું: “તું જેવી તેવી સ્ત્રી નથી. તું અમારા શિકારી રાજકુમારની રાણી થા. તારે બીજું કાંઈ નહિ કરવું પડે. એમની સાથે ઘોડા ઉપર બેસીને શિકાર ખેલજે અને લડાઈમાં સાથે રહીને યુદ્ધ કરજે.”

ખેડૂતકન્યા શરમાઈને ત્યાંથી ચાલી ગઈ, પણ ખરેખર અરિસિંહની ઇચ્છા એ કન્યા સાથે લગ્ન કરવાની હતી. વીર પુરુષ વીરાંગનાની મર્યાદા જાણે છે. આવી વીર્યવતી સ્ત્રી ઉપર કયો વીર પુરુષ મોહિત ન થાય ? રાજકુમારે પોતાના સોબતીઓને જણાવ્યું હતું કે, “જો એ રજપૂત કન્યા હશે તો હું એને જરૂર પરણીશ.”

રાજપુત્રે રાજધાનીમાં જવાનું મુલતવી રાખીને, એ ગામમાં એ કન્યાના કુળ સંબંધી તપાસ કરી, તેને ખાતરી થઈ કે એ વીર બાલા ક્ષત્રિયકન્યાજ છે.

ખેડૂતને બોલાવીને રાજપુત્રે તેની આગળ વિવાહનું માગું કર્યું, પણ વૃદ્ધના મનમાં કોણ જાણે શી ધૂન ભરાઈ કે એણે એ વિનતી સ્વીકારી નહિ.રાજપુત્ર નિરાશ થઈ ચિતોડ પાછો ગયો.

વૃદ્ધે ઘેર જઈને પોતાની સ્ત્રીને બધી વાત કહી. રાજાના કુંવર જમાઇ થવા આવ્યા અને સ્વામીએ તેને જાણી જોઈને પાછો ઠેલ્યો, એ જાણીને એ સ્ત્રીએ ડોસાને ઘણોજ ધમકાવી નાખ્યો અને કહ્યું: “હમણાં ને હમણાંજ છોકરીને લઈને ચિતોડ જાઓ. રાજપુત્રને આગ્રહ કરીને આપણી છોકરી તેમની સાથે પરણાવો.”

વૃદ્ધને પણ પોતાની ભૂલને માટે પસ્તાવો થવા લાગ્યો અને એ કન્યાને લઈને ચિતોડ ગયો. કુમાર અરિસિંહ આવી પરાક્રમી પત્ની મળવાથી પોતાનું અહોભાગ્ય માનવા લાગ્યો. એ ખેડૂતકન્યાના ગર્ભમાં અરિસિંહના જયેષ્ઠ પુત્ર હમીરનો જન્મ થયો. અલાઉદ્દીનને હાથે જે વખતે ચિતોડના રાજ્યનો નાશ થયો તે વખતે હમીરનું વય ફક્ત બાર વર્ષનું હતું. એ સમયે એ પોતાની માતા સાથે મોસાળમાં હતો.

આવી પરાક્રમી માતાનો પુત્ર હમીર હીનવીર્ય હોય એ તો કદી બની શકે જ નહિ. એ હમીરેજ આખરે ચિતોડનો ઉદ્ધાર કરીને ફરીથી રાણાવંશની ત્યાં સ્થાપના કરી. જે પહાડી પ્રદેશમાં હમીરનું મોસાળ હતું, તેનું નામ કેલવાડા, રજપૂતાનાના પહાડી પ્રદેશમાં ભીલ નામની કાળા રંગની એક અનાર્ય જાતિ વાસ કરે છે. ભીલ લોકો સાહસ અને રણકૌશલ્યને માટે પ્રખ્યાત છે. ભીલ સરદારો મૂળથી રજપૂત રાજાઓની ઘણી વિશ્વાસુ અને વફાદાર પ્રજા છે. યુદ્ધ અને વિપત્તિમાં હમેશાં તેઓ રાજાને મદદ કરતા આવ્યા છે. આ કેલવાડા પ્રાંતમાં પણ ઘણા ભીલ સરદારો વસતા હતા. એ બધા ભીલો હમીરને રાણાનો વંશજ ગણીને ખૂબ માન આપતા હતા.

વાચકોને સ્મરણ હશે કે, અલાઉદ્દીનની સાથે છેવટના યુદ્ધ વખતે રાણા લક્ષ્મણસિંહે પોતાના એકના એક પુત્ર અજયસિંહને બીજે કંઈ મોકલાવી દઈ, તેને બદલે પોતે રણક્ષેત્રમાં પ્રાણ વિસર્જન કરીને ચિતોડની અધિષ્ઠાત્રી દેવીનો હુકમ પાળ્યો હતો. એ અજયસિંહે પણ કેલવાડા પ્રદેશમાં વાસ કર્યો હતો. કેટલાક પહાડી રજપૂત સરદારોએ તેની સાથે ટંટો કર્યો. એ લડાઈમાં અજયસિંહના બે પુત્ર આજિમસિંહ અને સુજનસિંહે તેને વિશેષ મદદ કરી નહિ, પણ તેના ભત્રીજા હમીરે શત્રુઓનું દમન કરીને તેમને સંતુષ્ટ કર્યા. તેના મુખ્ય શત્રુ મુંજ નામના સરદારનું મસ્તક કાપીને જ્યારે હમીર અજયસિંહની પાસે લઈ ગયો, ત્યારે તેણે મુંજના કપાયલા મસ્તકના લેાહીથી હમીરના કપાળમાં રાજતિલક કરીને હમીરનેજ રાણાવંશનો ઉત્તરાધિકારી જાહેર કર્યો.

ચિતોડ અને મેવાડની સમતલ ભૂમિ એ વખતે અલાઉદ્દીનના તાબામાં હતી. અલાઉદ્દીનના તાબામાં માલદેવ નામનો એક રજપૂત રાજા એ વખતે મેવાડ ઉપર રાજ્ય કરતો હતો; પણ હમીરે રાણાનો ખિતાબ ધારણ કરીને કેલવાડા અને તેની પાસેના પહાડી મુલકોમાં ભીલ સરદારોની મદદથી પોતાનું રાજ્ય વિસ્તારવા માંડ્યું; એટલા માટે માલદેવ અને હમીરની વચ્ચે ઘણી દુશ્મનાવટ ઉપન્ન થઈ.

પરંતુ આટલી શત્રુતા હોવા છતાં પણ માલદેએ પોતાની કન્યા હમીરને પરણાવવાની ઈચ્છા કરી. એ ઉદ્દેશથી તેણે હમીરની પાસે વિવાહના માગા સાથે નાળિયેર મોકલ્યું. હમીરના સ્નેહીઓએ નાળિયેર સ્વીકારવાની ઘણીએ ના કહી; છતાં હમીરે એનો સ્વીકાર કરીને કહ્યું: “આફત તો રાણાવંશીઓની હમેશની સાથી છે. તો પછી એનો ભય શો ? એક ક્ષણ માટે પણ બાપદાદાની રાજધાનીમાં જવાથી હું કૃતાર્થ થઇશ.”

વિવાહનો દહાડો નક્કી થયો. હમીર પાંચસો સવાર લઇને ચિતોડ ગયો. પણ ત્યાં આગળ વિવાહની કાંઈ તૈયારી નહિ જોતાં એ વિસ્મય પામ્યો. માલદેવ અને તેના પુત્રે તેમનો સત્કાર કર્યો અને તેમની રૂબરૂ જ તેમનો વિવાહ થઈ ગયો.

રાત્રે પિતૃગૃહમાં હમીર સૂતો હતો. નવવધૂ હમીરને પ્રણામ કરીને દૂર ઊભી રહી. હમીરે તેને પાસે આવવાનું કહ્યું. તેણે નીચે મોંએ કહ્યું: “મહારાણા ! દાસીને ક્ષમા કરો. સ્ત્રી તરીકે આપની શય્યામાં સૂઈ રહેવાને યોગ્ય હું નથી.”

હમીરે કહ્યું: “માલદેવ અમારા દેશના શત્રુ–પઠાણોને શરણે ગયા છે એ જાણવા છતાં પણ હું મારી ઈચ્છાથી તને પરણ્યો છું. સ્ત્રી ગમે તે કુળની હાય, ગમે તેની છોકરી હોય તો પણ સ્વામીના આદર અને સન્માનને તે પાત્ર છે. તો પછી તું આવાં વચન શા માટે બોલે છે ?”

માલદેવકન્યાએ કહ્યું: “મહારાણા ! પિતાની નીચતાને લીધે હું આખી જિંદગીને માટે લજ્જિત અને દુઃખી થઈ છું. પિતા પઠાણના તાબામાં છે તેથી હું તેમને દેશના શત્રુ ગણીને ધિક્કારૂં છું. મેવાડના ગૌરવરૂપ રાણાવંશીઓજ મારે માટે સદા પૂજ્ય છે. આપને પણ દેવતારૂપ ગણીને ઘણા સમયથી મારા હૃદયમાં પૂજ્યા કરતી હતી, એટલે આપના ચરણકમળ આગળ બેસીને આપની ચરણસેવા કરવાને માટે હું અયોગ્ય નથી; પણ એક બીજું કારણ છે કે જેને લીધે મહારાણાની રાણીના ગૌરવયુક્ત પદની હું અધિકારી છું કે નહિ, તે બાબતનો સંદેહ રહે છે. મહારાણા ! તમે વિચાર કરીને મારો સંશય નિવારો.”

હમીરે કહ્યું: “એ શું કારણ છે તે જાણ્યા વગર હું વિચાર કેવી રીતે કરી શકું ?”

માલદેવકન્યાએ કહ્યું: “મહારાણા ! હું વિધવા છું. હું સાવ નાની હતી ત્યારે મારૂં લગ્ન ભટ્ટી વંશના કોઈ સેનાપતિ સાથે થયું હતું. વિવાહ પછી થોડા વખતમાં એ સ્વામીનું મૃત્યુ થયું. વિવાહ સંબંધી તથા સ્વામી સંબંધી કોઈ વાત મને યાદ નથી. મારા પિતાએ દુશ્મનાવટને લીધે આપનું અપમાન કરવા સારૂં આપની સાથે પોતાની વિધવા કન્યાનો વિવાહ કરી દીધો છે. વિધવાના સંસર્ગથી રાણાવંશને કલંકિત કરવાનો તેમનો ઉદ્દેશ છે. વિવાહની અગાઉથી આ વાતની રખે કોઈને ખબર પડી જાય એમ ધારીને, એમણે પોતાનાં કોઈ સગાંસંબંધીઓને નિમંત્રણ કર્યું નહોતું એટલા માટે જ ચિતોડના રાજા હોવા છતાં પણ એમણે કાંઈ ધામધૂમ કરી નહોતી.”

હમીર સ્તંભિત થઈને બેસી રહ્યો. ક્રોધ અને અભિમાનને લીધે તેનું બધું અંગ કંપવા લાગ્યું. માલદેવે વિશ્વાસઘાત કરીને પોતાને ઘેર બોલાવી તેને મારી નાખવા યત્ન કર્યો હોત તો પણ તે આટલો બધો ગુસ્સે ન થાત.

પરંતુ પરણેલી સ્ત્રી, માલદેવકન્યા સામેજ ઊભેલી હતી. એ પરમ સુંદરી હતી. અતુલનીય સરળતા, ઉદારતા અને આત્મત્યાગનો મહિમા એ સૌંદર્ય ઉપર એક સ્વર્ગીય પ્રકાશ પાડી રહ્યો હતો. રમણીની સુલભ કોમળતામાં ચરિત્રની દૃઢતા અને તેજસ્વિતા ભળી જવાથી એ મુખ અપૂર્વ વિકસી રહ્યું હતું. હમીરે તેની તરફ ધારીને જોયું. જોતાંવારજ તેનો પ્રાણ મુગ્ધ થઈ ગયો. રોષ અને અભિમાનનો આવેગ ધીમો પડી ગયો. માલદેવકન્યાએ તેને ફરીથી કહ્યું: “મહારાણા ! મને અપરાધી ગણશો નહિ. વિવાહના મંત્રોજ ફક્ત ઉચ્ચારાયા છે, હજુ પણ આ હીન દેહના સ્પર્શથી આપના ચરણ કલંકિત થયા નથી. બધી વાત સાચેસાચી મેં આપને નિવેદન કરી છે. હમણાં ને હમણાંજ મારો ત્યાગ કરીને આપ આપના વંશને નિર્મળ અને નિષ્કલંકિત રાખી શકશો. આગલા વિવાહનું કે આગલા સ્વામીનું તો મને સ્મરણ પણ નથી. કુમારિકાની પેઠે મારૂં ચિત્ત નિર્મળ છે. હું પોતે આપને સ્વામી ગણીને મનમાં ને મનમાં આપની પૂજા કરવાની અધિકારી છું; એટલા માટેજ મેં એ વિવાહમાં વાંધો લીધો નહિ. મનમાં વિચાર્યું હતું કે આપને બધી હકીકત કહી દઈશ. જો આપ બધું સાંભળ્યા પછી પણ આપની ચરણસેવા માટે યોગ્ય ગણશો તો હું મારા જીવનને સફળ ગણીશ. જો તેમ નહિ કરો તો, સ્વામી તરીકે હૃદયમાંજ આપની માનસિક પૂજા કરવાનો મારો અધિકાર તો કોઇથી છીનવી શકાય એમ છેજ નહિ; એમાં પણ આ અભાગિણી તો સંપૂર્ણ સુખ અને ગૌરવ માનશે.”

હમીર એકદમ મુગ્ધ અને વિસ્મિત થઈ ગયો. પત્નીને આલિંગન દઈને તેણે કહ્યું: “તારા જેવી સરળ અને ઉદાર હૃદયની નારી ચિતોડના રાણાની રાણી થવા યોગ્ય છે. તારા જેવું રત્ન પ્રાપ્ત થયાથી રાણાવંશ ધન્ય થશે; કલંકિત થશે નહિ. માલદેવનો ઉદ્દેશ ગમે તેવો હશે પણ વસ્તુતઃ આવું રક્તદાન કરીને એ મારા ધન્યવાદને પાત્ર થયો છે.”

સ્વામીની પાસેથી આટલી ક્ષમા અને કૃપાની આશા માલદેવકન્યાએ રાખી નહોતી. આશા કરતાં પણ વધારે સુખ મળવાથી એ પ્રસન્નભાવે સ્વામીની છાતી ઉપર ઢળી પડી. પછી ધીમેથી એ બોલી: “મહારાણા ! રાણાવંશજોને ચિતોડમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે. ચિતોડના રજપૂતો પઠોણાના તાબામાં છે, એ વિચાર મને અસહ્ય થઈ પડ્યો છે. મારા પિતા પોતે ચિતોડના માલિક છે એ વિચારથી પણ મને ધીરજ વળતી નથી. આપ ફરીથી ચિતોડનો ઉદ્ધાર કરીને ચિતોડવાસીઓને પોતાના દેશમાંજ ગૌરવપૂર્વક વસાવો, એજ મારી અંતઃકરણની ઇચ્છા છે. સામાન્ય સ્ત્રી હોવા છતાં પણ આપની કૃપાથી આજ હું આપની સહધર્મિણી બની છું. એ મહાન પદનું કર્તવ્ય-પાલન કરવાની રજા દાસીને હવે આપ આપો છો ?”

હમીર બોલ્યો: “જરૂર રજા આપીશ. તારા જેવી જીવનસંગિની મળી છે તો હું નિશ્ચય ચિતોડનો ઉદ્ધાર કરી શકીશ.”

માલદેવકન્યાએ કહ્યું: “જાલ નામનો મારા પિતાનો એક વિશ્વાસુ નોકર છે. એ ઘણોજ ચતુર અને બહાદુર છે. રાજ્યરક્ષા અને રાજ્યપ્રબંધમાં આજે મારા પિતાને મુખ્ય મદદ આપે છે. આપ લગ્નની પહેરામણીમાં પિતાજી પાસેથી જાલને માગી લેજો. મારી ખાતરી છે કે જો એ આપના પક્ષમાં આવશે તો આપ જરૂર ચિતોડનો ઉદ્ધાર કરવામાં સમર્થ થશો.”

બીજે દિવસે પત્નીની સલાહ મુજબ હમીરે સસરા પાસેથી પહેરામણીમાં જાલને માગી લીધો. માલદેવ પણ જમાઈની વિનંતિ પાછી ઠેલી શક્યો નહિ.લગ્નના થોડાક દિવસ પછી, હમીર પત્નીને તથા વિશ્વાસુ નોકર જાલને લઇ કેલવાડા ગયો.

થોડા દિવસ પછી હમીરને એક ક્ષેમસિંહ નામનો પુત્ર થયો. એ પુત્રજન્મના ઉત્સવ પ્રસંગે માલદેવે કેલવાડા અને તેની પાસેનો પ્રદેશ દૌહિત્રને દાન કર્યો.

ચિતોડમાં ક્ષેત્રપાળ નામે એક દેવ પ્રતિષ્ઠિત હતા. પુત્રના કલ્યાણને માટે તેને ક્ષેત્રપાલ દેવતાને પગે લગાડવા જવું પડશે એમ કહીને પતિની રજાથી, જાલને સાથે લઈને હમીર–પત્ની ચિતોડ ગઈ. ચિતોડ ગયા પછી તેણે જોયું કે, માલદેવ અને તેના પુત્રો પોતાનું સૈન્ય લઈને કોઈ શત્રુની સામે યુદ્ધ કરવા ગયા છે. ચિતોડનો ઉદ્ધાર કરવાનો એ ઠીક અવસર હતો. જાલની સલાહ લઈને હમીરપત્નીએ ચિતોડમાં વસનારા મુખ્ય રજપૂતોને બોલાવીને કહ્યું: “રજપૂત વીરો ! હવે તમે કેટલા દિવસ પઠાણોના તાબામાં પડ્યા રહેશો ? તમે બધા મદદ આપો તો રાણાજી ચિતોડનો ઉદ્ધાર કરી શકે એમ છે. રજપૂત કોઈ દિવસ પરદેશીની અધીનતા સહન કરી શકતો નથી. સ્વદેશની સ્વાધીનતાને માટે, રજપૂત જાતિના ગૌરવના રક્ષણને માટે હજારો રજપૂત વીરોએ સમરક્ષેત્રમાં અને રજપૂત વીરાંગનાઓએ અગ્નિમાં પોતાના દેહ સમર્પણ કર્યા છે.

“જે પઠાણોના અત્યાચારથી બચવા માટે આપના બાપદાદાઓએ લોહીની નદીઓ વહેવરાવી છે અને આપની દાદીઓએ પવિત્ર દેહને અગ્નિમાં ભસ્મીભૂત કરી નાખ્યા છે, તે પઠાણોના તાબામાં આજ તમે નામર્દ થઈને શું મોં લઈને પડ્યા રહ્યા છો ? પરાધીન થઈને ભોગવિલાસમાં સમય ગાળતાં તમને શરમ નથી આવતી ? તમારા દેહમાં એજ ક્ષત્રિયનું લોહી વહેતું નથી ? તમારા પ્રાણમાંથી એ રજપૂતોની મહત્તા અને તેજસ્વિતાનો અંશમાત્ર પણ બાકી નથી રહ્યો ?

“જો આ પ્રમાણે આળસુ થઈને પરાધીનતાની બેડી પહેરી રાખવાનીજ તમારી મરજી હોય તો તમે તમારા વીર માતાપિતાના આત્માને દુભાવવાના દોષથી દૂષિત થશો. પઠાણોથી રક્ષિત, પઠાણોના તાબેદાર માલદેવ હમણાં ચિતોડમાં નથી; એટલે ચિતોડનો છુટકારો કરવાનો આ યોગ્ય અવસર આવી પહોંચ્યો છે. દેશને માટે, જાતીય ગૌરવને માટે તમને જરા પણ લાગણી હોય, પઠાણોની સાથે લડતાં લડતાં ઘાયલ થઈને સ્વર્ગમાં ગયેલા બાપદાદાઓ ઉપર જરા પણ શ્રદ્ધા હોય, તો ખરા રજપૂતની પેઠે દૃઢતાથી આજે ચિતોડનો ઉદ્ધાર કરવા તૈયાર થાઓ. રાણાજી સૈન્ય સાથે કેલવાડા તમારી રાહ જોઈ રહ્યા છે. તમે એમને મદદ આપવા તૈયાર છો, એવી ખબર મળતાં વારજ એ અહીં આવી પહાંચશે.”

રજપૂતોને વધારે લાંબો ઉપદેશ આપવાની જરૂર પડી નહિ, તરતજ એમણે વચન આપ્યું કે, “રાણા હમીર ચિતોડમાં પધારશે તો અમે બધા તેમને મદદ કરીશું.”

આ સમાચાર હમીરને પહોંચાડવામાં આવ્યા.

જરા પણ વિલંબ કર્યા વગર હમીર પોતાના લશ્કર સાથે ચિતોડ પહોંચ્યો. ચિતોડવાસી રજપૂત સરદારોની સહાયતાથી થોડાજ વખતમાં ચિતોડ હમીરના કબજામાં આવ્યું અને ફરીથી ચિતોડમાં રણા વંશનો અધિકાર સ્થાપિત થયો.

લક્ષ્મણસિંહ અને તેના અગિયાર પુત્રોના રક્તદાનથી ચિતોડની અધિષ્ઠાત્રી દેવીની રક્તપિપાસા શાંત કરવામાં આવી હતી, તેનું ફળ આજે આટલે બધે દિવસે મળ્યું.

હમીર સંવત ૧૩પ૭ (ઈ. સ. ૧૩૦૧) માં ગાદીએ બેઠો અને ૬૪ વર્ષ સુધી રાજ્ય કરીને ઈ. સ. ૧૩૬પ માં મૃત્યુ પામ્યો હતો.