રૂપસુંદરી અને બીજા સ્ત્રીરત્નો/સાધ્વી રૌશનાઆરા
← સાધુપત્ની કર્મદેવી | રૂપસુંદરી અને બીજા સ્ત્રીરત્નો સાધ્વી રૌશનાઆરા શિવપ્રસાદ દલપતરામ પંડિત |
મખદૂમ–ઈ–જહાં–બિદરની બેગમ → |
१५१—साध्वी. रौशनआरा
જે રમણી રત્નનું જીવનચરિત્ર અને અહીયાં આપવા માગીએ છીએ તે મોગલ સમ્રાટ ઔરંગઝેબની બહેન રૌશનઆરા નથી, પણ એક બીજીજ સન્નારી છે. એ પવિત્ર હૃદયની સ્ત્રીનું સમાધિમંદિર–‘રોજો’ બંગાળામાં રજ પરગણામાં બસિર હાટ જિલ્લામાં, કાખુલિયા પરગણામાં, તારા ગુણિયા નામના ગામમાં આવેલ છે અને હજી પણ સાતસો વર્ષ પહેલાંના ઇતિહાસનું સ્મરણ કરાવે છે, પણ એ સન્નારી કોણ હતી અને કેવી રીતે તારાગુણિયા ગામમાં આવી વસી તેનો ઇતિહાસ નીચેના વૃત્તાંત ઉપરથી જણાશે.
ઈ○ સ○ ૧૨૭૯ માં મક્કાના જમજમ મહોલ્લામાં એનો જન્મ થયો હતો, એ વિદુષી મહિલાનું ખરૂં નામ રૌશનઆરા હતું, પણ જનસમાજમાં રોશનબીબીના નામથી પ્રસિદ્ધ થઈ છે. એના પિતાનું નામ સૈયદ કરિમ ઉલ્લા અને માતાનું નામ મિન્નત ઉન્નિસા હતું. એનાં માતપિતા બંને વિદ્વાન અને ધર્મશીલ હતાં. પુણ્યાત્મા સૈયદ કરીમ ઉલ્લાને ચાર સંતાન હતાં. પ્રથમ સંતાન બંગ દેશમાં પ્રખ્યાત થયેલા પીર હજરત સૈયદ અબ્બાસ અલી ઉર્ફે ગોરાચાંદ શાહ હતા. આપણી ચરિત્રનાયિકા તપસ્વિની રૌશનઆરા તેમના સંતાનોમાં બીજી હતી. રૌશનઆરા તથા એમના બે નાના ભાઈ રાજર્ષિ શાહજલાલના આશીર્વાદથી જન્મ પામ્યા હતા, એવી દંતકથા છે.
ઈ○ સ○ ૧૨૬૫ માં શાહ ગોરાચાંદ ઉર્ફે સૈયદ અબ્બાસઅલીનો જન્મ થયો હતો અને ૨જ પરગણામાં હાડોયા ગામમાં હજુ પણ તેમનું સમાધિમંદિર છે. ગોરાચાંદના જન્મના ૧૪ વર્ષ પછી ઈ○ સ○ ૧૨૭૯માં પુણ્યશીલા, વિદુષી તપસ્વિની ચિરકૌમારવ્રતધારિણી રૌશનઆરાનો જન્મ થયો હતો.
રૌશનઆરાના હૃદયમાં બાલ્યાવસ્થાથીજ ધર્મભાવ જાગૃત થયો હતો અને ઈશ્વર ઉપર તેની પૂરી ભક્તિ હતી. એને સર્વદા પરમેશ્વરની આરાધના અને જપ કરવાનું તથા કુરાન શરીફનો પાઠ કરવાનું ગમતું. હમેશાં સાચું બોલતી, કોઈ પણ દિવસ જૂઠું બોલતી નહિ; એટલું જ નહિ, પણ મિથ્યાવાદીઓ ઉપર તેને ખરા અંતઃકરણથી તિરસ્કાર ઊપજતો. બાલ્યાવસ્થાથીજ નઠારા સ્વભાવનાં બાલકબાલિકાઓ સાથે રમવાનું પણ એને પસંદ નહોતું. ઈ○ સ○ ૧૨૮૩ માં પાંચ વર્ષની વયે તેને નિશાળે બેસાડવામાં આવી, જે ‘મક્તબ’ માં તેનો વિદ્યારંભ થયો હતો, તે મક્તબના શિક્ષક હમેશાં કહેતા કે, “આગળ જતાં આ કન્યા આધ્યાત્મિક સાધનામાં અસાધારણ ઉન્નતિ કરશે.” રૌશનઆરાના ત્યાર પછીના જીવનમાં એ શિક્ષકની ભવિષ્યવાણી અક્ષરે અક્ષર સાચી પડી છે.
મુસલમાન લોકોના ધર્મ અનુસાર બાલકબાલિકાઓને ભણાવવાનું શરૂ કરતાંવારજ સૌથી પહેલાં એમના ધર્મનો પવિત્ર ગ્રંથ કુરાનનો પાઠ કરાવવામાં આવે છે. હિંદુઓમાં પણ “શ્રી ગણેશાચ નમઃ” કરાવી ધાર્મિક સંસ્કારો બાળકોના ચિત્ત ઉપર પડવાનો રિવાજ હતો, તેને બદલે હવે તો ‘બા ચા પા’ થીજ આરંભ કરી વિદેશીઓના આ પરમ પ્રિય પેયનું ધ્યાન ધરાવાય છે. અસ્તુ ! રૌશનઆરાનોને અભ્યાસક્રમ પણ એજ પ્રાચીન રિવાજ મુજબ ચાલ્યો. ઈ. સ. ૧૨૯૨ સુધી એટલે કે દશ વર્ષ પર્યંત તેણે ગુરુજી પાસે અરબી સાહિત્ય અને વ્યાકરણ આદિનો અભ્યાસ કર્યો. ૧૨૯૩ ની સાલમાં એણે નિશાળે જવું બંધ કર્યું અને ઘેર બેસીનેજ ભાષાતત્વ, અલંકારશાસ્ત્ર અને દર્શનશાસ્ત્રના વિવિધ ગ્રંથોનો અભ્યાસ ટીકાટિપ્પણી તથા વ્યાખ્યા સહિત શરૂ કર્યો. એજ સમયમાં ઈમન નગરના પ્રખ્યાત દરવેશ–સાધુ શાહ–અહમદ કવિવરના મુખ્ય શિષ્ય રાજર્ષિ શાહ હોસેનની પાસે દીક્ષા ગ્રહણ કરીને તે ‘મુરીદ’ બની.
વિદુષી રૌશનઆરા તેના અસાધારણ સૌંદર્યને લઈને આખા મક્કા નગરમાં પ્રખ્યાત થઈ ગઈ હતી. વળી એણે ઘણી નાની વયમાં જ પૂરતી વિદ્યા પ્રાપ્ત કરી હતી. ધર્મ પ્રતિ તેને અગાધ વિશ્વાસ હતો અને રાતદિવસ તત્વચિંત્વનનો જ તેને શોખ હતો. એટલે એના સદ્ગુણોની સુવાસ મક્કામાં પ્રસરી ગઈ અને કોરેશીવંશના અનેક મનુષ્યો તેને પુત્રવધૂતરીકે સ્વીકારવાની ઈચ્છા પ્રગટ કરવા લાગ્યા અને એ ઉદ્દેશથી તેના પિતા સૈયદ કરીમઉલ્લાની આગળ માગાં મોકલવા લાગ્યા. સૈયદ કરીમઉલ્લા પણ કન્યા મોટી થઈ છે અને વરવા યોગ્ય છે, એ વિચારથી સારા વરની તપાસમાં જ રહેતા હતા. ઘણી તપાસ પછી કુળવાન અને સુયોગ્ય વરનો પત્તો લાગ્યો; પરંતુ ઈસ્લામશાસ્ત્રનો એવો નિયમ છે, કે ઉંમરે પહોંચેલી કન્યાનું લગ્ન તો શું, એની સગાઈ પણ એની પોતાની મરજી વગર ન થઈ શકે, એટલા માટે વિવાહસંબધી કન્યાનો શો અભિપ્રાય છે, એ જાણવાનું કામ કરીમઉલ્લાએ પોતાની એક સગીને સોંપ્યું.
એક દિવસ મધ્યાહ્નકાળે રૌશનઆરા પોતાના ઉપાસનાગૃહમાં બેસીને તન્મય અને તદ્ગત થઈને કુરાન શરીફનો પાઠ કરી રહી હતી. એ વખતે પેલી વૃદ્ધ સગી ત્યાં પહોંચી અને પાઠ સાંભળવા લાગી. જ્યારે કુરાનને પાઠ સમાપ્ત થયો, ત્યારે પેલી ડોશીને રોશનઆરાએ પૂછ્યું: “આપ તો આ વખતે કદી પધારતાં નથી. આજ કવખતે પધારવાનું પ્રયોજન શું છે ?” ઉત્તરમાં ડોશીએ તેના વિવાહ સંબધી બધી હકીકત માંડીને કહી, રૌશનઆરાએ કહ્યું: “માજી ! મેં પ્રથમથી જ એક જણને મારું હૃદય અર્પણ કર્યું છે. જો એની સાથે મારૂં લગ્ન થશે તો હું ખુશીથી લગ્ન કરીશ.” ડોશીનું કુતૂહલ વધી પડ્યું અને તેણે પૂછ્યું: “તારા હૃદયરાજ્યનો અધીશ્વર તેં કોને બનાવ્યો છે, એ કહે. હું તેનેજ ખોળી કાઢીશ અને તારા આ શૂન્ય સિંહાસન ઉપર એને પધરાવીશ.” એ વાક્યો સાંભળતાંજ રૌશનઆરાએ કહ્યું: “પરમ આરાધ્ય ખુદા તાલાને મેં આ હૃદય સમર્પણ કર્યું છે, એજ મારા એકના એક પ્રણયપાત્ર છે–આશક છે. તમે એમની સાથે મારૂં લગ્ન કરાવી આપશો ? ને એમ ન કરી શકતાં હો, તો નાહક બીજા કોઈ સાથે મારી સગાઈ કરવાની ખટપટમાં પડવાની તસ્દી લેશે નહિ.”
ડોશીએ જઈને કન્યાના પિતાને બધી વાત કહી સંભળાવી. પિતાએ પુત્રીનો વિચાર બદલાવવા સારૂ, સાધુ હુસેનનું શરણું લીધું. મહર્ષિ હુસેને આરંભથી માંડીને બધો વૃત્તાંત સાંભળ્યા પછી કહ્યું: “આપ રૌશનઆરાની ઈચ્છા વિરુદ્ધ જબરદસ્તીથી એનું લગ્ન કરશો નહિ; કારણ કે એ બ્રહ્મજ્ઞાનની ઉંચ્ચ સીડીએ ચડી ચૂકી છે. હવે એ રિપુઓને અધીન નથી, સંસારના કોઈ પદાર્થ ઉપર તેને આસક્તિ રહી નથી.” લાચારીએ કરીમઉલ્લાએ રૌશનઆરાના લગ્નનો વિચાર માંડી વાળ્યો અને બીજા પુત્ર સાહદત અલી તથા નાની છોકરી મેહરે આરાનાં લગ્ન ઉકેલી નાખ્યાં. એ લહાવો લીધા પછી થોડા દિવસોમાં કરીમઉલ્લા અને તેમનાં પત્નીએ પણ એકે એકે આ સંસારનો ત્યાગ કર્યો. માતપિતાના મૃત્યુથી રૌશનઆરાને ઘણો શોક થયો; પરંતુ વિધાતાના વિધાન આગળ કોઈનું કાંઈ ચાલતું નથી. તેની આગળ લાખ રૌશનઆરાને પણ હાર માનવી પડે છે. લક્ષ રૌશનઆરાની એકઠી શક્તિ પણ પ્રભુની ઇચ્છા આગળ તુચ્છ છે.
એ બનાવ બન્યા પછી કેટલેક દિવસે મહર્ષિ હુસેન શાહે રૌશનઆરાને ઘેર જઈ દર્શનશાસ્ત્રની ચર્ચા કરીને કહ્યું: “ખુદા તાલાની આજ્ઞાથી હું થોડાક જ સમયમાં ભારતવર્ષ તરફ રવાના થનાર છું, તારે કાંઈ જાણવું પૂછવું હોય તે પૂછી લેજે.” એ વખતે રૌશનઆરાએ કહ્યું “હજરત એકલાજ ભારતવર્ષ પધારવાના છો ?” શાહ સાહેબે જણાવ્યું કે, “ના મારા શિષ્યમાંથી ઘણા મારી સાથે આવનાર છે.” એ ઉપરથી રૌશનઆરાએ કહ્યું: “હજરતની આજ્ઞા હોય તો મને પણ આપની સાથે ભારતવર્ષ આવવાની ઈચ્છા થઈ છે. મહર્ષિએ રૌશન આરાની ઈચ્છા જાણીને કહ્યું: “ ઠીક છે, પણ તારા ભાઈની સમાધિની જાત્રા તારા નસીબમાં નથી લખાઈ, છતાં પણ તું ભારતવર્ષ આવી શકીશ; મારે કાંઈ વાંધો નથી.” એમની એ વાત સાંભળીને રૌશનઆરાના નાના ભાઈ શહાદતઅલી તથા તેની પત્ની જિનત્ ઉન-નિસાએ પણ ભારતવર્ષ જવાની ઇચ્છા પ્રગટ કરી. મેહર આરા સ્વામીની સાથે સુખપૂર્વક સાસરે રહેતી હતી, એટલે એને પ્રબળ ઈચ્છાનું દમન કરવું પડ્યું. યથાસમયે મહર્ષિ શાહહુસેન સ્ત્રીપુરુષ મળીને ૧૬૫ શિષ્યો સહિત ભારતવર્ષ તરફ રવાના થયા અને ઈ. સ. ૧૩૨૧ના અંતમાં બાદશાહ ગ્યાસુદ્દીન તઘલખના રાજ્યમાં ઠાઠ સહિત દિલ્હી આવી પહોંચ્યા.
બાદશાહ ગ્યાસુદ્દીને મહર્ષિ હુસેન અને તેમના ફકીર શિષ્યોનો ઘણો આદરસત્કાર કર્યો. મહર્ષિ થોડાક દિવસ સુધી પોતાના મુરીદોની સાથે દિલ્હીમાં રહ્યા, ત્યાર પછી શિષ્યોને કેટલાક દળમાં વહેંચી નાખીને, દરેક દળને ભારતવર્ષના ભિન્ન ભિન્ન સ્થાનમાં મોકલવાનું આરંભ્યું અને શાહ સાહેબ પોતે મૃત્યુના દિવસ પર્યંત દિલ્હીમાં રહ્યા હતા. દિલ્હી નગરમાં આજ પણ તેમનો મકબરો વિદ્યમાન છે અને તેમની પુણ્યગાથાનો પ્રચાર કરી રહ્યો છે. શાહ સાહેબે મોકલેલા શિષ્યોની એક ટોળી બંગાળામાં જઈ પહોંચી. એ ટુકડીમાં સાધ્વી રૌશન આરા તથા તેના ભાઈભોજાઈ હતી. બાદશાહ ગ્યાસુદ્દીન બળવો શમાવવા સારૂં બંગાળા ગયા હતા. તે વખતે એ સાધુઓને પણ પોતાની સાથે બંગ દેશમાં લેતા ગયા હતા. શિષ્યોને વિદાય કરતી વખતે શાહ સાહેબે તેમને ખાસ પ્રકારે ઉપદેશ આપ્યો હતો કે, કેવી રીતે રહેવું અને ક્યાં ક્યાં રહેવું. દરેક શિષ્યના હાથમાં એમણે એક મૂઠી ભરીને માટી આપી હતી અને કહ્યું હતું કે, “આ માટીના જેવી સુગંધવાળી માટી જ્યાં આગળ મળી આવે ત્યાં આગળ તમારો આશ્રમ કાયમ કરજો.” કેવળ રૌશનઆરાને એવું કહ્યું હતું કે, “જે સ્થળે તને દિવસને વખતે તારા દેખાય તે સ્થળે તારે આશ્રમ કરવાનું વિધાતાએ નિર્માણ કર્યું છે, એમ સમજવું. તારે એ સ્થાનમાંથી ખસવું નહિ.”
મહર્ષિ હુસેનના એ શિષ્યો બંગાળામાં વિચારવા લાગ્યા અને ગુરુની આજ્ઞાનુસાર જે સ્થાનની માટીની સુગંધ પોતાની પાસેની માટીને મળતી આવી ત્યાં જ વસવા લાગ્યા. આ પ્રમાણે એમની સંખ્યા ઘટવા લાગી. એક દિવસ રૌશનઆરા, એમના ભાઈ તથા ભાભી એક નૌકામાં બેસીને ઇચ્છામતી નદી ઓળંગી રહ્યાં હતાં, એવામાં એક સ્થળે દિવસને સમયે તેમણે તારો દીઠો. તેમણે ત્યાંથી આગળ જવાનું બંધ કર્યું અને ગુરુની આજ્ઞા પ્રમાણે એજ સ્થાનને પોતાનું નિવાસસ્થાન નક્કી કર્યું. હજુ પણ એ સ્થાન ‘તારા ગુણિયા’ નામથી પ્રસિદ્ધ છે. પહેલાં ત્યાં આગળ વસતી નહોતી, પણ રૌશનબીબીના વસ્યા પછી ત્યાં આગળ ગામ વસ્યું અને હાલ પણ ઈચ્છામતીને પશ્ચિમ કિનારે એક સારૂં ગામ વસેલું છે. પ્રારંભમાં ત્યાં આગળ વસતી નહિ હોવાથી રૌશનઆરાને પોતાના સાથીઓ સહિત થોડા દિવસ તો નૌકામાં જ રહેવું પડ્યું. ત્યાર પછી વૃક્ષની નીચે એક ઝુંપડી બાંધીને ત્યાંજ રહ્યાં. થોડા દિવસમાં તેમના આવ્યાની ખબર આસપાસના ગામોમાં પહોંચી ગઈ અને તેમનાં દર્શન કરીને પુણ્યસંચય કરવા સારુ ચારે તરફથી લોકો આવવા લાગ્યાં. રૌશન આરા પણ તેમને સદુપદેશ આપવા માંડી. પોતાની મનોવાંચ્છના પૂર્ણ કરવાના ઉદ્દેશથી જે કઈ તેની પાસે જતું, તેની મનોકામના વાજબી હોય તો રૌશનઆરા આશીર્વાદ અને પ્રભુ પ્રાર્થના દ્વારા એ પણ પૂર્ણ કરતી. કોઈ વાંઝિયાને ઘેર પુત્રપ્રાપ્તિ થઈ, કોઈનો રોગ મટ્યો, કોઇનું દારિદ્ર્ય ગયું, એવા એવા ચમત્કારો થવાથી રૌશઆરાનો યશ સર્વત્ર વ્યાપી ગયો અને દુઃખી તથા આતુર લોકોની ભીડ જામવા લાગી. ધીમે ધીમે ત્યાં આગળ ગામ પણ વસી ગયું. ખરા ઇશ્વરભક્ત સાધુઓની સેવા કરવામાં હિંદુઓ જાતિભેદ કે ધર્મભેદને જોતા નથી. મુસલમાન સંતોનો સમાગમ કરવા, તેમની સેવા તથા ભક્તિ કરવા અને તેમનો આશીર્વાદ લેવા તેઓ સદા તત્પર રહે છે. ખરા મુસલમાન સંતો પણ હિંદુમુસલમાનને એક દૃષ્ટિએ જુએ છે અને પોતાના આધ્યાત્મિક અનુભવનો લાભ અને એકસરખો આપે છે. ધાર્મિક દ્વેષ અને ઝગડાઓ તો પુરોહિતો, કાજીઓ, મુલ્લાંઓ કે જેમનો નિર્વાહજ ધર્માંધતા ઉપર રહેલો હોય છે. તેમની સંકુચિત દૃષ્ટિને લીધે થાય છે. સ્વાર્થને તિલાંજલિ આપી, પ્રભુમાં તન્મય થયેલા સર્વ ત્યાગી સંન્યાસી–બ્રહ્મવાદીને માટે તો વસુધાનાં દરેક મનુષ્ય એક સમાન પ્રિય હોય છે. રૌશનઆરાના સંબંધમાં પણ એમજ હતું. એ ગામના એક નાગ બાબુ એમની પાસે આવતા અને ઘણી ભક્તિ પ્રગટ કરતા. સાધ્વીની પ્રસન્નતાને લીધે નાગ બાબુએ પુષ્કળ ધન પદા કર્યું અને અનેક ગામ ખરીદીને પ્રતિષ્ઠિત જમીનદાર બન્યા. એમ કહેવાય છે કે, રૌશનઆરાએ નાગ બાબુને ત્રણ કામ કરવાનો નિષેધ કર્યો હતો:— “(૧)જમીનદારીના ગામની કોઈ પણ પ્રજાને કદી પણ પીડા આપવી નહિ, (૨) અહંકાર અને તમોગુણને હૃદયમાં કદી પણ સ્થાન આપવું નહિ. (૩) મારા સેવકો પ્રત્યે કદી પણ અભક્તિ અથવા અશ્રદ્ધા પ્રગટ કરવી નહિ. જો આ ત્રણે ઉપદેશની વિરુદ્ધ આચરણ કરશે તો પડતી દશા આવશે.” નાગબાબુનાં સંતાનોએ એ ઉપદેશ પ્રમાણે અમલ ન કર્યો, ત્યારે તેમની પડતી દશા પણ આવી.
કેટલાંએક વર્ષ આ પ્રમાણે પ્રભુભક્તિ તથા ધર્મોપદેશમાં વ્યતીત થયાં. પછી એક દિવસ રૌશનઆરાને તાવ આવ્યો. ભક્તોએ સેવાશુશ્રુષા કરવામાં કાંઈ ન્યૂનતા રાખી નહિ. એમના ભાઈએ વૈદને બોલાવવાનું કહ્યું, ત્યારે જણાવ્યું કે, “મારો આ રોગ મટનાર નથી. મને મહાયાત્રાને સારૂ ખુદાના ઘરનું તેડું આવ્યું છે.” બે દિવસના તાવમાં ઈ. સ. ૧૩૪૨ માં ૬૪ વર્ષની
વયે સાધ્વી રૌશનઆરાએ સ્વર્ગવાસ કર્યો. તારાગુણિયા ગામમાં આજ પણ તેમનું સમાધિમંદિર વર્તમાન છે. સૈયદ શહાદત અલીના વંશજો એ રોજાના સેવક તરીકે ત્યાં જ વસે છે, તેમની કબરને હજુ પણ લોકો પૂજે છે અને તેના સંબંધી અનેક ચમત્કારોની વાતો ગામવાસીઓમાં પ્રચલિત છે.
મક્કાવાસી પવિત્ર અને વિદુષી ૨મણી રૌશનઆરાએ ગુરુઆજ્ઞા માનીને ભારતનેજ પોતાનો દેશ બનાવ્યો અને ભારતની પવિત્ર ભૂમિમાંજ પોતાના પંચમહાભૂતના પૂતળાને મેળવી દીધું. એવી પવિત્ર વ્યક્તિઓનાં ચરિત્રનું સ્મરણ હિંદુમુસલમાનોનાં હૃદયને એકતાને મજબૂત સૂત્રથી બાંધો, એજ અમારી પ્રાર્થના છે. રૌશનઆરાના ત્યાગ અને પ્રભુપ્રેમની કથા હિંદુ વાચકોના હૃદયમાં પણ તેને માટે ભક્તિભાવનો સંચાર કર્યા વગર રહેશે નથી.[૧]
- ↑ * દાક્તર અબ્દુલ ગફુર સિદ્દીકના એક બંગાળી લેખનો ઉચિત ફેરફાર સહિત અનુવાદ.—પ્રયોજક