લખાણ પર જાઓ

શિવાજીની સુરતની લૂટ/બાદશાહી દરબાર

વિકિસ્રોતમાંથી
← બેવડો હુમલો - મણિનું પડવું - શિવાજીનું પાછું હટવું શિવાજીની સૂરતની લૂંટ
બાદશાહી દરબાર
ઇચ્છારામ દેસાઇ
૧૯૨૮
પરિશિષ્ટ ઐતિહાસિક સ્થિતિ →


પ્રકરણ ૨૫ મુ
બાદશાહી દરબાર

પાછું ફરેલું લશ્કર, નવાબના બાકી રહેલા લશ્કર સાથ ભેળું થયું, નવાબે પોતાની તરવાર હવે ફેંકી દીધી, અને બાજુએ જઈ પોતાની પ્રિયાને બગલગીરી કીધી, અને છાતી સરસી ચાંપી ચુંબન કરી પોતાના પ્રેમનો ઉભરો ખાલી કીધો, પણ આ વેળાએ મોતીના હાવભાવ ઘણા વિચિત્ર જણાતા હતા, અને તેનું લોહી ઉકળી આવ્યું હતું.

“પ્રિયનાથ, હવે કેમ છે ?” મોતી બોલી.

“એક બનાવ બહુ અનર્થકારક બન્યો છે, દિલજાન !” નવાબે જવાબ દીધો.

“પ્રિયનાથ, કમનસીબ, એ કંઈ આવા પ્રસંગમાં નવું નથી, પણ કેવા પ્રકારનો તે અનર્થ છે ?”

“તારી પ્રિય સખી મણી આ રણમાં પડી, એ એક મોટો જબરો કમનસીબ બનાવ બન્યો છે. હરિલાલ પોતાની દિલજાન મહેબુબાના આ સમાચાર જાણતાં મોતના કાંઠા પર આવ્યો છે. દરબારી વૈદોને તેની માવજત માટે મોકલ્યા છે.”

એકદમ મોતી મોટેથી બૂમ પાડી ઉઠી અને તે મૂર્છાગત થઇ પડી.

“બસ, તું ગભરા ના, જે બનનાર હતું તે બન્યું અને તે નહિ બન્યું થનાર નથી. પ્રાણવલ્લભા, જે ઉપકાર તારી પ્રિય સખીએ આ રાજ્ય પર કીધો છે, તે ઉપકાર જેવો તેવો નથી. તેનો બદલો વળાય તેમ પણ નથી, પણ હવે ઉપાય નથી. હવે તું એક વાત સાંભળ, અને તે પ્રમાણે વર્તે તો બહુ રૂડું થાય. હરિલાલ શેઠને આ વેળાએ જે દુઃખ લાગતું હશે તે જેવું તેવું નથી, માટે તું તેની પાસે જા અને દિલાસો દે. તેની પ્યારીના મરણનું દુ:ખ, જેવું મને મારી પ્યારીના મરણ માટે લાગે તેથી કંઈ પણ એાછું, આવી સદ્દગુણી સ્ત્રી માટે લાગે નહિ. તારે કોઈ પણ રીતે તેને ઓછું નહિ પડે તેમ વર્તવું, અને આ મોટા નુકસાનનો જે બદલો માગે તે આપવાનું વચન આપી આવવું.”

શુદ્ધિમાં આવ્યા પછી મોતીએ આ સઘળું સાંભળ્યું, પણ તે કંઇએ બોલી નહિ. તેનું ચિત્ત ભ્રમણાપર ચઢ્યું હતું અને તેના મોંમાં બોલવાની જરા પણ શક્તિ નહોતી, તેથી આ વેળાએ આ આજ્ઞાનો ભંગ કીધા, શિવાય તે એકદમ તે પ્રમાણે ચાલવાને તત્પર થાય એ અશક્ય હતું. ઘણો વખત સુધી તો તેનો દમ બંધાઈ ગયો, પણ જ્યારે પોતાના પ્રિયનાથની આજ્ઞા થઈ ત્યારે તેનાથી કોઈ પણ પ્રકારે તેને નારાજ કરવાનું ઠીક લાગ્યું નહિ. આટલીવાર તે આમ તેમ વામાટામા મારતી હતી; કયે મુખે તે હરિલાલ પાસે જાય ? તે મણીને જ આસપાસ ઝંખ્યા કરતી હતી, ને તેથી અથાગ શોકમાં પડવાથી કંઈ બોલાતું નહિ હતું, પણ ઘણી વારે આ પ્રમાણે બેાલી:-

“ખાવિંદ ! આપની આજ્ઞા બજાવવાને દાસી તત્પર છે, પણ આપ જ પધારો તો તે ઘણું રૂડું ગણાશે. મારી પ્રિય મણી ! હાય તેનું નામ યાદ કરતાં મારું હૃદય અત્યંત કલ્પાંત કરે છે, મને તેનાથી વિશેષ પ્રિય માત્ર આપ જ હતા. પણ શું તેનો કોઈ બચાવ કરી શક્યું નહિ ? દરિયાએ હાફેઝ ! તે પાપી ચંડાળો આ નગરને સર્વ રીતે લૂટી ગયા હોત તો ભલું કહેવાત, પણ આ પ્રસંગ મારો અંત આણનારો થશે. હાય ! ઓ પ્રભુ !” તેણીએ પોતાની પ્રિય સખી માટે વિલાપ કીધો; “રે મણી ! તું મારી પ્રિય બહેનને મારી તરફથી કોણ કહેશે કે તારું લોહી રેડાયું છે, તેની દોષિત હું છું? તારું સર્વ સ્થળે કલ્યાણ થાઓ.” આમ બોલતાં તેની આંખમાંથી ખળખળ કરતો આંસુનો ચોધારો પ્રવાહ વહેવા લાગ્યો.

આ દેખાવ જોઈને નવાબની છાતી પણ ભરાઈ આવી, અને આ સઘળું મેદાનમાં જ બને તે કોઈ જોય તો તેની અસર ઘણી માઠી થાય, એમ ધારીને વજ્રની છાતી કરી મોં ફેરવી નાંખી ઉભો થયો. મોતી પણ તેટલામાં ઉભી થઈ, બંનેએ ચાલવા માંડ્યું, પણ તેટલામાં નવાબે કહ્યું:-“તારી ઇચ્છા જવાની નથી ! નહિ, નહિ, તું જ જા. સ્ત્રીઓની હાજરી આવા શોકપ્રસંગમાં ઘણી અસર કરે છે. તેનો કુમળો હાથ શિરપર ફરે છે તો તરત દુઃખ નાસી જાય છે, મન શાંત થાય છે અને આનંદ પમાય છે. સ્ત્રીનું હસતું મુખડું રાખવાને માટે તેનો સત્કાર કરવા માટે, તે પોતાનું દુઃખ વિસરી જાય છે, માટે મારી સંપૂર્ણ ઇચ્છા છે કે તું હરિલાલ પાસે જા અને તેને દિલાસો આપ.”

“પ્રિય પતિની જેવી ઇચ્છા ! હું જઈને તેના શોકનું નિવારણ કરીશ.” મોતીએ એમ બેાલી ચાલવા માંડ્યું, સઘળું લશ્કર પણ થેાડી વારે ઉપડી શહેરમાં આવ્યું.

આ વેળાએ હરિલાલ પોતાના ઘરના ત્રીજા માળ પર એક ખૂણામાં બેસીને પોકેપોક મૂકીને રડતો હતો. તેની પ્રિયાના શબને બાળી હમણાં જ તે માળ પર આવીને બેઠો હતો. મહા મુસીબતે તે છેલ્લી ઘડી સુધી ધીરજ રાખી રહ્યો. જે મર્દાઈથી શહેરના રક્ષણ માટે પોતાની પ્રિયાએ મહાભારત કામ કીધું હતું, તે માટે અત્યાર સુધી તે ધીરજ રાખી ધીરતાથી બેઠો હતો; પણ ઘરમાં, પોતાના ઓરડામાં પગ મેલતાં જ તેનાથી રહેવાયું નહિ, ને એકદમ પોક મૂકી રડવા લાગ્યો. ગમે તેવા પરાક્રમથી, ગમે તેવા વીર કર્મથી એક યોધો મરણ પામે છે, તે પણ તેનાં સગાં સ્નેહીઓની છાતી રુંધાઈ જાય છે; તો રણમાં, પોતા સમક્ષ પોતાની પ્રિય સ્ત્રીને મરણ પામતી જોઈ, તે યાદ આવતાં પતિની છાતી કેમ નહિ રુંધાય? હરિલાલને જેમ જેમ પોતાની સ્ત્રીની, રણપરાક્રમ કરતાં પોતાની બહેનોને બચાવવાની ઉલટ, યાદ આવતી હતી, તેમ તેમ તેનાથી રડવું થોભાયું નહિ. એટલામાં પોતાના ઓરડાનું બારણું, જે બંધ કરીને એ બેઠો હતો તે ઘણા જોરથી ઠોકાયું.

નવાબ પાસથી છૂટી પડી મોતી પોતાને મહેલે આવી, સઘળી ગુલામડીઓ તેની આસપાસ ફરી વળી હતી, ને તેનો સત્કાર કરવાને માટે સૌ તત્પર હતી. પણ આ સધળા સત્કાર છતાં મોતીના મોંપર જરા પણ હાસ્ય નહિ દેખાયું એટલે સૌ ગમગીન થયાં, ને શેાકવૃત્તિ ચોપાસ પથરાઈ ગઈ. થોડીવાર તેણીએ ડુસકાં ખાધાં, ને માથું નીચું નમાવીને બેઠી. પણ પછી પોતાનું કામ યાદ કરીને તે ઉઠી. મ્યાનો તૈયાર કરાવ્યો, ને તેમાં બેસી તે શહેર તરફ આવવાને નીકળી. રસ્તામાં આગલે દિવસે જે મોટો જય થયો હતો, તેથી સર્વ સ્થળે મોટો ઓચ્છવ થઈ રહ્યો હતો, અને બજાર પાછાં ઉઘડ્યાં હતાં. લોકોનાં ટોળે ટોળાં વાતો કરવાને સ્થળે સ્થળે ભેગાં થયાં હતાં. અનેક પ્રકારની વાતો ચાલતી હતી. કોઈ મોતી બેગમનાં અને કોઈ મણી શેઠાણીનાં પરાક્રમનાં વખાણ કરતાં હતાં. પણ મણી શેઠાણીના મોતને લીધે સઘળાં દિલગીર થઈ ગયાં; અને શાહને ત્યાં આ ગજબ ગુજર્યો તેનું સૌને સાલવા લાગ્યું. શહેરમાં આત્મારામશાહ એ તો ગરીબનો અન્નદાતા હતો, એટલે પછી દિલગીરી વ્યાપે તેમાં આશ્ચર્ય નહોતું. બરાનપુરી ભાગોળ નજીક હજારો લોક એકઠું થઈ ગયું હતું, ને શાહનાં કુટુંબને દિલાસો દેવા જવાને નાનાંથી તે મોટાં સૂધી સૌ તૈયાર થયાં હતાં; માંહોમાંહે વાતચીત કરતાં હતાં, તેટલામાં બેગમનો મ્યાનો આવી પહોંચ્યો. એક શહેરીએ પૂછતાં સ્વારે ખુલાસો કીધો કે બેગમ સાહેબ શાહને ત્યાં જાય છે; એટલે સૌ લોક તેમની પૂઠે મુંગે મોઢે ગયાં. શાહના ઘર નજીક જતાં સુધીમાં તો શહેરના પોણા ભાગ જેટલા મરદો આ દિલાસો દેવાના સરઘસમાં સામેલ થઈ ગયા. પુષ્કળ લોકોની ગીરદીને લીધે મોતી પણ ગભરાઈ કે, હવે અંદર જવું એ મોટું મુશ્કેલ છે. પણ બે સ્વારે વરદી આપી કે સૌ લોક મુંગે મોઢે દૂર ખસી ગયાં. મોતી બેગમ મ્યાનામાંથી નીકળી ઘરમાં ગયાં ને પોતાનો બુરખો કહાડી નાખ્યો. શાહના કુટુંબ સાથે કંઈ ભિન્નભાવ જેવું થોડું જ હતું. તેમાં હવે તો શાહ ને તેમાં હરિલાલે જે રાજસેવા આજે બજાવી હતી, તે તો નવાબના રાજકુટુંબના ઇતિહાસમાં નોંધી રાખવા યોગ્ય બનાવ હતો, એટલે બેગમ સાહેબ ઓજલ પડદો રાખે એ ભિન્નભાવ કહેવાય, બેગમ સાહેબના આવવાની ખબર આપવા એક ચાકર ઠેઠ ઉપર દોડ્યો, ને ત્યાં, આપણે જેમ ઉપર જોયું તેમ, બારણું ઠોક્યું.

ત્રણ ચાર વાર બારણું ઠોકાયું તે હરિલાલે સાંભળ્યું જ નહિ; પણ ઘણીવાર બારણું ઠોકાયું ને બારણે કલબલ કલબલનો શોર સાંભળ્યો તેથી આસપાસ જોવાને તે ઉભો થયો, એટલે “હરિલાલજી, બારણાં ઉઘાડજો.” એવો મધુરો સાદ સંભળાયો. બેગમનો શબ્દ પારખી ઉતાવળે જઈ બારણું ઉઘાડ્યું તો બેગમ સાહેબે પણ શોકવસ્ત્ર સજેલાં હતાં. તેવા પહેરવેશથી, જાણે પોતાના કુટુંબમાં જ કંઈ મોટો ગજબ ગુજર્યો હોય તેવા ખરેખરા ભાવથી આવ્યાં અને હરિલાલની બેઠક નજીક જમીનપર જ તે બેસી ગયાં. હરિલાલે બેગમ સાહેબને ખુરસીપર બેસવા વિનતિ કીધી, પણ બેગમ, કે જેની આંખો આંસુથી તરબોળ થયેલી હતી તેનાથી નહિ ઉચું જોવાયું કે નહિ હા નાનો જવાબ દેવાયો ઘણીવાર સુધી મોતી બેગમ ચૂપ રહી ને તેટલામાં તો પાછી હરિલાલની છાતી ભરાઈ આવી. પોતે દુઃખ દૂર કરવા આવી છે, પણ વધારવા નહીં એ યાદ આવતાં જ બેગમ સાહેબાએ પોતાને પાલવડેથી અશ્રુ લૂછી નાંખ્યાં અને હરિલાલની સામું જોઈ બોલીઃ-

“હરિલાલજી ! આજે તમારા દુ:ખમાં હું કેવા પ્રકારે ભાગ લઈ તમોને તેનો બદલો આપું ? જે મારી પ્રિય સખી, મારા પ્રાણથી પણ વહાલી, તેનો ઉપકાર માનવાનો સમય તો આવ્યો નથી, પણ હરિલાલજી ! તેણે જે પરાક્રમ બતાવ્યું હતું, તેની મારા પતિ નવાબ સાહેબ બહુ બહુ તારીફ કરે છે, ને સઘળું લશ્કર તમારા શોકમાં સામેલ થઈ, મારી સખીનાં વખાણ કરે છે, તે જોઈ મારા હૃદયનો જો કે ભંગ થયેલો છે, ને હમણાં શોકથી હૃદયમાં અંત:કરણને બદલે કોયલાનો ઢગલો થયેલો છે; છતાં તે થોડુ આનંદ પામતું નથી. તેના કરતાં જો હું રણમાં પડી હોત તો ખરેખર મારી કીર્તિ માટે મારા પતિ બહુ ભાગ્યશાળી ગણાત. તમારા દુઃખને માટે આખા સુરત શહેરપર મોટો ઉપકાર થયો છે. મરવું તો સૌને છે વહેલે કે મોડે, પણ આવી કીર્તિથી મરવું એમાં થોડી શોભા નથી. હવે તમે શોક તજી દો ને તમારી તરફ આ નગરના લોકોનો કેટલો ભાવ છે તે જુઓ અને તેઓ જે તમારા રિવાજ પ્રમાણે દિલાસો દેવા આવ્યા છે તેમને રજા દો.”

“બેગમ સાહેબા, એ બધું ખરું છે, પણ તેનાં પ્રિય વચનો, તેની મારા તરફની અથાગ પ્રીતિ અને પરાક્રમ, એ સૌ મને હવે કંઈ સુખ દેવાનાં છે ? એના જેવી સદ્દગુણી સ્ત્રી તો આ ભવે હું નથી જ દેખવાનો ! મને હવે ગમે તેટલો દિલાસો દો, કે ગમે તેટલી આબરુ મળો, પણ મારો સંસાર તો બગડ્યો જ. બેગમ સાહેબા ! મારી મણીને બચવાનો એક પણ આરો નહોતો, ને જો કે તેણે મરતી વખતે પણ પોતાની ધીરજ છોડી નથી, તે પણ હવે એ તો ગઈ, હરિ હરિ !”

“આહ ! આ તમે ઘણી નબળાઈ બતાવો છો !” મોતીએ ઘણી ઘાડી છાતીથી કહ્યું, જો કે તેનું મન તે વાત કરતી વેળાએ રડ્યા જ કરતું હતું, પણ જો તે પણ ધીરજ મૂકીદે તો ધારેલું કામ થાય નહિ; તેથી મણીના કોમળ પતિને રીઝવવા પોતે દુઃખ વિસરી ગઈ. “પેલા પાપી ચંડાળનો ઘાણ કાઢતાં ને મેાટી આબરુ મેળવતાં તેનું મરણ થયું, પણ એ તો અમર થઈ છે. તેના જેવું પરાક્રમ આજના રણસંગ્રામમાં કોઈએ બતાવ્યું નથી. આજની સઘળી શાબાશી તેને છે. હવે તમે શોક મૂકી દો, અને નવાબ સાહેબ તમને બોલાવે છે માટે ચાલો. મારા ખાવિન્દ આપની હજૂર આવત, પણ તે આવે તેના કરતાં પોતાની પ્રિયાને, તમને દિલાસો દેવા મોકલી છે, એ જ તેમનો તમારા પ્રત્યેને પ્યાર બતાવે છે. રડવાથી ને યાદ કરવાથી શું થનાર છે? તે પાછી આવનાર છે ? મારી પ્રિય બહેનનું તમે હવે મોં જોવાના હતા? તમારે હાથે બાળીને ખાખ કરી આવ્યા છો, તો હવે તે ક્યાંથી આવનાર હતી ? મારા લાલ, પ્રિય ભાઈ, હવે તમે સઘળો શોક તજી દો, ને આંસુ લૂછી નાંખી સૌને તમારું મોં બતાવો; તમારા તરફ સૌને કેટલો પ્યાર છે તે જુઓ.” આમ કહીને તે જ્યાં બેઠી હતી ત્યાંથી ઉઠીને લાલની પડોસમાં જઈ, પોતાની સખીના પ્રિયના મોંપર આવેલાં આંસુ પોતાના પાલવડેથી લુછી નાંખી તેને હાથ પકડી ઉઠાડ્યો. આ હાથ ફરતાં તેનું અડધું દુઃખ ઓછું થયું. તે બોલ્યો, “બહેન ! તમે આજે મારી બરદાસ્ત ન કીધી હોત તો મારું પણ આવી જ રહ્યું હતું !” આમ બોલતાં બંને જણ બારીએ આવ્યાં.

લોકોની ઠઠ આ વેળાએ પુષ્કળ જામી હતી. મોતીને મોકલ્યા પછી, પોતાના નગરના એક મોટા શેઠને દિલાસો દેવાને નવાબ પોતે, પોતાના વજીર નસીરુદ્દીન, સેનાપતિ નવરોઝ, સુરલાલ વગેરે સભાજનો અને પોતાના લશ્કર સાથે ત્યાં આવી ઉભો હતો. સૌની સાથે નવાબ પણ પગપર ખડે હતો, મોતી ને હરિલાલ બારીએ આવ્યાં કે નવાબે મોટા ઉલ્લાસથી કહ્યું, “આજના મહાસમર્થ જયનું સઘળું માન આ ખાનદાની કુળના અમીર ઉલ ઉમરા હરિલાલને છે. એમના કુટુંબમાં જે મોટો અનર્થ થયો છે તે જો કે એમને બહુ દુ:ખ ઉત્પન્ન કરનારો છે, પણ અમારી પ્રજા અને અમારા ઉમરાવો ! તમે જાણો છો કે આ શેઠ તરફથી જો મોટી મદદ નહિ મળી હોત તો આપણે સદાના મૂએલા જ હતા. મણી શેઠાણીએ આજે જય અપાવ્યો છે, તેને માટે અમે અમારા દિલ્હીના શહેનશાહને એક ખલિતો મોકલી એમના કુળનો ઈતિહાસ ત્યાં જણાવીશું.” આ બોલી રહ્યા પછી નવરોઝે મણીની હુશિયારી ને પરાક્રમનાં વખાણ કીધાં. હરિલાલનું આ સાંભળતાં અડધું બાકી રહેલું દુ:ખ ઓછું થઈ ગયું. શહેરમાં શાહના ઘર આગળ આ મેાટી ગર્દી થઈ છે તે જોવાને જે સધળા લોકો દોડી આવ્યા હતા તેઓ વખાણ કરવા મંડી ગયા. નવાબે પોતાપરનો ને પોતાના નગરપર થયેલા ઉપકારનો બદલો વાળવા આજ તક યોગ્ય ધારી, એકદમ શેઠને હેઠળ બોલાવી ચોગાનમાં દરબાર ભરવાનો વિચાર જણાવ્યો. નવાબના હુકમ પ્રમાણે થોડા સમયમાં એક મોટી બેઠક કરવામાં આવી, ને ત્યાં સઘળા અમીર ઉમરાવ તથા સારા સારા ગૃહસ્થ હાજર થયા. આસપાસ અડધો અડધો મૈલ સુધી ગીર્દી મચી રહી હતી. લોકોનાં ટોળે ટોળાં આ જોવાને ત્યાં હાજર થયાં હતાં. નવાબ ઘણો લોકપ્રિય હોવાથી તેનાપર પણ લોકો વારી જતા હતા; તેમાં શહેરના એક સંભાવિત ગૃહસ્થની સ્ત્રીએ આજે શિવાજીને નસાડ્યો,એ બનાવ જાણી વળી ઘણું આશ્ચર્ય પામતા હતા.

એક કલાકમાં દરબારની ગોઠવણ થઈ રહી. નવાબ ઉંચા આસનપર બેઠો ને તેની એક બાજુએ સ્ત્રીઓને પરદેપોશ બેસાડવામાં આવી ને એક બાજુએ અમીરો બીરાજ્યા. સઘળા લોકોની ઠઠ ભરાતાં સૌ જોવાને આતુર જણાયા. હવે કચડાકચડી ને પડાપડી થઈ રહી. થોડી વારે નવાબ અને તેના અમીરે સૌએ મોટે સ્વરે કાલના જય માટે પ્રભુની પ્રાર્થના કરી, ને સૌ તેમાં સામેલ થઈ ગયા. તે વેળાએ નગરમાં ધર્મની મારામારી ઘણી થોડી હતી, ને ઈશ્વર સૌનો એક છે એમ ઘણા ખરા માનતા હતા. જ્યારે માત્ર હરીફાઈ થતી ત્યારે જ મારામારી ને કાપાકાપી થતી હતી.

ગભરાટ સઘળો નરમ પડ્યો હતો ને હવે પ્રાર્થના પૂરી થઈ કે નવાબે આ રણપરાક્રમમાં જેમને ઘટતું હોય તેમને ઇનામ આપવાનો ઠરાવ બતાવ્યો. પહેલે તો નવરોઝે મણી શેઠાણીના પરાક્રમનો ઇતિહાસ કહી સંભળાવી તેના પતિનો દાવો મોખરે ધર્યો. આ પહેલાં ઈનામ માટે કોઈ પણ હરીફ હતો નહિ, ને ખુદ ખુદાવિંદ નવાબ પણ એ જ પ્રમાણે ધારતો હતો, એટલે કોઈથી વચ્ચે માથું મરાય તેવું નહિ હતું. લડાઈનો નિવેડો આવ્યા પછી ઈનામો વહેંચાય ત્યારે પહેલું ઈનામ મેળવવા માટે મોટી મારામારી થાય છે. જેને પહેલું ઈનામ મળે તે ઘણો ભાગ્યશાળી ગણાય. શિવાજીના પરાજયમાં તેવું ઈનામ માત્ર મણી શેઠાણી કે તેના વંશને જ ઘટિત હતું, ને તેવું ઇનામ મેળવવાને આ વાણિયા શેઠ શક્તિમાન થયા, એટલે નાગરિકો તો રાજી થાય એમાં નવાઇ જેવું થોડું જ હતું. કેમકે મુસલમાની રાજ્યમાં તેવા પ્રસંગ ઘણું કરીને ક્વચિત જ આવતા હતા, પણ આ વેળાએ એ દાવાદારનો હક સર્વ પ્રકારે યોગ્ય ગણીને માન્ય રાખ્યો, ને નવરોઝના કહેવાને સર્વ શુરવીર મુસલમાનોએ પણ ટેકો આપ્યો. “નગરના ધણીપણાનો દાવો ધરાવનાર હરિલાલ સર્વ ઈનામને પાત્ર છે, ને તેઓ ચાહે તો પરગણું પોતાના સ્વપરાક્રમના બદલામાં માગી લે ! અમારા દરબાર તરફથી એ માટે ઠેઠ દિલ્લી દરબારને જણાવવામાં આવશે, ને ખુદ બાદશાહી ઈનામને લાયક એએા ગણાયા છે, માટે ત્યાંથી પણ ઈનામ મળશે. પણ અમે આજે અમારો રાજમુકુટ એમને ઇનાયત કરીએ છીએ.” એમ નવાબે મીઠી વાણીમાં જણાવ્યું.

ચારે પાસથી વાહવાહ બોલાઈ, નવાબની ઉદારતા વખણાઈ, અને પ્રજામાં હરિલાલભાઈ મોટા તરીકે હંમેશ માટે સ્થપાયા. બીજા દાવાદારોને તેમની યોગ્યતા પ્રમાણે ઈનામો આપ્યાં. રાજકોશમાંથી પુષ્કળ દ્રવ્ય વહેંચવામાં આવ્યું અને શિવાજીની લૂટમાંથી જે બાકી રહ્યું હતું, તેમાં કેટલુંક ઉમેરી સૌ નગરજનોને તેમનાં નાણાં આપવા જણાવી દરબાર ખલાસ થયો. લોકોને ઘણું નુકસાન થયું હતું, તથાપિ આ મોટા દિલના હાકેમના પ્રેમને લીધે તેઓ સઘળું દુઃખ વિસરી ગયા. શહેરમાં સૌ સ્થળે ઓચ્છવ થઈ રહ્યો હતો. હરિલાલે આ ઉત્તમ પ્રસંગે જે રાજસેવા બજાવી તેના બદલા તરીકે ઠેઠ દિલ્લી દરબારથી બાદશાહની સહી માહોર સાથ ત્રણ મહિના પછી એક ખલિતો આવ્યો, ને તેમાં એક લાખ ટકા દ્રવ્ય ઈનામ તરીકે, તથા આફતાબગીરી, મ્યાનો ને મશાલ સાથે એક પરગણું આપવાનું જણાવ્યું હતું. લોકોમાં આથી હરિલાલની ઘણી કીર્તિ વધી. આ મોટા કુળનાં શેઠની હિંમત, રાજધર્મ ને તેમની કાન્તાના મરણનો બદલો કનક અને કીર્તિમાં મળ્યો. તે ભેટ કેટલાંક વર્ષો સૂધી તેના વંશજો ભેાગવવાને ભાગ્યશાળી થયા.[]



  1. *રમા સંબંધી વાત આ પ્રકરણમાં લખવાની બાકી રહી છે; કેમકે તેનો આ વાર્તા સાથે ઘણો જ થોડો સંબંધ છે. રમા પછાડીથી સુરલાલપર મોહી પડી હતી, ને મોતી બેગમની ઇચ્છા પણ ખરી કે, સુર એની સાથે લગ્ન કરે તો ઠીક. સુરલાલને મોતી બેગમે ઘણો આગ્રહ કીધો, ને રમા ઘણી ખૂબસુરત, વળી પતિવ્રતા, ને પોતાને યોગ્ય વયની હોવાથી તેની સાથે લગ્ન કરવાનું વાજબી લાગ્યું. તે જ્ઞાતે બ્રાહ્મણ હોવાથી તેમનાં લગ્ન સમયે સઘળા બ્રાહ્મણેાએ ભાગ લીધો હતો, એમ કહેવાય છે.
સમાપ્ત