સત્યવીર શ્રદ્ધાનંદ/રાષ્ટ્રીય શિક્ષણનો પિતા

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← આર્યસમાજનો ઉદ્ધાર બે દેશ દીપક
રાષ્ટ્રીય શિક્ષણનો પિતા
ઝવેરચંદ મેઘાણી
૧૯૩૧
રાજદ્વારે સંન્યાસી →રાષ્ટ્રીય શિક્ષણનો પિતા

. સ. ૧૮૮૪નું એ વર્ષ ચાલતું હતું, સરકારી નિશાળોમાં અપાતી, ન તો સંપૂર્ણ પરદેશી કે ન તો શુદ્ધ દેશી એવી કઢંગી કેળવણીના દંભ નીચે આપણા આર્યત્વને લોપનારૂં અને રાષ્ટ્રીયત્વનું ભાન ભૂલાવનારૂં શિક્ષણ ચાલી રહ્યું હતું. આર્યાવર્તના બાલકોની બુદ્ધિનો રસ ઉકાળી ઉકાળી ગુલામી અને કારકુનીનાં બીબામાં રેડીને એમાંથી નિષ્પ્રાણ પ્રજા તૈયાર કરવામાં આવતી હતી. મુન્શીરામે ખુદ પોતાના જ પુત્રોને એ કેળવણીના ભક્ષ બનતા દીઠા. અને બીજી બાજુ આખા આર્યસમાજનું અંતર ચાલુ શિક્ષણ-પદ્ધતિ સામે સંક્ષુબ્ધ હતું, અને મહર્ષિ દયાનંદે કલ્પેલા શિક્ષણના આદર્શોને આચરણમાં ઉતારવા તલસતું હતું, પરિણામે લાહોરમાં 'દયાનંદ એંગ્લો વેદિક કેાલેજ'ની સ્થાપના થઈ. પરંતુ ૧૮૯૧માં એ કોલેજના ચાલકો વચ્ચે ઉગ્ર મતભેદ ફાટી નીકળ્યો. પ્રશ્ન એ હતો કે શિક્ષણક્રમમાં પ્રધાનપદ કોને આપવું ? અંગ્રેજી અને વિજ્ઞાનને? કે વેદના અધ્યયનને ! મુન્શીરામજીએ મત પોકાર્યો કે ધાર્મિક જીવન–સુધારનું જે મહાન આંદોલન આપણે સમાજમાં લઈ આવવું છે, તે બાલકોના જીવનમાં વેદોને વણી દીધા સિવાય આવવાનું નથી; સામા પક્ષે આ મત ધરાવનાર મુન્શીરામજીને તથા તેમના સાથીએાને ધર્મઘેલડા કહી કોલેજની વ્યવસ્થામાંથી બાતલ કર્યા એટલે એ ચૌદ જણાની નાની સેનાએ શપથ લીધા કે તક્ષશીલાની પ્રાચીન વિદ્યાપીઠના આદર્શ પ્રમાણે એક નિરાળી સંસ્થા સ્થાપવી મુન્શીરામજીએ અનુભવ વિના, પણ ભાવનાની વેધક દૃષ્ટિ વડે પ્રાચીન બ્રહ્મચર્યાશ્રમોની શિક્ષણ-પ્રણાલીને સજીવન કરવાની એક યોજના ઘડી અને એના જ મસ્તક પર એ મંડળીએ નવા શિક્ષણના નિર્માતા તરીકેનો કળશ ઢોળ્યો. પ્રારંભિક ખર્ચને પહોંચી વળવા માટે જ રૂ. ૩૦ હજારની જરૂર હતી. એ બીડું પણ મુન્શીરામજીએ જ ઝડપ્યું. ૩૦ હજારમાં એક દુકાની પણ ઉણી રહે ત્યાં સુધી પોતાના ઘરમાં પગ ન મૂકવાની એણે પ્રતિજ્ઞા લીધી અને ઝોળી ઉપાડીને એ ભિક્ષુક ચાલી નીકળ્યા.

લુધીઆનાની એક મોટી દુકાન સામે ઊભો રહીને એ ભિક્ષુક અહાલેક પુકારે છે : કેવળ એકલો જ એ ઊભો છે : વસ્ત્રો પર ધૂળના થર બાઝ્યા છે : પગ ઉઘાડા છે : માથાના અને દાઢીમૂછના વાળ અસ્તવ્યસ્ત વધી ગયા છે : દુકાનદારો આ દિવાનાની સામે જોઈને હસે છે. પણ 'મહારાજ ! આગલી દુકાને જાઓ !' એટલું કહેવા જાય તે પહેલાં તો દુકાનદાર એની આંખોની જ્યોત નિહાળી થંભી જાય છે. ચુપચાપ પોતાની કોથળીમાંથી દસ રૂપિયા લાવીને અતિથિની ઝોળીમાં ધરી દે છે. 'ઈશ્વર તમારૂ કલ્યાણ કરે !' એટલો જ આશીર્વાદ દઈ એ મુંગો અતિથિ આગળની દુકાને ચાલ્યો જાય છે.

એવા વેશમાં મુન્શીરામ છ મહિના ભટક્યા ત્રીસે હજારની આખી રકમ ઉઘરાવી કાઢી. સુરેન્દ્રનાથ બેનરજી સમા વયોવૃદ્ધ અને દેવતુલ્ય નેતાને પણ જે સમયે બસો–પાંચસોથી વધુ ફાળો નહોતો મળતો, તે વખતે મુન્શીરામજીને મળેલો આ વિજય અસાધારણ લેખાયો. એ ફળ દેનારી એની તપશ્ચર્યા જ હતી.

રૂપિયા તો મળ્યા, પણ કાર્યકરોનો પ્રશ્ન સામે આવી ઊભો. ઘરબાર છોડી જંગલમાં જીવન વિતાવવા કોણ તૈયાર થાય ?

એ માટે પણ પહેલ કરવા મુન્શીરામજી જ તૈયાર થયા. એ માટે માણસે વાનપ્રસ્થ બની જવું જોઈએ. પોતે વાનપ્રસ્થાશ્રમ ધારણ કર્યો. તેની અસરથી જાલંધરના લાલા શાલિગ્રામજી કે જેણે જન્મભર અવિવાહિત રહેવાનું વ્રત લઈ લીધું હતું તે અને બીજા એક પં. ગંગાદત્ત હતા કે જેમને ગૃહસ્થાશ્રમની કશી ઝંઝટ નહોતી. તે બેઉ કાર્યકરો તૈયાર થયા. રૂપિયા મળ્યા, કાર્યકરો મળ્યા, પણ વિદ્યાર્થીઓનું શું ? પોતાનાં સંતાનને પચીસ વર્ષની ઉમર સુધી વિખૂટું કરવાની છાતી કયાં માતપિતાની ચાલે ? એમાં પણ પહેલ મુન્શીરામજીએ કરી, પોતાના જ બે પુત્ર હરિશ્ચંદ્ર તથા ઈદ્રચંદ્રને એમણે આ નવા પ્રયોગમાં સમર્પિત કર્યા. એનો પ્રભાવ અન્ય મિત્રો પર પણ પડતાં મિત્રોના પુત્રો પ્રાપ્ત થયા.

આ ૧૦-૧૫ બાળકોને લઈને બ્રહ્મચર્યાશ્રમનો પ્રારંભ ગુજરાનવાલા શહેરમાં કર્યો, પણ તુરત જ અનુભવ થયો કે શહેરના ગંદા વાતાવરણમાં બ્રહ્મચર્યાશ્રમ ન જ ચલાવી શકાય, એ માટે તે કોઈક તપોવન જેવી જગ્યા જોઈએ.

પણ સ્થળ ક્યાંથી કાઢવું ? મુન્શીરામે આકાશમાં નજર નાખી અને સાચેસાચ સ્થળ એ આકાશમાંથી જ ઊતરી પડ્યું. હિમાલયની સમીપમાં, ગંગામૈયાને તીરે, હરદ્વારના તીર્થ–ક્ષેત્ર નજીક, મુન્શી અમનસિંહ નામના એક આરોગ્યહીન સંતતિહીન જમીનદારે પોતાની પત્નીના ધર્મભાવથી પ્રેરાઈને ખેરીઅત દીધેલા એ નવ[૧] સો એકરના આખા કાંગડી ગામ પર – જેની ઝાડીઓમાં વાઘ ગર્જતા અને ચોમાસે જ્યાં પહાડમાંથી હાથીઓ ઊતરીને જળક્રીડા રમવા આવતા – તે પર મુન્શીરામજીનો આત્મા ઠર્યો. ત્યાં એણે પોતાની ધર્મજ્વાલા પેટાવી. પોતે વાંચેલું હતું કે વિજ્ઞાનશાસ્ત્રીઓએ પૃથક્કરણ કરીને ગંગાના પાણીમાં પ્લેગ તથા કોલેરાનાં જંતુઓનો નાશ કરવાની શક્તિ શોધી છે. એટલે સને ૧૯૦૨માં – એટલે કે સં. ૧૯૫૮ના ફાગણ વદ ૧૪ ને દિવસે, સાંજે ચાર વાગે એ ત્યાગીએ પોતાનાં ઘરબાર છોડી, ૫૩ બ્રહ્મચારીઓ સાથે એ ભૂમિ પર પગ દીધો, અને કાંગડી ગુરૂકુલનાં તોરણ બંધાયાં. વેદકાલના ઋષિ-આશ્રમનું સ્મરણ કરાવતા એ ગુરૂકુલમાં હિન્દી સંસ્કૃતિનું જ શિક્ષણ, માતૃભાષાનું જ શિક્ષણવાહન, સંસ્કૃત સાહિત્યનું જ પ્રેરણાસેવન અને એકેશ્વરવાદી વેદધર્મ અંગીકાર થયો. છતાં પશ્ચિમની વિદ્યા સામે બારણાં બીડી ન દેવાયાં. દસ વર્ષની ઉમ્મરે બાલક દાખલ થઈ શકે અને પચીસમે વર્ષે પરિપકવ બનીને જ બહાર નીકળી શકે, ગરીબી અને બ્રહ્મચર્યનાં વ્રત ધારણ કરે, એવો કડક નિયમ રખાયો.

મુન્શીરામજી એ ગુરૂકુલના “ગવર્નર” નિમાયા. પ્રથમથી જ પોતાનું રૂ. ૮૦૦૦નું મુદ્રણાલય તો એણે અર્પણ કરી


  1. *પહેલી આવૃત્તિમાં “એક સો નવ” ભૂલથી લખાયું છે.
જ દીધું હતું, અને તે પછી ઈ. સ. ૧૯૧૧ માં, ગુરૂકુલના

નવમા વાર્ષિકોત્સવ વખતે જાલંધરનો પોતાનો ભવ્ય બંગલો ને ફૂલવાડીનું પણ દાન કર્યું, જેની કિંમતના રૂા. વીસ હજાર ઉપજ્યા.

શિક્ષણ તો પ્રથમથી જ મફત અપાતું, પણ ભોજન તથા નિવાસનું જે ખર્ચ બાલકો પાસેથી લેવાતું, તેને પણ કાઢી નાખવાનો પ્રસ્તાવ ઊઠતાં એ શિક્ષક મંડળની વચ્ચે 'એાછો પગાર' લેવાની સ્પર્ધા ચાલેલી. રૂ. ૨ થી ૩૦ સુધીનો માસિક ઘટાડો સ્વીકારવાની આ શિક્ષક ભાઈઓની હરિફાઈને પરિણામે બાલકો તદ્દન માફી બની જઈ કુટુંબભાવથી ઊભરાવા લાગ્યાં. એવો તો એ સંસ્થાના સ્વાર્પણનો ઇતિહાસ છે.

જીવનની કઠિનતાઓ સામે અડગ ટક્કર ઝીલી શકાય એવી દિનચર્યા યોજવામાં આવી. ત્રણે ઋતુમાં ઉઘાડાં માથાં : ઉઘાડા પગ: કડકડતી ઠંડીમાં - એટલે કે ૪૦ ડીગ્રી સુધી પારો ઊતરી જાય તેવા દિવસોમાં પણ વહેલા પ્રભાતે ગંગાસ્નાન: પહાડો અને અરણ્યોનું પરિભ્રમણ : પ્રભાતે ને રાતે ઉપનિષદના ગીત-લલકાર: યજ્ઞ અને અગ્નિહોત્ર પ્રકૃતિની મસ્તીભર રમતગમતો :અને એ બધાની વચ્ચે વહ્યા કરતી મુન્શીરામજીની વાત્સલ્ય-ધારાઓ : એ વાત્સલ્યનું એક દૃશ્ય આવું મળી આવ્યું છે:-

'વરસાદના આખરી દિવસોની અંધારી રાત હતી. ટમ ટમ છાંટા વરસતા હતા. ચારે દિશાઓ કાળીઘોર થઈ ગઈ હતી. ટીનના છાપરાં પર ટપક ટપક પાણીનાં ટીપાં ટપકવાne લીધે નિદ્રાને વધુ ગાઢ બનાવનારો મર્મર ધ્વનિ ઊઠતો હતો. પતરાથી છજેલા એક ઓટા પર ઘણાં બાળકો કામળીએામાં સંકોડાઈ સંકોડાઈને પોઢેલાં હતાં. તે વખતે એ ઓટાની પાળે એક ભવ્ય મૂર્તિ ખડી હતી. એના ડાબા હાથમાં ફાનસ હતું ને જમણા ખભા પર લાંબી બંદૂક પડી હતી. એની વિશાળ છાતી પર પીળા રંગનો એક દુપટ્ટો ઓઢેલો હતો. સૂસવતા કાતિલ પવનની અંદર એની દાઢીના કેશ ફરફરતા હતા. એની મોટીમોટી આંખો પ્રેમ અને શાંતિભરી ચિંતાના ભાવો રેલાવતી હતી : અરધી રાત થઈ ગઈ હતી. પરંતુ એની આંખમાં નીંદ નહોતી. ચોમેર શિયાળવાં બોલી રહ્યાં હતાં. વચ્ચે વચ્ચે ચિત્તાઓના ઘુરકાટ પણ સંભળાતા હતાં. પણ આ મહાન ચોકીદાર તો એ હિંસક પશુઓની સામે અને ઓટા પર ચડી આવતા ઝેરી સર્પોની સામે પોતાનાં બ્રહ્મચારી બાળકોની રક્ષા કરતો ઊભો હતો. એ ચોકીદાર મહાત્મા મુન્શીરામજી હતા.'

જેણે જેણે ગુરૂકુળ જોયું તે તમામ મુગ્ધ બની ગયા. અમેરિકાવાસી પ્રવાસી મી. ફેલ્ફ, લોર્ડ ઈસ્લીંગ્ટન, અને માઈકલ સેડલર સરખા પરદેશી માંધાતાઓ ને શિક્ષણ-શાસ્ત્રીએાએ કાંગડી ગુરૂકુળની યાત્રા કરી મોંમાં આંગળી નાખી હતી. અને આજથી બાર વર્ષ ઉપર ઇંગ્લાંડના મજૂરવર્ગનો સમર્થ સરદાર, પાર્લામેંટનો તેજસ્વી સભાસદ અને એક કાળે સામ્રાજ્યના પ્રધાનમંડળનો વડો પ્રધાન મી. રામસે મેકડોનાલ્ડ આર્યાવર્તને પ્રવાસે આવ્યો હતો તેણે પોતાની એ મહાન યાત્રાનાં જ્વલંત સંસ્મરણો ઉલ્લાસભરી વાણીમાં અંગ્રેજી આલમ સન્મુખ નીચે પ્રમાણે ધરી દીધાં છે :

રામસે મેકડોનાલ્ડની દષ્ટિએ

'જેએાએ હિન્દી રાજદ્રોહ વિષે વાંચ્યું હશે, તેઓએ એ 'ગુરૂકુળ'નું નામ પણ સાંભળ્યું હશે, કે જ્યાં આર્યસમાજના બાળકો શિક્ષણ લે છે. આર્ય સંસ્કૃતિનાં ભાવના અને સિધ્ધાંતોનું એ સચોટ આવિષ્કરણ છે. અને આ આક્રમણકારી ધર્મમંડળને બાઝેલા તમામ સંદેહોનું એક કેન્દ્ર છે. સરકાર એ સંસ્થા પર ભ્રકુટી ખેંચી રહેલ છે, પોલીસ અધિકારીઓ એની વિરૂદ્ધ લખાણો કરી રહ્યા છે, અને હિન્દી અંગ્રેજો એને ધિક્કારી રહ્યા છે એની યાત્રાએ જવા હું દિલ્હીથી રેલગાડીમાં ચડીને ઘસઘસાટ સૂતો ગયો.

'સવારમાં વહેલો હું હરદ્વાર પહોંચ્યો. પહાડોના દુર્ગની અંદર રમણ ખેલતી ખેલતી ઘૂઘવતી ગંગા નદીને બહાર નીકળી મેદાનને માર્ગે થઈ મહાસાગર સાથે મિલન-યાત્રા આદરવાના આ મુખદ્વાર પર પોતાના આત્માને ગંગાનાં નીરમાં નવરાવી પાવન કરી લેવાને માટે દૂરદૂરથી આવેલાં, અમરત્વ શોધતાં યાત્રાળુઓ સ્ટેશનમાં ઊભરાતાં હતાં. અરણ્યની ઓઢણીમાં શોભતી ટેકરીઓ ઊંચેથી અમારા ઉપર નિરખતી હતી ને તેની વચ્ચે થઈને અમે કડકડતી ઠંડીમાં પગરસ્તે પ્રવાસ આદર્યો, નદીને કિનારે પહોંચતાં જ ઊંચા પહાડોનું મહાદૃશ્ય ઉઘડવા લાગ્યું અને કોઈ પ્રચંડ દેવાલયના ઘુમ્મટો ઊભા હોય તેવા બરફઢાંકયા સફેદ હિમાલય-શૃંગોને ચરણે એ બધા ડુંગરાઓ જાણે કે દીન ભક્તિભાવે વંદના દઈ રહ્યા દેખાયા. નદીનું પ્રત્યેક હિમધવલ મેદાન સૂર્યોદયમાં ઝળહળતું થયું. એવો સૂર્યોદય મેં કદી જોયો નથી.

'ત્યાંથી અમે ત્રાપામાં બેઠા. ગ્યાસલેટના ડબા ઉપર વાંસડા ઢાળીને બનાવેલ એક તકલાદી ત્રાપો, અાંખના એક મિચકારાની અંદર તો અમને મધવહેનમાં ઉપાડી ગયો. ઊંડા ઊંડા ઘૂનાઓમાં અમે લહેરથી તરવા લાગ્યા, ત્યારપછી વળી નદીનો પ્રવાહ અમને થપાટો દેવા લાગ્યો અને નાજુક ત્રાપો આમ તેમ ઊછળવા મંડ્યો. વળી પાછું ઊંડું પાણી : ને ફરીવાર પાછાં પાણીનાં ભમ્મર ચક્કર: ઘુમરી ખાતી, વાંક વળતી ને થપાટો દેતી એ ગંગા પોતાની પીઠ પરના આ નાનકડા બેાજાને વેગથી ખેંચતી હતી અને અમારી બન્ને બાજુ વાંદરાં બોલતાં હતાં. જંગલનાં વિચિત્ર પ્રાણીઓ બહાર ડોકાઈ ડોકાઈને પાછાં લાંબા ઘાસની ઓથમાં છૂપાઈ જતાં હતાં. એક રેતાળ આરે અમે ઊતર્યા અને એક ધગધગતે, ધૂળ ભરેલે રસ્તે થઈને અમે જંગલમાં દાખલ થયા. અમારા માથોડાથી પણ ઊંચું પીળું ઘાસ ઊભું હતું : પહાડની શીતળ લહરીઓ હવે અમારી પછવાડે આવતી નહોતી, અને સૂર્ય અમને બાળતો હતો. આખરે અમે એક લાંબા, સીધા અને કંઈક ઝાડની છાંયડીવાળા માર્ગ પર આવ્યા. આઘે આઘે જોયું તો એક ઊંચા સ્થંભ ઉપર વાવટો ફરકતો હતો: ગુરૂકુળ દેખાતું હતું.

“એ શાળા અાંહીં શા માટે ? જનતાથી દૂર દૂર: જગતના વાયરા જ્યાં બાળકોના આત્માને સ્પર્શી ન શકે એવી કોઈ નિર્જનતાને ખોળે શા માટે ? કારણ કે એ કાંઈ સરકારી કોલેજ નહોતી ખોલવી: ભલા હિન્દી યુવકોને નમાલા અંગ્રેજો નહોતા બનાવવા. આર્યાવર્તના સંસ્કારોને તેઓના પ્રાણમાંથી ઉખેડી લઈ તેને બદલે પરદેશી અપલક્ષણોનું ઘાસ ઉગાડનારી અવિદ્યા નહોતી આપવી : ત્યાં જનારા બાલકને તે પોતાની હિન્દી સંસ્કૃતિનાં જ પયપાન કરવાનો, માતૃભાષા મારફતે જ જ્ઞાનદીપક પ્રકટાવવાનો, અને પાશ્ચાત્ય ભાષાજ્ઞાન તેમ જ પાશ્ચાત્ય વિદ્યાને તો એના શિક્ષણક્રમમાં ગૌણ સ્થાને જ ગોઠવવાનો આ સંસ્થાનો નિશ્ચય હતો : એટલું જ નહિ પણ આ સંસ્થાનો અભ્યાસકાળ પૂરો થતાં વિદ્યાર્થીએાએ પવિત્ર વેદગ્રંથોમાંથી નિતારેલી વિદ્યાને મગજમાં ભરી અને અંતરમાં ધર્મભાવના ધારણ કરી સ્વામી દયાનંદનો જ જ્ઞાન-દીપક ફેરવવા જગતમાં વિહરવાનું ધ્યેય હતું: પોતાનો નિર્વાહ એણે સરકારી નોકરીમાંથી નહિ, કાયદાના કાવાદાવામાંથી નહિ પણ વૈદક, ખેતી અને શિક્ષણ સરખા પ્રજાના રોજીંદા જીવનની સાથે સંકળાયેલા વ્યવસાયો માંથી જ મેળવવાનો હતો. એટલા માટે જ આ શાળાને જગતના ધોરી માર્ગોથી આઘે અને શહેરોથી દૂર રાખવાની હતી, દુન્યવી મારામારીના કોલાહલ ત્યાં પહોંચવા ન જોઈએ, અને શહેરી યંત્રકારખાનાંના ધુમાડાના એાછાયા ત્યાં ઊતરવા ન જોઈએ એવી રચના કરવાની હતી. એ સંસ્થામાં શિક્ષણ શાળા અને સાધુમઠ એ બન્ને તત્ત્વોનો સમન્વયમ કરવો હતો. માટે જ મુnશીરામે જંગલ શોધ્યું.

* * *

“અધિકારશાહીની દૃષ્ટિમાં તો આ બધું ગોટાળાભર્યું થઈ પડ્યું છે. એના શિક્ષકમંડળમાં કોઈ અંગ્રેજ ન મળે, શિક્ષણના વાહન તરિકે અંગ્રેજી ભાષા ન મળે, પંજાબ યુનીવર્સિટીએ ઠરાવેલાં પાઠયપુસ્તકોનો અહીં ઉપયોગ નહિ, યુનીવર્સિટીની પરીક્ષામાં કોઈ વિદ્યાર્થીને મોકલવામાં આવે નહિ, ગુરૂકુળ પોતે જ પોતાની પદવીઓ આપે ! આટલો આટલો વિરોધ જોતાં જ તાજ્જુબ બનતા અધિકારીઓના મોંમાંથી હેરતભર્યો ઉચ્ચાર નીકળતો કે 'રાજદ્રોહ!' પરંતુ ગુરૂકુળ ઉપરનો આ ફેંસલો આખરી નહિ લેખાય. મેકોલેના લખેલા ૧૮૩૫ના ખરીતા પછી, હિન્દી કેળવણીની અંદર આ એક અસાધારણ ક્રાંતિ હતી. મેકોલેના ખરીતાનાં શેાચનીય પરિણામો ખટકતાં તો હતાં એકેએક હિન્દીને, પણ એ વેદનાને નવા પ્રયોગોમાં રેડી દેનાર તો આ ગુરૂકુળના સ્થાપકને એકને જ મેં જોયો.

'પ્રતાપ છાંટતી છટાથી ડગલાં દેતી એ ઊંચી અને ભવ્ય આકૃતિ અમારો સત્કાર કરવા સામી ચાલી આવે છે. આધુનિક સંપ્રદાયનો ચિત્રકાર ઈસુ ખ્રિસ્તના ચિત્રને માટે નમૂના તરિકે સ્વીકારે એવી એ માનવ આકૃતિ ! અને મધ્ય યુગની અભિરૂચીવાળો કલાકાર એમાંથી સંત પીટરની શકલ સરજે એવી એ મુખમુદ્રા !

'મહાત્માજી અમને નમસ્કાર કરીને ૐ અક્ષરે શોભતા સાદા ઓરડામાં લઈ ગયા. મારા ઓરડાની અંદર એક મેજ પર ફૂલ સરખું શ્વેત વસ્ત્ર પાથરી તે ઉપર બે પીત્તળનાં ફૂલદાન મૂકેલાં. આથી વધુ મધુર ઉતારો તો કોઇ પણ અતિથિને કદી યે નહિ મળ્યો હોય. અમારા હાથ પર એક નોકર પાણી રેડે છે, હાથમાં ટુવાલ આપે છે, અને જોડા બહાર જ કાઢીને અમે રસોડામાં જઈએ છીએ. મહાત્માજી અન્નદેવની પ્રાર્થના ઉપાડે છે, અને અમારાં માથાં નીચાં ઢળે છે. ભોજન પરની અનેક પ્રાર્થનાઓ મેં સાંભળી છે, પણ આજ સાંભળી તે તો અદ્વિતીય હતી. અમારા યજમાન મહાત્માનો બુલંદ અવાજ સંસ્કૃત સ્વરો ઉપર લંબાણથી ઠેરતો ઠેરતો એ આભાર-સ્તવનમાંથી સંપૂર્ણ સંગીત સર્જાવતો હતો.

'ભોજન પૂરૂં થયે અમે શાળાને ચાલતી જોવા ગયા. ચારે દિશામાં સુવ્યવસ્થા અને પ્રસન્નતા જ મહેકે છે. તેજસ્વી ચળકતી આંખોવાળા નાના બટુકો અને ગંભીર મુખમુદ્રાવાળા મોટી વયના બ્રહ્મચારીઓ, માટીમાંથી આકાર રચતા, એક સાથે પાઠ બોલતા. શ્લોકો લલકારતા, અને શિક્ષકોનાં પ્રવચનો સાંભળતા, વર્ગમાં બેઠા છે. વર્ગો પૂરા થાય છે કે તુરત રમતના મેદાન પર મેદની જામે છે : પ્રત્યેક બાલક પોતાના ગુરૂદેવને પદસ્પર્શ કરી અંજલિ જોડી વંદના દેતો જાય છે.

'સંધ્યાના શીતળ સમયે અમે જંગલમાં ફરીએ છીએ, અને મહાત્મા મુન્શીરામ અમને વાતો સંભળાવતા જાય છે. એ વસ્ત્રો : એ શરીરનો મરોડ : એ લાંબો દંડ : એ દેહની આકૃતિ : એ બધાં મારી બાલ્યાવસ્થામાં મેં પ્રત્યેક રવિવારે નિરખેલાં ગેલીલીનાં ચિત્રોમાંની ઈસુની મૂર્તિનું સ્મરણ કરાવે છે. સૂર્યાસ્તના દેદીપ્યમાન પ્રતાપમાં પશ્ચિમ દિશા પ્રજ્જ્વલી રહી છે : માથા પરનો અર્ધચંદ્ર ધીરે ધીરે રૂપવરણી પ્રભા ધરતો જાય છે; રાત્રિનું વાતાવરણ સ્તબ્ધ બનવા સાથે લાંબુ ઘાસ પણ શાંતિ ધારણ કરે છે : જીવજંતુનાં હલચલન પણ સ્પષ્ટ સાંભળી શકાય છે : અને અમારા ઉપર ઠંડી ઊતરે છે. આખું ગુરૂકુળ અંધકારમાં ડૂબ્યું છે. પરંતુ વચલા ખંડના બારણામાંથી અગ્નિના ભડકા દેખાય છે, મંત્રોચ્ચાર કરતા બટુકોના સૂરોથી એ મેદાન ગુંજી ઊઠ્યું છે. સાદડીઓ ઉપર અને ઘાસ ઉપર નાના નાનાં શ્વેત બટુકો બુદ્ધની પ્રતિમાઓ જેવાં બેસી ગયાં છે, એ નથી હલતાં ચાલતાં, કે નથી અમારી સામે જોતાં : એકત્રિત પૂજા પૂરી કરીને હવે તેઓ પ્રત્યેક પોતાની પ્રશાન્ત ધ્યાનમગ્નતામાં એકાકી બની બેસી રહ્યાં છે. 'ભીતરમાં, ખડની વચ્ચે ખોદેલા એક ખાડાની અંદર અગ્નિ સળગે છે, એની સામે ગૃહપતિઓની પંક્તિ બેઠી છે, અને એની ચોમેર વીંટાઈને બ્રહ્મચારીઓ બેઠેલ છે. એ બધા અગ્નિહોત્ર નામની એક અતિ પ્રાચીન ક્રિયા કરી રહ્યા છે. જ્વાલાને અજવાળે અમે જોઈએ છીએ કે ગૃહપતિ પોતાની સામે પડેલા કટોરામાંથી ચમચી ભરીને કંઈક અગ્નિમાં હોમે છે, તુરત જ જવાલા છલંગ મારે છે અને બટુકો એકસાથે ગાય છે કે “પ્રભુને, સર્વજ્ઞને, જ્ઞાનદાતાને, પરમ જ્યોતિને અમે અપર્ણ કરીએ છીએ.” પછી વિરામ ખાય છે ને જવાલા શમી જાય છે. ફરીવાર આહૂતિ છંટાય છે ને ફરીવાર જ્વાલા ચડે છે. આખો એારડો પીળી પ્રભાથી ઊભરાય છે, અને દિવાલો પર ભીષણ પડછાયા નાચી ઊઠે છે. ફરી વાર પાછા બાલસ્વરો સ્તવન ગાય છે કે 'એ પ્રભુ ! તને - સર્વશક્તિમાનને અમે અર્પણ કરીએ છીએ.' એમ ફરી વિરામ, ફરી જ્વાલાના આરોહ ને ફરીવાર સ્તવન ચાલ્યા જ કરે છે. ક્રિયા સમાપ્ત થાય છે અને અગ્નિ ઓલવાય છે. કેવળ તારાઓ જ ગુરૂકુલના ચેાગાનને અજવાળતા ટમટમે છે.

'ફરી વાર અમારા હાથ પર નોકર પાણી રેડે છે અને ઉઘાડે પગે અમે ખુલ્લી હવામાં રાત્રિ-ભોજન કરવા માટે સાદડી પર બેસીએ છીએ. અમારી સન્મુખે જ ગંગા પથ્થરો વચ્ચે મધુર રાગે ગાતી ચાલી જાય છે, ઊંચા ઊંચા ઘાસનાં ફૂલો ચંદ્રની સભામાં નાચે છે. અરણ્ય આખું કેમ જાણે ઝાકળભર્યું હોય તેમ ઝળકે છે અને દૂરદૂરથી સંભળાતા વાયુના સુસવાટા મને પ્રેતનું ને રાહભૂલ્યા આત્માઓનું સ્મરણ કરાવે છે. જાણે કે સ્વપ્નમાં મને કોઈ કહેતું લાગે છે કે 'અમે બીજું કશું નથી માગતા, અમને ફક્ત એકાન્તે પ્રભુપૂજા કરવા દો ! રે, શું એ પણ રાજદ્રોહ ?'

'રાજદ્રોહ ! હા, રાજદ્રોહની શંકાના અપરંપાર ઓછાયા આ પવિત્ર તપોવન ઉપર છવાતા જ આવ્યા છે. સરકાર પ્રત્યેના રાજદ્વારી અસંતોષનું જે દેશવ્યાપી આંદોલન પ્રસરેલું હતું, તેના તમામ વાયરો જાણે કે ગુરૂકુલમાંથી જ છૂટતા હોય તેવા સંદેહ સરકારી હૃદયમાં રમતા હતા. દેશના કોઈ પણ ખૂણાખાંચરામાં કશો પણ સરકાર વિરૂદ્ધનો ખળભળાટ ઊઠે – એટલે એનો આરોપ આર્યસમાજના આ મથક ઉપર : લાલા લજપતરાય અને સરદાર અજીતસિંહ આર્યસમાજીઓ, માટે એનું પ્રેરણાસ્થાન આ ગુરૂકુલ : તમામ વિપ્લવકારી ટોળીની જાણે કે આ બખોલ : તમામ કાવતરાં અને કારસ્તાનોનું આ આશ્રયસ્થાન : એવા સંદેહ પરથી સરકારે ગુરૂકુલના ઊંડાણ સુધી ગુપ્તચરો પહોંચાડી દીધા. અને તેઓએ આ બ્રહ્મચારીઓના આશ્રમને અળખામણો કરનારા અહેવાલો સરકારમાં રજૂ કર્યા.

આ પુનિત તપોવનની સામે સંશયભરી વાતો વડે સરકારના કાન ભંભેરનાર કોણ હતા ? પાદરીઓ અને મુસલમાન અધિકારીઓ હતા. બન્ને વર્ગને મન આર્યસમાજ ભયાનક રિપુ સમાન હતો. અને સરકાર પણ પ્રથમથી જ આ આશ્રમની શિક્ષણ-પ્રણાલીના નવા તેજથી એટલી તો ચોંકી ઊઠી હતી કે પાદરીઓની ભંભેરણીને એણે સત્તાવાર સત્યસ્વરૂપ માની લીધી એમાં અચંબો નહોતો. સરકારે તો સંયુક્ત પ્રાંતના એક પ્રવીણ પોલીસ અધિકારીને રોકી આખા આર્યસમાજની ચળવળ પર એક ઐતિહાસિક ગ્રંથ લખાવ્યો કે જેમાં એ મંડળને બન્યું તેટલું નીચે પછાડવાના પ્રયત્નો થયા છે.

પરંતુ એ સરકારી સંશયના ગાઢ અંધારા વચ્ચે, માનવ જાત કલ્પી શકે તેવા બધા કાવાદાવાની સંભાવના વચ્ચે, નિર્ભય વીર મુન્શીરામ પોતાના તપોવનમાં ૐકારના લલકાર કરાવતાં લગારે અચકાયા કે થડક્યા નથી. છૂપી પોલીસના જાસૂસોથી લઈ વાઈસરોય લોર્ડ ચેમ્સફર્ડ સુધીના અનેક સત્તાધીશોએ ગુરૂકુલની મુલાકાતો લીધી. તમામની નજરે એક અને એક જ દૃશ્ય દેખાતું ગયું. તમામે એ ભાગીરથીના તટ ઉપર વેદકાલના આયાવર્તનો અવતાર નિહાળ્યો. અગ્નિહોત્રની જ્વાલા, બ્રહ્મચર્યના તેજપુંજો, ગર્વભર ઉચ્ચ મસ્તક લઈ ફરનારાં મનુષ્યો, છતાં નિઃસંકોચ અને નિરભિમાની અતિથિ-સત્કાર દેખ્યા.

ફેલ્પ્સની નજરે

અને સરકારની સમશ્યાનાં વાદળાં વિખેરનાર એક તેજનો ગોળો છેક અમેરિકામાંથી આવી પહોંચ્યો. એ મહાન દેશનો એક સુવિખ્યાત શિક્ષણકાર, જેનું નામ મી. માયરન એચ, ફેલ્પ્સ હતું, તે ઈ. સ. ૧૯૧૧ની અંદર, હિન્દી સરકારની તમામ દહેશતો પોતાના મગજમાં ભરીને, પ્રથમથી જ ભરમાયેલું વહેમાયેલું હૃદય લઈને તપોવનને આરે ઉતર્યો. એક દિવસ નહિ, બે ચાર દિવસ નહિ, પણ ત્રણ મહિના સુધી લાગલાગટ એ ચકોર મુસાફરે ગુરૂકુલમાં ઉતારો રાખી એની રજેરજ જીવન-ચર્યા તપાસી લીધી. ત્યાં એણે આર્યત્વને ઘડાતું દીઠું. પોતાના નિરીક્ષણની ઉગ્ર આગમાંથી શુદ્ધ કંચન રૂપે સિદ્ધ થયેલી એ સંસ્થાનું વૃત્તાંત આ અમેરિકાવાસીએ, એક પછી એક નવ લેખો દ્વારા અલ્હાબાદના એંગ્લો-ઈન્ડીઅન વર્તમાનપત્ર 'પાયોનિયર'માં પ્રગટ કર્યું. સરકારના કાળજામાં ઊઠેલા રાજદ્રોહના ફફડાટની એ પરદેશીએ સારી પેઠે હાંસી કરી કાઢી, અને સરકારની કેળવણી ઉપર પ્રહારો વરસાવતી એ નિષ્પક્ષપાતી લેખમાળામાં, ગુરૂકુલના બાલકોનાં અભ્યાસ, રીતભાત, ચારિત્ર વગેરે પર સ્તુતિ ઢળતી એ વિદેશી કલમ લખે છે કે –

“આશ્રમની અંદરના મારા છ અઠવાડીઆના વસવાટ દરમિયાન મેં એક પણ રીસાયેલી મુખમુદ્રા નથી દીઠી, એક પણ ઉતાવળીઓ અથવા ક્રોધાળ ઉચ્ચાર નથી સાંભળ્યો, કે એક પણ બાળકમાં અસંતોષ, અસુખ અથવા અણોસરાપણ (Homesickness) નું ચિહ્ન સરખુંયે નથી દેખ્યું. × × × ઉનાળામાં સળગતા મધ્યાહ્ને પણ તે બચ્ચાં ઉઘાડે પગે હમેશાં આનંદથી ચાલ્યાં જાય છે. ઠંડીનો પારો ૪૦ ડીગ્રીએ ઊતર્યો હોય ત્યારે પણ બ્રહ્મચારીઓ તાપણી તાપતા નથી. કેવળ લહેરને ખાતર તેઓ કોઈ કોઈ વાર તો એક દિવસમાં જ બાર ગાઉનું ચક્કર લઈ આવે છે. તરતાં તો ચોથા વર્ગ ઉપરના તમામને આવડે છે અને ઘણા કુમારો તો હરદ્વારથી ગંગાના પ્રવાહમાં પડી, એકી સાથે દોઢ દોઢ ગાઉ સુધી તરી જાય છે; કઠિનમાં કઠિન શારીરિક મહેનતમાં તેઓ હસતા હસતા ઉતરી જાય છે. નદીના વહેનનો ધસારો અટકાવવા માટેની વિશાળ દિવાલ તેઓએ જ સ્વહસ્તે બાંધેલી છે. નદીના તોફાની પૂરથી હરદ્વાર જવાની સડક તૂટી ગયેલી, તેનાં નાળાં અને ગરનાળાં તેએાએ જ જાતમહેનતથી નવેસર બાંધ્યાં હતાં. મુન્શીરામજીએ મને એક વખત કહેલું કે 'હૈદ્રાબાદ તરફ એક વાર ભીષણ જળપ્રલય થયો. કુમારોએ એ સમાચાર છાપામાંથી વાંચ્યા. મેં તેઓને એક શબ્દ પણ નહોતો કહ્યો. પણ તેઓએ મારી પાસે આવીને એક સભા ભરવાની મરજી જણાવી. મેં હા પાડી. પણ હું સભામાં ન ગયો. મને પાછળથી જાણ થઈ કે તેઓએ પંદર દિવસ સુધી ઘી, દૂધ અને દાળ વગર ચલાવી લઈ બચત રકમ એ હોનારતનાં ભોગ થઈ પડેલ માણસોને મોકલવા ઠરાવ કર્યો હતો. અને બલિહારી તો એ હતી કે સ્વામી નિત્યાનંદ નામના એક સંન્યાસીને ફક્ત તે આર્યસમાજી હોવાના જ ગુના બદલ હૈદ્રાબાદ રાજ્યે હદપાર કરેલો છતાં પણ કુમારોએ હૈદ્રાબાદને આ મદદ મોકલી !

'એક વાર પાસેના ગામમાં આગ લાગી. એ વખતે રાત હતી. છતાં કુમારો ત્યાં પહોંચ્યા, અને ઉઘાડે પગે, જ્વાળાઓમાં ઝંપલાવી તેઓએ લોકોના જાનમાલ બચાવ્યાં.'

'અમારા આશ્રમમાં એકવાર એકસામટા અઢાર જણ ટાઈફોઈડ તાવમાં પટકાયા. તે વખતે કુમારોના સ્વાર્પણે એમને બચાવ્યા. આખી રાત તેઓ દર્દીની સારવાર કરતા અને દિવસે અભ્યાસ ચલાવતા.'

ગુરૂકુલના સ્નાતકોએ હિન્દી સાહિત્યને સમૃદ્ધ બનાવવામાં તો એટલો ફાળો આપ્યો છે કે દર સાત સ્નાતક દીઠ એક તો અવશ્ય સુવિખ્યાત ગ્રંથકાર બન્યો હશે. ગુરૂકુલે વેદ ધર્મના નામાંકિત ઉપદેશકો નીપજાવ્યા છે. દક્ષિણ પ્રદેશનું વૈદિક-મીશન ગુરૂકુલના જ સ્નાતકો ચલાવી રહ્યા છે. ત્રણ સ્નાતકો તો પૂર્વ આફ્રિકામાં ધર્મપ્રચાર માટે પર્યટન કરી આવ્યા છે. એકંદર ૭૦ ટકા સ્નાતકો અત્યારે જાહેર સેવામાં જ ઘૂમી રહ્યા છે. આટલી સેવા અન્ય કોઈ પણ જાહેર સંસ્થાએ હજુ નથી નેાંધાવી. અસહકારના યુગમાં કોઈ પણ અન્ય રાષ્ટ્રીય સંસ્થા કરતાં વિશેષ સંખ્યામાં કારાગૃહની બરદાસ્ત કરનાર ગુરૂકુલના જ સ્નાતક હતા. પરજ્ઞાતિમાં લગ્ન કરનારી સહુથી મોટી સંખ્યા પણ ગુરૂકુલની અંદરથી જ નીકળી છે. અને આ ગુરૂકુળની પ્રેરણાનાં જળ પી પીને તે આર્યાવર્તની ભૂમિમાં ઠેર ઠેર ગુરૂકુળના અંકુરો ફૂટી નીકળ્યા છે. આ મહાન વડલાની બાર વડવાઈઓની છાંયડી નીચે અત્યારે એક હજાર બ્રહ્મચારીઓને તપોવનની કેળવણી મળી રહી છે. એક કન્યાગુરૂકુળ દિલ્હીમાં જન્મ્યું છે, ને એક આયુર્વેદિક કોલેજ પણ ચાલે છે. સરકાર તરફથી આ બધા શિક્ષણ-પ્રચારની તપાસ સમિતિ નીમાઈ હતી, અને એ સમિતિએ આયુર્વેદિક કોલેજનાં મુક્તકંઠે સ્તુતિગાન કર્યા હતાં. પરંતુ એને સહાય કરવાની ભલામણ લખવા જેટલી હિંમત એ સમિતિની છાતીમાં નહોતી. ભલામણ થઈ હોત તો પણ ગુરૂકુળે તેનો ઇન્કાર જ કર્યો હોત, સ્વાશ્રય તે એના પ્રાણદાતા શ્રી મુન્શીરામજીનો જીવનમંત્ર હતો.

કમભાગ્યે ગંગામૈયા એક વર્ષ પર કોપાયાં હતાં અને ગુરૂકુળનાં મકાનો એ ગળી ગયાં હતાં. આજે એ ઇમારતોને અભાવે બ્રહ્મચારીઓ પારાવાર સંકટ સહે છે. પરંતુ પ્રભુ પર શ્રદ્ધા પોકારીને તેઓએ આ જ માસમાં ગુરૂકુળની રૌપ્ય–જયન્તી ઉજવવા નિમિત્તે દસ લાખ રૂપિયાની ભિક્ષાનો આહલેક ગજાવ્યો છે.

પંદર વર્ષ સુધી એ પોતે વાવેલા વડલાને આત્મતેજનાં નીર સીંચી સીંચી મોટો કરી લીધા પછી, એ મમતા પણ છેદી નાખવાનો અવાજ મુન્શીરામજીનાં અંતરમાં એક દિવસ ગુંજી ઊઠયો. ગુરૂકુળનાં પ્રેમ-બંધનેમાંથી એ તપસ્વીને આખી વસુંધરાએ પોતાના વિશાળ કુટુંબની સાર લેવા સાદ દીધો, મુકિત : પરબ્રહ્મ સાથેનું અંતિમ મિલન : એ વેદધર્મે કલ્પેલી છેલ્લી ભૂમિકા : એની મુસાફરીએ ઉપડેલા યાત્રાળુ અંતરિયાળ રોકાઈ જાય નહિ, તે માટે તો જીવનના ચાર આશ્રમો ઠરાવ્યા છે. એમાંના છેલ્યા સન્યસ્ત આશ્રમની અંદર પ્રવેશવાનો સમય મુન્શીરામજીને માટે આવી પહોંચ્યો.

એ માટેની માનસિક તૈયારી સતત ચાલુ હતી પણ એમને રોજીંદા કાર્યો કરતા દેખી કોઈને શંકા જ ન આવે કે એ સદાનો ત્યાગ કરવાના છે. એ જ જૂની લગનીથી પોતે દરરોજની ફરજો અદા કરે જતા હતા. છેવટે સંવત ૧૯૭૪ના વૈશાખ શુદ પડવાનો એ પ્રયાણ-દિન આવી પહોંચ્યા. આગલી સાંજે પહેલાં તો પોતે મુખ્ય બ્રહ્મચારીઓને બોલાવ્યા - ઉપદેશ આપી કરીને વિદાય લેવાનો નિર્દેશ કરવા યત્ન કર્યો પણ વધુ બોલી ન શક્યા, અવાજમાં ફરક પડી ગયો, જલદી વિદાય–બોલ પૂરા કરી લીધા.

એ વિદાય-યાત્રાનું દૃશ્ય અતિ કરુણ હતું. સૌની આગળ મહાત્મા મુન્શીરામજીની વિશાળ મૂર્તિ પીળો દુપટ્ટો ધારણ કરી અને હાથમાં દંડ લઈ ચાલતી હતી. તેની પછી સ્નાતકો, પછી બ્રહ્મચારીઓ વગેરે નિઃસ્તબ્ધ શાંતિથી ચાલતા હતા, ચાલતું ચાલતું સરઘસ જ્યારે અધ્યાપકોનાં કુટુંબો રહેતાં હતાં તે જગ્યાએ આવ્યું ત્યારે મુન્શીરામજીનો પૌત્ર રોહિત 'દાદા ! દાદા !' કરતો અને રડતો રડતો દોડ્યો, પણ એ તરફ નજર સરખીય કર્યા વગર, પોતે ધીરગંભીર ગતિથી ચાલ્યા ગયા.

નવા સ્થાને જઈ પોતે એકલા જ ત્યાં રાત રહ્યા અને વળતે દિન, સંવત ૧૯૭૪ના વૈશાખ પ્રતિપદાને પ્રભાતે દાઢી, મૂછ અને મસ્તકના કેશનું નિર્મૂલ મુંડન કરાવી, ગુરૂકુલનો પીળો દુપટ્ટો ઉતારી એણે ભગવો અંચળો અને કમંડળ ધારણ કરી લીધાં. મુન્શીરામજી મટીને એ શ્રધ્ધાનંદ સંન્યાસી બન્યા. એ ને એ દેહે જાણે નવો અવતાર લીધે.