લીલુડી ધરતી - ૨/આવ્યો આષાઢો !

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← કોરી ધાકોર ધરતી લીલુડી ધરતી - ૨
આવ્યો આષાઢો !
ચુનીલાલ મડિયા
જીવન અને મૃત્યુ →

પ્રકરણ પાંત્રીસમું
આવ્યો આષાઢો !

દુકાળ વરસ માથે ગયું હોવાથી નવો બળદ ખરીદવાનું હાદા પટેલનું ગજું નહોતું, એમણે કઢારે કઢાવીને બિયારણ ખરીદ કર્યું હતું પણ હવે બળદની ખરીદી માટે કઢારે કઢાવવાની એમની ગુંજાશ નહોતી. ગિરવી મૂકવા જેવું કશું મૂલ્યવાન રાચ હવે બાકી રહેવા પામ્યું નહોતું.

ચોમાસું માથે ગાજે છે ને વાવણીના દિવસો આવી રહ્યા છે ત્યારે હવે શું કરવું !

સત્વર સંતુને રસ્તો સૂઝ્યો, એ પિતૃગૃહે જઈને ટીહાના ગાડાની બળદજોડી માગી લાવી અને એમને હળ સાથે જોતર્યા.

પણ આ દુખિયા જીવોનું નસીબ બળદ કરતાં ય બે ડગલાં આગળ ચાલતું હોય એમ લાગ્યું. વર્ષો થયાં રેતી ભરેલાં ગાડાં ખેંચવાને જ ટેવાયેલા આ ભારવાહી ધોરીઓને હળવું ફૂલ હળ જાણે કે કાંધ ન પડવાને કારણે કે પછી અપરિચિત વાતાવરણમાં ગોઠ્યું જ નહિ તેથી સંતુના પ્રથમ ડચકારે જ બળદો ભડકી ઊઠ્યા, અને પછી તો જાણે કે એવા તો છેડાઈ પડ્યા કે કાંધ પર હળનો સ્પર્શ જ ન થવા દીધો, તેથી એમને પાછા વાળવા પડ્યા.

અને હાદા પટેલની મુંઝવણ વધી. સાથી પણ નથી અને એક બળદ પણ ખૂટે છે. આ વરસે ખેડ કેમ કરીને થશે ?

આવી ચિંતામાં ને ચિંતામાં પેલી યાદગાર અગિયારસ જેવો જ એક દિવસ આવી ઊભો. એક બીજની સંધ્યાએ અનુભવી  ઘરડેરાઓએ ખાસ પાદરમાં જઈને કલેન્દુની કલા નીરખી હતી, અને દિનપ્રતિદિન વૃદ્ધિ પામતા જતા એ ચંદ્રનું ઝીણવટથી અવલોકન કરીને અભિપ્રાય આપ્યો હતો : ચાંદામાં જળ ભર્યું છે,

‘ટેલિયા ભામણની વાત સાચી લાગે છે. ઓણ સાલ વહેલો વરસશે—’

×××

અને જે રાતે એ જળ ભર્યો પૂનમનો ચંદ્ર જળકુંડાળા વચ્ચે આકાશમાં ઊગ્યો એ રાતે અસહ્ય ઊકળાટ થયો. જાણે કે ચારે ય દિશાના વા થંભી ગયા. વાતાવરણમાં ભઠ્ઠી સળગી હોય એવો બફારો થવા લાગ્યો. પીપળાનું પાંદડું પણ હલે નહિ એવા અસહ્ય ઊકળાટમાં આમતેમ પડખાં ફેરવી રહેલા હાદા પટેલને કાને ભૂતેશ્વરમાંથી ભજનની સુરાવટ આવી. સામટા દસવીસ ભજનિકોનું એ સમૂહગાન ઓચિંતુ ક્યાંથી આવી પડ્યું, એ એમને પ્રશ્ન થયો.

સંતુએ સમાચાર આપ્યા : ‘દુદા ભગાની વાડીએથી આજ સાંજકના ખાખીની જમાત આવી છે. ભૂચર મોરીને મેળે જાવા નીકળી છે, ને ભૂતેસરમાં રોકાણી છે;

ધોળી દૂધ જેવી ચાંદનીમાં એવા જ શીળા ને શાતાદાયક ભજનબોલ સંભળાઈ રહ્યા :

‘માતા કહીએ રે જેણી પારવતી
ને પિતા શંકર દેવા…
ભાઈ રે મારા…
દોયલી વેળાના દેવને
સમરીએ હોજી…’

હાદા પટેલના કાનમાં વર્ષોજૂનાં ગણપતિસ્મરણ ગુંજી રહ્યાં.

ઊજમ અને સંતુના સંતપ્ત ચિત્તને ભજનવાણી શાતા અર્પી રહી.  અને એકાએક ક્યાંય નહોતો ત્યાંથી ઠંડો પવન ફૂંકાઈ રહ્યો.

ગણપતિસ્તવન પૂરું થયું. એક પછી એક નવાંનોખાં ભજનો ગવાવા લાગ્યાં. હાદા પટેલને એ સ્તવનશબ્દો પરથી લાગ્યું કે આજે કો’ક આઘેરા મલકની મંડળી આવી છે. આ આરાધ, આ લય, આ લહેંકો, ને આ મીઠાશ તો ઘણાં વર્ષોથી ક્યાંય સાંભળવા નથી મળ્યાં.

હઠીલા દમના અસાધ્ય રોગને કારણે સામાન્યપણે લગભગ રાત આખી તંદ્રાવસ્થામાં પસાર કરનારી ઊજમને આજે આ નવતર ભજનવાણી કાન દઈને સાંભળવા જેવી લાગી.

અને સૂસવાતા ઠંડા પવનમાં ગિરનારી મેઘનો ભેજ ભળ્યો.

ઊજમનું મન અને હૃદય બંને પુલકિત થઈ ઊઠ્યાં

આકાશમાંથી એક આછેરું સરવડું વરસ્યું, અને વરસ આખાની તરસી ધરતી ઉમળકાભેર ફોરી ઊઠી. એના અંગેઅંગમાંથી મીઠી સુગંધ મહેંકી ઊઠી.

મંજીરાં ને દોકડના તાલ સાથે નવા ભજનના બોલ સંભળાયા :

તમે કુડ કાયાનાં કાઢો રે…
વીરા આવ્યો આષાઢો,
વિખિયાના રૂખ વાઢો…

હાદા પટેલ એકચિત્ત થઈને સાંભળી રહ્યા.

વરસાદનું જોરદાર ઝાપટું પડ્યું અને મહેકતી ધરતી તરબતર થઈ ગઈ.

ભજનપંક્તિ આગળ વધી :

અવસર વારો તો કાંઈ નવ હારો
તમે કાલર ખેતર મત ખેડો રે…
વીરા આવ્યો અષાઢો…

હાદા પટેલ આ સંતવાણીનો રૂ૫કાર્થ ઘટાવી રહ્યા. બહાર વરસાદ પૂરજોશમાં ઝિંકાતો રહ્યો. ઊજમના અંતરનાં રસાયણો પલટાતાં રહ્યાં અને ઉપદેશનું રૂપક આગળ વધતું રહ્યું : 

ખોટે મને જેણે ખેડ્યું રે કીધી
ખરે બપોરે નાસે રે...
આધાં જઈને પાછાં ફરશે
એનાં કણ કવાયે જાશે રે...
વીરા આવ્યો આષાઢો…

દેવે દીધેલા જ્ઞાનદીપસમી વીજળીનો ઝબકારો થયો અને આખી ખડકી, ઓસરી ને ઓરડામાં અજવાળાં ઝોકાર થઈ ગયાં…

હાદા પટેલ ક્ષણભર તો સાથીની ગેરહાજરીની ચિંતા ભૂલી ગયા. ઊજમ એક બળદની ખોટ પણ વીસરી ગઈ. સંતુના ચિત્તમાંથી ભાવિની ચિંતા ભૂસાઈ ગઈ.

ઘેરે રાગે વરસતા વરસાદના અવાજમાંથી જાણે કે ગળાઈ ગળાઈને ગરવા ભજનના શબ્દો સંભળાતા હતા :

વિગત નવ જાણે ને બીજ લઈ લાવે
કાઢી કઢારો ચાવે રે…
ધાઈધૂતીને કાંઈક નર લાવે
એની આગમ ખાધુંમાં જાશે રે…
વીરા આવ્યો આષાઢો…

હાદા પટેલ આ બોલનો વાચ્યાર્થ વિચારી રહ્યા અને પછી છેલ્લાં બે વર્ષમાં બનેલી વસમી ઘટનાઓના સંદર્ભમાં એનો ભાવાર્થ ઘટાવી રહ્યા. સદ્ અને અસદ્‌નાં બળોને સાંપડી રહેલો કવિન્યાય વિચારી રહ્યા. ભૂતેશ્વરમાં બેઠેલા ભજનિકો એનું સમાપન કરી રહ્યા :

વાવ્યા તણો જે નર વિચાર જાણે
એ તો મૂઢ મેલે લઈ ટાણે રે…
ભાણ ભણે નર નીપજ્યાં ભલાં
એ તો મુઠાભરે લઈ માણે રે…
વીરા આવ્યો આષાઢો,
વિખિયાનાં રૂખ વાઢો…અને એક જોરદાર કડાકા સાથે વીજળીનો આંજી નાખતો શિરોટો ફેલાયો અને ગુંદાસર ઉપર બારે ય મેઘ ખાંગા થઈ ગયા…

મુશળધારે વરસતા વરસાદના ઘેરા ગાનની અસર તળે સહુ જીવો નિદ્રાધીન થઈ ગયાં.

***

વહેલી પરોઢ ટાણે સંતુ જાગી તો એણે હાદા પટેલની કેટલીક સ્વગતોક્તિઓ સાંભળી. એ વૃદ્ધ એકલા એકલા જાણે કે કોઈકની જોડે વાતો કરી રહ્યા હોય એવું લાગતાં સંતુએ ગભરાઈને ઊજમને જગાડવાનો પ્રયત્ન કર્યો.

પણ ઊજમ આજે જાણે કે કોઈકની પ્રતીક્ષામાં જ જાગતી હતી.

સંતુએ પૂછ્યું : ‘આતા આ શું બોલે છ એકલા એકલા ?’

‘ઈ તો એને ટેવ છે, ધરથી જ ટેવ છે—’

‘પણ આ વાતું કોની હાર્યે કરે છે ?’

‘ઈ તો એને કો’ક સોણે આવ્યું છે.’

‘સો'ણે આવ્યું છે ? કોણ ? કોણ ?’

‘ઈ મને શું ખબર્ય ?’ કહીને ઊજમ મૂંગી થઈ ગઈ.

‘તમને આજ નીંદર નથી આવતી ?’ સંતુએ પૂછ્યું.

‘ના.’

‘કેમ ભલા ?’

‘મને ય આજ સોણું આવ્યા કરે છે, એટલે પાંપણ ભીડાતી જ નથી.’

‘ઉઘાડી પાંપણે તી કાંઈ સોણાં આવતાં હશે ?’ સંતુએ પૂછ્યું.

‘મારા જેવો દખિયારીને જાગતાં સોણાં આવે—’

‘જાવ જાવ !’

‘સાચું કહું છું. આતાને ભરનીંદરમાં સોણાં આવે છે, તે મને જાગતાં સોણાં આવે છે—’  ‘કોનાં ?’ સંતુથી પુછાઈ ગયું.

ઊજમ આ પ્રૌઢ ઉંમરે પણ મુગ્ધાની જેમ લજ્જા અનુભવીને આંખો ઢાળી ગઈ.

‘કિયો ની… કોણ ભરાણું’તું સોણે ?’

‘નઈં કઉં—’

‘મારા સમ છે, ને કિયે એને—’

છતાં ય ઊજમ મૂંગી રહી તેથી સંતુની ધીરજ હાથ ન રહી. એણે વધારે આકરા ને વધારે વસમા સમ દીધા :

‘ન કિયે એને મારી જડીના સમ છે… બોલી નાખો ઝટ, કોણ સોણે આવ્યું છે ?’

હવે હોઠ ખોલ્યા વિના ઊજમને છૂટકો જ નહોતો. છતાં એણે કશો સીધો જવાબ ન દીધો. આડકતરો નિર્દેશ કરવાનું જ ઉચિત ગણ્યું.

‘ઓલ્યા ભજનમાં જેનું નામ ગવાણું’તું ને, ઈ—’

‘ભજનમાં તો કોઈનું નામ નો’તું’ આવ્યું—’ સંતુ બોલી.

‘કાં ભૂલી ગઈ ?’ ઊજમે યાદ કરાવ્યું, ‘વીરા આવ્યો આષાઢો—’

‘હા—’

‘ઈ આષાઢો જ—’

‘એટલે ?’

‘એનો અરથ ન સમજી ?’

‘ના—’

‘આષાઢો એટલે શું ?’

‘આષાઢો મે વરસે ઈ—’

‘ઈ ય સાચું ને એનો બીજો અરથ છે ઘરનો મોટો દીકરો… ઘરનો મોભ… કંધોતર કમાઉ દીકરો—’

‘હા…’  ‘તો આપણા ઘરનો કંધોતર કોણ ?’

‘મારા જેઠ, બીજું કોણ વળી’

‘હવે સમજી !’ ઊજમે પ્રસન્નતાથી કહ્યું. ‘ઈ મારે સોણે ભરાણા’તા—’

ઊજમના હૃદયમાં પ્રથમ વર્ષાએ પુલકિત થયેલી ધરતીની સોરમ ફોરી ઊઠી હતી.

આવતી કાલે ઊઘડનારા પરોઢની અને એક અધારભર્યા જીવનમાં ઊગનારા નવલા પ્રભાતની–નેકી પોકારતા જુસ્બા ઘાંચીના કૂકડાનો અવાજ સંભળાયો અને હાદા પટેલ જાગી ગયા.


*