લખાણ પર જાઓ

લક્ષ્મી નાટક/સ્વાંગ ૩ જો

વિકિસ્રોતમાંથી
← સ્વાંગ ૨ જો લક્ષ્મી નાટક
લક્ષ્મી નાટક/સ્વાંગ ૩ જો
દલપતરામ
સ્વાંગ ૪ થો →


સ્વાંગ ૩ જો

રાજા: આવો, દાજીભાઈ તમને રામ રામ કરવાને સાટે હું તમારે પગે લાગુ છું. જે તમે આળસ છોડીને મારી સહાયતા કરવા આવ્યા, હવે તમારે એટલું કરવું કે, આપણે કાંઈ કામ છે તેનો વિચાર કરવો ને આ દેવીની રક્ષા મેહેનત લેઈને કરવી.

દાજી: ભાઈ આ કામમાં હું બુઢાપણ મુકીને મહાભારતમાં ભીમના જેટલી મેહેનત



કરીશ, જુઓને એક પૈસાનું ઘી લેવા જઈએ છિયે ત્યાં કેટલી માથાકુટ કરિયેછિયે ત્યારે સાક્ષાત લક્ષ્મી હાથમાં આવી તે હવે કેમ છોડીશું.

રાજા: અરે અરે પેલો ઊતાવળો ઊતાવળો ચાલ્યો કોણ આવે છે, ભાઈચંદ વકીલ જેવો ?

દાજી: એ તો એ જ હશે એને કાંઈ ખબર પડી હશે નહી તો કાંઈ આવો ઊતાવળો ચાલે નહી.

ભાઈ૦: ઠાકોર તમે કારમાક દોલતવાળા શી રીતે થયા, હું તો એ વાત કાંઈ માનતો નથી, પણ ચઊટામાં એ વાતનું ગપ બહુ ચાલે છે. વળી સંભળાય છે કે, તમે તમારા મિત્રને ભાગ આપવા સારૂ બોલાવ્યો છે, પણ તેથી એ વાત હું મુદ્દલ માંનતો નથી. જગતમાં કોઈને ધન જડે તે બીજા કોઈને બોલાવીને ભાગ આપે નહી.

રાજા: ભાઈચંદભાઈ તમારૂં નામ જ ભાઈચંદ તેના અજવાળામાં કાંઈ છાની વાત રહે નહી વાસ્તે કહું છું જે ગઈકાલથી અમારા ઊપર પરમેશ્વરે કાંઈ દયા કરી છે ખરી.

ભાઈ૦: પણ તમે મોટા આશામી થઈ બેઠા એ ગપ સાચી છે ?

રાજા: ભાઈ આશામી તો શું દૈવ કરે તો થાય પણ હજી દોલતવાળા તો થઈયે ત્યારે જાણિયે જે થયા.

ભાઈ૦: થઈયે ત્યારે થયા એમ કેમ ?

રાજા: ભાઈ થઈયે ત્યારે જ થયા કહેવાય તો, હજી કાંઈ અમારા હાથમાં આવી ગયું.

ભાઈ૦: પણ મને કહો તો ખરા.

રાજા: કહું છું; જો એ કામ થાય તો ઘણું સારૂ નહી તો ફજેતી થાય; ને શહેરમાં મોઢું શું દેખાડિયે.

ભાઈ૦: ત્યારે એ કામ કાંઈ ઠીક નહીં હોય, જે પેહેલા આશામી થતાં જ તમે બીઓછો ? જુવોને આ સોની લોકો ચોરી ચોરીને પૈસા ભેળા કરે છે, પણ કાંઈ આશામી થવામાં શરમાતા નથી; પણ તમે કાંઈ સરકારનો ગુનો કર્યો હશે.

રાજા: શું કોહો છો ! વળી ગુનો શેનો ?

ભાઈ૦: શેનો તે શું, કોઈના ઘરમાં ખાતર પાડી આવ્યા હશો, તે હવે પસ્તાવો થતો હશે.

રાજા: પ્રભુ પ્રભુ ભજ, અમે એવું કામ કરિયે નહી.

ભાઈ૦: હવે નામુકર શીદ જાઓ છો આખા શેહેરમાં બુમ ચાલે છે જે; રાજા: અમારા ઉપર એવો ભરમ શીદ રાખો છો, કોઈ દહાડે રજપુત લોક એવું કામ કરે ?

ભાઈ૦: રજપુત તો શું પણ અમે વકીલ લોક તો સૌની વાતો જાણીએ, આપણું શેહેર બધું પૈસાનું ગુલામ છે. પાંચશેર મગદળ વાસ્તે જુઠા સમ ખાઈને ગીતા ઉપાડે છે તેનો ધણી કોઈનો માલ હાથમાં આવે તો છોડે ?

રાજા: અરે રામ રામ તારો જીવ ફર્‍યો છે કે શું ?

ભાઈ૦: વાહ ! કેવા લોકો આ શેહેરમાં રહે છે, પહેલી ચોરી કરીને પછી વળી પસ્તાવો શો કરવો.

રાજા: અરે કાંઈ ભાંગ્ય પીધી છે કે શું ? એવું બોલે છે.

ભાઈ૦: વારૂ ઠીક છે, આ રીતે તમે એક બે વાર કોઈના ઘરમાં ઘા દઈ આવશો એટલે પછી પસ્તાવો નહી થાય ! હજી તમે કાચા છો તેથી પસ્તાઓ છો.

રાજા: અરે બકવા શી કરે છે; તું જાણે છે કે, આ ચોરી કરી આવ્યા છે, તે મને માંહેથી ભાગ આપે.

ભાઈ૦: ભાગ તો આપવો જ પડશે તો.

રાજા: ના, ના, એમ તો નથી, બીજી વાત છે.

ભાઈ૦: શું કર્‍યું છે ? કોઈનો દગો કરીને ધન લાવ્યા છો ?

રાજા: અરે તને ભૂત વળગ્યું છે કે શું ?

ભાઈ૦: ત્યારે મને કહો તો ખરા, તમે કેની મિલ્કત લાવ્યા છો ?

રાજા: મેર મૂરખા મિલ્કત કોની લાવે.

ભાઈ૦: હે ગણપતી, આ રજપુત વકીલનું કામ પોતે જ લેશે કે શું ? ને સાચું તો બોલતા જ નથી, પંડે રાજા એવાં કામ કરશે ત્યારે વાણિયાનાં છોકરાં શું હજામત કરશે ?

રાજા: ભાઈ અમે હજી કોઈ દહાડો અદાલતમાં આવ્યા નથી જે જુઠું બોલતાં આવડે.

ભાઈ૦: અરે એમાં શીદ બીહો છો, છોને શેહેરમાં બુમ ચાલી પણ કરભીરી લોકોને થોડીક ભુરશી દક્ષણા આપીશું એટલે કાંઈ ફીકર નથી.

રાજા: ભાઈ તમે અમારા સારા મિત્ર દેખાઓ છો, જાણિયેછિયે કે ત્રણ આપીને બાર અમારી પાસેથી લેશો.

ભાઈ૦: ઠીક છે, જે ભાગ્યમાં લખ્યું હશે તે થશે. પણ અમે જાણિયેછિયે કે, અમારા મિત્રને બાઇડી છોકરાં સહિત અદાલતના પાંજરામાં ઉભું રહેવું પડશે, તે વખત ફતુ જમાદારના જેવું થશે.

રાજા: જાને લુચ્ચા અમને કાંઈ થનાર નથી અને એવું થશે કે આજથી હવે સારા ધર્મવાળા લોકોને જ ઘેર ધન અપાવીશું.

ભાઈ૦: તમે સૌને ધનવાળા કરશો. ત્યારે તમને ઘણું ધન ચોરીનું મળ્યું હશે ?

રાજા: તારૂં મોત આવ્યું છે હો.

ભાઈ૦: મારૂં તો કાંઈ આવ્યું નથી, પણ ઠાકોર તમારૂં તો આવી બન્યું છે.

રાજા: મૂર્ખા અમને તો કાંઈ થનાર નથી. અમારે ઘેર તો આપોઆપ લક્ષમીજી પધારયાં છે.

ભાઈ૦: હે, લક્ષ્મી. તે લક્ષ્મી કેવી ?

રાજા: સાક્ષાત માતાજી.

ભાઈ૦: ક્યાં છે ?

રાજા: અહીં.

ભાઈ૦: ક્યાં ?

રાજા: ઘરમાં.

ભાઈ૦: તમારા ?

રાજા: હા.

ભાઈ૦: જાઓ જાઓ મશ્કરી કરો છો, લક્ષ્મી તમારા ઘરમાં ?

રાજા: હા રામદુહાઈ.

ભાઈ૦: સાચું કહો છો ?

રાજા: સાચું જ કહું છું.

ભાઈ૦: મારા સમખાઓ.

રાજા: તારા સમ.

ભાઈ૦: ભાઈના સમ ખાઓ.

રાજા: ભાઈ કીયો ?

ભાઈ૦: જે હોય તે.

રાજા: ત્યારે ભાઈના સમ.

ભાઈ૦: ત્યારે ઠીક, પણ મહારા જેવા તમારા મિત્રને લક્ષ્મી દેખાડશો ?

રાજા: હાજી દેખાડવા જેવું તૈયાર કામ થયું નથી.

ભાઈ૦: કેમ કોઈને દેખાડશો નહી ?

રાજા: અરે રામ હવડાં તો નહી.

ભાઈ૦: શું છે ?

રાજા: આંખ્યો સારી કરાવવી છે.

ભાઈ૦: કેંની ?

રાજા: એ લક્ષ્મીની. ભાઈ૦: આંધળી છે ?

રાજા: હા.

ભાઈ૦: ત્યારે કોઈક વૈદને બોલાવીએ.

રાજા: ક્યાંથી વૈદ લાવીએ. શેહેરમાં વૈદનો વંશ ગયો છે, કોઈને પોતાની વિદ્યા પૈશા વિના ભણાવી નહી તેથી.

ભાઈ૦: લ્યો. હું તપાસ કરૂં એ દાજીભાઈ, દાજીભાઈ.

દાજી: અલ્યા હાજી ભાઈ કેને કહે છે શું મુસલમાન દીઠા.

ભાઈ૦: અરે આપણા શેહેરમાં કોઈ વૈદ છે ?

દાજી: હશે પણ મેં તો સાંભળ્યો નથી.

ભાઈ૦: વૈદ વિના આ માંદા લોકોને કોણ મારી નાંખતું હશે ?

દાજી: અરે આ શેહેરમાં નથુડો હજામ બરાબર વઈદું જાણે છે. તે તેની નાડ ઝાલે છે તે તુરત દુધેશ્વર પહોંચે છે.

રાજા: હું જાંણું છું કે ધનવંતરીના દેવળમાં એને લેઈ જઈને શુવારીએ.

ભાઈ૦: ઠીક છે કાંઈ વિલંબ કરવી નહી. એ જ કરવું.

રાજા: ચાલો ત્યારે.

ઝાંપડો૦: અરે લુચ્ચાઓ શો અન્યાય, અધર્મ, ન કરવાનું કામ કરો છો ઉભા રહો, ઉભા રહો જશો નહી, ક્યાં જાઓ છો ?

ભાઈ૦: અરે પારશનાથ, વળી આ કોણ આવે છે ?

ઝાંપડો: અરે દુષ્ટ તમારૂં મોત ભુંડે હાલે હું કરાવીશ, તમે જે કામનો વિચાર કરો છો, એવું પરમેશ્વર પણ આજ સુધી કરી શક્યો નથી તો તમોથી શું થશે, એ ઇંન્દ્ર નહીં સાંખે અને કોઈ માણસ પણ નહીં સાંખે તમારૂં જરૂર મોત આવ્યું છે.

રાજા: એ તો બધુંય ઠીક છે, પણ તું કોણ છું જે ઉતાવળો ઉતાવળો બોલે છે, પણ પાસે લુગડું તો પેરવા નથી જણાતું.

ભાઈ૦: અરે ઝાંપડો હશે.

રાજા: એને પકડી લ્યો.

ઝાંપડો: પકડી શું લેશો, તમે મને ઓળખો છો ?

રાજા: તું કોઈ નીચ વરણ છું નહીં તો અમારા સામો બકવા કરત નહીં.

ઝાંપડો: બોલુ નહીં કેમ ? તમે મને દુનિયાં ત્યાગ કાઢવા ને મંડ્યા છો ને.

રાજા: ત્યારે તારે સારૂ નરકમાં જગા છે કે નહીં. તું બોલ તો ખરો તું છે કોણ ?

ઝાંપડો: હું એવો છું કે જે મને જગતમાંથી કાઢવા ચહાય તેને શિક્ષા કરૂં.

ભાઈ૦: અરે એ તો એ જ હશે તો જે તુરંગમાં ફાંશી દેવાનું કામ કરે છે. ઝાંપડો: ઠાકોર હું દરિદ્ર છું ને તમારા ઘરમાં સદાય રહું છું.

ભાઈ૦: હાય હાય, હવે ક્યાં નાશી જઈશું ?

રાજા: અરે જનાવર ઉભો રહે તો ખરો.

ભાઈ૦: આપણાથી તો ઉભું નહીં રહેવાય.

રાજા: ભુંડા હવે નાશી જવાય ?

ભાઈ૦: એ લઢવાનું કામ અમારૂં વાણીઆનું નહીં એ તો રજપૂતોનું અને આ તો સૌનું ધન ખાનાર છે, પણ એની પાસેથી કોઈને કોડી એક પણ મળે નહીં.

રાજા: એ તો ઠીક પણ આપણે નાશીને સાક્ષાત લક્ષ્મી એના હાથમાં સોંપીશું ઉભો રહે એ સાથે લઢશું.

ભાઈ૦: પણ સાથી લઢશું ? સૌનાં હથિયાર તો એ દરિદ્ર ઘરેણે મુકાવે છે.

રાજા: ભાઈ હીંમત રાખો, હું જાણું છું કે, આ લક્ષ્મી જ એને જીતીને જશનો ડંકો બજાવશે.

દરિદ્ર: અરે, ગુલામો શું મોઢું લઈને બોલો છો, દુષ્ટ કામના કરનારાઓ.

રાજા: અરે ચંડાળ તું અમારી સાથે લઢીશ તો, માર્‍યો જઈશ, તું તારે માર્ગે ચાલ્યો જા, અમે તારૂં કાંઈ બિગાડિયે છીએ.

દરિદ્ર: શું બોલો છો ! એ લક્ષ્મીની આંખ્યો સારી કરો છો ? એ જ મારૂં કામ બિગાડ્યું નહીં કે શું !

રાજા: સર્વ સારા લોકોનો ઉપકાર કરીએ છીએ તેમાં તારૂં શું બિગડે છે ?

દરિદ્ર: શો ઉપકાર કરો છો ?

રાજા: પહેલો તો એ જે તને જગતમાંથી કાઢવો.

દરિદ્ર: મને કાઢી મુકશો ત્યારે એથી જગતમાં બીજી મોતી હાંણ શી છે ?

રાજા: જગતમાં એ જ મોતી હાંણ છે કે, તને રાખવો.

દરિદ્ર: અરે પણ તે બાબત મારે વાદ કરવો છે, જ્યારે હું નકી કરી આપું કે, મારાથી તમારૂં સારૂં થાય છે તો ઠીક, નહીં તો પછી તમારી મરજી પરમાને કરજો.

રાજા: અરે ચંડાળ એવી ઉલટી વાત હોય ?

દરિદ્ર: સાંભળો એ વાત કોઈ કઠણ નથી, હું નક્કી કરી આપીશ કે, સારા માણસોને રૂપીઆ આપવા એ ખોટું કામ છે.

રાજા: તને અવળે મોડે ગધેડા ઉપર બેસારવો પડશે, અને જેમ ફાંશીએ દેવા લેઈ જાય છે, આગળ ભુંગળ વાગતે વળી જુડીશિયાલને લાવતાં આગલ ભુંગળું બજાવે છે, તેમજ તારો વરઘોડો કરવો પડશે.

દરિદ્ર: અમારી વાત સાંભળ્યા વિના રીસ શા માટે કરો છો ? રાજા: તારા જેવી વાત કોણ સાંખી શકે ?

દરિદ્ર: જેનો જીવ ફર્‍યો નહીં હોય તે.

રાજા: તું જુઠો પડે તો શેની હોડ વદે છે ?

દરિદ્ર: તમે કહો એટલી હોડ વદું.

રાજા: વારૂં ઠીક છે.

દરિદ્ર: વળી તમે હારશો તો તમારે પણ એવું જ ભોગવવું પડશે.

રાજા: અરે ભાઈચંદ હારે તેને વીશવાર મરવું ઠરાવશું.

ભાઈ૦: એને તો વીશ વાર મરવું તે ઠીક છે પણ ઠાકોર આપણ બંને જણ વચે બે વાર મરવું તે જ ઘણું છે.

દાજી: ઠાકોર આ સમે તમારૂં પરાક્રમ દેખાડવું પડશે, કેમકે હું તો તમારા બોલાવવાથી આવ્યો છું.

રાજા: હું જાણું છું કે એમ તો સૌ જાણતા હશે જે સારા લોકો દેવાદાર મટે, ભ્રષ્ટ લોકો હેરાન થાય ત્યારે ઠીક, માટે તેનો વિચાર કરીને અમે એક ઉપાય શોધી કહાડ્યો છે તે એવો છે કે તે કર્યાથી મોટો લાભ થાય તથા આબરૂ વધે તે એવી રીતે કે હાલ લક્ષ્મી આંધળી છે તેથી હેવાનની રીતે જ્યાં ત્યાં ફરતી હીંડે છે, પણ તે દેખતી થાય ત્યારે અમો જેવા તેવાની સોબત નહીં કરે સારા લોકની સોબતમાં જ રહેશે, વળી તેથી પછી લોકો પણ સૌ સારા થશે. લક્ષ્મીની આશાથી પરમેશ્વરની મરજાદામાં પણ રહેશે હવે. એથી જગતનો ઉપકાર થવાનો બીજો સારો વિચાર કિયો છે ! તે કહો.

ભાઈ૦: નથી. હું કહું છું પણ તેને શું કરવા પુછો છો ?

દરિદ્ર: અરે મૂર્ખ પાજી માણસો એવો ઊંધો વિચાર શો કરો છો તેમાં તમારૂં કાંઈ સારૂં થવાનું નથી જુઓ જ્યારે સૌને ઘેર લક્ષ્મી સરખી રહેશે ત્યારે પછી વિદ્યા કોણ ભણશે પોત પોતાનો કીસબ કોણ કરશે અને એમ થશે ત્યારે લુવારનાં કામ, દરજી, મોચી, કુંભાર, ચમાર તેઓનાં કામ કોણ કરશે, ખેતરમાં હળ હાંકવા કોણ જશે અને પછી અનાજ વિના આપણા હિંદુલોકો સર્વે શું ખાશે ?

રાજા: અરે તું કાંઈ સમજતો નથી. એ કામ સર્વે અમારા ચાકર લોકો કરશે.

દરિદ્ર: પણ ચાકર ક્યાંથી મળશે ?

રાજા: પૈશાથી ઘણાય મલશે.

દરિદ્ર: પૈશા વડે રહેનાર કોન મળશે પૈશાવાળા સૌ હશે ત્યારે ?

રાજા: પરદેશથી સિંધી લોકો વેચાતા મંગાવીશું તે કામ કરશે.

દરિદ્ર: તે પરદેશમાં મોત આગમીને લેવા સારૂં કોણ જશે ? પણ બીજું કાંઈ નહીં હું જાણું છું કે કશુંબા પાણી છોડી મુકીને તમારે પંડેજ હળ ચલાવવું પડશે અને એ સઘળા કીસબ કરવા પડશે, ને આથી પણ તમારી અવસ્થા નરશી થશે.

રાજા: તારા મોઢામાં ધૂળ.

દરિદ્ર: પછી તમને ઢોલીઓ સુવા મલશે નહીં કેમ જે તેનો બનાવનાર નહીં મળે અને તળાઈ પણ નહીં મળે સુતર કરવા સારૂં રેંટીઆ પણ કોણ ફેરવશે અને કુંવરીજીને પરણાવશો ત્યારે ચુડો પાનેતર ક્યાંથી મલશે અને એવું થશે ત્યારે રૂપીઆજ કેવળ પેહેરશો, ઓઢશો કે રૂપીઆના ફાકડા ભરશો ? માટે હું જ સર્વ લોકોને સુખ ઉપજાવું છું કેમ જે જેને ઘેર હું જાઉં છું તે લોક ભુખને મારે પોતાનો કીસબ બનાવે છે.

રાજા: તારાથી શું સારૂં થાય છે ? શરીરે અજીરણ થાય છે. અને ઘણાં છોકરાં ભુખે મરતાં રડે છે, અને ડોશીઓ મલીન થઈને બેશી રહે છે, અને જુઓ ચાંચડ પેદા થાય છે અને મચ્છર તો એટલા થાય છે કે, સોરબકોર કરી રહે છે, અને કહે છે કે તું ભુખ્યો હતો પણ ઊઠ ઊંઘીશમાં વળી તારા દુખથી ફાટલકંથા ઓઢવી પડે છે, અને ગોદડીમાં માંકડ તો એટલા થાય છે કે, ચાય તેટલો કશુંબો પીધો હોય, તોય પણ તે ઉપર ઊંઘ આવે નહીં, અને ઓશીકાને ઠેકાણે પથરો મેલવો પડે છે, અને ઓઢવાને ફાટલ કાંબળી મળે છે, અને ઘીને સાટે તેલ ખાવું પડે છે, ચોખા સાટે જવાર ખાવી પડે છે, અને ઘોડીઆ વિના ઝોળી બાંધવી પડે છે, તપેલા સાટે હાંડલી તે પણ ફુટેલી મળે છે, કળશીઆ સાટે તુંબડું, થાળી, વાટકા સાટે સાનક, રામપાત્રમાં ખાવું પડે છે, તે પણ ફુટેલ હોય છે, નળીઆ સાટે ઘર ઉપર છાજ નાંખવું પડે.

દરિદ્ર: ભાઈસાહેબ એ અમારી અવસ્થા નહીં એતો સર્વે કાળ વર્ષના મઉઓની અવસ્થા તમે કહી.

રાજા: પણ લોકમાં કહેવાય છે કે નહીં જે મઉનો ભાઈ દરિદ્ર.

દરિદ્ર: અરે લોક તો કહે છે કે "પંડ્યો, પાડો ને કુતરો એ ત્રણે એક જાત" પણ એ વાત કાંઈ સાચી છે, અને અમારી અવસ્થા એ નથી ને કોઈ સમે એવી થનાર પણ નથી ને હા મઉની અવસ્થા એવી છે, પણ ગરીબ લોકોને તો ઝાઝૂં ખાવા નથી મળતું તો થોડું જ પણ મહેનત મજુરી કરીને ગુજરાણ ચલાવે છે. એથી શી નરશી અવસ્થા છે ?

રાજા: અરે રામ એથી પછી શી નરશી અવસ્થા કહેવાય જે જીવે ત્યાં સુધી તો મજુરી કરી કરીને મરી જાય, અને મરે ત્યારે પારકે લાકડે બળે. દરિદ્ર: એ તો તમે ઉપરથી મશ્કરીમાં બોલો છો, પણ મનમાં વિચાર કરી જુવો તો ખબર પડે કે, લક્ષ્મીના ચાકરોથી અમારા ચાકરો દિલમાં તથા શરીરમાં સારા રહે છે, જુવો તેમના ચાકરને પગે હાથે ખરજવાં થાય છે, શરીરે ઘાણીના થડ જેવા વધી જાય છે, તે બેસે ત્યાંથી ઉઠી શકતા પણ નથી અને અમારા ચાકરો શરીરે પાતળા અને કોઈ સાથે બાથો બાથ આવવાને પણ હુંશિયાર અને એક દિવસમાં વીશ ગાઉ જવું હોય તો પણ જઈ શકે.

રાજા: એમાં શું એ તો સૌ જાણે છે કે ખાવા પુરૂં મળે નહીં એટલે શરીરે પાતળા જ રહે તો.

દરિદ્ર: વળી જુઓ અમારી પાસે લાજ શરમ રહે છે. અને લક્ષ્મીને ઘેર મગરૂરપણું રહે છે.

રાજા: હા, એમ હશે. એમ જાણીએ છીએ કે, ચોરી કરવી, ખાતર પાડવું એ મોટી લાજની વાત હશે.

ભાઈ૦: અરે દૈવ હા. એ તો સાચું, ચોરીનું કામ ઘણું છાનું રાખવું પડે છે. માટે એ તો અદબની વાત છે.

દરિદ્ર: જુવોને એ કારભારી લોકો પણ પેહેલા ગરીબ હોય ત્યારે રૈયતને પણ નમ્રતાથી બોલાવે, અને સરકારનું કામ પણ બરાબર ચલાવે, અને જ્યારે તેના પાસે ભુરશી દક્ષણાની પુંજી જામી એટલે પછી રૈયતને પણ હેરાન કરે અને સરકારનું કામ પણ બગાડે છે.

રાજા: અરે એવું બોલીશ તો આ ભાઈચંદ ભાઈ પાસે જ ઉભા છે, તે તને સરકારમાં કેદી ઠરાવશે. સાચું બોલનાર છું, તો પણ અમે તને શિક્ષા કરયા વિના તો આજ છોડનાર નથી. બીજો ગુનો નહીં હોય તો, આ દોલતથી દરિદ્રની બડાઈ કહી દેખાડે છે તે જ કારણથી.

દરિદ્ર: અરે તમે ન્યાયની વાતે તો મારાથી જીત્યા નહીં, એટલે હવે આડું બોલો છો ?

રાજા: એટલા જ સારૂં કે હું સર્વેનું સારૂં ચાહું છું પણ જેમ બાપ સાથે દીકરો વૈર બાંધે છે, બાપ સારૂ ચહાય છે. તોપણ આજના લોકો હેતુ શત્રુની વિગતી સમજતા જ નથી અજ્ઞાનથી.

રાજા: ત્યારે ઇંન્દ્રને પણ હેતુ શત્રુની વિગતી નહીં હોય ? જે સદાય લક્ષ્મીને પોતાને ઘેર રાખે છે ?

ભાઈ૦: અને દરિદ્રને આપણા જુના નગરશેઠને ઘેર મોકલે છે.

દરિદ્ર: અરે તમો બંને મુર્ખા છો. કાંઈ અંતરદૃષ્ટિથી તપાસી શકતા નથી. જુવો ઇંન્દ્ર તો જગતમાં સર્વેથી ગરીબ છે; એ વાત હું પ્રમાણ કરી આપીશ. જુવો ઇંન્દ્ર ગરીબ ન હોય તો, દધીચી રૂષિના હાડકાં માગવા સારૂં જાય અને વળી જ્યારે જગત ઉપર ઇંન્દ્ર ઘણી મેહેરબાની કરે છે, ત્યારે ઉપરથી ફક્ત પાણીનો વર્ષાદ કરે છે પણ સોના રૂપાનો કેમ વર્ષાદ કરતો નથી ?

ભાઈ૦: એથી જ ઇંન્દ્રનું કરમીપણું જણાઈ આવે છે, જે જગતમાં પૈસાવાળા છે, તે ચહાયતેવા પ્રસન્ન થાય તો આપણ વગર વિચાર્‍યો જૈં ખરચવો માથા સાટે કરે છે.

દરિદ્ર: એમ હોય ત્યારે તો ગરીબથી પણ ઇંન્દ્રની આબરૂ ઓછી જે પૈસાવાળા થઈને એવડો લોભ રાખે છે.

રાજા: અરે લુચ્ચા તાર ઉપર તો ઇંન્દ્ર અગ્નિ વરશાવે ત્યારે ઠીક.

દરિદ્ર: વારૂ તમે હારીને જવાબ એટલો જ આપો છો કે ?

રાજા: ચાલો ત્યારે આપણે આ ખેત્રપાલ દેવને પુછીએ જે પૈસાવાળા થવું તે સારૂં કે ભુખે મરવું તે સારૂં, કેમ જે એ પૈસાવાળા લોકો ખેત્રપાલ સારૂં ચકલામાં ઉતાર મુકે છે, તે મુકતાં પેહેલાં જ ભુખે મરતા લોકો ઝડપી જાય છે; માટે તુંતો વગર બોલ્યો જ રેહે તારી વાત હું માનનાર નથી.

દરિદ્ર: અરે કોઈ ચુંવાળના રહેનારા હોયતો આ રાજાની વાત સાંભલજો.

રાજા: અરે અમારા મિત્ર રાહુ તું આ દુષ્ટ માણસને મોઢે બેશ.

દરિદ્ર: અરે હું કેવો નીરભાગી છું મારૂં શું થશે હવે ?

રાજા: મોત, જાઓ.

દરિદ્ર: ક્યાં જાઊં.

રાજા: તોપને મોઢે અસુડર થાય છે.

દરિદ્ર: પણ ઠાકોર તમારે મારૂં કામ પડશે

રાજા: પાછું કામ પડશે તો તેડું મોકલશું પણ હાલ તો હતો નોતો થા, એટલે ન્યાલ થઈએ (પછી દરિદ્ર ગયો.)

ભાઈ૦: હે દૈવ હવે તો એવી હુંશ છે કે, તુરત પૈસાવાળા થઈને બાઈડી, છોકરાંને ઘરેણાં ગાંઠાથી શણગારીને પછી ગરીબ લોકોની તથા કારીગર લોકોની મશ્કરી કરવી.

રાજા: અરે ભાઈચંદ એ પેલો દુષ્ટ ગયો પણ હવે તુરત આપણે એટલું કરવું જોઈએ કે, આ દેવીને ધનંતરવૈદના દેરામાં લેઈ જઈને બેસાડવી.

ભાઈ: હા, હવે વાર લગાડવી નહીં, વળી કોઈ દેખે તો કાંઈ હરકત થાય.

રાજા: અલ્યા ભીમડા તું એ દેવીનો હાથ ઝાલીને એના બેસવાના કામળા સોત અહિ લેઈ આવ.

ભીમ૦: અરે ઉઠ ડોશી તારો કામળો બેસવાનો લાવ્ય રાજાએ મગાવ્યો છે.

સ્વાંગ ત્રીજો સંપુર્ણ