લીલુડી ધરતી - ૨/જીવન અને મૃત્યુ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← આવ્યો આષાઢો ! લીલુડી ધરતી - ૨
જીવન અને મૃત્યુ
ચુનીલાલ મડિયા
ધરતીનું સૌભાગ્ય →
પ્રકરણ છત્રીસમું
જીવન અને મૃત્યુ

‘મારો બેરખો લાવો, ઝટઝટ સતીમાને સંભારી લઉં.’ ઊઠતાં વાર જ હાદા પટેલે કહ્યું. ‘આજ તો બવ મજાનું ને શુકનવંત સેાણું આવ્યું.’

શાનું સપનું આવ્યું, કોણ સપનામાં આવ્યું. શું શું જોયું, એ કશું પૂછવાની ઊજમને આજે જરૂર જ નહોતી, કેમ કે, શ્વસુરે તંદ્રાવસ્થામાં જે સંભાષણો અને સ્વગતોક્તિઓ ઉચ્ચારેલ, એ આ પ્રોષિતભર્તૃકા પુત્રવધૂએ કાન દઈને સાંભળેલ.

‘આજે તો મને દેવશી સોણે ભરાણો.’ હાદા પટેલ માળા ફેરવવા માટે ખાટલા પર બેસતાં બોલ્યા, ‘સતીમાએ મને હૈયારી તો આપી’તી જ કે દેવશી મરી ગયો નથી; પણ ઓલ્યા કામેસર મા’રાજે આપણને સાસ્તરનાં ઊઠાં ભણાવીને ભડકાવી દીધા ને અડદનાં પૂતળાંનાં શરાધ સરામણાં કરાવી નાખ્યાં.’

‘તી ભલેની કરાવી નાખ્યાં !’ અંદરના ઓરડામાંથી ઊજમ બોલી, ‘એમાં શું બગડી ગ્યું ? અડધી ગુણ્ય અડદ જ કે બીજુ કાંઈ ?’

આમ કહીને ઊજમ પોતાની અંતરની શ્રદ્ધાને વાચા આપી રહી.

ધનિયો ગોવાળ આવ્યો. રોજ તો એ ડેલીમાં પ્રવેશીને ‘કાબરીઈઈઈ ! કહીને લાંબે લહેકે બૂમ પાડતો એને બદલે આજે એણે કહ્યું :

‘કાબરીને છોડશો મા—’

‘કેમ ભલા ? તેં આજે અકતો પાળ્યો છે ?’ સંતુએ પૂછ્યું.  ‘અમારે ગોવાળિયાને તે વળી અક્તા કેવા ? પણ આજે ઓઝત બે કાંઠે છે. ઠીકઠીકનાં ઘોડાપૂર ઘૂઘવે છે. મેઘો મન મેલીને વરસ્યો છે. બે વરહનું સામટું સાટું વાળ્યું… આપણી સીમ કરતાં ય ઉપરવાસ વધારે પાણી પડ્યું લાગે છે. ઉજમભાભી ! આમાં તીખારો મેલજો જરાક.’ કહીને પોતાની ચૂંગી માટે દેવતા માગતાં માગતાં ધનિયો વાતે વળગ્યો, અને આગલી રાતની મૂશળધાર વર્ષોએ સરજેલી નાનીસરખી હોનારતનો અહેવાલ આપવા લાગ્યો,

‘તડબૂચના હંધાય વાડા તણાઈ ગ્યા… ભગતની વાડી સંચોડી પાણી હેઠાળે છે… આપણા વેજલા રબારીનાં ગાડરાં તણાઈ ગ્યાં… ટપુડા વાણંદનું ખોરડું નમી પડ્યું… ભાણા ખોજાની ડેલી લગણ પાણી ડેકાં દિયે છે... શાપરઢાળો સારી પટ વરસ્યો છ... કિંયે છ કે ઉઘાડ નીકળે ઈ ભેગાં જ વાવણાં... ઉજમભાભી ! આમાં એક તીખારો... આ ટાઢોડામાં મારી ચૂંગી ને ગડાકુ બે ય હવાઈ ગ્યાં... રામભરોહામાં ય ચૂલો નથી સળગતો... કોલસા જ સંચોડા હવાઈ ગ્યા... ઉજમભાભી ! સાંભળ્યું ? ઓઘડિયો ગાંડો આ વરસાદમાં તણાતા તણાતા માંડ બચ્યો—’

અત્યાર સુધી ધનિયાએ નિવેદિત કરેલા સમાચારોમાં એકમાત્ર ઓઘડના સમાચારમાં જ ઊજમને કાંઈ સમાચાર જેવું લાગ્યું તેથી એણે એમાં રસ બતાવ્યો.

‘શું થયું વળી ઓઘડિયાને ?’

‘ગાંડા માણસને શું ગમ ? ઈ તો હમણાંને ભૂતસરને ઓવારે જ પડ્યો રે’તો, તી આટલો વરસાદ વરસ્યો તો ય ઊઠ્યો જ નહિ. એક કોર્ય ગાંડો થઈને મેઘ વરસે ને બીજી કોર્ય ગાડો ઓઘડિયો તાળિયું પાડીને ખિખિયાટા કરે. ભૂતેસરમાંથી મહન્તે કેટલી ય દાણ એને કીધું કે એલા ઓઘડિયા, ઓવારેથી અંદર આવતો રે’. પણ અતીતનું કે’વું માને તો તો ઓઘડિયો શેનો ? એક કોર્ય ભૂતેસરમાં  ભજનની ધૂન જામી’તી ને બીજી કોર્ય બારે ય મેઘ ખાંગા જોઈને ઓઘડિયો ખિખિયાટા કરે... ને એમાં ઓઝતનાં પાણી ઊંચાં ચડ્યાં ને ઓવારાનાં પગથિયાં ડૂબવા માંડ્યાં, પણ ઓઘડા ગાંડાને ગમ થોડી હોય કે હું તણાઈ જઈશ ? ઈ તો અનરાધાર વરસતાં પાણી જોઈને ગાંડોતૂર થઈ ગ્યો... પણ ભૂવાની આવરદા બવ લાંબી, તી હાથિયે પાણે પૂગ્યો ત્યાં તો તડબૂચના વાડા બાંધનાર વાઘરાંની નજરે ચડ્યો. ડોહો પાણી ગળચતો ડચકાં ખાતો’તો, એનો ટાંટિયો ઝાલીને તાણી લીધેધો… સારીપટ વાર લગણ ખાટલે ઊંધે માથે સુવરાવ્યો તંયે ભૂવાને સુવાણ્ય થઈ... ઉજમભાભી ! એક તીખારો... આ વાતુમાં રિયો ને ચૂંગી ઠરી ગઈ...…

‘મર્ય મૂવા ! તેં તો મારા ચૂલામાંથી આખો ઓબાર ખાલી કરાવી નાખ્યો.’ ઊજમે કહ્યું. ‘તારે સારુ તીખારાના દેવતા ઠારી નથી મેલ્યા... આ હવાઈ ગયેલાં છાણાં ય કેમે કર્યાં સળગતાં નથી...’

સાંભળીને સંતુ ગમાણમાં ગઈ ને મોભારાની વળીને આડશે સંતાડી રાખેલ લાકડી ઉતારીને ધડ ધડ ધડ એના કટકા કરી નાખ્યા.

‘લ્યો, આ લાકડાનો ઓબાર ભરો !’ સંતુએ ઊજમને કહ્યું. એ ટુકડા થઈ ગયેલી અને ઓબારમાં ઓરાઈ ગયેલી વસ્તુ હતી શાદૂળની હૉકી સ્ટીક. પોતાના જીવનમાં ભજવાઈ ગયેલા એક દારુણ હત્યાકાણ્ડના નિમિત્ત બનનારા આ અળખામણા પ્રતીકને આગમાં ભસ્મીભૂત થતું જોઈને સંતુ જાણે કે પોતાનો હૈયાભાર દૂર થતો અનુભવી રહી.

ઓસરીમાં ભાંખોડિયાં ભરી રહેલી જડીને જોઈને વળી ધનિયા ગોવાળની જીભ ઊપડી હતી.

આ સંતુબાને તો એની જડી જડી રૈ, પણ કાબરી કો’કની ભાર્યે નજરથી નજરાઈ ગઈ હશે, એટલે જ મારે વાછડીની જગાએ મુંઢકણું માંડવું પડ્યું’તું. હવે હું એને ધણમાં લઈ જાઈશ તંયે ડાબી ખરીએ દોરો બાંધતો જાઈશ, ને એને અજવાળીકાકીની નજરે  જ નહિ પડવા દઉં —’

‘કાબરીનાં કરમ જ ફૂટેલાં, ને એમાં અજવાળીકાકીનો શું વાંક ?’ ઊજમે કહ્યું.

‘તંયે તમે અજવાળીકાકીને ઓળખતાં જ નથી, ઊજમભાભી ! કામરુ દેશમાંથી કામણટૂમણ શીખી આવ્યાં છે. ઊડતાં પંખી પાડે ઈ માંયલાં અજવાળીકાકી ! મને તો લાગે છે કે સંતુબા ઉપરેય અજવાળીકાકીની નજરું લાગી હશે. પણ તમારે તો સતીમા હાજરાહજૂર રિયાં, એટલે ગગી પાછી જડી રૈ... હવે એક તીખારો મેલી દિયો, તો આટલી ગડાકુ પૂરી કરું.’

‘મર્ય મૂવા !’ ઊજમે કૃત્રિમ રોષથી સંભળાવ્યું. ‘હવે તો આ ચૂંગીમાં તીખારો મેલવાને સાટે તારી દોણીમાં આગ મેલવાનું મન થાય છે.’

‘બાપા ! હું ઘણું ય કઉં છું કે હવે ઉપરવાળો તેડાવી લ્યે તો સારું, પણ માગ્યા મે વરસે નહિ એમ માગ્યાં મોત પણ ક્યાં રેઢાં પડ્યાં છે ?’ કહીને ધનિયાએ પોતાના વિધાનનું સમર્થન કરવા માટે ઉદાહરણ આપવા માંડ્યાં.

‘આ તખુભા બાપુનું કાચું મરણ થઈ ગ્યું, ને ઓલ્યો પંચાણભાભો મહાણે પૂગવા ટાણે ય હજી દરબારગઢમાં ટાંટિયા ઢહડે છે. જીવલે પોતાનો બાપ મરી ગ્યાનું નામ પાડીને તખુભાના મડદાને દેન દઈ દીધું, ને પંડ્યે પંચાણ ભાભાનું સુંવાળું ઊતરાવીને મૂછ મુંડાવી નાખી, પણ ડોહા તો હજી ય અફીણની કાંકરી ચાવીને તણ્ય ટંક ઊટકલ થાળીએ જમે છે રિયો... આ આપણો ગોબરભાઈ જુવાનજોધ હાલી નીકળ્યો, ને ઓલી અમથીને દરિયે પધરાવવા મેલી’તી, એમાંથી જીવતી પાછી આવી !... આ ઓઘડિયા ભૂવાને ભગવાન મોત મોકલે તો બચાડો પિલાતો છૂટે, પણ આ ઘોડાપૂરમાં તણાઈ ગ્યો તો એમાંથી ય જીવતો પાછો નીકળ્યો.’

‘એલા ધનિયા !’ ઊજમે રાંધણિયામાંથી કહ્યું. ‘અટાણના પોરમાં  ગામ આખાની જન્મોત્રી ઉખેળીને બેઠો છે, એના કરતાં ભગવાનનું નામ લે કે કાંઈક ધરમધ્યાન કર્ય તો કાયાનું કલ્યાણ થાય.’

‘આ અજવાળીકાકી મોટી જાતરાએ જઈને ધરમ કરી આવ્યાં પછી મેં ધરમ કરવાનું માંડી વાળ્યું છે.’ ધનિયાએ દાઢાવાણી ઉચ્ચારી. જાતરાં કરતાં અજવાળીકાકીએ શું કર્યું’તું ઈ સાંભળ્યું તમે ? કિયે છ કે તરવેણીજીને કાંઠે ના’વા બેઠાં તંયે અજવાળીકાકીએ જાણી જોઈને એની જડાવને ધક્કો મારીને નદીમાં નાખી દીધી’તી.

....સગી મા ઊઠીને દીકરીને આમ ડુબાડી દિયે એવું સાંભળ્યું છે ક્યાંય મલકમાં ?’

‘પણ જડી તો જાતરાએથી જીવતી આવી છે ને ?’ ઊજમે શંકા ઉઠાવી.

‘ઈ તો જડીનાં નસીબે જોર કર્યું, એટલે અજવાળીકાકીએ એને ધક્કો માર્યો, ઈ ભેગી જ એક ચોબાની નજર ગઈ, ને ઈ વાંહોવાંહ પાણીમાં પડ્યો, ને જડીને જીવતી કાંઠે લઈ આવ્યો–આ આપણા ઓઘડિયા ભૂવાને આજે ઓલ્યાં વાઘરાંવે જીવતો કાંઠે કાઢ્યો, એમ જ—’ કહીને ધનિયાએ ઉમેર્યું , ‘ના રે બાપુ ! મારે આવા અજવાળીકાકી જેવા ધરમ નથી કરવા. મારો તો ડોબાં આઢવવાનો અવતાર. હું તો ઢોર હાર્યે ઢોર થઈને જીવું. ધરમધ્યાન સોંપ્યાં અજવાળીકાકીને.’

‘એલા ધનિયા ! તું હવે ગામ આખાની ખણખોદ કરતો ઊભો થાશે કે પછી ખાટલો ઊભો કરી મેલું ?’

‘આ ઊઠ્યો, લ્યો !’ કરીને ધનિયો ઊભો થયો.

ડેલી બહાર નીકળતા ધનિયાને ઊભો રાખીને હાદા પટેલે પૂછ્યું : ‘કોઈ મૂલી, મજૂર, ઊભડ તારા ધ્યાનમાં છે ? આપણે ઓણ સાલ સાથી રાખવો છે—’

‘આ અટાણે વાવણાં ટાણે કોણ જડે ? ઊભડ, મૂલી, મજૂર, હંધાય અટાણે તો મોંઘા—’

‘મોંઘા કે સોંઘા, કોઈ જડે તો વે’મ રાખજે—’

‘ભલે, બાપા !’ કહીને ધનિયો ગયો.

*