સરસ્વતીચંદ્ર ભાગ ૧/અમાત્યને ઘેર

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← વાડામાં લીલા સરસ્વતીચંદ્ર ભાગ ૧
અમાત્યને ઘેર
ગોવર્ધનરામ ત્રિપાઠી
ઉન્મત્તપણાનું પરિણામ →


પ્રક૨ણ ૮.
અમાત્યને ઘેર

વીનચંદ્ર અમાત્યને ઘેર સવાર સાંઝ જમવા જવા લાગ્યો. શઠરાયને ઘેર કોઈનો – અતિથિનો પણ– ભાવે પુછાતો ન હતો અને શેઠ અાવ્યા તો નાંખો વખારે એમ સઉ કોઈને થતું. ઘરમાં આવનાર, પાસે બેસનાર, સાથે જમનાર સઉ કોઈ શઠરાયને ઘેર જાય ત્યારે જાય તેમનાં તેમ પાછા આવતાં, કુતરાની પેઠે કોળીયો ધાન ખાય, પણ શઠરાય પોતાની સાથે બોલે કે ચાલે નહી એટલે આવનારને મન એમ જ થતું કે અહીંયાં ક્યાં ભરાઈ પડ્યા. બુદ્ધિધનને ન્હાનપણમાં કોઈવાર ન્હોતરુ તો તેડું નહી ને તેડું તો ન્હોતરું નહી એમ થતું, ન જાય ને પાછળથી શઠરાયને સાંભરે કે એ આવ્યો નથી તો એને માથાના ફરેલમાં ગણે. કોઈ વાર તો કોઈ એવી મશ્કરી કરે અથવા એવું તો અભિમાન ભરેલું વાક્ય બોલે કે ઘરમાં આવેલો માણસ બેઠો ને બેઠો બળી જાય. બુદ્ધિધન તો કોઈવાર શઠરાયને ઘેર ભરાઈ પડે ને લાગ મળે તો છાનોમાનો અથવા કાંઈ બ્‍હાનું ક્‌હાડી ઘેર નાસી આવતો. અા સઉ જુના જમાનાની વાત હતી પણ બુદ્ધિધનને

હજી સુધી સાંભરતી હતી અને પોતાના ઘરમાં કોઈને એવું ન થાય માટે જ તે બહુ સાવચેત રહેતો અને છોકરાં તથા ચાકરોને પણ સભ્યતા અને વિવેકની રીતમાં તેણે કેળવી મુક્યાં હતાં. બુદ્ધિધનની જોડે નવીનચંદ્રનો પાટલો નંખાતો. પંક્તિભેદ રજ પણ થતો નહીં. અને અથડાતા ભમતા વટેમાર્ગુ જેવા અતિથિ જોડે શુદ્ધ મનથી વાણીથી અને કર્મથી સમાનભાવ રાખી સુવર્ણપુરના મહારાજાને પ્રિય બુદ્ધિશાળી અમાત્ય રસભેર વાતો કરતો અને ન બોલતાને બોલાવી ચર્ચા ચલાવતો, અને તે ચર્ચામાં બુદ્ધિનું અભિમાન લેશ પણ દેખાતું ન હતું.. જમવાને પ્રસંગે સાથે જમવા બેઠેલો પ્રમાદધન અતિથિને હઠહઠ કરતો, અને તેની સગવડની સંભાળ રાખતો. સૌભાગ્યદેવી, અલકકિશોરી, અને કુમુદસુંદરી ગુંચળું વળી જમનારની આગળ બેસતાં અને છાનાંમાનાં પાનની બીડીયો કરતાં.

શઠરાયને ઘેર બુદ્ધિધને જુદી જ જાતનો દેખાવ જોયલો હતો. ખલકનંદા અને રુપાળી ઘરમાં ધબ ધબ ચાલે, દોડાદેાડ કરે, હોંકારા પાડે, અને ચાકરોની સાથે ઘડીમાં હસે અને ઘડીમાં તેમને છડકા કરે. પઈસો ઘણો હોવાથી શરીર પર ઘરેણા ઘણાં રાખે અને તેથી વધારે છાક રાખે પણ એટલામાં જ તેમનાં મ્હોટાપણાની સીમા આવી રહેતી. ઘરની સંભાળ રાખવી કે ત્રેવડ કરવી તેનું કોઈને ભાન નહી. માથે લુગડું હોડવાની તો બાધા. એક બે લટીયાં ઉડતા ન હોય તો ભાગ્યશાળી. ભલું હોય તો વાંસો ઉઘાડો હોય કે ભલું હોય તો કમખો પ્‍હેર્યો ન હોય. ચણીયા પ્‍હેરવાથી શ્રમ લાગતો અને ઉઠતાં બેસતાં પ્‍હેરેલું લુગડું કેમ રહે છે તેની જાતે સરત રાખવાની ટેવ ન હતી અને પરભાર્યાને યાદ આપવાની જરુર ન રહેતી અથવા જરુર લાગે તો આવી બાબતમાં બઈરામાણસને મ્હોંયે કહેતાં શરમ આવતી. ઘંરના પુરુષો પારકાં બઈરાંની ચેષ્ટા કરતા પણ પોતાના ઘરમાં જોતા ન હતા. એમાંથી પરિણામ એ થયું હતું કે ઘરમાં આવનાર જનાર લાગ મળ્યે બઈરા સાથે અણઘટતો પરિચય લેતા. બુદ્ધિધને આ સઉ જોયું હતું, કંટાળો આવ્યો હતો, અને પોતાના ઘરમાં એવું ન થાય તે સારું ખાસ ચટ અને ચેવટ રાખતો હતો. એની નાતમાં દેખીતો ઘુંઘટો તાણવાનો ચાલ તો ન હતો પરંતુ પરભાર્યો મ્હોટાં માણસો આવે ત્યારે સ્ત્રીયો સંતાઈ રહેવા જેવું કરતી. નવીનચંદ્ર મ્હોટાં માણસમાં ગણાતો ન હતો અને પોતાની નાતનો એટલે એ જમતો હોય તે વખત કોઈ એની શરમ ન પાળતાં પણ ચાલતા સુધી તેના દેખતાં વાતોમાં ભાગ ન્હોતાં લેતાં. નવીનચંદ્ર પણ કાંઈક શરમાળ હતો, સ્ત્રીવર્ગ સાથે જાતે પરિચય લેતો ન હતો, અને ચાલતા સુધી ઘરમાં કોઈને ભારે ન થઈ પડે એવી રીત રાખતો. બે ચાર દિવસમાં તો તેની સુશીલતાને લીધે તે સઉને ઘરના માણસ જેવો લાગવા માંડ્યો. પ્રથમ મેળાપને સમયે એ બુદ્ધિધનને વિચિત્ર લાગ્યો હતો તે અભિપ્રાયમાં કાંઈક ફેર પડ્યો.જમ્યા પહેલાં અને પછી પ્રમાદધન જોડે તે ગપ્પાં મારવા બેસતો. પ્રમાદધનને એનું “ઈગ્લિશ નૉલેજ” સારું લાગ્યું અને તેની તેણે પિતાને વાત કહી.એમ પણ માલુમ પડ્યું કે એ મુંબાઈનાં મ્હોટાં ઈંગ્રેજી વર્તમાનપત્રોમાં લખવાનો પ્રસંગ રાખે છે.અાવા આથડતા માણસની બાબતમાં બુદ્ધિધને આ તરત માન્યું નહી.

એવામાં એક દિવસ નવીનચંદ્ર વાળુસારુ આવેલો હતો. તે દિવસ દરબારના કામમાં બુદ્ધિધન રોકાયલો હોવાથી વાળુનો વખત વીતી જવા છતાં કાંઈ ઠેકાણું ન હતું. નવીનચંદ્ર પ્રમાદધન સાથે એક દીવાનખાનામાં બેઠો હતો. બીજા છ સાતેક જણા પ્રમાદધનને મળવા આવેલા હતા તે પણ બેઠા હતા. પ્રમાદધન સઉની વચમાં એક આરામખુરશી પર પડ્યો હતો. બધા બેઠા હતા તેમાંથી એક જણે એની પાઘડી લેઈ ખુંટીયે મુકી અને બીજાએ અંગરખું મુક્યું. ત્રીજાએ એને બંડી ક્‌હાડતાં મદદ કરી. ચોથો એનાં વખાણ કરવામાં રોકાયો હતો. પાંચમો તેમાં હાજીયા ભણતો હતો અને છઠ્ઠો એના શત્રુઓ અથવા પ્રતિસ્પર્ધિયો શોધી ક્‌હાડી તેમની નિંદા કરતો હતો.

એવામાં ટપાલ આવી. કાગળો એકદમ સર્વ મંડળના અધ્યક્ષ પ્રમાદધનના હાથમાં મુકાયા. પ્‍હેલવ્હેલું ઈગ્રેજી 'ન્યુસ્પેપર' ફોડ્યું. ચારે બાજુઓ ઝપ ઝપ અધિરાઈથી ઉથલાવી આંખો તળે ક્‌હાડી હર્ષ અને ઉત્સાહથી પ્રમાદધન બોલ્યો.

'નવીનચંદ્ર, પેલો 'આર્ટિકલ' અાવ્યો છે.” પિતાની ખાતરી કરી આપવા નવીનચંદ્ર પાસે લખાવી એક વાનું મોકલ્યું હતું તે આજના છાપામાં હતું.

“ હેં ! અાવ્યું ! વાંચો, વાંચો: ” એક મિત્ર બોલ્યો.

તે વંચાવા માંડ્યું. એટલામાં બુદ્ધિધન આવ્યાની ખબર પડી. સર્વ મંડળ વેરાયું. પ્રમાદધન અને નવીનચંદ્ર ભોજનગૃહમાં ગયા ત્યાં એક પાટ ઉપર વચ્ચોવચ ભીંતનો તકીયો કરી અલકકિશોરી બેઠી હતી. પાટ પાસે એક બારી પર હાથ મુકી કુમુદસુંદરી ઉભી હતી. જમીનપર એક પાટલા પર બેસી પાસેની સગડીમાં સૌભાગ્યદેવી તાપતી હતી. પાંચ છ યુવતિયો પાટપર બેઠી હતી અને ગામ ગપાટા હાંકતી હતી. વૃદ્ધ થયેલા દયાશંકરની સ્ત્રી ડોશી થયલાં 'જમનાકાકી' સોભાગ્યદેવીની પાસે બેસી તાપતાં તાપતાં ધીમે સાદે વાતો કરતાં હતાં. અમાત્ય આવ્યાની પ્રમાદધનને ખબર કરી એટલે સઉ મંડળ વેરાઈ ગયું અને માત્ર ઘરનાં જ માણસ રહ્યાં. અલકકિશોરી પાટ ઉપરથી ઉઠી અને ત્યાં પ્રમાદધન બેઠો તથા બાજુએ નવીનચંદ્ર બેઠો.

કુમુદસુંદરી ભણી પુરુષોની પીઠ હતી. અલકકિશોરી ભાભી પાસે જઈ સોડમાં ઉભી, હળવે રહી તેને બે ભુજ ભરી ડાબી અને કાનમાં કહ્યું. "હાશ, હવે હુંફ વળી. ભાભી, તમારા શરીરમાં ગરમાવો તો ઠીક ર્‌હે છે– શીયાળાની રાતમાં." કુમુદસુંદરીયે મ્હોં મલકાવ્યું અને અલકકિશોરી બાથ છોડી છુટી ઉભી રહી. કુમુદસુંદરીને નવીનચંદ્રને જોતાં ઉપજતો ક્ષોભ દિવસે દિવસે ઓછો થતો હતો.

બુદ્ધિધન અાવ્યો.પાટલા નંખાયા. સઉ જમ્યાં. જમતી વખત પ્રમાદધને નવીનચંદ્રના 'આર્ટિકલ'ની વાત કરી. બુદ્ધિધન ક્‌હે, “હા, એ મ્હેં જાણ્યું. સાહેબના શીરસ્તેદાર અાવ્યા છે તેમણે એ વાંચ્યું અને વખાણ્યું. ઠીક લખ્યું છે. નવીનચંદ્ર, તમારે બધી જાતનો અનુભવ જોઈતો હોય તો અત્રે રહો. અમારે એક ઇંગ્રેજી લખનાર જોઈએ છીયે. જો અનુકૂળ પડશે તો રાણાજીને કહીશું પ્રસંગ આવ્યે.”

સઉ જમી રહ્યાં. રાત ઘણી ગઈ હતી. નવીનચંદ્રને અમાત્યને ઘેર સુવાનું ઠર્યું અને પ્રમાદધનને બેસવાના દીવાનખાનામાં પથારી થઈ. તે સુતો. જોડના દીવાનખાનામાં બુદ્ધિધન અને પ્રમાદધન ગયા. અલકકિશોરી રાત વીતી હતી એટલે સાસરે ન ગઈ અને માએ તથા ભાભીએ શીખામણ દીધી કે 'સાસરે ના ક્‌હાવ.' પણ 'ના શું ક્‌હાવવી છે ? જાણશેસ્તો' કરી ના કહાવ્યું. પ્રમાદધનને સુવાને વાર હતી એટલે નણંદ ભોજાઈ સગડી કરાવી ગપાટા મારવા બેઠાં.

બુદ્ધિધનને આજ કાંઈક અસાધારણ બનાવો સાંભળવાનો દિવસ હતો. બાપ દીકરો દીવાનખાનામાં જઈને બેઠા.

“પિતાજી, શઠરાયના તરફના સમાચાર સાંભળ્યા ?”

“મને લાગે છે કે આપણી વાત કાંઈક ફુટી છે. કોના તરફથી ફુટી છે અને કેઈ રીતે તે જોવાનું છે.”

એવામાં વરધી મંગાવી અંદર એક સીપાઈના વેશવાળો આવ્યો. તે નરભેરામ હતો. એ શઠરાયનું માણસ થઈ રહ્યો હતો પરંતુ અંદરથી બુદ્ધિધનના પક્ષમાં હતો. બાપદીકરા સામે તે બેઠો.

“બુદ્ધિધનભાઈ કામ વસમું થયું છે."

" શું ?”

“આજ સુધી તો આપનો અને રાણાનો સંબંધ શઠરાયને અંધારામાં રહ્યો. હાલમાં આપ બે જણ વારંવાર મળો છો અને રાણા શીકારે ગયા હતા ત્યારે રાજેશ્વર મહાદેવમાં મળ્યા હતા તે કારભારીને ખબર થઈ છે.”

“બસ ? એટલું જ કે?"

“વ્હેમવાળા માણસને દૂર કરવો એ એનો નિશ્ચય છે – એવી એને ટેવ છે.”

" તે ?"

“રાજબા અને આપની વચ્ચેના જુઠ્ઠા કાગળ ઉભા કર્યા છે. તે રાણાને બતાવવાના છે. ”

બુદ્ધિધન રાતો પીળો થયો. “એ બતાવવાનું કોણે માથે લીધું છે ?”

" રાણાના જુના ખવાસ મ્હાવાએ”

"ઠી–ક !"

“કાગળ લખ્યા છે મ્હેં. ” એમ કહી પંદર વીશ કાગળ અમાત્યના ખોળામાં નાંખ્યા.

"કયારે બતાવવાના છે ?"

“અાપ દરબારમાંથી પાછા ફરો તે પછી."

“મ્હારા હાથમાં રહેવા દ્યો. કાલ બાર વાગતે પાછા મોકલીશ.”

નરભેરામના ઉપર બુદ્ધિધનનો વિશ્વાસ હતો તે હવે સજડ થયો. ઘણાંક માણસો એણે દરબારમાં અને બીજે ઠેકાણે ઉઘાડાં અથવા છાનાં પોતાનાં કરી રાખ્યાં હતાં. પરંતુ થોડાકને જ કસી જોવાનો પ્રસંગ આવ્યો હતો. નરભેરામ કસોટીમાં શુદ્ધ નીકળ્યો અને અમાત્યનું અંતઃકરણ તેના ઉપર નવીન સ્નેહ અને ઉપકારથી સ્ફુરવા લાગ્યું. પરંતુ કાકા પરણ્યા અને ફોઈ રાંડ્યાં થયું. રાણાનો વિશ્વાસ રાખતાં સાવધાન ર્‌હેવાની જરુર લાગી. આજ સુધી તે પોતાનો છે એવું માનનાર અમાત્યને નક્કી લાગ્યું કે રાજબાની બાબત રાણાના મનમાં ભરાશે તો નીકળવી કઠણ થશે અને પોતાની સઉ યુક્તિયો, 'કાંતી પીંજી કપાસ' થશે. આજસુધી દરબારના ભેદ રાણો પોતે જ ઉઘાડતો, હવે રાણા પાસે પોતાનો માણસ રાખવાની જરુર લાગી. પોતાનું માણસ કોણ? ગરબડદાસ? ના, નરભેરામ? હા. વળી રાણાપાસે રાખતાં નરભેરામે કરેલા ઉપકારનો બદલો પણ વળવાનો. અાખા આકાશમાં વીજળી પુષ્કળ ચમકારા કરતી ચાલી જાય તેમ એક પળમાં અમાત્યના મનમાં આ સર્વ વિચારનો ચમકાર થઈ રહ્યો. બીજી પણ ઘણીક ખટપટ સમજાતી ન હતી તેને મનમાં ખુલાસો થયો. યુદ્ધસામગ્રી તૈયાર કરી રાખી પણ સામાયે હુમલો કર્યા શિવાય પ્‍હેલો ઘા પોતે કરતાં શુદ્ધ અંત:કરણ આંચકો ખાતું હતું તે ટટાર થયું. સંશયકાળ જતો ર્‌હેતો લાગ્યો અને નિર્ણયકાળ દેારતો સમીપ આવ્યો લાગ્યો.

"નરભેરામ, હવે અણીનો સમય આવશે. અા કાગળ જોયા પછી રાણા શઠરાય પર વિશ્વાસ બતાવશે, મ્હારાપર કોપાયમાન દેખાશે, અને શઠરાયનું વિશ્વાસુ માણસ પોતાની પાસે રાખવા માગશે તે વખત એ ત્હારું નામ અાપે એમ કરવું. એ થાય એવું છેકની ?"

“હંમ્ થઈ શકશે. મ્હારા જેવું વિશ્વાસનું પાત્ર આજે એને કોણ છે ?”

“વારુ, ગરબડ હાલ એની પાસે વધારે આવે છે ?”

“ હા. એ તો ક્‌હેવાનું જ ભુલી ગયો. એને રુપાળીબાઈએ અાંજ્યો છે.”

“બરોબર. પણ એના ચાળા સરત રાખજે. એની સાથે એનું અને આપણી સાથે આપણું માણસ થાય – બે ધારની તરવારે રમે એવો હાલ, એનો ઘાટ છે.”

“એમાં એને લાભ શો ?”

“કારભારી અને અમાત્ય બે લ્હડી લ્હડી નકામા થાય તો એ કારભારી થાય – પોતાને રાણાનો વિશ્વાસુ સમજે છે.”

“એનું શું કરશો ?”

“એ તો થઈ રહેશે, ક્‌હેવાનું એટલું કે એ ત્યાં આવે જાય ત્યારે શા પ્રપંચ ઘડે છે તે સરત રાખજે.”

“બહુ સારું. ત્યારે હાલ તો રજા લઉં છું.”

“વારું. પણ મને મળવાનું વધારે રાખવું.” નરભેરામ ગયો. એની પાછળ આઘે સુધી નજર નાંખી સીપાઈનો વેશ સાંગોપાંગ ઉતર્યો જોઈ અમાત્ય હસ્યો.

“પ્રમાદ ! કારભારીને ત્યાંથી કાંઈ પણ ખાવાનું આવે તો હાલ સંભાળ રાખવી હોં ! લેવું, પણ જમીનમાં ડાટી દેવું.” “શું કાંઈ ઝેર દેવાનું છે ? ”

“રાણો જડસિંહ માર્યો કહેવાયો અને પર્વતને તો માર્યો જ, તેનો આપણે વિશ્વાસ શો ? વારું. જાવ. ઉંઘી જાવ.”

પ્રમાદધન આભો બન્યો અને વિસ્મય પામતો પામતો ગયો.

બુદ્ધિધન ઉઠ્યો અને લાંબા દીવાનખાનામાં એકલો હેરાફેરી કરવા લાગ્યો અને ઓઠપર આંગળી મુકી પોતાના મન સાથે બોલવા લાગ્યો.

“ત્હારું કાળું થાય કારભારી ! છેવટ જાત ઉપર જ અાવ્યો ? આજસુધી ગમે તેટલું પણ મ્હારો જાતભાઈ - મ્હારો સગો – કરી મ્હેં ત્હારા પર ઘા ન કર્યો.”

“બહુ સારું ત્યારે - હવે પડો મેદાનમાં. આજ સુધી છાના વેરી હતા. હવે ઉઘાડા થાઓ.”

“ ગરબડ, ત્‍હેં પણ ઠીક ધંધો માંડ્યો છે – મ્હેં પણ એક વખત એમ જ કર્યું હતું; પણ આપણા બેમાં ફેર છે. મ્હેં કોઈનું ખુન કરાવ્યું નથી – મને ઈશ્વરની કાંઈક બ્‍હીક છે – મ્હારા કહેવા વિના કોઈએ કોઈનું ખુન કર્યું હોય તેમાં હું શું કરું ? પર્વત મુવો તેમાં મને દોષ નથી.”

“તું પણ મ્હારો ગુરુ મળ્યો. અલ્યા, મ્હારું જ ખુન ?”

“પણ જો રજપુત હાથમાંથી ગયો તો ઉપાય નથી. એક વાર રમાબાઈના હાથમાં ગયલો પાછો કબજ થતાં સાત પાંચ વીતી છે અને આ કલાવતીમાં લપટાયો તો એને સટકવાનું નથી. પછી તો ભૂપસિંહ ત્‍હારો નહીં જ, બુદ્ધિધન !” મ્હોટા અરણ્ય વચ્ચોવચ્ચ રાત્રે બ્રહ્મરાક્ષસ એકલો ઉભો રહે તેમ અદબ વાળી દીવાનખાના વચ્ચોવચ બુદ્ધિધન ઘડીક વાર ઉભો રહ્યો. તેનું મગજ ઉશકેરાઈ ગયું અને કાળજું ધબકવા લાગ્યું – “અલ્યા, ખુની ! મ્હારું જ ખુન !”

“ત્‍હારું સત્યાનાશ જાય, શઠરાય ! કલાવતી ક્યાંથી સુઝી ? રાજબાની વાત જાણી ત્યારે કલાવતીનો ભેદ સમજાયો. એ તો ત્‍હેં જ ભૂત ભરવેલું ! મને અને રાણાને જુદા પાડવાનો રસ્તો !”

“રાજબા !” – અાંખ આગળ બનેલો બનાવ ખડો થયો. મરેલી રાજબા હાથમાં હાથ મુકવા તત્પર થતી પાસે આવતી લાગી.

"ભૂત !” - બુદ્ધિધન ગભરાયો. પગ ધ્રુજવા લાગ્યા. પરસેવાના ઝોબેઝોબ વળ્યા. જીભ ઉપડતી બંધ થઈ, અચિંતી દોટ મુકી ગાદી પર બેઠો – તકીયે બેઠો: ૨ાજસિંહનો વેશ ધરનારી પાસે આવી દેખાઈ અને ખભા ઉપર તેના હાથ અને હડપચીનો ભાર લાગ્યો. સુવર્ણપુરનો અમાત્ય બ્‍હાવરો – દીન જેવો - ક્ષુદ્ર બની ગયો અને ફાટી આંખે દ્રષ્ટિકલ્પના ભણી જોવા લાગ્યો – બેશુદ્ધ બનવા જેવો થયો.

એટલામાં દીવાનખાનાનું એકપાસનું બારણું ભચકાયું – ઉઘડ્યું. સૌભાગ્યદેવી અંદર આવી. ગાયત્રી જેવી પવિત્ર દેવીપર દ્રષ્ટિ પડતાં મલિન સત્વ અદ્રશ્ય થયું. સ્નેહભક્ત દેવી ભણી જોઈ રહ્યો.

“મ્હારા વ્હાલા ! હવે તમે કારભારી થવાના – એટલે અમારા મટવાના. અામ ને અામ રાતરેડા જવાના અને અમારી સાથે વાતોચીતોનું તો બાઢમ્. ન્હાનાં હતાં ત્યારે તો બાર બાર વાગતા સુધી વાતો કરતાં અને હવે તો તમે અને તમારો કારભાર. મ્હારે વગર શોક્યે શોક્ય.”

હસતી હસતી દેવી આવી. પતિની પાસે શરીર સ્પર્શી બેઠી, ગળે હાથ નાંખ્યો, અને ઉઠાડી શયનગૃહમાં લેઈ ગઈ, બબ્બે મ્હોટી વયનાં બાળકવાળા માબાપનાં વય અને મન હજી તરુણ જ હતાં અને વૃદ્ધ વિચારો જય પામી શકયા ન હતા.

દેવીની સોડમાં સુતેલો પુરુષ નિદ્રામાં લવતો હતો – નિદ્રામાંથી જાગી ઉઠી, સાંભળી રહી, દેવી પાછી અાંખ મીંચતી હતી અને પતિને કોમળ ઉંફાળી છાતી સરસો વધારે વધારે જોરથી ચાંપતી હતી.

“અલ્યા શઠરાય ! મ્હારું જ ખુન કરવાના વિચારથી તને સંતોષ રહ્યો હત તો હું બરોબર ફાવત નહી. સાથે રાણાને પણ મારવાનો ત્‍હારો મનસુબો છે એટલી મ્હારે અનુકૂળતા થશે – રાણો મ્હારો ર્‌હેવાનો એટલો રસ્તો છે.”

“ત્હારા મનમાં એમ હશે કે બુદ્ધિધન જાય તો રાણો રહેશે, ને રાણો પણ હાથમાં ન રહે તો એ પણ સ્વાહા ! વાહ વાહ !”

“પણ એ પણ ઠીક છે. દુષ્ટરાય કલાવતીને ઘેર જાય છે.”

સ્વપ્નસૃષ્ટિના ધૂમકેતુ અામ મુખાકાશમાં ચ્‍હડી આવતા તેને જોનાર જડ દીવા વગર કોઈ ન હતું. એ સ્વપ્નને બળે પુરુષ પાસું બદલવા જતો અને તેથી નિદ્રામાં પણ ચમકતી સ્ત્રી તેમ થવા ન દેતાં તેને હાથના જોરથી પોતાની સન્મુખ જ ખેંચતી – રાખતી - વિમુખ થવા ન દેતી. અા બનાવનો ઈતિહાસ ચારણ જેવો પલંગ “કચડ કચડ” બોલી - ગાન કરી – કાનવિનાના ચહેરા શુન્ય શયનગૃહને સંભળાવવા યત્ન કરતો. શિયાળાની લાંબી રાત અામ ટુંકી થઈ જતી હતી.