લક્ષ્મી નાટક/સ્વાંગ ૪ થો

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
Padlock-red.svg
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← સ્વાંગ ૩ જો લક્ષ્મી નાટક
સ્વાંગ ૪ થો
દલપતરામ
સ્વાંગ ૫ મો →


ભીમડો: અલી લવીંગા સાંભળ તો ખરી જે, સારા લોકોની દીવાળીને દહાડે પણ ઘેંસ ખાવી પડતી તેનો કેવો ચઢતો દહાડો થયો છે કે, હવેથી રોજ લાવશી ચુરમાં કરીને પેટ ભરીને ખાશે.

લવીંગા: શું કહો છો ! ભીમભાઈ ક્યાં થકી વધામણી આવી છે કે શું ?

ભીમ૦: આપણા ધણીને આ મોટો લાભ થયો નહીં નહીં લક્ષ્મીજી જે આંધળી હતી તેને ઓષડ કરવા સારું ધનવંતર વૈદને દેરે લેઈ ગયા છે.

લ૦: હો ! ત્યારે તો આજ વિવાથી રળિયામણું ઘીનાં આંધણ મુકવાં અને ગીત ગાવાં.

ભીમ૦: ત્યારે તમને ગીત આવડતાં હોય તો ગાઓ.

લ૦: વીરા વઇદ ધનંતર વીનવું, પ્રથ્વીમાં રે તારો મોટો પ્રકાશ.

રાણી૦: અરે છાની રેહે, શો પોકાર કરે છે કુવરજીને ક્યાંઇથી નાળિયેર આવ્યું છે કે શું હું ઘણા દહાડા થયે એ જ વાટ જોઉં છું.

ભીમ૦: રાણીજી કશુંબો ઘોળીને તઇયાર લાવો તમારે પણ પીવો પડશે કેમ જે તમને ઘણો ભાવે છે અને હું એક મોટી બરકતની ગાંઠડી બાંધીને લાવ્યો છું.

રાણીજી: તે ક્યાં છે ?

ભીમ૦: હું કહું છું ને.

રાણી૦: તુરત કહીને એ કામ કરવા લાગો.

ભીમ૦: એ સરવે વાત તમારા માથા ઉપર લાવીશ.

રાણી૦: અરે મુરખા મને ભાર લાગે નહીં.

ભીમ૦: આ બરકતનું ફળ થાય તે તમારા માથા ઉપર નહીં.

રાણી૦: ફળ થાય તે ખરૂં પણ હરકત બરકત નહીં.

ભીમ૦: જ્યારે હું દેવી પાસે ગયો ત્યારે તો તે મોટા દુઃખમાં હતી પણ હવે તો તાજી માજી થઈ છે. પેહેલો હું તેને સમુદ્ર પાસે લઈ ગયો અને સરવે તીરથનું ફળ અપાવ્યું.

રાણી૦: અરે ઘયડી ડોશીને સમુદ્રના તાઢા પાણીમાં બોળાવી તેનું ફળ તો તાઢ છે.

ભીમ૦: પછી અમે ધનવંતરને દેહેરે લઈ ગયા ત્યાં પુજારા બ્રાહ્મણો હતા તેણે દેવતામાં ખીરને ખાંડ બળાવ્યાં અને તે દેરામાં જેટલા જેટલા દેવો હતા તેની પૂજા કરાવી તે દેવો પાસે પૈસા ને સોપારિયો ને ખાવાની જણશો કેટલી એક મુકાવી ને પછી લક્ષ્મીને એક પાટ્ય ઉપર સુવારી અમે સર્વે પણ સુતા.

રાણી૦: તે દેરામાં તમે જ હતા કે બીજા લોકો દેવીની પૂજા કરવા આવ્યા હતા ?

ભીમ૦: ગૌતમને ઘેર ઇંન્દ્ર ગયો હતો, તે ગૌતમ સાથે લઢાઈ થઈ હશે, તેથી ઇંન્દ્રને શરીરે ઘણું વાગ્યું હતું, તે પણ ત્યાં ઓષડ કરાવા આવ્યો હતો, અને આપણા શેહેરનો કામદાર પણ હતો જે આંખ્યે આંધળો છે, પણ લોકની લાંચ ખાવામાં મોટો હુંશિયાર છે.

રાણી૦: પછી તમે શું કર્યું ?

ભીમ૦: પછી તો અમે સુતા પણ એક દેવ પાસે પુજારાઓએ સુખડી મુકાવી હતી, તે જોઈને મારૂં મન તો તેમાં જ હતું, તેથી ઊંઘ આવી નહીં, અને પછી પુજારાઓએ કહ્યું જે કાંઈ શબ્દ સાંભળો તો કાનમાં આંગળિયો ઘાલજો. નહીં તો બેહેરા થશો, એમ કહીને દીવા ઓલવી નાંખીને દેવોની પાસેથી ખાવાની જણશો લઈ લઈને પોતે ખાવા લાગ્યા એટલે મેં પણ જાણ્યું જે આ ખાવાથી મોટું ધરમ થતું હશે. પછી મારા પાસે દેવ હતો તેની પાસેથી એ પુજારો લેવા આવ્યો એટલામાં તુરત હું લેઈને ખાઈ ગયો.

રાણીજી: અરે મુરખા દેવનું ખાતાં તને કાંઈ બીક લાગતી નહોતી.

ભીમ૦: હા, બીક તો એટલી બહુ લાગતી હતી જે હું નહીં પોહોંચું તો એ બ્રાહ્મણ મારા પેહેલાં લઈને ખાઈ જશે. પહેલું ગોરેજ મુને એ કામ શીખવ્યું હતું અને મારા પગના સંચલ સાંભળીને એ પુજારો લેવા દોડ્યો. પણ જેમ બિલાડી ઊંદરને ઝડપ નાખીને પકડે એમ મેં તુરત લેઈ લીધું તે ખાઈ પેટ ટાઢું કરીને પછી હું નીરાંતે સુતો.

રાણી૦: પછી રાતમાં તે ધનવંતરી તમારી પાસે આવ્યા હતા ?

ભીમ૦: હા આવ્યા હતા, પણ હુંતો બીનો તે મોં ઉપર ઓઢીને સુઈ રહ્યો પછીતે વૈદદેવ સરવે માણસ પાસે પાસે ફરતો હતો, વળી તેની કેડે કેડે એક ચાકર હાથમાં ઓષડની ખરલ લઈને ચાલતો હતો.

રાણી૦: મૂરખા તેં મોં ઊપર ઓઢ્યું હતું અને શી રીતે દીઠું ?

ભીમ૦: મારૂ ઓઢવાનું લુઘડું ચાયણી જેવું હતું તેથી દીઠું તે વૈદદેવ પહેલો આપણા ગામના કારભારી પાસે જઈને તેની આંખ્ય ઊપર ડામ દીધો એટલે એતો ઊઠીને નાઠો ત્યારે દેવે કહ્યું જે ઊભો રહે, તને એવું ઓષડ આપું જે કચેરીમાં જવું જ બંધ થાય, એટલે ગરીબ લોકો બીચારાં રાજી થશે.

રાણી૦: વાહ ! વાહ ! ધનવંતરી ડાહ્યો ખરો એ કામ ઠીક કર્યું.

ભીમ૦: પછી લક્ષ્મી પાસે વૈદદેવ આવીને તેની આંખ્યો, માથું જોઈને સારે લુગડેથી આંખ્યો લુઈયો, પછી મોં ઊપર એક ચુંદડી ઓઢાડીને સરપના જેવો શબ્દ બોલ્યો એટલે દેરામાંથી બે મોટા ભોરીંગ નાગ આવ્યા.

રાણી૦: અરે રામ રામ પછી ?

ભીમ૦: તે લક્ષ્મીના ઘુઘટામાં પેશીને આંખ્યો જીભે વતી ચાટીઓ એટલે તુરત તમે ડુંગળીના કાંદા શેર ૧ ઊભાં ઊભાં ચાવી જાઓ છો તેટલી જ વખતમાં લક્ષ્મી બેઠી થઈ, એટલે મેં તુરત ઠાકોરને જગાડ્યા, ને તાળિયો પાડીને નાચવા લાગ્યો, પછી વૈદદેવતો અગ્નીનો ભડકો થઈને જતો રહ્યો, અને સરપ દેરામાં અલોપ થઈ ગયા, પછી જેટલા લોકો ત્યાં હતા તે સરવે લક્ષ્મીને વળગી પડ્યા અને રાત આખી આનંદ વારતા કરી કોઈ ઊંઘ્યા નહીં ને હું તો બહુ જ રાજી થયો હતો. ધનવંતરી વૈદનાં વખાણ કરતો હતો જે લક્ષ્મીને દેખતી કરીને કારભારીને આંધળો કર્‍યો.

રાણી: ત્યારે આપણા દેશના રાજાની આંખ્યોનું ઓષડ એ ધનવંતરી પાસે કરાવે તો ઘણું સારૂં.

ભીમ૦: એ ક્યાં આંધળો છે ? એ તો આંખ્યે દેખે છે.

રાણી૦: દેખતો હોય તો આ કારભારી લોકો રૈયતને ધોળે દહાડે લુટી શકે. અહો ! એ ધનવંતરી કેવા સમરથ છે, અરે પણ લક્ષ્મી ક્યાં છે હવે ?

ભીમ૦: આવે છે તો ખરાં પણ બીચારા સારા લોકો દરિદ્ર થઈ ગયા હશે. તે સરવે ભેળાં થઈને કોઈ લક્ષ્મીને પગે લાગે છે, ને કોઈ હાથે લાગે છે, અને લુચ્ચા તાલેવંત લોકો લમણે હાથ દેઈને ઊદાસ થઈને બેઠા છે, જે આપણે અધર્મનો પૈસો એકઠો કર્યો છે, તે હવે રહેશે નહીં, એમ ધારે છે, અને કેટલાએક લોકો રાજી થઈને પગે ઘુઘરા બાંધીને નાચે છે, અને ઘયડા લોકોના પગના ધમકારા વાગતા હોત, માટે રાણીજી તમારે પણ આ ઠેકાણે રાજી થઈને નાચવું જોઈએ, હવે તમારે કોઈ દહાડે ઊચાટ કરવો નહીં પડે જે માટલીમાં લોટ થઈ રહેશે તો શું કરીશું ?

રાણીજી: અરે વીરા તારાં દુખડાં લેઊ તારા મોઢામાં સાકર.

ભીમ૦: ઠીક ત્યારે લાવો નહીં તો પછી બીજા લોકો તુરત આવશે.

રાણી૦: ઊભો રહે, હું ઘરમાં જઈને સાકર લાવું. હાલ લક્ષ્મીની આંખ્યો સારી કરાવી છે, માટે તેમાં ભરવી જોઈશું.

ભીમ૦: ચાલો ચાલો આપણે સામેયું લેઈને જઈએ. (એમ જતાં હતાં ત્યાં લક્ષ્મી ઠાકોર સર્વે આવ્યાં.)

લક્ષ્મી: અરે ભાઈયો, આ સુરજ દેવને તથા આ ગુજરાતના અધિપતિ શ્રી ડાકોરનાથને અને વળી તેના સારા ગુજરાત દેશને હું પગે લાગું છું. જેના ઉપકારથી મારી આંખ્યો સારી થઈ, અને અરે પ્રથમ હુંમાં મોટી ભુલ્યો આવી, કે દુષ્ટ લોકોની સોબતમાં રહી, અને સારાં લોકોથી છેટે રહી, એ અજ્ઞાનપણાથી થયું, પણ હવે એ ચાલ સર્વે ફેરવીને મારી સારી ચાલ તમને સઊને દેખાડીશ, હવે હું દુષ્ટ માણસના કામમાં ઊભી રહેનાર નહીં.

લક્ષ્મી: ઠાકોર ઠાકોર, વેહ પૈસા સાચવીને રાખવાનું એક મોટું ઠેકાણું સોધી કહાડો.

ધનપાળ: એક દેવનું દેરૂં બનાવીને તેના ભોંયરામાં પૈસા ભરો તો ઠીક સચવાશે.

ગુલામ દોલતખાં: અબ બીબીસાહેબકું બંદાકે મુકાંમપર કબ લેકર આઓગી.

રાજા: અરે એ તો જાણ્યા તમને, હવે તમે સર્વે છેટે ઊભા રહો. આ જગતનો કેવો ચાલ છે જે કોઈ ખાતોપીતો થાય તો તેના હજાર મિત્ર થવા આવીને શિખામણો દેવા લાગે છે, હું કેટલાએકને જવાબ આપું. મારા તો પગ પણ ખુંદી નાખ્યા અને મને કુંણિયો વાગે છે, આજ દીન સુધી હું બજારમાં નીસરતો ત્યારે આમાં કોણ મારા પાસે માગણા પૈસાની ઊઘરાણી કર્‍યા વિના રહેતો ?

રાણી: પધારો માતાજી તમારી આંખ્યોમાં બેક‘ [૧] સાકર ભરીએ એટલે થંડક થાય.

લક્ષ્મી: મારી આંખ્યો સારી થઈને તુરત તમો ગરીબ લોકોને કાંઈ આપવું તો રહ્યું ને ઊલટું લેવું, તે કાંઈ ઠીક નહીં.

રાણી: હા માજી, એ તો સાચું કહો છો પણ અમો તો એમ જાણિયે છિએ કે કાંઈક અમારા ઘરનું આપના કામમાં લેશો તો પછી અમારા ઊપર સંપુર્ણ મેહેરબાની થશે.

લક્ષ્મી: વારૂં તે ઘરમાં જઈને લેશું પણ લોક દેખતાં લેવું ત્યારે જગતમાં કહેવાય કે લક્ષ્મી પણ પ્રથમ લાંચ ખાઈને કામ શુંધારે છે, ત્યારે બીચારા ગરીબ લોકોનો શો ઊપાય ?

રાણી૦: હા માજી, એ તો સાચું કહો છો જુઓને આ પીટ્યો ભાઈચંદ વકીલ અમારી પાસેથી બંને હાથે રૂપૈયા લેવા ઊભો થયો છે.

સ્વાંગ ૪થો સંપૂર્ણ
  1. એટલે થોડીક