શિવાજીની સુરતની લૂટ/પરિશિષ્ટ ઐતિહાસિક સ્થિતિ

વિકિસ્રોતમાંથી
← બાદશાહી દરબાર શિવાજીની સૂરતની લૂંટ
પરિશિષ્ટ ઐતિહાસિક સ્થિતિ
ઇચ્છારામ દેસાઇ
૧૯૨૮


પરિશિષ્ટ
*************
કેટલીક ઐતિહાસિક માહિતી
(૧)

શિવાજીની સુરતની લૂટ સંબંધમાં ઐતિહાસિક પુરાવાઓ શા છે, તે વાંચનારની જિજ્ઞાસા તૃપ્ત કરવા માટે અત્રે રજુ કરવામાં આવે છે; ગ્રન્થકર્તાએ વાર્તાનો રસ ઝમાવવા માટે તેમાં શા શા ફેરફાર કર્યા છે તે આ ઉપરથી જણાશે.

સુરતનું ભૌગોલિક સ્થાન:- સુરત તાપી નદીને દક્ષિણ કીનારે આવેલું છે. તાપી નદી શહેરથી ૯ માઈલ દૂર ખંભાતના અખાતને મળે છે. તેનો પટ, સુરતના કીલ્લા આગળથી તે સામે પાર સુધી ૦ાા માઇલ છે. હાલમાં તેના ઉપર હોપ સાહેબની યાદગિરિમાં બાંધેલો પુલ છે.

સુરતને ફરતા બે કોટ હતા:- એક માંહેનો અને એક બહારનો. પહેલો, શહેરેપનાહ અને બીજો આલમપનાહને નામે ફારસીમાં લખાતો. શહેરેપનાહનો કોટ ઈ. સ. ૧૬૬૨ માં એટલે કે શિવાજીએ પહેલીવાર સુરત લુટ્યું તેની બે વર્ષ પહેલા, આ વાર્તાના નાયક ગ્યાસુદ્દીન રૂમીની હકુમતમાં બંધાયો હતો.[૧] એ બંધાવાની રજા લેવા જહાનબેગ તથા વીરજી વહોરા ઔરંગઝેબ બાદશાહ


  1. * શહેરેપનાહ - એટલે શહેરનો કચરો જ્યાં ઠરતો હોય તે જગા. એટલે ખાડી અને એ ખાડીને લગતો જે કોટ તે એ કોટ (માંહેનો).
    શિવાજીએ મોગલ રાજના તાબામાં મારફાડ અને લૂંટ ચલાવવા માંડેલી અને ચોરાસી વાવટાના બંદર તરીકે સુરત ખીલવા માંડેલું તેથી તેના રક્ષણની જરુર ઉભી થઈ હતી.તે માટે વીરજી વોરો અને જહાનબેગ કોટ બાંધવાની રજા લેવા દિલ્લી ગયા હતા, અને બાંધવાનો બંદોબસ્ત કરીને આવેલા.જે વખતે આ સુરતીઓ દિલ્લી ગયેલા ત્યારે શિવાજી દિલ્લીમાં સપડાયો હતો, અને તેણે વીરજી પાસે નાણાંની મદદ માગી હતી. વફાદાર વીરજીએ ના પાડી. તેથી શિવાજીએ તેને સુરત આવી લૂટવાની ધમકી આપી હતી, અને તે કિલ્લો બાંધી રહે તે પહેલા આવવાનું જણાવેલું.
પાસે ગયા હતા, એ જહાનબેગ ઘણો નેક ને હિંમતવાન હતો અને વીરજી

વહોરો પણ ઘણો ધનવાન અને ધર્માત્મા વાણિયો હતો. × × × આ વીરજી વહોરા પાસે તે સમયે રૂપીઆ એક કરોડથી વધારે નાણાં હતાં, અને તેને તથા તેના કુટુંબીઓને લૂટી, તેનાં ઘરબાર બાળી જમીનદોસ્ત કરી શિવાજી પહેલી લૂટમાં અનર્ગલ દોલત લઈ ગયો હતો. વીરજી વહોરાનું નામનિશાન શિવાજીએ રાખ્યું નહોતું. × × આજે અંદરનો કોટ તોડી નાંખવામાં આવ્યો છે, તેથી શહેર અને પરાં એકત્ર થઈ ગયાં છે, માત્ર તેઓ વચ્ચે ખાઈ હજી સુધી કોઈ કોઈ સ્થળે છે. × × × સુરતમાં હાલ જે કોટ રેલવેની ગાડીમાંથી દેખાય છે તે આલમપનાહનો ભાગ છે.

વાર્તામાં નવસારીના દેશાઈએ આવીને મદદ કર્યાની વાત છે. નવાબને તેવા મદદ કરનાર અનાવલા દેશાઇઓ ઘણા હતા. મહિધર, રૂઘનાથ, રામ, સામ - એ મોટા અનાવલા દેશાઈઓનાં નામ ઉપરથી તે તે પરાંના નામો પડેલાં છે.

દુમાલનું મેદાન કે જ્યાં આગળ ગ્યાસુદ્દીન રૂમી અને શિવાજી વચ્ચે છેલ્લી ઝપાઝપી થઈ હતી અને શિવાજી છ દિવસની લૂટ લઇને નાઠો હતો તે સરાહના દરવાજા બહાર છે. ત્યાં આગળ એક જુનું હનુમાનનું દહેરૂં છે.

તાપી નદી જ્યાં આગળ સમુદ્રને મળે છે ત્યાં આગળ હજીરા કરીને એક જુનું બારું છે. આ સ્થળ હવાફેરબદલ અને તેના પાણીના ગુણ માટે વખણાય છે. ત્યાંથી ૨ાા માઈલ ઉપર મોરા સુંવાળી નામનાં ગામ છે;- જ્યાં અસલ મોટાં વહાણો-ઝાઝો નાંગરતા અને જ્યાં યૂરોપી ટોપીવાળાઓ વચ્ચે માંહોમાંહે લડાઈઓ થતી.


દિલ્લીથી નાસી ગયા પછી શિવાજીને ઔરંગઝેબ સામે લડતા નાણાની ઘણી તાણ પડવા લાગી એટલે તેણે સુરત તરફ નજર ફેરવી, અને જ્યારે જોયું કે વીરજી વોરો કિલ્લો બાંધી શક્યો નથી, પણ માત્ર નમુના તરીકે માટીનો કોટ રચે છે, ત્યારે જુની વાત યાદ આવી, જાસુસો મોકલી માણસો અચાનક હલ્લો કર્યો (તા૦ ૫-૧-૧૬૬૪) અને તેમાં પહેલો ઘા વીરજી વોરા ઉપર પડ્યો. તેની દોલત શિવાજીએ લૂંટી લીધી; તેના કુટુંબીજનોને મારી નાંખ્યા, અને માટીનો કામચલાઉ કોટ ભાંગી ખેદાનમેદાન કર્યો, એવું દંતકથાકારો કહે છે.

આલમપનાહ-એટલે દુનિયાનો કચરો, એ કોટ (બહારનો) ઇ. સ. ૧૭૦૮માં બાદશાહ ફરૂખશીરના વખતમાં બંધાયો હતો. સુરતની વસ્તી ઇ. સ. ૧૭૯૬ માં આઠ લાખની કહેવાતી. શિવાજીએ સુરત લૂંTયું હશે તે સમયે તેથી પણ વધારે હોવી જોઈએ. હાલમાં તો ૮૦ થી ૯૦ હજારની ગણાય છે. દેશી વસ્તીનો મોટો ભાગ વાણિયા, બ્રાહ્મણ, શ્રાવક, ભાટિયા, કાછિયા, ભાઠેલા, કણબી, મુસલમાન, હેારા ને પારસીઓનો છે.

રીતભાતમાં સુરતની વસ્તી જેવી સુઘડ છે તેવી બીજી કોઈ ગુજરાતમાં નથી. સ્ત્રી પુરૂષોનો પોશાક આછો ને શોભતો છે, તેમ તેઓની ઘરેણાં પહેરવાની રીત પણ યુક્તિસર છે. સુરતના લોકનું બોલવું પણ કુમળું ને મધુર છે. હાલ મુફલીસીમાં છે તોપણ તેઓ શહેરના રહેનાર, સુઘડ અને ચતુર છે, એમ પોતાના ચહેરા ઉપરથી બતાવે છે. સુરતના લોક હિન્દુસ્તાનના કોઈપણ ભાગમાં તરત એાળખાઈ આવે છે.

ઇ. સ. ૧૬૬૨ માં કંપની સરકારે, જે અંગ્રેજો કોઠીમાં રહી ખાનગી ધંધો કરી કંપનીને નુકશાન પુગાડતા, તે અટકાવવા માટે એક ગવર્નર નીમ્યો હતો. તેનું નામ સર જ્યાર્જ ઓકસનડન હતું.

એ કાળે સુરતની સંપત્તિનું શું પૂછવું ? એ વિષે ખબર કાઢવાને શિવાજી મરેઠાએ પોતાનો એક બહીરજી નામનો જાસુસ સુરત મોકલ્યો હતો. એથી વાકેફ થઈને સુરતની તવંગિરીથી લલચાઈને નાશકની યાત્રાનું બહાનું બતાવી શિવાજી ૪૦૦૦ સ્વાર સાથે અચાનક તા. ૫ મી જાનેવારી સને ૧૬૬૪ માં સુરત આવી પહોંચ્યો, એ વાત સાંભળતાં જ હાકેમ તો કિલામાં ભરાઈ બેઠો. શહેરના લોક જીવ લઈને નાઠા. થોડાએક શાહુકારોએ અંગ્રેજની કોઠી આગળ આવી પોતાના જાનમાલ બચાવવાની વિનંતિ કરી તેથી તેઓ બચ્યા. એ વર્ષમાં કંપનીની કોઠીમાં ૮૭ લાખનો માલ હતો. સમી સાંજ સુધીમાં તો મરેઠાનું સૈન્ય સુરતની ચોમેર ફરી વળ્યું. કેટલાકે કિલ્લાને ઘેરો ઘાલ્યો, પણ ત્યાં કંઈ તેઓનું ફાવ્યું નહિ. ઘણાએકે તો છ દાહડા અને છ રાત નિરાંતે શહેરને લૂંટ્યા કીધું ને બાળ્યા કીધું. અંગ્રેજ ને વલંદા સામે થયા ને તેઓએ પોતાનું કોડી ભાર પણ લેવા દીધું નહિ. તેમાં અંગ્રેજો તો એટલી બહાદુરીથી ઉભા રહ્યા કે તેઓએ પોતાનો તો હોય જ પણ કેટલાક સુરતી વેપારીએાનો માલ પણ મરેઠાને હાથ જવા દીધો નહિ. એ વેળાને અંગ્રેજનો કોઠીદાર સર જયોર્જ ઓકસનડન હતો. એ વખતે શિવાજી સુરતમાંથી ફક્ત સોનું રૂપું ને જવાહીર ૩૦ કરોડનું લઈ ગયો અને જો અંગ્રેજની ને વલંદાની કોઠી હાથ લાગી હોત તો તેને અનરગળ દોલત મળી હોત, જ્યારે એ લૂટ ચાલતી હતી ત્યારે શિવાજી ભાગળ બહાર હતો. એક સ્મીથ નામનો અંગ્રેજ, જેને બંધવો કરી શિવાજી કને લઈ ગયા હતા, તેણે છુટ્યા પછી કહ્યું કે, શિવાજી તંબુમાં બેઠો હતો ને પોતાના માણસોને હુકમ આપ્યા કરતો હતો, કે જે લોક પોતાની દોલત છુપાવતા હોય તેઓના હાથ ને માથાં કાપી નાંખવા. તે સ્મીથ લખી ગયો છે કે તે વખત સુરતનો કોટ માટીનો હતો, ને ઇંટનો બનાવવાનો નવાબને હુકમ મળ્યો હતો. ૧૬૬૬ માં તે બંધાતો હતો એમ વળી એક જણ કહે છે.

અંગ્રેજોએ શહેરના કેટલાક શાહુકારોને શિવાજીની લૂંટથી બચાવ્યા હતા. માટે તેઓની તારીફ નવાબે બાદશાહને લખી ને તે ઉપરથી કંપની પાસેથી ૩ાા ટકા જગાત લેવાને બદલે એક ટકા લેવાનો ઠરાવ થયો.

સને ૧૬૭૦ ની ૩ જી અક્ટોબરે વળી પાછો બીજીવાર શિવાજી ૧૫૦૦૦ ની ફોજ લઈને સુરત આવ્યો. તે વેળા શિવાજીનું ફાવત નહિ એવો ફોજ વગેરેનો બંદોબસ્ત હતો, પણ સપ્ટેંબરમાં શહેરનો હાકેમ મરી ગયેથી તેની જગો ખાલી પડી હતી અને કિલ્લામાંના સારા લડવૈયા બીજે ઠેકાણે ગયા હતા. રૈયતને તો શું પણ કિલ્લાને બચાવી શકે એટલા આદમી પણ તે સમે હાજર નહોતા. શિવાજીએ ત્રણ દહાડા શહેર લૂટ્યું પણ એટલામાં અમદાવાદથી મોગલ ફોજ આવી પુગી એટલે જતી વખતે તે કાગળ નાંખતો ગયો કે શહેરના લોક જો દર વર્ષે ૧૨ લાખ રૂપીઆ આપ્યા કરશે તો ફરીથી તેઓને લૂટવામાં નહિ આવે. એ વખત પણ અંગ્રેજોએ પોતાનો બચાવ સારી રીતે કીધો હતો. વલંદાની કોઠી તો દૂર ખૂણામાં એટલે ત્યાં તો મરેઠા ગયા જ નહિ. શિવાજી ધમકી આપી ગયો છતાં પણ તે પાછી ત્રીજીવાર આવ્યો નહોતો.

ફ્રાન્સીસે (ફ્રેન્ચ લોકોએ) મરેઠાઓને પોતાની લાતીમાંથી જવા દીધા તેથી એક તાતાર દેશનો તવંગર સારી પેઠે લૂટાયો.

(નોંધઃ-ઉપર પ્રમાણેની હકીકત કવિ નર્મદાશંકરના “સુરતની મુખતેસર હકીકત”માંથી તારવીને આપી છે. આ ઉપરથી વાંચનારને સમજાશે કે ગ્રન્થકર્તાએ શિવાજીની સુરતની લૂંટની જે વાર્તા લખી છે તેનો સમય ઈ. સ. ૧૬૬૪ નો છે: પણ સર્વ ઈતિહાસકારો જણાવે છે કે શિવાજીએ સુરત છ દિવસ ને રાત લૂટ્યું, અને ઘણો કેર પ્રજા ઉપર વર્તાવ્યો. વાર્તામાં ત્રણ દિવસ લૂટ ચલાવી ચોથે દિવસે નવાબ ગયાસુદ્દીન કિલ્લામાંથી બહાર પડ્યો અને તેણે શિવાજીને ભગાડ્યો એવી હકીકત છે, તે દંતકથાને આધારે છે, અને વાર્તા રસીક Romantic કરવા માટે લેખકે ફેરફાર કરવાની છુટ લીધી જણાય છે.)

X X X X
(૨)

ગુજરાત કોલેજના પ્રોફેસર એમ. એસ. કોમીસારિયેટે, તા. ૨૪ મી સપ્ટેંબર ૧૯૨૮ ના દિવસે મુંબઈની યુનિવરસિટિના હોલમાં, 'શિવાજીની પહેલી- વારની સુરતની લૂટ' વિષે, અંગ્રેજી કોઠીના હાલમાં છપાયલાં દફતરોના આધારે કેટલોક જાણવા જોગ ઇતિહાસ વાંચી સંભળાવ્યો હતો, તેમાંથી ઉપયોગી ભાગ અત્રે આપેલો છે.

પ્રો. કોમીસારિયેટે આરંભમાં ખુલાસો કર્યો કે સુરતની શિવાજીની લૂટ વિષે ફારસી કે મરાઠી ઇતિહાસ જોઈએ તેવો મળતો નથી. તેમણે તે દિવસના ભાષણનો આધાર, અંગ્રેજ કોઠીના અમલદારોએ, વિલાયત ઈસ્ટ ઈન્ડીયા કંપનીને જે અહેવાલો પત્રો મારફતે લખી મોકલ્યા છે તે ઉપર રાખેલો છે. આ પત્રો ઇંગ્લાંડમાં ઇન્ડીઆ આફીસમાં સચવાયલાં છે અને તેમણે બીજો આધાર ફ્રેન્ચ મુસાફર થેવેનોના પ્રવાસ વર્ણનના પુસ્તક ઉપર રાખેલો છે. તે પુસ્તકોને આધારે જણાય છે કે જ્યારે શિવાજીએ છાનોમાનો હલ્લો સુરત ઉપર છાપો માર્યો ત્યારે તેનો નવાબ, કેટલાક ખાસ અમલદારો અને શહેરીઓ સાથે કિલ્લામાં ભરાઈ ગયો હતો. શિવાજીએ ગુજરાતના અમદાવાદના મોગલ સુબાને છેતરવા માટે પ્રથમ વસાઈમાં પડાવ નાંખ્યો હતો, અને ત્યાંથી એકદમ કુચ કરી સુરત તા. ૬ ઠ્ઠી જાનેવારી ૧૬૬૪ માં જઈ પુગી ઘેરો ઘાલ્યો હતો. શહેરના લોકો પોતાનો પ્રાણ અને ધન બચાવવા માટે જેમ ફાવ્યું તેમ આસપાસના ગામડાઓમાં નાસી ભરાઈ પેઠા.

સુરતની અંગ્રેજી કોઠીના ગવર્નર અથવા પ્રમુખ તરીકે સર જ્યાર્જ ઓકસન્ડન હતો. તે અને તેની કાઉન્સીલે, સાચા અંગ્રેજ બચ્ચાની માફક પ્રાણાન્તે પોતાના જીવનો અને જીવનગાળાનો બચાવ કરવો, એવો ઠરાવ કર્યો અને એજ તેએા માટે શેાભિતું છે. સુવાળીના બંદરપર નાંગરેલા વહાણોમાંથી તેઓએ તોપો મંગાવી અને કોઠીના મકાનનો બચાવ કરવા માટે તમામ તજવિજ કરી દીધી. દોઢસો યુરોપીયનો અને સાઠ દેશી નેાકરોને લઈને ઓકસન્ડને શહેરની આસપાસ એકવાર કુચકદમ કરી, અને પડઘમો તથા રણભેરીના નાદો કરી લોકોને હિંમત નહિ હારવા ઉત્તેજન આપ્યું. સુરતમાં પ્રવેશ કર્યા પછી શિવાજીએ અંગ્રેજો તરફ દૂતો મોકલી કહાવ્યું કે જો તેએા બચવાની આશા રાખતા હોય તો તેઓએ મોં માંગ્યો દંડ આપવો પડશે. અંગ્રેજોએ તેની આવી દુષ્ટ માંગણીનો સ્વીકાર કર્યો નહિ, તેથી ચીઢાઈને મરેઠાએાએ કોઠી પાસેનાં કેટલાંક ઘરોને આગ લગાડવાનો પ્રયત્ન કર્યો. જીરાલ્ડ આઁગિયેર નામના એક બહાદુર અંગ્રેજની આગેવાની નીચે એક નાની ટુકડીએ મરેઠાઓ ઉપર હલ્લો કર્યો અને કેટલાકને ઝપાઝપીમાં મારી નાંખ્યા. આમ અણધારેલી જગ્યાએથી પ્રથમ ગ્રાસે મક્ષિકા પડવાથી મરેઠાઓ ચમક્યા અને શિવાજીએ તેઓને સતાવવાનું માંડી વાળ્યું, એટલું જ નહિ પણ અંગ્રેજોની કોઠીની આસપાસ જે ધનાઢ્યો અને શ્રીમંતેાનાં ઘરો અને વખારો હતાં તે મરેઠાએાની લૂટફાટ અને મારફાડમાંથી બચી ગયા. નિ:શસ્ત્ર અને અસહાય ગરીબ પ્રજાને શિવાજીએ તે પછી લૂટી.

સુવાળી બંદરથી શહેરમાં આવતા ભૂલા પડેલા એન્થની સ્મીથ નામના એક અંગ્રેજ કોઠીદારને શિવાજીના માણસોએ કેદ પકડી તેની સમક્ષ આણ્યો હતો, અને તેની પાસે છુટકારા માટે મોટો દંડ માંગવામાં આવ્યો હતો, પણ તેની પાસે હોય શું કે તે આપે ? ! તેથી તેને જીવતો નહિ મારી નાંખતા કેદ રાખ્યો હતો. આ બંધવાએ, મરાઠાની છાવણીમાં કેવી રીતે લૂટનો માલ આણવામાં આવતો હતો, અને સુરતના તે વખતે ગણાતા શ્રીમંતોને પકડી પકડી કેવી રીતે દેાલત બતાવવા માટે સતાવવામાં આવતા હતા અને જુલમ ગુજારવામાં આવતો હતો તેનું વર્ણન આપેલું છે. તેણે નજરે જોએલી વાતો વર્ણવી છે અને તે ઈસ્ટ ઈન્ડીઆ કંપનીના જે દફતરો ઈન્ડીઆ ઓફીસમાં સચવાયલાં છે તેમાં તે છે. આ એક જ દસ્તાવેજી પુરાવા ઉપરથી શિવાજીની સુરતની લૂટની ભયંકરતા જણાઈ આવે છે. તેણે ૬ માણસોના હાથકાંડા અને મસ્તકો કાપી નાંખ્યા હતા અને ઘરબાર લૂટી નાશ કર્યો હતો.

શિવાજીએ સુરતના ધનાઢ્ય વણિકો અને શ્રાવકો ઉપર અસહ્ય જુલમ ગુજાર્યો હતો. તે વખતે વીરજી વોરા નામનો એક વણીક હતો. તેની મીલ્કત ૮૦ લાખની ત્યારે અંકાતી હતી. એ શિવાય બે મુસલમાન શ્રીમંતો હાજી કાસમ અને હાજી સૈયદ બેગ પણ તેની માફક લૂટાયા હતા અને પાયમાલ થયા હતા. એ શિવાય એાછી દોલતવાળો શ્રીમંતોની સંખ્યા તો અગણીત છે. તે બધાઓને શિવાજીએ લૂંટ્યા હતા. તેઓના ઘરમાંથી જે સોનું, રૂપું, જર ઝવેરાત વગેરે જે કાંઈ મળ્યું તેટલાથી સંતોષ નહિ પામતાં તેઓનાં ઘરબાર પણ મરેઠાએાએ બાળી નાંખ્યાં હતાં. એક અઠવાડીઆમાં આવી રીતે લૂંટેલાં અને બાળેલાં ઘરોની સંખ્યા ૩૦૦૦ ઉપરાંત ગણાય છે, અને અંગ્રેજોની ગણત્રી પ્રમાણે એક કરોડ રૂપીઆની લૂટ શિવાજીએ મેળવેલી હતી.*[૧]

સર્વ કાળ માટે હિન્દના ઇતિહાસમાં એક રાષ્ટ્ર સ્થાપક તરીકે શિવાજીનું નામ મશહુર છે; તેની કોઈથી ના પાડી શકાય તેમ નથી. આ સ્થળે તેણે ચલાવેલી લૂટ અને બીન ગુન્હેગાર નિ:શસ્ત્ર પ્રજાનો કરેલો નાશ વાજબી હતો કે કેમ તે વિચારવાનું જરૂરનું નથી. એટલું તો સાચું છે કે એનો વિચાર, ઔરંગઝેબે શાઇસ્તખાનને મોકલી પૂનાની લૂંટ ચલાવેલી તેનો બદલો વાળી તેના ઉપર વેર લેવાનો અને લડવા માટે પૈસા મેળવવાનો હતો. છતાં પણ એટલું તો અત્રે કહેવું જોઈએ કે પાડાના રોગે પખાલીને ડામ દેવો વાજબી ન જ હોઈ શકે. એક નિઃશસ્ત્ર, અસહાય પ્રજા ઉપર જોર જુલમ ગુજારવા, લૂટ ચલાવવી, તેના ઘરબાર બાળી નાંખવાં, હાથનાં કાંડાં કાપી નાંખવાં, નાક કાન છેદવા, અને માર મારવો - આવાં કરપીણ કૃત્યો માટે શિવાજી જોખમદાર હતો એટલી તો કોઈથી પણ ના કહી શકાય તેમ નથી.

આ લૂટ વખતે શિવાજીએ ખ્રિસ્તી કાપુચીન ધર્મગુરૂ ફાધર એબ્રોઝની આજીજી ઉપરથી સુરતમાં વસ્તા ખ્રિસ્તીઓને સતાવ્યા નથી. તે જ પ્રમાણે વલંદાના એક દલાલ મોહનદાસ પારેખ, કે જેઓ જીવતા હતા ત્યારે ઘણું જ દાન ખેરાત કરતા હતા, તેનું ઘર બચાવ્યું હતું. તે જ પ્રમાણે આ લૂંટફાટનું જે વર્ણન મળે છે તેમાં કોઈ પણ સ્થળે શહેરની સ્ત્રીઓને શિવાજીના માણસોએ રંજાડી હોય, તેમ કોઈની આબરૂ લૂંટી હોય, એવો એક પણ દાખલો મળતો નથી. મરાઠાઓના ઇતિહાસમાં સ્ત્રીઓ અને ધર્મ પ્રતિ શિવાજીને અત્યંત માન હતું તે જાણીતી વાત છે.

શિવાજીએ મેળવેલી લૂટ ઉપરથી જ સુરતને કેટલું નુકશાન ગયું તેનો અંદાજ કાઢવાનો નથી. સત્તરમી સદીમાં મોગલ મહારાજ્યના જે મોટાં બંદરો હતાં તેની પડતીનું કારણ શિવાજીની બે વારની સુરતની લૂટ (ઈ. સ. ૧૬૬૪ અને ૧૬૭૦) હતી. તેના હલ્લાથી સુરત વગેરે બંદરોની પડતી થઈ. દેશી અને


  1. *(કવિ નર્મદાશંકર ૩૦ કરોડની લૂટ શિવાજીએ મેળવી હતી એવું જણાવે છે અને બાળેલા ઘરોની સંખ્યા જોતાં અને વીરજી વોરા જેવા ઘણા શ્રીમંતો લૂટેલા જોતાં કવિએ આપેલા આંકડો વધારે વાજબી લાગે છે.)
વિદેશી વેપારીઓનાં તાપી નદીના બંદર ઉપરના વસવાટથી અને લૂટથી ત્રાસી ગયા

હતા, અને ૧૬૮૦ માં જ્યારે મુંબઈનું બંદર ખીલવા લાગ્યું ત્યારે તેઓ ત્યાં આગળ સહિસલામતી માટે જઈ વસ્યા. આ મુંબઈ બંદર રાજદ્વારી ચઢતી પડતીથી મુક્ત હતું. એક વખતનાં ગાજી રહેલાં સુવાળી અને સુરતનાં બંદરો ઉપર મૃત્યુનો ઘંટ વાગ્યો અને સદાને માટે ત્યાં મૃત્યુ જેવી શાંતિ પથરાઈ ગઈ. સુરત કે જે “મક્કાદ્વાર” અને “બંદરે મુબારક” ગણાતું હતું તે રાજકીય દૃષ્ટિએ પડ્યું, અને વેપાર ઉદ્યોગની એવી મંદીમાં જઈ પડ્યું કે જ્યાંથી તેને આજ સુધીમાં પાછા ઉઠવાની વારી આવી જ નથી.

જ્યારે અમદાવાદના મોગલ સુબા મહમદખાને એ સુરતની મદદ માટે લશ્કરી સહાય મોકલી આપી ત્યારે શિવાજી સ્તોવાઈને નાસી ગયો, અને અંગ્રેજ કોઠીના ઉપરી જ્યાર્જ ઓક્સન્ડને બજાવેલી સેવા અને બતાવેલી બહાદુરીનાં સુરતના લોકોએ ભારે વખાણ કર્યા; અને જ્યારે સુરતનો નવાબ એના કિલ્લામાંથી બાહર નીકળ્યો ત્યારે તેના ઉપર તેના હીચકારાપણા માટે લ્યાનત વર્ષાવી. અમદાવાદથી આવેલા લશ્કરના ઉપરીએ જ્યારે સર જ્યાર્જ ઓક્સન્ડનને જાહેરમાં ઉપકાર માન્યો, ત્યારે તેણે પોતાના હાથમાંની પીસ્તોલ સેનાધિપતિના ચરણે મૂકી જણાવ્યું કે, સુરતના ભાવિ રક્ષણ અને સલામતિ હવે તેને સોંપવામાં આવ્યા છે. ઓક્સન્ડનને બજાવેલી સેવાના બદલામાં એક ઘોડો અને સોનેરી કીનખાબનો કબજો ઇનાયત કરવામાં આવ્યો હતો, અને જ્યારે તેની કમરે તરવાર બાંધવામાં આવી ત્યારે તેણે નમ્ર ભાવે જણાવ્યું કે, આ શણગાર એક સૈનિકને શોભે તેવો છે, પણ અંગ્રેજો તો કેવળ વેપારી છે, માટે તેઓ તો તેઓના વેપાર ધંધામાં કંઈ જગાત વગેરે છુટ મળે તેવું મળવાની આશા રાખે છે. આ ઉપરથી અમદાવાદના મોગલ સુબાએ દીલ્લીના શહેનશાહની રજાથી અંગ્રેજોના માલ ઉપર ૩ાા ટકાની જે જગાત લેવામાં આવતી હતી તે ઘટાડી ૧ ટકો કર્યો હતો. સુરતના નવાબનું નામ ઈનાયતખાન* હતું, એવું જણાવવામાં આવે છે.[૧]


  1. *કવિ નર્મદાશંકર વગેરે લેખકો સુરતના નવાબનું નામ ગ્યાસુદ્દીન રુમી જણાવે છે; અને લોકની દંતકથાને આધારે આ પુસ્તકના ગ્રન્થકર્તા તેને હીંચકારો કે કેવળ બાયલો નહિ વર્ણવતા, તક મળતાં મહાન યોદ્ધો નીવડવાનું લખે છે, અને તેના જ પરાક્રમના જોરે શિવાજીને પાછા ફરવું પડ્યું હતું, તથા
જે સૈનિક સહાય મળી હતી તે અમદાવાદથી નહિ પણ માંડવી, વલસાડના

અનાવલા દેશાઈ અને કાલીપરજના મુખીઓ તરફથી મળી હતી.

બીજી એક વાત મુખ્યત્વે કરીને એ ખાસ નોંધવા જેવી છે કે શિવાજીએ જેમ ખ્રિસ્તી ધર્મગુરૂ, હિન્દુ અને મુસલમાન શ્રીમંત પણ દાનવીર ગૃહસ્થોને સતાવ્યા નથી એવા પુરાવા આપવામાં આવે છે, તેમ તેણે સુરતના હિન્દુઓના મોટા મંદિરને લૂટમાંથી બચાવ્યું હતું. એવું કહેવામાં આવે છે કે જ્યારે મરેઠાઓ નાણાવટ લૂટતા લૂટતા મંદિરમાં પેઠા ત્યારે તે વખતના મહારાજશ્રીએ મરેઠા ટોળીના આગેવાનને જણાવ્યું કે, અમે તમારે માટે ઠાકોરજીની ભેટમાંથી હીસ્સો રાખેલો છે, તે લઈ જાઓ. મરેઠા નાયક તેથી આશ્ચર્ય પામ્યો, અને નમન કરીને મહારાજશ્રીએ જે કંઈ સ્વહસ્તે આપ્યું તે લઈને ચાલ્યો ગયો. તેજ પ્રમાણે મરેઠાએાએ પારસી ધર્મગુરૂઓને પણ રંજાડ્યા નથી, અને તેઓને અગ્નિપૂજક હોવાથી અગ્નિહોત્રી જેવા પવિત્ર સમજીને જતા કર્યા હતા. માત્ર એક યાહુદી વેપારીને તેની પાસેથી પૈસા કઢાવવા માટે બહુ સંતાપ્યો હતો, પણ યાહુદી પણ ખરો કે તેણે પ્રાણ જાય તો પણ પૈ આપી નહોતી. શિવાજીએ સ્ત્રી બાળકોને સતાવ્યાં નથી એમ કહેવામાં આવે છે, પણ તે વિષે મતભેદ છે. જેઓ જાણીતા શ્રીમંત હતા તેઓનાં ઘરબાર, માલ મિલકત લૂટી લેવામાં આવ્યાં હતાં, અને સ્ત્રી બાળકોને રસ્તામાં રઝળતા કરવામાં આવ્યાં, તથા મરદોના હાથ, કાન વગેરે કાપી લેવામાં આવ્યા હતા. આ રીતે શિવાજીએ સુરતને (ઈ. સ. ૧૬૬૪ અને ૧૬૭૦) બે વાર લૂંટ્યું હતું.