લખાણ પર જાઓ

શિવાજીની સુરતની લૂટ/મણિગવરીનો યત્ન

વિકિસ્રોતમાંથી
← મોગરાનો બહાર શિવાજીની સૂરતની લૂંટ
મણિગવરીનો યત્ન
ઇચ્છારામ દેસાઇ
૧૯૨૮
બેરાગી →


પ્રકરણ ૫ મું

મણિગવરીનો યત્ન

જે ચાકર સાથે નવાબની બેગમપર પત્રિકા મોકલાવી હતી, તે ચાકરને ત્રણ કલાક અથડાવું પડયું, બેગમ પોતાના મ્હેલમાં નહોતાં, તેથી નદી કિનારે આવેલા બક્ષીના મહેલમાં તે ગયો, ત્યાં કેટલીક પૂછપરછ કર્યા પછી એવી ખબર મળી કે, બેગમ સાહેબા હમણાં જ પોતાના મહેલે પધાર્યા છે. ચાકર પાછો નવાબને મહેલે આવ્યો. ત્યાં ચિઠ્ઠી આપી ત્યારે બેગમ, નવાબ સાહેબ સાથે જમવા બેઠાં હતાં. જમી ઊઠી ચિઠ્ઠી વાંચતાં એક કલાક થયો, જ્યારે ચિઠ્ઠીમાં ઘણી અગત્યની બાબત વાંચી, ત્યારે પોતાના પેગામી સ્વારને તૈયાર કરી મારતે ઘોડે શેઠને ઘેર મોકલ્યો, કેમકે રાત્રિના એ ચિઠ્ઠીનું પ્રતિઉત્તર શહેરમાં માંગ્યું હતું. પેગામીએ ઘેર જઈને જોયું તો ત્યાંથી ખબર મળી કે વાડીએ ગયાં છે, એટલે મારતે ઘોડે તે વાડીએ આવી પહોંચ્યો, તે વખતમાં એવો ધારો હતો કે, કંઈ જરૂરનો સંદેશો લઈને કોઈ સ્વાર જાય, ને રસ્તામાં ઘોડાની હડફટમાં માણસ ન સપડાય તેટલા માટે રણસિંગુ ફૂંકતો, તેમ જે સ્થળે પહોંચવાનો હોય ત્યાંના લોકને તેના આવી પહોંચવાની ચેતવણી આપવા ત્રણ વખત રણસિંગું વગાડતો કે મુલાકાતમાં વખત ન જાય. એ જ કારણથી પેગામી દૂતે બ્યુગલ ફુકયું ને મણિગવરી ને હરિલાલ એકદમ ચમકી અધુરી વાતે દરવાજા આગળ આવ્યાં.

પેગામીએ ઘોડાપરથી ઉતરીને દરવાજામાં પ્રવેશ કીધો. સહુ પરોણાઓ બાજુએ ખસી ગયા, પેગામીએ મણિગવરીના હાથમાં ચિઠ્ઠી ધરી, નીચા નમીને કુર્નસ બજાવી - ત્રણ સલામ કીધી. તેનો દેખાવ- પોશાક વિચિત્ર હતો, જાતે ભૈયો પણ વિશ્વાસપાત્ર અને કદાવર પંચહથ્થો હતો. આવો ભવ્ય દેખાવ જોઈને મણિને આશ્ચર્ય લાગ્યું, દીવે જઈને ધ્રુજતા હાથે પત્ર વાંચ્યો. વાંચી પ્રીતમના હાથમાં ધર્યો. હરિલાલે વાંચીને એકદમ કહ્યું કે, “સત્વર સિધારો.” તુરત મણિગવરી તૈયાર થઈ. ગાડી તૈયાર હતી તેમાં બેઠી ને બેગમના મહેલ તરફ ગાડી ચલાવી.

આ, અકસ્માત્ એક ક્ષણમાં બનેલા બનાવથી, ૫રોણાઓ ઘણા વિચારમાં ને ગભરાટમાં પડ્યા. એ પેગામી શેનો? ચિઠ્ઠી શી ને બેગમને ત્યાં રાત્રિના દશ બજે જવાનું કારણ શું પડ્યું ? એને માટે દરેકના મોંમાંથી દશ દશ સવાલ નીકળ્યા, ને એકદમ સવાલનો એક જથો શેઠના આગળ ઉભો થઈ ગયો. આ બધાના સવાલનો જવાબ આપે તો પાર ન આવે; તેથી તેણે 'એક નન્નો સો દુ:ખને હણે' તેવી રીતે એક જ જવાબ આપ્યો કે “એ શી ગડબડ છે તે મને માલમ નથી: સૌ સવારે જણાશે.” સ્ત્રીઓએ તો અનેક તરંગ ઉઠાવી શેઠાણીને માટે બબડાટ ચાલુ કીધો કે, આમાં શેઠાણીની કંઈ ખંધાઈ છે. ઘેર જવાને મિષે આ તાલમેલ લગાવી દીધી છે. શેઠે કોઈને જવાબ ન આપ્યો તેનું કારણ એ જ કે, જે કારણસર શેઠાણી ગયાં તે કારણ ઘણું ખાનગી ને જોખમકારક હતું.

બેગમ મણિગવરીની રાહ જોઈને વારંવાર બારીએ ડોકીયાં કરતી હતી. જેમ જેમ વાર લાગે તેમ તેમ તેને વધારે ચિન્તા થાય, પણ એટલામાં મણિગવરીની ગાડી આવી પહોંચી. ખેાજાને અગાઉથી વરદી મળી હતી, એટલે તે દરવાજાપર આવીને શેઠાણીને બેગમના મહેલમાં લઈ ગયો. મણિને જોતાં તે ઘણી ખુશીમાં આવી ગઈ ને એક બહેનના કરતાં અધિક પ્યારથી તેને હાથ ધરી પોતાની પાસે બેસાડી, નવાબની સ્ત્રી છતાં બિલકુલ ગર્વ ન હતો, તેમ સૌપર ઘણો ચાહ રાખતી હતી. પેટે એક પણ ફરજંદ નહિ, તેથી જ માત્ર ઉદાસીનતા કવચિત્ કવચિત્ રહેતી હતી, તથાપિ નવાબે કોઈ પણ દિવસે એક પણ કડવો બોલ કહ્યો નથી, એ મોટી આશ્ચર્યની વાત છે, બેગમ સાહેબા જાતે અતિ નીખાલસ અને કુલીન હતી, પૂર્વે તો એની મા એક નાગર ગૃહસ્થની દીકરી હતી. પૂર્વ કાળથી નાગરો સ્વાર્થી પડેલા તેથી પોતાના કોઈ મોટા લાભને માટે દીકરીને બક્ષીને ત્યાં આપી ને લોકમાં એમ જણાવ્યું કે, બક્ષીએ બલાત્કારે દીકરીને છિનવી લીધી ! તેની દીકરી તે આ મોતીબેગમ હતી. નાગરની દીકરી એટલે ગમે તેવો પણ ઉંચો હિંદુ વિચાર હોય જ; ને તેવા ઉંચા ઔદાર્યના વિચારથી તે હમેશાં પોતાના પૂર્વના ધર્મપર ને હિંદુઓ પર બહુ પ્યારથી જોતી હતી. રાત્રિના તેના પોશાકમાં કંઈ જાણવા જોગ નહોતું. માત્ર પાયજામો ને તે ઉપર સ્વચ્છ સફેદ મલમલની કફની પહેરેલી હતી, તો પણ ચોટલાનો સેંથો ને કાનમાં મોતીના એરિંગથી તેનું મ્હોડું બહુ દીપતું હતું, એ ઘણું સારું શુદ્ધ ગૂજરાતી જાણતી હતી ને તે સૌ પોતાની માતાના પ્રતાપ હતા.

“બહેન, શી ખબર છે ?” મલકાતે મુખડે બેગમે આવકાર આપતાં મણિને પૂછયું. “તમારી ચિઠ્ઠી મને બહુ મોડી મળી ને તેથી બહુ વખત વીતી ગયો."

મણિગવરીએ અથથી તે ઇતિ સૂધીની, આ શહેર ઉપર કેવી આફત આવી પડવાની છે તેની વિગત કહી સંભળાવી. શિવાજી લૂટારાનો જે દૂત આ શહેરમાં આવ્યા છે અને શહેરમાં જે ત્રાસ પડનારો છે, તે સાંભળીને બેગમને ઘણો ગભરાટ લાગ્યો, અને એનો શું ઉપાય કરવો તેને માટે મણિગવરીને સવાલ પૂછ્યો.

“આપણા શહેરપર આવી મોટી આપત્તિ છે ?” નિ:શ્વાસ નાંખીને બેગમ બોલી. “એનો ઉપાય શો ?”

“અને હું પણ એ જ સવાલ પૂછું છું મારી બહેન ! આનો ઉપાય તો સત્વર થવો જોઈએ. જો નહિ થશે તો મને નથી લાગતું કે, આપણી જીંદગી પણ સલામત રહેશે.” મણિએ થરથરતાં ને જુસ્સાના આવેશમાં બેગમના મનમાં શું થાય છે તે જાણીને કહ્યું.

“ખરેખર, એનો ઉપાય તો થવો જ જોઈયે !” બહેન જેવી મણિનો હાથ પકડી બેગમ બોલી.

“શું તમને કંઈ જ ઉપાય જડતો નથી, મોતી બહેન ?” મણિએ લગાર કરડાકીનો જવાબ આપતાં કહ્યું અને બેગમના મ્હોં સામું નજર કીધી. “મારી તરફથી તો તમને જે કહેવાનું છે તે કહીશ: અને વિશ્વાસ રાખો કે મારી જીંદગી કરતાં વધારે મૂલ્યની હું તમારી રંક રૈયતની જીંદગી ગણું છું, અને તેની પૂરતી સાબીતી એ જ કે આજની મોટી મિજબાની છોડીને તમારી સેવામાં હાજર થઈ છું.”

“તારા એ બોલવા૫ર મને જરાએ સંશય નથી;” મોતી બોલી. “પણ તને માલમ છે કે, મારા પૂજ્ય પવિત્રપતિ એવાં કામમાં ઘણું થોડું લક્ષ આપે છે. તેને તો રાગરંગ ને ગાનતાનમાં જ મઝા છે. આવા ગહન વિષયમાં તેની પહેાંચ લાંબી હોય એમ મને માલમ નથી.” પોતાના પતિ વાસ્તે કડવાં વેણ બોલવાં પડે છે તે માટે ઈશ્વરની ગુન્હેગાર સમજીને ઉંચા હાથ કરી બોલી. “અરે ! મારા પતિ માટે આવાં કુવેણ કેમ બોલાય છે ? એ પ્રભુ ! તારી કૃપાથી જ હું તરીશ, નહિ તો મારે વાસ ક્યાં થશે ? હે પ્રભુ ! તું મારો, મારા પતિનો ધર્મ સંભાળી અમારું રક્ષણ કરજે !” પાછું મણિને કહ્યું: “હવે તું જાણ કે પ્રિયના દિવાન ને કારભારી પણ માત્ર નામના જ છે. કાયચો ને મારા જાતિલા તો, મારી પૂર્વની કરેલી સૂચનાથી તને કંઈ અજાણ્યા નથી. પણ મારા હાથમાં એટલી સત્તા છે કે, જે ઈલાજ બતાવીશ, તે ઇલાજ પ્રમાણે પ્રિયપતિ પાસેથી કામ કરાવીશ. તને કંઈ યુક્તિ માલમ હોય તો બતાવ.”

“મોતી બહેન, જેમ મેં પૂર્વે સલાહ આપી છે તેમ જ હમણાં પણ આપીશ, તમારે ગભરાવું નહિ;” મણિએ ખુશીનાં વેણ કહાડી ધીરજ આપી.

એ પછી મણિગવરીએ કહ્યું: “જો એ મરાઠો અને બેરાગીને પકડવાની તજવીજ કરવી હોય ને નગરજનનું રક્ષણ કરવું જરૂરનું જણાતું હોય તો નવાબના જાસુસો એની પછાડી મૂકવા જોઈયે, ને તેઓએ એમનાં કાવતરાં તપાસવાં જોઈએ. પછી જેવા શહેર છોડીને જવા માંડે તેવા જ બંનેને પકડવાની પેરવી કરવી.” મોતી બેગમને એ સલાહ પસંદ પડી, પણ નવાબ સાહેબ જાતે ઓલિયાના પાચ્છા, તે એકદમ એ વાત કબુલ કરશે એમ ભાસ્યું નહિ; તેટલા સારૂ તેમને માટે શી પ્રયુક્તિ કરવી, તેના વિચારમાં પડ્યાં.

“આપણે એને સમજાવવાને કાંઈ પણ ગોઠવણ કરવી વિશેષ અગત્યની છે;” ભયથી ધ્રૂજતી મોતી બોલી.

“અને તે વળી બનતી ઉતાવળે કરવી જોઈયે, નહિ તો સર્વે શ્રમ ફોકટ જશે !” મણિએ જણાવ્યું.

“બેશક, બેશક !” પોતાના કોચ પર એકદમ ઢળી પડીને મોતીએ કહ્યું; અને મણિ એકદમ તેની પાસે જઈ બેઠી. “હવે નવાબને સુવાનો સમય થયો છે ને અત્યારે તેમને કહેવાનું બનશે કેમ ? અને જો આ સમય ગયો તો તે પ્રપંચી વીરો એકદમ શહેરની ખાનાખરાબી કરશે જ. મારે એ માટે હમણાં જ જવું જોઈયે.” સૂતાં સૂતાં મોતી સ્વતઃ બડબડી ગઈ.

“પ્રભુ ઇચ્છા બળવાન્ છે !” મણિએ કહ્યું. “ લો, આ નવાબ સાહેબ જ અહીંઆ પધારે છે, હવે તમારે કહેવું ને સમજાવવું હોય તે મારે માથે મૂકો. હું એનો ઘટતો ઈલાજ કરીશ. મારી વાણીથી હું તેમને રંજિત કરીશ અને કાલે પ્રાત:કાળે પોતાના દૂતોને એ દૂતોની પૂઠે પ્રેરે, એવી યુક્તિ બતલાવીશ.”

તુરત જનાનખાનાનું બારણું ઉઘડ્યું. ગમે તેવી પણ વાણિયાની દીકરી ને લજ્જાશીળ તેથી મણિ સંકેાચતાને પામી સ્હોડામાં હાથ ઘાલી, નીચું મ્હોં કરી, બેગમ સાહેબા પાસેથી ઉઠી જઈ, બાજુમાં ઉભી રહી, મોતી બેગમની પૂંઠે મ્હોં ઢાંક્યું, એટલે નવાબ તેને જોઈ શકયો નહિ, અતિ પ્રેમના આવેશમાં એકદમ ધસ્યો નવાબ કોચની નજીક આવ્યો. તેની આકૃતિ ખરેખરી પહેલવાની નહતી. તે જેટલો બહારથી સીનેદાર દેખાતો, તેવો મનમાંથી પોચો હતો. માત્ર શિકાર કરવામાં તે પાકા ઉસ્તાદ હતો ને તે કાળના કોઈ પણ શિકારીને હંફાવે ને તેનું પાણી ઉતરાવે તેવી શક્તિ તેનામાં હતી. વારંવાર શિકારે જઈ, સુરતની આસપાસ વાઘની વસ્તી હતી તે નિર્મળ કીધી હતી અને હમેશાં તેને શિકાર મળતો તો જ પ્રફુલ્લિત વદનનો દેખાતો હતો. આ મર્દાઈ વગર બીજી બાબતમાં નવાબ એક સ્ત્રીને પણ લજ્જિત કરે તેવો હતો. ઉમરમાં લગભગ પંચાવન વરસ થયાં હતાં, તોપણ શરીરે સોહામણો હતો, રાજદરબારી કારસ્તાનમાં ઘણું કરીને મુસલમાન નવાબો ઉતરતા હોય છે અને આ નવાબ બાલ્યાવસ્થાથી જ એકલવાયો હતો, તોપણ તેને કેટલીક રીતે પાવરધો, નાગરોએ કીધો હતો. તેના પોશાકની ઢબછબ કોન્સ્ટાન્ટિનોપલના સુલતાન જેવી શ્રેષ્ઠ હતી. તે આલબિયન તરેહથી પોશાક પહેરતો, રુમસામથી આવેલી ઉંચી મખમલના ચંપલ અને હમણાંના હાઈલંડર જેવો સીનો રાખી જાણે એક વૃદ્ધ પ્રવીણ યોદ્ધો અચ્છી રીતે ધૂમતો હોય તેવો ફાંકડો દેખાતો હતો, જો કે તેવી શક્તિ એનામાં ઘણી જ થોડી હતી. બહાર ફરવા નીકળે ત્યારે હમેશાં બે ખંજર પાસે રાખતો- જે ખંજર ઉપર રત્ન જડેલાં હતાં ને તેની ખેાલ જરદોસથી ભરેલી ઘણી તેજસ્વી હતી; અને શિરપેચવાળી મંદીલની પાધડી ઘણી ફાંકડી ગોઠવી મૂકતો કે જે ઘણું કરીને તેલમાં બાર પૈસા ભાર ભાગ્યે જ થતી હતી. તેનામાં મુખ્ય ગુણ પ્રીતિનો હતો, પણ તે રાજ્યકાર્યને યોગ્ય ઘણા જ થોડા ગુણ ધરાવતો હતો.

નવાબે આવતાંને વાર એકદમ મોતીના ખભાપર હાથ નાંખી કહ્યું કે, “મારી પ્રિય સુંદરી !”

“તમે જાણતા નથી જહાંપનાહ !” ગભરાટ ને ચમકાટમાં મોતીએ જોસથી કહ્યું: “આજે મારી પ્રિય સખી મણિ મળવા આવી છે અને તે વળી ઘણી અગત્યની વાતચીત માટે ?”

“ક્યાં છે !” નવાબે પૂછ્યું, “મને તે સુંદર અાંખવાળી કંઈ જણાતી નથી." “આ રહી;” મોતીએ જવાબ દીધો ને પોતે બાજુએ ખસી ગઈ કે નવાબ શરમાઈ ગયો તેથી કોચ પાસેથી પાછો હઠ્યો.

“સુંદરી, મારી ભૂલ થઈ છે ! નવાબ નમ્ર અવાજે બોલ્યો, “જો મને માલમ હત કે તમે અગત્યના કાર્ય માટે ને સખીભાવ બતાવવા માટે અત્રે બેઠાં છો તો હું આવવાની હીંમત કરત નહિ.”

“પ્રિય, તમે પધાર્યા તો શી અડચણ છે ? તમારી હાજરી અહીંઆ જરૂરની છે. તમે ભલે પધાર્યા !” મોતીએ આવકારયુક્ત વચનથી ઉમેરણ કીધી, કે જે હમણાં સુધી લગાર ગભરાટમાં હતી. “જે કામ અગત્યનું છે તે અમારાથી બનશે નહિ, અમે તો નાજુક કળીઓ છિયે;” ઘણા મીઠા અવાજ ને મેાહક દૃષ્ટિથી જોઈને તે બોલી.

“ત્યારે તો બેસ, મોતી,” પોતાનો હાથ મોતીના હાથમાં આપી ધીમેસથી કેાઈન દેખે તેમ ચાંપીને બોલ્યોઃ “મણિની આગતાસ્વાગતા કર ને પછી આવજે.” આમ બોલીને જેવા જોસ્સામાં નવાબ આવ્યો હતો, તેવા જોસ્સામાં તે પાછો ચાલ્યો ગયો; ને જ્યાં સુધી બારણાં બંધ થવાનો અવાજ ન સંભળાયો ત્યાં સુધી મણિ તેને જોવાની હીંમત કરી શકી નહિ.

“ખરી તક આપણે ગુમાવી;” બેગમ બોલી; “અને ગભરાટમાં જે કંઈ કરવાનું હતું તે ભૂલી ગઈ. મારી એ મોટી ભૂલ થઈ. જે એઓ અત્રે બિરાજ્યા હોત તો છૂટથી સઘળી વાત કરી શકાત; અને મને ખાત્રી છે, કે આપણા બંનેના કહેવાથી એમના દીલમાં સારી અસર કરી શકાત - તો પણ, હજી જો આપણે હમણાં જ જઈશું તો એઓ બેઠા જ હશે, અને એકાદ ગાયન ગાઈને ખુશ કરી સઘળો ઈતિહાસ અથેતિ કહી સંભળાવીશ; ને એમમરજીથી તને બોલાવીશ, મણિ, થોડો સમય તું અહીંઅાં બેસશે ?"

“ઘણી ખુશીથી,” મણિએ પોતાના મનમાંની દહેશત કહાડી નાંખી, મીઠા મનમોહક અવાજે કહ્યું, - અગરજો એકલા બેસવાની મરજી તેની હતી નહિ, “પણ નવાબ હવે તમારું સાંભળવાને તૈયાર રહેશે, તે માટે હવે મને શક રહે છે !”

“મારી મજાક ન કર,” મોતી બોલી. “હું ઘણી મૃદુ છું, છતાં મારાથી જેમ પાછું જલ્દી અવાય તેમ પેરવી કરીશ, અથવા વીતક- વાર્તા કહેવા વાસ્તે તને જ બોલાવીશ. તે નામદાર એક બહેન તરીકે તને ચાહે છે, ખાત્રી રાખ કે, તે એક ઉત્તમ પુરુષ છે, તે કદી પણ ગેરવર્તણુકે વર્તે તેવો નથી.”

“તો અતિ રૂડું !” ઘણા સંતોષથી મણિએ કહ્યું, “તું જા અને પાછી વહેલી આવીને મને મળ અને શું કર્યું તે જણાવ.”

“જનાનામાં મને ઘણો વિલંબ લાગશે નહિ;” ફરીથી મોતીએ કહ્યું, “જો મને વિલંબ લાગે તો તું ઉતાવળી થતી નહિ. અતિ ત્વરાએ હું આવીશ.” ઘણે આનંદી ચહેરે મોતી પાછું વળી જોતી જોતી ચાલી ગઈ.

એક કલાક વહી ગયો. બરાબર બારપર બે વાગ્યા. બેગમ પાછી ફરી નહિ, ત્રણ, ચાર, પાંચ, પ્રાતઃકાળ થયો ને કાગડાઓનો કાકાનો કાન ફોડતો અવાજ સંભળાવા લાગ્યો. મોતી આવી નહિ. રાહ જોઈને મણિ ઊઠી. તે નિરાશ થઈ, તેણે જાણ્યું કે મારો શ્રમ અકારથ ગયો. તુરત બારણું ઉઘડ્યું ને ખોજો આવી હાજર થયો. “મારો માફો તૈયાર છે?” મણિએ પ્રશ્ન પૂછયો.

“જનાબકા કયા હુકમ હૈ, ગુલામ વો બજાલાને મેં કુછ દેર કરનેવાલા નહિ, દેર હોવે તો શિર ગીરાદેના.”

“ તું જઈને માફો તૈયાર કરાવ, હું હેઠળ આવું છું.” “ બ્હોત અચ્છા જનાબ:” બોલી ખેાજો પાછો ફર્યો અને મણિ તેની પછાડી ક્ષણેક રહીને વિચાર કરતી ધીમે ધીમે દાદર પરથી નીચે ઉતરી પડી.