શિવાજીની સુરતની લૂટ/સુરતની સુરત !
← કટાકટી-પરાક્રમ | શિવાજીની સૂરતની લૂંટ સુરતની સુરત ! ઇચ્છારામ દેસાઇ ૧૯૨૮ |
ઝપાઝપી → |
શિવાજીના કાનમાં નવાબના ગોળાનો ત્રીજો અવાજ જતાંની સાથ મનમાં અતિશય ભય ઉત્પન્ન થયો. તુર્તાતુર્ત પોતાની “કેવેલરી” ને તૈયાર કરવાનો પેગામ મોકલી, તેઓને સજ થવા વરદી આપી. ઘણાં ફાંફાં માલુસરેએ નવાબને મારવાને માટે માર્યા પણ તે ફોકટ ગયાં ને હુકમ મળતાં એકદમ પોતાને શિવાજીની મંડળીમાં દાખલ થવા જવું પડ્યું. મંડળમાં ઘણા વિચાર થયા, પણ વખત થોડો હતો તેથી કંઈ પણ નક્કી કરે તે પહેલાં ધોડેસ્વાર લશ્કરનાં પગલાં સંભળાયાં. આવતા ભયને નિવારવા શિવાજીએ ઘણી મહેનત લીધી પણ તે વ્યર્થ ગઈ. લગોલગ લશ્કર આવી પહોંચ્યું, અને તે ટૂટી પડે તેટલો વિલંબ હવે હતો. સધળું વેરણ ખેરણ થઈ જવાથી પોતાના ચારે સ્વાર સાથે ગ્યાસુદ્દીન રૂમી નાસી ગયો નહિ, પણ બેધડક જે થાય તે જોવાને માટે ઉભો રહ્યો.
પણ એટલામાં બીજી બાજુથી નવસારીના દેશાઈનું લશકર આવી પહોંચ્યું ને તેઓએ દંડ લેવાની માંગણી કીધી. માંડવીમાંથી પણ ત્યાંનો ઠાકોર આવ્યો ને તેણે પણ એવો જ હુકમ મોકલ્યો હતો. કશી પણ આનાકાની વગર તાબે થવાને સૂચવ્યું હતું, પણ જે જે શરતોની માંગણી કીધી હતી, તે તે શરતો એટલી તો કરડી હતી કે, તે વાંચતાં જ શિવાજી બબ્બે મથોડાં ઉછળ્યો. તેણે નક્કી જાણ્યું કે, નવાબને ઘણી સજ્જડ મદદ મળી છે ને તે હવે આપણને સાંગોપાંગ જવા દે તેવો નથી. તેની આંખમાં ઝળઝળીયાં ભરાઈ આવ્યાં ને પોતાની અમર કીર્તિ જતી રહેવાનો આવો સાંકડો સમય આવ્યો, તે માત્ર પોતાના ઉતાવળીયા તથા અયોગ્ય કર્મને લીધે બન્યું છે, એમ જાણીને તેણે એક મોટો નિશ્વાસ મૂક્યો.
જે પ્રતિનિધિ નવસારી ને માંડવીવાળા તરફથી આવ્યો હતો, તેનો ભવ્ય દેખાવ ને ક્રોધિતમૂર્તિ જોઈને મરાઠી લશ્કર ચૂપ રહી ગયું. પેગામચી મુસલમાન હતો ને મોટા આરબી ઘોડાપર સવાર થયો હતો; હાથમાં ભાલો ને નાગી તરવાર લકટતી હતી; શરીરપર કડીયાળું બખ્તર ધારણ કીધુ હતું, અને મોંપર લાંબો ટોપ મેલ્યો હતો; એટલે દેખાવ જ વિકરાળ લાગતો હતો. તેનો લેંધો તંગ હતો, ને તેપર ચામડાના પટ્ટાવિંંટાળી દીધા હતા; આંખ મોટી હતી ને તે ઘડીને પળે જાણે રુદ્રનો કોપ કરશે તેવી દેખાતી હતી. ઘોડો વારંવાર ખોંખારતો હતો, ને તેની લાંબી કેશાવળીથી ગરદન છવાઈ રહી હતી. આવી મૂર્તિને જોઈને વળી આ નવો જ બનાવ શો છે, એ જાણી સઘળા ચકિત થયા.
પેાતાના સરદારો વચ્ચે પહેલી વાતચિત થયા પછી, શિવાજીએ પોતાની મંડળી હજુર, પેગામચીને બોલાવ્યો. કોણે સવાલ કેમ કરવો તેનો જ આ મૂર્તિને જોતાં વિચાર થયો ! સઘળાની સામા આ પ્રતિનિધિ જે રીતે જોતો હતો, ને વારંવાર ચક્ષુને ગતિ આપી આમતેમ નજર નાંખતો હતો, તે જોતાં સૌને એમ પણ ભાસ્યું કે, રખે તે કોઈનું રક્ત રેડે! થોડીવાર સૌ મૌન ધરી રહ્યા, પણ અંતે ખરેખરા ગર્વથી શિવાજીએ પ્રશ્ન કીધો.
“તું પ્રતિનિધિનું કામ કરવાને માટે આવેલો છે ?”
“એમ તો ખરું જનાબ !” પેલા પ્રતિનિધિએ જવાબ દીધો.
“તારા ઠાકોર અને દેશાઈની માગણી અમે નાકબૂલ કરીએ તો તેઓ શું કરી શકશે વારુ ?”
“તરવાર પોતાનું કામ બરાબર બજાવશે, ને તમારા માણસોનાં મડદાં અત્રે રઝળશે ?”
“તમારું નામ શું છે ?”
“ સલાદીન તે વીર યોધો !”
“ ખરેખર સલાદીન, તારા જેવો વીર યોધો માંડવીના ઠાકોરના અાસરામાં છે તો તેવા બીજા કેટલા હશે ! તને શું મુસારો મળે છે ? તેં માત્ર એક થોડા પૈસાને ખાતર તારી જિંદગી ખરેખર જોખમમાં નાંખી છે, એ બહુ ચમત્કારિક વાત છે. જો તારી ઇચ્છા હોય તો તું તારે જોઈયે તેટલું દ્રવ્ય પેલા તંબુમાંથી લે અને કોઈપણ પ્રકારે અમારો સહાયક થા.” “તારાં સઘળાં કાવતરાંથી અલ્લાહ બચાવે !” ઉંચા હાથ કરીને એલચી બોલ્યો. “નિમકહરામીથી પણ આ તો વિશેષ છે, પોતાના માલિકનો દ્રોહ કરવો, એ તો અલ્લાહના ગુન્હાની વાત થઈ, રે સરદાર આ તારા દરજજાને યોગ્ય નથી ને તને ઈશ્વરને ત્યાં આવાં પાપિકર્મને માટે બહુ મોટી શિક્ષા થશે.”
શિવાજીએ આ સાંભળતાં પોતાનો ભય વળી વિશેષ વધાર્યો; સલાદીને આવો પ્રસંગ જોઈને વિશેષ ભડકાવ્યા.
“જો અમારી માગણી નાકબૂલ કરવામાં આવશે તો એક ઘડીના છઠ્ઠા ભાગમાં આ સામે ઉભેલું લશ્કર તમને કચડી નાંખશે.” અને આ બોલતા સાથે બાજુએ નજર કીધી તો ઘણા અચંબા સાથે શિવાજીએ દૂરના મેદાનમાં ગીરદ ઉડતી જોઈ, અને એક બાજુએ અરબ અને મુસલમાનો અને બીજી બાજુએ હિન્દુ ને અફગાનોને ગીધ પેઠે ફૂટી પડવાને માટે તલ્પી રહેલાં જોયા ! શિવાજીને હવે શક વધ્યો, ને તેણે ધાર્યું કે પહેલાં જે સરદાર આવ્યો હતો તે જાણી જોઈને આપણને અડચણ કરવા આવ્યો હતો, ને તેટલા સમયમાં આ બધી ગોઠવણ થઈ ચૂકેલી છે. દૂરના નગરના લશ્કર કરતાં પણ ઘણું મોટું લશ્કર દૃષ્ટિમર્યાદામાં ઉભેલું જોયું અને તેમના ઘણા પટ્ટા ઘોડાઓનો હણહણાટ, તેમના ચાલવાથી ઉડતી રજો, ને ભાલાનો ચળકાટ સૂર્યના તેજથી વધારે પ્રકાશતો ઘડીમાં સૈન્ય દેખાતું ને ઘડીમાં વળી અદૃશ્ય થતું જોઈને શિવાજીએ જાણ્યું કે હવે ઢીલ માત્ર ટૂટી પડવાની છે.
“જા, ઓ દીવાના એલચી, તને આજે જીવતો જવા દઉં છું, તે એટલા માટે કે અમારી દક્ષિણી પલટણોના હાથ કેવા છે તે તમને તુરકડાઓને બતાવીએ.” ઘણા ગુસ્સામાં શિવાજી બોલ્યો - જો કે તે ધારતો હતો - તેને ખબર હતી કે આ યુદ્ધમાં જય નથી જ મળવાનો. “સલાદીન મૂર્ખ ! તું એલચીપણાને લાયક જ નથી. માંડવીનો ઠાકોર ને દેશાઈ પોતાનું લશ્કરી બળ કેટલું છે, તે અમારે મુકાબલે આવશે ત્યારે જોશે." આ વાક્ય પૂરું ન થયું, તેટલામાં તે સલાદીને પોતાને મારતે ઘોડે ચાલ્યો ગયો ને જોતજોતામાં ઝાડીની પેલી પાર અદૃશ્ય થઈ ગયો, તેણે પોતાના લશ્કરમાં જઈને સઘળા વર્તમાન નિવેદન કીધા ને ઠાકોર ને દેશાઈ બન્નેએ ક્રોધમાં આવીને પોતાના લશ્કરને સઘળી બાજુએથી તૈયાર કીધું.
પાછલા પ્રકરણમાં જણાવી ગયા પ્રમાણે સુરતનું લશ્કર શિવાજીના લશ્કર પર તૂટી પડવાને દોડ્યું, પણ તે સો વાર અગાડી ધસે છે, તેટલામાં એક ઘોડેસ્વારે શ્વાસભેર દોડતાં આવીને નવરોઝના હાથમાં એક કાગળ મૂક્યો. નવરોઝે તે વાંચી સુરલાલ, જે બીજી ટુકડીને યોગ્ય આકારમાં ગોઠવતો હતો, તેની પાસે જઈને તેના હાથમાં આપ્યો. બન્ને વાંચી ઘણા ચકિત થયા, કેમકે માંડવીનો ઠાકોર ઘણાં વર્ષ થયાં સુરતના નવાબની સામે શત્રુવટ રાખતો હતો, તે આ વેળા એકદમ વહારે આવ્યો, તે પહેલાં માનતાં અચકાયા, પણ નવસારીના દેશાઈનો બીજો પેગામ હતો, તેમાં સઘળો ખુલાસો દર્શાવેલો હતો, તેથી ખાત્રી માની પોતાને મોટો આશ્રય મળ્યો જાણી પૂર ઉમંગમાં આવ્યા. સર્વ વર્તમાન મોતીને કહ્યા, ને ત્રણ બીજી ટુકડીની સરદારી, ત્રણ સ્ત્રીઓને આપી હતી, તે સર્વ હવે વધારે જુસ્સામાં આવી ગઈ. પેગામચી પાસે આવી નવરોઝે પૂછ્યું, “સૈન્યમાં કેટલું માણસ છે ?”
“ખુદાવંદ, તીન હજારસે કુછ જિયાદા ઘોડેસ્વાર ઔર પાંચ હજાર તીરંદાજ હયઁ !”
“અલ્લાહને બહોત યારી દી !” નવરોઝે પ્રાર્થના કરી. સંકેત પ્રમાણે આ વળી બીજી વેળા લશ્કર થંભ્યું. આથી શિવાજીને પોતાની સેનાની રચના કરવાનો સારો વખત મળ્યો. તેણે પોતાના સઘળા સરદારોને જીવપર આવીને ટૂટી પડવાને ઉશ્કેર્યા, ને સઘળાઓ મરવું કે મારવું એ જ નિશ્ચય કરીને તૈયાર થયા. પોતાની સેના તૈયાર થયા પછી શિવાજીએ બહારની મદદને હટાવવા માટે પહેલો માર્ગ લીધો; કેમકે તેની ધારણા એવી હતી કે, શહેરનું લશ્કર તો નામનું ને ગણત્રીનું જ હશે. જો બહારની વહાર પાછી હટી તો શહેરના ફુરચેફુરચા ઉરાડી દેતાં વિલંબ થશે નહિ. થોડુંક લશ્કર અગાડી ચાલ્યું. તે પૂણી નજીક આવ્યું કે સઘળા અટકી પડ્યા. સફસમારીને સામા લશકરના આવવાની વાટ જોતા મરેઠા ઉભા. “હું ધારું છું કે, હવે આપણે રણક્ષેત્રની નજીક છિયે,” શિવાજી બેાલ્યો. “સામું ઘોડેસ્વાર લશ્કર હણહણાટ કરી રહ્યું છે, ને મને લાગે છે કે દૂરથી રણસિંગડાં ને પડઘમનો અવાજ આવે છે, નહિ વારુ ? હવે આપણે સર્વ પ્રકારે સજ્જ થઇ રહેવું અને આપણી પોતાની કીર્તિ, માટે, આપણી સ્ત્રીઓની નામના માટે શુરા યોધાએાએ અચળ હિમાલય પેઠે ઉભા રહેવું જોઈયે, મેળવેલી કીર્તિ અને રામદાસ સ્વામીનું વચન એ બન્ને૫ર વિચાર કરી તમારે દરેકે પોતાનું કર્તવ્ય કર્મ કરવું.”
આ સાંભળતાં જ સઘળા સરદારો, સામંતો, તીરંદાજો, ભાલેદારો અને તરવારિયાઓ એકદમ બરાબર વ્યૂહમાં ગોઠવાઈ ગયા. જો કે દક્ષણીઓ ઘણા થોડા હતા તોપણ તેઓ આ વેળા બહુ સાવધ ને ગંભીર બન્યા હતા; ને સત્ય કહીએ તો આટલું તો તેમના મોંપરથી સ્પષ્ટ જણાતું કે, તેઓમાં બીક તો જરાએ જણાતી ન હતી, પણ આશ્ચર્ય ને ચિન્તા બન્ને સાથે માલમ પડતાં હતાં. દૂરના મેદાનમાંથી શૌર્ય ચઢાવતો રાગ સાંભળી, ને વાજિંત્રનો સુંદર શબ્દ કાનમાં પડતો તે સાંભળી, શત્રુનું સૈન્ય રસભર્યું થાય તે પહેલાં પોતે જ તૈયાર થયા હતા પાછળનું શહેરી અરબ લશકર આ વેળા જણાતું નહોતું.
વચોવચ રેતીના ઢગલાનો ડુંગર હોવાથી સામી બાજુનું સૈન્ય બરાબર જણાતું નહિ ને તેથી ગણત્રી પણ કરી શક્યા નહિ. તાનાજી માલુસરેએ કહ્યું કે, “જનાબની ઇચ્છા હોય તો રેતીની ટેકરીપર ચઢી; લશ્કર કેટલું છે તે જોઉં ? મને તો લાગે છે પૃથ્વીનાથ, કે સામું માણસ પાંચસોથી વધારે નહિ હોય. માત્ર વાજાંવાળા ને પડઘમવાળા જ આટલો ઘોંઘાટ કરી રમખાણ મચાવી મૂકે છે, હું ચઢું ખુદાવિંદ !”
“નહિ, નહિ! એથી તો આપણી સેનામાં શક વધશે ને ધીરજ ખોશે તો અનર્થ થશે."
ધીમે ધીમે મરેઠી લશ્કર ટેકરીની નજીક જઈને ઉભું રહ્યું. આ એક બચાવની ઘણી સારી જગ્યા મરેઠાઓને હાથ લાગી.