લખાણ પર જાઓ

શિવાજીની સુરતની લૂટ/મારવું કે મરવું !

વિકિસ્રોતમાંથી
← રમા ને મોતીને સમાગમ શિવાજીની સૂરતની લૂંટ
મારવું કે મરવું !
ઇચ્છારામ દેસાઇ
૧૯૨૮
દ્વંદ્ધયુદ્ધ →


પ્રકરણ ૧૮ મું
મારવું કે મરવું !

જ્યારે દરવાજાનજીક એક બાજુએ રમા, મોતી ને નવરોજ આ વેળાએ વાતમાં મશગૂલ થયાં હતાં, ત્યારે શહેરી લશ્કરમાં સુરલાલ, મણી અને બીજા નાના નાના સરદારો ફરીને સિપાઈઓને ઉશ્કેરતા હતા. પણ સિપાઈઓનો જુસ્સો હવે જાગી ચૂક્યો હતો અને તેઓનાં પાણી વળતાં થયાં હતાં. ધીરજની હવે આખર અવસ્થા આવી હતી એટલે સિપાઈઓ ચાહતા હતા કે, જેમ બને તેમ જલદી તૂટી પડી આ પાર કે પેલે પાર કરવામાં આવે તો ઠીક. ઘણીવાર જોશમાં ને જોશમાં ઉભા રહી પછી લડાઈમાં ઝંપલાવવામાં આવે તો પરિણામ સાનુકૂળ ન આવે. સામા શત્રુ જોરાવર થાય ત્યારે બીજો પક્ષ મંદ પડી જાય, એટલા માટે તાતે ઘાયે લડાઈમાં એકદમ ઝંપલાવવામાં આવે તો જ જય પરાજયની આશા બહુ જાણવા યોગ્ય થઈ પડે.

સુરલાલ સઘળાને જોશ ચઢાવતો હતો, પણ દાંત કચકચાવીને બેઠેલા અરબો ને પઠાણો તો કહેતા હતા કે “ ક્યારે અમને હુકમ આપો છો ! શામાટે અટકાવ્યા છે ? અમને કેમ જવા દેતા નથી ?” આ ડોળા ઘુરકાવતા જવાનેાનાં શબ્દબાણ સાંભળી સુરલાલ ગભરાયો, પણ તે નિડર રહ્યો ને શહેરી લશ્કરના બળથી તેમને જણાવ્યું કે, “હવે વિલંબ નથી, હમણાં જ તમે દોડીને શત્રુઓને કાપી નાંખશો.”

“અમે અમારે આવો અમૂલ્ય સમય વ્યર્થ ગાળવા માગતા નથી. અમને હુકમ આપવામાં ઢીલ નહિ જ થવી જોઈએ.” પઠાણોમાંનો એક એકદમ આગળ ધસી આવીને બેાલ્યો, “શી હરકત છે કે હવે શત્રુને મારી હઠાવવામાં આનાકાની થાય છે ? જનાબ, કાફર લેાકો લઢવાને નારાજ છે કે આપણાથી જબરા છે કે તેઓ ભાગી ગયા છે ? અમારો નવાબ બેવકૂફ છે તો પછી અમે કોનાપર આધાર રાખીએ ને કેવી રીતે કામ કરીએ ? હમણાં અમને હુકમ દીધામાં આવે તો પછી અમારો હાથ જોજો; પણ બેગમ સાહેબ એશઆરામમાં મઝા મારવા કોણ જાણે કયાં ભાગી ગયાં ને અમને આકાશ વચ્ચે ખડા કીધા !”

“ચૂપ રહે ખાન !” સુરલાલ બોલ્યો, “તું જાણે છે તે કરતાં વધારે સારી રીતે આ લશ્કરને દોરવનારા જાણે છે કે ભય કેમ છે અને હવે કેમ વર્તવું જોઈએ. પણ તારી બેમર્યાદ લૂલીને આગળ ચલાવીશ તો આ તરવારને સ્વાદ ચખાડવો પડશે. બેગમસાહેબને માટે કુવાક્ય બોલનાર તું બેમુરવ્વતને જાનથી દૂર કરવો એમાં જરા પણ હરકત જેવું નથી.”

“કાફિર, બહુ બોલે છે તો આવી જા, તારી તરવાર ને મારી તરવાર બંને કેવા જુસ્સાથી કામ કરે છે તે જો. સંભાળ.” આમ બોલતાં પઠાણોના એક આગળ પડેલાએ તરવાર કાઢી અને સુરલાલને મારવા ઉગામી, તેમ સુરલાલે પણ સાવધ થઈને પોતાની તરવાર મ્યાનમાંથી ખેંચી. એક ક્ષણમાં શત્રુ સાથે લડવા જતાં માંહોમાંહે લડાઈ થઇને શહેરનું સત્યાનાશ વળવાને સમય આવ્યો હતો, પણ એક અકસ્માત બનાવથી આ ખાનસાહેબની તરવાર તેને ઠેકાણે રહી ને તે ખુદાતાલાની બંદગી કરવાને પહોંચી ગયો ને વળી લશ્કરમાં પણ બેદીલી ઉત્પન્ન ન થઈ. જો આ બારીક પ્રસંગે માંહેમાંહે લડાઈ સળગી હોત તો બાકીની લૂટફાટ શિવાજી સુખેથી કરત, અને જે રીતે તેને હવે સૂરતની પ્રજા તરફથી ત્રાસ બતાવવામાં આવ્યો હતો તેનો પૂરેપૂરો બદલો લેત. શિવાજીનો સ્વભાવ ઘણો ચીડિયો હતો અને તેમાં પણ જ્યારે એની કરેલી યોજના સામા કોઈ દુર્ધટ પહાડ આવી અટકાવ નાંખે ત્યારે એ અતિશય ક્રોધથી તે પહાડના ટુકડેટુકડા કરી નાંખવાને તૈયાર થતો હતો. ઘણે સ્થળે તેણે અક્ષમ્ય વૈરની ખુમારી - હિન્દુ કે કોઈ પણ તરફ બતાવી છે તેનું મુખ્ય કારણ એ જ છે. તે એમ જ સમજતો કે મારા સામા કોઈ પણ થવો જોઈએ નહિ. આવા તેના વિચાર હમણાં સુધી હતા. જે સામા મેદાનમાં એ હમણાં રાતો પીળો થતો બેઠો હતો ત્યાં પણ એ એવા જ વિચાર કરતો હતો ને તે આવી કોઈ તકની ચાહના તો ચાતક પેઠે રાખતો હતો. તો પછી સમય આવે એ કેમ ચૂકી જાય ! પણ શિવાજીના ત્રણ દિવસના સંહારથી અને સ્ત્રી ને બાળક૫ર જે અસહ્ય જુલમ કીધો હતો તેથી, ઈશ્વર પણ દુભાયો હોય ને તે જ હવે એનાં કાર્ય સામે નડતરરૂપ હોય તેમ જ ગમે તેવી એની બાજુ સબળી થવાનો પ્રસંગ આવે તોપણ તેમાંથી એનું નસીબ આડું જ ફાટતું હતું. ખાનસાહેબે હમણાં તરવાર ખેંચી છે ને સુરલાલ તેનાપર તરવાર નાંખવાનો વિચાર કરે છે; જો સુરલાલની તરવારથી ખાનનું મરણ થાય તો પઠાણો સુરલાલને એક કાફર સમજી કાં તો રીસાઈ જાય કે કાં તો સામા થઈ માંહોમાંહે જ કતલ ચલાવે. પણ એ વખત ઘણો વેગળો હોવાથી એક ત્રીજાના હાથથી જ તે પઠાણનું મરણ થયું ને તેથી તુરત ઉલટી શાંતિ પથરાઈ ગઈ.

મોતી ને રમા વાતમાં હતાં તે વખતે અકસ્માત નવરોજ ત્યાં જઈ પહોંચ્યો, તે આપણે ગયા પ્રકરણમાં જોઈ ગયા છીએ. નવરોજ આ નવી નાઝનીનને તુરત પીછાની ગયો ને તે કંઈક ગભરાયો ખરો, પણ મોતીએ સર્વ રીતનો જલદીથી ખુલાસો કીધો. નવરાજને પણ કેમ કરવું તે તુરત તો સૂઝ્યું નહિ તેથી ચિત્તભ્રમ જેવો થઈ પડ્યો પણ આવા બારીક કાળ ઘણીવાર આવેલો ને તેમાંથી બચેલો ને બીજાઓને બચાવેલા, તેથી તુરતાતુરત પોતાના મનસાથે સર્વ પ્રકારે નક્કી કરીને તે બોલ્યો :-

“મોતી, આ પ્રસંગ ઘણો બારીક છે, ને હવે કેમ વર્તવું તે જો કે મને સૂઝતું નથી, તો પણ મારાથી બનશે એટલું કરી તારા ખાવિંદને બચાવીશ.”

“બસ, મારે બીજું કંઈ જોઈતું નથી. માત્ર એટલું જ જોઇએ છે કે, હું મારા ખાવિંદને બચાવી શકું.” મોતીએ જુસ્સામાં જવાબ દીધો “અને તેમાં ઝાઝી હરકત પડનારી નથી.” રમાએ વાક્ય પૂર્તિ કીધી; “હમણાં મરાઠા જે રીતે રોકાયા છે તે રીતમાં તેમને ઝબે કરવા એ બહુ વિસાતની વાત નથી.”

“વફાદાર બેટી ! તેં જે રીતે આશ્રય આપવાનો વિચાર કીધો છે ને અમારા માલિક ગ્યાસુદ્દીન રૂમીને બચાવવા તેં જે શ્રમ લીધો છે તે શ્રમને માટે તારો ઘણો આભાર માનવાને હું ચૂકીશ નહિ, પણ હવે તું જ કંઈક યુક્તિ બતાવ કે જેથી સહીસલામત કામ પાર ઉતરે.” સરદારે વિનયથી રમાને પૂછયું.

“યુક્તિ ! યુક્તિ બહુ સહેલી છે!” રમાએ આશ્ચર્યથી કહ્યું, “ઓ વૃદ્ધ સરદાર, તને યુક્તિ નથી જડતી કે આ તારી બેટીની આવી મશ્કરી કરે છે ?”

“નહિ, નહિ લડકી ! એ ખ્યાલ તું દૂર કર;” નવરોજે સફાઈબંધ ઉત્તર આપ્યો, “તું જે આજે અમારા હિતમાં આટલો શ્રમ લે છે તેને માટે આવી ઠઠ્ઠામશ્કરી હોય? એવા ખ્યાલી વિચાર કદાપિ કોઈ બીજે પ્રસંગે કરું, પણ જે બારીક વખત હમણાં આવ્યો છે, તેમાંથી જ્યારે તું આટલાં બધાં સંકટોથી બચીને અમારા રક્ષણ માટે આવી છે, ત્યારે તારા જ કોઈક વિચારથી અમે બચીશું એવી મારી ખાત્રી છે. તને કેવાં કેવાં સંકટથી બચાવી છે એ વાતના વિચારે મને લાગે છે કે તારી બાજુએ પેગમ્બરનો સાયો છે.”

“તેં ખરું કહ્યું, મારા ધર્મના પિતા !” મોતી બેગમ બોલી. “એના સંકટથી એમ જ ખાત્રી થાય છે કે, એ આજે કંઈ ઈશ્વરની મદદથી આ પરાક્રમ કરવાને શક્તિમતી થઈ છે.” તે પછી રમા તરફ ફરીને બોલી, “આજે તેં જે કર્તવ્યકર્મ કીધું છે અને જે સંકટથી તું બચી છે તેથી અમને આશા છે કે હવે તું જ અમને બચાવશે. હવે તું વિલંબ ન કર, અને તારા વિચાર હોય તે જણાવ.”

“મારી દિલોજાન બહેન ! બેફિકર રહે, તારા ખાવિંદને કોઈપણ ભયથી બચાવી તને સુખી કરીશ.” તે ઘણા મમતાળુ શબ્દમાં તાબેદાર માફક અને અતિ અપરાધી માફક બેાલી, “હું કોઈ પણ સમયે તારી તાબેદાર છું, તારો હુકમ હોય તે ફરમાવ. હું જાણું છું કે તારો પ્રીતમ જે સંકટમાં છે, જે અત્યંત ભયમાં છે, તેમાંથી ઈશ્વર બચાવે તો જ બચે, પણ જેની પક્ષે વિઠોબા છે તેને કંઈ પણ ભય આવવાનો હોય તોપણ તેમાંથી તેનો બચાવ થશે. આપણી જ ફતેહ છે એમ જાણી તું ઉમંગમાં સઘળી તૈયારી કરાવ, જો વિલંબ કરીશું તો વખત હવે ઘણો થેાડો છે. હવે એકદમ ઝંપલાવવાનું છે, ને મારો વિચાર છે કે પહેલાં ધોડેસવાર ટુકડીને આગળ રાખી ભયચિહ્ન જણાતાં એકદમ ઝોંકાવી દેવું એ સર્વથી વધારે યોગ્ય છે. કદાચિત્ તેમાં આપણો પરાજ્ય થયો તોપણ યાદ રાખજે કે, તારા પતિને તો મારા શિરનો, મુકુટ ગણીને બચાવી લાવીશ, પછી કદાપિ મારો શિરચ્છેદ થયો તો તેની મને દરકાર નથી. હું તારી ને તારા અમીર ઉલ ઉમરા ખાવિંદની સેવા એક લોંડી માફક બજાવીશ; અને હમણાં હું પવિત્ર કોલથી, જણાવું છું કે, જ્યાં સુધી તારો પતિ તને ભેટે નહિ ત્યાં સુધી હું કદી; પણ અન્નાહાર કરીશ નહિ. !

“હું મારા પવિત્ર પ્રભુ, જગન્નિયંતાના ચરણારવિંંદપર મસ્તક ધરી કસમથી કહું છું કે, હું કદી પણ તને વીલી મૂકી તારા જાનને જોખમમાં જવા દઈશ નહિ.” મોતી એકદમ પ્રેમાવેશમાં બોલી ઉઠી.

“ત્યારે હવે આપણે જલદી તૈયારી કરવી. એક ક્ષણ પણ હવે ખોવી હાનિકારક છે. હવે એકદમ તૈયારી કરીને પગલાં ઉપાડવાને તૈયાર થાઓ.” રમાએ કહ્યું.

“ચાલો આપણે લશ્કરની બરાબર ગોઠવણ તપાસીએ ને તેમને આગળ કરીએ.” નવરોજે વિચાર બતાવી લશ્કરની બાજુએ ચાલવા માંડ્યું. થોડે દૂર ગયા એટલે બે સમશેર હવામાં ચમકતી માલમ પડી ? અને પઠાણ ને સુરલાલને પીછાની હમણાં સુરલાલનું શિર ગયું છે ; એમ જાણી નવરોજે પોતાના ઘોડાને એડ મારી એકદમ મારતે ઘોડે તરવાર મ્યાનમાંથી કુહાડી, જતાં વારને એક ઝટકે તે પઠાણનું શિર ધડથી છૂટું કરી નાંખ્યું, અને એકદમ પઠાણના લશ્કરમાંથી શાબાશીનો પોકાર ઉઠ્યો.

જે મારામારી થનાર હતી તેમાં પઠાણોનાં લોહી ઉભરાઈ આવ્યાં હતાં, તે ઠેકાણે પડ્યાં, ને જે વિચાર એક ઘડીપર હતા તે હવે તદ્દનજ બદલાઈ ગયા. સુરલાલપર જે વેરની ઝૂમ હતી તેને બદલે દયાની ઝૂમ છુટી અને તે બચી ગયો ને પઠાણ મુવો તેથી તેઓ રાજી થયા.

“સરદારે અચ્છી બજાવી દીધી !” લશકરમાંથી એક પઠાણ બોલ્યો.

“યે કમજાત, બડી હયવાનીયતકા કામ કરતાથા ! કુરાન, ઔર પયગમ્બર દોનો કી મનાથી, લેકિન કાફરને શરાબ પીથી, ગુનાહગારકો ગુનાહકી સજા અચ્છી મિલી.” બીજા પઠાણે તેનાપર લ્યાનત નાખી.

“તુમ સભોંકા બોલના બજા ઔર દુરુસ્ત હય !” નવરોજે કહ્યું.

“યે કમ્બખત અપને ગુનાહકી સજા પા ચુકા હય. મગર તુમ સબ મેરે તાબયે ફરમાન હો યા નહીં? અગર તુમ હમસે બેદિલ યા નારાજ હો, તો અપના રાસ્તા લેકે ઈસીવકત ચલે જાઓ; મેરા ખુદા મેરે સાથ હય. લુટેરોંકી પામાલીકે લિયે મેરા જબરદસ્ત હાથ હય. કભીભી અપને દિલમેં અયસા ખિયાલેખા઼મ ન લાના કે નવરોજ કાફિરોંકે સામને જાનેસે ડરતા હય. અપને કૌલસે મુકરતા હય ! હાં-મગર તુમ લોગોને પાકપયગમ્બરકી કસમ ખાકર જો હમારે સાથ મયદાને જંગમેં ચલનેકા વાઅદા કિયા હય ઔર કૌલ દિયા હય; ઉસ અપને કૌલપર સાબિત કદમ રહેનેકે લિયે તુમ તૈયાર હો યા નહીં, યહી જાન લેનેકી મુઝે ખાહિશ ઔર તમન્ના હય. યાદ રખના કે, અબ જો ભાગ જાયગા, વો નામર્દ ઔર હેચકારા કહાયગા -હરામજાદા ઔર કાફિરકે નામસે પયચાના જાયગા ! મગર હાં, ભાગને પર ભી જાનકી અમાન નહીં. અગર હમ હારેંગે, તો મરહટ્ટે તુમ સભોંકો જાનસે મારેંગે-જીતેહીજી બદનસે ખાલ ઉતારેંગે. મૌત તો આનેવાલીહી હય, તો ફિર કુત્તેકી મૌત મરનેસે કયા ફાયદા ! ઓ જર્રાર સિપાહો, સુનો - અપને મુલ્ક, દીન ઔર હમવતન મજલૂમોંકે લિયે મયદાને જંગમેં તલવાર ચલાઓગે, તો કયામતકે દિન બિહિશ્તેબરી કે લાયક ગિને જાઓગે ઔર કાફિરોકી તલવારસે કટ જાઓગે, તો જહન્નમમેં રહનેકે સજાવાર ઠહરાયે જાઓગે. અબ કહીએ ક્યા કુબૂલ હપ જન્નત યા જહન્નમ?”

“જન્નત!” એક સ્વરે સર્વેએ એક મોટા અવાજથી કહ્યું.

“મયઁ પાક પયગમ્બરકી કસમકે સાથ કહતા હું કે, જો તુમ્હારે એક બાલકોભી ઈજા પહોંચેગી, તો વહાં મયઁ અપના ખૂન બહાઉંગા- હર તૌર તુમ્હારી સલામતીકે લિયે આફતકો ગલેસે લગાઉંગા ! જબ મૌકા આયા હય તો અ૫ના જોર આજમાઓ - દુશમનોકો તેગેબુરાઁકી લજ્જત ચખાઓ !” આમ બોલી નવરોઝ એકદમ બેગમને સાથે લઈને ત્યાંથી ચાલ્યો ગયો. પઠાણો જોરમાં આવ્યા. તેઓ પ્રથમ બીજા લશ્કરમાં ફરી વળ્યા અને ત્યાર પછી તેમણે સુરલાલ સાથે કેટલીક વાતચીત કરી. સુરલાલ પોતાની તૈયારીનો વિચાર કરતો હતો. અચાનક તેાપનો એક મોટો ધડાકો થયો.

“એ શું થયું ?” નવરોજે પૂછયું.

“નવાબ બહુ ભયમાં છે !” રમાએ જવાબ દીધો અને મોતીના મેાંનું નૂર ઉતરી ગયું.