શિવાજીની સુરતની લૂટ/બેરાગી

વિકિસ્રોતમાંથી
← મણિગવરીનો યત્ન શિવાજીની સૂરતની લૂંટ
બેરાગી
ઇચ્છારામ દેસાઇ
૧૯૨૮
ઘેરો →


પ્રકરણ ૬ ઠું
બેરાગી

"ગુરુજી મહારાજ ! જો આપ ફરમાવો તે બજાને મેં આપકા ચેલા તૈયાર હૈ” નાના ચેલાએ પોતાના વૃદ્ધ ગુરુને પગે પડીને પૂછ્યું. “મય જાનતા હું મહારાજ, આજ અપન દોનો શહેરમેં સાથ ઘુસકર ભિક્ષા મંગ લાયગે.”

“હાં, બચ્ચા તું બડા કમજાત હૈ ! હમેરી તું ક્યા સેવા ચાકરી કરનેવાલા હૈ ! હમ હમારે ગુરુ કે બાસ્તે દસદસ રોજ તક ઉપવાસ કીયા હૈ, ઓર તું તેરી સાથ હમકું ભિક્ષા મંગનેકું લે જાતા હૈ. જા બેઠ, તેરી આજ કુછ દરકાર નહિ હૈ. હમ ઔર યે દુસરે બેરાગી આજ ભિક્ષા લેનેકું જાયગે.”

ચેલાએ જાણ્યું કે આજે તો પીડામાંથી મુક્ત થયા ને તેથી તેનો જીવ ઘણો ખુશ થઈ ગયો. પેલો છોટો બેરાગી મનમાં મગ્ન થતો હતો કે, આજે મહારાજે બડી તાલ લગાવી દીધી અને મહારાજના મનમાં શું શું ચાલતું હતું, તે તેણે બરાબર જાણ્યું - એમ કહો કે તેણે બરાબર જોયું, પણ પોતાની છળતાથી, તેણે કહ્યું કે; “આપકે કહેને મેં બેશક કુછભી સંદેહ નહિ હૈ. મહારાજ ! લેકીન હમ જાનતે હૈ કી, અબી અપને ઉઠના ચાહિયે; ઓર નગરમેં દેખના ચાહિયે કે ક્યા ક્યા નયી નયી ચીઝ આઈ હૈઃ અપનકું ભિક્ષા લેનેકું જાના ઉસમેં ક્યા બડી ચીઝ હૈ, મૈને મેરા ગુરુકી પગચંપી કરનેમેં બાર બરસ તક ન રાત ન દિન ફીર કર દેખા હૈ.”

“જદ ચલો,” બોલી, બેરાગી પોતાના ખાંધાપર ઝોળી ભેરવીને ઉઠ્યો, ને “નારાયણ, નારાયણ”ની બૂમ મારતા, બંને જણ શહેર ભણી ચાલ્યા. છોટા બેરાગીએ મોટાને કાનમાં પૂછ્યું કે: “મારી રીતભાત- વર્તણુક એવી તો નથી કે કોઈ મને પીછાની સકે ?” મોટાએ શીખામણ આપી કે, તારે તો મૌન ધારણ કરવું; કોઈ પૂછે તો જવાબ પણ ન આપવો.

સવારના આઠ થઈ ગયા હતા. દરેક માણસ પોતપોતાને ધંધે વળગી ગયો હતો, “નારાયણ હરે”ની બૂમ મારતા મારતા મોહોલ્લા ને શેરીઓ ખુંદતા ખુંદતા બંને પ્રપંચી વેરાગીઓ ચારેગમ ફરી વળ્યા. જે મોહોલ્લામાં જાય ત્યાંની રચના ને રીતભાત ને ખણણ થતો નાણાંનો અવાજ સાંભળીને મરાઠાની તો છાતી જ બંધ થઈ ગઈ. નાણાવટમાં જે નાણાંની ઉથલપાથલ થતી ને જે દોડધામ થતી ત્યાંથી બંને બેરાગીને પસાર થવું ભારે થઈ પડ્યું. અંગ્રેજોની પેઢીનો વેપાર ધમધોકાર ચાલતો હતો, મુલ્લાં ખડકી ઉપર, માળની ચઢ ઉતર જેઈ, મરાઠાનું કલેજું હાથ રહેતું ન હતું. હજારો મજુરોની દોડાદોડી જારી હતી. ડક્કાબંદરપર સેંકડો વાહાણો ડોલી રહ્યાં હતાં. ત્યાંની માલની ઉતર ચઢ ને દોડાદોડી બહુ ભારે હતી. મરાઠાએ મનમાં જ ગાંઠ બાંધી કે, જો નાણાવટ ને અંગ્રેજની કોઠી, એ બે જગો જ હાથમાં આવે તો બસ, શિવાજીનો દહાડો સિકંદર થતાં વાર લાગે નહિ, પોર્ટુગીઝ ને ફ્રેન્ચોની લાતીમાં પણ પૈસાની ઉથલપાથલ થોડી નહતી. મરાઠાની લાગણી તો ત્યાં એટલી બધી ઉભરાઈ આવી કે, વચ્ચે વચ્ચે કંઈ કંઈ બોલી ઉઠતો, પણ બેરાગી તેને વારી રાખતો; ક્ષણે ક્ષણે ધમકાવતો કે જો પકડાયા તો ઘડીના છઠ્ઠા ભાગમાં હલાલખેારને સ્વાધીન થઈ જઈશું. શહેરના મરદો ને સ્ત્રીઓની રહેણી ને ઉદ્યોગ જોતાં, તેમનો રુમઝુમ થતો અવાજ સાંભળતાં, બેરાગીનો વેશ લીધા છતાં મરાઠાથી તેમની સામા ત્રાંસી નજર નાંખ્યા વગર રહેવાતું નહિ.

ઘણું કરીને પૂર્વ કાળથી જ ચાલ્યું આવ્યું છે કે, જગતમાં જે વેરાગી થાય છે, તેમાંના ખરા સંસારત્યાગના વિચારથી વૈરાગ લેતા ઘણા થોડાજ હોય છે. કોઈ ઘર કુટુંબના ક્લેશથી, કોઈ સ્ત્રીના વિરહથી, કોઈ ઘણા કારી ઘા લાગવાથી ને કોઈ ધનની પ્રાપ્તિ બરાબર ન થવાથી, સંસારનો ત્યાગ કરે છે. તેઓની વૃત્તિ તો જેમાં હોય તેમાંથી ખસતી નથી ને ત્યાગી છતે, કંઈ પણ લજજા વગર, સ્ત્રીથી કે ધનથી મોહ પામી ત્યાગને લજવાવે છે. પછી સર્વ કોઈ તેમને તિરસ્કારની નજરથી જોય છે. ત્યાગ ધરવો તેનો મૂળ હેતુ તો જગતના પદાર્થ માત્રમાં જે મમતા બંધાઈ ગઈ છે, તેનો સર્વાંશે ત્યાગ કરી, બંધમાંથી મુક્ત થવું. પણ માયિક પદાર્થોના નિરંતર સહવાસથી તે મમતા ત્યાગીમાં તો અત્યંત તીવ્રતર થતી જાય છે. જેમ મમતાની દૃઢતા વધતી જાય છે, તેમ બ્રહ્મજ્ઞાનથી તેની વિમુખતાની વૃદ્ધિ વધતી જાય છે. પદાર્થનાં સંગના ત્યાગથી જગતના જે પદાર્થપર વૈરાગ્ય કરવાનો છે ને મુક્ત થવાનું છે, તે થવામાં કામક્રોધાદિ ષડ્‍ રિપુઓને જિતી, ઈંદ્રિયોનો દૃઢ નિગ્રહ કરવાનો છે. એમ વૈરાગ્યની દૃઢતા થવાથી બ્રહ્મમાં ચિત્ત લાગી જાય છે, ને તે દ્વારા મોક્ષ પમાય છે. તેને બદલે માયા છોડી માયાને વળગતા જાય છે, તેનું કારણ તેઓએ માત્ર દેખીતો જ માયાનો ત્યાગ કર્યો છે, પણ મનથી કર્યો નથી. માનસિક ત્યાગ એ જ વૈરાગ્યનું મુખ્ય સાધન છે. જે ઉપરથી ત્યાગ કરે છે, પણ મનથી કરતા નથી તેઓ મિથ્યાચારી કહેવાય છે, મનની મશ્કરી કરે છે. ગીતામાં પણ શ્રીભગવાને કહ્યું છે:-

कर्मेन्द्रियाणि संयम्य य आस्ते मनसा स्मरन् ।

इन्द्रियार्थान् विमूढात्मा मिथ्याचार: स उच्यते ॥

જે પુરુષ વાક્, હાથ, પગ, પાયુ અને ઉપસ્થ એ કર્મેન્દ્રિયોનું સંયમન એટલે નિગ્રહ કરીને, એ ઇંદ્રિયોના વિષયોનું મનથી સ્મરણ કરતો રહે છે, તે વિમૂઢ (મૂઢોમાં પણ ચડિયાતો) મિથ્યાચારી કહેવાય છે.

તેઓ નહિ ઈહલોકના કે નહિ પરલોકના. ધોબીનો બળદ નહિ ઘરનો ને નહિ ઘાટનો. એવી સ્થિતિના બેરાગી-એક નહિ, પણ બે રાગી છે. એવાઓ ગમે તેમ નિર્વાહ કરી પેટ ભરે છે, પણ અક્ષય સુખમાંથી રઝળી મરે છે. મરાઠા દૂત બેરાગીની આવી વૃત્તિ સ્વાભાવિક હતી. તે વેરાગી જ ન હતો. તેની વૃત્તિ બદલાય તેમાં આશ્ચર્ય નથી. તેને જ્યારે ધન ને સ્ત્રી બંનેનાં દર્શન થયાં, ત્યારે તે વેશધારી કેમ તે સામું તાકીને ન જૂએ ? તેની મૂળની વૃત્તિ જ એ બાજુએ ઢળેલી, તેને બીજું કંઈ સૂઝે જ નહિ. મરાઠા પ્રજાનું ખમીર ઘણું કરીને વિષયમાં વધારે આસક્તિ ભરેલું છે. જો બહિરજી શહેર ચર્ચા જોવાને ન આવ્યો હોત અથવા એ રાજ્ય મરાઠાનું હોત, તો જે જે સુંદર સ્ત્રીઓને તેણે જોઈ હતી, તેમાંથી ગમે તેવા બળાત્કારે-જોખમે-કોણ જાણે કેટલીક તે ઉંચકી લઈ ગયો હોત ! મુસલમાનના રાજ્યમાં પણ એમ જ હતું. પણ હમણાંનો નવાબ ગ્યાસુદ્દીન રૂમી કેટલેક પ્રકારે ઘણો સારો હતો, તેથી લુચ્ચા લફંગાઓનું ઝાઝું ફાવતું નહિ. સ્ત્રીઓની લાજ લૂંટનારા બે લુચ્ચાઓને નવાબે બાંધી મરાવ્યા હતા ને જો કે તે સમે લોકોએ એ નીતિને નિંદી હતી, તો પણ હમણાં તેનાં બહુ વખાણ થતાં હતાં.

બહિરજી ને બેરાગી બંને જણ નવ કલાકના ફરતા ફરતા સાંઝના ચાર કલાકે ગોપીપુરામાં આવી પહોંચ્યા. ત્યાં વાણિયાઓની ન્યાત જમતી હતી. જુવાનથી તે ઘરડા સુધી-સ્ત્રી, પુરુષ ને બાળક સર્વે અનેક પ્રકારનાં ઘરેણાં ગાંઠાં પહેરીને જમતાં હતાં. તે જોઈને બહિરજીની હબકી ફાટી ગઈ તે તો એમ જ વિચારવા લાગ્યો કે આ સ્વર્ગ છે કે મૃત્યુલોક છે; આ સ્ત્રીઓ તો રંભા ને ઉર્વશીની સખીઓ તો નથી ? તે એકદમ બોલી ઉઠ્યો, “મહારાજ ! હવે તો ચાલો. આ સ્વર્ગલોકમાં રહેવાની જગ્યા આપણે માટે નથી.” તેને બેરાગીએ એકદમ એક તમાચો લગાવ્યો નહિ ત્યાં સુધી તે બક્યે જ જતો હતો કે “અરે ! શિવાજીનાં ભાગ્ય તો હવે નક્કી ફર્યા જ !” પકડાઈ આવવાની બીકથી બંને જણ ત્યાંથી એકદમ પાછા ફર્યા. જતાં જતાં આત્મારામ ભુખણની શેરીમાં પેઠા. ઠેઠ ત્રીજી અટારીપર બેઠેલી એક ચંચળ તીવ્ર નેણવાળી સ્ત્રીના ઉપર બંને જણની નજર પડી, “માઈ કૂછ દેયગી ?” આમ સવાલ નાંખ્યો. તે બાઈ ચમકી, પણ છાતી કઠણ કરી, “મહારાજ ઉભા રહેજો” એમ બોલી નીચે ઉતરી આવીને બંનેને ઓળખી ભેાજન માટે બોલાવ્યા. બહિરજીની છાતી તો ધડક ધડક થાય; તેનાથી નીચેથી ઉંચું ન જોવાય. તેણે જાણ્યું કે, હવે નક્કી પકડાઈ જઈશું. પણ બાવાજીએ તો એવા ઘણા પ્રસંગો જોયલા, એટલે તેને કશો ડર લાગ્યો નહિ. બેધડક તે, બાઈના બોલાવ્યાથી ઘરમાં ગયો. બહિરજીને સાથે લીધો. બાઈએ બંનેને આસન આપી બેસાડી ભોજન લાવી મૂક્યું; અને જણાવ્યું કે, “મારો એવો નીમ છે કે, કોઈ પણ અતિથિ અભ્યાગતને જમાડ્યા વગર કદી અન્ન તો શું પણ પાણીએ ન પીવું. આજે કમનસીબથી કોઈ પણ અભ્યાગત પ્રાત:કાળથી તે અત્યાર સુધી આવ્યો નથી, પણ એટલામાં આપનાં પવિત્ર પગલાં થયાં ને હું કૃતાર્થ થઈ. આપના જેવા પૂજ્ય મહા પુરુષ, આ જે ધર્યું છે તે આરોગો ને હમેશાં અત્ર પધારવાની કૃપા કરજો.” બેરાગી બોલ્યોઃ “બાઈ, હમ રમતે રામ ! હમકું કીસકી પરવાહ હૈ ? હમ કીસીકા ભેાજન લેતે નહિ, સ્વયંપાકજ કરતે. ઈચ્છા હોય તો કૂછ દે, નહિતર હમ હમારે રસ્તે લગેગા. દેવી - બડીબાઈ - કલ્યાણકારી જાનકર સવાલ દાલા હૈ; તેરી મરજી ચાહે તો સુન, મત સુન, જેસી તેરી ઇચ્છા.”

“નહિ મહારાજ આપે તો એ પ્રસાદ આરોગી મને કૃતાર્થ કરવી જરૂરની છે;” અતિ નમ્ર વેણે બાઈએ કહ્યું, “આપ શહેરમાં કેટલા દિવસ રહેશો ?” બહિરજી, જે આ સ્ત્રીના સૌંદર્યથી ને બોલવાની છટાથી મોહ પામી ગયો હતો. તે વાત કરવાનો પ્રસંગ મળ્યો જાણી, એકદમ બોલી ઉઠ્યો. “હમ તો કલ એ શહેર છોડકર ચલનેકા ઈરાદા રખતા, એાર કલ્યાણી જાયગા, વહાં હમેરા મહારાજા શિ-”

આ વાક્ય પૂરું ન થાય, તેટલામાં તો બેરાગીએ બે ત્રણ તમાચા અને પછી ધક્કો મારી બે ત્રણ લાત, તે મરાઠાને ઝાડી કહાડી; ને તેનો અતિસેં તિરસ્કાર કરતાં જોરથી હાથ પકડીને ઘસડી દરવાજા સુધી ખેંચી ગયો. બહિરજીને પણ હવે ભ્રાંતિ આવી કે, મારી મૂર્ખાઈથી ઘાણ બગડ્યો છે. દરવાજાપરથી તેઓ એકદમ ઉભે પગે ઝડપથી ચાલ્યા. બેરાગી કરતાં બહિરજીને ઘણી દહેશત હતી; કેમકે તે પકડાય તો સૌથી વિશેષ શિક્ષા તેને જ મળે.

વાંચનારે મણિગવરીને પિછાની હશે. મોતી બેગમની અજબ રીતની વર્તણુકનો તે વિચાર કરતી હતી, અને નવાબની આવી ચાલચલગતથી શહેરનો નાશ જરૂર થશે એમ તે ધારતી બેઠી હતી. મોતી બેગમનો કંઈ પણ પત્ર તેને મળ્યો હતો નહિ કે તેણે શું કરવા ધાર્યું છે. મોતી બેગમે શું કર્યું છે તે માલમ કેમ પડે, એ વિચારમાં તેણે બપોરનું ભોજન પણ લીધું નહતું. બહિરજી ને બાવાજીની તપાસ પૂરેપૂરી કરવા માટે, અને તેમનાં મોંથી જ કંઈ વિશેષ જાણવા માટે, બંને વેરાગીને જમવા બોલાવ્યા હતા. પણ રસપર આવેલી વાતનો ભંગ આમ સહજમાં થઈ ગયો, ત્યારે તે ઘણું વિસ્મય પામી. તે ધીમે ધીમે દરવાજા લગણ ગઈ ને બાવાજીને પાછા તેડી લાવવાને માટે દેવડીપરના સીપાઈને વરદી દીધી; પણ બંને જણ એટલા તો ઝડપથી ચાલ્યા ગયા કે, સીપાઈ તેમને પકડી શક્યો નહિ.

દીવામાં બત્તી પડે, તે પહેલાં બને વેરાગી હનુમાનની જગ્યામાં ભૂખ્યા ડાંસ થયલા આવી પહોંચ્યા. રસ્તામાં બંનેમાનો એક પણ શખસ એક પણ શબ્દ બોલ્યો નહોતો; તેથી મઢુલીમાં પેસતાંની સાથે જ, બાવાજીએ એકદમ ગાળોનો વરસાદ બહિરજીપર વરસાવ્યો.

“હરામખોર! - કુત્તેકા લડકા !” ગુસ્સામાં બાવાજીએ બહિરજીના તરફ થુંકીને કહ્યું: “તુને કયા કિયા. તુઝે માલમ હૈ કે એ રંડી ક્યા કરેગી? અબ તેરા ઓર મેરા શીર તૂટનેકા મોકા આ રહા હૈ. તેરી ઘોડી તૈયાર કર, એર અબીકા અબ્બી ભાગ જા ! ઓ લડકી, તું પિછાનતા હે કે કૌન હૈ ? ઓ બડી ચબરાક ચંચળ જાત હૈ. નવાબકી બેગમકી સહેલીયા હૈ. ઓ અબ જાયગી ઓર સબ હકીકત કહેંગી, ઓર તેરા ઓર મેરા શીર કટવાયંગી. તુને અમેરી રોટી ખાઈ, ઓર હરામ કી ! સયતાન ! ભાગ, અબ જલ્દી ભાગ ! તેરા ઓર મેરા દુસરા માર્ગ નહિ હૈ. કમબખ્ત ! તેરે ખાતર હમકું હમેરી મઢુલી છોડની પડેગી. ચંડાલ ! તુઝે ક્યા માલુમ હે કે મલેચ્છકા રાજમેં કયા ગઝભ હોતા હૈ ?”

“ક્ષમા, ક્ષમા!” બહિરજી પગે પડી બોલ્યો. “મેં ઘણો અઝીમ ગુન્હો કીધો છે, હું ગુન્હેગાર છું. મહારાજ ચાહે તે કહો, હું તમારો તાબેદાર છું ! તમારા ને મારા પોતાના નાશને માટે મેં કંઈ પણ વિચાર કીધો નહિ, હું તે સ્ત્રીના હાવભાવ ને લટકાથી મોહી ગયો, મહારાજ, તમે પણ તેનાપર ફીદા થયા હશો. તેના જેવી સૌંદર્યવાન્ સ્ત્રી તો અમારા આખા મહારાષ્ટ્રમાં નથી, તેવી સુંદરીને જોતાં હું ભ્રાંતચિત્ત થાઉં, તેમાં આશ્ચર્ય જેવું કશું નથી.”

“અહા ! ઐસા ! ઐસા હૈ બદમાસ ! કુત્તા !! ગધીકા ગદ્ધા !” પોતાના પંથને નામોશી લાગે તેવું આચરણ જોઈને ક્રોધમાં બેરાગી મેાટી બુમ પાડી ઉઠ્યો. એ પોતે ઘણો નિખાલસ હતો તેથી, તેમ જ સંતવૃત્તિ તરીકે અને ધર્મની મહત્તા માટે, એને પોતાને માયિક પદાર્થ ઉપર કશી પણ પ્રીતિ નહોતી. તેણે બહિરને અચ્છી શિક્ષા પ્રથમ આપી હતી કે, આ વર્તણુકથી જ હમેશાં વર્તજે, કે કદી પણ ધન જોઈને મોહ પામવાનાં ચિહ્ન બતાવતો નહિ; કદી પણ સ્ત્રીની તરફ તિરસ્કારની દૃષ્ટિ વગર જોતો નહિ - જો કે તારી વૃત્તિ ઉલટી હોય તોપણ. “ઓ હરામજાદા ! તુને મેરા કહેના સુના નહિ, ઈતનાંહી નહિ, લયકીન મેરા ઓર તેરા શિર કટવાનેકા રસ્તા લીયા ! ઔર જો બેરાગીકે ઘરમે ખાયા, ઉસકા પણ શિર કટવાનેકા રસ્તા લીયા ! તેરા રામદાસ સ્વામીને એસા બોધ દિયા હૈ સાલે સયતાન ! તુજકો સેતાનને ફસાયા કે ભૂતને ઘેરા થા. ઓ બડી ચંચલ જાત, એાર તું તો સહજ બોલા, લયકીન વો તો બડી ખબરદારીસે તેરે સામને દેખતીથી. ઉસસે મુઝે માલુમ હોતા હૈ કે નવાબકી ફોજ આકર તુઝે ઓર મુઝે અબી મુસકાટાટ કરકે લે જાયેગી.” “મા બાપ, મને બચાવો !” ઘણા ધ્રુજતા અવાજે નાયક બેાલ્યો; કેમકે જે મોટી મોટી આશાના ખ્યાલમાં, હવાઈ કિલ્લા બાંધ્યા હતા, તે તો જોતજોતામાં ગગડી પડેલા હવે એને દેખાયા, “શું હું એક નિર્દોષ એમનો એમ માર્યો જઈશ ? મારો રક્ષણકર્તા ઘણો દૂર છે, અહીંઆ મારો રક્ષક હમણાં કોઈ નથી, માત્ર ઈશ્વર ને ઓ મહારાજ, તમે જ છો. હું એક બ્રાહ્મણ છું ને મારી રોટલી ભિક્ષા માંગીને પેદા કરું છું, ને મને આશા છે કે બ્રાહ્મણને કોઈ પણ હેરાન કરશે નહિ ! કોઈ પણ હિંદુ, બ્રાહ્મણ તરફ માનથી જોય છે ને હું બ્રાહ્મણને મરતો, એક દૂરની વિક્રાલ ભૂમિમાં, તમે કોમળ મનવાળા જોશો નહિ. દૂતના કાર્યમાં મારા જેવો ગાફેલ માણસ ન જોઈયે ને હવે હું કદી પણ એવા કાર્યમાં ભાગ લઈશ નહિ;” એમ બોલી પોતાના કાન ચીમટાવ્યા ને ઉંચા હાથ કરીને ઈશ્વરની પ્રાર્થના કરવાનું ડોળ ઘાલ્યું, “હે પંઢરીનાથ વિઠોબા ! તું મને બચાવ. ઓ જગન્નિયંતા પરમ પ્રભુ પરમાત્મા ! માત્ર તારો ને રામદાસ સ્વામીનો જ મારે આશરો છે, આ આર્યભૂમિમાંથી સધળા મ્લેચ્છોને કહાડવાની જે કમ્મર શિવાજી મહારાજે કસી છે, તેમાં તું સહાય નહિ થશે તો કોણ થશે ?” પછી હનુમંતના દેવાલય તરફ નજર કરી, બજરંગની સહાયતા માંગી ને લગાર ઠંડો પડી બોલ્યો; “ પરદેશીની ભૂમિમાં રીતભાત ને ભાષાથી અણજાણ હું છું ને મહારાજ, તમારા શિવાય મને બીજાનો આશરો નથી. તમારા પગની રજ છું - તમારો ગુલામ છું - મારું રક્ષણ કરશો તો તમને ભૂલીશ નહિ.”

“અબ કરના ક્યા હૈ બચ્ચા !” મહારાજે નરમાસ ભરેલી વાણીથી પૂછ્યું, “વોતો બોલ ! ઈધર રહેના અચ્છા નહિ હૈ. ઈધરસે તો અબકાઅબ જરૂર ભાગના ચૈયે.”

“હવે તો મરાઠાની છાવણીમાં જઈ પડવાની ઘણી અગત્ય છે ! ત્યાં જ આપણું રક્ષણ થશે ને ત્યાં જ સલામત રહીશું. જો અધવચ આપણે પકડાયા તો મૂવે જ છુટકો છે,” નાયકે હીંમત રાખીને જવાબ દીધો.

“સચ હૈ બચ્ચા !” મહારાજે કહ્યું, “તેરી પાસ અચ્છી ઘોડી હૈ, ઔર બહોત ત્વરાસે વો ચલનેવાલી હૈ; મેરે બાસ્તે અબ બહોત અચ્છા ઘેાડા”-

એ વાક્ય પૂરું નહિ થયું, તેવામાં બહિરજીનો એક સાથી ત્યાં આવી પહોંચ્યો. બહિરજીએ બાવાજીનો કહેવાનો મર્મ સમજી લીધો હતો તેથી પોતાના સાથીનો ઘોડો માગ્યો. તેણે તુરત જ પોતાનો ઘોડો, જે હાજર હતો તે આપવાની હા કહી. બહિરજી પાસે ખાવાનું તૈયાર હતું, તે બંને જણે ખાઈ લીધું અને બાવાએ પોતાના ચેલાને બોલાવીને સમજાવ્યું કે, પંઢરપુરની જાત્રા જવાની છે, માટે જ્યાં સુધી હું આવું નહિ ત્યાં સુધી આ હનુમંતની સેવા કરજે, મઢુલી તપાસજે. કમર કસી દઈ, ઘોડાપર સાજ સજી, ચંદ્રના ઉગવા પહેલાં બંને જણે પોતાના તેજીને દક્ષિણ દિશાએ જવા માટે છૂટી લગામે એકદમ છોડી મૂક્યા ને રાત્રિની ઠંડીમાં કલાકે પાંચ સાત ગાઉની ચાલથી ઘોડાએા વધ્યા ગયા.