લખાણ પર જાઓ

લક્ષ્મી નાટક/સ્વાંગ ૫ મો

વિકિસ્રોતમાંથી
← સ્વાંગ ૪ થો લક્ષ્મી નાટક
લક્ષ્મી નાટક/સ્વાંગ ૫ મો
દલપતરામ
સ્વાંગ ૬ ઠ્ઠો →


સ્વાંગ ૫ મો

ભીમડો: અરે ભાઈ જે માણસના ઘરમાં એક દિવસનું પણ ખાવા નહોતું તેને તુરત પૈસાવાળું થઈ બેસવું તે મોટી આનંદની વાત છે, અને વળી હાલ અમે કાંઈ લુચાઈ કર્યા વિના પૈસાવાળા થયા છીએ, કોઠીમાં અનાજ ભર્યું રહે છે, ઘી તેલનાં કુલ્લાં ભર્યા રહે છે. અને સોનું રૂપુ તો પગે ખુંદાય છે, અને આગળ તો રાણીજી ઘર સાચવીને બાહાર જતાં એટલે જારના રોટલા સંતાડી મુક્યા હોય ત્યાંથી ચોરીને હું ખાઈ જતો પણ હવે તો ઘઊંના રોટલા, ઘી, ગોળ, પેટ ભરીને ખાઈએ છિયે અને હવે લુગડાં પણ સાંધવાં નથી પડતાં. વળી આગળ એક રાજા મેં દીઠો હતો તે સોનાની પાલખીમાં બેશીને જતો હતો, પણ હવે અમારા રાજાને સોનું તો શા લેખામાં છે, પણ રાવગોલની પાલખી કરાવશે તોપણ થશે, પણ માંહેથી ખાતો જાય અને ચાલતો જાય. અને આગળ અમે કચુકા કાંકરાથી રમતા. હવે પૈસા રૂપૈયાથી રમિયે છિયે અને શરીરે ઘણો તડકો લાગ્યાની બળતરા થતી ત્યારે ભેંશોની પેઠે સારી માટી લગાડતા, તે હવે મળિયાગર ચંદન લગાવિયે છીયે અને સરપ ઝાલવાના સાંણસા તે પણ હાથી દાંતના કરાવ્યા. હાલ અમારો રાજા મોટા આનંદથી હવન કરાવે છે, તે ભારે મુલવાળું પીતાંબર પહેરીને બેઠા છે, અને રાણીજી શણઘરાઈને જોડે બેઠાં છે, ત્યાં બ્રાહ્મણો વેદ ભણે છે અને દેવતામાં ઘીનાં તો આખાં કુલ્લાં ઠલવી દીધાં પણ ત્યાં ધુમાડો બહુ થયો છે તેથી હું તો બહાર આવતો રહ્યો, ત્યાં રહેવાયું નહીં.

શાસ્ત્રી૦: ચાલો દીકરા અમારે દેવી પાસે જવું છે.

ભીમ૦: અરે એ કોણ આવે છે ?

શા૦: ભાઈ એ તો હું છું, જે પહેલો મહા દુખમાં હતો, પણ હાલ સુખ પાંમ્યો છું તે.

ભીમ૦: એ તો હું સમજ્યો તમો કોઈ સાલસ માણસ હશો ?

શા૦: એ જ.

ભીમ૦: ઠીક તારે હવે તમારે શું જોઈએ છિયે ?

શા૦: આ, દેવી અમારા ઉપર પ્રસન્ન થયાં છે વાસ્તે અમે દરસન કરવા આવિયે છિયે. અમારા બાપનાથી આજ અમારી લાજ મોટી થઈ છે, ભાઈ પહેલો અમારે વિચાર હતો જે અમારા મિત્રોની કાંઈ બરદાસ રાખીશું તો આગળ સારૂં ફળ પામીશું.

ભીમ૦: મહારાજ તારે તો તમારા રૂપૈયા તુરત ખુટી ગયા હશે ?

શા૦: હોવે તુરત.

ભીમ૦: પછી તમે દરિદ્રપણાના દુઃખમાં પડ્યા હતા ?

શા૦: હા ભઈ, બહુ દુઃખમાં હતા, અને વળી હું જાણતો હતો જે આ લોકો અમારી સહાયતા કરશે, પણ તે તો ઊલટા અમે બોલાવિયે ત્યારે આડું જોઈને ચાલતા હતા.

ભીમ૦: હા. શાસ્ત્રીજી તે તમારી મશ્કરી પણ સારી પેઠે કરતા હશે ? શા૦: ભાઈ, ભાઈ, મશકરી તો કરેજ તો અમારે ઘેર કોઈ દિવસ ભોજન પામે નહીં તે.

ભીમ૦: હવે એમ નહીં હોય ?

શા૦: ના, ના, હવે તો તે પાછા અમારા મિત્ર થવા આવે છે. એટલા જ સારૂં અમે આ દેવીનું દરસન કરવા આવિયે છિયે જે એ મોટી પગે લાગવા યોગ્ય છે.

ભીમ૦: ઠીક, પણ તમારા હાથમાં આ જુના ફાટલાં લુગડાં શા વાસ્તે લાવ્યા છો ? એ દેવીને કાંઈ કામમાં આવશે ?

શા૦: આ અમે દેવીને ભેટ મુકીશું.

ભીમ૦: કેમ એ તમારા જનમ શમે છઠીના દહડાનું લુગડું છે.

શા૦: ના, એમ તો કાંઈ નથી પણ આ લુગડાથી અમે બાર શિયાળા કહાડ્યા છે.

ભીમ૦: અને આ તમારા જોડા ?

શા૦: તે પણ એટલાં જ વર્ષ થયાં અમારા પગ સાથે ઘસાય છે, અને તે જોડાએ કેટલાએક તો દેશ જોયા હશે.

ભીમ૦: તારે તે પણ દેવીજીને આપવાં છે ?

શા૦: હા તારા સમ.

ભીમ૦: અહો ! તારે તો દેવીનાં નશીબ ઉઘડ્યાં.

ચાડિયા૦: હાય હાય, અમારાં નશીબ કેવાં ઉલટાં થયાં.

દેસાઈભા૦: આ વખતમાં અમારે માથે આભ ટુટી પડ્યો.

ભીમ૦: અરે દૈવ, હે પરમેશ્વર, હે દીનાનાથ, આ માણસને માથે આવો શો આપદકાળ આવ્યો હશે ?

દે૦: અરે ભાઈ, આ દેવિયે અમને હાલ ખાવાપીવા ટાળ્યા, ભીખ માગતા કીધા, પણ કાંઈ ફિકર નથી જો સરકારી કાયદાની એક કલંમ લાગુ થશે તો એ દેવીને પાછી અમે આંધળી કરાવીશું કેમ જે પડોશની રજા વિના એવું કામ થાય નહીં.

શા૦: આ માણસ આવો ઘભરાટમાં કેમ છે ? કોઈ લુચ્ચો માણસ હશે ?

ભી૦: લુચ્ચો ખરો અને એના ભુંડા જ હાલ થવા જોઈએ.

દે૦: પણ પેલો માણસ ક્યાં ગયો જે આગળથી બોલતો હતો કે અમે સૌ લોકોને પૈસાવાળા કરીશું અને હવે ઉલટો કેટલા એક લોકોની ખરાબી કરે છે, પણ શું કરિયે અમારામાં ચુક આવી, નહીંતો એની પાસેથી સરકારી કાગળમાં લખાવી લીધું હોત તો ઘણું ઠીક થાત.

ભી૦: અરે કેની ખરાબી કરી છે ? દે૦: મારી જ.

ભી૦: કેમ તમે લુચા અને હરામખોરની ટોળીમાં હતા કે શું ?

દે૦: હું જાણું છું કે તમે બંને જણ કાંઈ સારાં મનુષ્ય નથી, અને અમારી મિલકત તમે જ દબાવી રાખી હશે.

ભી૦: અરે આ ચાડિયો આવડો આકળો કેમ બોલે છે, હડકાયો થયો છે કે શું ?

દે૦: કાંઈ ફિકર રાખશો નહીં, તમે નક્કી જાણજો કે હું તમને છોડનાર નથી, ફોજદારીમાં લઈ જઈને બેસાડી મુકાવીને કબુલત કરાવી લેઈશ.

ભી૦: લીધું, લીધું, મોત.

શા૦: હે દુઃખ આ દેવીનું તો મોટું મહાત્મ જાણવું જોઈએ જે આવા પાપીશ્ટ લોકોને પીડા કરવાનો સ્વાભિપ્રાય જણાય છે.

દેશાઈ: અરે તમે પણ આ કામ કરવામાં છો કે, એમ જ હશે, નહીંતો કાલે તમે ફાટાં મેલાં લુગડાં પેહેરયાં હતાં, અને આજ આવા જાનઇયા જેવા શાથી થયા ?

શા૦: અમે કાંઈ તારાથી બીતા નથી. આ ઘંટાકરણનો જંત્ર માદળિયામાં મારી પાસે છે. વિશ્વંભર જોશી પાસેથી મને મળ્યો છે, તેથી સરપ તથા વાઘનો ભય પણ અમારે નથી.

ભી૦: શાસ્ત્રીબાવા, સરપ વાઘનો ભય તો નહીં, પણ ચાડિયા લોકોનો ભય તો ખરો એ તો કાંઈ એવા જંત્રને માને નહીં.

દેશાઈ: અરે તમે અમારી મશકરી કરો છો ? હસવું હોય એટલું હશી લ્યો. પણ આ કામ બાબત તમારે સાફ જવાબ આપવો પડશે જે તમે મોટા પૈસાવાળા શાથી થયા ? અને બીજા લોકોને કેમ હેરાન કરો છો ? એ કામ કાંઈ સારૂં નથી.

ભીમ૦: હા. તારે તો સારૂં નથી.

દેશાઈ: તે શેનું સારૂં હોય અમારી મિલકત ધુળધાણી કરીને આ ઘરને ખુંણે પેશીને તરેહ તરેહના પાક બનાવો છો તે.

ભીમ૦: ઠીક તારે, પાકમાંથી તમને ખાવાનું મળે ત્યાં સુધી તમે એને તમારી સહાયદી પુરનારાઓ પતરાળીઓ, પડિયા, લેઈને બેસો.

દે૦: કેમ પાક નથી બનતો, ત્યારે આ દુધપાક શીરાપુરી માલપુડાની બાસ ક્યાંથી આવે છે ?

ભીમ૦: હા, તે બાસ તમારા મોંમાં આવી, ત્યારે હવે તમારે શું જોઈએ ?

શાસ્ત્રી: અરે ભાઈ તું જાણતો નથી કે, ચાડિયા લોકોનું એ જ કામ છે, જે કાંઈ ન હોય, તોપણ જુઠ્ઠું તોમત ઊભું કરીને પણ તેની પાસેથી કાંઈ લેવું. દે૦: અમે જન્મથી જ જેજે કામ કીધાં હશે તે સરકારના ફાયદા વાસ્તે અને લોકોના કલ્યાણ વાસ્તે હશે, પણ કહેવત છે કે, ગણનો ભાઈ દોષ. આ લોકો આજ અમારી મશકરી કરે છે.

ભીમ૦: તમે ફાયદો અને કલ્યાણ કીધાં ?

દે૦: હા, હા, અમારા જેવાં બીજા કોઈયે પણ નથી કીધાં.

ભીમ૦: ત્યારે હું પુછું તેનો જવાબ આપ્ય.

દે૦: શું કેહે છે ?

ભીમ૦: તમે ખેડુત છો ઘણું અનાજ પકવીને જગતને ફાયદો કીધો ?

દે૦: અમને તું હળખેડુ જેવા જાણે છે ?

ભીમ૦: ત્યારે તમે દેશાવરની મુલકગીરી કરીને લોકોનો ઉપકાર કીધો છે ?

દે૦: ના એ તો કાંઈ નથી કર્યું, પણ અમે કોઈ વખત કાંધાંખત ભરયાં છે ખરાં.

ભીમ૦: ત્યારે તો એમાં લોકોને ફાયદો ખરો દીવાની તુરંગમાં છે, એટલો પણ તમે કાંઈ નવો કીસબ બજાવ્યો છે ?

દે૦: નવા કીસબનું શું જરૂર છે, અશલથી જે કરતા હઇયે, તે કરવું.

ભીમ૦: તે અશલથી તમારો શો ધંધો છે ?

દે૦: અમે અદાલતમાં બેશીને સરકારનું કામ અને લોકોનું કામ બજાવિયે છિયે.

ભીમ૦: હરેક લોકને ટંટામાં નાખવા એ ઉપકારનું કામ છે ?

દે૦: પણ શીધે રસ્તે ચાલે નહીં તેને શિક્ષા કરાવવી એ શું સારૂં કામ નથી ?

ભીમ૦: તેનો તપાસ રાખનારા અમલદાર લોકો નથી ? તમારે શા ઊચાટ છે ?

દે૦: પણ અમલદારને જાહેર કરનાર કોણ ?

ભીમ૦: જેની મરજી.

દે૦: તે હું છું તારે જુવો એ સરકારના ફાયદાનું કામ ખરૂં કે નહીં ?

ભીમ૦: વાહ ! વાહ ! એ તો મોટો ફાયદો. પણ એવું કામ કરવાથી ઘરમાં સુખે બેશી રહેવું અજગરની પેઠે એ સારૂં છે કે નહીં ? અને એથી બીજું સારૂં કામ કાંઈ તમને શુજતું નથી ?

દે૦: અમારે અજગર જેવા થવું નથી.

ભીમ૦: તારૂં અંગરખું ઊતાર.

શાસ્ત્રી: અલ્યા સાંભળતો નથી કે શું ?

ભીમ૦: પાઘડી પણ લાવ્ય.

શાસ્ત્રી: તને જ કહે છે.

દે૦: મને લુટનાર કોણ છે.

ભીમ૦: તે હું છું. દે૦: હાય, હાય, ભરયા શેહેરમાં ખરે બપોરે લુટી લે છે.

ભીમ૦: તમે નિરંતર બીજા લોકોના કામમાં હાથ નાંખતા પણ હાલ અમે તમારા કામમાં હાથ નાંખીએ છીએ.

દે૦: ક્યાં ગયો ? અલ્યા કપુરચંદ તું શાહેદી રહેજે.

ભીમ૦: અહિ કોઈ તારી શાહેદી પુરે એવો નથી, એતો સરવે નાશી ગયા.

દે૦: જુવો જુવો ભાઈ મને વગર વશીલાવાળા ગરીબને લુટી લે છે.

ભીમ૦: અરે હળવે બોલ.

દે૦: હાય, હાય.

ભીમ૦: શાસ્ત્રીબાવા તમારાં જુનાં લુગડાં લાવો આ ચાડિયાને આપીએ.

શાસ્ત્રી: પ્રભુ પ્રભુ ભજ, એ તો અમે ઘણાં વર્ષ થયાં બાધા રાખી છે, જે આ લુગડાં માતાજીના ધ્વજદંડ ઊપર મેલવાં.

ભીમ૦: આ લુચ્ચા ચાડિયા જેવો બીજો ધ્વજદંડ ક્યાંથી મળશે. અને માતાજીના ધ્વજદંડ ઊપર તો જરી પટકા જોઈએ એવાં લુગડાં હોય નહીં.

શાસ્ત્રી: તું એની પાઘડી લેઈને શું કરીશ ?

ભીમ૦: એ લુચ્ચાના હાથ પાછેવાહી બાંધીશ.

દે૦: ભાઈ અમારે તારી સાથે લઢવાની તરેવડ નથી, હું તો આ ચાલ્યો, પણ જો મારા સોબતી કોઈ બે જણ મળશે તો એ દેવીની આંખ્યો તો હું જરૂર ફોડાવીશ, પંચને પુછ્યા વિના જુનો સિરસ્તો લોપ્યો છે, પણ.

શા૦: તમે અમારો પોશાક લેઈને જાઓ છો વાસ્તે જાનકીદાસ બાવાની ધુણી પાસે જજો કેમજે અમે એ ધુણી પાસે રહીને ઘણા વર્ષના શિયાળામાં સુખ પામ્યા છીએ.

ભી૦: પણ જાનકીદાસ બાવાને એનું મહો જોઈને તુરત માલુમ થશે કે આ લુચ્ચો માણસ છે, એટલે મારી કાઢશે. શાસ્ત્રી બાવા હવે આપણ બંને ચાલો. માંહેલી તરફ જઈએ. અને તમારી માનતા પુરી કરીએ.

સ્વાંગ પાંચમો સંપુર્ણ