વેણીનાં ફૂલ/દાદાજીના દેશમાં
Appearance
← લાલ લાલ જોગી | વેણીનાં ફૂલ દાદાજીના દેશમાં ઝવેરચંદ મેઘાણી ૧૯૨૮ |
વાદળમાં વસનાર → |
હાં રે બેની ! હાલો દાદાજીના દેશમાં
પ્રેમસાગર પરભુજીના દેશમાં – હાં રે૦
મધુર મધુર પવન વાય
નદી ગીતો કૈં ગાય
હસી હોડી વહી જાય
મારા માલિક રાજાજીના દેશમાં – હાં રે૦
સાત દરિયા વીંધીને વ્હાણ હાલશે,
નાગ–કન્યાના મ્હેલ રૂડા આવશે,
એની આંખોમાં મોતી ઝરતાં હશે !
હાં રે બેની ! હાલો મોતીડાંના દેશમાં – હાં રે૦
સાત વાદળ વીંધીને વ્હાણ લઈ જશું,
ત્રીશ કોટિ તારાની સાથ ખેલશું,
ચંદ્ર સૂરજ ખીસામાં ચાર મેલશું !
હાં રે સખી ! હાલો, ચાંદરડાના દેશમાં – હાં રે૦
સમી સાંજે દાદાને દેશ પહોંચશું,
એના પાંખાળા ઘોડા ખેલાવશું,
પછી પરીઓને ખોળે પોઢી જશું !
હાં રે બેની ! હાલો એ પરીઓના દેશમાં – હાં રે૦
ભલે હોય ઘણું તાણ
ભલે ઉઠે તોફાન
આજ બનશું બેભાન
થવા દાખલ દાદાજીના દેશમાં !
હાં રે સખી ! હાલો દાદાજીના દેશમાં
પ્રેમસાગર પરભુજીના દેશમાં – હાં રે૦