શિવાજીની સુરતની લૂટ/દ્વંદ્ધયુદ્ધની માગણી

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← મહારાજ શિવાજીની માટી કચેરી શિવાજીની સૂરતની લૂંટ
દ્વંદ્ધયુદ્ધની માગણી
ઇચ્છારામ દેસાઇ
૧૯૨૮
શત્રુની છાવણીમાં શત્રુથી બચાવ →


પ્રકરણ ૧૪ મું
દ્વંદ્વયુદ્ધની માગણી

ચેરીમાં સઘળાઓ આવ્યા પછી આસપાસના બીજા સરદારો આ ચમત્કાર જોવાને દોડી આવ્યા, તેઓએ પોતપોતાની જગ્યા લીધા પછી ચેાબદાર જે નવી જ છડી લઈને ઉભેા હતે તેણે પોતાના હમેશના રીવાજ પ્રમાણે નેકી પોકારી સૌને સાવધ કીધા. સભામાં આ વખતે તદ્દન ચુપકીદી પથરાઈ ગઈ હતી, ને સૌ જાણવા આતુર થયા હતા કે આ શો રંગ છે !! લડાઇના વિચાર લડાઇને ઠેકાણે રહ્યા હતા ને હવે આ અકસ્માતમાં તેઓ કંઈ નવું જોવા-થવાની આશા રાખતા હતા. જે તે સ્થળે હોય તેના જોવામાં પ્રત્યક્ષ આવતું કે, હાલનો બનાવ કંઈ ઘણો ગંભીર વિચારશીળ છે, અને શહેરમાંથી અવરોધ માટે નહિ, પણ લડવા માટે આવતું લશ્કર જોઈ-વળી તેમાં મુસલમાન ને હિંદુ બન્ને છે એ જાણતાં મરાઠા સિપાઈયોની મુખમુદ્રા કંઈક તેજરહિત થઈ હતી ને તેઓનો શ્વાસ ઘણો ઠંડો હતો.

મુસલમાન પહેલવાને સામા આવતાં વાર ઘણી કડવી નજર શિવાજીપર ફેંકી, અને જ્યારે તે થોડો સમય ઉભો રહ્યો ને કોઈએ સન્માનાર્થ બેસવાને આસન ન દીધું, ત્યારે તે ઉગ્રતા પામી, પાસે એક ઘણી સુંદર ખુરસી પડેલી હતી તે ખેંચી લાવી મ્યાનમાંથી તરવાર કાઢી, બરાબર શિવાજીની સામો બેઠો. આથી તુરત કચેરીમાં ઘણો ગભરાટ થયો. શિવાજી પણ તેની આ નિડરતા અને ધીરતાને જોઈ આશ્ચર્ય પામ્યો. તેણે નક્કી કીધું કે, આ જેવો તેવો નર નથી, તેમ અપમાન સાંખી જાય તેવો પણ નથી.

સર્વે કચેરી શાંત હતી. કાઈનો હોઠ પણ હાલતો નહોતો. અંતે શિવાજીએ શાંતિ તોડી.

"જાદોજી, એ કોણ જવાંમર્દ આપણી કચેરીમાં આવ્યો છે?" તે બોલ્યો. જાદોજી શું જવાબ દે છે તે જાણવાને સૌ ચાતક પેઠે આતુર થયા. સર્વેનું લક્ષ જાદોજીના મોં તરફ હતું. ક્ષણભર વિચાર કરી તેનો હોઠ ફાટ્યો.

“આ કોઈ મુસલમાન સરદાર મહારાજ સમક્ષ આવવા માંગતો હતો;” તેણે નમન કરતાં કહ્યું, “દરવાને કંઈ અપમાન કીધું ને તેથી તે રીસે ભરાયો ને ક્ષણભર વિલંબ લાગત તો એ વિકોજીને ધૂળ ચાટતો કરત.”

“હં ! એ મલેચ્છ એટલો બધો શક્તિમાન છે ?” દાદાજીએ તૂટક તૂટક શબ્દમાં કહ્યું, “ભાઈઓ રે! આજે એ વિકોજીને ધૂળ ચાટતો કરવા શક્તિમાન થાત તો એ બેરહેમ પછી મને જમ રાજા પાસે પહોંચાડત, ને પછી મહારાજપર એ ચોર પોતાનો કીનો કેમ ન લેત ?”

“હાં ! માબાપને સાચું કહું છું, એ તરકડાને તેથી મારી નંખાવવો જોઈએ.” વિકોજીએ ઘણી છટાથી ત્રણ કકડે પોતાનું વાક્ય પૂરું કીધું.

“એ તરકડાને તો મારવો જ જોઈએ, ભરતખંડમાં તરકડા ન રહેવા જોઈએ.” સો પચાસ મોંમાંથી આ વાક્ય નીકળી પડ્યાં.

“મહારાજને શું કહું ! દરવાજામાં પેસતાં જ હજારો ગાળો દઈ મને રોષે ચઢાવ્યો;” વિકાજીએ પૂરવણી કીધી. મેં ઘણી નમ્રતાથી કહ્યું કે, “ભાઈ, મહારાજ, સાક્ષાત્ પરશુરામના અવતાર પાસે મલેચ્છથી જવાશે નહિ, પણ એ તરકડાએ કંઈ પણ ગણકાર્યા વગર અગાડી વધવા માંડ્યું.” અહીંઆ વિકોજી જરાક અટકી પડીને પછી પાછા બોલ્યો. “સાક્ષાત અર્જુન સ્વરૂપને મોઢે બોલતાં લજજા પામું છું કે, એ તરકડાએ મહારાજને ઘણી “આાયચી માયચી" દીધી છે. એ સાંભળતાં જ મારો પિત્તો તપી આવ્યો ને જો જાદોજીરાવ ન આવ્યા હોત તો એના બોલવાનું ફળ એ તરકડાને ચખાડત !”

“મહારાજને અપમાન કરનાર મ્લેચ્છને ભવાની જીવતો ન જવા દેશે.” ફરીથી મોટો પોકાર ઉઠ્યો.

પણ આપણો પહેલવાન તો અડગ રહ્યો, તેણે તો જાણે કંઈ સાંભળ્યું જ નહિ હોય તેમ ખરેખરો શાંત રહ્યો, ને તેથી શિવાજી જે આ સઘળી ચર્ચા જોતો હતો તે વધારે વિસ્મય થયો. પહેલવાનની પીઠ પાછળ બે સ્વારને તેની પૂઠે રમા બુરખામાં હતી, જેનાપર હજી સુધી શિવાજીની નજર ગઈ નહોતી. તે ત્રણે જણ ઘણાં જ શાંત હતાં. શિવાજીની હવે ખાત્રી થઈ કે, આ પહેલવાન, જે સામે નિડરતાથી બેઠો છે તે દ્વંદ્વંયુદ્ધમાં પણ પાછો હઠે તેવો નથી.

જ્યારે વિકોજી બોલી રહ્યો ત્યારે શિવાજીએ ઘણી જ ગંભીરતાથી પૂછ્યું કે, “એ સરદારે બીજું કઈ કીધું છે ?”

“મહારાજને ઘણી ગાળો દીધી એથી વધારે શું ?” ત્રણ ચાર મુખમાંથી શબ્દોચ્ચારનો ધ્વનિ સંભળાયો.

“કંઈ ફિકર નહિ !” ટુંકામાં મહારાજાએ જવાબ દીધો. “ગાળ દેવી એને જ જો સરદારો પુરુષાર્થ માનતા હોય તો તેઓને તે જ માટે જન્મ આપેલો આપણે જાણવો. શૂરપુરૂષની ગાળો ઘણી મોંઘી છે તે શું તમે જાણતા નથી?” આસપાસ કચેરીમાં નજર કરી પૂછ્યું, “આપણે કંઈ ગાળો દેવા કે તમાશો જોવા આવ્યા નથી, પણ લડવાને આવ્યા છિયે. પણ તેમ છતાં તમે કહો છે કે આ અમીરુલ્ ઉમરાએ પોતાનો દરજ્જો ભૂલી જઈને ગાળો ભાંડી હોય, તમારા મહારાજના પદને અપમાન પહોંચે તેવાં વચન કહ્યાં હોય તો તમારે શું કરવું છે, તેનો મારે વિચાર કરવો જોઈએ છે. તમારો વિચાર આપો, મારે તેની જરૂર છે.”

“કોની કોની પાસેથી વિચાર માંગવામાં આવે છે ?” તાનાજીએ એકદમ આવતાં વારને પ્રશ્ન પૂછયો.

– અને સઘળાઓ એક મોટા તોફાની આંચકાથી ચમક્યા હોય તેમ સ્તબ્ધ થયા, “મહારાજ આ અમીરુલ્ ઉમરા માટે કંઈ પૂછો છો ની ?” તાનાજીએ પૂછયું.

“હા.” દાદાજીએ ડોકું ધુણાવી જવાબ દીધો.

“ઠીક, તમે આજે આવા બારીક સમયમાં ઘણી સારી તપાસ લઈ બેઠા છો ! જ્યારે આપણે આપણા અગત્યના કામમાં મચવાનું છે ત્યારે આ ન્યાયનો દરબાર ઠરાવી તેમાં તમે પોતાનો વખત ગાળો છો ! આ અમીર, કે જે આપ મહારાજની હજૂર કંઈ મોટા કારણસર આવ્યા છે ને મહારાજને પોતાના નગર તરફથી ભેટ આપવા આવ્યો છે, તેને મળવા આવતાં નાહક જે અટકાવ કરે તેને પહેલાં શાસન કરવું અગત્યનું હતું, તેને બદલે મહારાજ, બીજાને પ્રશ્ન પૂછે છે એ આશ્ચર્ય જેવું છે, દરવાજાપર પલટણો ખડી છે ને આપણા ને સામા પક્ષના માણસો જોઈએ તેવા લડવાને તત્પર થયા છે, તેવા વખતમાં આ સરદારનું આવવું જો આપણા લાભમાં હોય તો તેનો લાભ લેતાં વિલંબ ન કરો. મહારાજ ! આપણે આપણા કામ સાથે કામ છે, મિથ્યા વખત ગાળવાની કંઈ જરૂર નથી.”

“રાસ્ત હય ! રાસ્ત હય !” બે સ્વારે સાબાશી આપી.

“વખતસર ઠીક ચેતવણી દીધી.” જાદોજીએ ટાપસી પૂરી.

“સાબાશ ! કેવી યુક્તિથી નકામી પંચાતીને અટકાવી !!” દાદાજી બોલી ઉઠ્યા. “તાનાજીભાઈ, તેં બરાબર કહ્યું છે.”

“તાનાજી, હું જાણું છું કે તું કંઈક માહીતગાર છે, તેથી બોલ એની હકીકત, ને કેમ કરવું તેનો તું જ ઠરાવ કર.” શિવાજીએ તાનાજીને આગળ બોલાવી કહ્યું.

“પણ નકામું તાનાજીને પૂછીને શું ફળ મેળવવું છે ? એ સરદારને જ પૂછોની ?” બલ્લાળ, જે તાનાજીની ચઢતી જરાપણ જોઈ શકતો નહિ હતો, તેણે મહારાજ સમીપ તાનાજીને બેસતો જોઈ રંજક મૂક્યું.

“બસ, બહુ થયું.” આજ્ઞાવાચક શબ્દથી શિવાજીએ હાથ ઊંચો કરી બલ્લાળને બોલતો અટકાવ્યો. “આપણે નકામી તકરાર બંધ પાડીને રસ્તાસર આવવા માંગીએ છીએ ત્યારે આ ટંટો શાને જોઈએ ? જે જાણે છે તેને બેાલવા દે ને લડનારા અથવા જેનાથી ખમાતું ન હોય તે બહાર જાઓ. શું મારે બધા નચાવે તેમ નાચવું ?"

“મહારાજને એમ કહેનાર કોણ છે ?” જાદોજી બોલ્યા, “જો તાનાજીની મરજી બોલવાની હોય તે ભલે બોલી ખુલાસો કરે, પણ તેમ ન હોય તો આ સરદારને બોલવા દેવો એ ઘણું સારું.”

“ત્યારે હમણાં સર્વે જણ પોતાના માલિક થયા છે, ને સૌ પોતપોતાના રાજા છે કેમ ? અહીંઆ જય કે મોત એપર વાત આવી અટકી છે, ત્યારે શી રીતે આપણું કામ આગળ ચાલવાનું હતું? આ વખતે દરેક જણે ખરા મરાઠાના બચ્ચા થવાનું છે, કંઈ હોંસાતોંસી કે નકામી તકરાર ઉઠાડીને ચડભડવાનું નથી. આનો નિવેડો આવે કે સૌએ ઉઠીને તાનાજી પાછળ પોતાનો પ્રાણ આપવાને ઉઠવાનું છે, ને જેની મરજી એની પછાડી જવાની નહિ હોય તે ભલેને ચાલ્યા જાય પોતાને દેશ. એને મેં આજના દિવસનો સરદાર ઠરાવ્યો છે. જે કાયર હોય તેણે તો મુંગા જ મરી રહેવું.”

જ્યાં મહારાજ આ પ્રમાણે બોલી રહ્યા કે એકદમ “હરહર મહાદેવ ! ભવાનીકી જે !”નો મોટો પોકાર આખી કચેરી ને સૈન્યમાં ગાજી રહ્યો. બલ્લાળ ને જાદોજી તો વીલા પડી ગયાં. આથી પહેલવાનને માટે ભય ઉપજ્યો, પણ તે જરાએ ચળ્યો નહિ.

“ચૂપ ચૂપ !” ગણગણાટ અટકાવવા માટે ચોપદારે છડી ફેરવી પોકાર કીધો. મહારાજે તાનાજીને હુકમ કીધો કે સર્વ વર્તમાન નિવેદન કરવું.

“મહારાજના હુકમથી બોલવા તત્પર છું. આ શેરદીલ સમશેર જંગ એક એવો નર છે કે, એના મોંથી સાંભળેલું વધારે અગત્યનું થઈ પડશે; ને માધવરાવ ને બીજાઓને પોતાને જોઈતો ખુલાસો થશે. હું માત્ર એ દરીઆએ હાફેજના ગુણથી એટલો જ વાકેફ છું કે, તે કોઈ ઘણા મોટા અગત્યના કારણસર આવ્યો છે. તે મોટા કુળનો નામીચો નર હોવો જોઈએ.”

“શેરેનર” પહેલવાન તરફ નજર કરી તાનાજીએ પૂછ્યું - “મહારાજને આપ આપનું વર્તમાન નિવેદન કરશો ? આપ મહારાજ હજુર કંઈ વિશેષ જાણવા યોગ્ય હકીકત લાવ્યા હશો, ને તે કહેવામાં આપને કઈ હરકત નહિ હશે. આપની પછાડી જે બીબી છે, તેને પણ લાવવાનું કારણ છે કે નહિ ? દિલાવર જંગ, આપે જાણવું કે આપ જે રીતે મ્યાનમાંથી તલવાર કહાડીને બેઠા છો તે રીતિ જો કે આ કચેરીમાં અપમાન પહોંચાડનારી છે, ને મહારાજને તેથી દુઃખ પેદા થાય તેમ છે, તો પણ હજરત, ખૂબ યાદ રાખો કે, આપની જિંદગી આપના નગરમાં જેટલી સલામત છે તે કરતાં અહિયાં એાછી નથી. આપે બેધડક જે કંઈ કહેવું હોય તે કહેવું. આપને કંઈ હરકત હોય તો તે પણ જણાવશો, અમીર સાહેબ.”

“હરકત કુછભી નહીં. જિસ બાઈસસે મેરા યહાં આના હુવા હય, વો સબબ જાહિર કરનેસે મયઁ કભી ડરનેવાલા નહીં.” પહેલવાને કહ્યું.

“તો આપ, આપકી જો હકીકત હૈ વો જિગર ખેાલકે કહિયે.” શિવાજીએ ખુરશી પર ટટાર બેસીને કહ્યું.

સૌ તે સાંભળવા તૈયાર થયા, ને ત્યાં ક્ષણભર શાંતિ પથરાઈ ગઈ.

“મયઁ કૌન હું, ક્યા હું ઔર કયા દરજજા રખતા હું ઇન સારી બાતોંસે આપ વાકિફ હુવા ચાહતે હયઁ; મગર ઇન બાતોં કે જાનનેસે આપકો કોઈ ખાસ ફાયદા હોનેવાલા નહીં. અપની પહચાનકે બારેમેં મયઁ સિર્ફ ઈત્નાહી કહ સકતા હું કે, ગિયાસુદ્દીન રુમીસે મેરા દરજા જિયાદા હય, ઔર મુઝે લોગ પહલવાન કે નામસે પહચાનતે હયઁ. ઇસસે જિયાદા તાક્યામત આપકો કુછભી માલૂમ ન હોગા. આપને હમારે શહરકો લૂટ લેનેકી ધૂમ મચાઈ ઘરોંકો આગ લગાઈ ઓર બે ગુનાહ રેયાયાકી ગર્દનપર નાતરસ કાતિલ જલ્લાદકી તરહ ફૌલાદકી છુરી ચલાઈ ! અરે ઓ નાસજાઈ ! ઇન્ સબ જુલ્માતોંકા સબબ ક્યાથા ? ક્યા અયસી શયતાનીયત કરનેવાલે હી આલમપનાહ બાદશાહકે નામસે પયચાને જાનેકે સજાવાર હયઁ ? અય મહારાજ, સિર્ફ મેરે ઇસ સવાલકા જવાબ દીજિયે ઔર બાદ મેરે આનેકા સબબ સુન લીજિયે.” પહેલવાને કહ્યું.

“તુમ ગયરમજહબ કે લોગ હમારી સરજમીનમેં - હમારે મુલ્કમેં કિસ સબબસે આયે થે, ઇસ સવાલકા જવાબ આપકે પાસ હય ?” તાનાજીએ સવાલનો જવાબ સવાલથી જ આપ્યો. “સિર્ફ જવાબ નહીં બલ્કે મજબૂત જવાબ હય. હમારે પાક પયગંબરકા અયસા ફર્માન હય કે, જો કાફિર હયઁ ઉન્હે દીનમેં લાના, બુતપરસ્તીકો બરબાદ કરકે એક ખુદાકા મજહબ દુનિયાભરમેં ફયલાના; મગર યહાં હિન્દુ ઔર મુસલ્માનોંકી લડાઈકા મૌકા નહીં હય. આપ અભી તો અપનેહી જાતવાલોંપર ગલ્બા કરનેકે લિયે આયે હયઁ - અપને હમજાત ઔરહમ્મજહબોં કો હી દાંતોમેં ચબાયે હયઁ ! પયસા તુમ્હારા ખુદા હયઁ - જો પયસા નહીં દેતા વો અપની જાનસે જુદા હય, મારના કાટના ઔર તબાહી કરના યહી તુમ્હારા પેશા હય - જર મિલાતો ફિર ઔર ક્યા અંદેશા હય ? અયસી હયવાનીયત્ હમ નહીં કરતે, ઔર જિન મુસલ્માનોને અયસી હયવાનીયત્ કી હોગી ઉસ્કો કયામત કે રોજ જુરુર પરવરદિગારકે સામ્હને જવાબ દેના પડેગા - અજ઼ાબ કે બદલે અજાબ લેના પડેગા, લુબ્બે લુબાબ યે કે, હમ તુમ્હારે જયસે નાતરસ ઔર બેરહમ નહીં હયઁ. ખૈર ઇસ તકરારકો મયઁ આગે બહડ઼ાના નહીં ચાહતા. હમારે નવ્વાબ લાજવાબકા યે ફરમાન હય કે, આપલોગ હમારે મુલ્ક સે ચલે જાયઁ આર રેયાયાકો ફૂજાલ તકલીફ઼ ન પહોચાઁય. અગર સીધી તરહ ન જાઓગે, તો ફૌરનહી તેગ઼ે બુરાઁસે કાટ દિયે જાઓગે - જહન્નમકી હવા ખાઓગે. અબતક તુમ્હારે હાથસે જો ગુનાહ હુવે હયઁ, મેાઅાફ કિયે જાતે હયઁ ઔર લૂટ કે અસ્બાબભી તુમ્હે દે દિયે જાતે હયઁ. અગર યૂંહિ ચલે જાઓગે, તો હમારે હાતમદિલ નવ્વાબસે એક બહોતહી ઉમદા તોફા પાઓગે. વે તોફાભી મયઁ અપને સાથ લાયા હું - હમારી બાત મંજૂર હૈ તો પેશે નજર કરું.”

“તમારા મ્લેચ્છોના હાથથી અમને શું મળવાનું હતું વારુ?” શિવાજીએ પૂછ્યું, “તમારી પાસે હતું શું અને છે પણ શું ? તરકડાએા જ્યારથી આ દેશમાં આવ્યા છો, ત્યારથી તેમણે આખા દેશનું સત્યાનાશ વાળ્યું છે, ને તેથી અમારો ઉદ્દેશ એ જ છે કે, તેમનો નાશ કરીને પાછી હિન્દુઓની સત્તાનું સ્થાપન કરવું.” “જવાબ તો આલી જનાબકે મુંહસે વો આયા કે, જિસ્ને દુનિયાકે સબ જવાબોંકો શરમાયા.” પહેલવાને કરડાકીમાં જવાબ આપ્યો. “અબ આપ હમ મુસલ્માનોંકો સરજમીને હિન્દસે નિકાલ દેતે હયઁ યા હમ આ૫ કાફિરોં કો યહાંસે હકાલ દેતે હયઁ, યે તો જબ વક્ત આયગા તબ દેખા , જાયગાઃ-

'બકવાસ યે ફુજ઼ૂલ હય કરના જ઼બાનસે;
બેહતર હય કર દિખાના ઇસ ખાલી બયાનસે.'

–જબ પહલા વાર આપને કિયા હય, તો હમભી મયદાને જંગમે કુછ અપના હાથ દિખાયેઁગે. તુમ્હારે તાનાજીકો મેરે સામ્હને લડનેકે લિયે ભેજિયે. અગર વો ફતાયાબ હોગા, તો હમારે નવ્વાબ ફકીર બનકર રિયાસતકેા છોડ ચલે જાયેંગે, મગર ફતાહ મેરી હુઈ, તો આપ કયા મેહરબાની ફરમાયેઁગે ?”

“અબસ બકવાસ ન કીજિયે - સિર્ફ ગુસ્સેસેહી નહીં, કુછ અકલસેભી કામ લીજિયે.” તાનાજીએ તાનો માર્યો. “હમ લડનેકલિયે તૈયાર હયઁ. એક અકેલા સિપાહી દૂસરેકી હદમેં કુછભી નહીં કર સકતા. આપ બેચયન ન હૂજિયે - મયઁ ઔર આપ દોનોં મૌતસે ડરનેવાલે નહીં – ચલિયે મયદાનમેં મયઁ ઔર આપ તલવારબાજી કરેંગે ઔર યે સબ લોગ હમારી હારજીતકા ફયસલા કરેંગે.”

તાનાજીએ તરત મ્યાનમાંથી પોતાની તલવાર બહાર ખેંચી કાઢી અને આગળ વધી પહેલવાનને સલામ કરી હાથપર ચુંબન કરી તેને મુબારકબાદી આપી. બને જણ ચાલવાને તૈયાર થયા; પણ એટલામાં શિવાજીએ પૂછ્યું કે; “ખાં સાહેબ, આપ કોણ છો ?”

“મયઁ સૂરત શહરકા એક જબરદસ્ત પહલવાન હું ઔર સૂરત શહરમેં સિવા મેરે ફર્માનકે ઔર કિસીકા ફર્માન ચલ નહીં સકતા. આપમેં લડનેકી તાકત નહીં, ઇસીસે આપને અપને સરદારકો મયદાને જંગમેં રવાના કિયા હય, એક બેગુનાહકો શમાપર જલાનેકેલિયે પરવાના કિયા હય. અગર આ૫ આ જાયેં, તો રંગત બરાબર હો, કિસીકા ધડપર તો કિસીકા હાથમેં સર હો !”.

“બસ, બહુ થયું ! મિયાં સાહેબ, તમારી બધી વાતો મેં સાંભળી લીધી છે. ચાલાકી અને હુશિયારી બતાવવાનો વખત દૂર નથી.” એ પછી શિવાજીએ તાનાજીને ઉદ્દેશીને કહ્યું કે - “તમારે બહુ જ હુંશિયારીથી કામ કરવાનું છે. સધળો આધાર તમારા પર છે. આ મુસલ્લાને નસાડવો, એ તમારું કામ છે. જાઓ-'વીરવિજય તવ કરશેરે માતા ભવાની !” આજે કાંઈક નવા જ રંગ દેખાશે.”

શિવાજીએ મહાદેવ અને હરહરનો ઘેાષ કર્યો અને તેનો અન્ય જનોએ તેવો જ પ્રત્યાઘાત કર્યો. ચોપદારે તરત ભીષણસ્વરથી જણાવ્યું કેઃ-“કચેરી બરખાસ્ત થઈ ! મહારાજાધિરાજ શિવાજીનો જય !” તરત સઘળા ઊઠીને બહાર મેદાન તરફ જવા નીકળ્યા.