શિવાજીની સુરતની લૂટ/ઝપાઝપી
← સુરતની સુરત ! | શિવાજીની સૂરતની લૂંટ ઝપાઝપી ઇચ્છારામ દેસાઇ ૧૯૨૮ |
“આલ્લાહ અકબર” અને “જય ભવાની” → |
બન્ને બાજુના યોધાઓ તત્પર થઈને અગાડી ધસવાની રાહ હવે જોતા હતા. એક મોટી ટેકરીના ઓથામાં શિવાજીનું મરેઠી સન્ય એક બાજુથી રક્ષણ થવાના ઈરાદાથી ઉભું હતું. મરેઠાઓના મોં પરથી નૂર તો ઉતરી ગયું હતું, પણ શિવાજી ને તેના બીજા યોધાઓ પોતાના જયપર મુશ્તાક હતા. તેમને સંપૂર્ણ આશા હતી કે, ગમે તેમ થશે તોપણ આપણો જ જય છે. ચારે બાજુઓ શત્રુઓ છે તથાપિ ભય ઓછો બતાવવામાં આવતો હતો. માલુસરે પોતાના ઘોડાપર ઝળકાટ મારતો લશ્કરી પોષાક સજીને બેઠો હતો ને હાથમાં લાંબો ભાલો રાખ્યો હતો.
માંડવીના તથા દેશાઈના લશ્કરની મદદ આવવાથી નગરના લશ્કરને પૂરતું શર છૂટ્યું હતું. નવરોઝે દૂરબીન મૂકીને સામા લશ્કરની હીલચાલ જોઈ અને જોયું તો તે દૂર જતું દેખાયું. આગળ પોતાના લશ્કરને વધવાનો હુકમ કીધો. ધીમે ધીમે લશ્કર વધવા માંડ્યું અને શત્રુની હીલચાલ તપાસવા લાગ્યા. આ ક્ષણે આપણો શૂરો પહેલવાન પોતાની સેનામાં આવીને ભેળાઈ ગયો હતો. જે તંબુ તેણે સોનાથી ભરેલો જોયો હતો, તે ઉપડી ગયેલો દેખાયો. આ જોતાં જ નવાબને ઘણું લાગ્યું. પોતાની રૈયતની સકમાઈ આમ લૂટારો લૂટી જાય, તે જોવાને તે રાજી નહિ દેખાયો, પણ ઈલાજ નહોતો. લશ્કરને બે કામ કરવાનાં હતાં, એક પરાજય પમાડવો ને બીજો જય મેળવવો. આટલા માટે ધીમી ચાલે, પણ વેગમાં પોતાના સૈન્યને અગાડી વધવાનું સૂચવ્યું. મોતી જે આ વેળા ખરેખરી શૌર્યાવેશી સુંદરી અને અંબાને ભૂલાવે તેવી દેખાતી હતી તે મોખરે આવી. મણી, તેની સખી પણ આ વેળાએ કોઈ મહાતેજસ્વી કાંતિમતી જણાતી હતી. પોતાના લશ્કરના એક ભાગની સરદારી પોતે લઈ સૌને પુષ્કળ ઉષ્કેર્યા ને તેમાં જ્યારે શિરપર ટોપ પહેરી, બખ્તર સજી, ઘોડાને કુદાવતી, બન્ને સુંદરી સેનામાં આવી ઉભી રહી ત્યારે કોઈએ તેમને પીછાનીએ નહિ.
“મણી, આજનો રંગઅખાડો ઘણો બાંકો છે નહિ વારુ ?” મોતીએ ચાલતાં ચાલતાં પૂછ્યું.
“સખી, આપણા નસીબમાં કંઈ વિશેષ જ લખેલું હોય તેમ જણાય છે.” મણીએ હસ્તે મુખે કહ્યું, “આજનું સઘળું માન તો તને અને તારી સાહેલી પેલી મરાઠણને ઘટે છે ! પણ મારું વામ નેત્ર ફરકે છે તે સુચિહ્ન શા માટે હશે ? ખરેખર શકુન બહુ હર્ષભરેલાં છે. જો જો બહેની, પેલું હરણ પણ નાચતું કુદતું ગેલ કરી આપણને આવકાર દે છે.”
“તું હજી ઘણી ભોળી છે !” મોતીએ ઠપકો દીધો. “શકુન અપશકુનનો ભાવ બોલવાનું કશુંએ કારણ નથી. જ્યાં પૂર ઉરના ઉમંગથી કામ કરવા મંડ્યાં ત્યાં અપશકુન શકુન થાય છે ને થંડાંગાર થઈને બેસીએ તો શકુન પણ કંઈ કરતાં નથી. તારે માનવું કે આવી વહેમી વાતોથી કોઈ પણ પ્રકારે લાભ થવાની તો આશા જ નથી.”
આમ વાતો ચલાવતાં થોડેક દૂર ગયાં. મરેઠી સેનાએ સૌના આવવાનો પડઘો જોયો. એટલામાં એક સિપાઈએ તીર ફેંકયું, મોતીના સામું જ તે તાક્યું હતું, પણ તે ચેતી બાજુએ ખસી ગઈ, ને નવરોઝને કહ્યું, “અમીર દિલના નવરોઝ, સાવધ થાઓ, બાણો છૂટવા લાગ્યાં છે અને સંગ્રામ સમય નજીક છે.”
“મોટા મનની તરુણી,” નવરોઝે શબ્દ લલકાર કીધો. “બેફિકર રહે, અલ્લાહની મદદ પૂરતી છે તો આપણને ઇજા થનાર નથી. જો એનું બાણ કેવું વ્યર્થ ગયું છે. મારા પ્રિય સિપાહીઓ,” પોતાના લશ્કર તરફ ફરીને તે બોલ્યો, “તેમના ભાથાને માથાં જ નથી, ને તેમના ભાલાની અણીને કાતિલ ઝેર પાયેલું જ નથી. આપણને એ જંગલી રીતનું પણ અભિનંદન છે, તેઓ ગમે તેવા જંગલી, જડ અને અક્કલશૂન્ય છે. તે પહેલો ધસારો પણ કરે તથાપિ તમારે અચળ કોટ માફક ટકી રહેવું. પ્રિય ભાઇઓ, વધો, ધીમે ને દૃઢ મને અગાડી વધો.”
નાની નાની પંક્તિઓ, જેની આસપાસ ઘોડેસ્વારની ટુકડીઓ વળેલી હતી, તેણે આકાશ ધ્રુજાવી મૂકે તેવી ગર્જના કરી. ભાલાવાળાએાએ ભાલા ઝગઝગતા કર્યા, તરવારીઆએાએ તરવાર મ્યાનમાંથી કાઢી, સામા શત્રુની છાતી ચીરવા બહુ બળવાન હોય તેવી રીતે પોતાનાં શસ્ત્રો દર્શાવી, તેઓ આ જિંદગી હવે વિજયમાળા પહેરી હૂર અને અપ્સરાઓને વરવા માટે જ છે એમ માની અગાડી વધ્યા. આ કીકીયારીનો ઘોષ, રીતિ અને વ્યૂહરચના આગળ, આપણને હાલની અધ્યયન રીતિ જોતાં એમ જ લાગે કે, એ માલ વગરની છે, પણ જે ઉત્સાહ ને બળ આ વેળાએ આવેલું હતું તે કોઈ પણ કાળને શોભાવતું હતું.
થોડે રસ્તે અગાડી વધ્યા, તેટલામાં દેશાઈનું લશ્કર બાજુથી અચાનક આવીને કૂદી પડ્યું ને પોતાના ઘોડાએાના ખોંખારા, દોડધામ ને અચાનક પ્રવેશથી નાગરિક લશ્કરમાં મોટો ગભરાટ એકવાર તો કરી મૂક્યો; અને સામી કીકીયારી સાંભળીને અનિયમિત, જે વળી સામા મરેઠાએાના લશ્કર આગળ તો બિસાતમાં નહોતા, તેમણે જ્યારે આવું જોયું ત્યારે ગભરાયા. પણ નવસારીના દેશાઈના લશ્કરના ઉપરીએ આવતાંવાર નવરોઝને સલામ કરી પોતાનો સંદેશો કહી દીધો, તે જોતાં સઘળા સ્વસ્થ થયા, ને વ્યવસ્થિત થઈને અગાડી દોરાયા. હવે જોર પુષ્કળ વધ્યું હતું. ધૂળ વિશેષ ઉડવા માંડી, અને અગાડી દેશાઈના ઘોડેસ્વારો વધવાથી નાગરિક સેના રક્ષણમાં રહી. ઘોડેસ્વાર પાસે રક્ષક ને સંહારક બન્ને જાતનાં શસ્ત્રો સજેલાં હતાં, ને જેઓ પૂર્વના કોઈ શહેનશાહના રક્ષકો હોય તેવા પ્રતાપી જણાતા હતા. આ પાંચસો સ્વારો હતા. તેમના ઘોડા પુષ્કળ પાણીદાર હતા. અરબી ને કાઠી ઘેાડાએાનો ઘણો ભાગ હતો. એક લશ્કરને દોરાવનાર પઠાણ-મુસલમાન હતો ને એકને દોરાવનાર એક પુરબિયા જેવો બ્રાહ્મણ હતો; તેઓનાં શિરોભૂષણ તથા બખ્તર ઝગઝગતા પોલાદનાં હતાં. જેનો ઝળકાટ રુપેરી રંગ જેવા મારતો હતો. વસ્ત્ર કીરમજી રંગનાં હતાં, જેમાં કોઈ કોઈ ઠેકાણે સોના તથા રૂપાના અલંકારો પણ ગોઠવેલા હતા; પાયજામાપરની કટીમેખલાપર રેશમ તથા સોનાનું જરીકામ હતું; ને પાઘડી જવાહિરથી જડેલી હતી. કૃપાણ (ખંજર) અને ભાલો ઉંચામાં ઉંચા પોલાદનાં બનાવેલાં હતાં જેના હાથાપર સોનું જડેલું હતું.
આ સઘળું લશ્કર અગાડી વધી ગયું અને રણક્ષેત્રના વાજિંત્રના નાદ થયા. સઘળા કેળવાયલા ઘોડાઓ ડાબા જમણા થઈને ઉભા અને સૌ સરદારોએ પોતપોતાની ટૂકડી સંભાળી લીધી. નવરોઝ અને મોતી મણીએ સૌથી મોખરાની સરદારી લીધી, ને પુરબિયા રણજિતસિંહે, ધોડેસવારોને હરોલમાં ગોઠવી દીધા. કાળા હબશીઓ કે જેઓ પૂર્વ કાળમાં મુસલમાન જનાનાના રખેવાળ તરીકે કામ કરનારા હતા, તેમને મોખરાપર લાવીને મૂક્યા અને સામા લશ્કરને બતાવી આપ્યું કે, તેઓ હવે લડવાને તૈયાર છે. શિવાજીનું સૈન્ય પણ તત્પર થઈને ઉભું હતું ઘણે દૂરથી નવાબને શિવાજી જોવામાં આવ્યો, જેનો દેખાવ કોઈ હિંદુને મળતો આવે તે કરતાં કોઇ પઠાણને વધારે મળતો હતો. સફેત પાઘડી જેપર સોનેરી ચટાપટા હતા, ઠુમસી દાઢી, લાંબા ગુચ્છા, વાંકડી મૂછો અને રૂપેરી બખ્તર સજીને તે અરબી ઘોડાપર સ્વાર થયો હતો. મોં પર પૂર્ણ ગર્વ પ્રકાશ્યો હતો અને તેનો દમામ જ સૌને થથરાવે તેવો હતો. નવાબે જોતાં જ મોટી બૂમ પાડી સઘળાને ચમકાવી મૂકયા “અલ્લાહ હો અકબર” એવી બુમ મુસલમાનેામાંથી ને “હર હર મહાદેવ” એ પોકાર હિંદુમાંથી નીકળ્યો.
આ મોટો ભયંકર અવાજ બંધ પડ્યો કે, તુરત જ મરેઠી સેનાએ પોતાનો રોબ જણાવ્યો. તેઓએ પોતાના ઘેાડાઓને અગાડી ધસાવી અને પચાસ ચુનંદા સ્વારો મોખરે આવી જીવ આપવા કે જીવ લેવો એવો ઠરાવ કરીને આગળ વધ્યા. તેમની પ્રકાશમય તથા ખૂને ભરાયેલી આંખો જ કહી આપતી હતી કે, તેમની ખુમારી એાર જ હતી. ભાલા રાખેલા, જે છાતી વિંધવા માટે જ હોય તેમ ધરેલા હતા. તેમને તેના સરદાર તાનાજી માલુસરેનો સખ્ત હુકમ હતો કે, પોતાના ભાલા એવા ભોંકવા કે તત્ક્ષણ જ શત્રુ ધૂળ ચાટતા થાય, પછી તે, રાજા હોય કે રંક હોય. સ્ત્રીઓને પણ મારવાની આજ્ઞા હતી, તથાપિ તેઓને લોંડી તરીકે પકડાય તો મારવી નહિ, એવો ઠરાવ હતો. ગમે તેમ પણ સ્ત્રીઓ તરફ પૂર્વના લોકો થોડા કે ઘણા માનથી જોતા આવ્યા છે. પુરુષો આ નાજુક જાતને દુઃખ દેવાની ઇચ્છા ધરાવતા નથી. ગમે તેમ પણ તેમનું રક્ષણ થાય એવી ઇચ્છા રાખે છે. નાજુકડી તરફ પોતાનાં મોહ મમત્વ દર્શાવવામાં તથા પ્રેમાળપણું બતાવવામાં થોડી મોટાઈ માનતા નથી. હાલના મરેઠા યોધાઓ કંઈ નાજુક જાતપર થોડી રહેમ બતાવતા નહિ, પણ જ્યાં ગાંડું ટોળું જંગલમાં છોડી દેવામાં આવે ત્યાં લેશ પણ વિચાર ન કરે, એ સ્વતઃ સિદ્ધ છે.
બન્ને લશ્કર હવે એક બીજાથી પચાસ ફીટ દૂર નહોતાં; તેટલામાં માલુસરે નવાબને જોઈને વિસ્મય પામ્યો. જે વેળા તે શિવાજીના લશ્કરની ભીણમાં હતો, તેના કરતાં તે હમણાં ઘણો ખૂબસુરત યેાધાને દીપાવે તેવો દેખાતો હતો. તેણે પાખરીયું બખ્તર સજેલું હતું તથા મોંના રક્ષણ માટે બુરખાવાળો ટોપ ધરેલો હતો; નગ્ન તરવાર, જમૈયો તથા ભાલો તેના હાથમાં હતાં, યુદ્ધના નજીકના પ્રસંગમાં આ પ્રમાણે, પોતાની સમીપ પોતાથી એ વિશેષ બળવાન યોધાને જોઈને તે ક્ષોભ પામ્યો. પોતાના અતિશય આશ્ચર્ય વચ્ચે તે બેલ્યો, “રે તું કોણ તરુણ છે ?”
“ઠગારા, વિશ્વાસધાતક કાફર, મને નથી ઓળખતો !” અજિત યોધાઓ ખીજવાટમાં ઉત્તર દીધો.
“નહિ, ઓ તરકડા હું તને ઓળખતો નથી !” તિરસ્કારથી માલુસરે જવાબ દીધો; “મેં તને મોતમાંથી બચાવ્યો, તેનો આ નતીજો કે મૂર્ખ ?” “જીભ સંભાળ; હમણાં કાપીને કટકા કરી નાંખીશ તે તને માલમ નથી ?” નવાબે ખીજવાઈ દાંત કચકચાવી જવાબ દીધો: “હવે નથી વખત કે તમે સ્ત્રીબાળહત્યારા બચી જાઓ. ઓ કાફર મૂર્તિપૂજક ! તું ને તારા સઘળા સાથીએાને હવે મોતના પંજામાંથી બચાવનાર કોઈ નથી બંદગી કર તારા અલ્લાહની કે દોજખના માર્ગમાંથી મૂકાવે.”
“જવાંમર્દ અને નિષ્ઠુર માણસ,” માલુસરેએ કહ્યું, “જાણજે કે આ તારી જીભની ચંચળતાને તો હમણાં જ તોડી પાડીશ, પણ માત્ર દયા ખાઈને જવા દઉં છું. મારા જેવા આગળ તારા કશા પણ ભાર નથી. તું ગમે તેવો વજ્રનો હશે, પણ આ મારા ભાલાથી ભોંકીને તારા શિરને ઊંચે ઉરાડીશ; જેથી તારી સ્ત્રીઓ આક્રંદ કરશે, ને અમારા ગુલામોની શય્યા સાચવશે.”
“જા જા કાફરજાદા, સંધ્યાકાળે શું થાય છે તે તને જણાશે," નવાબે પોતાની પ્રિયા તરફ જોઈ કહ્યું.
“એક થોડો વખત જોઉં છું કે કોને પ્રભુ યારી દે છે. હમણાં જ જણાશે.” માલુસરેએ ધડકતી છાતીએ ઉત્તર દીધો.
માલુસરે પોતાની ઘોડેસ્વાર ટુકડીને સંભાળવા પડ્યો, ને પોતાની ગયેલી આબરૂનો સઘળો આધાર આ જિતપર છે એમ તેણે માન્યું. વખત હવે ઘણો નજીક હતો ને કોઈ પણ પ્રકારે સંધ્યાકાળ લગણમાં નીવેડો લાવવાનો હતો. બપોર થઈ ગયા હતા, ને રાત્રિના નાગરિક સેનાને ભય હોય તેના કરતાં વધારે ભય મરેઠી સેનાને હતું. ટેકરી આગળ તંબુ નાંખી પડાવ કીધો હતો, એટલે પૂર્વ તરફથી કશા પણ ભયની આશા રાખેલી નહોતી. માત્ર પશ્ચિમ તરફથી જ બચાવ કરવાનો હતો. શિવાજી હજી અગાડી વધ્યો ન હતો, પણ પછાડી જ રહ્યો હતો. તે પોતાના મનમાં બડબડાટ કરતો હતો કે, “વખત આમ ને આમ ઘણો વીતી ગયો, ને મનમાં ઢચુંપચુંપણાથી આખો દિવસ વ્યર્થ ગાળ્યો; ગમે તે એક પાર નીકળી ગયા હોત તો વધારે ઠીક હતું. રમા વિના ચેન નથી, માલુસરેએ ઘાણ બગાડ્યો છે, સામા લશ્કરમાં જોર છે, તેથી કહેવાઈ શકાતું નથી કે કેમ થશે ! હું જે ખડક પેઠે હમેશાં જ રહું છું તે જ દ્વંદ્વયુદ્ધમાં ઉતર્યો હોત તો વધારે સારું થાત જેથી જય જ મેળવત ! જો પ્રભુ ઇચ્છાએ મુસલમાનને ઠાર કીધો તો વિજયમાં વિક્ષેપ પડત નહિ. પણ રે ! માલુસરેનાં પાપ ઘણાં છે ને તે આ વેળાએ નડ્યાં છે, ને તે પાપના ભોક્તા મારે પણ બનવુ પડ્યું છે. ખરેખર, પા૫ બોલતું નથી, પણ બોળે છે; તે ડૂબતું નથી પણ ડૂબાડે છે; તે છાનું છે પણ પ્રકટ થાય છે. મેં મારી પ્રિયા રમાને રાજી રાખી હોત તો તેની અક્કલ હોંશિયારીથી મારો બચાવ કરત. દરવાજો ઉઘાડવામાં તેની મહેનત અથાગ હતી, તો આ વેળા તે ઘણી મદદ કરત. મેં તેનાપર પાપ ભરી દૃષ્ટિ કીધી ને મારી બુરી અવસ્થા થઈ. રે ! ઈશ્વરની લાકડીને અવાજ નથી. તે ગેબી માર મારીને પાયમાલ કરી મૂકે છે. હવે તો તે જે કરે તે ખરું. ગમે તેમ કરે મેદાન પડીને એક રસ્તો લાવવો, એટલે બસ. અગાડી વધીને માલુસરેને આશ્રય આપી, નવી યુક્તિથી કાર્યમાં ફતેહ મેળવું ત્યારે જ ખરો. હવે તો સ્વાશ્રયપર જ આધાર રાખવો.”
આ વિચારની ઘોળાઘોળ મનમાં થતી હતી, તેવામાં તે ઉમંગથી માલુસરેને આશ્રયે ગયો.
વખત ઘણો નજીક આવ્યો, નગારાંનો ડંકો થયો, વાજિંત્રનો શોર થયો,શંખો ફુંકાયા, તરવારીયાઓએ તરવાર તપાસી, નેજાદારે ભાલાની અણી તપાસી, ને પર્વત પેઠે માણસો અડગ થઈને ઉભા રહ્યા. પોતાની ને પોતાના વતનના રક્ષણમાટે બન્ને પક્ષના મનુષ્યોએ એક બીજાને જોરે જોમ૫ર ચઢતા જોઈને કેસરના રંગ વગર મનથી કેસરીયાં કીધાં. મોટા બનાવ સાથે એક બીજાઓ અગાડી વધ્યા. નાગરિક સૈન્યમાં ચીંગારીએ સળગાવવાની બંદુકો હતી, તેમાંથી અવાજો થયા ધડાકા સાથે મરેઠી સેનામાંથી પહેલે જ સપાટે પહેલી હરોલના દશ મનુષ્ય ઘોડાપરથી પડ્યા. નવાબે પોતાની તરવાર ફેરવીને યાહોમ પોતાના પચાસ ઘોડેસ્વાર સાથે મરેઠી સેનાનો કોટ તોડીને ઝોંકાવ્યું ને માલુસરેની સામા જઈને બૂમ મારી કે, “હિચકારા ! મૂર્ખશિરોમણિ ! હવે તારી શુદ્ધિને ઠેકાણે લાવી, આ લડાઈમાં ચાલી પડ; તે વેળાએ બચી ગયો હતો પણ હવે બચવાનો નથી, જોઈએ અલ્લાહ કોને યારી દે છે.” આમ બોલતાં સાથે પચાસ માણસ ગયા. હાથોહાથ લડાઈ થવા માંડી અને એક ઘડીમાં તો કાંઈક મસ્તકો ધૂળમાં રગદોળાયાં. મરેઠી સેનાએ પણ મારો પુષ્કળ ચલાવ્યો પણ રણજિતસિંહની ઘોડેસ્વાર ટુકડીએ ગજબ કીધો ! તેમણે મરેઠાઓ આસપાસ ફરીવળી તેમને વચોવચ ઘેરી લીધા, ને પછી ઘણો સજ્જ મારો ચલાવ્યો. હજારો હાથો ફરી વળ્યા ને મોટો ઘોંધાટ થઈ રહ્યો માલુસરે ને નવાબ બન્ને લડતા હતા. તેવામાં વૃદ્ધ દાદાજી પણ આવી લાગ્યો. તેણે આવતાંની સાથે જ નવાબની સામ ભાલો ઉંચક્યો, તેવામાં નવાબના 'બોડીગાર્ડ'માંના પચાસ માણસમાં તેની પ્રિયા હતી. તેણે દાદાજીના હાથમાં તરવાર મારી ભાલાને દૂર ફેંકાવી દીધો શિવાજી ધસીને આવ્યો અને મોતીને મારવા ધસ્યો, ને તે જ વેળા જો રમાએ મોટી ચીચીયારી પાડીને ગભરાટ ન કીધો હોત તો મોતીનું આવી જ બન્યું હતું, પણ તેની ચીસથી શિવાજીને કાળજામાં ઘા લાગ્યો, ને સામું જોવા જાય છે કે, તુરત તેના ઘોડાના પેટમાં સોંસરવી છરી મોતીએ ઘોંચી દીધી. ઘોડો પડ્યો, ને નવાબ શિવાજી તરફ વળ્યો પણ એક બીજા સિપાઈનો ઘોડો પાસે હતો તેપર તે ચઢી બેઠો રમા સામે ધસ્યો ગયો. પણ વચોવચ રણજિતસિંહ પડ્યો, ને 'સંભાળ સંભાળ', બૂમ મારી બન્ને હાથોહાથપર આવી પડ્યા. રણજંગ મચ્યો. રમાને માલુસરેએ પીછાની અને આજ શત્રુને ઉશ્કેરનારી ને વળી પોતાના પંજામાંથી છટકી ગઈ છે, એટલે શિવાજી પહેલાં તાબે કરવા માલુસરે અગાડી ગયો. મોતી ને રમા એ બન્ને પાસે તીર વાગવાથી પાછી હઠી ગઈ હતી. રમા સામા માલુસરે આવતાંની સાથે આ મરેઠણે તેના ટોપને ઉંચકી ભાલા૫ર મૂકીને બૂમ મારી, “હવે જોઈએ છે વિશેષ? તારી આબરુનું ખંડન બરાબર કીધું છે. હવે મારું વેર વાળી તારા શિરને રઝળાવીશ.” બોલતાં જ તરવારથી ઘા કરવા જાય છે તેટલામાં હરિપ્રસાદ વાહરે આવ્યો ને રંગ રાખ્યો; અને તાનાજીએ બૂમ મારી કે "રક્ષણ રક્ષણ કરો." હવે હરિપ્રસાદે કહ્યું, “બેધડક રહેજે, તારા શત્રુને એમ જવા દઈશ નહિ.” હવે લડાઈ પૂર જોશમાં ચાલવા લાગી.