શિવાજીની સુરતની લૂટ/શત્રુની છાવણીમાં શત્રુથી બચાવ
← દ્વંદ્ધયુદ્ધની માગણી | શિવાજીની સૂરતની લૂંટ શત્રુની છાવણીમાં શત્રુથી બચાવ ઇચ્છારામ દેસાઇ ૧૯૨૮ |
લશકરની હાલત → |
“અમીર સાહેબ લગાર ઉભા રહેશો ?”
કચેરી બરખાસ્ત થઈ અને ચોપદારે નેકી પોકાર્યા પછી સઘળા સભાજનો દુમાલની સામેના મેદાનમાં એકઠા થયા અને દ્વંદ્વયુદ્ધનો જે રંગ અખાડો મચવાનો હતો, તે જોવાને ધણા જુસ્સાથી તંબુની બહાર નીકળી ગયા. તાનાજીના મનમાં ભય હતો કે, એનું પરિણામ કેવું આવશે ! ને જો હાર થઈ તો ફજેતી થશે, ને મુવા વગર છૂટકો નથી, તેમ અમીરના મનમાં પણ એટલી જ દહેશત હતી. બંનેનાં કલેજાંપર કાંઈ પણ ત્રાહિત શખસ હાથ ધરે તો તે ઘણાં ધબકતાં જણાતાં હતાં; તથાપિ જેવા જુસ્સાથી તાનાજી માલુસરે ઉઠીને ઉભો થયો તેવા જ જુસ્સાથી, જરાપણ ખેંચાયા વગર એણે પણ પોતાનું પગલું આગળ ભર્યું.
પણ રમા, જે એક ઘણી કાબેલ સ્ત્રી હતી, અને જે આ જવાનની હિમ્મત, ચતુરાઈ અને સાહસિકપણું જોઈ મોહિત થઈ રહી હતી, તેણે જોયું કે કદાચિત અમીર જિતશે તો પણ તે જીવતો જવા પામશે નહિ. મુસલમાનોમાં જે કેટલાક અમીરી ગુણો છે, તે અમીરી ગુણો હિન્દુઓમાં નથી, તે રમા ઘણી સારી રીતે જાણતી હતી, ને તેથી એના મનમાં લાગ્યું કે જે મારા રક્ષણ માટે આ છાવણીમાં આવ્યો છે, તેનું રક્ષણ કરવું એ મારું કામ છે. જે વખત કચેરીમાં ખરેખરી તકરાર ચાલતી હતી, તે વખતે જ તેણે કેટલીક સૂચના કરવાનું નક્કી ધાર્યું હતું; પણ આસપાસ જે ચોકી પહેરા હતા તેમાંથી વાતચીત કરવી ઘણી ભય ભરેલી છે એમ ધારી તે અબોલ રહી, પણ તક જોયા કરતી હતી.
સઘળાઓ તંબુ છોડીને આગળ નીકળી ગયા ને સહુથી છેલ્લાં રમા અને આપણો જવાન અમીર બે જ રહ્યાં, ત્યારે લાગ જોઈને રમાએ આ અમીરને ઉભો રાખવાને માટે પોતાનો મોહક સાદ કહાડ્યો. “અમીર સાહેબ, કેમ સંભળાયું કે ?” રમાએ ધીમા સાદથી કહ્યું.
“ગુલરુ ! હમકો બુલાતી હય !” અમીરે પાછા ફરી ઘણી નરમાશથી પોતાનો શબ્દ કહાડ્યો.
“હા, મારે કંઈક સંકેત આપની સાથે કરવો છે. તમને કંઈ હરકત તો નથી ?” રમાએ પૂછ્યું.
“જબ જીનેકી ઉમ્મીદકો છોડા - દુનિયાસે મુંહ મોડા, તબ હરકત ક્યા ઔર ડર કિસ્કા ! હાં - મગર બેગમકી યાદ આતી હય, તૌ તબીયત બિગડ જાતી હય. મેરી બેગમ ભી લડનેમેં ચાલાક હય.- ઉસે જાકર યે સબ કયફીયત કોઈ સુનાં સકતા હય ! હમારા ગમ મિટા સકતા હય ?” અમીરે જરાક ગભરાટથી પૂછ્યું, કેમ કે પોતાના જાનની સઘળી આશા- તેણે છોડી દીધી હતી. બે મરાઠા, જે અમીરની અગાડી ગયા હતા, તેમની વાતચીત ઉપરથી આ અનુમાન કરવાનું તેને કારણ મળ્યું હતું, તે મરાઠાનું બોલવું એવું હતું કે, “જો લડતાં ન હારશે તો બચતાં પણ મરશે,” અને તેનો અર્થ ઘણો ખુલ્લો હતો.
“સરકાર ! જે કામ ઉઠાવ્યું છે તેમાં પેગંબરપર વિશ્વાસ રાખીને ઘુમવું. કંઈ૫ણ ડરવાનું કારણ નથી. તાનાજી જેટલું જોર બહારથી બતાવે છે તેટલું તેનામાં જોર નથી, ને તેને તમે મારી ઉતારશો એવી મને પૂર્ણ આશા છે. તમે આટલા બધા જુસ્સાથી મેદાન ઉતરી ગયા છો, અને સઘળી હિંમતથી મને હેમખેમ પોહોંચાડવાને આવ્યા છો, તેમાં એ પ્રમાણે નાઉમંગ થશો તો પેગંબરને ત્યાં તમે શું જોખમદાર નથી ? હિમ્મત રાખીને ઉતરી પડી, એ નાકૌવત, કે જેણે પોતાને શરણે આવેલી અબળાઓને કાપી નાખી છે તેને તેના અપુરુષાર્થનું ફળ ચખાડો. જેણે સત્યને માટે ખડ્ગ હાથમાં લીધું છે, તેને ઈશ્વરની સંપૂર્ણ સહાયતા છે.”
“લડ઼કી ! તેરા કહના રાસ્તો દુરુસ્ત હય. ઇન્ સભોંકો મયઁ અચ્છી તરહ જાનતા ઔર પંયચાનતા હું. મરનેકા મુઝે જરાભી ગમ નહીં. યે તો મયઁ ખૂબ જાનતા હું કે, ગર મયઁ ફતેહમંદ હુઆ, તૌભી યે મુઝે દગ઼ાસે મારેંગે. અફસોસ સિર્ફ ઇસ બાતકા હય કે, મેરી બેગમ મેરે શિવા ધડીભર ન રહેગી ઔર વોભી મેરે સર પર ઇલ્જામ ધરેગી કે નામર્દ કે હાથસે એક મર્દ મારા ગયા. પહલે જો તુઝે કહના હો કહ દે, ઔર બાદ મેરા એક પયગામ શહર મેં પહોંચાનેકા કૌલ દે.
“તમે લડવાથી ડરો છો ને બચવાનો કંઈ માર્ગ જડતો નથી?”
“મયઁ લડને યા મરને સે તાક઼યામત ડરનેવાલા નહીં – મગર યે વહમો ગુમાન તેરે દિલમેં કહાંસે આયા ?”
“કંઈ પણ નહિ, પણ મારી એટલી આજીજી છે કે, આ લડાઈના મેદાનમાંથી કોઈ પણ રીતે બચી જવાય તો ઠીક, એના મારી પાસે ઘણા ઉપાય છે. તમે જાણો છો કે હું કોણ છું ?”
“તુઝે જાનનેસે ક્યા ફાયદા ? ઓર ન જાનનેસે ક્યા નુકસાન ! મુઝે કુછભી દરકાર નહીં, તું ફરિસ્તા હય, ઇન્સાન હય, યા શયતાન ? મગર લડકી, તૂ ક્યા દુશમનોં કે હાથોં મુઝે કટવાના ચાહતી હય ? મેરી તનહાઈકા ફાયદા લેકર વો કાફિર શયતાનજદે મુઝે ગિરફતાર કરેંગે ઔર તલ્વારકા વાર કરેંગે, તો મેરી બહાદરી પર્દેમેંહી રહી જાયગી. મેરે સરપર નામર્દપનકી બદનામી આયગી. મયઁભી એક શેરનર ઔર આલીખાન્દાન હું, ઔર મયદાને જંગમે લડાઈકા વો હુનર દિખા સકતા હું કે, કોઈ દેખતાહી રહ જાય. ઇસ હુનરકો બતાનેકે લિયેહી આજ મયઁ મરનેકો તૈયાર હું - તાનાજી બડા સૂરમા ઔર બહાદર હોગા, મગર યારોકે સામને આયગા તો માલૂમ હો જાયગા કે, ચૂંટીકો પીલે યસીમકા સામના હય. ગર કોઈ હરકત નહી, તો મુઝે અપની પયચાન બતા દે, તૂ કોન હય યે રાજ઼ સુના દે, નહિ તો, ચલ હમારે સાથ લડાઈકે મયદાનમેં ઔર દેખ સૂરતકે નવ્વા-" આટલું બોલતાં સાથ તે છેલ્લું વાકય પૂરું કર્યા વગર એકદમ અટકી પડ્યો ને રમા ચમકીને ઉભી જ થઈ રહી. તેનાથી જરા પણ બોલાયું નહિ ને તે અમીરની સામે ટગર ટગર જોવા લાગી. ન ધારેલો ખુલાસો એકદમ થઈ જવા જેવો વખત પાસે આવ્યો, ને પોતાને હાથે જ પોતાનો ઘાણ બગાડ્યો હતો, એમ માની અમીર સાહેબ પણ દિગ્મૂઢ થઈ ગયા. પણ પેલી મોહિનીનો વિચાર કોઈ પણ રીતે ઈજા કરવાનો નહોતો. તે તો પોતાના બચાવનારને બચાવવા ઘણી આતુર હતી, પણ જે જવાન માટે મરાઠાની છાવણીમાંથી ઘણીક ખોટી ખોટી વાતો સાંભળી હતી તે જુવાન આટલો બધો સીનેબાજ છે, અને આટલી બધી હિંમત ધરાવે છે, એનાથી તે એટલી બધી તો મૃદુ બની ગઈ કે, આ જવાનને પોતાનો પ્રાણપ્રિય ગણવા લાગી. તે હવે તેને બીજી જ રીતે જોવા લાગી અને જેમ બને તેમ તેનું રક્ષણ કરવું, એ જ મુખ્ય ઠરાવ કરી બેઠી.
જે અમીરની આપણે વાર્તા કરીએ છીએ તે બીજો કોઈ જ નહિ પણ સુરતનો નવાબ ગ્યાસુદ્દીન રૂમી છે. વલંદાની કોઠી તરફ એ ગયો ત્યાંથી આપણે એને છૂટો મૂકી ગયા હતા; તેથી ટુંકમાં એટલું જ કહેવાનું છે કે ખબર મેળવતાં તે દોટ મૂકતો જ્યાં લશ્કર આવી પહોંચ્યું હતું ત્યાં આવી પહોંચ્યો. રમા જ્યારે ત્યાં આવી પહોંચી ત્યારે તેણે મનમાં નક્કી કીધું કે એ નિમિત્તથી મરાઠાનું લશ્કરી બળ કેટલું છે તે જાણી અવાય તો ઠીક પડે; અને તેથી જ પોતે છૂપો રહી એકદમ ઝંપલાવી પડ્યો શિવાજીની કચેરીમાં જે જે પ્રસંગો બન્યા તે આપણે જાણી ગયા છીએ. પણ ત્યાં હોંસાતાસી કીધી અને ધારેલું કામ પાર ન ઉતારતાં ઉલટું નકામું દુઃખ શિરપર હોર્યું, તેને માટે એ પોતાના મનમાં હમણાં સેહેજસાજ પસ્તાવો કરતા હતા.
જવાનીના જુસ્સા ઘણા સારા હોતા નથી.જવાન માણસો હમેશાં પોતે હોય તેના કરતાં પોતાની શક્તિ ઘણી વધારે જાણે છે, પણ જ્યારે વૃદ્ધપણાના લાંબા અનુભવથી પળિયાવાળા ડોસાઓ સો ગળણે ગાળીને પાણી પીએ છે ત્યારે જવાનીઆઓ યાહોમ કુદી પડે છે અને તેમાં જ્યારે પછડાઈને પસ્તાવામાં પડે છે ત્યારે પણ સમજતા નથી; ઘરડા ડોસાઓ અનુભવી હોવાને લીધે ઘણીક રીતે બારીક પ્રસંગો કાઢી લે છે, અને પોતાનું ધાર્યું પાર પાડે છે. તેઓ કાવાદાવા ને છળકપટથી ભરેલા હોવાને લીધે દુનિયાને સારી રીતે પિછાની શકે છે, ત્યારે જવાનીઆઓ ભોળા અંતઃકરણના, ઉછળતા લોહીના, પોતાનું કેમ બગડે છે તે કાઈ પણ પ્રકારે ન જાણ્યા વગર એકનિષ્ટ અંત:કરણથી મેદાન પડે છે; તેમાં ઘણી વેળાએ જશ કમાઈને આવે છે, ત્યારે તેઓ ઘરડાઓને શરમાવી પણ નાંખે છે. પણ આટલું ખરું કે, પ્રસંગ વિચારવો અને ધારેલું પાર પાડવું એમાં ઘરડાઓ જેવા હોશિયાર હોય છે તેવા જવાન હોતા નથી. પણ જુવાન જે કામ કરે છે તે ઘરડાથી થતું નથી. જવાનીઆ ધીટ, ધીર, વીર હોય છે, ને તેથી ગમે ત્યાં ઝંપલાવી પડે છે.
અમીર નવાબે પણ એક તરુણપેરે પગલું ભર્યું હતું અને તેથી તે હવે કંઈક વિચારમાં પણ પડી ગયો હતો. નવાબ એ જ છે એવો વિચાર થતાં રમાની મનોવૃત્તિ નવાબપર પ્રેમથી પ્રેરાઈ. તે એક સદ્ગુણી સુંદરી હતી, એટલે તેને માટે કંઈ પણ લાંછનયુક્ત બોલવું, એ ઘણું ખોટું કહેવાય.
એક પળ અને માત્ર તે એક જ કીમતી પળ બંને જણ અબોલ રહ્યાં; પણ પછી રમાએ જ પહેલ કીધી.
“નવાબ સાહેબ ! આપે કંઈપણ ગભરાવું નહિ. મેં તમારો ભેદ જાણ્યો, ને હું તમારે ખાતર નહિ, પણ મારે પોતાને ખાતર તમારો પ્રાણ બચાવીશ. જ્યારે તમે મારા માટે આટલું જોખમ ખેંચ્યું છે ત્યારે મારો ધર્મ છે કે તમારું રક્ષણ કરવું; અને ખાત્રીથી માનજો કે જે ગુપ્ત ભેદ તમે મને કહ્યો છે તેથી જરા પણ ખિન્ન થયા વગર બેધડક તમે લડાઈના મેદાનમાં ઝંપલાવો. ત્યાં તમને જ ઈશ્વરી યારી આપશે. હું શિવાજીની ઘણી જ પ્રિયમાં પ્રિય નાયિકા છું. એ મને પોતા સાથે લગ્ન કરવાનું કહી લઈ આવ્યો છે, પણ એની પાપી વાસના મને પસંદ ન પડવાથી મેં એનો સ્વીકાર કીધો નથી. તમારો બચાવ સહજમાં થાય તેવો છે, પણ હું તેમ કરવા માગતી નથી; તો પણ એક ઈલાજ છે, તે રીતે હું કરી શકીશ.”
“કિસ તર્હસે ?” નવાબે પૂછયું,
“મારી જેમ અક્કલ ચાલશે તેમ હું કરીશ.” રમાએ જવાબ વાળ્યો.
“મુઝે ઇસ્કા યકીન કયોંકર હોસકતા હય ?” નવાબે પ્રશ્ન કીધો.
“મારા જીવના સમ, ઈશ્વરપર વિશ્વાસ રાખીને મને વિશ્વાસયુકત કરો. હું તમને બચાવવા મારો પ્રાણ પણ આપી ચૂકી છું, તો પછી શું જોઈયે છે ? આજે કાં તો તમારી નગરી લૂટાય છે કે કાં તો મરાઠાએાની લેાથો આ મેદાનમાં પડે છે તે તમે જીવતા જ જોશો. તમારા તનને કંઈ પણ ઈજા થશે નહિ, પણ કદી તમે સપડાયા તો આ ત્રણ ગોળા હું તમને આપું છું તે, જ્યારે ખરેખરી આફત તમારા શિરપર આવી પડે ત્યારે ઘણા જોરથી, જેટલું તમારામાં જોર હોય તેટલા જોરથી વારાફરતી પાંચ પાંચ પળને અંતરે જમીનપર અફા- ળજો, ને તેથી તમને જોઈતી હોય તે સઘળી મદદ મળી આવશે. આ ખંજર લો. એને છાતી આગળથી દૂર ખસેડતા નહિ અને ખરા ઉપયોગનો સમય આવે નહિ ત્યાં સૂધી તે શત્રુની છાતીમાં ભોંકતા નહિ. એ ખંજર જેની છાતીપર એકવાર પડ્યું તે ક્ષણમાત્રમાં ઈશ્વર સમીપ પહોંચી જશે. એ સઘળા કરતાં વધારે જરૂર તમને હોય ને તમારો જાન જ બચાવવો હોય ત્યારે કોઈ પણ મરાઠાને આ દાબડી બતાવજો, જેથી ખૂનમાં આવશે તો પણ તમને જતા મૂકશે. લડવામાં તમને બે વાત જણાવું છું; મરાઠો જે લડવા આવે ને તેમાં માલુસરેને જે ઘા તમે મારો, તે ૫ગપર મારજો, એમાં જ તમારો જય થશે; કેમકે એના ડાબા પગમાં જે ખોડ છે તેથી તે પર ધા પડતાં જ તે લાંબો થઈ જશે, ને તમે તે લાંબો થાય કે જોઈએ તો ગોળાનો ઉપાયોગ કરજો, ને જોઈએ તો ખંજરનો !” આ સઘળું તે એટલી તો ઝડપથી બોલી ગઈ કે નવાબથી તેના ખુલાસામાં એક પણ પ્રશ્ન પૂછાયો નહિ. એ શા માટે આટલી બધી યુક્તિ બતાવે છે, ને તેમાં કંઈ પ્રપંચ તો નથી એમ પણ એના મનમાં આવ્યું, પણ “ખુદા હાફિજ હય !" એમ મનમાં બોલી તે ચૂપ રહ્યો.
રમાની ઝડપ, તેની ચપળતા અને ખૂબસુરતી જોઈને તે ચકિત થયો, કેમકે ઘણી ઝડપને લીધે તેનાથી ભૂલમાં પોતાનો બૂરખો ઉંચો થઈ ગયો, ને એ ખૂબસૂરતી જોઈ તે આભો જ બની ગયો, પ્રીતિનું મજબૂત બીજ એના અંતઃકરણમાં રોપાયું.
“અય દિલરુબા ! જબ તૂને મેરી જિન્દગીકે બચાનેકા બીડા ઉઠાયા હય, તો હમારીભી યહી દુઆ હય કે ખુદા તેરા નિગાહબાન રહે - હમેશા શાદમાન રહે. મગર જિસને ઇતની મહેરબાની ફરમાઇ હય ઉસ્કા એહસાન માનને કે વક્ત કિસ્કા નામ જબાનપર લાઉ - મોહશિનકો કિસતરહ પયચાનું ?”
“ખુદાવંદ! એ માટે આપને કંઈ પણ દરકાર રાખવાની જરૂર નથી, ને એ જાણવાની કંઈ અગત્ય નથી. વખત ઘણો થોડો છે, કામ ઘણું કરવાનું છે, માટે હવે શું કરવું તે મારે જ નક્કી કરવાનું છે. હવે આપ સિધારો, કેમ કે આપણો આ સંકેત શો છે, ને હું કોણ છું ને ક્યાં છું તે ઘણાં જ થોડા મરાઠા જાણે છે, એટલે જે મારે કરવાનું છે તે ઘણી સહેલાઈથી કરી શકીશ, હવે તમે દૂર જાઓ ને તમારું કામ કરો.”
“અય નાજનીન ! મયઁને આજસે અપની જાનકી માલેક તુજે બનાઈ હય. તેરે એહસાન કા બદલા દેના મેરી તાકતસે બાહર હૈ મગર વક્ત આયગા તો જુરૂર એહસાનોંકા કુછ ન કુછ યવજ દિયા જાયગા. એહસાને કે ઇલાવા તેરી ખૂબસૂરતીકા મયઁ ૫રસ્તાર હું ઔર તેરે ખાતિર અપની જાનકા સદકા દેનેકો તૈયાર હું.” નવાબે પોતાના પ્રેમના આવેશમાં તેનો અત્યંત આભાર માન્યો. “પૃથ્વીનાથ ! હું એક ગરીબ છોકરી માટે આપનો આટલો બધો ઉપકાર ન હોય ! મેં શું કીધું છે! માત્ર જે કામ તમે મારા રક્ષણ માટે ઉઠાવ્યું છે, તેનો એક ઘણો હલકો બદલો આપવા માંડ્યો છે.” પછી નીચે નમીને પગે લાગવાના ડોળથી બોલી - "જગત્પાલનકર્તા, ઓ નવાબ, તારી જેવી મહેરમારા પર છે, તેવી હંમેશાં રાખજે, પણ જરા પણ મને હીણતો નહિ. હું તારી જૂતીની ખાક છું, ને ગરીબ દાસીની સેવા કબૂલે છે તે તારી લાયકી છે. રામ કદી સવરીનાં આજીઠાં બોર આરોગે નહિ, પણ રામની ઘણી મહત્તા છે કે તેણે ગરીબ રાંકનો અનુગ્રહ કીધો તે જેટલી મોટાઈ પામ્યો છે તેટલી મોટાઈ તું પણ પામશે.” એમ બોલતી કે તે હઠી અને પાછી બોલી:-“હવે રામરામ સરકાર સાહેબ !”
“અયે ગુલ, ઓ ગુલાબ !” ઘણાં ગદગદિત વેણથી નવાબ બોલ્યોઃ-“અબ તૂ કિધર જાયગી ? મયઁ જંગકે મયદાનમેં ખડા રહૂંગા ઔર તૂ કયા કરેગી ! તેરા કયા હુકમ હય, ચાંદકે ટુકડે ?”
“મારો હુકમ સરકાર ? હું કિસ ગણતીમાં છું ! આ દાસી તમારો કોઈ પણ હુકમ બજાવવાને માટે તત્પર છે, હુકમ હોય તે ફરમાવો.” ઘણા પ્રેમથી રમા બોલી.
“મેરી યહી તમન્ના હય કે તુઝપરસે જાન કુરબાન કરું ?”
“નહિ સરકાર, હવે વખત નથી. તમારે જોઈયે તે કરજો, પણ હવે વખત ઘણો થેાડો છે ને કામ ઘણું કરવું છે.” એમ કહીને બંને તંબુના દરવાજા પાસે આવ્યાં. રમા નવાબનો ઘણો ફક્કડ ઘોડો હતો તેપર એકદમ ચઢી બેઠી અને ઘોડાને એડી મારી દોડાવવાની તૈયારી કીધી.”
“જાનેમન, કિધર જાએગી ?” નવાબે પૂછ્યું,
“સરકારને પાછી મળીશ, અને ત્યારે આ લોંડીને યાદ રાખજો.”
એમ કહેતી કે ઘોડાને એડ મારી ઘણા જુસ્સામાં તે મરાઠાની છાવણીમાંથી બહાર નીકળી ગઈ.