વેળા વેળાની છાંયડી/જીવનરંગ

વિકિસ્રોતમાંથી
← કાગળ ને કડાકો વેળા વેળાની છાંયડી
જીવનરંગ
ચુનીલાલ મડિયા
હું તો વાત કહું સાચી →





૧૦

જીવનરંગ
 


‘એલા એય, સાંભળ્યું કે ? ઓતમચંદનાં ડબલાં ડૂલ !’

‘પેઢીના પાટલા સફાચટ !’

‘ઓતમચંદની દુકાનનું ઉઠમણું !’

‘લાખના બાર હજાર ને લાટનું લિલામ !’

‘ધોળે દીએ દેવાળું કાઢીને રાંડીરાંડુંને રોવરાવી—’

‘મોટાંની મોટી પોલ !’

‘નામી વેપારી મારી ખાય ને નામી ચોર માર્યો જાય !’

‘બાંધી મૂઠી લાખની ને ઉઘાડી વા ખાય…’

‘કાલના લાખના ને આજના રાખના.’

અખબારોમાં આકર્ષક મથાળાં બની શકે એવાં મિતભાષી સુભાષિતો વાઘણિયાની શેરીએ ને ગલીએ સંભળાવા લાગ્યાં. તીરે ઊભેલાં લોકોને સારો તમાશો જોવા મળ્યો. હજી ગઈ કાલ સુધી ગામનું—કહો કે આખા પંથકનું–નાક ગણાતી ઓતમચંદની પેઢીનું ઉઠમણું થઈ ગયું એ ઘટના આ ખોબા જેવડા ગામ માટે અતિ મોટી ગણાય. તેથી જ લોકો બમણા કુતૂહલથી આ ઘટનામાંથી પરિણમતી બીજી ઘટના-પરંપરાને અવલોકી રહ્યાં.

અવલોકનકારો સાથે ટીકાકારોની પણ કમી નહોતી. કાર્યકારણની સાંકળ જોડીને આ લોકો મનફાવતા અભિપ્રાયો આપી દેતા હતા:

‘ઘર સાજું રાખીને ગામને નવરાવી નાખ્યું.’

‘હવે રોશે રાતી પાઘડીવાળા—’

‘લોકો પણ એ જ લાગનાં છે. સહુ આંખ મીંચીને ઓતમચંદને ઘે૨ મૂડી મૂકી આવતા હતા. મૂડી કરતાં વ્યાજ વધારે વહાલાં ગણવા ગયા, તો હવે ભલે રોતા—’

‘વાછડું બહુ કૂદે તે ખીલાના જોર ઉપર. ઓતમચંદે આટલો મોટો પથારો કર્યો હતો તે કન્યાની કેડ ઉપર જ ને ? હવે ભલે ગામ આખું બગહરાનો ચોફાળ ઓઢે ! ઓતમચંદે પોતે તો સાત પેઢીનું સાજું કરી લીધું હશે.’

‘ગામ આખાને તો ભલે ચોફાળ ઓઢાડ્યો, પણ ગરીબ બિચારી રાંડીરાંડુને રોવરાવી ન હોત તો ઠીક થાત. દુખાયેલ બાઈયું પોતાનું ચપટીમૂઠી ભેગું કરીને શાહજોગ પેઢી ગણીને સાચવવા મૂકી ગઈ’તી, એનો તો હવે રોટલો રઝળ્યો ને !’

પણ પછી જે ઘટનાઓ બનતી રહી એ ઉ૫૨થી ઘણા ટીકાકારોને સમજાયું કે આપણે ટીકા કરવામાં ઉતાવળ કરી નાખી છે.

આ આભ-કડાકાનો આરંભ કેવી રીતે થયો એ તો ખુદ ઓતમચંદ પણ પૂરેપૂરું સમજી શક્યો નહોતો. એને તો માત્ર એટલું યાદ હતું કે વાઘણિયામાંથી દકુભાઈની વિદાય પછી એક બહુ મોટી રકમની હૂંડી અણધારી રીતે ‘સ્વીકાર’ માટે આવેલી. એ વખતે પેઢીમાં એટલી રોકડ રકમ હાથવગી નહોતી. હૂંડીના ‘સ્વીકા૨’માં ઓતમચંદે અઠવાડિયાની મુદત માગતાં, એ પાછી ફરેલી. તુરત જાણે કોઈ પૂર્વયોજિત વ્યૂહ પ્રમાણે નાનીમોટી સંખ્યાબંધ હૂંડીઓ એકસામટી સ્વીકાર માટે આવવા માંડેલી. એ બધીને પહોંચી વળવાનું મુશ્કેલ જણાતાં અફવા ઊડી કે પેઢી બેસતી જાય છે. અફવાને કારણે વળી વધારે લેણદારોએ તકાદા કર્યા.

તુરત ઓતમચંદ ચેતી ગયો. પોતાનાં જ સ્વજનોએ સરજેલી આ આપત્તિમાંથી ઊગરી શકાય ઊગરવા એણે બહુ પ્રયત્નો કર્યા, પણ કોઈ રીતે પહોંચી શકાય એમ નથી એ સમજાતાં એણે પ્રામાણિકપણે જેટલું ચૂકવાય એટલું ચૂકવવા માંડ્યું, અને એમાં એણે પહેલી પસંદગી અનાથ વિધવાઓ અને ધર્માદા સંસ્થાઓને આપી. પણ એમાં વિધિવક્રતા તો એ બની કે ઓતમચંદે જ્યારે મૂડી પાછી સોંપવાની તૈયારી બતાવી ત્યારે કેટલીક વિધવાઓ અને ધર્માદા સંસ્થાઓએ એ લેવાનો ઇનકાર કર્યો. એમને ઓતમચંદ કરતાં વધારે સધ્ધર આસામી શોધવાની મુશ્કેલી હતી. એમને એ ખ્યાલ નહોતો કે આ સધ્ધર આસામી હવે ડૂલ થવાની તૈયારીમાં છે. ઓતમચંદે એમને સાનમાં ઘણું ઘણું સમજાવ્યું કે હવે સમય બહુ બારીક આવતો જાય છે, પોતાની પૂંજી પોતાની જ પાસે રાખવી સારી, મારે પણ હવે માથેથી ભારણ ઓછું કરવું છે પણ લેણદારો એમાંથી કશું સમજવા જ તૈયાર નહોતા. પરિણામે જ્યારે કડાકો થયો ત્યારે જેમનાં નાણાં રહી ગયાં તે રહી જ ગયાં…

રહ્યુંસહ્યું સગેવગે કરવાની સ્નેહીઓની સલાહ અવગણીને ઓતમચંદે જેટલું ચૂકવી શકાય એટલું ચૂકવી આપવા કેડ કસી. પેઢીનો સઘળો વહીવટ એણે લેણદારો સમક્ષ ખુલ્લો મૂકી દીધો. ઘરની સઘળી અસ્કામત એણે હોડમાં મૂકી દીધી. ‘મારી પાસે આટલું છે, એમાંથી લેવાય એટલું લઈ લો.’

નવી બંધાયેલી મેડી આમેય ગામલોકોની આંખે ચડેલી તેથી લેણદારોની નજ૨ પણ આ ઇમારત ઉપર બગડેલી. ઓતમચંદે મેડી વેચવા કાઢી ત્યારે કેટલાંક લોકો દુઃખી થયાં, પણ ઘણાં તો રાજી થયાં.

‘ગરીબનાં ગળાં લૂઈ લૂઈને મેડીના પાયા નંખાયા હતા, એ અણહકનું કેટલાક દી ટકે ?’

‘ભગવાનના ઘરનો બધો હિસાબ અહીં ને અહીં જ થાય છે.’

આફ્રિકા ખેડીને આવેલા એક લુહાણા વેપારીએ ઓતમચંદની મેડી ખરીદી લીધી. જૂનું ઘર તેમજ ગામમાંની દુકાનો પણ વેચી નાખવી પડી, તેથી ઓતમચંદે એક ખેડૂતનું નાનું સ૨ખું મકાન ભાડે રાખીને એમાં વાસ કર્યો.

જે દિવસે તેઓ ‘હરિનિવાસ’ ખાલી કરીને ભાડાના મકાનમાં રહેવા ગયાં તે દિવસે સમજુ નરોત્તમ તો કાઠી છાતીએ હિંમત જાળવી શકેલો પણ લાડકોરને બહુ લાગી આવ્યું. કેટકેટલાં અરમાન સાથે એ આ મકાનમાં રહેવા આવેલી ! લાડકોરના સઘળા મનસૂબા મનમાં જ રહ્યા. ઓતમચંદ એને એક જ આશ્વાસન આપી શકે એમ હતા: ‘જેવી હરિની ઈચ્છા !’

લાડકોર તો ગમે તેટલી લાગણીશીલ હોવા છતાં ઊંડી સમજશક્તિ ધરાવતી હોવાથી આ જીવનપલટો જીરવી શકી. પણ નાનકડો બટુક, જે પૂરો સમજુ પણ નહોતો અને સાવ અણસમજુ પણ ન ગણાય, એની સ્થિતિ અત્યંત વિષમ હતી. એ અબુધ બાળક, નાટકના તખ્તાની જેમ પલટાતા આ જીવનરંગ સમજી શકે એમ નહોતો, તેમ સહન પણ કરી શકતો નહોતો. વારે ઘડીએ એ પૃચ્છા કર્યા કરતો: ‘બા, આપણી નવી મેડી શું કામે ખાલી કરી ?’ આ પ્રસંગે માબાપને મર્મસ્થાને ઘા લાગતો.

સાપ કાંચળી ઉતારે એટલી આસાનીથી ઓતમચંદે એક પછી એક પરિગ્રહ તજવા માંડ્યા હતા. સંજોગવશાત્ આ સમજુ માણસે પોતાના ચિત્તમાં સમાધાન યોજી લીધું હતું, તેથી એને પોતાને તો આ જીવનપલટા અંગે બહુ ઝાઝો અફસોસ નહોતો. પણ સુખચેનની દોમ દોમ સાહ્યબી ભોગવેલ લાડકોરનું અંતર કોરાતું હતું. એ ચતુર ગૃહિણીને જેટલી ચિંતા પોતાના સાત ખોટના પુત્ર બટુકના ભાવી અંગે હતી એથીય અદકેરી ચિંતા, દીકરાથી સવાયા દિય૨ – નરોત્તમ–ના તાત્કાલિક ભાવી અંગે થતી હતી, ‘હવે નરોત્તમનાં લગનનું શું થાશે ? નાણાંનો ને આબરૂનો બેવડો ધક્કો લાગ્યો છે એટલે હવે વેવાઈવાળા વેવિશાળ ફોક તો નહીં કરી નાખે ને ?’ લાડકોર આ શંકા પતિ સમક્ષ વ્યક્ત તો ન કરતી, પણ એ ચિંતા એના હૃદયમાં શલ્યની જેમ ભોંકાયા કરતી. અનેકવિધ આપત્તિઓમાં ગળાબૂડ ડૂબેલા ઓતમચંદને સ્વપ્ને પણ આવી શંકા ઊપજતી નહોતી, બલકે એ સંભવિત આપત્તિ સુધી કલ્પના દોડાવવાનો હાલ એને અવકાશ જ નહોતો. પણ લાડકોરનું સ્રીહૃદય આવી સંભાવનાને કેમ ઉવેખી શકે ? એની ચકોર નજર જોઈ શકતી હતી કે નરોત્તમના ચહેરા ઉ૫૨ ઓતમચંદ કરતાંય બમણો વિષાદ તોળાઈ રહ્યો છે. લગ્નોન્મુખ દિયરની એ ગમગીનીનું કારણ કળવાનું લાડકોર માટે જરાય મુશ્કેલ નહોતું. તેથી એણે અગમબુદ્ધિ વાપરીને પતિને બીતાં બીતાં સૂચન કરેલું:

‘આપણે તો પાયમાલ થઈ જ ગયાં, પણ નાના ભાઈ નરોત્તમનું તો ઘર સાજું રાખો… …કે આપણા ભેગો એનેય બાવો ક૨ી મૂકવો છે ?’

‘કોઈ કોઈને બાવો કરી શકે એમ નથી,’ ઓતમચંદે પોતાની ફિલસૂફી ડહોળી. ‘સહુ પોતપોતાની શેર બાજરી બંધાવીને આવ્યા છે, સમજી ?’

‘હું તો સમજી, પણ વેવાઈવાળા સમજશે ?’ લાડકોરે માર્મિક પ્રશ્ન પૂછ્યો. ‘ઘસાઈ ગયેલે ઘેર દીકરી વરાવતાં એમનું મન માનશે ખરું ?’

‘એમાં જ એની પરીક્ષા થાશે—ખબર તો પડશે કે આપણા વેવાઈ કેટલા પાણીમાં છે !’ ઓતમચંદે ગમગીન ચહેરે કહ્યું. ‘આવે પ્રસંગે માણસનું પાણી પરખાય. સાચું મોતી હોય તો આવા હજાર ઘા ખમી ખાય, ફટકિયું ફટ કરતુંકને ફૂટી જાય, સમજી ?’

પતિની સલાહસૂચના લાડકોરને સમજાય કે ન સમજાય પણ એ શિરસાવંદ્ય તો ગણાય જ.

ઓતમચંદ એક પછી એક મહામૂલાં રાચ પરિહરવા લાગ્યો. એકેક ચીજ વેચાતી હતી ને લોકોને વગોવણીનો એકેક વધારે વિષય મળતો જતો હતો. હરેક પ્રસંગે લાડકોરનો જીવ કળીએ કળીએ કપાતો હતો પણ ઓતમચંદના સદાય પ્રસન્ન રહેતા ચહેરા પર લગીરેય રંજ નહોતો દેખાતો. એ તો જાણે કે જનક વિદેહીની અનાસક્તિથી એક પછી એક મિલકત આ સર્વભક્ષી આગમાં હોમતો જતો હતો.

મેડી વેચી, ગામમાંથી બેત્રણ દુકાનો વેચી, અમરગઢ સ્ટેશન પાસેની ધર્મશાળા પણ વેચવા કાઢી. પણ ઘોડાગાડી વેચવાનો વારો આવ્યો ત્યારે ઓતમચંદ પહેલી જ વાર જરા અચકાયો. એનું કારણ હતું: ઘોડાગાડી સાથે નાનકડા બટુકને લાગણીનો નાતો બંધાઈ ચૂકેલો. ગાડી, ઘોડો તેમજ એનો હાંકનાર વશરામ ત્રણેયની સાથે બટુકને એવી તો આત્મીયતા થઈ ગયેલી કે એ વિનાના બટુકની કલ્પના કરતાં ઓતમચંદ ધ્રૂજી ઊઠ્યા. અનેક મોટી મોટી મુરાદોએ બાંધેલું નવું મકાન વેચી મારતાં જરા પણ થડક ન અનુભવના૨ ઓતમચંદે ઘોડાગાડી કોઈ પારકાના હાથમાં સોંપતાં સો વાર વિચાર ક૨ી જોયો. એક વાર તો એને એમ પણ થઈ આવ્યું કે ઘોડાગાડી વેચવાનું માંડી જ વાળું, અને એ રીતે બટુકને આઘાતમાંથી ઉગારી લઉં. પણ તુરત એને સમજાયું કે બધું જ ફૂંકી માર્યા પછી એક ગાડી રાખી મૂકીશ તો લોકો કહેશે કે ઘ૨ સાજું રાખીને ગામને નવરાવી નાખ્યું છે. વળી, હવે મારા રાંક આંગણે ગાડીઘોડા શોભે પણ ખરાં કે ? નાહક ફતન-દેવાળિયામાં ખપીને ગામલોકોની આંખે ચડું ને ?

મન કાઠું કરીને ઓતમચંદે ઘોડાગાડી વેચવા કાઢી. પણ મુશ્કેલી એ નડી કે મોંઘી કિંમતની ગાડી અને અસલી ઓલાદના ઘોડાને ખરીદના૨ કોઈ ઘરાક ઝટ મળ્યો નહીં. એ જમાનામાં ઘેરે ગાડી બાંધવાનું કાચાપોચા માણસનું ગજું નહોતું. વાહન વસાવવું એટલે ઘેરે હાથી બાંધવા જેટલી જવાબદારી ગણાતી. આખરે, બરાડમાંથી સારા પ્રમાણમાં કમાઈને આવેલા શેખાણી કરીને એક મેમણ શેઠિયાએ આ રૂપકડી ગાડી ખરીદવાની તૈયારી બતાવી.

જે દિવસે ગાડી તથા એના સરસામાનનો કબજો તે દિવસે ઘરમાં ઉદાસી છવાઈ ગઈ. અણસમજુ બટુક પણ એટલું તો સમજી શક્યો હતો કે હવે પછી આ ગાડીમાં વશરામના ખોળામાં બેસીને ઘોડાને ચાલ, ઘોડા, ચાલ !’ કહીને ચાબુક ફટકારવાની તક નહીં મળે. તેથી એણે સવારથી જ ધ્રુસકે ધ્રુસકે રોવા માંડ્યું હતું. અણસમજુ પુત્રને રડતો જોઈને દુઃખથી ઘેરાયેલી લાડકોરનું પણ હૈયું હાથ ન રહ્યું. માત્ર ઓતમચંદે સઘળી વેદના દાબી દઈને હસતે મુખે આ અણગમતી ફ૨જ બજાવી.

ગાડી સાથે વશરામ પણ આપમેળે જ ઓતમચંદને આંગણેથી છૂટો થતો હતો. શેખાણીએ વશરામને પોતાના ગાડીવાન તરીકે ગાડી ખરીદતી વખતે જ રોકી લીધો એટલું એ ગરીબ માણસનું સદ્ભાગ્ય ગણાય. વિદાય વખતે વશરામ ગળગળો થઈ ગયો. બટુકને કાખમાં તેડીને ખૂબ ખૂબ વહાલ કર્યો ને આખરે ભારે હૃદયે એ નવા શેઠના નોક૨ તરીકે ફરજ બજાવવા ગયો.

‘એલા એય જોયું ને, આ ઓતમચંદની બાઈ બેસી ગઈ, એ ! સંધુંય ચિતળના પાદરની જેમ સફાચટ !’

ઓતમચંદના પલટાયેલા જીવનરંગ જોઈને ગામલોકોને ફરી વા૨ ચેષ્ટારી સૂઝી.

‘લખમી તો ચંચળ છે. ભલભલાને હાથતાળી આપી જાય.’

‘એટલે તો કીધું છે કે લખમીનો એંકાર ન કરવો. એંકાર તો રાજા રાવણનોય નથી રહ્યો, તો ઓતમચંદ વળી કઈ વાડીનો મૂળો ?’

જેનો ધણી એક દી પોતાને ખરચે ધરમશાળા ને સદાવ્રત ચલાવતો એને પોતાને આજે સદાવ્રતમાં માગવા જાવું પડે એવા બારીક દિવસ આવી ગયા—’

‘અહીંનાં કર્યાં અહીં જ ભોગવવાનાં છે. વેપારમાં રોજ હજાર વા૨ સાચાંખોટાં ને કાળાધોળાં કરવાં પડે. એનો બદલો મળ્યા વિના રહે ?’

‘એ તો દૂધના દૂધમાં અને પાણીના પાણીમાં, ઉપરવાળા પાસે તો ચોખ્ખો ને ચટ હિસાબ છે.’

વિઘ્નસંતોષીઓ આ રીતે રાજી થતા હતા ત્યારે કોઈ કોઈ સમદુખિયા જીવ ઓતમચંદની આપત્તિ અંગે સહાનુકંપા પણ વ્યક્ત કરતા હતા:

‘આ તો તડકા-છાયા છે. આવે ને જાય, કદીક સાત ભાતની સુખડી તો કદીક સૂકો રોટલો. એનો હ૨ખ પણ ન હોય ને અફસોસ પણ ન હોય. સમતા એ સાચું સુખ સમજવું.’

‘ભાઈ, પુરુષના નસીબ આડે તો પાંદડું કહેવાય છે. નસીબમાં હશે, તો હતું એના કરતાંય કાલ સવારે સવાયું થઈ જશે.’