લીલુડી ધરતી - ૨/દલ્લી દેખો, બમ્બઈ દેખો !

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← આઠ ગાઉ આઘી કાઢો લીલુડી ધરતી - ૨
દલ્લી દેખો, બમ્બઈ દેખો !
ચુનીલાલ મડિયા
તાતી તેગ →


પ્રકરણ પંદરમું

દલ્લી દેખો, બમ્બઈ દેખો !


રોટલાટાણું થયું પણ રઘો પોતાના આસન ઉપરથી ઊઠ્યો નહિ.

‘રઘાને રોટલા વિના હાલે પણ તેજ–તમાકુ પાન ખાધા વિના ન હાલે.’ લોકોએ આગાહી કરી. ‘પાનની તલપ લાગશે એટલે આફુડો ઊઠશે.’

રોંઢા મળ્યા, પણ રઘાને રોટલાની કે પાનની કશી તલપ ન લાગી.

દરમિયાન ઓઘડભાભાએ સૂચવેલું ‘મને અભડાવનારીને આઠ ગાઉ આઘી કાઢો’નું આંદોલન જોર પકડતું રહ્યું. અગ્નિપરીક્ષાનું પરિણામ જાણ્યા પછી હાદા પટેલને એવો તો તીવ્ર આઘાત લાગેલો કે એ સાવ શૂન્યમનસ્ક થઈ ગયેલા. ખુદ સંતુ પણ આ અણધાર્યા પરિણામથી ડઘાઈ જઈને મુંગી મૂંગી મનમાં ને મનમાં સમસમી રહી હતી.

સંતુના આ મૌનનો સારો ગેરલાભ લેવાયો.

‘હવે શું મોઢે હોઠ ઉઘાડે ? બોલવા જેવું આમાં રિયું છે જ શું ? બોલવા જેવું હતું ઈ તો હંધુ ય તેલનો તાવડો બોલી ગ્યો છે, બે ને બે ચાર જેવી ચોખ્ખીફૂલ વાત !’

‘આ હાથે કરીને હાથ બાળી બેઠી; એના કરતાં પહેલાં પરથમ જ પેટછુલી વાત કબૂલી દીધી હોત તો ? આટલો ગામગોકીરો તો ન થાત !’ ‘ભાઈ ! આ કળજગમાં સંધાંય સતવાદી હરીચંદરાજા થોડાં છે કે સામે હાલીને પાપ પરગટ કરી દિયે ! ઈ તો સાંકડા ભોણમાં ગરે તયેં જ સર૫ સીધો હાલે.’

‘પાપ તો પીપળે ચડીને પોકારે, કૂડકપટ છાનાં રહી શકતાં હોત તો આ ધરતીમાતા ઉપર પાપના ભાર કેટલા બધા વધી ગયા હોત !’

‘આપણે તો માનતા’તા કે શાપરમાં ઓલ્યા ગાગરભટે આખું ભારત વાંચી કાઢ્યું એમાં વરસાદ બંધાઈ ગ્યો. પણ ગામમાં જ આવાં અઘોર પાપ થ્યાં હશે એની કોને ખબર ?’

‘મનમાં આવા મેલ હોય પછી તો પરણ્યા ધણીને ગૂડી જ નાખવો પડે ને ? માંડણિયો બચાડો ઠાલો મફતનો જેલમાં પુરાણો.’

‘આવાં નુઘરાં માણહને પાપે નવાણિયો કુટાઈ ગ્યો—’

નવરાં માણસોમાં તરેહતરેહની નુક્તેચિની ચાલી રહી. હવે માત્ર ઓઘડભૂવો કે મેલડી જ નહિ પણ ગામનું નાનું છોકરું પણ ન્યાયાધીશ બની બેઠું. આટલા દિવસ સુધી હાદા પટેલે સેવેલા સંયમયુક્ત મૌનનો પણ વિપરીત અર્થ ઘટાવાયો :

‘હવે સમજાણું, હાદા પટેલે આટલા દિ’ હોઠ સંચોડા સીવી જ કેમ રાખ્યા’તા, ઈ—’

‘હંધુ ય જાણતા હોય પછે તો મોઢે મોટું ખંભાતી જ મારી રાખવું પડે કે બીજું કાંઈ ! સાઠ વરહનો ડોહો ઊઠીને જાંઘનો જખમ કોને દેખાડવા જાય ?’

‘એક તો બચાવડા સતીમાના ગોઠિયા, ને એમાં ઘરની જ વવે આવાં કૂડ કર્યાં, ડોહાનાં ધોળામાં ધૂળ નાખવા જેવું કર્યું—’

‘હજી જોજો તો ખરાં, સતીમાં પંડ્યે જ કોપશે, ને ઠુમરના ખોરડાનું ધનોતપનોત કાઢી નાખશે—’

‘ઠુમરના ખોરડાનું તો નીકળવાનું હશે તંયે નીકળશે, પણ અટાણે તો ગામ આખાનું નખોદ નીકળતું રોકવું હોય તો ઓલી કુભારજાને ઝટ ગામમાંથી આઠ ગાઉ આઘી કાઢો—’

સાંજ પડી પણ રઘો એના સ્થાન પરથી ઊઠ્યો નહિ તેથી સહુને નવાઈ લાગી.

‘એલા આ ભામણનું ત્રાગું તો બવ લાંબુ હાલ્યું—’

‘પણ ઘીના ઠામમાં ઘી પડી રિયા કેડેય હજી શું કામને ઈ ત્રાગું કરીને બેઠો ?’

‘ઈ તો કિયે છે કે તમે હંધાયે ભેગા થઈને સંતુ ઉપર વીતક વિતાડ્યાં છે એનું હું પ્રાછત કરું છું.’

‘હવે જોયો મોટા પ્રાછત કરનારો ! સો ચુવા મારીને મીંદડી હજ પઢવા હાલી !’

‘ઈ તો બનાવટી બાવો જ બમણી ભભૂત ચોળે ને ?’

‘એનામાં ભામણના દીકરાનાં એકે ય લખણ છે ખરાં ? નાનપણમાં સીમમાં હહલાં ગૂડી મૂડીને મોટો થ્યો, ને હવે હાથમાં માળા લઈને બેઠા છે બગભગત !’

ધારણા તો એવી હતી કે સાંજે નહિ તે મોડી રાતે તો ૨ઘો ઘર ભેગો થઈ જ જશે પણ એણે તો પુત્ર સાથે ભૂખ્યા પેટે ચોરાની ઓસરી ઉપર જ લંબાવી દીધું.

‘લાંઘી લાંઘીને મરી જઈશ, પણ મારા જીવતાં ગામની નિયાણીને આ અનિયા થાતો નહિ ભાળું !’

ભવાનદાની સ્થિતિ હવે સૂડી વચ્ચે સોપારી જેવી થઈ પડી. અજવાળીકાકીએ એવો ગોળો ગબડાવ્યો કે મેલડીને અભડાવનારીનો ઓછાયો ગામમાંથી આઘો થાય તો પછી પાદરના પિયાવામાંથી પાણી પીવાને કંઈ બાધ નહિ.

‘તો પછી ઈ એાછાયો આઘો કાઢવામાં હવે કોનાં શકન જોવાં બાકી રિયાં છે ?’

‘કે પછી સંતડીને સોંઢાડવાની સારી તથ પુછાવવી છે? તો બરકો શાપરથી કામેસર ગોરને.’ એક તરફ આવી વ્યંગવાણી ઉચ્ચારાઈ રહી ને બીજી તરફ ગામની પાણિયારીઓનો કકળાટ ઊઠ્યો.

‘હવે તો વીરડેથી છાલિયે છાલિયે પાણી ભરીને હાથ દુઃખવા આવ્યા.’

‘પાદરનો જ પાણીશેરડો મેલીને નદીએથી બેડાં નથી સરાતાં અમારાથી.’

‘ને આ દકાળ વરહમાં વીરડામાંય પાણી ક્યાં ઠારી રાખ્યાં છે ? ટબુડી ટબુડી પાણી આછરતાં અડધો પો’ર લાગે છે.’

‘હવે તો આનો કાંઈક નિકાલ કરો તો આ આપદાનો આરો આવે !’

અને આ ‘નિકાલ’ માટે સહુની નજર સ્વાભાવિક જ મુખી તરફ વળી.

‘આ ગુંદાહરના નસીબે મુખી ય કેવા માલ વિનાના જડ્યા છે | ગણાય ગામનું ઢાંકણ, પણ મે’તો મારે ય નહિ ને ભણાવેય નહિ, એવા માથે પડ્યા છે.’

‘મુખીની નામની તો ફેહ ફાટવી જોઈએ ! કોઈની દેન છે કે આવી લબાડીકબાડી કરી જાય ? પણ આપણું ભવાનદા તો સાવ નરછીં મેંતા જેવા જ છે.’

ત્રીજા દિવસની સવાર પડી ને મુખીની સ્થિતિ વધારે વિષમ બની. બે દિવસથી રઘાએ મોઢામાં અનાજનો દાનો ય મૂક્યો નહોતો. ઠાકરેદુવારે દેહ પાડી નાખવા બાબતમાં એ પૂરેપૂરો કૃતનિશ્ચય લાગતો હતો. બીજી બાજુ, સંતુનો ઓછાયો ગામમાંથી દૂર કરવાની માગણી વધારે જોર પકડતી જતી હતી.

જેમ જેમ મુખી રધાને અનશન છોડવાનું સમજાવતા ગયા તેમ તેમ રઘો વધારે મક્કમ બનતો ગયો.

‘સંતુને કહટ આપવામાં તમે પાછું વાળીને નથી જોયું. હવે એને ગામ બહાર કાઢશો તો હું ઠાકુરદુવારને પગથિયે જ પેટકટારી ખઈને પ્રાણ કાઢી નાખીશ.’

રઘાની આ ધમકી સાંભળીને તો મુખી ઉપરાંત હવે જીવા ખવાસને પણ થોડી ગભરામણ થઈ. ન કરે નારાયણ ને ઠાકરદુવારમાં ભામણના દીકરાનો દેહ પડે તો પછી ઉપાધિનો પાર ન રહે. આ ગભરામણને લોકો વળતી ધમકીઓ રૂપે વ્યક્ત કરી રહ્યા.

‘આ ભામણ તો ભાટચારણથી ય ભૂંડો નીકળ્યો ! આવાં તર્કટી ત્રાગાં ક્યાંય મલકમાં ય સાંભળ્યાંતાં ?’

‘વાંહે કોઈ રોનારી કે ચૂડલો ભાંગનારી નથી એટલે પેટકટારી ખાવાની ભવાઈ સૂઝે છે, ને ગામ આખાને હેરાન કરે છે !’

‘આ તો સાચે જ ભવાઈ કરે છે, ભવાઈ. જિંદગી આખી ભવાયો જ રિયો છે, કંઈ અલકમલકમાં ફર્યો છે ને ને જાત્યભાત્યના વેશ ભજવી આવ્યો છે એટલે હવે આ મરવાનો વેશ લઈને બેઠો છે...’

‘અરે હધું ય મનમાં સમજ્યા જેવું છે. આ રઘલો તો પણે આફ્રિકાના જંગલમાં ઘણા ય સીદી ને આરબાંવને જીવતા મારીને આવ્યો છે. ઈ હવે ગુંદાહરમાં આવીને શું પોતાને હાથે જ મરશે ? રામરામ ભજો !’

‘પણ તો પછે ગામ આખાને કૂચે શું કામ મારે છે ?’

‘ને પોતાને એકલપંડ મરવું હોય ને પેટકટારી ખાવી હોય તે મર ખાતો; પણ ભેગો આ ખોળે લીધેલા પારકા જણ્યાનેય શું કામે ભૂખે મારતો જાય છે ?’

મામલો વધારે ગૂંચવાયો એટલે ગામલોકોએ મુખીને પણ પડતા મૂક્યા ને બધો દોર પોતાના હાથમાં લઈ લીધો.

‘ભવાનદાને ભરોસે રેશું તો તો ખુવારને ખાટલે થૈ જાઈશું. એક સાડલો વીંટનારીને ગામ બાર્ય કાઢવી એમાં તી કયા મોટા વેદ ભણી નાખવા’તા ! એક કતીકો મારશું ઈ ભેગી સીમ વાળોટી જાહે—’ મુખોની ઉપરવટ જઈને પણ ધાર્યું કામ પાર પાડવાનો જીવા ખવાસે નિર્ણય લઈ લીધો, અને એ નિર્ણયનો અમલ કરવા માટેના દિવસ પણ નક્કી કરી નાખ્યો. અમાસને દિવસે અકતો હોય એટલે સહુને આ સાર્વજનિક કામ પાર પાડવાની નવરાશ પણ હોય. વળી એ વેળા મુખી કે રઘો કાંઈ અવરોધ ઊભા કરે તો સામટા માણસો એમને સીધાદોર કરી શકે.

અમાસની એ આગલી રાતે ગુંદાસરમાં જાગરણ જેવું જ થઈ પડ્યું. જાતજાતની અફવાઓ, આગાહીઓ અને અનુમાન થયા કરતાં હતાં. એક અનુમાન એવું હતું કે આજ સુધી મૂંગા રહેલા હાદા પટેલ હવે પોતાનો પરચો બતાવવાના છે. ડેલીને ઊંબરે એ ડોસા કડીઆળી ડાંગ લઈને ઊભા રહેશે અને જે માણસ સંતુને બહાર કાઢવા આવશે એની ખોપરી ફાડી નાખશે.—

એક અફવા એવી હતી કે અગ્નિપરીક્ષાની અને સંતુની હકાલપટ્ટીની સઘળી બાતમી શંકરભાઈ ફોજદારને કાને પહોંચી ગઈ છે, અને સવારના પહોરમાં એ ગામમાં આવીને જીવલાને ને નથુ સોનીને જેર કરશે.

એક આગાહી તો એવી હતી કે સંતુને ગામમાંથી બહાર કાઢશે ત્યારે રઘો ને એનો છોકરો ગિરજો ઝાંપા આડા ઊભા રહેશે. રઘો પહેલવહેલાં ગિરજાને પેટ કટારી પરોવીને એનું લોહી છાંટશે, ને પછી પોતે કટારી ખાઈને ઝાંપા આડે સૂઈ જાશે.

 ***


અમાસનું વહાણું વાયું ત્યારે આ ત્રણ અનુમાનોમાંથી એકે ય સાચું ન પડ્યું. એને બદલે ગુંદાસરમાં એક ચોથી જ અણધારી ઘટના જોવા મળી.

બહારગામથી ચાલતી આવેલી એક ડોસી ખભે કાચના ટચૂકડા કબાટ જેવું કશુંક બાંધતી આવી ને ઠાકુરદુવારના ચોકમાં જ એણે બગલમાંથી નાનકડી ત્રણ પગાળી ઘોડી કાઢીને એના ઉપર પેલું કબાટ ગોઠવી દીધું.

થોડી વારમાં તો એણે આ કબાટ પરથી દૂરબીન જેવાં ખાનાંનાં ઢાંકણાં ઉઘાડ્યાં, ને અરધું ગામ સાંભળે એવા મરદાની રાગે જાહેરાત ગાવા માંડી :

‘દલ્લી દેખો, બમ્બઈ દેખો !’ ‘દલ્લી દેખો, બમ્બઈ દેખો !’

અવાજ સાંભળીને રઘાના કાન ચમક્યા.

થોડી વારમાં તો આ નવતર દૂરબીન મારફત દિલ્હી ને મુંબઈ બન્ને નગરીઓ જોવાનું કુતૂહલ ન નાથી શકનારાઓનું ટોળું જામી ગયું.

આસપાસની શેરીઓમાંથી નાગાંપૂગાં ટાબરિયાં આવી પહોંચ્યાં. ડોસીએ વધારે મોટેથી જાહેરાત કરવા માંડી :

‘એકેક પૈસો, એકેક પૈસો !’

લેાકો બધાં એક પૈસો શોધવા ખિસ્સાં ફંફોસવાં લાગ્યાં.

‘આગરે કા તાજ દેખો !’

‘બારા મનકી ધોબન દેખો !’

‘વિલાત કી રાની દેખો !’

એક પછી એક આકર્ષણ જાહેર થવા લાગ્યાં.

આબાલવૃદ્ધ સહુ એકઠાં થઈ ગયાં. ઘડીભર સંતીની હકાલપટ્ટીનો પ્રશ્ન ભુલાઈ ગયો, રઘાની લાંઘણ વિસરાઈ ગઈ, શંકરભાઈ ફોજદારના આગમનનો ભય પણ વિસારે પડ્યો અને સહુ લોકો ગામમાં આવેલી આ નવતર વ્યક્તિના નિરીક્ષણમાં રોકાઈ ગયાં.

ગામમાં ઘરડામાં ઘરડો ડોસો ઓઘડભાભો હતો. પોતે છપનિયો દુકાળ નજરે જોયો હોવામો એનો દાવો હતો. એને એંસીમે વરસે માતાના ગોખલા જેવા એના બોખલા મોંમાં નવી દાઢ ફૂટી હતી. આંખે રતાંધળો હતો છતાં એનું અંધત્વ સગવડિયું અંધત્વ હતું,  પોતાને પ્રતિકૂળ હોય ત્યારે એ કશું ન સૂઝવાનો ડોળ કરતો અને સાનુકૂળ હોય ત્યારે સઘળું જોઈ શકતો. વળી, દિવસ કરતાં એને રાતે વધારે સૂઝતું તેથી લોકો એને ઘૂડપંખ કહીને પણ ઓળખતાં.

આ આંધળા ઓઘડભાઈએ અત્યારે ધોળે દિવસે આ આગંતુકને ઓળખવા માટે ધોળાં પૂણી જેવાં નેણ ઉપર હથેળીનું છાજવું ગોઠવ્યું અને થોડી ક્ષણમાં એ આશ્ચર્ય સાથે પોકારી ઊઠ્યો :

‘એલા, આ ડોહીનો અણહાર અમથી સુતારણ્ય જેવો નથી લાગતો ? કે પછી મને હવે આંખ્યે ઝાંખ્ય આવવા મંડી છે ?’


*