લખાણ પર જાઓ

લીલુડી ધરતી - ૨/તાતી તેગ

વિકિસ્રોતમાંથી
← દલ્લી દેખો, બમ્બઈ દેખો ! લીલુડી ધરતી - ૨
તાતી તેગ
ચુનીલાલ મડિયા
પેટકટારી →






પ્રકરણ સોળમું
તાતી તેગ

‘ઓઘડભાભા ! અટાણના પોરમાં ભાંગબાંગ તો નથી પીધી ને ? આ કાબુલીવાળાને ભાળીને અમથી સુતારણ્ય સાંભળી આવી તમને તો !’ જુવાનિયાઓ ડોસાની મજાક કરી રહ્યા.

‘માણહની સાઠે બુદ્ધિ નાઠે ને ઓઘડભાભાને તો સાઠ ઉપર એક વીહું વરહ વીતી ગયાં, એટલે તો આવાં ગાંડાંઘેલાં જ કાઢે ને !’

‘ભૂવાએ પણ ભારે કરીને ! સંભારી સંભારીને બીજા કોઈને નહિ, ને અમથી સુતારણ્યને જ સંભારી !’

પોતે કરેલા નિરીક્ષણ વિષે આવાં ટોળટીખળ થવા લાગ્યાં તેથી ઓઘડ જરા ઓઝપાઈ ગયો. આંખે બાઝેલાં પરવાળાનાં પાણી લૂછીને નજર વધારે સતેજ બનાવી અને કપાળ પર ફરી વાર હથેળીનું છાજવું ગોઠવીને એણે વળી ગામના આ નવતર આગંતુકનું નિરીક્ષણ કરવા માંડ્યું.

‘દલ્લી દેખો, બમ્બઈ દેખો !’
‘આગરે કા તાજ દેખો !’

એકેકથી ચડિયાતાં આકર્ષણોના પ્રલોભનથી ટાબરિયાંઓની સારી એવી ઠઠ જામી ગઈ. મોટેરાંઓને પણ આ નવતર આગંતુક અને એની જોડેનો એટલો જ નવતર ‘પટારો’ જોઈને એનું નિરીક્ષણ કરવાનો રસ લાગ્યો.

‘આ પટારાની માલીપા સિનેમા થાય છે.’

‘આને સિનેમા નહિ, બાઇસ્કોપ કે’વાય.’ બીજાએ ભૂલ સુધારી.  ‘શાપરમાં ઘણી ય વાર આવા આવે છે, ને ગામને ધૂતી જાય છે.’

‘એકેક પેસા... એકેક પેસા...’

ભાવતાલ સાંભળીને ઘણા ય પ્રેક્ષકો ભડકી ગયા. આ હરતાફરતા ‘સિનેમા’ની ફી તરીકેનો આખો પેસો મેળવવાનું કામ નાનાં બાળકો માટે મુશ્કેલ હતું. એ હકીકત સમજતાં ડોશીને જરાય ય વાર ન લાગી. તુરત એણે ટિકિટ માટેના રોકડ નાણાંને બદલે વિકલ્પ સૂચવ્યો :

‘છૂટું ફદિયું ન હોય તો અડધો અડધો રોટલો લઈ આવો.’

અને પારધીની જાળમાંથી ફરરરર કરતાં પક્ષીઓ ઊડે એમ આ ટાબરિયાં ઘર ભણી ઊડ્યાં ને થોડી વારમાં તો શિરામણમાંથી વધેલા રોટલા લઈ લઈને આ સિનેમા જોવા આવી પહોંચ્યાં.

ડોશીએ એક ખભે ભરાવેલી ઝોળીમાં એકેક રોટલો નાખીને બાયોસ્કોપનું એકેક ખાનું ખોલવા માડ્યું. પિત્તળની સાંકળ વડે બાંધેલો એકેક ડાબલો ઊઘાડતાં એની અંદરના કાચ ઉપર નજર બાંધીને એકેક ભૂલકું ગોઠવાઈ ગયું. ડોશીએ પટારાને એક છેડે ગોળ ઊભા ભૂંગળા ઉપરનું હેન્ડલ ફેરવવા માંડ્યું અને યંત્રની ભીતરમાં પસાર થતાં દૃશ્યોનું કર્કશ અવાજે વર્ણન કરવા માંડ્યું :

‘વેલાત કા રાજા દેખો.–’
‘દલ્લી કા દરબાર દેખો–’
‘રાની કા હજીરા દેખો–’
‘બમ્બઈ કી બીબી દેખો–’
‘બારા મન કી ધોબન દેખો–’

બાર મણની ધોબણનું દૃશ્ય જોઈને ટાબરિયાં ખડખડાટ હસી પડ્યાં. ‘અરર, આટલી જાડી બાયડી હોય ?’

‘આ તો ભીમની વવ લાગે છ !’

ઘેરો વળીને દૂર ઊભેલાં મોટેરાંઓએ આ બાર મણ વજનવાળી ધોબણનું દૃશ્ય નજરોનજર જોયું નહોતું. છતાં તેઓ વર્ણનમાત્રથી  જ મરક મરક મલકી ઊઠ્યાં. એક માત્ર ઓઘડ અત્યારે આ આગંતુકના વધારે ઝીણવટભર્યા અવલોકનમાં રોકાયો હોવાથી એને હસવાની નવરાશ નહોતી.

‘માનો ન માનો; પણ અણહાર તો અમથીનો જ—’ ડોસાએ ફરી વાર પોતાનું નિરીક્ષણ કહી સંભળાવ્યું. ‘તમે સહુ મર મને આંધળો કીધા કરો, પણ મારી વાત ખોટી પડે તો તમારું ખાહડું ને આ ઓઘડનું માથું—’

‘એલા ડોહા ! ડાગળી ચસકી કે શું ? અમથીને મરી પરવાર્યાને તો જનમારો થઈ ગ્યો, ને એનો ધણી વેલજી ડોહોય વાંહે વલોપાત કરી કરીને મરી ગ્યો—’

‘તો પછી અમથીનું ભૂત હશે !’ ઓઘડભાભાએ દલીલ કરી.

‘ભૂત ? તું પંડ્યે જ મેલડીનો ભૂવો છો, તી ડાકલું વગાડી ધુણાવી જો, તો હમણાં ખબર્ય !’

બજારમાં ચોકમાં આવાં નાટક-ચેટક ચાલી રહ્યાં હતાં ત્યારે ગામને ઝાંપે એક દરબારી મોટરગાડી આવીને ઊભી હતી. ગાડીની આગલી બેઠકમાં શંકરભાઈ ફોજદાર કરડાકીભરી સિકલ સાથે બેઠા હતા અને ગાડી બહાર કાસમ પસાયતો અદબભેર ઊભો ઊભો જવાબ આપતો હતો.

‘ના સા’બ ! કોઈ કરતાં કોઈને નથી ભાળી, મોંસૂઝણા ટાણે છેલ્લી રોન મારી આવ્યા કેડ્યે હું આ ખાટલેથી આઘો ખસ્યો જ નથી ને !... ના સા’બ ! ના. એમ અજાણ્યું માણહ ગામમાં શેનું ગરી જાય ?... તો તો આટલાં વરહ પહાયતું કર્યું ઈ પાણીમાં જ ગ્યું ગણાય ને !...... હા, સા’બ ! પરગામથી આવનારને એકોએકને નામઠામ પૂછ્યા વન્યા પાદરમાં પગ મેલવા નથી દેતો... થોડાક દિ’ મોર્ય કાળકાની ટૂંકેથી ઓલ્યો ઘૂઘરિયાળો એનો લાગો ઊઘરાવવા આવ્યો તંયે એને ય પડકારી જોયો’તો... એમ વે’મ નો રાખું તો તો સહુ પોલું ભાળી જાય ને સાંજ મોર્ય ગામ લૂંટાઈ  જાય... ના સા’બ ! કાળી મુહરી વેચવાવાળી કે ધોળી વેચવાવાળી કોઈને મેં ભાળી નથી... કાબુલીવાળી ય નહિ ને કલકત્તાવાળી ય નહિ... ગામની પાણિયારી વવદીકરિયું સિવાય કોઈનો આવરોજાવરો આ ઝાંપામાંથી થ્યો જ નથી... એક માતર વખતી ડોહી વગડો કરીને આવી, ઈ જ. કોઈ અજાણ્યું બાઈમાણહ ભાળ્યું જ નથી ને !...’

ઝાંપે મોટર પડી છે કે એમાં શંકરભાઈ ફોજદાર બેઠા છે એવી જાણ થતાં જ ગામમાં ફફડાટ થઈ ગ્યો. ઝાંપા નજીક વસતાં અને ગામ – પરગામમાં ગણેશિયા ભરાવીને લોંટોઝોંટો કરવામાં પાવરધાં એવાં કાંટિયા વરણનાં ખોરડાંઓમાં કેટલાક ચોરાઉ મુદ્દામાલ સગેવગે થવા લાગ્યો. કેટલાક નામચીન અને ‘શકમંદ’ શખસો ફોજદારની બીકે આઘાપાછા થવા લાગ્યા.

બજારના ચોકમાં ભજવાતા નાટક જેવું જ એક બીજું નાટક હાદા ઠુમરની ખડકીમાં ભજવાઈ રહ્યું હતું. જીવો ખવાસ જાણે કે મોઢામાં તરણું લઈને હાદા પટેલને શરણે આવ્યો હતો અને કરગરતો હતો.

‘બાપા ! અટાણે તો તમે જ મને મારો ને તમે જ મને જિવાડો.’

‘મારનારો કે જિવાડનારો તો ઊંચે બેઠો છે, હજાર હાથવાળો. આપણે કાળાં માથાનાં માનવીનું શું ગજું ?’

‘હાદાબાપા ! અટાણે તો તમે જ મારા ભગવાન છો. ભલા થઈને મારો ગનો માફ કરો... આમાં મારો વાંક નથી. હંધુય કોઠું નથુ સોનીએ ઊભું કર્યું તું—’

‘થાવા કાળે થ્યા કરે—’ હાદા પટેલ દાર્શનિકની અદાથી ઉત્તર આપતા હતા.

‘થાવામાં તો હવે શું બાકી રઈ છે ? સોની ને એની સોનારણ્યે થઈને સંતુ ઉપર છાણાં થાપ્યાં છે. બિચાડી જલમદખિયારીને  માથે દુઃખનાં ઝાડવાં ઉગાડ્યાં છે !’

‘હોય. કરમની વાત—’

‘કરમ ? અરે ઊભી હોય તો આંગણું કોળી ઊઠે એવી સતવતી બાઈ ઉપર આવાં આળ ચડાવ્યાં, એને કરમની વાત કે’વાય ? હંધા ય કારહા ઓલ્યા સોનકાના—’

આગલી રાતની અફવા જાણે કે સાચી પડી હોય એમ લાગતું હતુ. સંતુને ગામની સીમ બહાર હાંકી કાઢવાની યોજના સામે જુવાનિયાઓ શાપરથી ફોજદારને બોલાવનાર છે એ જે ગપગોળો ઊડેલો એ સાચો પડ્યો લાગતો હતો, અને તેથી જ ગામના ચૌદશિયાઓ ફફડી ઊઠ્યા હતા. ગુનેગારોમાં ગભરાટ વ્યાપી ગયો હતો. રાંપીના ઘા જેવો તાલ થઈ ગયો હતો.

‘જીવા ખવાહને જેર કરશે !’

‘નથુ સોનીને હાથકડી નાખશે !’

‘ના રે ના, સાચો ગુનેગાર તો ઓઘડભાભો જ ગણાય. ડાકલા વગાડી વગાડીને મેલડીને નામે સંતુડીના હાથ સસડાવી મેલ્યા, તીં પહેલવહેલી કડી તો એને જ પે’રાવશે.’

‘અરે જોજો તો ખરા, શંકરભાઈ ફોજદારના ઝપાટા ! ઠેઠ કાળકામાતાની ટૂંક લગણ પગેરું કાઢીને ઓલ્યા ઘૂઘરિયાળાનો જબાપ માગશે.’

એક તરફ રઘો મ્યાનમાંથી કાઢેલી કટારીને નજર સન્મુખ મૂકીને હવે સંતુ પર શી વીતે છે એની રાહ જોતો રહ્યો; બીજી તરફ ‘દલ્લી દેખો, બમ્બઈ દેખો !’નો ખેલ ચાલતો રહ્યો. ત્રીજી તરફ ઓઘડભાભો આ આગંતુક વૃદ્ધાને ઓળખવા માટે વિવિધ અણસાર અને એંધાણોને યાદ કરતો રહ્યો, ચોથી તરફ, ગામને પાદર અણધાર્યા આવી પહોંચેલા પોલીસ અફસરનો પંજો કોના ઉપર પડે છે એ અંગે અનુમાનો થતાં રહ્યાં.

‘રઘાભાઈ ! આ કટાર હવે મ્યાન કરો ! હવે સંતુને કોઈ  ગામબાર્ચ કાઢવાનું નથી.’

એક આંખ નાગી કટાર સામે માંડીને અને બીજી આંખ દૂર ચાલી રહેલા ‘દલ્લી દેખો !’ વાળા તમાશા પર નોંધીને અન્યમનસ્ક જેવો બેઠેલો રઘો આ વિનંતી સાંભળીને વિસ્મય અનુભવી રહ્યો. જોયું તો સામે જીવા ખવાસે જાણે કે ખેાળો પાથર્યો હતો.

‘ગોર બાપા ! ગામને પાપે તમે બવ કહટ વેઠ્યાં, હવે હાંઉ કરો ને તણ્ય તણ્ય અપવાસનાં પારણાં કરો.’

રઘાએ જીવાની આંખમાં પોતાની આંખ પરોવી કે તરત જીવો ધ્રૂજી ઊઠ્યો,

‘ભૂદેવ ! મેં તમને બવ દૂભવ્યા છે... ભામણના દીકરાની આંતરડી કકળાવીને કોણ જાણે કિયે ભવ છૂટીશ ? પણ આ ભવમાં તો મારો વાંકગનો ભૂલી જાવ !’

રઘો સાંભળતો રહ્યો. ઠાકરદ્વારે બેઠાં એને ક્યાંથી ખબર પડે કે આ ક્ષમાયાચક ઉક્તિઓ જીવો નથી બોલતો પણ પાદરમાં આવીને પડેલી શંકરભાઈ ફોજદારની મોટરગાડી બોલાવી રહી છે ?

ગ્રામજીવનની આવી અટપટી જીવનરીતિ સમજવાને અશક્ત અને અબુધ એવો ગિરજાપ્રસાદ આશ્ચર્ય મુગ્ધ બનીને આ નાટક નિહાળી રહ્યો.

‘હાદા પટેલ પાહે હું હંધી ય પેટછૂટી વાત કરીને આવ્યો છું. ઈ સતીમાના ગોઠિયા તો સાગરપેટા, એટલે મારા હંધા ય વાંકગના માફ કરી દીધા છે... મેં પાપ કરવામાં પાછા વળીને પછવાડે જોયું નથી. તમે ગોરદેવતા તો મા ગવતરી જેવા ગણાવ, તમને દૂભવીને તો હું દહ ભવે ય નંઈ છૂટું. કિરપા કરી ને મારાં કરતૂક હંધાં ય ભૂલી જાવ !’

જીવો રાજરમતનો જબરો ખેલાડી હતો. પણ રઘાએ જીવા કરતાં વધારે ખેલ ખેલી જાણ્યા હતા. જીવો તો એકલી ઓઝતનું જ પાણી પીને મોટો થયો હતો, પણ રઘાએ તો અલકમલકનાં પાણી પીધાં હતાં. પોતાની મૂછ ખંખેરે તો એમાંથી દસ જીવા ખવાસો ખરે એટલી રઘાની ગુંજાશ હતી. પણ એ તો એના પૂર્વાશ્રમની વાત થઈ. હવે એ ગુંજાશ કે મુત્સદ્દગીરી કામે લગાડવાની એની ઈચ્છા નહોતી. અત્યારે તો એના દિલમાં ‘દલ્લી દેખો, બમ્બઈ દેખો !’ની શબ્દાવલિએ જ એવું તો ઘમસાણ મચાવી મૂક્યું હતું કે ડાહ્યોડમરો બનીને પગે પડતો આવેલો જીવો શું બોલી રહ્યો છે એ સાંભળવામાં ય એને રસ રહ્યો નહોતો...

અડધી દુનિયા પગ તળે કાઢી ચૂકેલ રઘો અત્યારે ‘દલ્લી દેખો, બમ્બઈ દેખો !’ના ઈજન દ્વારા માત્ર દિલ્હી કે મુંબઈ જેવાં શહેરો નહિ પણ પોતાની ગત જીવનયાત્રાનાં વિવિધ ધામો નિહાળી રહ્યો હતો. કેવી બહુરૂપી ને બહુરંગી એ યાત્રા હતી !... ઝડપભેર જિવાઈ ગયેલા એ ગત જીવનનું આખું ય ફલક અત્યારે ભાતીગળ ચૂંદડીની જેમ રઘાની નજર સામે ઉપસી આવ્યું.

આ યાત્રાનો યાત્રી હું પોતે જ હતો ? રઘાના મનમાં એક વિચિત્ર પ્રશ્ન ઊઠ્યો. અલકમલકમાં વંટોળિયાની જેમ ઘૂમી વળનાર, અનેકાનેક વેશ ધારણ કરનાર, કંઈ કંઈ સારાનરસાં કૃત્યો કરનાર, નેકી અને બદીની એક વિલક્ષણ ગંગાજમની જેવું જીવન જીવી જનાર હું પોતે જ હતો.

‘રઘાબાપા ! આ હંધાં ય પાપનાં મૂળમાં નથુ સોની જ હતો. અજવાળીકાકીએ અમને સહુને ઊંબેળ્યાં’તાં. ધણીને ખારે શોક્યનો ખાટલો સળગાવી મેલે ઈ માંયલાં અજવાળીકાકી. પોતાનાં ઢાંકવા પારકાંનાં ઉઘાડવા ગઈ, પણ કૂડકપટ ક્યાં સુધી નભે ? શંકરભાઈ ફોજદાર એની ધૂળ કાઢી નાખશે... ને ઘીના ઠામમાં ઘી પડી રહેશે. આજ સંતુને અભેદાન સમજી લ્યો, ને હવે આ કટારી મ્યાન કરો ! આ ગામનાં પાપ તો આવી ભરાણાં છે ને એમાં વળી બ્રહ્મહત્યાનું નવું પાતક ચડશે.’

જીવાને ભય તો એ હતો કે રખે ને રઘો પેટકટારી ખાઈ  બેસશે તો ફોજદારની હાજરીમાં ગુનેગાર હું ગણાઈ જઈશ, તેથી વારે વારે એ કટાર મ્યાન કરવા વિનવી રહ્યો હતો.

રઘો તો પોતાની જ ભીતરમાં ચાલી રહેલા દ્વન્દ્વમાં અટવાયો હતો. આજ સુધીની જિંદગાનીમાં આટઆટલા પ્રપંચો આચરનાર રઘો, અને આજે આખર જતાં ગામની એક પતિવ્રતાની વહારે ચડીને ઠાકરદુવારે પ્રાણપ્રતિષ્ઠા કરી રહેલ રઘો, એક જ વ્યક્તિ છે ? આ જીવનદર્પણમાં દેખાતી મિશ્રિત રેખાઓવાળી મુખચ્છવિ મારી પોતાની છે ?’

અને તુરત રઘાના મનમાં પ્રશ્ન ઊઠ્યો : જિંદગીની આવી કઢંગી રફતારનો અંત શો હોઈ શકે ? આ લાંબી મજલની આખરી આરામગાહ ક્યાં હશે ?

‘રઘાભાઈ ! આ નાગી કટારીને હવે લોહી ચખાડ્યા વિના મ્યાનમાં ન મુકાય ઈ તો હું ય જાણું છું.’ જીવાએ કહ્યું. ‘તો લ્યો, આ મારી ટચલી આંગળીએ આછેરો છરકો મારી લ્યો, એટલે એને લોહી ચખાડવું વદી જાય; ને પછી એને મ્યાનમાં પૂરી દિયો.’

પણ જીવાની બધી જ વિનવણીઓ વ્યર્થ ગઈ. રઘાની સન્મુખ તાતી તેગ તગતગી જ રહી


*