વેણીનાં ફૂલ/પારેવાં લ્યો

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← બોલે મોરલો વેણીનાં ફૂલ
પારેવાં લ્યો
ઝવેરચંદ મેઘાણી
૧૯૨૮
નીંદરભરી →
પારેવાં લ્યો !


પાળે ઘુમે પારેવડાં પારેવાં લ્યો,
ટોડલે ઘૂમે મોર, માના જનમ્યા ! પારેવાં લ્યો.

પાંચ ધોળાં પાંચ વાદળી પારેવાં લ્યો,
આંખડી રાતી ચોળ, માના જનમ્યા ! પારેવાં લ્યો.

આંગણીયે પગ પાડતાં પારેવાં લ્યો,
ધૂળમાં ગૂંથે ફુલ, માના જનમ્યા ! પારેવાં લ્યો.

ઘેરૂં ઘેરૂં કાંઈ ઘઘવે, પારેવાં લ્યો,
લીલી ફુલાવે ડોક માના જનમ્યા ! પારેવાં લ્યો.

જોડલું જૂદું થાય નૈ, પારેવાં લ્યો,
રોજ પારેવી સંગ માના જનમ્યા ! પારેવાં લ્યો.

આભને આરે ઉડતાં પારેવાં લ્યો,
પોઢતાં પૃથવી માંય માના જનમ્યા ! પારેવાં લ્યો.


અસળ ધાન આરોગતાં પારેવાં લ્યો,
નીકર કાંકરી ખાય, માના જનમ્યા ! પારેવાં લ્યો.

ચબૂતરે એનાં બેસણાં પારેવાં લ્યો,
રાજમોલુંને ગોખ માના જનમ્યા ! પારેવાં લ્યો.

બેનીબાએ બોલાવીયાં પારેવાં લ્યો,
તીતી ! તીતી ! બોલે માના જનમ્યા ! પારેવાં લ્યો.

આંગળીએ ઉડી બેસતાં પારેવાં લ્યો,
હથેળીએ ચણ ખાય માના જનમ્યા ! પારેવાં લ્યો.

ઝીણી ઝીણી ચાર ઝાંઝરી, પારેવાં લ્યો,
ઘૂઘરીઆળી ઘડાવો માના જનમ્યા ! પારેવાં લ્યો.

ભાભલડી પે’રાવશે પરેવાં લ્યો,
પારેવડાંને પાય માના જનમ્યા ! પારેવાં લ્યો.

રૂમઝુમન્ત નેવલે પારેવાં લ્યો,
ઓસરીએ ઘમકાર માના જનમ્યા ! પારેવાં લ્યો.

🙖