લખાણ પર જાઓ

સત્યવીર શ્રદ્ધાનંદ/યૌવનના તડકા-છાંયા

વિકિસ્રોતમાંથી
← બાલ્યાવસ્થા બે દેશ દીપક
યૌવનના તડકા-છાંયા
ઝવેરચંદ મેઘાણી
૧૯૩૧
યૌવનના ફાંસલા →


યૌવનના તડકાછાંયા


કોલેજના પ્રીન્સીપાલ


પ્રથમ તો સ્મરણે ચડે છે મારી કોલેજના પ્રીન્સીપાલ ગ્રીફીથ સાહેબ. વાલ્મિકી રામાયણનું અને ચારે વેદોનું એણે અંગ્રેજીમાં ભાષાન્તર કરેલું. હતા તો પાંચ ફૂટના વામનજી, પણ નખથી શિખા સુધી સાફસુફ, એક ટાંગે લંગડા થઈ ગયેલા અને પગ ભાંગવાનું કારણ પણ વિચિત્ર હતું. એક તો પોતે કવિરાજ, અને વળી એમનો ટમટમ એટલો ઊંચો કે એક સડક પરથી બીજી સડક પર વાળવા ગયા ત્યાં ગરદન તારમાં અટવાઈ ગઈ ને પોતે પૃથ્વી પર પટકાયા. પગે લંગડા તો થયા, પણ પગના બૂટની એડી જરા ઊંચી કરાવીને એવી યુક્તિથી ચાલતા કે બીજાઓને પગની ખોટ દેખાય જ નહિ. શોખીન પણ એવા, કે નવાં કોટપાટલુન પહેરતી વખતે જરા પણ બંધબેસતાં ન લાગે તો બહાર ફેંકી દે. ઉપરાંત એવા તો કોઈ હતભાગી વિધાર્થી નહિ હોય, કે જેણે સાહેબના નોકરને આઠ આના રૂપિયો આપીને સાહેબની ગેરહાજરીમાં એના બંગલાના મુલાયમ ગાદીવાળા કોચોનો આનંદ ન લુંટ્યો હોય, સાહેબ બહાદુર પરણ્યા તો નહોતા છતાં સડકની સામી બાજુ એક મકાન ભાડે રાખીને ત્યાં પોતાની માશુકને વસાવી હતી. તબિયત એટલી નાજૂક કે મોંમાંથી નીકળતા સાધારણ શ્વાસને પણ સહન ન કરી શકે. કોઈ મુલાકાતે આવે તો પોતે પાછળ હટતા જ જાય અને વળી બોલે બહુ જ ધીરે ધીરે. પણ જ્યારે વર્ગમાં આવીને ભણાવવા બેસે ત્યારે એ અવાજ કેટલો બુલંદ બનતો ! જાણે કે તમામ શક્તિનો સંચય એ કામને માટે જ ન કરી રાખ્યો હોય !

મૌલવી સાહેબ

બીજી પુણ્ય-સ્મૃતિ છે અમારા અરબ્બી શિક્ષક મૈાલવી સાહેબની. વિદ્યાર્થીઓને એ 'બરખુરદાર' (ચિરંજીવી) શબ્દે જ સંબોધતા વર્ગમાં એ બેઠા હોય ત્યારે પણ વિદ્યાર્થીઓ છાનામાના બેસતા જ નહોતા, અને બહાર જાય એટલે તો કોલાહલનો સુમાર ન રહે. પાછા આવીને મૌલવી સાહેબ તોફાન કરનારને આજ્ઞા કરે કે 'બરખુરદાર ! બેન્ચ ઉપર ઊભા થઈ જાઓ.' વિદ્યાર્થી એક પગ બેન્ચ પર ને એક પગ નીચે રાખીને બોલે કે 'મૌલવી સાહેબ ! છોરૂ કછોરૂ થાય પણ માવતર કમાવતર થાય ?' એ સાંભળીને ભલા મૌલવી સાહેબ કહી દે કે વારૂ ! બરખુરદાર ! બેસી જાએા !' ભણાવતાં ભણાવતાં કોઈ અગત્યની નોંધ કરાવવાનો મુદ્દો આવે, એટલે મૌલવી સાહેબ બોલી ઊઠે કે “બરખુરદારો ! હવે મહત્ત્વની વાત આવી છે. જરા ધ્યાન દઈ સાંભળો.' તત્કાળ ચુપકીદી છવાય. રૂમાલ પડે તો પણ સંભળાય એવી એ ચુપકીદી !

આજ એ મૈાલવી સાહેબનો પિતાતુલ્ય પ્રેમ સાંભરતાં જ હૈયું ભરાઇ આવે છે, અને બીજી બાજુ હિન્દુમુસલમાનોના કંકાસ દેખી ઊંડી વેદના થાય છે. જે પવિત્ર ભૂમિએ બન્નેને જન્મ દીધો, જેનાં અન્નજલે બન્નેને પાળ્યાં પોષ્યાં, જેની ગંગાના શીતળ નીરે શાંતિ આપવામાં હિન્દુ મુસલમાન કે ઈસાઈ જેવો કશો ભેદ નથી રાખ્યો, એ માતૃભૂમિના પુત્રો સામસામા લડી માતાને સતાવે, એ કેટલું દારુણ !

ઉચ્ચ શિક્ષણના વાતાવરણમાં પ્રવેશતાં જ મારા પોશાકનું પરિવર્તન થયું. બલિયામાં અમલનો મદ ચડેલો તેમાં મસ્ત બની ઠાઠમાઠથી સિંહ-સરદારોનો પોશાક પહેરતો હતો. બનારસમાં આવતાં જ એ નશો ઊતરી ગયો ને પોશાકમાં બનારસની સાદાઈ અાવી ગઈ, મારી દિનચર્યાનો કાર્યક્રમ પણ નિયમિત બની ગયો. મને બરાબર સ્મરણ છે કે સંવત ૧૮૭૩ સુધી તો કોઈ દિવસ હું રાતે વાંચવા નથી બેઠો. *[]ગુરૂકુળ ખોલ્યા પછી થોડા વખત સુધી તો મેં આ જ નિયમ ચાલુ રખાવ્યો હતો, પરંતુ શિક્ષણમાં અંગ્રેજી કોલેજોના ગ્રેજયુએટો સાથે કામ લેવું પડ્યું, એટલે તે લોકોએ રાતના અભ્યાસ પર જોર દીધું, એટલું જ નહિ પણ સરસવના દેશી તેલને બદલે ગ્યાસલેટ પણ બાળવાનો આદર કરી દીધો. મારી ગેરહાજરીમાં જ તેઓએ આ ફેરફાર કરી નાખ્યો. હું પાછો આવીને અમારા અસલના નિયમનો અમલ કરાવવા મથ્યો, પરંતુ સુધારાની નવી રોશનીવાળા શિક્ષકબંધુઓએ મને રોકડું પરખાવી દીધું કે રાતે વાંચ્યા સિવાય પાઠ તૈયાર જ નહિ થઈ શકે ! હું મારા બ્રહ્મચારીઓને આ આપત્તિમાંથી ન બચાવી શક્યો, કેમકે હું પોતે જ મારી જુવાનીમાં ગ્યાસલેટ તેલનો અને ઝીણા અક્ષરોવાળી નવલકથાઓનો ભોગ થઈ ૫ડ્યેા હતેા.

અધોભ્રષ્ટ વારાણસી

એ વાત બાજુએ રહી. બનારસી ગુંડાની માફક હું પણ સાંજે મારી કમરમાં છૂરી લટકાવીને બહાર ફરવા જવા લાગ્યો. માતાપિતા પાસેથી મને સુડોલ શરીર તથા મજબૂત હાથપગ મળ્યા હતા. તે ઉપરાંત કસરતે મારૂં શરીર વજ્ર જેવું ઘડી કાઢ્યું હતું. આટલું છતાં યે હું વગર કારણે કોઇની સાથે બાખડી પડું તેવો નહોતો. ઊલટો હું તો શરમાળપણાની જ મૂર્તિ હતો. એ શરમાળપણાને પરિણામે જ મારામાં બે નબળાઈઓ હતી, કે જેનું બયાન હવે પછી આપીશ. પરંતુ શરીરબળનો પરચો બતાવવાના પ્રસંગો શરૂ થઈ ગયા. રવિવારની રજામાં શહેરની અંદર એક સંબંધીને મળીને હું આવતો હતો. રસ્તે એક સ્થળે ગુંડાનું ટોળું બેસતું હતું. તેઓ રોજ મારી હાંસી કરતા. પણ હું ધ્યાન ન દેતો. પણ એક વાર એક ગુંડે મારી પાછળ પાછળ આવીને અધમ વાતો કહેતો ચાલ્યો ત્યારે મારા કાન ખડા થઈ ગયા. પાછા ફરીને મેં એના મોં પર એક એવી થપ્પડ ધરી દીલી કે એ તમર ખાઈ ગયો. એ ફરી ધસ્યો એટલે મેં એને ધક્કો મારી પથ્થરની ફરસ (ફુટપાથ) પર પટક્યો. બીજા બધા બદમાશો સ્તબધ બનીને બેઠા રહ્યા. તે દિવસથી કોઈ મારી સામે ઊંચી આંખે જોતા જ નહોતા.

બનારસના પતિત આચારનો બીજો પ્રસંગ પણ મેં અનુભવી લીધો. ઉનાળામાં કોલેજ દૂર હોવાથી હું ટપ્પો કરીને જ જતો. બીજી નિશાળોમાં સવારનો સમય થઈ ગયો હતો, પરંતુ અમારી કોલેજની બારીએ બારીએ તો વાળાની ટટ્ટી બંધાતી ને પાણી છંટાતાં, વળી પ્રોફેસર સાહેબો તો પાલખીમાં ચડીને પધારતા, એટલે પસીને પલળતા અને કાળે ઉનાળે પોણા ગાઉનો પંથ કાપતા ગરીબ વિદ્યાર્થીની સગવડ કોણ વિચારે ? પ્રોફેસર સાહેબોને તો વર્ગમાં બેસીને પણ નિદ્રાની લહેરો ખાવાની છૂટ હતી ! એક દિવસ હું ચાલ્યો જાઉં છું ત્યાં એક વિદ્યાર્થીની પાછળ પાંચ છ ગુંડાને જોયા. ટપ્પો દોડાવીને મેં એ બિચારાને સાથે લઈ લીધો. ગુંડા લાઈલાજ બની રહ્યા. પછી તો રોજ હું એ બાળકને મારી સાથે જ લાવતો ને લઈ જતો. મેં એને કસરત શીખવી. એનું શરીર બલવાન થયું ને એની લજ્જા પણ ઊડી પરંતુ રજાના દિવસમાં હું બલિયા ચાલ્યો ગયો એટલે પાછળથી એક વેદપાઠી પંડિતે જ ગુંડાઓ રોકીને એ બાલકને ટપ્પામાંથી પરબારો ઉઠાવી લઈ જવાનું ઘૃણિત આચરણ કર્યું હતું. એ પિશાચ પંડિતે પોતાની મનોરથસિદ્ધિને ખાતર મને પણ આ બાલકના સંબંધમાં કલંક ચડાવવાની કોશીશ કરેલી.

ત્રીજો અનુભવ એક એન્ટ્રન્સના વિદ્યાર્થીને થયો. મારા ઘરમાં આવીને એણે કુચેષ્ટાની કોશિશ કરી. મેં એને ફિટકાર આપી એાસરીની નીચે ધકેલી દીધો. એ મને આજીજી કરવા લાગ્યો કે “મારી પોલ ન ખોલજો.” પણ મેં તો વળતેજ દિવસે એની કલંક-કથા કોલેજમાં સંભળાવી દીધી.

આવી આવી ઘટનાઓએ મને ખાત્રી કરાવી કે કાશી તો વ્યભિચારનો નરક–કુંડ છે. વેદપાઠી પંડિતોનાં ચારિત્ર્ય દેખીને સંસ્કૃત ભાષા પર પણ મને ધિક્કાર છૂટ્યો.

રઝળપાટ : પહેલું અસત્ય

એક વાર હું પરીક્ષામાં નાપાસ થયો, મારા સહાધ્યાયીઓ ઊંચી શ્રેણીમાં ચાલ્યા ગયા હોવાથી ઉદાસ બની ગયો. એનાં એ પુસ્તકો ફરી વાંચવાં ગમ્યાં નહિ અને નીચલા ધોરણમાંથી આવેલા વિદ્યાર્થીઓ સાથે બેસવામાં શરમ લાગી તેથી રઝળવા લાગ્યો. અંગ્રેજી નવલકથાના થોકડા વાંચવા શરુ કર્યા, ચિત્ત ચગડોળે ચડ્યું. નિશાળમાં ચોકડી પૂરાવા લાગી. નામ છેકાઈ ગયું. એક ગાંસડી ભરીને નવલો, ઇતિહાસ અને જીવન-ચરિત્રોનાં પુસ્તકો લઇ રજા પડતાં જ પિતાજી પાસે ચાલ્યો ગયો. પિતાજી સમજે છે કે છોકરો પરીક્ષાની તૈયારી કરે છે, જ્યારે પુત્ર-રત્ન તો પોતાને નવલકથાના નાયક તરીકે કલ્પી અનેક હવાઈ કિલ્લા રચી રહ્યા છે ! રાતે દીવાને અજવાળે ગરમી સતાવે અને વળી પતંગીઆં બળી મરે, તેથી મારી આંખેાની અસાધારણ જયોતિનો ગર્વ કરીને હું પૂર્ણિમાના આગલા પાછલા દિવસોમાં ચંદ્રને અજવાળે નવલકથાઓ વાંચવા લાગ્યો. [દસ વર્ષ સુધી આ બેવકૂફી ચાલુ રહી. પરિણામે આંખોને ઈજા પહોંચી.] રજા ખલાસ થયે હું કાશીમાં આવ્યો. પિતાજીનું પણ કામપ્રસંગે આવવું થયું. જમ્યા પછી પિતાજીએ પૂછ્યું કે

“નિશાળે ક્યારે જવું છે ?” સત્ય કહેતાં મને આજે લજજા આવી. જીવનમાં પહેલી જ વાર હું જુઠું બોલ્યો, “આજે રજા છે !” પિતાજી બહાર ગયા. રસ્તે એમને મારા ધોરણના વિદ્યાર્થીઓ મળ્યા. તેઓની પાસેથી સત્ય સાંભળ્યું કે મારૂં નામ તો કાઢી નાખવામાં આવ્યું છે ! પિતાજીને ઊંડો આઘાત થયો. નિઃશ્વાસ નાખીને એમણે મને પૂછ્યું “બેટા, મારા આટલા વિશ્વાસના બદલામાં આવો વિશ્વાસઘાત ! તારૂં દિલ નહોતું ચોંટતું તો મને લખ્યું શા માટે નહિ ?”

એક તરફ પિતાજીનો પ્રેમ ને બીજી તરફ આ વિશ્વાસઘાતઃ રોઈ રોઈને મેં આંસુ ઠાલવ્યાં. પિતાજીએ દિલાસો દઈ મને દૂર કર્યો, પણ મને ક્યાંથી શાંતિ મળે ! સંસારમાં મને અંધારૂ જ દેખાયું. ભૂખતરસ ઊડી ગઈ, મારા પાપ પર અનેક તરંગો ઊઠ્યા. એ સંક્ષોભની અંદર પરમાત્માની અપાર કરુણાએ મને પોઢાડી દીધો. પ્રભાતે પક્ષીએાના ગાને અને ગંગા-સ્નાને મને શાંતિ અર્પી.

અવિશ્વાસનો આદર

પેલી ઝારી, પૂજાની થાળી અને મારી નિત્યની દેવપૂજાઃ એ બધાં ચાલુ જ હતાં. મારી શ્રદ્ધા–ધારા અખંડ વહેતી હતી. રોજ સાંજે વિશ્વનાથનાં દર્શન કર્યા પછી જ હું વાળુ કરતો. પોષ મહિનાની એક સાંજે હું કાશીવિશ્વનાથના મંદિરમાં ચાલ્યો. ગલીમાં પેસતાં જ પહેરાવાળા પોલિસે મને અટકાવ્યો. મને કહેવામાં આવ્યું કે 'રેવા રાજ્યનાં રાણીજી દર્શને આવ્યાં છે, એ ગયા પછી જ દ્વાર ખુલશે.' હું ખસીઆણો પડી ગયો. આ રૂકાવટે મારા હૃદયને જબ્બર આઘાત પહોંચાડ્યો, ઊઠીને હું ચાલ્યો ગયો. પહેરાવાળાએ મને સાદ પાડ્યા, પરંતુ હું ન રોકાયો. રાતે ભોજન ન લીધું. પથારીમાં હું આખી રાત આળોટ્યો, પ્રશ્નો પર પ્રશ્નો ઊઠ્યા: સાચેસાચ શું આ જગત્પિતાનો દરબાર, કે જેના દ્વાર પર એક રાણી આવીને સાચા ભક્તને રોકી શકે ! આવા પક્ષપાતથી ભરેલ મૂર્તિને શું દેવતા માની શકાય ? આ મૂર્તિઓને દેવતા બનાવી કોણે ? એને બનાવનાર તો ક્ષુદ્ર સલાટ જ હોય છે ના !

વ્યાકુલતા વધી ગઈ. ઘડીક ટેલું છું, ઘડીક બેસી જાઉં છું, ઘડીક આળોટું છું. વળી પાછાં પ્રશ્નેાનાં મોજાં પર મોજાં ઊછળ્યાં : જો સાંસારિક વ્યવહારમાં પક્ષપાત છે, તો દેવતાના દરબારમાં કાં ન હોય ? શું મનુષ્યો પણ દેવતાઓ પરથી જ પક્ષપાત શીખ્યાં ? મારા સ્વચ્છંદી જીવને તો મને અશ્રદ્ધાળુ નહિ બનાવી દીધો હોય ? ગોસ્વામી તુલસીદાસજીના દોહા યાદ આવવા લાગ્યા:-

बार बार वर मागहुं हर्ष देहु सिय रंग
पदसरोज अनुपावनी भक्ति सदा सतसंग

એ દુહો ગુંજવા લાગ્યો, એક કલાક સુધી આંસુનો પ્રવાહ બંધાઈ ગયો. ઇષ્ટદેવ રઘુવીરને પ્રાર્થના કરી કે 'પ્રકાશ કરો, મને દોરો.” રૂદન થંભ્યું. પ્રાચીન ગ્રીસ અને એમની મૂર્તિપૂજાના ઇતિહાસ પર દૃષ્ટિ દોડી. અધરાતે નિશ્ચય કર્યો કે પાદરી લ્યુપોલ્ટ પાસે જઈ શંકાનું નિવારણ શોધીશ. વિચારમાં ને વિચારમાં કોણ જાણે ક્યારે આંખ મળી ગઇ.

બીજે દિવસે લ્યુપોલ્ટનો પીછો લીધો. પોતાના પંથમાં મને વટલાવવાને માટે બહુ જ પ્રસન્નતાભેર એણે મગજમારી કરી. પણ મારા ત્રણ દિવસના પ્રશ્નોથી ગભરાઈને સાહેબે મને Hopeless case (નિરાશાજનક મામલો) જાહેર કર્યો ! હું દોડ્યો સંસ્કૃત પંડિત પાસે. એણે મને લઘુકૌમુદી ભણાવવાનો આરંભ કર્યો. મને ઊલટો સંસ્કૃત પર કંટાળો આવ્યો. રોમન કેથોલીક અને પ્રોટેસ્ટંટ પાદરીએાને પકડ્યા. એની સભાએાની અને એક પાદરી આચાર્યના જીવન-વ્યવહારની મને એવી મોહિની લાગી કે હું બેપ્ટીઝમ લેવા તૈયાર થયો. એટલે સુધી વાત પહોંચી કે દીક્ષા લેવાની તિથિ નક્કી કરવા એક સાંજે હું એ આચાર્યને મકાને ગયો. બહારના અભ્યાસખંડમાં એને ન જોયા, એટલે મેં અંદરના ખંડનો પડદો ખસેડ્યો. ત્યાં મેં શું જોયું ? એક પાદરીને અને એક બ્રહ્મચારિણી સાધવી (Nun)ને એવી ધૃણિત દશામાં પડેલાં દેખ્યાં કે મૂઠ્ઠી વાળીને હું નાસી છૂટ્યો, ફરી કદી ત્યાં જવાનું નામ ન લીધું. ધર્મ પરથી આસ્થા ઊઠી ગઈ. ભોળા માનવીને ફસાવવાના બધા ફાંસલા લાગ્યા. હું તો ભક્ત કબીરનું ગીત ગાવા લાગ્યો-

આઉગા ન જાઉંગા, મરૂંગા ન જીઉંગા,
ગુરૂકે શબ્દ પ્યાલા હરિરસ પિઉગા;
કેાઈ જાવે મકકે લૈ કેાઈ જાવે કાશી,
દેખો રે લોગો દોહુ ગલ ફાંસી !
કેાઈ ફેરે માલા લૈ કેાઈ ફેરે તસ્બી,
દેખો રે લોગો યે દોનોં હી કસબી;
યહ પૂજેં મઢિયાં લૈ વહ પૂજે ગોરાં,
દેખો રે લોગો યે લૂટ લઈ ચોરાં.
કહત કબીર સુનોરી લોઈ,
હમ નાહિં કિસી કે હમરા ન કોઈ.

પક્કો નાસ્તિક બન્યો. મારી પૂજા ગઈ, છતાં ગંગા-સ્નાન અને કસરત, એ બે તો નિત્યનાં સંગાથી રહ્યાં.

  1. * મહાત્મા મુન્શીરામે સ્થાપેલું કાંગડીનું ગુરૂકુલ.