વસુંધરાનાં વહાલાં દવલાં/નિવેદન

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ કૃતિ/પાનું હમણાં જ અહીં લાવ્યા છીએ અને તેની ભૂલશુદ્ધિ (પ્રૂફ રીડીંગ) બાકી છે. જો તેમાં કોઈ ભૂલો જણાય તો ક્ષમા કરશો, થોડા સમયમાં આનું શુદ્ધિકરણ કરીને તેને આખરી ઓપ આપી દેવામાં આવશે.
વસુંધરાનાં વહાલાં દવલાં
નિવેદન
ઝવેરચંદ મેઘાણી
૧.ત્રાજવડાં ત્રોફાવો →
આ પ્રકરણને આપ અહીં સાંભળી પણ શકો છો.


[ બીજી આવૃત્તિ વેળા]

મારી ઉપન્યાસ-રચનાઓના ક્રમામાં 'વસુંધરાનાં વહાલાં-દવલાં' ચોથી આવે છે. પહેલી'સત્યની શોધમાં', બીજી 'નિરંજન', ત્રીજી 'સોરઠ, તારાં વહેતાં પાણી', ને ચોથી આ.

૧૯૩૭માં 'ફૂલછાબ' સાપ્તાહિકનું સંચાલન કરતે કરતે, એની વાર્ષિક ભેટ માટે, આ વાર્તા લખી હતી. વીસથી પચીશ દિવસોના ગાળામાં એ પૂરી કરી હતી. એનો રચનાકાળ, આ રીતે, મારી કૃતિઓમઆં ટૂંકામાં ટૂંકો કહેવાય.

આની પહેલી આવૃત્તિમાં નીચે મુજબ નાનકડું નિવેદન જોડેલું :

" આ વાર્તાનો રસ સૌરાષ્ટ્રના મધ્યમ તેમ જ નીચલા થરે વચ્ચેના પડમાંથી ખેંચવાનો એક સ્વતમ્ત્ર પ્રયત્ન છે. એના આલેખનમાં એક જ વિચાર વિક્ટર હ્યુગોના 'ધ લાફિંગ મૅન'માંથી પ્રયોજેલ છે : મદારી, હોઠકટો બાળક, અને અંધી છોકરી - એ ત્રિપુટી સર્જવાનો. ત્રણે પાત્રોનું ખેડાણ તો મેં મારી રીતે જ કર્યું છે. વાર્તાકાળ પચીસ ત્રીસ વર્ષો પરના સૌરાષ્ટ્રનો લેશો તો ચાલશે."

ઉપલા નિવેદનને કેટલાક સમીક્ષકોમાં એવી ગેરસમજ પેદા કરાવી જણાય છે કે, આ કૃતિ હ્યુગોની વાર્તા પરથી પ્રયોજિત અગર અનુવાદિત છે. આ ગેરસમજને ટાળવા માટે ફરી વાર સ્પષ્ટ કરવું પડે છે કે , આ કૃતિને પેલાં ત્રણ પાત્રોના સૂચન કરતાં વિશેષ કશી જ નિસ્બત હ્યુગોનાં પુસ્તક સાથે નથી. આ તો છે તેજબાઈ, લખડી, પ્રતપ શેઠ, અમરચંદ શેઠ, કામેશ્વર ગોર ઇત્યાદિ પાત્રોની પ્રધાનપણે બનેલી વાર્તા સૃષ્ટિ. અને વાર્તા લેખનનું ધ્યેય પણ, ઝંડૂર-બદલીની લગરીક જેટલી 'રોમાન્સ' વડે રસ પૂરીને, મુખ્ય કથા તો પેલાં પાત્રોની જ કહેવાનું રહ્યું છે.

તેમ છતાં કોઈ શંકાશીલ વિવેચક જો 'ધ લાફિંગ મૅન'ને તપાસી જશે, તો એ હ્યુગો-કૃતિનો અનેરો આસ્વાદ એને સાંપડશે - અને આ બાબતનો વિભ્રમ ભાંગશે. બાકી તો, ઋણસ્વીકારની પ્રમાણિક રસમ કંઈક જોખમી છે તેવો અનુભવ મને એક કરતાં વધુ વાર રહ્યો છે.

મારી આ વાર્તા પર કેટાલાય વાચકોને વિશેષ પક્ષપાત છે તે જાણ્યું છે. અને તેમને હું કહી શકું છું કે, એ વિશિષ્ટ પક્ષપાતમાં હું પણ સહભાગી છું.

એટલે જ, આ કૃતિના કરુણ અંત પ્રતેનો અન્ય વાચકોનો અણગમો પાછળથી મારા અંતરમાંયે ઊગ્યો હતો; અને, એ કારણથી, આ આવૃત્તિમાં બીજું ત્રીજું ટોચણટીચણ કરવા ઉપરાંત સમાપ્તિને પણ કરુણ છતાં મંગળ બનાવી છે.


ઝવેરચંદ મેઘાણી બોટાદ : ૧૯૦૬

(પૂર્ણ)