રૂપસુંદરી અને બીજા સ્ત્રીરત્નો/સાધુપત્ની કર્મદેવી
← હમીરમાતા ને હમીરપત્ની | રૂપસુંદરી અને બીજા સ્ત્રીરત્નો સાધુપત્ની કર્મદેવી શિવપ્રસાદ દલપતરામ પંડિત |
સાધ્વી રૌશનાઆરા → |
१५०–साधुपत्नी कर्मदेवी
રાજસ્થાનના ઉત્તર ભાગમાં અરિન્ત નામના નાના શહેરમાં મોહિલ નામની એક રજપૂત જાતિ રહેતી હતી. એ નગરમાં મોહિલરાજ માણિકરાવ રાજ્ય કરતો હતો.
કર્મદેવી એ માણિકરાવની કન્યા હતી.
પુગલ નામનું એક બીજું નાનું શહેર હતું. ભટ્ટી વંશનો રાજા રણંગદેવ એ વખતે પુગલમાં રાજ્ય કરતો હતો. રણંગદેવનો પુત્ર સાધુ ઘણો બળવાન અને પરાક્રમી હતો. એક દિવસ પોતાના વીર સહચરોને લઇને એ કોઇ યુદ્ધમાંથી પાછો આવતો હતો, સિંધુ નદીના કિનારા સુધીનો બધો દેશ કુમાર સાધુના પ્રતાપથી કંપતો હતો. સાધુના વીરત્વની વાત ચારે દિશામાં પ્રસરી ગઈ હતી. વીરાંગના કર્મીદેવી સાધુની વીરતાની પ્રશંસા સાંભળીને મનમાં ને મનમાં તેના ઉપર આસક્ત થઈ.
મેવાડના રાણાઓ ગુહિલોત વંશના છે, એ કુળ સૂર્યવંશની એક શાખા ગણાય છે. મારવાડના રાઠોડો પણ સૂર્યવંશની એક બીજી શાખા મનાય છે. ૨જપૂતોમાં સિસોદિયા રજપૂતોનું કુળ સર્વશ્રેષ્ઠ ગણાય છે, ત્યાર પછી રાઠોડોનું કુળ છે. એ સમયમાં મારવાડના રાઠોડ રાજાઓની રાજધાની મુંદર નગરમાં હતી. પાછળથી જોધસિંહ નામના એક રાજાએ પોતાની રાજધાની જોધપુરમાં સ્થાપી હતી. મુંદરરાજ ચંડના પુત્ર અરણ્યકદેવ સાથે અરિન્તરાજ માણિકરાવની કન્યા કર્મદેવીની સગાઈ થઈ હતી. રાઠોડવંશમાં કન્યા આપ્યાથી પિતાની પ્રતિષ્ઠા વધશે એમ ધારીને કન્યાનો મત જાણ્યા વગર તેણે એ સગપણ બાંધ્યું હતું.
એ સમયમાં કોઈ યુદ્ધમાંથી પાછા ફરતી વખતે કુમાર સાધુ અરિન્ત નગરમાં આવી પહોંચ્યો. માણિકરાવે એ પ્રખ્યાત વીરનું ઘણું સન્માન કરીને તેને પોતાના નગ૨માં આવવા માટે વિનંતી કરી.
કર્મદેવીએ પૂર્વે કદી સાધુને દીઠો નહોતો. તેના વીરત્વનાં વખાણ સાંભળીનેજ એ તેના ઉપર આસક્ત થઈ હતી. આજે એ વીરયુવકની વીરતેજથી ચળકતી ભવ્ય મૂર્તિ પોતાની આંખે જોઈને અત્યંત મુગ્ધ થઈ ગઈ. કર્મદેવીએ તેને વરવાનો નિશ્ચય કર્યો.
તેના પિતાએ પહેલેથી રાઠોડ રજપૂત અરણ્યકદેવની સાથે તેનો વિવાહ કર્યો હતો. રાઠોડનું કુળ સાધુના કુળ કરતાં શ્રેષ્ઠ હતું. મારવાડનું રાજ્ય ઘણું પરાક્રમી હતું; પુગલ તો જેસલમીરના તાબાનું એક નાનું સરખું શહેર હતું, સાધુ એક નાના શહેરના રાજાનો કુમાર હતો. વળી પહેલેથીજ નક્કી કરેલી સગાઈ તોડી નાખવાથી મારવાડનો રાજા તેનું વેર વાળ્યા વગર રહે એમ નહોતું. પ્રબળ મારવાડરાજના ક્રોધમાંથી પોતાનું રક્ષણ કરવા જેટલી શક્તિ પુગલ રાજ્યમાં ક્યાંથી હોય ? આ બધી વાતો કર્મદેવીને તેની સખીઓએ સારી પેઠે સમજાવી; પરંતુ કર્મદેવીએ ઉત્તર આપ્યો: “ઊંચું કુળ અને રાજ્યસંપત્તિ કરતાં, રજપૂત બાળા વીરત્વનો ઘણો આદર કરે છે, સાધુ જેવા વીરની સહધર્મિણી થવાનું મળે તો હું મારવાડના તો શું પણ આખી દુનિયાના રાજ્યને લાત મારવા તૈયાર છું. અંતઃકરણના પ્રેમ વગર રાઠોડ રાજાની રાણી થઈને મુંદરમાં રાજવૈભવ ભોગવવાની મને ઇચ્છા નથી, સાધુની સાથે ઘોડા ઉપર બેસીને ફરવા જવામાં મને ઘણી મજા પડશે. એ વીરના પરાક્રમ અને સદ્ગુણોથી મુગ્ધ થઈને હું મનમાં ને મનમાં તેને વરી ચૂકી છું. એજ મારા સ્વામી છે.ભય કે લોભને લીધે હવે હું બીજા કોઈની પત્ની બની શકું એમ નથી. આટલી બહાદુર હોવા છતાં, આટલા બધા યુદ્ધોમાં વિજયી નીવડ્યા હતાં પણ સાધુ મારવાડની વિરુદ્ધ થઈને મારૂં રક્ષણ નહિ કરી શકે તો હું માની લઈશ કે, પાર્થિવ સુખ મારા નસીબમાંજ નથી. તેના મૃત દેહની સાથે ચિતામાં બળી મરીને હું આ પાર્થિવ દેહનો ત્યાગ કરીશ તથા સ્વર્ગમાં એમની સાથે દિવ્ય સુખ ભેગવીશ.”
તેની સખીઓ શાંત થઈ ગઈ. પોતાની કન્યાના દૃઢ સંકલ્પની વાત માણિકરાવના જાણવામાં આવી. કન્યાને સમજાવવા તેણે પણ પ્રયત્ન કર્યો; પણ એ પ્રયત્ન વ્યર્થ ગયો. આખરે માણિકરાવે સાધુની પાસે જઈને કર્મદેવીને વરવાની વિનતિ કરી.
સાધુએ તેની વાતચીત સાંભળી લીધી. એ વિવાહને નિમિત્તે મારવાડના રાજા સાથે યુદ્ધ કરવું પડશે એવી તેને ખાતરી હતી; પરંતુ યુદ્ધના ભયથી પોતાના પર પ્રેમ રાખનાર વીરાંગનાની વિનંતિ પાછી ઠેલે એવો કાયર સાધુ નહોતો. સાધુએ ઘણી ખુશી સાથે માગું સ્વીકાર્યું. યથાસમયે પિતાની રજા લઈને સાધુએ કર્મદેવી સાથે લગ્ન કર્યું.
વિવાહને બીજે દિવસે સાધુ નવવધૂ સાથે પુગલ જવા નીકળ્યો. બધાને ભય એ હતો કે રસ્તામાં મારવાડ રાજ્ય તરફથી તેમના ઉપર આક્રમણ થશે. આથી મોહિલરાજ મણિકરાવે પણ તેમની સાથે ચારપાંચ હજાર સૈનિકો મોકલવાનું કહ્યું હતું, પણ આત્મશક્તિ ઉપર આધાર રાખનાર સાધુએ સસરાની એ મદદ સ્વીકારી નહોતી. છતાં પણ માણિકરાવે ઘણો આગ્રહ કરીને પોતાના પુત્ર મેઘરાજને સાતસો સૈનિકો સાથે તેમને વળાવવા મોકલ્યો હતો.
રસ્તામાં એક સ્થળે સાધુ વિશ્રામ કરવા બેઠો. એટલામાં મારવાડકુમાર અરણ્યકદેવ ચારપાંચ હજાર સૈનિકોને લઈને સાધુની સામે ઊભો રહ્યો.
કુમાર અરણ્યકદેવ સાચો વીર હતો. તેનામાં રાજપૂતોની મહત્તા અને વીરતાનો પુરો અંશ હતો. આ યુદ્ધ કાંઈ રાજ્ય મેળવવા ખાતર કે રાજ્ય સાચવી રાખવા ખાતર નહોતું, પરંતુ ટેકની ખાત૨ હતું. અરણ્યકદેવ સાથે જેની સગાઈ થઈ ચૂકી હતી, એવી કન્યાને સાધુ પરણી ગયો તેથી અરણ્યકદેવનું ઘણું અપમાન થયું હતું અને એ અપમાનનો બદલો વાળવાની તેની ફરજ હતી. કર્મદેવીની ખાતર તેને સાધુ સાથે વિવાદ ઉપસ્થિત થયો હતો, પણ એ વિવાદમાં તેની સાથે આબરૂભેર યુદ્ધ કરીને બદલો લેવાની અરણ્યકદેવની ઈચ્છા હતી. ગમે તે પ્રકારે સાધુનો વધ કરવાનો તેનો ઉદ્દેશ નહોતો.
એટલા માટે જ્યારે તેણે જોયું કે પોતાના વિપુલ સૈન્યના પ્રમાણમાં સાધુના સાથીઓની સંખ્યા ઘણીજ થોડી છે; ત્યારે પોતાના સૈનિકોને હુમલો કરવાની મના કરી દીધી.
એની ઉદારતાથી પ્રસન્ન થઈને સાધુએ પ્રશંસાપૂર્વક તેની સામું જોયું.
થોડી વાર પછી બંનેએ યુદ્ધ કરવાનું નક્કી કર્યું, પરંતુ ધીમે ધીમે એમના પક્ષના સૈનિકો પણ એમના યુદ્ધમાં સામેલ થવાને તૈયાર થવા લાગ્યા. આ અન્યાય જોઈને બંને વીરપુરુષો ચિંંતાતુર થયા. આ યુદ્ધ સાધુ અને અરણ્યકદેવની વચ્ચે પોતપોતાની ટેક સારૂ થવાનું હતું, તો પછી નિરર્થક બીજા લોકોના જાનને શા માટે જોખમમાં નાખવા ? એમણે સૈનિકોને આઘા જતા રહેવાનો હુકમ આપ્યો અને પાછા બંને જણ દ્વંદ્વયુદ્ધ કરવા માટે તૈયાર થયા.
એ વખતે સાધુ પોતાની પત્ની પાસે છેવટની વિદાય લેવા ગયો. કર્મદેવી એટલો વખત સુધી ઊંચી આંખે ઉત્સુકતાથી યુદ્ધ જોઈ રહી હતી. સાધુ વિદાય માગવા આવ્યો ત્યારે તેણે હસીને કહ્યું: “ઘણી ખુશીથી સિધાવો ! મેં મારી આખે તમારૂં વીરત્વ અને રણકૌશલ્ય કોઈ દિવસ જોયું નથી, આજ એ જોઈને નયન સાર્થક કરીશ. જાઓ, રણક્ષેત્રમાં શત્રુની સાથે વીરતાથી યુદ્ધ કરીને વિજય મેળવો. જય ના મળે તો યુદ્ધક્ષેત્રમાં મરણ પામીને તમારી પ્રતિષ્ઠા સાચવજો, મારી કાંઈ ચિંતા કરશો નહિ. તમારા મૃત્યુથી હું દુઃખી નહિ થાઉં. મારા દુઃખનો વિચાર કરીને યુદ્ધક્ષેત્રમાંથી પાછા આવશો નહિ. યુદ્ધમાં તમે કામ આવશો તો હું તમારી સાથે ચિતામાં પ્રવેશ કરીશ એ ખાતરી રાખજો.”
સાધુ અને અરણ્યકદેવ યુદ્ધક્ષેત્રમાં ઉપસ્થિત થયા. વીર પુરુષોની રીત પ્રમાણે બંને એકબીજાને માનપૂર્વક પ્રણામ કરીને દ્વંદ્વયુદ્ધ કરવા લાગ્યા.
બંને જણા એક બીજાના મસ્તકને લક્ષમાં રાખીને ઘણીજ સ્ફૂર્તિથી તલવારો ચલાવવા લાગ્યા. તલવારના ઘાથી બંને જણ જમીન ઉપર એક સાથે પડ્યા. થોડી વાર પછી અરણ્યકદેવને ચેતના આવી, પણ સાધુ તો પાછો ઊઠ્યોજ નહિ.
કર્મદેવી ચુપચાપ ઊભી રહીને જોયા કરતી હતી. સાધુ નીચે પડ્યો એટલે એ તેની પાસે ગઈ. તેની આંખમાં આંસુ નહોતાં, મોં ઉપર વિષાદના ચિહ્ન નહોતાં. આ સંસારમાં સ્વામીની સાથે સુખ ભોગવી શકી નહિ તો પરલોકમાં જરૂર અનંતકાળ સુધી એ સ્વર્ગીય સુખ ભોગવાશે, એ વિચારને લીધે પતિના આવા અકાળ મૃત્યુ માટે તેણે જરા પણ ખેદ કર્યો નહિ. એ જાણતી હતી કે સ્વામીના આત્મા સાથે તેનો આત્મા મળી ચૂવ્યો હતો. મૃત્યુમાં એટલી શક્તિ ક્યાં છે કે આત્માઓના યોગનો વિચ્છેદ કરી શકે ? તો પછી સ્વામીના વીરક્ષેત્રમાં આબરૂભેર થયેલા મૃત્યુથી વીર નારી કર્મદેવી શા માટે ભયભીત થાય ? તરતજ નોકરને બોલાવીને ચિતા તૈયાર કરવાનો તેણે હુકમ આપ્યો.
ચિતા તૈયાર થઈ. સ્વામીને પોતાના હાથે કાળજીપૂર્વક ચિતા ઉપર સુવાડીને, કર્મદેવીએ તેની તલવાર પોતાના હાથમાં લીધી તથા પોતાને હાથે એ તલવારના ઘાથી બીજો હાથ કાપીને સ્વામીના એક વિશ્વાસુ સેવક સાથે સસરાની પાસે મોકલ્યો અને કહ્યું કે, “સસરાજીને મારા સવિનય પ્રણામ કહેજો. તેમના ચરણનાં દર્શન કરવાનું મારા ભાગ્યમાં લખ્યું નહોતું. આ મારો કપાયલો હાથ તેમના ચરણ આગળ મૂકીને કહેજો કે, તમારી પુત્રવધૂનું રૂપ આવું હતું.”
એટલું કહીને તેણે પાસે ઊભેલા બીજા નોકરને તલવાર આપીને કહ્યું: “આ એક હાથ મારાથી કાપી શકાશે નહિ, માટે તું એ હાથ કાપી નાખ.”
નોકર હુકમ પ્રમાણે કર્યું.
કર્મદેવીએ કહ્યું: “આ હાથ તું લઈ જા, એ હાથ મોહિલ રજપૂતોના ભટ્ટી કવિને આપજે.”
આ પ્રમાણે બે હાથ કાપીને કર્મદેવી ચિતામાં સ્વામીની પડખે જઈને સૂઈ ગઈ. ચિતા સળગી. જોતજોતામાં વીર અને વીરાંગનાના અનુપમ રૂપમય દેહ બળીને ભસ્મીભૂત થઈ ગયા.
કર્મદેવીનો છિન્ન હાથ પુગલ પહોંચ્યો. વૃદ્ધ રણંગદેવ પુત્રવધૂનો હાથ જોઈને ઘણું રોવા લાગ્યો. ત્યાર પછી ચંદન વગેરે સુગંધીદાર કાષ્ઠની ચિતા ખડકાવીને તેમાં એ હાથનો અગ્નિસંસ્કાર કરાવ્યો તથા એ જગ્યાએ એક મોટું તળાવ બંધાવ્યું. એ તળાવ કર્મદેવી સરોવરના નામથી પ્રખ્યાત થયું.
મારવાડના કુમાર અરણ્યદેવને સાધુને હાથે જે ઘા લાગ્યા હતા તે ઘા બિલકુલ રૂઝાયાજ નહિ. છ મહિનામાં એ પણ સ્વર્ગવાસ પામ્યો.