વેળા વેળાની છાંયડી/કાગળ ને કડાકો

વિકિસ્રોતમાંથી
← સાચાં સપનાં વેળા વેળાની છાંયડી
કાગળ ને કડાકો
ચુનીલાલ મડિયા
જીવનરંગ →





કાગળ ને કડાકો
 


‘કાગળ લેજો, કપૂરબાપા !’

ઓસરીનાં પગથિયાં પાસે ઊભીને ભૂરા ટપાલીએ બૂમ પાડી અને ચંપાના કાન ચમકી ઊઠ્યા. હમણાં હમણાં કોણ જાણે કેમ, પણ ટપાલ આવવાને સમયે ચંપા જાણ્યે-અજાણ્યે કોઈના પત્રની પ્રતીક્ષા કરવા લાગી જતી.

કપૂરશેઠે પત્ર લીધો અને પછી હિંડોળા ઉપર બેસીને વાંચવા માંડ્યો એટલી વારમાં તો સંતોકબા પણ રસોડામાંથી બહાર નીકળ્યાં અને પૂછ્યું: ‘કોનો કાગળ છે ?’

રસોડામાં ચૂલા પાસે બેસીને રોટલા થાબડતી ચંપા પણ કુતૂહલથી જરા નજીક આવી અને કોઈ જોઈ ન જાય એ રીતે રસોડાના કમાડની ઓથે લપાઈને ઊભી રહી.

પોતે પૂછેલા પ્રશ્નનો તુરત ઉત્તર ન મળતાં સંતોકબાએ ફરી પૂછ્યું: ‘કયા ગામનો કાગળ છે ?’

ચંપાની જિજ્ઞાસા વધારે તીવ્ર બની. પિતાને મોઢેથી ‘વાઘણિયાનો’ શબ્દ સાંભળવાને એ ઉત્સુક બની રહી. પણ ત્યાં તો કાગળ વાંચી રહેલા કપૂરશેઠ ઓચર્યા: ‘રાજકોટનો—’

સાંભળીને ચંપા હતાશ થઈ, પણ સંતોકબાને સંતોષ થયો. બોલ્યાં: ‘હા… મારા મનસુખભાઈનો કાગળ આવ્યો–ચંપાના સગપણની ખુશાલીનો—’

‘ખુશાલીનો નથી…’

‘હેં ? શું કીધું ?’

‘ખુશાલીનો નથી,’ વાંચતાં વાંચતાં કાગળને છેડે આવી પહોંચેલ કપૂ૨શેઠે ભારેખમ અવાજે ઉમેર્યું: ‘જાણે ખરખરાનો છે—’

આવો અણધાર્યો ઉત્તર સાંભળીને સંતોકબા એવાં તો ડઘાઈ ગયાં કે હવે વધારે પૂછગાછ કરવાના પણ એમને હોશ ન રહ્યા. કમાડની ઓથે લપાઈને ઊભેલી ચંપા પણ ચિત્રવિચિત્ર તર્ક કરવા લાગી.

આખરે કપૂરશેઠે જ પોતાના પ્રથમ કથનનો સ્ફોટ કર્યો: ‘ચંપાને વાઘણિયે વરાવી એમાં એના મામાને બહુ મનદુઃખ થયું છે…’

‘કાં ? કેમ ભલા ?’

‘લખે છે કે રતન જેવી દીકરીને ઉકરડે નાખી દીધી.’

‘પણ ઓતમચંદ શેઠનું ઘ૨ ઉકરડો ગણાય ?… કેવું મજાનું—’

‘મનસુખભાઈ તો લખે છે કે વાઘણિયા જેવા ગામડાગામમાં ચંપાનો અવતાર બળી જશે.’

‘પણ આપણું મેંગણી ક્યાં મોટું શહેર છે ?’ સંતોકબાએ સામો પ્રશ્ન કર્યો.

‘મેંગણી ભલે ને વાઘણિયા કરતાંય નાનું રહ્યું,’ કપૂરશેઠ બોલ્યા: ‘પણ ચંપાના મામા તો લખે છે કે મારી ભાણેજ તો રાજકોટ જેવા મોટા શહેરમાં શોભે એવી છે.’

‘પણ મોટા શહેરમાં ઓતમચંદ શેઠના જેવું ખાનદાન ખોરડું જડે ખરું ?’

‘મનસુખભાઈ તો લખે છે કે મને કીધું હોત તો આઠ ઓતમચંદને આંટે એવું મોભાવાળું ઘર ગોતી દેત—’

‘ને નરોત્તમ જેવો જમાઈ—’

‘લખે છે કે ફૂલફૂલિયા કુંવર જેવા સાતસેં મુરતિયા મારા ખિસ્સામાં હતા. પણ ઉતાવળ કરીને ચંપાને ગામડામાં ફેંકી દીધી.’ કપૂરશેઠ કાગળમાંથી અવતરણો ટાંકતા જતા હતા.

‘તો હવે જસી સારુ એના મામાને કહીને કોઈ શહે૨નો મુરતિયો ગોતશું. પછી છે કાંઈ ?’

‘પણ મામો તો લખે છે કે હજી બહુ મોડું નથી થયું—’

‘એટલે ? મોડું નથી થયું એટલે શું ?’ સંતોકબાએ ગભરાઈ જઈને પૂછ્યું, ‘હું કાંઈ સમજી નહીં—’

‘મનસુખભાઈનું કહેવું એમ છે કે હજી પણ ચંપાનું સગપણ તોડી નાખો તો શહેરમાં સારામાં સારે ઠેકાણે ફરીથી વરાવી દઉં…’

કપૂરશેઠ થોથવાતી જીભે આ વાક્ય ઉચ્ચારી ગયા. સાંભળીને સંતોકબા પણ અવાક થઈ ગયાં. પણ રસોડામાં ઊભેલી ચંપાએ તો આ વાક્યથી વજ્રાઘાત જ અનુભવ્યો.

ઓસરીમાં ભયંકર મૌન છવાઈ ગયું. કપૂરશેઠના હૃદયની વ્યથા એમના મોઢા ૫૨ અંકિત થઈ ગઈ હતી. અને સંતોકબા તો આવી અવળવાણી સાંભળીને એવાં તો શરમાઈ ગયાં હતાં કે ઊંચે જોઈને પતિ સામે નજર સાંધવાની પણ એમનામાં હિંમત રહી નહોતી. ક્યાંય સુધી નીચી મૂંડીએ તેઓ જમીન ખોતરતાં રહ્યાં.

વેવિશાળ ફોક કરી નાખવાનું આવું ભયંકર સૂચન પ્રશાંત ચિત્તસરમાં વમળો ઊભાં કરે એ સ્વાભાવિક હતું. મનસુખભાઈ પોતે મૂળ તો મેંગણી કરતાંય નાનકડા ગામના વતની હતા, પણ સંજોગબળે તેઓ શહેરમાં જઈ ચડેલા. વેપા૨માં આપબળે આગળ વધીને તેઓ કાઠિયાવાડની કાચી ખેતી-ચીજોની ખરીદી કરનાર એક માલેતુજાર અંગ્રેજ પેઢીના આડતિયા બનેલા. આ પેઢી વતી તેઓ આખા કાઠિયાવાડમાં કપાસની ખરીદી કરતા અને એ માલ પરદેશ ચડાવતા, આ ખરીદીની આડત તરીકે મળતી બહોળી હકશીને પરિણામે મનસુખલાલ પોતે પણ જમાનાના કાઠિયાવાડમાં ‘માલદાર’ ગણાતા થઈ ગયા હતા. પરદેશી પેઢીના સંપર્કને કારણે એમનો મોભો પણ બેહદ વધી ગયેલો. પરિણામે તેઓ પોતાની જાતને બીજાઓ કરતાં ઊંચી-અતિઘણી ઊંચી – ગણવા લાગ્યા હતા. બીજાઓ પ્રત્યે — વિશેષ કરીને તો ગામડાંઓનાં માણસો પ્રત્યે—એમણે સારા પ્રમાણમાં સૂગ પણ કેળવી હતી. રાજકોટ જંક્શનના સ્ટેશનની સામેના મકાનમાં મનસુખલાલ વર્ણસંકર જેવી અર્ધવિદેશી ઢબે રહેતા હતા. એમની આ ‘વિલાયતી’ રહેણીકરણી એ જમાનામાં વાતચીતનો વિષય બની ચૂકેલી. સાહેબ લોકોની ઢબે ૨હેના૨ આ વણિક શેઠ દેશી ઢબે રહેનારાં પ્રત્યે તિરસ્કારથી જોતા થઈ ગયેલા. મનસુખલાલની આ મહિમાગ્રંથિ આજે મેંગણીથી આવેલા પત્રમાં શબ્દે શબ્દે વ્યક્ત થતી હતી.

પત્ર વાંચ્યા પછી પતિપત્ની ઊંડા વિચારમાં પડી ગયાં. શું બોલવું એ બેમાંથી કોઈને સૂઝતું નહોતું. અલબત્ત, આમ તો કપૂરશેઠ કોઈ પણ નિર્ણય લેવા માટે મુખત્યાર હતા, પણ મનસુખલાલભાઈનો નવો માનમરતબો અને મોભો જોતાં તેઓ સાળાની શેહમાં આડકતરી રીતે પણ જરા દબાતા હતા. તેથી જ હવે આવા આકરા પત્રનો શો ઉત્તર લખવો એની વિમાસણમાં તેઓ પડી ગયા હતા.

સંતોકબા વ્યગ્ર ચિત્તે બેઠાં હતાં ત્યાં રસોડામાંથી તાવડી પર રોટલો દાઝતો હોવાની વાસ એમના નાકમાં આવી અને તેઓ સફાળાં ઊભાં થયાં. રસોડામાં જઈને જોયું તો ચૂલા ૫૨ રોટલો દાઝતો હતો. અને બારણાની ઓથે ઊભેલી ચંપાની આંખમાંથી દડદડ આંસુ સરતાં હતાં.

થોડા દિવસ થયા ને મેંગણી ગામમાં વાયરે વાત આવી: ‘વાઘણિયાવાળા ઓતમચંદ શેઠની આસામી મોળી પડી છે.’

કપૂરશેઠને કાને સમાચાર આવવા લાગ્યા: ‘ઓતમચંદ શેઠ ભારે હાથભીડમાં આવી ગયા છે.’

‘પેઢીને મોટો ધક્કો લાગી ગયો—’

‘મોટી મોટી હૂંડી પાછી ફરે છે…’

સહુને મીઠી લાગતી આ પારકી વાત બજારમાંથી ઘર ઘરમાં પહોંચી ગઈ. કપૂ૨શેઠના ઘ૨માં પણ છાને ખૂણે આ નાજુક સમાચાર ચર્ચાઈ ગયા. કહે છે કે દકુભાઈ પોતાના બનેવીથી રિસાઈને પેઢીમાંથી છૂટો થઈ ગયો, વાઘણિયું છોડીને એ તો ઈશ્વરિયે રહેવા ચાલ્યો ગયો છે, મકનજી મુનીમે પણ પેઢીનું મુનીમપદું છોડી દીધું છે, ઓતમચંદ શેઠ ચારે કોરથી ઘેરાઈ ગયા છે ને પાઘડી ફેરવવાના વેતમાં છે…

વાતો સાંભળીને કપૂરશેઠ વ્યગ્ર બન્યા, પણ ચંપાની વ્યગ્રતા સહુથી વધારે હતી. એણે બીતાં બીતાં પણ પિતાને સૂચન કર્યું:

‘બાપુજી, તમે પોતે વાઘણિયે જઈને તપાસ તો કરો, સાચી વાત શું છે ! એ લોકો મુશ્કેલીમાં હોય તો મદદ કરવાની આપણી ફરજ ગણાય ને !’

પુત્રીનું આવું સૂચન પિતાને નાને મોઢે મોટી વાત જેવું તો લાગ્યું, પણ એમાં રહેલું શાણપણ પણ એમને સમજાયું. પોતે વાઘણિયે જઈને જાત-તપાસ કરે અને વેવાઈની આબરૂ બચી શકે તો બચાવવામાં પોતાને જ લાંબે ગાળે લાભ છે એ સત્ય સમજાતાં કપૂરશેઠ સત્વર વાઘણિયા જવા ઊપડ્યા !

ત્યાં પહોંચતાં વાર જ કપૂરશેઠને સમજાયું કે પોતે સાંભળેલા ઊડતા સમાચારોમાં અતિશયોક્તિ નહીં પણ અલ્પોક્તિ જ હતી. પોતે કલ્પી હતી એના કરતાંય વાસ્તવિક સ્થિતિ વધારે વિષમ હતી. પણ કપૂરશેઠને નવાઈ તો એ લાગી કે આટલી આપત્તિ વચ્ચે પણ ઓતમચંદ શેઠ સંપૂર્ણપણે સ્વસ્થ હતા. એમને આ વણસેલી સ્થિતિનો જરાય વસવસો નહોતો.

‘હશે. જે થયું તે થયું, જેવી હરિની ઇચ્છા, પોતાના દરેક કથનને અંતે ઓતમચંદ આ તૂક ઉમેરતો હતો.

‘પણ હવે આનો કોઈ ઉપાય ?’ કપૂરશેઠે પૂછ્યું, ‘કોઈ આ૨ોવા૨ો ?’

‘નહીં ઉપાય કે નહીં આરોવારો,’ ઓતમચંદે કહ્યું, ‘ઘર ફૂટે ઘર જાય એવી આ વાત છે. ઘરનાં જ ઘાતકી થયાં એમાં બીજાનો શું વાંક કાઢું ? જેવી હરિની ઇચ્છા !’

વ્યાવહારિક આંટીઘૂંટીના જાણકા૨ કપૂરશેઠે સિફતપૂર્વક આ આપત્તિમાંથી મુક્ત થવાનો માર્ગ સૂચવ્યો. સ્થાવર અસ્કામત સગાંવહાલાંઓને નામે ચડાવી દેવાનું સૂચવ્યું. અને દરદાગીના વગેરે મિલકત સગેવગે કરી નાખવાનો માર્ગ બતાવ્યો. પણ આમાંનો એક પણ ઉપાય ઓતમચંદને ગળે ઊતરે એમ નહોતો.

‘ના, ના, એવું અણહકનું મને ન ખપે. લેણદારનું લેણું સોનામહોર જેવું. અપાશે ત્યાં સુધી દૂધે ધોઈને આપીશ. નહીં પહોંચાય ત્યારે લાચાર. પણ મારે મારી દાનત નથી બગાડવી. કોઈનું ઓળવીને આવતે ભવે પણ છૂટું નહીં.’

‘આમ ચૂકવવા બેસશો તો તો બાવા થઈ જાશો, બાવા.’

પણ ‘હરિની ઇચ્છા—’ ઓતમચંદે ફરી એ જ ઉદ્‌ગાર કાઢ્યો. ‘બાકી કૂડકપટ કરવામાં મારું મન માનતું નથી.’

‘તમે તો સાવ નરસીં મેતા જેવા માણસ છો !’ કપૂ૨શેઠે જરા ઉગ્ર અવાજે ઠપકો આપ્યો. ‘આગળપાછળનો પણ જરાય વિચાર નથી કરતા. હજી તો નાનો ભાઈ છે. એ પરણશે, પશ્ટાશે… ઘેરે ભગવાનનો દીધો દીકરો છે—’

‘સહુ પોતપોતાની શેર બાજરી લખાવીને આવ્યા છે, શેઠ !’ ઓતમચંદે ગર્વભેર ઉત્તર આપ્યો. ‘હાથમાંથી હાલ્યું જાશે પણ કપાળમાં લખ્યું હશે એ લઈ લેવાનું કોઈનું ગજું નથી.’

ઓતમચંદની આવી ફિલસૂફીના ગબારાને કપૂરશેઠ ક્યાંથી આંબી શકે ? કપૂરશેઠને તો પોતાની પુત્રીના હિતની જ પડી હતી. એ કારણે પોતાના જમાઈની શાખ જળવાઈ રહે એ જોવા તેઓ ઇંતેજાર હતા. પણ એકમાત્ર ‘હરિની ઇચ્છા’ને આધીન રહીને ચાલનાર ઓતમચંદ તો પોતાની સાથે નાના ભાઈ નરોત્તમનું ભાવિ પણ ડૂલ ક૨વા તૈયા૨ થયો હતો. આ વાત કપૂરશેઠને ગળે કેમેય ઊતરી શકે એમ નહોતી. એમને તો નરોત્તમના ‘કપાળમાં લખેલી’ એ નહીં પણ ઘ૨ના કોઠા૨માંની સાચી શેર બાજરી સલામત બનાવવાની ચિંતા હતી. તેથી જ, એમણે ઓતમચંદની આ આપત્તિમાં થોડીઘણી આર્થિક મદદ કરવાની તૈયારી બતાવી. આવા મોટા ખોરડાની લાખ રૂપિયાની આબરૂ બચાવી લેવા માટે કપૂરશેઠે જરા સંકોચ સાથે પણ ખેલદિલીથી થોડી ધીરધાર ક૨વાની ‘ઑફર’ મૂકી.

‘એ વાત તો તમે કરજો મા’ ઓતમચંદે આ ઑફરનો ઘસીને અસ્વીકાર કર્યો. ‘તમારી પહેલાં અહીં ઘણાંય સગાંવહાલાં આવી ગયાં ને પોતપોતાની ગજાસંપત પ્રમાણે પાંચ પૈસા ધીરવાની વાત કરી ગયાં, પણ સહુને મેં એક જ જવાબ દઈ દીધો કે મારે માથે આટલું મોટું રણ છે જ, એમાં હવે પારકાના પૈસા લઈને વધારો નથી કરવો.’

‘પણ મને તમે પારકો ગણો છો ?’ કપૂ૨શેઠે પહેલી જ વાર ખાનદાનીભર્યો પ્રશ્ન પૂછ્યો.

‘તમે તો પંડના કરતાંય અદકા છો, સહુથી વહાલા સગા છો, પણ પારકી તુંબડીએ કેટલુંક તરાય ? માગ્યે ઘીએ બહુ બહુ રોટલી ચોપડાય, ચૂરમાના લાડવા ન વળાય. સમજ્યા ને ?’

‘પણ તમારી ભીડને ટાણે અમે ભેગાં ન ઊભાં રહીએ તો પછી અમે સગાં થયાં શું કામનાં ?’ કપૂરશેઠે ચંપાનું શાણું સૂચન યાદ કરીને ફરી વાર આગ્રહ કર્યો.

અને ઓતમચંદે એટલા જ આગ્રહપૂર્વક એ ‘ઑફર’નો અસ્વીકાર કર્યો: ‘જુઓ શેઠ, મારા ઉપર તો અટાણે આભ ફાટ્યું છે, એમાં તમ જેવા કેટલાંક થીંગડાં દઈ શકશો ?’ અને પછી ફરી વાર એ જ જૂની ઉક્તિ ઉમેરી: ‘જેવી હરિની ઈચ્છા !’