શિવાજીની સુરતની લૂટ/રમા ને મોતીને સમાગમ

વિકિસ્રોતમાંથી
← લશકરની હાલત શિવાજીની સૂરતની લૂંટ
રમા ને મોતીને સમાગમ
ઇચ્છારામ દેસાઇ
૧૯૨૮
મારવું કે મરવું ! →


પ્રકરણ ૧૭ મું
રમા ને મેાતીનો સમાગમ

મા, મોતી બેગમ હજૂર જઈને ઉભી રહી, ત્યારે આ કોણ સ્ત્રી પાછી આવી છે, એમ વિચારી બેગમ તદ્દન સ્તબ્ધ થઈ ગઈ. ધારી ધારીને જોયા પછી સરદાર સાથે ગયેલી તે જ આ મરાઠણ છે અને કંઈ માઠા સમાચાર લાવી છે એમ માની, તે તદ્દન ગમગીન થઈ ઉભી રહી. રમાના મુખમાંથી શું નીકળે છે, તે જાણવા તે બહુ આતુર થઈ ગઈ. જે જગ્યાએ આ બન્ને ઊભાં હતાં, તે જગ્યા લશ્કરથી વેગળી હતી, એટલે બીજા કોઈનું લક્ષ તે તરફ નહોતું અને મોતીનો જીવ લશ્કર, પોતાની રાજધાનીનું રક્ષણ અને પ્રીતમપરનો અથાગ પ્રેમ, એ સઘળામાં એવો તો રસબસ થઈ ગયો હતો કે, આ અચાનક પ્રસંગ ન આવ્યો હોત તો કદી પણ તે નિરાશ થાત નહિ; ને પોતાના મોઢાનું નૂર ઉતારી નાંખત નહિ. તે એક સ્ત્રીવર્ગને દીપાવે તેવી, કૃશાંગી પણ શૂરી, પાવરધી અને સૌંદર્યની પ્રતિમા હતી અને રાજકાજમાં થોડાં પણ કાવતરાં સમજતી હતી, તેથી આ વેળા આ મરાઠણને જોઇને તેણે ધાર્યું કે, મારા સરદારનો એનાથી ઘાટ ઘડાયો છે, અને તે મોંકાણના સમાચાર કહેવા એ પાછી ફરી છે.

બન્ને ઘણો વખત અબેલાં રહ્યાં. રમા ઘોડાપરથી ઉતરીને નિરાશ થઈ ગઈ હોય તેમ થાકથી લોથપોથ બની ભોંય પર બેઠી. તેના મોંમાં શ્વાસ માતો ન હોતો.બેગમનો ઠંડો સત્કાર જોઈ તે ઘણી નમ્ર થઈ ગઈ ને માથે હાથ મૂફી જાણે ખરેખરી ખેદકારક હકીકત કહેવા આવી હોય તેમ એકીટસે મોતીના સામું જોઈ રહી. આથી બેગમનો વહેમ વધતો ગયો. તે પણ એકદમ ભોંય પર બેસી ગઈ અને પોતાનો આટલો બધો આગ્રહ ને આટલો બધો યત્ન છતાં આ મહાસંકટ કેમ આવ્યું, તે સમજી શકી નહિ તેની મનોવૃત્તિ પોતાના નિકટના સંબંધીપર આવતી આપત્તિને માટે એકદમ કુદરતી રીતે જ બદલાઈ ગઈ. એ પ્રેમપાશનું આકર્ષણ, ખરેખર ઈશ્વરપ્રેરિત જ જાણવું. રમા સાથે જે નવો સરદાર ગયો તે તેનો પ્રીતમ છે એવી તેને ખબર હતી જ નહિ, પણ રમાના પાછા ફરવાથી તે સરદારનો નાશ થઈ ગયો હશે જ, અને પોતાનો પ્રીતમ છૂટો પડ્યો છે તે કદાપિ એ સરદાર તો ન હોય એમ શંકા આવતાં પ્રીતિનું આકર્ષણ ખરેખર ખડું થયું. એ શંકા તો ખરી હતી. સરદાર મોતી બેગમનો પ્રીતમ-પતિ હતો. એ હમણાં જે સંકટમાં હતો તે સંકટ ઘણું ભારી હતું. એ જીવ સટોસટના સંકટમાંથી ઈશ્વર છોડવે ત્યારે છૂટાય એવો બારીક મામલો હતો. નવાબને પણ પોતાની જિંદગીની જરાપણ આશા નહતી, તથાપિ તે જીવતો છે, અને તેના મરણનાં અપશુકન માન્યાં, તે માત્ર સ્ત્રીઓની અધીરતા શિવાય બીજું કશું નહોતું.

બંને જમીનપર બેઠા પછી લગભગ દશ મિનિટ વીતી ગઈ ત્યાં સૂધી કંઈ પણ ખુલાસો થયો નહિ. થોડા વખતમાં મોતી બેગમ સ્વસ્થ થઈ, જેવા સમાચાર હોય તે જાણવાને આતુર થઈ. આ મરાઠણ કે જેનું નામ તેને માલમ નહોતું, તેની નજીક જઈને પરોણી કોણ છે, શા માટે આવી છે, ને શા સમાચાર લાવી છે તે જાણવાને ઉદાસ થઈ બેઠી. પણ આ મરાઠણ તો હમણાં તદ્દન બેદરકાર જણાઈ. તેનો અડધા કલાકપરનો ઉમંગ ને મોં પરનું નૂર હમણાં ઉડી ગયાં હતાં. પોતાના બે પગ વચ્ચે માથું નીચું નમાવી, પગની આસપાસ હાથ વીંટાળી નિરાશ થઈને તે બેઠી હતી. મોતી બેગમની ચપળતા, તેની કાંતિ અને તેનું લાવણ્ય એ સઘળું જોઈને એ એટલી તો ખિન્ન થઈ કે, તે વારંવાર “હર હર” એમ ઈશ્વરનું સ્મરણ કરી પોતાના કોઈ અઘોર પાપ માટે માફી માગતી હોય તેમ પ્રાર્થના કરીને મનનો તાપ સમાવતી હતી. બોલવાની શુદ્ધિ જતી રહી હતી, ને પોતાની જીભ ઉપાડવાને તેને હિમ્મત થતી નહિ. તે મનમાં ધારતી હતી કે, મારા મનોવિકાર વિપરીત થયા છે, ને તેની શિક્ષા, એ મને કર્યા વગર રહેશે નહિ, એથી તે દિગ્મૂઢ બની ગઈ. એ સમયે રમા શું બેાલે છે, તેની વાટ મોતી જોતી હતી અને મોતીના બોલવાની વાટ રમા જોતી હતી. રમાને આ અચાનક શું થયું? જે મનુષ્ય પા૫કર્મના વિચાર બાંધે છે તે મનુષ્યને વહેલો કે મોડો પોતાના કૃત્ય માટે પરિતાપ થાય છે. મનુષ્યપ્રકૃતિ વિકારી છે. તે પોતાના સ્વાર્થ માટે સૃષ્ટિમાં ગમે તેનું અહિત ઇચ્છે છે; પણ ઈશ્વર ગમે તે દ્વારે તેની શિક્ષા કરે છે જ, એ સિદ્ધ થયેલું છે. રમાએ જ્યારે નવાબપર ઉપકાર કીધો ને નવાબ તેની ખૂબસૂરતીપર મોહિત થયો, ત્યારે નવાબ સાથે લગ્ન થાય તો પોતે પૂરા વૈભવસુખને પામે, એમ વાંછના કીધી; ને થોડા સમયમાં આ મુસલમાન નવાબ સાથે લગ્ન કરવાને તત્પર થઈ. તેણે ધાર્યું કે જો નવાબની હાલની બેગમ મરણ પામે તો હું બેગમ થઈ સર્વ સુખ ભોગવું. આ વિચારથી તેણે મનમાં સંકલ્પ કીધો કે, આ યુદ્ધક્ષેત્રમાં ગમે તે દ્વારે એની સ્ત્રીનો નિકાલ થાય તો સારું. આને માટે તેણે ઘણા પાપિષ્ઠ સંકલ્પવિકલ્પના વિચારો કીધા. આ વિચાર કરતી તે નજીક આવી ત્યારે આવી સુંદર મનોહર મોહનમૂર્તિ જોઈ, પોતાના પાપ માટે અતિશય પશ્ચાત્તાપ કરતી વિચારવા લાગી કે, “ રે ! રે ! મેં મારા ક્ષણિક સુખ માટે આવી સુંદર કોમળ સુંદરીનું મરણ ઇચ્છયું ! હું તે કેવા ઘોર નરકમાં પડીશ, હર હર!” આ વિચારના વમળમાં પડવાથી તેનાથી બોલાતું, હલાતું કે ચલાતું નહોતું ને તે શરમિંદી પડી ગઈ હતી. મનની સ્વસ્થતા અને વિચારની નિશ્ચલતા ન હોવાથી આમ સાધારણપણે બને છે. દૃઢ વિચારવાળા મનુષ્ય પોતાના વિચારમાંથી પાછા પડતા નથી. પણ આ તો એક કોમલાંગી સુંદરી જ કેની, તેના વિચારનો નિશ્ચય શો ? પોતાની એક સજનીને જોઈ, તેના ચેહેરામાં જે મોહિની રહી હતી તેપર મોહિત થઈ રહી અને પસ્તાવામાં પડી એમાં ઝાઝું આશ્ચર્ય જેવું નથી. કેમકે મોતી બેગમનો સુંદર ચહેરો એવી તો આકર્ષણશક્તિ ધરાવતો હતો કે, એ જગ્યાએ મોટો ક્રૂર પ્રાણી કે રાક્ષસ હોય તો તે પણ દિગ્મૂઢ થઈ જાય. સ્ત્રીઓ પ્રેમાળ ને શરમાળ હોય છે, ને તે ગમે તેવી સબળ હોય છે તોપણ પ્રેમ પામતાં ગગળી જાય છે એટલું જ નહિ, પણ પવિત્ર પ્રેમ નિરખ્યો કે તુરત ગમે તેવું કઠિન મન હોય તે પણ નરમ માખણ જેવું થઈ જાય છે. આમ જ રમાને બન્યું ને તે સ્વાભાવિક હતું.

“બહેન, તું થાકી ગઈ છે !” અંતે ઘણો વખત થવાથી મોતી બેગમે ખુલાસાની આશાથી પૂછ્યું.

રમાએ જાણે સાંભળ્યું જ નહિ હોય તેમ સ્વસ્થપણે માથું નીચું નમાવીને પડી રહી. ક્ષણેક પછી તે માત્ર “હર હર” એટલો શબ્દોચ્ચાર કાઢીને ચૂપ રહી.

મોતી બેગમની આતુરતા આથી ઘણી વધી ગઈ.

“સખી !” પોતાનો હાથ તેની પીઠ પર લગાડી ફેરવતાં મોતી ઘણી ધીમેથી બોલીઃ-“ સખી ! તમે ઘણા શોકાગ્નિથી તપ્ત થયાં છો, નહિ?”

હજી પણ જવાબ મળ્યો નહિ - માત્ર માથું નીચેથી ઉંચું કરીને રમાએ આસપાસ નજર ફેરવી, ને પાછી શરમાઈ ગઈ હોય તેમ જરાક ચેહેરાપર કરચલી ચઢાવી નીચું માથું કીધું. મોતીની મીઠી વાણી સાંભળતાં જ રમાને ઘણી શરમ ઉત્પન્ન થઈ.

“તમે સાંભળ્યું બેહેની ? શા સમાચાર છે કે તમે બોલતાં નથી? શું જે સરદાર તમારી સાથે આવ્યો હતો તેનો નાશ પેલા શત્રુવટ દર્શાવનારા મરાઠાઓએ કીધો ? અને તે શું મારા પ્રીતમ”-

“ના ! ના ! બેહેન તમે તમારા પ્રીતમ માટે એટલી બધી આતુરતા ન રાખો.” એકદમ ચમકીને રમાએ જવાબ દીધો.

“તમે મને શું કહેવા માગો છો ? તમારું એકદમ આવવું કેમ થયું તે માટે ખુલાસો કરશો?” મોતીએ કંઈક ધીરજથી પૂછ્યું: “તમે દિલગીર છો કે થાકેલાં છો ?”

“બન્ને છું,” રમાએ જવાબ દીધો. “આજે મારાપર અને તમારા પ્રીતમ નવાબ ગ્યાસુદ્દીન રૂમીપર જે જે વિડંબના આવી છે, તેવી કદી કોઈ પર પણ આવી હશે નહિ, ને તેથી આજે મારા દુ:ખનો પાર નથી.” ધીરજ ધરી સધળી પાપી ઇચ્છાઓને દૂર કરીને રમાએ પ્રત્યુત્તર દીધો.

“ત્યારે આજે તમે જેની સાથે ગયાં હતાં, તે મારા ખાવિંદ હતા ? તો તેમનું શું થયું ? તેએા ક્યાં છે ? મરાઠાઓએ કેદ કીધા કે સ્વર્ગમાં મોકલ્યા કે પોતાની સાથે લઈ ગયા ? શું છે બહેન, તે મને ઘણી જલદીથી જણાવ, તારો આભાર ભૂલીશ નહિ.” આ સઘળું મોતી એટલી તો ઉતાવળમાં બોલી ગઈ કે, પહેલો કયો જવાબ દેવો, તે રમા સમજી શકી નહિ. સ્ત્રીઓની રીતિ પ્રમાણે જેટલી અધીરતા મોતીમાં હોવી જોઈએ તેટલી અધીરતાથી આ પ્રશ્નો તેણે કીધા.

પણ રમા જરાએ ઉતાવળી થઈ નહિ. તે પણ ઘણી સમજુ હતી, વળી હવે નિર્મળ હિમાલયના વાયુ જેવા સ્વચ્છ અત:કરણની થઈ હતી, ને પોતાના પાપીષ્ઠ વિચાર ઈશ્વરે આ ૫શ્ચાત્તાપથી માફ કીધા છે, એમ જાણી તે ધીરી પડી હતી.

“ધીરજ રાખો મારી પ્રિય સખી ! તમારા ખાવિંંદ કુશળ છે, માટે તેમના વિશેની ભીતિ કહાડી નાંખો.” ધીમે ધીમે રમાએ જવાબ દીધો. “તમારા પ્રીતમપર સંકટ છે, પણ તેનો ઉપાય થશે તો ઈશ્વર સહાય કરશે ને એ સંકટમાંથી મુકત થશે.”

“યા ખુદા ! મારા ખાવિંદને તે કૃતાંત જેવા કાળા મોંના શત્રુઓથી બચાવ !” ઉંચે મુખે મોતીએ પ્રાર્થના કીધી, “પણ ઓ બહેન તું શી રીતે તે સંકટમાંથી છટકી આવી ?”

“તમારા પ્રીતમને બચાવવા માટે ઈશ્વરે મને એ મરેઠાની છાવણીમાંથી સહીસલામત છટકવા દીધી છે. “જેને રામ રાખે તેને કોણ ચાખે !” એમાં કંઈ નવું નથી.” રમાએ ઉત્તર દીધો.

“એમાં કંઈ નવું નથી, ખચીત; પણ આ તરફના રહીશ કરતાં દક્ષિણીઓ ઘણા ક્રૂર અને નિર્દય હોય છે.” મોતીએ પોતાનો વિચાર બતાવ્યો. “તમે ખરેખર કોઈ મહાદુઃખથી દુઃખી છો અને તમને જિંદગી અકારી દેખાય છે, તેથી આ યત્ન કીધો હશે ?”

મોતીના આ સઘળા પ્રશ્નોના ઉત્તર રમાએ દીધા નહિ. તેણે પોતાની વિપત્તિ જણાવવા ચાહી, પણ જે દુ:ખ બીજાને કહેવાથી દૂર થનાર નથી તે દુઃખ કહેવાથી લાભ શો ? એમ ધારી તે કંઈપણ બોલી નહિ, તે માત્ર એટલું જ બોલી કેઃ-“આજે તો મને જિંદગી અકારી લાગે છે. મારી પ્રાણપ્યારી બહેન, મેં જે તારો મહા ઘોર અપરાધ કીધો છે, તેની માફી જ્યાંસુધી તું મને નહિ આપે, ને મને ખરા પ્રેમથી હૈયા સરસી નહિ ચાંપે ત્યાં સુધી આ જિંદગી માત્ર થોડા વખતમાં મરવાને સરજાયલી છે.” પોતાને ઉભરો રમાએ કાઢ્યો.

“તારું શું છે, ને તે મારો એવો તેં શો દારુણ અપરાધ કીધો છે કે એટલી માફીની આતુરતા રાખે છે ?” મોતીએ પૂછ્યું.

“બહેન, એ ઘણી લંબાણ વીતકવાર્તા છે. એ તમને પ્રિય તો થશે નહિ, પણ તે પાપનું પશ્ચાત્તાપથી વિમોચન કરવાથી મને કરાર વળશે. હમણાં તમે નથી જોતાં કે, એ પાપને લીધે હું તદ્દન સિહાવિહા થઇ બેબાકળી બની છું તે ?”

“બેલાશક તારી વીતકવાર્તા તને અડચણ ન હોય તો કહે, ને જા હું તને પહેલાંથી માફ કરું છું !” મોતીએ ક્ષણભર વિચાર કરીને કહ્યું.

“બસ ! બસ ! હવે મને નીરાંત વળી !” એકદમ રમા જમીન પરથી ઉભી થઈ મોતીને હાથ પકડી બોલી. “હવે માત્ર જે કારણસર હું આવી છું તે જ લક્ષમાં લઈ, તમારા પ્રીતમ, જેમને મેં એકવાર મારા પ્રાણ કરતાં પણ અતિશય વહાલા ગણ્યા હતા તેમના રક્ષણ માટેના ઉપાય લેવા તયાર થાઓ. હમણાં તેઓ ખરેખર સંકટમાં પેલા સામેના મેદાનમાં દ્વંદ્વ યુદ્ધમાં ખેલવાને ઉભા છે, એ ક્ષેત્ર કાળામોંના તમારા શત્રુઓનું છે, ને તમે તૈયાર નહિ થશો તો તમારા ખાવિંદની આશા ઘણી થોડી જાણજો.”

“તમારા કહેવાનો ભાવ જાણ્યો, પણ હવે ખરેખરી સ્થિતિ શી છે તે મને જણાવશો ?” મોતીએ પૂછ્યું.

“હા.” રમાએ જવાબ દીધો.

“ગ્યાસુદ્દીન રૂમી ! તે જ તમારો પતિ ને પ્રીતમ છેની ?” ક્ષણભર થોભી રમાએ પૂછયું, “આ તેની મુદ્રિકા લો, તે તમને આપવાની છે, એ એંધાણી લક્ષમાં રાખી તમે તમારા સૈન્યને તૈયાર રાખો. ભયની નીશાની જણાતાં પૂરતા આશ્રયની જરૂર છે. જો તુરત ઉપાય નહિ લેશો તો તમારા ખાવિન્દની સ્થિતિ શી થશે, તે અનુમાનથી અત્યારે કહી શકાય તેમ નથી.”

“એટલો બધો ભય છે ? હાય! હાય!” મોતી એકદમ ગગડીને પાછી બેસી ગઈ. “ઉપાય શું કરીશું ! મારા પ્રીતમની શી અવસ્થા થશે ને તેમને આશ્રય કોણ આપશે ! ક્યાં છે મારો સુરલાલ ? તે કેમ આ વખતે સુસ્ત થયો છે ?” એમ બોલતાં તે મૂર્છાગત થઇ પડી.

“બહેન ! બહેન ! અરે આ શું ?” રમા ઘણા ગભરાટમાં પડી ગઇ. તેને શું કરવું તે સૂઝ્યું નહિ, પણ પાસે પાણી હતું તેમાંથી પાણી લાવી બે ત્રણ છાલક મારી, એટલે વિભ્રાંત સ્થિતિમાંથી મોતી સાવધ થઇ.

“બહેન ! તમે આટલાં બધાં અધીરાં ને નમ્ર કેમ થયાં છો ? તમારા કરતાં મને કંઈ ઓછું લાગતું નથી, ને મારા મનમાં શું શું થાય છે, તેનો તમને ખ્યાલ માત્ર પણ નહિ હોય. પણ માન મારી આલી ! એ તમારો ગ્યાસુદ્દીન રૂમી તમને જેટલો વહાલો છે તેનાથી જરાપણ મને ઓછો નથી. પણ ચાલો ઉઠો ને સાવધ થઇ જે કરવાનું છે તે કરો.”

“અરે સખી ! આ વખતે તેં મને જીવનદાન દીધું છે, પણ મારા પ્રીતમ વગર મારી જિંદગી વ્યર્થ જાણજે. તેના માઠા સમાચાર આવતાં પહેલાં આ જીવ તેના કિરતારની હજૂર ચાલ્યો જશે.”

“પણ હવે તમારી એ પ્રેમવાર્તા પછી કરજો, હમણાં જે કરવાનું છે તે કરો. આ મુદ્રિકા તમે ધારણ કરો, એનાં માલિક તમે જ છો, ને તેથી એ તમારી આંગળીએ જ શોભશે. મેં નવાબ સાહેબના બચાવ માટે જોઇતા ઉપાય લીધા છે, એટલે તેમની જિંદગી માત્ર ધાસ્તીમાં છે એટલું જ જાણજો, પણ તે સેાએ નવ્વાણું ટકા સલામત છે. હમણાં થોડા વખતમાં મોટો અવાજ થાય તો તમારે જાણવું કે બહુ સંકટ છે, ને તેને માટે પૂરતી તૈયારી કરવી જોઇએ. તમારા સૈન્યના સરદારોને આ વર્તમાન નિવેદન કરીને સૌએ સજ્જ રહીને કામ કરવાનું છે. જો તમે મારાપર ઇતબાર મૂકતાં હો તો, વહાલાં બહેન, ખાત્રી રાખજો કે, એ કાળા મોંના ચંડાલ લૂટારાઓને મારી ઉતારી આ શહેરને સ્વસ્થ કરીશ અને તમારો પ્રીતમ તમને આવીને ભેટશે.”

“ભલે, તને જ હું આજથી મારી રાહબર સમજીશ.” મોતીએ મોટા ઉમંગથી રમાને ભેટીને કહ્યું અને તેના હાથને ચુંબન કીધું. “બહેન, મારી એક બીજી સખીમાં તું આજે ત્રીજી થઈ. મારી જીંદગી સુધી તું દુ:ખી થશે નહિ ને તારાથી હું વિખૂટી પડીશ નહિ.”

“એ બધી વાતો નવરાશે કરવાની છે, હાલમાં જે કરવાનું છે તે કરવામાં વિલંબ શો ?”

“તમે મને કહેશો વારુ કે મારો પ્રીતમ ત્યાં શું કરે છે ?”

“તે હમણાં એક એવા સંકટમાં છે કે, જો તેમાંથી ઉગરે કે વિનાશ પામે તો પણ જગતમાં અમર કીર્તિ ભોગવશે.”

“તેમના બચવાની આશા છે ખરી ?”

“તમે ધારો છો તેથી વધારે.”

“તમારો ઘણો ઉપકાર માનું છું.”

“એ ઉપકારની વાત હમણાં કરવાની નથી જ.”

“ત્યારે ચાલો આપણે લશ્કરને સજ્જ કરીએ.”

“અને તેમાં આજે આપણે ત્રણે સ્ત્રીઓ યાહોમ કરી ઝંપલાવીએ.”

“તમે પણ અમારી સાથે રણસંગ્રામમાં આવશો ?!”

“કેમ નહિ? તમે જેટલું કરશો તેથી વધારે કરીશ - મારા હાથ જોજો.”

“શાબાશ હય ! ઓ નાજનીન, તુમ દોનોંકા તાબએ ફરમાન હમારા સારા લશ્કર તૈયાર હય ! ખુદા તુમ્હારા નિગાહબાન હો !”

છેલ્લું વાક્ય રમા બોલી તે નવરોઝે આવતાં સાંભળ્યું ને તે ઘણા ઉમંગથી એ પ્રમાણે બુમ પાડી ઉઠ્યો.