લીલુડી ધરતી - ૨/ડાઘિયો ભસ્યો

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← સગડ લીલુડી ધરતી - ૨
ડાઘિયો ભસ્યો
ચુનીલાલ મડિયા
સૂરજ ઊગતાં પહેલાં →પ્રકરણ ત્રેવીસમું

ડાઘિયો ભસ્યો

આરંભમાં તો માંડણની વાત ઉપર કોઈને વિશ્વાસ ન બેઠો.

‘એલા હોય નહિ હોય ! ક્યાં પડ્યું સતાપર ને ક્યાં આપણું ગુંદાહર !’

‘ઓલ્યે ખાંટડે માળે સાવ ટાઢા પોરની હાંકી લાગે છે.’

‘ક્યાં લોટમગાની નાત્યનો શિવોભારથી ને ક્યાં ઝમકુ ! આ તો લંકાની લાડી ને ઘોઘાનો વર જેવી વારતા કરી માંડણિયે—’

કેટલાંક પરગજુ માણસોએ તો ઝમકુ વિષે આવો નામોશીભર્યો ગપગોળો હાંકવા બદલ માંડણને ધમકાવ્યો પણ ખરો, ત્યારે માંડણે સામું પૂછ્યું :

‘ગુંદાહરમાં ઝમકુ નામવાળી એક જ હતી કે હજી છે બીજી કોઈ ?’

‘એક જ હતી સાત ખોટની.’

‘તો બસ. ઈ સતાપરના શિવાભારથીના ઘરમાં બેઠી તનકારા કરે છે.’ માંડણે વિશ્વાસપૂર્વક ઉમેર્યું, ‘શિવોભારથી એક અંધારી રાત્રે સાંઢિયો લઈને આપણી સીમમાં આવ્યો’તો, ને ઝમકુ સંતાતી સંતાતી સામી ગઈ’તી. કિયો કે હા—’

‘હા, હાથિયે પાણે કો’કનો સાંઢિયો આવ્યો તો ખરો—’

‘કો’કનો નહિ, શિવાભારથીનો જ.’ હવે માંડણે પોતે સાંભળેલી વધારે વિગતો રજૂ કરવા માંડી : ‘ને ઝમકુ ઘરમાંથી હંધુય વણીચૂણીને બચકી બાંધતી ગઈ છે. કિયો કે હા—’ ‘હા, વાલની વાળી તો શું, અટાણે કો’ક મરી જાય તો મડદાના મોઢામાં મેલવા જેટલી સોનાની કરચે ય નથી મેલતી ગઈ—’

‘તો હાંઉ. ઓલ્યા ખાંટની વાત સાવ સાચી નીકળી. ઝમકુડી ઈ એ...ય...ને શિવાભારથીના ઘરમાં બેઠી તનકારા કરે !’

પણ વાત એટલી તો વિસ્મયપ્રેરક હતી કે માંડણે આપેલાં આટઆટલાં એંધાણો પરથી ય એમાં ઝટ વિશ્વાસ બેસે એવું નહોતું. ગુંદાસર અને સતાપરના પંથક જ સાવ ઉત્તરદખ્ખણ જેવા; એમાં એ બન્નેનો મેળ સધાય જ શી રીતે ? ક્યાં એક વેપારી ને ક્યાં એક અતીત !

‘ના, ના, ઈ તો કો’ક બીજી ઝમકુ હશે.’

‘શિવાભારથીની નાતીલી જ કો’ક દખિયારી બાઈ હશે—’

આવી અટકળો અને અનિશ્ચિતતાનો અંત લાવવા માટે મુખીએ તુરત માર્ગ કાઢ્યો. એણે દામજીને વાટ ખરચી આપીને સતાપર દોડાવ્યો.

‘જા, છાનોમાનો જઈને સાચી વાત જાણી આવ્ય ઝટ, આ ઠૂંઠિયાની વાત સાચી ન મનાય.’

અને દામજીએ સતાપરનો કેડો લીધો.

ત્રીજે દિવસે એ ખોટા રૂપિયાની જેમ પાછો આવ્યો, ને કહ્યું :

‘વાત સાવ સાચી. ઝમકુને મેં શિવાભારથીની જગ્યામાં નજરોનજર ભાળી ને કીધું કે બે’ન ! હાલ્ય તારાં છોકરાં રૂવે છે. તો મને સગા ભાઈને, સાંભળી ન સંભળાય એવી ગાળ્યું દઈને કાઢી મેલ્યો. શિવાભારથીએ મને ગડદાપાટુ કરીને ગામમાંથી તગડી મેલ્યો ને કીધું કે હવે ફરી દાણ સતાપરની સીમમાં ય ક્યાંય દેખાણો છે તો ડેબાં ભાંગી નાખીશ !’

હવે ગામ આખાને ગળા સુધી પાકી ખાતરી થઈ કે ઝમકુએ એક અતીતનું ઘર માંડ્યું છે.

‘અરરર ! નાત્ય આખીમાં એને કોઈનું ઘર ન સૂઝ્યું તી બાવાના ઘરમાં બેઠી !’

‘ભામણ વટલે એટલે તરક જ થાય.’

પણ હવે ઝમકુના આ પગલા વિષે બહુ ટીકાટિપ્પણ કરવામાં લોકોને રસ નહોતો રહ્યો, હવે તો ૨સનો વિષય હતો :

‘શિવોભારથી છે કોણ ?’

‘ઝમકુને એની ઓળખાણ ક્યાંથી ?’

અને તુરત સંશોધકોએ પોતપોતાનાં સ્મૃતિપડ ઉખેળવા માંડ્યાં. અનુમાનો થવા લાગ્યાં. તૂટક તૂટક નિર્દેશોના તાળા બેસાડવા માંડ્યા.

‘ગિધાની હાટે રતૂમડું ઘોડું લઈને એક અતીત આવતો’તો ખરો—’

‘ને કો’ક કો'ક ફેરે તો રોટલો ખાવા ય રોકાતો—’

‘કિયે છ કે ગિધાને ઈ અતીતમાં બવ આસ્થા હતી. તી બાવાને ઝમકુ ચૂરમું રાંધીને જમાડતી—’

‘ઈ ચૂરમું જમનારો શિવોભારથી જ હશે તો તો ગિધાને હાથનાં કર્યાં જ હૈયે વાગવા જેવું થ્યું ગણાય.’

‘ભગવાન જાણે, ભાઈ ! ગિધાની ગત્ય તો એકલો ગિધિયો જ જાણે. બાકી પોતે ય કોઈ દી પેટ ભરીને ખાતો નહિ, ઈ માણસ આવા બાવાસાધુને ચૂરમાં જમાડે ઈ કાંઈ સમજણમાં ઊતરે એવું નથી.’

‘ચૂરમાં તો ગિધો મર્યા કેડ્યે ય ઝમકુએ કાંઈ ઓછાં નથી રાંધ્યાં. રોજ ઊઠીને આખી શેરીમાં ઘીની દાઝ ફોરી ઊઠતી.’

આખરે, ખુદ, દામજીએ પણ અનુમાન કર્યું કે ગિધાના મૃત્યુ પછી એક માણસ નાતીલાને અને દૂરના સગપણને દાવે વારંવાર ઘેર આવતો અને ઝમકુ જેને હોંશે હોંશે જમાડતી, એ આ વેશધારી શિવોભારથી જ હોવો જોઈએ.

ઝમકુના જીવનનાટક ઉપર આ રીતે છેલ્લો પરદો પડી રહ્યો કે તુરત લોકાએ સંતુની ચિંતા કરવા માંડી.

ઝમકુ જતાં જતાં પણ સંતુ વિષે જે ભવિષ્યવાણી ઉચ્ચારતી ગયેલી એ લોકસ્મૃતિમાંથી સહેલાઈથી દૂર થાય એમ નહોતી. સંતુએ પોતાનાં પુનર્લન અંગે સોઈઝાટકીને ના ભણી દીધી હોવા છતાં એનાં હિતૈષીઓ થોડાં એને સુખે રહેવા દે એમ હતાં ? એમણે તો કાગને ડોળે રાહ જોવા માંડી.

‘આ માંડણિયો તો સાજોનરવો પૂગ્યો છે. જોઈએ, હવે સંતુની ટેક કેટલાક દી ટકે છે.’

‘અરે ઝમકુડી જેવી ખાઈપી ઊતરેલી ઝાઝા દી ન ટકી તો સંતુનું શું ગજું ?’

લોકો રાહ જોતાં રહ્યાં પણ એમની મનીષા ફળે એવાં કોઈ ચિહ્નો દેખાયાં નહિ; બલકે, માંડણનાં વાણીવર્તન વગેરે તો પેલી આગાહીને સાવ ઊંધી વાળે એવાં લાગ્યાં.

જેલમાંથી છૂટીને આવ્યો એ દિવસે માંડણ સીધો ઠુમરની ખડકીએ ગયેલો અને હાદા પટેલના ખોળામાં માથું મૂકીને નાના બાળકની જેમ ધ્રુસકે ધ્રુસકે રડેલો, ને બોલેલો :

‘મેં દારૂ પીને હાથે કરીને જ ગોબરને ગૂડી નાખ્યો છે, કાકા ! મારું માથું વાઢો તો મારા જીવને નિરાંત થાય.’

અલબત્ત, માંડણનો આ પશ્ચાત્તાપ પણ લોકનજરે તો નાટકમાં જ ખપી ગયો.

‘ઈ તો ધરથી જ નાટકિયો છે, તરગાળા ભવાયા જેવો. નિતનવા વેશ કાઢવામાં સરોપૂરો—’

‘એમ તો પોર સાલ સંતુનું બેડુ સોંપવા ગ્યો’તો, તંયે ય હીબકે હીબકે રોયો’તો. સાંપટમાં આવે તંયે સહુને વાલો થાવા જાય ઈ માંયલો છે.’

‘આ ફેરે ય આમ રોઈ રોઈને હાદા પટેલને ભરમાવી નાખશે ને અંત્યે જતાં સંતુને ઘરમાં ન બેહાડે તો મારી મૂછ મૂંડાવી નાખું.—’

માંડણના ભવિષ્યની આ આગાહી કરવામાં પોતાની મૂછને હોડમાં મૂકનાર નથુસોની હતો.

પોતાની આગમવાણી સાચી પડવા માટે એણે થોડા દિવસ રાહ જોઈ, પણ એ ચરિતાર્થ થાય એવાં કોઈ ચિહ્નો દેખાયાં નહિ તેથી નથુસોની નાસીપાસ થયો.

એંધાણ તો બધાં એની આગાહી કરતાં સાવ અવળાં જ દેખાવા લાગ્યાં. માંડણે જેલમાં જતાં પહેલાં જ જે દાઢી વધારવા માંડેલી એ હવે તો ખાસ્સી કોઈ ગુફાવાસી અઘોરી જેવી લાગતી હતી. દિવસને ઘણોખરો સમય એ ગામમાં રહેવાને બદલે ભૂતેશ્વરની જગ્યામાં ગાળવા લાગ્યો.

‘ઈ તો ગાંજાની ફૂંક ને ચરસની ગોળીની લાલચે ભૂતેશ્વરમાં જાય છે.’ નથુસોનીએ કારણ રજૂ કર્યું અને પછી ઉમેર્યું : ‘બાકી, એની નજર તો સંતુડી ઉપર જ છે.’

નથુસોનીનું આ નિરીક્ષણ પણ ખોટું ઠર્યું. સંતુ હમણાં હમણાં ડેલી બહાર બહુ જતી નહિ : છતાં કામપ્રસંગે એ શેરીમાં નીકળે અને આકસ્મિક માંડણ એને સામો મળે તો એ યુવાન નીચી મૂંડીએ એક બાજુ તરી જતો, એટલું જ નહિ, પોતાની નજર જમીનમાં ખોડીને જ ક્ષોભ અનુભવતો ઊભો રહેતો. એ મૂંગી નજર જાણે કે ક્ષમા યાચી રહેતી ‘મેં તારા ધણીને મારી નાખ્યો છે. મેં તારું સૌભાગ્ય ઝૂંટવી લીધું છે. હું જલ્લાદ છું. મને માફ કર, સંતુ !’

નીચી મૂંડીએ ઊભા રહેવાના માંડણનાં આ વર્તાવનો ખુલાસો પણ નથુસોની પાસે તૈયાર હતો ?

‘ઈ તો બગભગત છે. માછલું લાગમાં આવશે કે તરત હડક ફરી જાશે, જોજો તો ખરાં !’

અને છતાં ય આ ‘ભગત’ બગભગત પુરવાર થાય એવાં કશાં ચિહ્નો ન દેખાયાં ત્યારે તો નથુસોનીએ એક બપોરે ભરબજારમાં જ માંડણને પાંચ–સાત માણસોનાં સાંભળતાં જ પૂછી નાખ્યું :

‘એલા, હવે સંતુને હાથે કે’દી રોટલા ઘડાવવા છે ?’

‘સંતુ તો મારી માને ઠેકાણે છે. નથુકાકા ! મોઢું સંભાળીને બોલજો !’

શ્રોતાઓને પ્રશ્ન કરતાં ય એનો જડબાતોડ જવાબ વધારે રસપ્રદ લાગ્યો.

ખસિયાણો પડી ગયેલો નથુસોની બબડતો રહ્યો :

‘જોયો હવે માનો મોટેરો દીકરો ! માળા હાળાવ મોઢેથી બોલવામાં જ શૂરા... દીદાર દરવેશના, ને કરતૂક કાબાનાં... કળજગ છે કળજગ.’

અને બજારમાંથી શેરીમાં ને શેરીમાંથી ઉંબરે ઉંબરે વાત પહોંચી.

‘માંડણિયે સંતુને મા કીધી ! માંડણિયે સંતુને મા કીધી !’

ઠેઠ ઠુમરની ખડકી સુધી વાત પહોંચી ‘માંડણિયે સંતુને મા કીધી !’

ઊજમે ઉત્તર વાળ્યો :

‘લખમણજતિને મન તો સીતા મા જ ગણાય ને ! એમાં નવી વાત શું કીધી ?’

***

એક પાછલી રાતે માંડણ ભૂતેશ્વરની ભજનમંડળીમાંથી આવીને ખડકીને એક ખૂણે ખાટલામાં પડ્યો હતો.

આખું ગામ નિદ્રાધીન હતું. સદા ય જાગતા રહેતો ડાઘિયો કૂતરો પણ ખડકી બહાર પગથિયે આંખ મીંચીને પડ્યો હતો.

એક માત્ર માંડણની આંખમાં ઊંઘ નહોતી. એના મગજમાં હજી પણ ભજનમંડળીએ ચગાવેલી ભજનની રમઝટ ગુંજતી હતી. દાસી જીવણ અયે દેવાયત પંડિતની શબ્દાવલિઓના સૂર માંડણના ચિત્તમાં રમતા હતા.

આખું ગામ પ્રગાઢ નિદ્રામાં પોઢ્યું હતું ત્યારે માંડણની આંખમાં અજંપો હતો.

મોડી રાતે માંડ માંડ પાંપણ જરા ભારે થઈ અને સહેજ તંદ્રાવસ્થા આવી ત્યાં જ કશાક અણધાર્યા અવાજે એને જગાડી દીધો.

એ અવાજ નથુસોનીના ઘરમાંથી આવતો જણાયો.

માંડણના કાન ચમકી ઊઠ્યા. આ કોનો અવાજ ? શાનો અવાજ ? પાછલી રાત કોઈ રડે છે ? ના, ના. આ અવાજ રુદનનો ન હોઈ શકે.

કશીક અસહ્ય શારીરિક પીડાની વેદના એ દબાયેલા અવાજમાંથી વ્યક્ત થતી હતી.

પણ નીંદરે ઘેરાતા માંડણને આ અવાજ પારખવા જેટલો અવકાશ નહોતો. અર્ધજાગૃત અવસ્થામાં કશુંક અસ્પષ્ટ બબડીને એ પડખું ફર્યો અને થાક્યો પાક્યો નસકોરાં બોલાવવા લાગ્યો ત્યાં તો ફરી એ ઝબકીને જાગી ગયો.

આ વેળા પેલી વેદનાની અભિવ્યક્તિ વધારે તીવ્ર બની હતી. પ્રયત્નપૂર્વક દબાયેલી છતાં તીણી તીસ સંભળાતી હતી.

હવે માંડણની ઊંઘ ઉડી ગઈ. એને સમજાતાં વાર ન લાગી કે આ દબાયેલી ચીસો બીજા કોઈની નહિ પણ જડીની છે.

વળી થોડી વાર શાંતિ થઈ ગઈ અને ઘરમાં કશીક ધીમે સાદે ગુફતેગો ચાલી. અત્યંત ધીમાં કાનસૂરિયાં સાથે જરા મોટે સાદે ધમકીભર્યા વચનો પણ સંભળાયાં.

માંડણને નવાઈ લાગી. આટલી મોડી રાતે આ શી ધમાલ છે ?

‘મા !... મા !’ જડીની કરુણ કાકલૂદીઓ કાને પડી.

અને તુરત ‘મૂંગી મર્ય, મૂંગી !’ એ અજવાળીકાકીનો અવાજ પણ સુસ્પષ્ટ સંભળાયો.

માંડણ વધારે વિસ્મય અનુભવી રહ્યો. એકાએક અવાજો બંધ થઈ ગયા.

ખલેલ પતી ગઈ છે, એવું આશ્વાસન લઈને માંડણે નિરાંત અનુભવી અને હવે સૂરજ ઊગે એ પહેલાં થોડી વાર જંપી જવા એણે પડખું ફેરવ્યું, ત્યાં તો હળવેથી ઊઘડતા કમાડના ચણિયારાએ ચડડડ અવાજ કરીને ચાડી ખાધી.

માંડણે નથુસોનીના ઘરના ઉંબરા ઉપર નજર નોંધી તો કાળાડીબાણ અંધકારમાં હાથમાં હરીકેન ફાનસ લઈને એક પુરૂષ બહાર આવ્યો. એની પાછળ એક પ્રૌઢ સ્ત્રી હાથમાં કશુંક લપેટીને નીકળી.

પુરુષે કોઈ જ અત્યારે પોતાને નિહાળતું નથી, એની ખાતરી કરીને ખડકી ઉઘાડી અને ચોર–પગલે બન્ને જણ ચોંપભેર બહાર નીકળી ગયાં.

પણ કમનસીબે ખડકીને પગથિયે જ સૂતેલા ડાધિયાએ ડાંઉ ડાંઉ કરીને શાંત વાતાવરણમાં ખલેલ કરી. એનો ભસવાનો અવાજ નિરવ રાતે અનેકગણો વધારે ઉગ્ર લાગ્યો.

માંડણે કાન સરવા કર્યા.

પેલા પુરુષે ડાઘિયાને શાંત પાડવા પરિચિત બુચકારા બોલાવ્યાં અને એ મૂંગું પ્રાણી કોઈક અંતરગત ઊંડી સમજદારીથી પૂછડી પટપટાવતું એની પાછળ ચાલ્યું.

માંડણને આ આખી ય હલચલ ભેદભરી લાગી, ખડકી ઉઘાડીને એ પગથિયે પહોંચ્યો. જોયું તો પેલાં સ્ત્રીપુરુષ ઉતાવળે પગલે આઘાં નીકળી ગયાં હતાં. ડાઘિયો જાણે કે એમનાં પગલાં દબાવતો એમનું પગેરું કાઢી રહ્યો હતો.

ખાસ્સો કલાકેક વીતી ગયા પછી સ્ત્રીપુરુષ પાછાં આવ્યાં. ઠાંસોઠાંસ અંધકારથી ભરેલા ફળિયામાં માંડણની હાજરી જ નથી. એમ સમજીને એમણે નચિંત બનીને ખડકીનાં કમાડ ઠસાવ્યાં, ને વિશેષ નચિંત બનીને પોતાના ઘરમાં ઘૂસી ગયાં. હવે માંડણને ઊંઘ આવવી અશક્ય હતી.

પાછલી રાતની ભેદી હિલચાલે આ યુવાનનું અંતર વલોવી મૂક્યું હતું, અનેક શંકાઓ પ્રેરનારી આ ઘટનાનો તાળો મેળવવા એ મથી રહ્યો.

કેટલો સમય વીતી ગયો એનો પણ માંડણને ખ્યાલ ન રહ્યો. એકાએક ખડકી બહાર ડાઘિયો ભસ્યો ત્યારે જ એ વિચારતંદ્રામાંથી જાગ્યો.

ડાઘિયો વધારે ને વધારે ઉગ્રતાથી ભસવા લાગ્યો. એના ભસવામાં જાણે કે કશીક તાકીદની ઉતાવળ વરતાતી હતી.

માંડણને એ ભસવામાં કશોક ભેદ લાગતાં એણે ખડકી ઉઘાડી. ઊંબરા પર નવજાત બાળકનો લોચો પડ્યો હતો.

ડાઘિયો એની પોતાની વાણીમાં જાણે કે કહી રહ્યો હતો :

‘આને વગડામાં મેલી દીધું’તું, ત્યાંથી હું પાછું લાવ્યો છું. ઝટ લઈ લો, હજી જીવે છે. બહુ મોડું થાય એ પહેલાં જ એની માને ખોળે સુવરાવી દિયો ઝટ !’

ખડકીના ઉંબરાની ખડબચડી ફરસ ઉપર પડેલા નવજાત શિશુને માંડણે કશો ય વિચાર કર્યા વિના પોતાના એક સાજા હાથમાં ઊંચકી લીધું. થોડા જ મહિના પહેલાં વાડીએ સ્ફોટક દારૂનો ટોટો ફોડીને પિતરાઈનો જાન લેનાર જલ્લાદ હાથનાં આંગળાં વચ્ચે એક સૂકોમળ શિશુ સળવળી રહ્યું. માંડળનો રુક્ષ કઠોર હાથ આ સુમધુર સળવળાટે ઝણઝણાટી અનુભવી રહ્યો.

તુરત એણે પોતાના પડોશીના ઘરની સાંકળ ખખડાવી.

‘લ્યો; આને ડાઘિયો પોતાના મોઢામાં ઉપાડીને પાછું લઈ આવ્યો છે. હજી જીવે છે !’

*