શિવાજીની સુરતની લૂટ/દ્વંદ્ધયુદ્ધ
← મારવું કે મરવું ! | શિવાજીની સૂરતની લૂંટ દ્વંદ્ધયુદ્ધ ઇચ્છારામ દેસાઇ ૧૯૨૮ |
કટાકટી-પરાક્રમ → |
જે રીતની યોજના, અને જે રીતનું ભય હમણાં મોં આગળ આવ્યું છે તે અતિશય ઈંતેજારી લાવે તેવું છે (અગરજો કેટલીક રીતનાં પ્રકરણો જિજ્ઞાસુને પણ જણાય છે), અને તેથી સુશીલ વાંચનારાને જણાવીએ છીએ કે, હાલનો બનાવ સૂર્યપુરની પૂર્વ બાજુના મેદાનમાં બને છે. જ્યાં કંઈ મજલિસ નથી જે વાતોના તડાકા ચાલે, અથવા ટોલટપ્પા અથવા પ્યારના ઉભરા અથવા નીતિનાં વ્યાખ્યાનો અથવા ધર્મનો બોધ આપવામાં આવતો હોય તેવું પણ નથી. એ જિંદગીના સાધારણ બનાવો બહુ ચમત્કારિક છે, પણ આ બનાવ તો દિલને કંપાવે તેવો અને જીવ સટોસટના સોદાનો છે, અને કંઈ સેંકડો જીવોનો બે ત્રણ અમૂલ્ય પ્રાણીની જિંદગી ઉપર જ આધાર રાખવામાં આવ્યો છે. વસ્તુસ્થિતિ આ પ્રમાણે છે:- મોતી, પોતાના પ્રીતમથી વિખૂટી પડેલી છે, જેમ એક ઘેટીનું બચ્ચું પોતાની માથી વિખૂટું પડ્યું હોય ને ઘેટું પોતાના પોષણકર્તાથી વિખુટું પડ્યું હોય ! નવાબ પોતાના હજારો શત્રુ સામા મરવાને તત્પર થયો છે, જ્યારે તેના મોં આગળથી દુનિયાની જંજાળ જતી રહી છે, અને માત્ર બે જ છબીઓ સાક્ષાત સન્મુખ આવીને ઉભી છે: રમા ને મોતી : રમાનું લક્ષ નવાબની જિંદગીના આધાર ઉપર છે અને તે એટલું જ ઇચ્છે છે કે, તાનાજી માલુસરેનું મોત થાય અને પ્રભુ વિઠોબા નવાબ યવનની વાહારે ધાય. આ ત્રણમાંથી કોણ બચે છે ને કોણ સંસારવિલાસ સુખ ભોગવે છે, એ મોટો ચમત્કાર દૈવાધીન હોવાથી હમણાં સૌનું લક્ષ તેપર ખેંચાયું છે.
આજ બનાવના રંગને હમણાં અમે ધોળીએ છીએ - પછી તે કુત્રિમ હો, કદી મતલબસર હો, વાસ્તવિક હો, કે અદ્ભૂત હો, તોપણ રસજ્ઞ વાંચનાર માટે લક્ષપૂર્વક અવલોકન કરવા યોગ્ય છે. નવાબ મેદાનમાં એકલો ઉભો છે - જેમ સહરાના રણમાં એકાદ નાજુક છોડવો ઉભો હોયને ! તે એમ ચિંતાક્રાંત થયો હોય કે કોણ જાણે પશ્ચિમનો સુસવાટો ક્યારે આવશે કે તેના જડમૂળને પણ ઉખેડી નાંખશે !! તાનાજી માલુસરેએ એક તાલીમબાજના જેવો વેશ લીધો છે ને શિવાજી, દાદાજી, બલ્લાળ વગેરે તેના સહાયકો સામા વિરાજ્યા છે, અને સઘળા ચિંતાતુર છે કે પરિણામ કેવું આવે છે! પણ તે સઘળા કરતાં નવાબ વધારે ચિંતાને આધીન થયો છે, તેનું મોં ફીકું પડી ગયું છે, જાણે મોંપર લોહી જ નથી; પણ તેણે પોતાનું હીર જવા દીધું નથી. ઉમંગથી ઉભો રહ્યો છે, અને થોડુંક કૃત્રિમ ને થોડુંક સ્વાભાવિક બળ પોતાના મનમાં લાવીને અલ્લાહનું નામ દઈને લડવાને હામ ભીડી છે.
“પરશુરામ અવતાર ! જુઓ જુઓ ! પેલો મ્લેચ્છ કેવી રીતે સીનાથી ઉભો છે !” બલ્લાળે શિવાજીને કહ્યું, “એ ગમે તેવો છે, તો પણ ઘણો સારો અને વિરલો છે; જોઈએ માલુસરે કેમ ભીડાવે છે તે !”
“બલ્લાળ, તું માલુસરેનું તેજ ન હણ !” શિવાજીએ ઘણી દિલગીરી સાથે કહ્યું, “એના જય પરાજય૫ર ઘણી મોટી આશા છે, અને જો એ હાર્યો તો મેં નક્કી કીધું છે કે, આપણી દોલત ધૂળ મળવાની. મને ઘણાં અપશુકન થાય છે; અને એ શકુનનું ફળ ખચીત નબળું આવશે. દાદાજી, હવે ઈલાજ શો છે ? તમે કંઈ બતાવો કે સુખરૂપ એકવાર જઈએ. પણ તમે ખચીત યાદ રાખો કે, રામદાસસ્વામી જીવંત છે તો હું સૂર્યપુરના લોકોને છોડીશ નહિ. આ તેમની કરણીનાં ઘણાં ભૂંડાં ચખાડીશ.”
“ભાઈરે, હવે તો જે બને તે તું જો, માલુસરે કંઈ ગાંજ્યો જાય તેવો નથી તો પછીની ચિંતા શું કામ કરે છે?” દાદાજીએ હિમ્મત આપી.
“મને ચિંતા નથી, પણ મહાશ્રમે મેળવેલું આ દ્રવ્ય સહજમાં લૂંટાઈ જશે, તેનો કંઈ વિચાર કીધો ? આ યવનોથી ભરતખંડ સ્વચ્છ કરવું છે, તેમાં આ પહેલું વિઘ્ન ઘણું દિલને કંપાવે તેવું છે. મહારાજે મને કહ્યું હતું કે, જ્યાં યવન હશે ત્યાં તું ઘણી સારી રીતે જય મેળવીને આવશે, ને પુષ્કળ દ્રવ્ય પણ હરણ કરશે; પણ આ જોઈને તો હું ઘણો દિલગીર છું કે, મારી મુરાદ મારા મનમાં રહી ને યવનરાજ્યમાં આ પહેલો પરાજય થવાનો વારો આવ્યો છે.”
“મહારાજને દોષ ન દે ! તેમણે તને રુડું જ કહ્યું હતું અને તેનાથી તને લાભ જ થયો હશે. પણ કાંઈક તારો દોષ હશે, તેથી જ આવી અવસ્થાએ તું પહેાંચે છે, પણ હવે આ બધા વાતોના ગપાટા છોડી દો, ને ઝટ આ રંગ અખાડો મળે ને પટ છેવટ આવે તેમ કરવા પર મહેનત લો; કેમકે કદાચિત્ આ બાંડિયાઓએ એવી રચના કરી હોય કે પાછી રાત્રિ પડે તો એકદમ હલ્લો કરી ઘાસની પેઠે સૌને કાપી નાખવા ને તેને માટે જ આટલી તાલમેલ કરતા હોય તે પછી એક તરણા મિસાલે આપણી અવસ્થા થઈ જશે, ને રાત્રિના બચાવ વગર એકલા અટવાઈ જઈશું ! શહેરના લોકો તો સઘળી જગ્યાથી વાકેફ હશે, તેઓ કોઈ પણ રીતે પછાડી લાગશે તો ઈલાજ નથી, ને કદાપિ નવસારીવાળાઓ આવશે તો બન્ને બાજુથી બોરકુટો વળી જશે. મારી મરજી તો હવે વિલંબ કરવાની નથી. મને તો એ જ સૂઝે છે કે, જેમ બને તેમ આજ રાત્રિના નાસતી પકડવી. કાલનો દિવસ ઘણો વિપરીત છે, ને આજે જાણે આપણાપર ઈશ્વર જ રુઠેલો હેાય તેમ આકાશ પણ જોની, કેવું કાળું થવા આવ્યું છે ! આ વાદળાં શાં હમણાં ? પણ એ વિપરીત અવસ્થા દર્શાવે છે !” આમ નિરાશ મુખડે દાદોજી બોલ્યા અને તેની અસર પરશુરામ અવતાર મહારાજ૫ર એટલી થઈ કે, તેની ડાબી આંખ ફરક ફરક થવા લાગી, ને તેથી તે ઉલટો વિશેષ ચિંતાતુર થયો.
“મને પણ મોટો ભય જણાય છે, ને હું ચાહું છું કે દાદોજી, ભવાનીને ભોગ આપવો જોઈએ.” - શિવાજીએ શિથિલતાથી દાદોજીને જણાવ્યું. “મારી ડાબી આંખ ફરકે છે, ને નક્કી આજનો દિવસ ઘણો વિકટ જણાય છે, મેં તો ધાર્યું જ હતું કે, આટલું બધું દ્રવ્ય આપણને પચવાનું નથી, ને તેમ જ થયું. પણ હવે તો જેવી વિઠોબાની ઇચ્છા. તેના આધારપર સર્વેનું જીવન છે; પણ મહાદેવ આપણી વાહરે ચઢે અને આજે બચીએ તો મોટો યાગ કરી પછીથી જ આપણી લડાયક શક્તિનો ઉપયોગ કરીશું.”
“હશે, એ બધી વાત પડતી મૂકો, નકામી યાગ ને ફાગની પીડા કાં કરો છો મહારાજ ?” બલ્લાળે કહ્યું, “આપણે આપણા નસીબપર હમણાં હાથ મૂકો કે માલુસરેનો જય થાય. જુઓ હવે બન્ને તત્પર થયા છે, હવે તો ખરેખરો રંગ જામ્યો છે !”
આ કચેરી મંડળે પોતાની નજર ફેરવી તો બન્ને પ્રતિપક્ષીઓ ઘણા જુસ્સામાં આવી રહ્યા હતા, ને બન્નેની મરજી ઘડી પળમાં પોતાના શત્રુને સ્વર્ગમાં મોકલી દેવાની હતી. નવાબ તો હવે રાક્ષસ જેવો બન્યો હતો; ને રમાએ જે વીંટી ને ચમત્કારિક ગોળા આપ્યા હતા, તેથી ધાર્યું કે, “એનું ઘર ફૂટ્યું છે તો મારો જય જ છે. ખુદા જેને આપે તેને ભલું, પણ મારે પણ બે હાથ છે, ને એને પણ છે; હું તરવાર, બરછી ને ભાલો સારી રીતે વાપરી જાણું છું તો પછી એ શી રીતે મારા૫ર ફાવી શકશે ?"
એમ વિચારી એકદમ એણે પોતાનો ડગલો કાઢી નાંખી અંદર જે બખ્તર પહેરેલું હતું તે બતાવ્યું અને શત્રુને મોહ ઉપજાવ્યો. ભાલો હાથમાં લઇ, તેની ધાર તપાસી ને જમૈયો બાજુએ બરાબર સંભાળ્યો, ને સૌને પોતપોતાની જગ્યાએ ગોઠવી દીધા. ગોળાઓને નીચે મૂક્યા જેનાપર કોઈની નજર પડી, અને કોઈની નહિ; પણ સઘળા આ ગોળાથી ઘણા ખરા બેદરકાર રહ્યા. જો કે તેમનો લડાઇમાં કેમ ઉપયોગ કરવો એ કેટલાક મરાઠા જાણતા હતા, તો પણ તેમના લક્ષમાં આ વાત રહી જ નહિ, ને કદી એમ પણ હોય કે, તેઓ એવા વિચારમાં રહ્યા હોય કે મરાઠાઓની શોધેલી વસ્તુ મુસલ્લા ક્યાંથી જાણે !
મુસલમીન નવાબે પોતાની છાતીનો સીનો કાઢ્યો, માલુસરે તેથી લેવાયો ને રમાપર જે પા૫દૃષ્ટિ કીધી હતી તે આ વેળાએ તેને સાંભરી આવી ને તેના વિચારમાં એક પળ ગમ ખાઈ ગયો.
તે જો કે પાછો તૈયાર થયો, પણ જ્યાં એકવાર તેજ ઉતર્યું તે ઉતર્યું: પાછું ચઢવું મુશ્કેલ થઈ પડે છે; તેમ જ માલુસરેની અવસ્થા બની. એટલામાં એકદમ નવાબ ગ્યાસુદ્દીન રુમીએ, સામી છબી જરાક દબાયલી જોઇ કે બૂમ મારી -
“ઓ કાફિર ! હવે ખુદાની દરગાહમાં જવાને કેટલી વાર છે ?” આ વાક્ય તે એવા તો જુસ્સામાં બોલ્યો કે, બીજા આસપાસ ઉભેલાઓ તો શરમિંદા જ પડી ગયા. માલુસરેને ઉત્તર દેવો સૂઝ્યો નહિ, પણ જાતે કાબેલ તેથી જ્યાં બીજી વેળાએ નવાબે બૂમ મારી કે, “એ કાફિરના બચ્ચા, હવે તારા ખુદાને યાદ કર, તારી ગરદનપર મારી તલવાર આવી ચૂકી છે.” એટલે માલુસરેએ જવાબ દીધો:- “ઉભો રહે, ઉભો રહે ! ઓ ગૌહત્યા કરનાર પાપી ચંડાળ ! ચોર ! ઓ નપુંસક ! અરે વેશ્યાપુત્ર, ગોત્રગામી તું ઉભો રહે! હવે નાસતો નહિ, ને તારો બચાવ તારા જ ખુદા પાસે થશે ! તમે મુસલ્લાઓ શું આ ભરતખંડમાં ગૌહત્યા કરશો ? ધિક્કાર છે, તને – તારા ખુદાને યાદ કર, ને હવે મરવાને તૈયાર થા.”
“ચલ! ચલ ! છોકરી ! લોંડી ! તું શું કરી શકે છે તે હમણાં બતાવીશ !” નવાબે તેને પૂરતો ધિક્કાર બતાવ્યો અને પોતાની તરવાર મ્યાનમાંથી કાઢી કહ્યું: “ખુદાના કસમ, હવે તને જીવતો છોડીશ નહિ. તારી મુરાદ બર આવશે, અને તારા પેલા પાપી ચોર ચંડાળ શિવાજીની પણ હાડકે હાડકી કાપી નાંખીશ, કે જેણે સૂર્યપુરનાં નાજુક સ્ત્રી ને બાળકને રડાવ્યાં છે, એ પાપનો બદલો શું તને નહિ મળશે ! હવે તારો અને મારો ખુદા છે, જો કોણને સહાય થાય છે! સંભાળ !” એમ કહી ધસી જઈ પોતાની તરવાર તાનાજી માલુસરેની તરવારપર એટલી તો સખતાઈથી મારી કે તાનાજીના હાથમાંની તરવાર ઉડી ગઈ ! માત્ર મૂઠ પકડીને જ ઉભો રહ્યો ! નવાબે આ ચમત્કાર એટલી તો ઝડપથી કીધો હતો કે, સઘળાઓ જોઈ રહ્યા ને જો કે બીજા કોઈ બોલી શક્યા નહિ, ને મનમાં જ સમજીને બેસી રહ્યા હતા. તોપણ દાદાજી ને ચાર મુસલમાન પઠાણોએ શાબાશીનો ઘણો મોટો પોકાર કરી નવાબની આ ચમત્કારિક ફતેહ આકાશ સુધી પહોંચાડી દીધી, તે જાણે તેને વરવાને હુરીઓ આવે તેટલા જ માટે !
તાનાજી તદ્દન અશક્ત, દિગ્મૂઢ અને જમીનમાં ગરક થઈ ગયો, અને શિવાજી આ પોતાના જવાંમર્દની સહાયતાથી ઘણો આનંદ માની ગર્વથી ફૂલાતો હતો, તેનું મોં લેવાઈ ગયું.
“રાવ સાહેબ, હવે પાછા જાઓ ને તમારા શિવાજીને કહો કે મુસલમાન સાથે લડવાથી કદી હિંદુઓ જિત્યા નથી.” નવાબે તાનાજીને ટોણો માર્યો ને તે સઘળા હિંદુઓને ઘણો લાગ્યો, ૫ણ કરે શું ? થયું પણ તેવું જ, એટલે સૌ તો અબોલ રહ્યા, પણ અંતે પોતાની આબરુના બચાવ માટે જ તાનાજીએ નવાબને જવાબ દીધો.
“અરે બાંડિયા ! તું ગર્વથી ફૂલાઈશ નહિ ! કદી બકરાએ વાઘપર જય મેળવ્યો સાંભળ્યો છે ? ગમે તો હવે મારો હાથ જો ને પછી તારી અવસ્થા કેવી થાય છે તે તને બતાવીશ. ખબરદાર ! અહિંઅાથી પગલું પાછું ભર્યું તો.” નવાબે હસીને પોતાના સાથીઓ તરફ નજર કરાવવાને પાછા ફરીને જોયું, એટલે તેનો ઉલટો જ અર્થ લઈને તાનાજીએ કહ્યું: “ઉભો રહે, તને નાસવાથી હવે કશું પણ ફળ મળવાનું નથી, તારું આવી જ બન્યું છે ! બચ્ચાજી, તમે જશો કયાં? છાવણી મરાઠાની છે, મુસલ્લાની નથી.”
“મોં સંભાળ! બુતપરસ્ત ! કૃત્ય કરી બતાવ, મોંની ફડાકી મારવાથી શું યશ મળશે ? કદી પણ આશા રાખતો નહિ કે તને હું જવા દઇશ ને હવે તારે જવાની આશા રાખવી પણ નહિ. જોજે હવે મારો _____જેને તું છોકરો ગણે છે તે મહમ્મદના કુળનો છે ને તેની પીઠપર મહમ્મદનો સાયો છે. તે તને અંધને સૂઝશે નહિ, પણ હવે તપાસતો રહેજે કે તારે નાસવું ન પડે.”
નવાબનાં આ વેણ તો તેના કાળજામાં કોતરાયાં. બોલવાનું બોલવાને ઠેકાણે રહ્યું ને ધીમે ધીમે તેજ હરાઈ જવાથી તે તદ્દન ગાફેલ થતો ગયો. આ મોંપર થતો ફેરફાર શિવાજીએ જોયો ને તે ઘણો ગભરાયો. જો તેનાથી બને તો આ રીતના દ્વંદ્વયુદ્ધનો અંત લાવવા માગતો હતો, કેમ કે મુસલમાન સરદારની હોશિયારી જોઈને તે ઘણો આશ્ચર્ય પામ્યો હતો.
તાનાજીએ હવે તો મરવું કે મારવું, એવો જ નિશ્ચય કીધો. હવે કંઈ તેનો ઉપાય નહોતો કે, આમને આમ અપમાન લઈને પાછા હઠાય; કેમકે પાછા હઠવાથી તે જીવતી નહિ પણ મુઆ જેવી જીંદગી ગુજારત. તેણે ધાર્યું કે આમ લડવાથી કદી ફાવિયે કે નહીંએ ફાવિયે, તેથી મરાઠાઓની હમ્મેશની રીત મુજબ પ્રપંચ કરવા ધાર્યો. તે નક્કી જાણતો હતો કે, મુસલમાનો આ છાવણીમાંથી પાછા જઈ શકવાના નથી, પણ તેટલું છતાં એણે પોતાના એક શાગિર્દને - જો બને તો - સરદારનું કાટલું કરવાના વિચારથી ઉશ્કેરી મૂક્યો હતો, તેને બોલાવ્યેાઃ
“તપાસ તો યશવંત !” તાનાજીએ બૂમ મારી,-“એને નાસતો અટકાવજે, એ હવે બચવાનો નથી. હમણાં હું એનું માથું ધૂળ ભેગું કરું છું, ને એના આત્માને એના વડવાઓ પાસે નરકમાં મોકલાવી દઉં છું.”
યશવંત નવાબની પીઠપર ગયો ત્યાં ચારે પઠાણો, પોતાના પ્રાણ આપવાને તત્પર હતા. તેઓએ યશવંતને તરવારથી સલામ આલેકુમ. કીધી. યશવંતે પોતાની મદદે બીજા પાંચને રાખ્યા હતા. તાનાજીએ પોતાનું ખડગ કાઢ્યું. તે તપાસીને દુશમનપર ધસવાને તૈયાર થયો. નવાબ પણ હવે સાવધ હતો, તે સઘળું ચેતી ગયો હતો ને યશવંતને તપાસવાને પોતાના પઠાણ - અંગરક્ષકો તરફ અાંખ ફેરવી, અને પોતાની કમરમાંથી ઘણો સરસમાં સરસ જમૈયો કાઢયો; ને તેને એવી રીતે બતાવ્યો કે, સૌએ એમ જ માન્યું કે આ છાતીમાં ભોકવાની નિશાની છે. “પંઢરપુરવાળા વિઠોબાના કસમ ખાઈ કહું છું કે,” આ દક્ષિણીએ ઊંચા હાથ કરીને કહ્યું - જ્યારે નવાબ તો ઈશ્વરની પ્રાર્થના કરતો જ હતો “આજે એને સધામ મોકલીશ.”
હવે કંઈ વખત નહોતો કે એક બીજા સામસામા જોયા કરે. તાનાજી ને નવાબ બન્ને પૂરતા જુસ્સામાં આવ્યા હતા, અને નવાબે પોતાના પઠાણને કહ્યું કે, “પીઠ સંભાળજે, શત્રુ પીઠપર ખડો છે.” એટલું બોલીને તે તાનાજીપર ધસ્યો ને ઘણી જ ત્વરાથી તાનાજીના હાથમાંથી ખડગ પડાવી નાખ્યું અને જોરમાં ધક્કો મારી પાછો હઠાવી બીજી વેળાએ પણ તેને મૂર્ખ બનાવ્યો.
“કેમ અહમક ! હવે મુરાદ બર આવી ?” નવાબે તેને ખૂબ ખીજવવા માટે ટચકો માર્યો. “અરે બેરહમ ! તું સંભાળ, હવે તારા હાથમાં શસ્ત્ર પણ નથી ને તારે કોઈ સહાયકારી પણ નથી. હમણાં તને પાયમાલ કરું છું. હું ખુદાનો બંદો તેની સામે તારી શી તાકત !”
“ચૂપ! ચૂપ!” તાનાજીએ ગભરામણમાં શરમાતાં શરમાતાં ગણગણતે સાદે કહ્યું, “હવે નહિ બચે, તું તપાસ તારી પીઠ. યશવંત ! જોય છે શું? હવે બીજો ઈલાજ નથી, એ મ્લેચ્છ બચવો ન જ જોઈએ.”
આટલું બોલતાં સાથે યશવંતે નવાબપર પીઠથી ધસારો કીધો અને તાનાજીએ છાતી સામો કીધો. “અરે! જફર, જમરુદ, પીઠ સંભાળજો. હમણાં હું જ એ સઘળાને ખુદા પાસે મોકલીશ.”
“જી, ખુદાવંદ! આપ બેફિકર રહો, અમારા શરીરમાં જીવ છે ત્યાં સુધી તમારા વાળને પણ ઈજા થવાની નથી.” એમ કહીને સલીમ ને તાજક બન્ન યશવંત સામા ગયા, ને જફર ને જમરુદ નવાબની પીઠપર ખડા રહ્યા. નવાબ તો તાનાજી સામો રહ્યો, તાનાજી ભાલો લઈને ધસ્યો, પણ નવાબે દૂરથી તેને આવતાં જ પોતાનો ભાલો ઝડપથી લઈને તેની છાતી તરફ ધર્યો, જેથી તે અચકાયો ને અચકાતાં સાથે જેવો ધક્કો વાગ્યો કે તે પાછો હટ્યો. સલીમે યશવંતને આવતાં આંતર્યો અને યશવંતે તાજકપર ઘા કીધો જેથી તે ઘોડાપરથી પડ્યો, એટલે બીજા મરાઠાએ તેની છાતીમાં ભાલો ખોસી દીધો, સલીમે યશવંતના પગપર ઘા કીધો કે તે ઘોડાથી પડ્યો, ને જફરે આવી તેનું માથું કાપી નાખ્યું ને પાછા પોતાના ખાવિંદના પક્ષપર જઈને ખડો રહ્યો. નવાબ પણ હવે ગભરાયો, ને કંઈ ઈલાજ ન જણાવાથી તુરત રમાના આપેલા ગોળાની અજમાયશ કરવાનો વખત નજીક આવેલ ધારી એક ગોળાને જમીનપર પછાડ્યો. પાસે પથ્થર હતો, તેપર ગોળો પછડાતાં મોટો ભયંકર અવાજ થયો. અવાજ થતાંની સાથે જ બન્ને સૈન્યમાં મોટો ગભરાટ મચી રહ્યો.