વેણીનાં ફૂલ/ચલ ગાગર

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
← વીરડો વેણીનાં ફૂલ
ચલ ગાગર
ઝવેરચંદ મેઘાણી
૧૯૨૮
લાલ લાલ જોગી →



ચલ ગાગર !


ચલ ગાગર ચલ ગાગર પનઘટ પર જઇએ,
નાવલીનાં બોળાં નીર રે ગાગર ઘૂમે છે.

પાણીડાંની હેલ્ય મારી ડોલંતી આવે,
ડોલે જેવી હંસલાની ડોક રે ગાગર ઘૂમે છે.

બેડલે ચડીને એક પોપટજી બેસે,
નિત નિત બોળે એની ચાંચ રે ગાગર ઘૂમે છે.

પાણીડાં પીવે ને વળી પીછડાં પલાળે,
ચીર મારાં મોતીડે ટંકાય રે ગાગર ઘૂમે છે.

પાણીભીની આંખ એની ફરફરતી આવે,
જાણે મુને વીંઝણલા વાય રે ગાગર ઘૂમે છે.

વીંઝણા કરે ને વળી ગીતડાં સુણાવે,
શીળી એની છાંયડી છવાય રે ગાગર ઘૂમે છે.