વસુંધરાનાં વહાલાં દવલાં/૧૨.નવીનતાને દ્વારે
← ૧૧.ખારા પાટને ખોળે | વસુંધરાનાં વહાલાં દવલાં ૧૨.નવીનતાને દ્વારે ઝવેરચંદ મેઘાણી |
૧૩.તીર્થક્ષેત્રે → |
આ પ્રકરણને આપ અહીં સાંભળી પણ શકો છો. |
12
નવીનતાને દ્વારે
મદારીનું વિલક્ષણ કુટુંબ-મડળ જ્યારે ઉગમણા મુલક તરફ ઊપડતે પગલે મજલ કાપતું હતું ત્યારે ઇંદ્રનગરના અનાથ-આશ્રમમાં હજુ કોઈ શોરબકોર નહોતો ઊઠ્યો. નવો બાળક ઊંધી ખોપરીનો છે એટલે આશ્રમમાં જ ક્યાંક આંટાફેરા મારતો હશે એમ સમજીને દિનચર્યા ચાલુ હતી. અનાથાલયનું મકાન ઘણું આલેશાન હતું અને દિવસે દિવસે એની ભવ્યતા-વિશાળતામાં ઉમેરો થયા જ કરતો. કેમ કે એ જીવતાં બાળકોને ઉછેરવા કરતાં મરતાં માણસોને અમર કરવાના જ ખપમાં વિશેષ લાગી પડ્યું હતું. એની જાહેરખબરોમાં સૌથી વધુ મોટી અપીલ 'રૂ. ૫૦૦ આપીને તમારાં નામ અમર કરો'ની હતી. શેઠ લીલાધર લલ્લુભાઈનાં જે 'સદ્ગત પત્ની પ્રેમબાઈનાં સંસ્મરણાર્થે' ત્યાં ઓરડો ચણાયો હતો તેના પથ્થરોને બાપડાને જીભ નહોતી, નહિતર હસી હસીને એવું પેટ ફાટી પડત. 'શેઠ રઘા બધા'ના જે સ્વર્ગસ્થ બાળકની તકતી ત્યાં ચોડાઇ હતી તે બાળકની કુમળી વયે સ્વર્ગનો પંથક પકડાવનાર એની સાવકી મા જ હતી. 'પેથાભાઈ પદમશી બાળક્રીડામંદિર' પેથાભાઈએ પોતાના બહેનની થાપણ ઓળવીને હસ્તગત કરેલાં નાણાંમાંથી બંધાવ્યું હતું. એવી ઝડપી દદ્ગતિ અને સસ્તી અમરતા આપનારાં આ બહોળાં સ્મારકો એક જટિલ અટવી રચીને ઊભાં હતાં એમાં નવો છોકરો ક્યાંક ભૂલો ભૂલો પડ્યો હશે એમ લાગવાથી થોડાક કલાક પછી એની શોધ ચાલી, ને બીજા થોડા કલાકો પછી પોલીસખાતાને ખબર અપાઈ.
"પણ આનો સબબ શું?" પોલીસ-અમલદારો હંમેશાં 'સબબ' શબ્દથીજ વાત શરૂ કરે છે. "બીજા કોઈ બાળકનું નહિ ને મજકૂર છોકરાનું અપહરણ કરવામા આવે એનો સબબ શું ?"
એ સબબની ચાવી પોલીસને આપોઆપ આવી પડી.તેજુની ગિરફતારીના છ મહિના એ જ પ્રભાતે પૂરા થયા હતા. તેજુડી અનાથાલયને દરવાજે પોતાનો બાળ પાછો લેવા આવીને ખડી થઈ હતી.
"તારો બાળક ગુમ થયો છે," એ જવાબ સાંભળીને તેજુ જ્યારે ત્યાં થંભી રહી ત્યારે એની છાતી ન ભેદાઈ. એણે ચીસ ન પાડી. સંસારની સાવરણીમાં વળાઈ જનારાં કીડી-મકોડાં કશી અજાયબી અનુભવતાં નથી. એવા માનવીનું બાળક જેટલી આસાનીથી દવા વગર મરી જઈ શકે છે તેટલી જ સરળતાથી ગુમ પણ થઈ શકે છે. એનાં આંસુને એની મૂઢતા શોષી ગઈ. અનાથાલયના સંચાલક પાસેથી આખા જ ઈતિહાસના અંકોડા મેળવી લઈને પોલીસે અનુમાન બાંધ્યું કે આમાં કાંઈક કાવતરું છે.
"તારા છોકરાનાં કોઈ ચહેરા-નિશાન છે, અલી વાઘરણ ?" અમલદારે તેજુડીને પૂછ્યું.
"મારે એને ગોતવો નથી."
"તારે એને ગોતવો નથી પણ મનુષ્ય-અપહરણનો ગુનો ઠર્યો એટલે અમારે તો ગોતવો જ પડશે ને?"
"એના જમણા હાથે ત્રાજવા ત્રોફીને મેં આકાર કાઢ્યો છે."
"શેનો આકાર - અડદનાં પૂતળાંનો?"
"ના, એક તળાવડીની પાળ્યે ખીજડી છે."
"તને કોઈને માથે શક છે?" પોલીસનો આ સવાલ ખજાનાની ચાવીરૂપ હોય છે. એ ચાવી બેઉ બાજુ ફરે છે, બેઉ બાજુથી તાળાં ઊઘડે છે, ને ખજાના પગમાં આવી વેરાય છે.
"ના, મને પરભુ કોઈના માથે શક ન કરાવે !"
"તેં પોતે તો લપને કાઢી નથી ને, છોકરી?"
"હું શું કામ કાઢું?"
"જ્યાં જવું હોય ત્યાં જવાય તો ખરું ને ? તમારે વાઘરીને અને છોકરાંને શા લેવાદેવા છે?"
"હા, ઈ વાત સાચી છે." તેજુડીએ ટૂંકો જ જવાબ વાળ્યો.
"તને અમરચંદ શેઠને માથે કે પ્રતાપ શેઠને માથે વહેમ આવે છે? એણે તો કાસળ નહિ કઢાવી નાખ્યું હોય ને?"
"એવું નહિ કહું. પરભુ દુવાય."
"પણ એટલું કહેવાથી પરભુના તારે માથે ચારે હાથ વરસે તો ?"
"તોય નહિ, મને હવે જાવા દ્યો."
"વાર છે વાર ! હવે જાવાની વાત છોડી દે, લુચ્ચી ? માળી બડી પહોંચેલી છે છોકરી! છોકરાને ભગવીને હવે કહે છે મને છોડો !"
હું આજ સવાર લગી જેલમાં હતી, સા'બ!"
"જેલને ક્યાં બાકોરાં થોડાં છે ? તું મને ભણતર ભણાવી જા એટલો બધો હું બિનઅનુભવી નથી, હો રાંડ !"
"મને રાંડ શા સારુ કહો છો?"
"ત્યારે તને શું 'કુમારિકા તેજબા' કહું? કે શ્રીમતી પ્રતાપરાય કહું?"
"સા'બ એમ હોય તો તમે ધોકા મારી લ્યો, પણ મને બદનામું ન આપો."
"તો કહું છું એમ કર."
"શું કહો છો?" તેજુ કોઈ અકળ તૈયારીનો નિશ્ચય કરતી હતી.
"તું પીપરડીના શેઠ ઉપર શક નોંધાવ."
"ના સા'બ, ધરતી માતા દુવાય !"
"છે ને રાંડની શાવકારી ! શાવકારી ફાટી પડે છે ને રાંડની !"
"રાંડ રાંડ ન કરો કહું છું ! મને બીજી સો ગાળ્યું કાઢી લ્યો - હું ના નહિ પાડું. મારે મારો છોકરો નથી જોતો. એ જ્યાં હશે ત્યાં એને પૃથ્વીનો ખોળો હશે. એ મરી ગયો હશે તોય ધરતીની સોડ્યમાં સૂતો હશે. પણ એ જડે તો એને એટલું કે'જો કે એના કાંડાને માથે તળાવડી છે. તળાવડીને પાળે ખીજડી છે.તળાવડીને ને ખીજડીને ભૂલીશ મા. એ આપણને સંઘરનારી ધરતી છે. એ તને જલમ દેનારી માટી છે. આથી વધુ મારે એની હારે કોઈ લેણ્દેણ નથી. ને હું હવે જાઉં છું. તમે મને રોકશો નહિ. તમે રોકશો તો વળતે દી સવારે મારું મડદું જ રહેશે. અમને તો સા'બ, બીજાને ગળાફાંસો દેતાંય આવડે છે તેમ ફાંસી લટકી પડતાંય આવડે છે. તમે નાહક ઊંડા પાણીમાં ઊતરવું રે'વા દ્યો."
"જાવા દ્યો પાપને... નાહક આપણને ખૂનમાં સંડોવશે," કહીને પોલીસ-અમલદારે એને રવાના કરી.
તેજુ અનાથાશ્રમની બહાર નીકળતી હતી ત્યારે એણે છોકરાંને રમતાં જોયાં. છોકરામાંથી કોઈક ધીરે સાદે બોલ્યુંઃ
"આ...પેલો ભાગી ગ્યો ને... એની મા!"
"ઓલ્યો...કૂતરીને ધાવ્યો'તો એની મા ?"
એ બે જણાં લૂલિયો ને ગુલાબડી હતાં. એની પાસે તેજુ પળભર થંભી ગઈ. પૂછું કે ન પૂછું એવી થોડી વારની વિમાસણ પછી એણે હામ ભરવાની હામ ભીડી.
"હં-અં! એને 'સાહેબજીબાપુ'એ લાપોટું મારી'તી. ઈ સલામ નો'તો ભરતો. દાગતરખાનેથી આવ્યા પછી ઈ તો દાંત જ કાઢ્યા કરતો. 'સાહેબજીબાપુ', અમારો રસોઈયો અને બીજાં છોકરાં મારે-કૂટે તોય ઈના દાંત તો બંધ જ ન પડે."
એટલું કહીને પછી બીકનાં માર્યાં લુલિયો ને ગુલાબડી ત્યાંથી પલાયન કરી ગયાં.
જઈને તેજુ એક લીંબડાની છાંયે બેઠી. બેસીને એણે ધરાઈને રોઈ લીધું. રોવાનો સમ્ય એન ટૂંકો હતો. એને પોતાનું પરિયાણ કરવાનું હતું. સાથીઓ એની વાટ જોતાં હશે. વંટોળિયો છૂટે તેવા વેગ પકડતૉ તેજુ ઇંદ્રનગર શહેરની જેલ સામે ફરી પાછી આવી. ત્યાં એની સાથે જ છૂટેલ વાઘરીઓ તો નહોતા,પણ એને લેવા આવેલા વાઘરીઓ બેઠા બેઠા ધૂળમાં લીંટા કરતા હતા.
"હવે મને કહો, શું કે'તા'તા તમે? "એમ પૂછતી તેજુના મોં પર કોઈ નવા નિશ્ચયની ગાંઠ હતી.
"છોકરાને જોઈ આવી?"
"જોઈ આવી."
"ઠેકાણાસર છે ના?"
"હા, હવે આપણી વાત કરો."
"તું બાઈ, પાછી સુગાળવી થઈશ નહિ ને?"
"તો પરથમ મેલડીના સમ લ્યો આપણે ચાર જણાં. આપણી ચરચાની જો કોઈ ચાડી કરે તો એને માતા જીવતું ભરખે !"
સૌએ સોગંદ ખાધા. તે પછી એક બુઢ્ઢા વાઘરીએ વાત કાઢીઃ
"તને હવે પીપરડીમાં જાણે કે કોઈ સંઘરશે નહિ, બાઈ ! તારું તો મોત જ છે, બાપા! કેમ કે પરતાપ શેઠને ઘેર ઝાઝે વરસે દીકરો આવ્યો છે. હવે તું ત્યાં ગઈ ને જો એ છોકરાનાં આંખ્ય-માથું ય દુખ્યાં, તો ફરીને તારી રામકા'ણી રહી જવાની !"
તેજુ મૂંગી રહી. એના મૂંગા મોં ઉપર ઘડી વાર આંખો મિચાયેલી રહી. એ પ્રાર્થના કરતી હતી કે શરાપતી હતી - કોણ જાણે ! પ્રાર્થના અને શાપની વિધિ વચ્ચે ઝાઝો ફેર નથી પડતો. પણ એની આંખો મીંચાઈ ત્યારે બેઉ વાઘરીઓ સનકારા કરતા શાંત રહ્યા. પછી બુઢ્ઢાએ આગળ વાત ચલાવીઃ "અમારે તો, બાઈ, તને ઠેકાણે પાડવી છે. તું જો કાં'ક જાતરા-બાતરા તીરથ-સ્નાન કરી આવ્ય તો પછેં અમે તને અમારી નાતમાં બેળવી લઈએ. તારા માથે મોટું પાપ છે. આગળ જેમ હતું તેમ ઠીક હતું, પણ અમારે ને તારે જનમારો કાઢવો આ ઊંચ વરણ હારે. એના ધારાધોરણમાં તો આપણે રે'વું જોવે ને ? એટલે મારું ધ્યાન એમ પોકે છે કે એક વાર તારે તીરથ નાઈ આવવું. વાણિયા-બામણ નાય છે ને? એ કાંઈ અકરમ નથી કરતાં એમ થોડું છે ને ? પણ પાછા દેઈના મેલ ધોવા પણ ઈવડા ઈ પોકી જાય છે ને? આપણેય એને પગલે ચાલીએ નો સારાં લાગીએં. આપણેય મનખા-અવતાર છે. એના જેવા નહિ થાયેં ત્યાં લગણ એના ભેળાં રહી પણ કેમ શકાશે ? એટલે તારે માથે કલંક છે ઈ તું એક વાર ધોઈ આવ, બાઈ, તો પછેં તને નાત્યમાં ભેળવી લઈએ."
"પણ મારે જાવું શી રીતે?"
"હં - અં! એય હું તને કહું છું, બાઈ, કહું છું. એનો બંદોબસ્ત કર્યા વિના તને હું કે'વા નથી બેઠો. તું ગઈ ને ત્યારે જ એક ધરમી જીવ આંહીં આવેલો. તને એણે દીઠેલી. અમને એણે પૂછ્યું કે ભાઈ, કોઈને પાપ પ્રાછત કરવાં હોય તો હું કરાવવા રાજી છું. અમે જઈને કહ્યું કે 'આ અમારી બાઈ છે એને એક તો જેલ જાવાનું પાપ લાગ્યું, ઈ તો ઠીક - અમારે ઈ વાતનું કાંઈ નહિ, પણ બીજું મોટું પાપ થતાં થઈ ગયું છે એનાથી.' તો એ બચાડા ધરમી જીવે કહ્યું કે 'એવું હોય તો અમે ધણિધણિયાણી આજ રાતે જ ડાકોરજી જાયેં છયેં. અમારે નથી છોકરું - નથી છૈયું. અમારે તો એક બાઈમાણસ ભેળું હશે તો સે'ઠે આવશે. ને અમારે પ્રભુની પુન્યાઈ છે. પચી રૂપરડી ભાંગ્યે જો એવી જુવાન બાઈનો અવતાર ઊજળો થાતો હોય તો ઠાકર લેખે ! માટે એને મારે ઘેર આજ રાતે ને રાતે લાવજો.' દીએ તો એણે લાવવાની ના પાડી છે કેમ કે એને જાતરાએ ઊપડવું છે એટલે ઓછવ હાલી રિયો છે; વાસ્તે રાતે એને આપણે હવેલીના નાકા આગળ એનું ઘર છે ત્યાં મળવાનુ છે."
તેજુને આ સમાચારે ખાતરી કરાવી કે પૃથ્વીને માથે પ્રભુ જેવડો ધણી છે. તીરથ નાહ્યાનું પુણ્ય લાખો નરનારીઓ લેતાં હતાં અને બાપની સાથે તેજુ એક વાર જૂનાગઢ શહેરના દામા-કુંડને કાંઠે નીકળી હતી. પણ એ પાણીમાં સ્નાન કરવાના પૈસા બેસતા હતા. એ પૈસા બાપની પાસે નહોતા. રાતે ચોરીછૂપી નાહવા જતાં ગોરનું ટોળું ડંગોરા લઈને નીકળ્યું હતું. આજે તો છેક દૂર ગુજરાતના તીરથ ડાકોરજીના ચરણે પહોંચવાનો અણધાર્યો સમો મળ્યો. આ તો શુકન માન્યું. પોતે દુનિયા એટલી ઓછી દીઠી હતી કે કલ્પના અને અનુમાનો ગતિ કરી શક્યાં નહિ, પોતે કોઈ બીજી જ નવીનતાના દ્વાર પર ઊભી હતી. દ્વાર ઊઘડું ઊઘડું થતું હતું, અને એ ધીરે ધીરે જ પોતાની રહસ્ય-સૃષ્ટિનો ઉઘાડ કરે એમાં પણ ઉત્કંઠાનો, રહસ્ય-મોહિનીનો આનંદ હતો.
રાત પડી ત્યારે ચારે જણાં પેલા અગમ્ય ધર્મીને મળવાનાં સંકેતસ્થાને દાખલ થયાં.
"આ પંડ્યે જ!" કહીને બુઢ્ઢા વાઘરીએ હીંડોળે બેઠેલો આધેડ આદમી બતાવ્યો.એણે શરીર પર વૈશ્નવો પહેરે તેવી કસોવાળી લાંબી પાસાબંડી પહેરી હતી.એના પહોળા ઊંચા કપાળમાં અંગ્રેજી U (યુ) માર્કાનું લા્લચોળ તિલક હતું. એના બેઠકના ઓરડામાં ચારે દિવાલે અનેક દેવ-તીર્થોની દેવ-મૂર્તિઓની છબીઓ લટકતી હતી. તેજુને યાદ આવ્યું: આ માણસને આજે પ્રભાતે જેલના દરવાજા નજીક ઊભેલો હોયો હતો. છૂટેલા કેદીઓને - ખાસ કરીને ઓરતોને - એ પરોપકાર ભાવે પૂછતો હતો : 'તમારે ક્યાં જવું છે? તમારે કોઈ પૈસાટકાની મદદ જોવે છે? તમે રઝળી પડો એમ તો નથી ના? તમારે આશરા-સ્થાન જોતું હોય તો મૂઝાશો નહિ. હરિનો ટહેલવો તમારી સામે હાજર છે.'
તે વખતે તેણે ઊંધી વાળેલ પાલીના આકારની રેશમી પાઘડી માથા પર માંડી હતી ને અંગરખો પહેર્યો હતો. એની મુખમુદ્રા ભવ્ય હતી. તેજુની મનોવાણીમાં કહીએ તો એમ કહી શકાય કે, 'અહોહો, તાલકું કેવા ઝગારા મારે છે!"
"બેસો બેસો, ભાઈઓ બેસો! બેસ બેટા ! ગભરાઈશ નહિ. તું મારી દીકરી બરોબર છો !"
જાજમનો છેડો જરા અળગો કરીને બુઢ્ઢા વાઘરીએ સૌને જમીન પર બેસાર્યાં.
"આ પોતે જ કે?" તિલકધારી અને તેજસ્વી તાલકાવાળા પુરુષે તેજબાના પોતાની બે આંખોના ચિપિયામાં ઝવેરી જેમ હીરાને નિહાળવા ઉપાડે તેમ ઉપાડી.
તેજુ નીચું મોં નાખી ગઈ.
"વાહ!" તિલકધારીએ અહોભાવ ઉચ્ચાર્યાઃ "દીકરી કેટલી લજ્જાળુ છે ને ! આમાં કોઈ ન્યાત-જાત જોવાની નથી. જોવાની ફક્ત લજ્જાઃ કૃષ્ણગોપાળે ગીતામાં પણ એ જ રહસ્ય ચર્ચ્યું છે. ભાગવતો એ જ વાતે કરી ભરેલાં છે."
વાઘરીઓ આમાંનું કશું સમજતાં નહોતાં તેથી તેમનો અહોભાવ આ શાસ્ત્રજ્ઞ પ્રત્યે વધતો ને વધતો જ ગયો.
"તારું નામ શું, બાળકી?"
"તેજબા."તેજુએ નખ ખોતરતાં ખોતરતાં ધીરેથી કહ્યું.
"સરસ નામ ! પણ ભગવદ્ ઈચ્છા એવી છે ને કે હું તો તને હવેથી 'ચંપા' કહીને બોલાવીશ. અમારી ગગીનું નામ પણ 'ચંપા' જ હતું. બોલ બેટા, તું ચંપા બનવા તૈયાર છો ને? તું અધમ ઘરમાં અવતરી છો એ વિચાર માત્ર ત્યજી દે. તારું ખોળિયું ઉદ્ધાર પામી શકે છે. ઈશ્વર પોતે જ અધમોદ્ધારણ કહેવાય છે ને? હું તો બેઠો બેઠો ઈશ્વરની ટહેલ કરું છું. આપણા અધમ વર્ણોને ખ્રિસ્તીઓ-મુસલમાનો વટલાવી વટલાવી લ ઈ જાય છે. આમાંથી બચવાની આ વાત છે. એમાં કાંઈ શરમાવા જેવું નથી. એમાં કોઈ પાપ નથી. કેમ બેટા ચંપા?"
ને તેજુએ તરત જ ઊંચે જોયું એટલે તિલકધારીએ હસીને કહ્યું: "ધન્ય છે ! નામનો પલટો તો તને મનમાં બેસી પણ ગયો!"
એટલું કહીને પછી એણે અંદરથી એક બાઈને બોલાવ્યાં: "અરે...ચંપાની બા!"
"આ આવી...!" કહેતીક એક આધેડ બાઈ અંદરના બાર પાસે દેખાઈ. એના ઉપર પણ ભક્તાણીના વેશ હતા. ગળામાં માળા હતી. આંખો ઉપર ચંદનની આડ હતી. એના એક હાથમાં માળા પણ હતી. "લ્યો, આ આપણી ચંપલી પાછી આવી." એમ કહેતાં એ તિલકધારીએ કંઠ ગદ્ગદ કરી નાખ્યો.
"એ જ મોં! એ જ અણસાર!" સ્ત્રીએ નીરખી નીરખીને જોયું.
"એને ઘરમાં લઈ જ ઈને કાંઈક કપડાં તો રીતસરનાં પહેરાવો? બાપડીને માથે વિપત્તિઓનાં ઝાડ ઊગી નીકળ્યાં છે!"
તેજુને અંદર લઈ જવામાં આવી. થોડી વારે એ જ્યારે બહાર આવી ત્યારે એનો પોશાક સુશિક્ષિત વાણિયણ છોકરીને ટક્કર લગાવે તેવો હતો. એના વાળનો સેંથો મધ્યભાગમાંથી ખસીને એક બાજુ ખેંચાયો હતો. એના હાથમાં બંગડીઓ હતી, કાનમાં એરિંગ હતાં, પગે ઘૂઘરિયાળા છડા હતા.
"કેવી ડાહી દીકરી લાગે છે !" તિલકધારી જોઈ રહ્યા. "હવે અમારો બગડ્યો અવતાર સુધરી ગયો. આ ઘર ને આ સમૃદ્ધિ અમને કાળ જેવાં લાગતાં'તાં - ખાવા ધાતાં'તાં. આજ અમારાં ખોળીયામાં જીવ આવ્યો."
"એને ડાકોરજીની છબી પાસે પગે લગાડી?" તિલકધારીએ શેઠાણીને કહ્યુંઃ "જાવ, લગાડો !"
તેજુને ફરી વાર અંદર લઈ જવામાં આવી ત્યારે તિલકધારીએ કહ્યુંઃ "હવે તમારે ચાલ્યા જવાનું છે."
"અમારું મહેનતાણું?" બુઢ્ઢા વાઘરીએ ઉઘરાણી કરી.
"હા, આ...લ્યો, ઉધારની વાત નહિ."
તેજુ પાછી આવી ત્યારે વાઘરી બોલ્યોઃ "ઠીક બોન, અમે હવે રજા લ ઈએ છીએ."
"ભલે!" કહી તેજુ એમને બહાર સુધી વળાવવા ગ ઈ, ત્યાં જ ઈ એણે કહ્યું: "કાકા જરી ઊભા રે'શો?"
"કેમ? ડરીશ મા. તું ઠેકાણે પડી છો."
તેજુએ પોતાને છેડેથી એક પાવલી કાઢીઃ "આ...આ...શેઠના છોકરાના હાથમાં મારા વતી દઈ આવશો?"
એમ બોલતાં બોલતાં એ મોં ફેરવી ગઈ. નવી સાડીનો છેડો એની આંખો લૂછી રહ્યો હતો. સાડીમાંથી મીઠી ખ્શબો આવતી હતી.
"લાવ્ય બોન, લાવ્ય. એમાં શું? અમે કાંઈ ઘસાઈ જાયેં છયેં? આલી આવશું."
"કે'જોને, કે એની માદળડી કરીને ગગાની ડોકમાં નાખે!"
"કે'શું." વાઘરીઓએ છૂપા મિચકારા માર્યા.
"ને બીજું - "
"હા."
"મારે કૂબે ચકલ્યાંના પાણીની ઠીબ ટિંગાય છે ને, એમાં રોજ પાણી રેડતા રે'શો ? ચકલ્યાં રોજ ઈ એંધાણીએ ત્યાં આવીને તરસ્યાં પાછાં જાતાં હશે."
"કરશું, એમ કરશું."
"ને...બીજી .વાત કહું?"
"કહી દે ને બાઈ, હૈયામાં પાણા ભરી રાખીશ મા હવે."
"કો'ક દીય..." તેજુ બોલી શકતી નહોતી. "છોકરો ક્યાંય જડે તો મને...ખબર...બીડશો?"
"અરે બાઈ, હવે તું ગ ઈ ગુજરી સંભાર મા, ને રો મા. રૂડી જાતરા કરવાનું ટાણું મળ્યું છે. કાયાનું કલ્યાણ કરી આવશે તારો છોકરો આવશે તો અમે એને -"
"એને કૂબો ઉઘાડી દેજો, ને ચકલ્યાંની ઠીબનું એંધાણ ન ભૂલે એટલું કે'જો."
"કે'શું કે'શું, પણ હવે તું વલોપાત મૂકી દે."
"ના, ઈ તો મને મારો રુદો સાખ પૂરે છે કે મેં ચકલ્યાંને પાણી નીર્યું છે એટલે છોકરો જ્યાં હશે ત્યાં સુખમાં પડ્યો હશે. ને બીજું, મેં મૂઈએ એનું કાંઈ નામ જ નો'તું પાડ્યું, તે હવે ઈને લોક કયે નામે ઓળખતાં હશે? બાપડો નામ વગરનો ગ્યો !"
"બાઈ, મન કઠણ કર, ને હવે ઈ જૂના જન્મારાને તારે શું? તું તારે જાત્રાએ જઈ આવને ! નવો અવતાર મળ્યો છે એને ઊજળો રાખ ને!"
એટલું કહીને આ છોકરીના માતૃ-વિલાપનો ત્રાસ ન સહી શકનારા વાઘરીઓ ચાલ્યા ગયા.
"ટાઢે પાણીએ ખસ ગઈ!" વાઘરી ડોસાએ આ વાક્ય બોલતાં બોલતાં પોતાની કમ્મરે ચડાવેલ રૂપિયા ૨૫ સંભાળ્યા.
"ક્યાં ગયાં? ભગવતી!" એ તિલકધારીએ ઘરની અંદરથી બાઈને બોલાવ્યાં.
"આ રહી, શી આજ્ઞા છે, ભગત?" ભરાવદાર સ્ત્રી-શરીર પાછું દ્વારમાં દેખાયું.
"જાણે કે આપણે આજ રાતના ત્રણ વાગ્યાની ટ્રેન લેવી છે, માટે દીકરી ચંપીને એટલી વાર નીંદર કરાવો. હું જ ઈને જાત્રાની બાકીની સામગ્રી લઈ આવું છું."
"જી, ભલે ભગત!" બાઈએ હાથ જોડીને વિનયશીલ જવાબ વાળ્યો.
પુરુષે ગામમાં જ ઈ તાર ઑફિસની બારી પર તાર લખીને આપ્યો. તાર ડાકોરના એક સંબંધી જન પર રવાના થયો. તારમાં ખબર હતાઃ "આવીએ છીએ. 'પાર્ટી'ને તૈયાર રાખો."
પુરુષ ઘેર પાછો આવ્યો ત્યારે તેજુબાઈ ઘાટી નીંદરનાં નસકોરાં બોલાવતી હતી. યાદ ન આવી શકે એટલા મહિનાની નીંદરે એકઠી થઈને એના અંતર ઉપર કટક ચલાવ્યું હતું. એ નીંદરમાં સ્વપ્નાં પણ નહોતાં સતાવતાં. એને આસ્થા હતી કે, ચકલાંની ઠીબમાં મેં પાણી રેડ્યું છે: મારો છોકરો જ્યાં હશે ત્યાં સુખી હશેઃ ને હું ડાકોરજી જઈને એક જ યાચના કરી લ ઈશ - મારા છોકરાને ઊનો વા વાશો મા ! તેમ છતાંય હે પરભુ! એની આવરદાની દોરી જ તમારે ચોપડે ટૂંકી હોય, તો મારે કાંઇ તમારી જોડે કજિયો કરવો નથી. એને ધરતીમાં ત્રણ હાથની જગ્યા તો કાઢી આપશો ને? એને માથે સમી માટી ઓઢાડજો. બીજું તો કાંઇ નહિ, પણ એના દેહને સમળીઓ ઠોલે નહિ!