સરસ્વતીચંદ્ર ભાગ ૧/સરસ્વતીચંદ્ર

વિકિસ્રોતમાંથી
← સૌભાગ્યનો સંપૂર્ણચંદ્ર સરસ્વતીચંદ્ર ભાગ ૧
સરસ્વતીચંદ્ર-
ગોવર્ધનરામ ત્રિપાઠી
બુદ્ધિધન અને સૌભાગ્યદેવી →


પ્રકરણ ૧પ.
સરસ્વતીચંદ્ર–

"भभुत लगायो ! अलक जगायो ! खलक कीयो सब खारो वे !!!"

દીવાનખાનામાં પુરુષો ભરાવા માંડતાં સ્ત્રીવર્ગ નીચે ઉતરી પડ્યો તે વખતે કુમુદસુંદરી એકલી પોતાની મેડીમાં ગઈ હાથમાં આવેલો નવીનચંદ્રવાળો કાગળ કોનો છે તે જેવા મંડી ગઈ, અને પોતાની પાસે એક બીજો કાગળ હતો તે વચ્ચે વચ્ચે જોવા લાગી. આ બીજો કાગળ આજ જ આવ્યો હતો. તે એની ન્હાની બ્હેન કુમુદસુંદરીને લખેલો હતો. એના કાગળમાં સરસ્વતીચંદ્રની હકીકત હતી તેથી ટપાલમાં ન મોકલતાં સારી સોબતમાં વનલીલાઉપર બીડ્યો હતો અને સૂચના ક્‌હાવી હતી કે કુમુદ- સુંદરીને હાથે હાથ છાનોમાનો આપવો. વનલીલા આ બે બ્હેનોની પીયરભણીની સગી હતી અને ગામના સમાચાર ક્‌હેવાને બ્હાને આવી આજ જ છાનોમાનો કુમુદસુંદરીના હાથમાં તેણે તે મુકી દીધો હતો અને કાનમાં કાગળ સંબંધી સમાચાર કહ્યા હતા. એકાંત હાથમાં આવ્યું એટલે એ કાગળ વાંચવા લાગી. નિઃશ્વાસ નાંખતી નાંખતી કુમુદસુંદરી સરસ્વતીચંદ્રના સમાચાર વાંચવા લાગી. પ્રમાદધન ઉપર જ મન ચ્હોંટાડનારીનું મન સરસ્વતીચંદ્રનું દુઃખ વાંચી હાથમાં ન રહ્યું.

સરસ્વતીચંદ્રનો બાપ લક્ષ્મીનંદન મુંબાઈનો ધનાઢ્ય વ્યાપારી હતો અને દસ બાર લાખ રુપિયાનો ધણી હતો. સાધારણ વ્યાપારીયો ભણે છે તેથી વધારે એ ભણ્યો ન હતો, પણ સરસ્વતીચંદ્રની મા ચંદ્રલક્ષ્મી ડાહી અને સુશીલ હોવાથી તેના સંસ્કાર લક્ષ્મીનંદનનામાં આવ્યા હતા. ચંદ્રલક્ષ્મીની સાસુ ઈશ્વરકોર સ્વભાવે તીખી હતી, દીકરા ઉપર વહુનું ચલણ સાંખી શકતી ન હતી, ઘરમાં પોતાનું જ ધાર્યું કરતી અને પોતાનું જ ધાર્યું થાય છે એ, વહુને બાળી મુકવાના હેતુથી, દેખાઈ આવે એમ કરતી, ચંદ્રલક્ષ્મી મ્હોટું પેટ રાખી ઘુંટડા ગળી જતી અને સાસુનો સ્વભાવ મનમાં પણ આણતી ન હતી. લક્ષ્મીનંદનની અાથી તેના ઉપર પ્રીતિ વધી હતી અને સરસ્વતીચંદ્રના જન્મ પછી ડોશીનો પણ સ્વભાવ ફર્યો અને વહુનાં માન વધ્યાં. પણ પુત્ર ચાર પાંચ વર્ષનો થયો એટલે ચંદ્રલક્ષ્મી ગુજરી ગઈ અને તે જ દિવસે ગુમાન નામની એક કન્યા સાથે લક્ષ્મીનંદનનો વિવાહ થયો. ગુમાન ઘેર આવતી જતી થઈ ત્યાં સુધી સરસ્વતીચંદ્ર બાપુ અને વડીયાઈના હાથમાં ઉછર્યો. એને ખોળામાં રાખી ચંદ્રલક્ષ્મીની જોડે બેસી – સજોડે – લક્ષ્મીનંદને એક છબી પડાવી હતી. મુંબઈવાસી હોવાને લીધે તેણે આ હીમ્મત ચલાવી હતી પણ છબી પડાવ્યાની ખબર પડ્યા પછી ઈશ્વર કોરે વહુની બેશરમાઈ બાબત મહીના સુધી જુદ્ધ ચલાવ્યું હતું પરંતુ દીકરાની બેશરમાઈ તેના મનમાં વસી ન હતી. લક્ષ્મીનંદને અા છબી પોતાની મેડીમાં રાખી હતી, પણ વહુ ગયા પછી માયે બ્હાર ક્‌હડાવી “મોઈ ભેંશના મ્હોટા ડોળા ” એ ગામડીયા કહેવત પ્રમાણે મરેલી વહુને સંભારી ડોશી બહુ રડતી હતી અને એ છબી બાળક સરસ્વતીચંદ્રને બતાવ્યાં કરતી હતી. એમ કરતાં કરતાં ગુમાન ઘેર અાવી. તે હલકા કુટુંબની હતી, અને હોરમાણ દીકરા ઉપર તથા તેને જાળવનાર ડોશી ઉપર વેર રાખતી હતી. હોરમાણ દીકરા ઉપર પ્રીતિ રાખવી એ તો ખોટું એમ ગુમાનને એની માયે જ શીખવ્યું હતું.

લક્ષ્મીનંદન જેવો દ્રવ્યવાન તેવો જ સત્તાવાળો હતો. વિદ્યાને ઉત્તેજન આપવાનો તેને શોખ હોવાથી અને ઉત્તેજનથી મ્હોટા થયેલા ઘણાક વિદ્વાનો તેના આભારી હોવાથી તેને ઘેર વિદ્વાનોનું મંડળ ભરાતું, તેમના સંસ્કાર એનામાં પ્રસંગદ્વારા આવ્યા હતા, અને ન્હાના – મ્હોટા – ભણેલા – તથા ભણનારા –ની પ્રીતિનું પાત્ર, આ વિદ્યારસને લીધે, તે અધિક બન્યો હતો. આથી સરસ્વતીચંદ્ર રમાડવા જેવો થતાં જ વિદ્વાનોના ખોળામાં પડવા લાગ્યો અને ચંદ્રલક્ષ્મીની કાન્તિ જાળવનારું તેનું મધુર હસતું મ્હોં સર્વને પ્રિય લાગતું હતું. પિતાના આશ્રિત વિદ્યાર્થીયોયે બાળકને રમતમાં જ વિદ્યારસિક કર્યો. ગુમાનની ખુશામત કરનાર ગુમાસ્તા તથા ચાકરો ચંદ્રલક્ષ્મીના બાળકને ઝાઝું બોલાવતા ન હતા અને તેથી તેમની અધમ સંગતિમાં ઉછરવાના રોગથી બચી નિર્મળ સંગતિમાં ઉછરવાનો ગર્ભશ્રીમંત બાળકથી દૂર ર્‌હેતો લાભ લક્ષ્મીનંદનના ભાગ્યશાળી પુત્રને ઈશ્વરે આપ્યો.

ચંદ્રકાંત નામના અતિશય રંક પણ બુદ્ધિવાળા અને વિદ્યાના હોંસીલા સમોવડીયા વિદ્યાર્થી સાથે સરસ્વતીચંદ્રને લઘુવયમાં મિત્રતા બંધાઈ અને શાળામાં પણ સહાધ્યાયી હોવાથી પરસ્પરને લાભ આપતી મિત્રતા વય વધતાં વધારે વધારે ગાઢ થઈ. ઘણાક વિદ્યાથીંયોની મિત્રતા બંધાઈ સરી પડી પણ આ મિત્રતા દિને દિને વજ્રલેપ બનવા લાગી.

લક્ષ્મીનંદન સંગતિને લીધે કાંઈક ઈંગ્રેજી પણ બોલતો લખતો હતો, મુંબાઈના નગરસુધારક સમાજનો સભાસદ હતો, કાપડ વણવાના એક બે યંત્રની કંપનિયોમાં અગ્રેસર હતો, ગુપ્ત તથા દેખીતો પરમાર્થ ઘણોક રાખતો, પરમાર્થમાં સ્વાર્થ પણ રાખતો, લોકેષણાનો લોભી હતો, ઈંગ્રેજ વ્યાપારીયો તથા અમલદારોનો પ્રસંગ રાખતો, તેમને પોતાને ઘેર નવા નવા પ્રસંગ ઉત્પન્ન કરી બોલાવતો અને રીઝવતો, અને તેને બદલામાં દેખીતું માન સર્વે આપતા. ગવર્નર સાહેબની “લેવ્હી”માં તે જતો અને “ઈવનિંગ પાર્ટી"માં તેને આમંત્રણ થતું. આ સર્વ હકીકત વર્તમાનપત્રોમાં આવવી રહી જતી નહી.

“ધિ બૉમ્બે લાઈટ્” પત્રનો તંત્રી પ્રખ્યાત વિદ્વાન બુલ્વરસાહેબ, “ગૂર્જરવાર્ત્તિક” ચોપાનિયાનો તંત્રી ઉદ્ધતલાલ, મુંબાઈનો પ્રખ્યાત નગરપ્રિય કવિ તરંગશકર, ઉછરતો રંક ગ્રંથકાર શાંતિશર્મા, દક્ષિણી દેશવત્સલ વીરરાવ ધમ્પાટે, અને પારસી ભાષણ - યોદ્ધો સમરશે૨જી, એવા એવા અનેક ગૃહસ્થોનો લક્ષ્મીનંદનને પ્રસંગ હતો. સેક્રેટરિયેટના એક અમલદારની વગથી શેઠ લક્ષ્મીનંદન જસ્ટિસ આવ્ ધિ પીસ્ બન્યા હતા. આ સર્વ સત્તાને લીધે શેઠની રજવાડામાં પણ સારી પ્રતિષ્ઠા હતી. ૨ત્નનગરીનો પ્રધાન વિદ્યાચતુર કાંઈ કામપ્રસંગે મુંબાઈ આવતો ત્યારે સ્વજ્ઞાતિના પ્રતિષ્ઠિત શેઠ લક્ષ્મીનંદનને ત્યાં જ ઉતરતો. શેઠનો પુત્ર સરસ્વતીચંદ્ર વિદ્યાર્થી અવસ્થા સમયે જ વિદ્યાચતુરના પ્રસંગમાં પુષ્કળ આવી ગયો અને એ બાળકની બુદ્ધિ, વિદ્યાની હોંશ, નમ્રતા, વિનય, શુદ્ધ અંતઃકરણ, સંગતિ, મધુરતા અને એવા એવા ગુણો નિત્યના પ્રસંગે વિદ્યાચતુરના અંત:કરણમાં વસી ગયા. તેમાં ચંદ્રલક્ષ્મીની કાંતિવાળું સ્મિતભર્યું, ગૌર ૨મણીય વદન તેને ઘણું પ્રિય લાગ્યું.

“હુવા તો વિવાહ” એ પ્રમાણે આવા ધનાઢ્યનો આવો પુત્ર પારણામાંથી જ પરખાવો જોઈતો હતો, પણ કાંઈ કારણથી ચારપાંચ વર્ષ વિવાહવિના વીતી ગયાં. ત્યારપછી કોઈ વિવાહ કરવા આવતું તેને ગુમાન બ્હારોબ્હાર વીદાય કરી મુકતી હતી અને લક્ષ્મીનંદન સુધી વાત જવા ન દેતી. ડોશીમા ઘણું મથતી પણું ગુમાનના ટકોરા ન વેઠાવાથી સઉ કોઈ આવ્યું – જતું ર્‌હેતું. આખરે ડોશીયે માથાની થઈ લક્ષ્મીનંદનને સઉ વાત કહી તો ઉત્તર એ મળ્યો કે ન્હાનપણમાંથી છોકરાને લફરું વળગાડવાની જરુર નથી. આખરે સરસ્વતીચંદ્ર પંદરસોળ વર્ષનો થયો તેવામાં ગુમાનને પુત્ર પ્રસવ્યો અને તેનો વિવાહ તરત જ થયો તેમાં લક્ષમીનંદને કાંઈ બાધ દેખાડ્યો નહી. આથી ડોશીનું માથું ફરી ગયું, લક્ષ્મીનંદનને ફટકાર કરી મ્હેણું દીધું, અને શરમાયલે મ્હોંયે તેણે કન્યા શોધવાનું સ્વીકાર્યું. એવામાં રત્નનગરીનો પ્રધાન વિદ્યાચતુર કાંઈ કામ સારું મુંબાઈ આવ્યો અને નિયમ પ્રમાણે જ પ્રથમની પેઠે લક્ષ્મીનંદનને ત્યાં ઉતર્યો. ત્યાં થોડાક દિવસ રહ્યો એ અરસામાં ઘરમાં હરતા ફરતા વિદ્યાર્થી, સરસ્વતીચંદ્રનો વધેલો વિદ્યાભ્યાસ, તેની હવે ખીલેલી બુદ્ધિ, સર્વકળાધર સ્વરૂપ, ઈત્યાદિ સર્વ એને ગમી ગયું અને પોતાની પુત્રી કુમુદસુંદરી સારું વર શોધતો હતો તે સુઝી આવ્યોઃ પણ મ્હોટા માણસને મ્હોંયે એકદમ વાત કરવા પહેલાં ડોશીની સલાહ માગી. ડોશી તો તૈયાર જ હતી અને લક્ષ્મીનંદને વિવાહ સ્વીકાર્યો. માત્ર ગુમાન અંતરમાંથી બળી, પણ પુરુષોએ માંહોમાંહે મળી જઈ કામ કર્યું અને સ્ત્રીવર્ગ વેગળો રહ્યો લાગ્યો એટલે ચુંમાઈને બેસી રહી. વિદ્યાચતુર જેવો વેવાહી, કુમુદસુંદરી જેવી કન્યા, અને બીજી સર્વ વાત રુચતી લાગવાથી માત્ર પંદર વર્ષ કુમારો રહ્યો તેનું સાટું વળી ગયું સમજી વત્સલ ડોશી આનંદપ્રફુલ્લ બની, ગુમાન ઉભી હોય ત્યારે બમણો આનંદ બતાવવા અને જોડાનાં વખાણ કરવા લાગી, અને પૌત્રને એકાંતમાં વારંવાર ચસમાં ચ્હડાવી ન્યાળી, રાચી, તેને મસ્તક હાથ મુકી, આશીર્વાદ દેઈ લગ્નનો સમય ઈચ્છવા લાગી. “વિદ્યાચતુર શાને લગ્ન કરવામાં ઢીલ કરતાં હશે ? લગ્ન કરે તો હું ભાગ્યશાળી થઈ અને વરકન્યાની જોડ બંધાઈ જોઈ સંસારમાંથી પરવારું.” આમ વિચારી કોઈ કોઈ સાથે વિદ્યાચતુરને સંદેશ ક્‌હાવતી. વિવાહ કરવાની બાબતમાં જેણે ઢીલ નહોતી કરી તે વિદ્યાચતુર લગ્નની ઉતાવળ કરવા ખુશી ન હતો, અને ડોશીને નારાજ કરવા પણ નાખુશ હોવાથી તેને દીલાસા ભરેલા વાયદા ક્‌હાવતો.

સરસ્વતીચંદ્રનો વિદ્યાભ્યાસ ઘણો વધ્યો. સત્તર અઢાર વર્ષની કુમળી વયમાં તે એમ. એ. ની પરીક્ષામાં સફળ થયો અને તે પછીના વર્ષમાં કાયદાની પરીક્ષામાં પણ સફળ થયો. ઘણીક પરીક્ષાઓમાં અને ઘણાક નિબંધો લખી પારિતોષિકો (ઈનામો), પાંડિત્યવેતનો (સ્કૉલરશિપો), ચંદ્રક (ચાંદ) વગેરે તેણે મેળવ્યાં હતાં અને સર્વ ઠેકાણે ઉત્તમ વિજયી નીવડ્યો હતો. મહાશાળાના પાઠકો, પરીક્ષકો, અને બીજા પ્રસિદ્ધ પંડિતો તેના ઉપર પ્રીતિ રાખતા. તેનું મસ્તિક (મગજ) [૧]સર્ગ શક્તિવાળું ગણાતું, તેની રસજ્ઞતા અને રસિકતા ઉંચા પ્રકારની લેખાતી, અને વિદ્યા-લક્ષ્મીના સંગમથી સોનું અને સુગન્ધ બેનો ૨મણીય યોગ તેનામાં થયો લાગતો. ગર્ભશ્રીમંતના ગુણ સ્પષ્ટ જણાતાં છતાં શ્રીમંતાઈના સહચારી દોષ તેનામાં આવવા પામ્યા ન હતા. શરીર વ્યાયામ (કસરત)વાળું અને કાંતિમાંન હતું. મુખ ઉપર પ્રતાપ અને કોમળતા એકઠો વાસ કરી રહ્યાં હતાં, રાક્ષસ જેવો ન લાગે એટલે ઉંચો, જાડો ન લાગે એવો બેવડીયા કોઠાનો, અને ફીક્કાસમાં ન ખપતાં આંખને ગમે એટલી ગૌરતાવાળો સરસ્વતીચંદ્ર ભણ્યો ન હત, શ્રીમંત ન હત, તોપણ શરીરના રમણીય અને પૌરુષ દેખાવથી જ સર્વનું મન હરત એમ તેના વિદ્વાન મિત્રો પણ ક્‌હેતા.

કુમુદસુંદરી વયમાં આવી અને વધારે વધારે ભણી તેમ તેમ સરસ્વતીચંદ્રની વાતો માતાપિતાને મ્હોંયે સાંભળવાની રસીયણ બની. શ્વશુરજામાતાને પત્ર વ્યવહાર હતો તેથી વિદ્યાચતુર ઘણીવાર ગુણસુંદરી પાસે સમાચાર ક્‌હેતો અને વિશેષ વાર્તાનો પ્રસંગ આણતો. આવો વિદ્વાન અને વત્સલ પિતા જેની આટલી સ્તુતિ કરે તે પુરુષ કેવો હશે ? પુત્રી આઘીપાછી બેઠી હોય તેવે સમયે પિતા જાણી જોઈ જામાતાની વાત ક્‌હાડતો તે એવી ઈચ્છાથી કે એનો પતિ-પ્રેમ ગાઢ થાય. આ ઈચ્છા સફળ થઈ. પણ


  1. ૧. Originality, નવીન કલ્પના ઉત્પન્ન કરવાની શકિત્ત
તેની સાથે નિર્દોષ બાળકીના અંતઃકરણમાં ઘણાક મનોવિકાર ઉદય પામ્યા

અને કોઈ કોઈ સમયે અગ્નિની પેઠે સળગતા. ઉગતી યુવાવસ્થાનો તનમનાટ આથી વધ્યો. પતિને જોવાની, તેની સાથે પ્રસંગ પાડવાની, અને એવી કઈ કંઈ આતુરતા આ જુવાન થતી વેલીના ફુટતા નવપલ્લવ પર બેસી તેને કંપાવવા લાગી. એક દિવસ તો પતિએ પિતા ઉપર કાગળ લખેલો તે વાંચીને પિતાએ ટેબલમાં મુક્યો તે જોવાનું મન થયું. પિતાની રજા વિના તે કેમ બને ? લજજા છોડી રજા માંગતાં જીભ કેમ ઉપડે ? આખરે મને મનનો માર્ગ શોધ્યો. પિતા આઘાપાછા થતાં કાંઈક નિમિત્તે ટેબલ પાસે ગઈ. ઘણાક કાગળના જથામાંથી દૃષ્ટિપાતવડે જ જોઈતો કાગળ ઓળખ્યો અને સળગતા આકાશમાંથી પ્રભાતનું કોમળ ઉજળું કિરણ શ્વેત-કમળને પકડી ખીલવે તેમ સ્વચ્છ આસમાની સાડીમાંથી નાજુક ગોરો હાથ ક્‌હાડી પત્ર પકડી લીધો અને તે જ હાથે પોતાની મેળે ઉકેલાઈ જતો એ પત્ર ઉંચો કર્યો ! લઈ લીધો, જરીક તે ભણી જોઈ રહી, સ્મિતથી મલકાઈ, બ્હીતી આંખ ચારેપાસ ફેરવી, હાથ સોડીયામાં ભરવી દીધો, અને ડાહી ડમકી બની પોતાના ખંડમાં ચાલી ! “પિતાના ટેબલમાંથી હું ચોરી કરું છું” એ વિચાર તેના મનમાં પળવાર આવ્યો પણ ઈશ્વરલીલાને બળે એ ચોરી એના પવિત્ર મનમાં પણ વસી નહી ! કાગળ વાંચ્યો – બીજીવાર વાંચ્યો – ત્રીજીવાર વાંચ્યો – વાંચતાં ધરાઈ નહી જ. સરસ્વતીચંદ્રના સુંદર અક્ષરથી - મનહર ભાષાથી – પ્રૌઢ વિચારથી તે મોહ પામી – પરવશ બની. કાગળ છાતી સરસો ડાબ્યો, રોમાંચ અનુભવ્યો, અને શૂન્ય ભીંની આંખોથી ઉંચું જોઈ રહી. “મ્હારા પ્રિય – પ્રીતમ – પ્રાણનાથ - એના આ અક્ષર ! આવા કાગળ મ્હારા ઉપર ન આવે ?” એવા જ કાગળની આતુર મુગ્ધાએ પતિ પર કાગળ લખવા આરંભ્યો – કાગળ લખું છું એ વિચારથી એકાંતમાં ને એકાંતમાં શરમાઈ – મથાળું જ કેમ કરવું તે સુઝયું નહીં. “મ્હારા પ્રિય” એમ લખું ? “પ્રાણનાથ ” લખું ? કંઈ કંઈ વિશેષણો કંઈ કંઈ કારણથી રદ કરી આખરે “મ્હારા ચંદ્ર” અને “આપની કુમુદ” એ સંબંધથી લેખનાં અથઈતિ કર્યાં. તેના હૃદયને સાથે પકડી, હૃદયને ઠેકાણે આતુરતા - ઉત્સુકતા મુકી, કાગળ, ટપાલમાં ચાલ્યો અને પ્રવાસ કરતો કરતો લક્ષ્મીનંદનને ઘેર તેના ઉપરના કાગળોના બંડલ ભેગો એ પણ આવ્યો. લક્ષ્મીનંદને કાગળ ઉપરના અક્ષર જોઈ સહજ વિચાર કરી ચાકરને આપ્યો. ચાકરે ગુમાનને બતાવી સરસ્વતીચંદ્ર પોતાના ખંડમાં ચંદ્રકાંત સાથે બેઠો હતો તેને આપ્યો, અને ગુમાનની સૂચનાનો અમલ કરવા પાછાં જતાં પ્હેલાં જરીક ઉભો કે કોનો કાગળ છે તે જણાય. સરસ્વતીચંદ્ર તે નવીન કાગળ જોઈ વિસ્મિત થયો, ફોડી પ્રથમ જ લખનારનું નામ વાંચતાં મનને ઉપભોગ થયો, કોનો કાગળ છે તે ન ક્‌હેતાં ચંદ્રકાંતના હાથમાં જ કાગળ મુક્યો અને હસ્યો અને મિત્રના ઉપર શી અસર થાય છે તે જોતો જોતો આનંદવિચારમાં પડ્યો.

“ભાઈ મ્હોટાનું ભાગ્ય મ્હોટું હોય છે તેનું આ દૃષ્ટાંત. આપણા લોકોમાં તો આવી કન્યા આવતે અવતાર પામીએ !” કાગળ પાછો આપતાં આપતાં વાંચતો વાંચતો ચંદ્રકાંત આંખો વિકસાવી અભિનંદન કરતો બોલ્યો.

"ચંદ્રકાંત, એમાં મ્હારું ભાગ્ય આવી ગયું ?” સરસ્વતીચંદ્ર પુષ્કળ હસ્યો.

“ત્યારે શું આવું રત્ન હીંદુઓનાં ભાગ્યમાં હોય છે ? ભાઈ. આ કન્યાદાન વાસ્તે ઈશ્વરનો જેટલો ઓછો ઉપકાર માનશો તેટલી કૃતજ્ઞતા થશે.”

“તું તો હજી આવો ને આવો રહ્યો. ઈંગ્રેજી વિદ્યાનું પ્રથમ ફળ તને એ મળ્યું કે સ્ત્રીમાં સંસારને સમાપ્ત કરી દીધો ! સ્ત્રીમાં પુરુષના પુરુષાર્થની પર્યાપ્તિ થતી નથી.”

"તમારા જેવા રસિકના મુખમાં આ વૈરાગ્ય સમજાતો નથી.”

"હું ક્યાં વૈરાગ્યની વાત કરું છું ?”

“ત્યારે આ તે બીજું શું ? મ્હારે ઘેર આવો ને મૂર્તિ બેઠી છે તે જુવો ને પછી ક્‌હો કે મ્હારા ને તમારા ભાગ્યમાં કેટલો ફેર છે ? આ કાગળ જ પ્રત્યુત્તર !”

“તું સ્ત્રીસંતુષ્ટ નથી. બાપડી ગાંગાભાભી ભોળી છે – તે શી ખોટી છે કે આટલો અસંતોષ બતાવે છે ?”

"પોતાની બાબતમાં એક અને પારકી બાબતમાં બીજો એમ વિચાર રાખનાર તો તમને જ જોયા ! આવાં કુમુદસુંદરી તેનાથી તમને સંતોષ નથી વળતો અને મ્હારે માથે અસંતોષનો આરોપ મુકો છો ! વાહ વાહ ! વાહ વાહ ! આવા સ્નેહથી ઉભરાતો મુગ્ધાનો રસિક પત્ર તેનાથી તમે સંતોષ પામતા નથી અને હું અસંતોષી શા માટે ? મને તો સંતોષ જ છે ને મ્હારી ગંગા તે મ્હારી જ છે. પણ આપ વિચાર કરો - કાગળ જુવો તો ખરા !"

સરસ્વતીચંદ્ર ઉભો થયો, ફરવા લાગ્યો, અને હસ્યો.

"ચંદ્રકાંત, શું ત્હારા મનમાં એમ જ આવી ગયું કે આ કાગળની મને કીમ્મત નથી ?" “ તમે બોલો તે ઉપરથી હું તો તુલના કરું. ”

“ આ જગતમાં મ્હારું અંતઃકરણ કોઈ પણ જાણતું હશે તો તે તું છે અને તું જ આવી ભુલ કરે તો બીજાને દોષ ન દેવાય.”

“ ત્યારે શું તમે બોલ્યા તે બધું જુઠું ?”

“ ના, એ ય સાચું ને આ યે સાચું. અંતઃકરણવિના શરીર નકામું છે પણ અંતઃકરણવિના શરીરને બીજા ઘણાક ભાગ છે. સ્ત્રી ખરી પણ એના શીવાય ઘણો સંસાર બાકી ર્‌હે છે – તે સ્ત્રીમાં આખા ભાગ્યની પર્યાપ્તિ કેમ થાય ? ”

ઘણીક અાવી વિનોદવાર્તા થઈ અંતે ચંદ્રકાંત ઘેર ગયો. એ પણ સરસ્વતીચંદ્ર જેટલું જ ભણ્યો હતો; પરંતુ રંક કુટુંબનો હતો અને મિત્રના આશ્રયથી જ અભ્યાસ કર્યો હતો. એ ગયો એટલે સરસ્વતીચંદ્રે બારણાં વાસી કાગળ લીધો – વાંચ્યો. કાગળમાં તે શું લખ્યું હશે ? બાળક કન્યા વરને શું લખે ? વાંચનાર, સાંભળ. એ કાગળ ઘણો ટુંકો હતો.

મ્હારા ચંદ્ર,
"શું લખવું તે મને સુઝતું નથી. લખવાની સ્વયંભૂ વૃત્તિ થવાથી
લખું છું અને અક્ષર દ્વારા આપના દર્શન ઇચ્છી રંક લેખ મોકલું છું.
અાપને તો આ નિર્માલ્ય પત્ર વાંચી હાસ્ય થશે. પરંતુ ચંદ્ર છો – સર્વ
ગુણમાં આકાશ જેટલા ઉન્નત છો - તો પણ પૃથ્વી પર પડી રહેલા ક્ષુદ્ર
કુમુદને વિકસાવવું તે ચંદ્રનું કર્તવ્ય ગણાય છે. આખું જગત એમ
ગણે છે તો હું કેમ ન ગણું ? બીજું શું લખવું તે સુઝતું નથી.”
અાપની છબિ આપની પાસે માગું તો ?”
"અા પત્રનો વિષય મ્હેં નથી શોધી ક્‌હાડ્યો – મ્હારા અંત:કરણે
શોધી કહાડ્યો છે અને તેને પ્રેરનાર અાપ છો."
"વિશેષ શું લખું ?"
"લી. અાપની કુમુદ.”

રસિકના બીડાયેલા મર્મસ્થળને વિકસાવનાર એકાંતે સરસ્વતીચંદ્રના હૃદયકમળની પાંખડીયો કંપાવી. તેના વિચાર પ્રમાણે તો માણસના જીવનને સ્ત્રી આવશ્યક ન હતી; લગ્ન આખા જન્મારાના પાશરૂપ હતું. નિર્વંશ થવામાં વૈરાગ્યની સંપત્તિ હતી, સ્નેહ માનસિક રાખવો જ ઉચિત હતો. શરીરસૌંદર્ય મૂર્ખનું જ મોહક હતું; મન્મથ મનમાંથી દૂર રાખવો એ સર્વ કાળે શકય હતું; અને સંસાર ક્ષુદ્ર, નિઃસત્વ, નિર્માલ્ય અને નિરુપયોગી હતો. અાવું છતાં સંસારના પ્રવાહથી અવળે માર્ગે જઈ વૃદ્ધ પિતામહીના વત્સલ ઉત્સાહનો ભંગ ન કરવો એટલી ઈચ્છાથી વિવાહ સ્વીકાર્યો હતો અને કુમુદસુંદરીના ગુણદોષ વીશે તેના મનમાં કેવળ ઉદાસીનતા હતી. પરંતું કાચમાં સંતાયલા પારાને પણ શીતૌષ્ણ્ય જણાયા વિના રહેતું નથી, તેમાં આવા વિરક્ત વિચારોમાં ઢંકાયલી રસજ્ઞતા શુદ્ધ - સુંદરતાથી ચમકવા લાગી અને કુમુદસુંદરીના રમણીય પત્રમાં છલકાતા તરંગોના બળથી પત્થર જેવું અંતઃકરણ ભીનું થઈ ધોવાવા લાગ્યું. ચંદ્રકાંત ગયો એટલે તો હૃદયનું કમાડ ધક્કેલી, ઉઘાડી અંદરની રસિકવૃત્તિયો પાંજરામાંથી છુટતાં પક્ષિયોની પેઠે બ્‍હાર ઉડવા લાગી. એકદમ હડપચીએ હાથ મુકી સરસ્વતીચંદ્ર બોલી ઉઠયોઃ–

“આ શું – આ શું ? આ શી બળવાન અસર -ચંદ્રકાંત ! તું એ જાણે તો કેટલો હસે ?” કાગળ સામું જોતાં આત્મપરીક્ષા અદ્રશ્ય થઈ, અને શિથિલ થઈ ખુરસી પર બેઠો. ઘણી વાર સુધી પત્રના અક્ષર સાથે નેત્રવૃત્તિ “ તદાકાર ” થઈ ગઈ. એનો પ્રત્યુત્તર લખવા બેઠો. સ્ત્રીનો ઉત્કર્ષ સ્પષ્ટ સ્વીકારતાં શરમાયો નહી.

“૨મણીય પ્રિય કુમુદ,
"ત્હારું પત્ર મને ઘણું પ્રિય થઈ પડ્યું છે. કુમુદથી વિકસતો નથીએ ચંદ્ર આકાશમાંનો ખરો. પણ ત્‍હારા પત્રે મને સિદ્ધ કરી આપ્યું છે કે આપણે બે માત્ર એક જ દેશનાં અન્યોઅન્ય અનુકંપી ક્ષુદ્ર પ્રાણી છીયે.
धन्यासि वैदर्भि गुणैरुदारैर्यया समाकृष्यत नैषधोऽपि ।
अत: स्तुति: का खलु चंद्रिकाया यदब्धिमप्युत्तरलीकरोति ॥
"મ્હારા જેવા જ કઠિન ચિત્તવાળા બીજા કોઈ ઉપર ત્હારા જેવી ૨મણીય અસર કરનારીને ક્‌હેવું પડે તો આ શ્લોક હું કહું.”
“પ્રિય કુમુદ ! મ્હારું અંતઃકરણ કેવું કઠિન છે તે મ્હારો મિત્ર !ચંદ્રકાંત જ જાણે છે અને તેવું અંત:કરણ ત્હારા એક ન્હાના પત્રથી એટલું બધું દોલાયમાન થતું હું અનુભવું છું કે કાંઈ ક્‌હેવાની જ વાત નહી ! શરમ આવવાથી ચંદ્રકાંતની આગળ એ અસર મ્હેં દેખાડી નથી ! અને એ બીચારો મને હજી અસલના જેવો જ પત્થર ધારે છે !”
"તું મ્હારી છબિ માગે તે ! ત્હારા માગ્યા વિના જ હું મોકલું છું - અને વળી ત્હારી પાસે જ આવીશ.” – “ ત્હારી છબિ જોઈશ.”
“પ્રિય કુમુદ ! લાંબાં પ્રેમદર્શક વાગ્જાળ લખવાનો મને તિરસ્કાર છે;
ત્‍હારી સાથે મ્હારે ૨જ પણ પરિચય–પ્રસંગ–પડ્યો નથી, તે છતાં આ આવો પત્ર મ્હારાથી કાંઈક લખી જ જવાય છે અને મ્હારું આત્મસંતુષ્ટ ચિત્ત ત્‍હારા પુનરુત્તરનો લોભ આગ્રહથી રાખે છે ! લોકો જેને સ્નેહ ક્‌હે છે તે શું આ જ હશે ? સ્વયંભૂ અને મનસિજ તે શું આ જ હશે ? કઠિન અંતઃકરણ ઉપર પણ બળાત્કાર કરવામાં તે અાટલો ફાવી ગયો લાગે છે તે શું ખરી વાત ? ”
“ લી. હવે તો ત્હારો જ સરસ્વતીચંદ્ર.”

અનુભવ તે કેવળ જ્ઞાન અને વિચારથી કાંઈક જુદી જ વસ્તુ છે એ હવે સરસ્વતીચંદ્રને સિદ્ધ થવા લાગ્યું. આ સિદ્ધિ ૨મણીય તેમ ભયંકર હતી. તેના આગળ માનસિક વૈરાગ્યનો લોપ થયો અને સટે આખા શરીરનો અને મનનો નવા સંસારમાં જન્મ થયો. “ કુમુદ મ્હારી અને હું ત્‍હેનો ” એ સ્વપ્ને મસ્તિકને ધમધમાવી મુક્યું. જ્ઞાનની પ્રૌઢતા સ્નેહની રસવૃત્તિઆગળ મસ્તિક નમાવતી લાગી. એમ કરતાં કરતાં કાંઈ નિમિત્ત ક્‌હાડી સરસ્વતીચંદ્ર રત્નપુરી ગયો અને વિદ્યાચતુરના સ્નેહનો સત્કાર પામ્યો. કુમુદસુંદરીને તેણે દૃષ્ટિપાતથી ઓળખી લીધી અને વિદ્યાચતુર દરબારમાં ગયા પછી બપ્પોરે એકાંત શોધી ધ્રુજતી શરમાતી કુમુદસુંદરી સોડીયું વાળી ચોરની પેઠે સરસ્વતીચંદ્રને ઉતરવા આપેલી મેડીમાં અનિવાર્ય સ્નેહની પ્રેરી પોતાની મેળે છાનીમાની આવી ઉભી. માતાની રજા વિના તે અાવી - રજા લેવા વિચાર પણ ન કર્યો અને આવી.

સરસ્વતીચંદ્ર એક ટેબલ આગળ બેસી ચંદ્રકાંતને પત્ર લખતો હતો. કુમુદસુંદરી ભણી તેની પીઠ હતી એટલે એ આવી જાણી નહીં. કુમુદસુંદરી તેની દૃષ્ટિ પડે તેમ ટેબલની જમણીપાસ ભીંતમાં લપાતી ઉભી, પણ એની બોલવાની શક્તિ જતી રહી હોય એમ થયું અને પત્રમાં મગ્ન બોલાવનારે એના ભણી જોયું નહી. એટલામાં હાર હલાવતાં સોડીયું સજડ કરતાં કુમુદસુંદરીનો ઘસારો સંભળાયો અને ચમકી સરસ્વતીચંદ્રે તેના ભણી જોયું, રોમાંચ અનુભવ્યો અને મુંબાઈની પાઠશાળાનો વિદ્વાન ધનાઢ્ય લક્ષ્મીનંદન શેઠને પ્રખ્યાત પુત્ર, સુંદરી કન્યાની લલિત લાવણ્યમય પાંદડી જેવી મુખકળા અને મુગ્ધ શરીરકળી જોઈ સ્તબ્ધ બની ગયો, અને થોડીક વાર તો ઉભયમાંથી એક જણે પણ શબ્દ ઉચ્ચાર્યો નહી, અાંખ પલકારી નહીં, અને સામી અાંખ વિના બીજા કોઈને અને જગતને તો શું પણ પોતાને પણ સ્મરણમાં પણ રાખી શકાયું નહીં. આટલા બધા ઉમળકાવાળાને બોલવાનો વિષય તો શું જડે પણ બોલવાનું સુઝ્યું પણ નહી. કન્યા બીચારી મુગ્ધ હતી. આવા વરને આવું થાય તો એ કન્યાને થાય તેમાં શી નવાઈ? આખરે ભાન આવ્યું હોય, જાગ્યો હોય, તેમ સરસ્વતીચંદ્ર પરવશ ઓઠ ઉઘાડી બોલ્યોઃ

“મ્હેં એક બે પુસ્તક રચેલાં છે તે આણ્યાં છે.” કહી પુસ્તક આપ્યાં. એક હાથવતે પુસ્તક લેઈ છાતી આગળ ઝાલી રાખી કુમુદસુંદરીયે સોડીયામાં સંતાડ્યાં અને પોતાના તથા પતિના અંગુઠા ઉપર વારા ફરતી નીચી નજરે જોઈ ૨હી-બોલી નહી.

પુસ્તક અાપતાં લેતાં એક બીજાની અાંગળીયોને સ્પર્શ થયો. જળથી ભરેલો મેઘ અચિન્ત્યો ઉજાસ મારવા માંડે તેમ રસથી ભરાતા સરસ્વતીચંદ્રનું મુખ ઉજ્વળ બન્યું. મળસ્કાના સ્વચ્છ આકાશનો પૂર્વ પ્રદેશ સૂર્યકરના નવા સ્પર્શથી સળગી ઉઠે તેમ કુમુદસુંદરીના ગોરા રુપેરી ગાલ પર લજ્જાભરી રતાશ ચ્‍હડી અાવી. ઉભયનાં પરસ્પર અવલોકનથી રસે રસને વધાર્યો. પરંતુ મુગ્ધા નીચું જ જોઈ રહી. પુરુષ ધૃષ્ટ બન્યો અને વાર્તાનો વિષય શોધ્યો.

“હવે ઈશ્વર કરશે તો તું થોડા સમયમાં મુંબાઈવાસી થઈશ.”

ઉત્તર ન મળ્યો.

"આ પુસ્તકો આજ જ જોયાં કે પ્રથમ જોયાં હતાં ? ”

ઉત્તર કોણ આપે ?

“આવા સુંદર પત્ર તો આટલા બધા લખાયા અને આ તો મુખથી અક્ષર પણ નીકળતો નથી !”

પ્રતિમા જેવીના મુખથી અક્ષર ન જ નીકળ્યો.

“કુમુદ ! – મ્હારી કુમુદ ” – સરસ્વતીચંદ્ર ઉભો થયો.

પોતાના નામાક્ષર પ્રિયમુખમાં સાંભળી મુગ્ધા અાનંદમાં ડુબી, નવીન ઉત્કર્ષથી ફુલતી ધ્રુજવા લાગી, અને પ્રિયને ઉઠતો જોઈ નિરુપાય બનતી લજજા શેરડારૂપે ગાલ ઉપર પડી તેના બળથી, દીન બની હતું એટલું બળ બોલવાનું સાહસ કરવામાં અજમાવ્યું અને ઉંડા પાતાળમાં ઉતરી પડતી હોય એવો વિકાર અનુભવતી ધીમે સુંદર સાદે બોલી:

“ આપે અત્રે ર્‌હેવાનો વખત ઘણો થોડો જ રાખ્યો.”

ચાંદીની ઘુઘરીઓવાળા નૂપુરમાંથી રણકાર ઝીણો ઝીણો નીકળે, મૂર્છનાસમયે સારંગીના તાર સ્વર કરી ર્‌હે તેમ શુદ્ધ મોતી જેવા – હીરા જેવા–દાંતની બેવડી તેજ મારતી શ્રેણિ વચ્ચે થઈને અદ્ધર ટપકતા આ મધુર સ્મિતાક્ષર સરસ્વતીચંદ્રના કાનમાં પેંઠા અને તેના હૃદય–સંપુટમાં સ્નેહ-સ્વાતિનાં મોતી પેઠે અદ્રશ્ય રીતે ભરાઈ ગયા. અા મંગળ સમયે તેના આખા મસ્તિકમાં આનંદ-તરંગની છોળો અથડાવા લાગી. ધૂર્ણાયમાન થતી તેની વિકસતી અાંખો અદ્ધર ઉડતા ચકોરની પેઠે લલનાના વદનચંદ્ર ઉપર જ ઠરી. માનસિક સ્નેહસંભોગના અનુભવથી નીશો ચ્‍હડ્યો હોય તેમ તે પાછો વેત્રાસન ( ખુરસી ) ઉપર ભારે શીસાની પેઠે પડ્યો. અને પડ્યાં પડ્યાં આઘે ઉભેલી કુમુદસુંદરીની સાથે તેણે કલાકેક સુધી નિર્દોષ પ્રમોદભાર વાતો કર્યા કરી. પરંતુ તે કલાક જણાયો પણ નહી. અાખરે બાળક કુસુમસુંદરીએ મેડી બ્‍હા૨થી – કાંઇક કામ સારું – કુમુદસુંદરીને બોલાવી લીધી એટલે વાર્તાનો અંત અાવ્યો અને જાગેલા જેવો સરસ્વતીચંદ્ર ઘડીક સુધી બનેલો દુર્ધટ બનાવ વસ્તુતઃ સાચો હતો કે સર્વ રમણીય સ્વપ્ન જ હતું તેનો નિર્ણય કરતો હોય તેમ એક વિરામાસન (વિરામખુરશી) ૫૨ અર્ધ ઉઘાડી અાંખો રાખી ઘડીવાર પડી રહ્યો.

અાંગળીવ્હેડે ગણાય એટલા દિવસ આવાં મનભર સ્વપ્નોમાં ક્‌હાડી સરસ્વતીચંદ્ર પાછો મુંબાઈ ગયો. વિદ્યાચતુર સાથે તેને વાર્તાવિનોદ થતો તેમાંથી પણ કુમુદસુંદરી મોહિત થઈ ગઈ અને મુંબાઈ પ્‍હોંચ્યાનો સરસ્વતીચંદ્રનો કાગળ આવ્યો તેના ઉત્તરમાં લાચાર બનેલી બાળકીએ લખ્યું કે “તમારા ગયા પછી “ એણે રે મને મોહની લગાડી– એણે તે મને મોહિની લગાડી:” એ પદ મ્હારી જીભ ઉપરથી ખસતું નથી અને તે ગાતી ગાતી તમારી મૂર્તિ મ્હારી દ્રષ્ટિ આગળ ખડી કરું છું.– મોહની શું તે હું હવે સમજી – મ્હારા પિતાજી લગ્નનો દિવસ આવતા માઘમાસમાં રાખનાર છે જાણી મ્હારો ઉત્સાહ માતો નથી !”

અાવા પત્ર વરકન્યા વચ્ચે અાવ્યા ગયા. કોઈ વિચારે કે કામ વિના આવા નકામા પત્રમાં તે શું ઘડીયે ઘડીયે લખવાનું હશે ? એક લખે કે હું ત્હારા વિના ઘેલો થયો છું અને બીજી લખે કે હું ત્હારા વિના ગાંડી થઈ છું ! “બાળકના રમકડાં ને વરવહુનાં ટાયલાં.” – એ ઉપમા ગંભીર વર્ગની દ્રષ્ટિયે પડતી લાગે છે. પરંતુ તેમને ખબર છે કે દ્રવ્ય, કીર્તિ આદિ જે જે પદાર્થો ગંભીર વર્ગને મહાન લાગે છે તેને એ જ વરવહુ પોતાના પુનરુક્તિથી – पिष्टस्य पेषणથી વધારે વધારે ગાઢ બનતા સ્નેહ અાગળ ક્ષુદ્ર ગણે છે; ત્યારે બેમાં ખરું કોણ ? ઉભય વર્ગની મનમાંની વસ્તુએ સરખી જ રીતે–ક૯પનાએ ઉત્પન્ન કરેલી, મન વાણી અને કર્મને પ્રેરનારી, સમયને બળે બળવાળી, સ્વીકારનારને વ્હાલી અને સંન્યાસીને વર્જ્ય, સુખદુઃખ આપનારી, ગણે તો સત્વમાં સત્ત્વ જેવી અને ન ગણે તે મૃગતૃષ્ણિકા જેવી, અને ક્ષણભંગુર છે. હજારો લાખો રુપીઆ – એક વખત જનારા – તેને ફરી ફરી ગણી સંગ્રહી રાજી થવું, કીર્તિ સારું ધુમાડાના બાચકા ભરવા, ભુલવા સારુ ભણવું, મરવા સરજેલાને સારું મથવું, એ સર્વમાં ને હૃદયના વિલાસમાં ફેર શો ? સરસ્વતીચંદ્રનું વિરક્તરંગી ચિત્ત નવીન અનુભવને વશ થતું થતું આવી રીતે વૃત્તિને અનુસરતું વાર્તિક રચતું હતું અને ભગવો પણ રાગ - રંગ - છે તો બીજા રાગનો શા વાસ્તે તિરસ્કાર કરવો તે સમજવા પોતાની અશક્તિ ક૯પતું હતું. ક્ષુદ્ર ઉદર ઉપર સંસારનાં પડ બંધાયાં જાય છે તો અંતઃકરણ ઉપર કેમ ન બંધાય ? આવા આવા વિષયો શોધી ક્‌હાડી મુખથી ચંદ્રકાંત સાથે અને પત્રથી કુમુદસુંદરી સાથે સરસ્વતીચંદ્ર ચર્ચા ચલાવતો હતો અને એકના વ્યાવહારિક તથા બીજીના મુગ્ધ-રસિક ઉત્તર ગ્રહી નવું શીખતો શીખવતો હતો, રસમાં લપટાતો હતો, પ્રથમના વિચાર સાપની કાંચળી પેઠે તજી દેતો હતો, નવો અવતાર ધરતો હતો, અને કુમુદસુંદરીના કોમળ અંતઃકરણને અસ્વતંત્ર કરી નાંખતો હતો. વૈરાગ્ય એટલે એક સત્ત્વમાં ચિત્ત પરોવી અન્ય વસ્તુમાત્ર ઉપર વિરક્ત રહેવું એ વ્યાખ્યા પ્રમાણે પોતે હજી પણ વિરકત છે એવું નર્મવાક્ય પ્રસંગે પૂર્વાવસ્થાનું ભાન થતાં ક્‌હેતો, પરંતુ વર્તમાન અવસ્થાનું સ્વપ્ન દૂર થઈ શકતું નહી. આ સર્વની છાયા મુગ્ધાપરના પત્રોમાં પડી હતી અને એક બે માસમાં તે મુગ્ધાના અંતઃકરણમાં પણ એ જ છાયા સર્વ ભાગે ફળી ર્‌હી. નદીના નિર્મળ જળમાં આકાશનું પ્રતિબિંબ અનિવાર્ય અત્યાજ્ય થઈ પડી રહે તેમ સરસ્વતીચંદ્રના અંત:કરણનું પ્રતિબિંબ નિર્દોષ કન્યાની માનસિક સૃષ્ટિમાં સંપૂર્ણ અપ્રતિહત અને સર્વકાલીન અવકાશ પામી ગયું.

આણીપાસ ઈશ્વરે આ ખેલ રચ્યો અને બીજી પાસ બીજો ૨ચ્યો. માનવી એક વાત ધારે તો ઈશ્વર બીજી ધારે.

ગુમાનનો પુત્ર હવે ઠળકો થવા આવ્યો હતો અને માના ચિત્તમાં સ્વાભાવિક અભિલાષ હતો કે પોતે સાસરે આવી ત્યારે સરસ્વતીચંદ્રને સર્વે તરફથી મળતાં જેટલાં લાલન (લાડ) જોયાં હતાં તેટલાં પોતાના પુત્ર ધનનંદનને મળે. પરંતુ કેટલાંક કારણોથી એની ઈચ્છા સફળ ન થઈ. સરસ્વતીચંદ્ર મ્હોટો થયો તેમ તેમ તેના પિતાની આસપાસ રહેનારા પંડિતો વિદ્યામાં વધેલા સરસ્વતીચંદ્રની સંગતિ કરવા લાગ્યા. વળી કાળક્રમે તેમની પોતાની સ્થિતિ પણ વધવાથી તે એ ધનવાન લક્ષ્મીનંદનનો આશ્રય છોડી સ્વાશ્રયી થયા હતા, એટલે તેનો ઉપકાર માનતા હતા ખરા પણ તેની પાસે મધુકર વૃત્તિ કરવાને અવકાશ ઓછો મળતો. તેમ જ તેમની દૃષ્ટિને ઝાંઝવાં વાળતાં હવે લક્ષ્મીને વાર લાગતી હતી. એ સર્વ વર્ગમાં હજી સરસ્વતીચંદ્રને પ્રસંગ રાખવાનો અવકાશ અનેકધા હતો. તે ધારાશાસ્ત્રની પરીક્ષામાં સફળ થઈ મુંબાઈના વરિષ્ઠ ધર્માસનનો[૧] પક્ષવાદી[૨] બન્યો હતો અને પક્ષમંત્રી[૩] થવા અભ્યાસ કરતો હતો. પરંતુ તે અભ્યાસને ઉદરનિર્વાહનું સાધન કરવા તેની ધારણા ન હતી. પિતાના વ્યાપારભારમાં અવકાશને સમયે સહાયભૂત થવા યત્ન કરતો અને આખરે પક્ષમંત્રીની પદવી અલંકાર સ્થાને રાખી વ્યાપારમાં જ ગુંથાવા ઈચ્છતો હતો. પરંતુ આ સમયમાં ઘણાક વિદ્વાન ગૃહસ્થો સાથે તેને પ્રસંગ પડતો હતો. ઘણીક સભાઓમાં એ અંગભૂત[૪] હોવાથી આ પ્રસંગનાં સ્થાન અનેક થયાં હતાં. પિતાના વિદ્વાન મિત્રોમાં પરિચય હતો તે તો આ ઉપરાંત. પુત્રનો આ લાભ થયો તે પિતાને ઓછો થયો. લક્ષ્મીનંદનની આસપાસ હવે માત્ર દ્રવ્યવાન અને દ્રવ્યાર્થી વર્ગ જ રહ્યો, કારણ વિદ્વાનો પુત્રની આસપાસ ભરાયા. અને વિદ્વાનવર્ગમાં તો ઘણેક સ્થળે પોતાના નામને ઠેકાણે “સરસ્વતીચંદ્રનો પિતા” એ નામે એાળખાવા લાગ્યો. ઈર્ષ્યાવાળી પણ કાંઈક બુદ્ધિશાળી ગુમાનને આ સર્વ વિપર્યય જણાયો અને તે બળવા લાગી, કારણ આ સર્વ હાનિ અંતે ધનનંદનને જ છે એવું તેના મનમાં આાવ્યું. પોતાનાં બાળકને વારી રાખતી તોપણ તે સરસ્વતીચંદ્ર પાસે જઈ બેસતો અને રમતો, એથી ગુમાન પ્રસન્ન થવાને બદલે વધારે વધારે ખીજવાઈ. એવામાં સરસ્વતીચંદ્ર પક્ષમંત્રીની પરીક્ષામાં સફળ થયો, લક્ષ્મીનંદન પણ મ્હોટા પુત્રની સ્તુતિ કરવા લાગ્યો, અને તેને વ્યાપારમાં પોતાને સાથી કર્યો. તે જોઈ ગુમાનની અમુઝણનો પાર રહ્યો નહી. અધુરામાં પુરી ડોશી પણ ઉઘાડે આનંદ બતાવતી અને વહુના ઈર્ષ્યાગ્નિના સચેત અંગારા પર પવન નાંખ્યા જેવું કરતી. “મુવો, આ છૈયો - પેલાના ખોળામાં જ જઈને બેસે છે” એવું વચન એક વાર તેના મુખમાંથી નીકળી ગયું તે ડોશીને કાને પડ્યું અને ગુમાન મ્હોંની મીઠાશ રાખતી તે પણ ધોવાઈ ગઈ.

ઘરમાં જેમ ગુમાનનાં માણસો હતાં તેમ ડોશીનાં પણ હતાં. સરસ્વતીચંદ્રની જે જે વાતે ગુમાન લક્ષ્મીનંદનને મ્હોડે કરતી તે ડોશીની પાસે આવ્યા વિના રહેતી નહી, અને પૌત્રને તે સર્વ પોતે કહી દેતી. આ વાતો સાંભળી ક્ષોભ પામ્યા વિના સરસ્વતીચંદ્ર ડોશીને ત્હાડી પાડતો હતો.


  1. ૧. હાયકોર્ટ
  2. ૨વકીલ
  3. કાંઉસલ - બારિસ્ટર
  4. મૅમ્બર
લક્ષ્મીનંદન અને ગુમાન એકલાં પડતાં કે ગુમાનનું ભાષણ ચાલતું

પણ વાળુ કરી પરવારી પથારીમાં થાકી પાકી સુવે તે સમય ભાષણને વાસ્તે વિશેષ અનુકૂળ પડતો. પતિને હાથે ડબાતા સ્ત્રીકંઠમાંથી જીભ વધારે વધારે નીકળતી. સ્વાર્થી પુરુષ તે જીભના જો૨થી ડબાઈ જતો. નિર્લજજ વક્ષ:સ્થળ નીચે અસત્ય વધારે વધારે ભરાતું. આખા દિવસના શ્રમિત અને વિરામ શોધતા ચિત્ત પર ઉશ્કેરાયેલા ઉશ્કેરતા ભાષણની અસર નિરંકુશ થતી અને નિશા–ગુરુ બનેલીના ઉપદેશને તરત તો ચેલા જેવો લક્ષાધિપતિ હા યે હા ભણતો.

પ્રતિદિવસ ભાષણ કરવા સારું ગુમાનને કંઈ કંઈ પણ વિષય જડતો જ; અને આંસુ, રોષ, મ્હેણાં ઈત્યાદિ અસ૨કા૨ક અલંકારોનો ભંડાર તેની પાસે અક્ષય્ય હતો. કાલિદાસ કરતાં પણ તેની ઉપમાઓ વધારે સ્ફુટ હતી. બાણના કરતાં પણ તેની કથા વધારે સારી રીતે સંકલિત રહેતી.

સરસ્વતીચંદ્રે ઘરના વ્યાપાર કાર્યમાં સારી પ્રવીણતા થોડાક કાળમાં મેળવી અને તેની સુજનતાથી પરભાર્યાં તથા હાથ નીચેનાં સર્વ માણસો તેને પ્રીતિવશ થયાં. પિતાનો ભાર થોડાક કાળમાં પુત્રે પોતાને શિર લેઈ લીધો. અમાંથી ગુમાનના ભાષણોને એક વિષય મળ્યો. સરસ્વતીચંદ્રને ઘરમાં સર્વે “ભાઈ” કહી બોલાવતાં અને ભાઈના સામી ફરીયાદો ગુમાનની શય્યાપર દેવકોપદર્શક ઘીમેલોની પેઠે ઉભરાવા લાગી.

“શી વાત ! હવે તમને તો જાણે કોઈ પુછતું જ નથી ? ઘરમાં યે ભાઈ અને બ્હાર પણ ભાઈ! ભાઈ કરે તે ખરું – તે જ થાય. અમને તો કોઈ પુછે નહી એમાં નવાઈ નહી – પણ તમને યે હવે તે પૂજે તો દેવ નીકર પત્થર ! તમને કાંઈ તેની ચિંતા છે ? બે આંખની શરમ. તમે માથે છતાં અમારી આ સ્થિતિ તો પાછળ તો ઈશ્વર ક્‌હડાવે એ દિવસ ખરા. જુવો છો કની પેલી બાપડી દુર્ગાની કોઈ આજ ખબર પણ પુછે છે ?”

“હવે થવાનું એમ કે ભાઈ આખું ઘર સંભાળશે અને અમે એનાં ચાકર થઈ ૨હીશું. પણ કોનો વાંક ક્‌હાડું ? તમે જ આવા એટલે કોઈને શું કહું ? પણ સરત રાખજો ને મને સંભારજો કે ભાઈ તમને પણ પાંદડે પાણી પાશે. તમે વિશ્વાસુ છો અને એ આજ કાલના ઈંગ્રેજી ભણેલાઓ ન દેવને ગાંઠે તો માબાપ તે શા લેખામાં ? ઘર દરદાગીનો અને વેપાર સઉ હાથ કરી લેશે. એટલે તમે માળા જપજો – કાકા મટી ભત્રીજા થજો – અને હું અને મ્હારે ધન -"એમ કરી ડુસકાં ભરવા લાગી. “જો આવો જ સ્વભાવ રાખવો હતો તો પરણ્યા શું કરવાને જે ? હું મારે કાંઈ ન મળત તે દળણાં દળત પણ આમ કોઈની ઓશીયાળી થવાનો વખત તો ન આવત ! આ તો કાંઈ જોઈયે તો ભાઈ વગર થાય નહી. પેટના દીકરાનું યે આટલું ઓશીયાળું તો ન હોય.”

“જો મ્હારું સાંભળો. એ કાયદા જાણે છે - સઉ એના છે. છાપાવાળા અને હાઈ કોરટના જડજો યે એના ઘરમાં પેશી બધું જાણી લેઈ લેશે ને પછી તમે પંચાત કરસો, તો ભાગ લેવા ફરીયાદી કરશે કે પછી એના હાથમાં હશે તો તમારે જ ફરીયાદી કરવા વેળા આવશે. માટે ચેતો ! વેળાસર ચેતો ! હજી વખત છે. એનું આપ્યું આપણે લઈએ તેના કરતાં તમારું આવ્યું એ લે એવું કરો – કે પાછળની ચિંતા નહી. પણ હું જાણું જ છું તો. એ હોય એટલાં કાંઈ અમે હઈએ ! ભાઈનો બોલ પડતાં માણસો ઉપાડી લે છે. એમાં કાંઈ નવાઈ છે ? તમારે જ મન એ સોનું ને અમે રાખ. પાછળ મ્હારું રાંડનું ગમે તે થાઓ ! એની કાંઈ તમને ચિંતા ?"

ઉદાર, સુશીલ, અને પ્રવીણ પુત્રની સત્તા સર્વના મનપર જામી ગઈ હતી અને તેમ થવાનું કારણ વિચારવું વિસરી પિતાએ ફળની સ્થિતિ સ્ત્રીના કહ્યા પ્રમાણે દીઠી અને સ્ત્રીના ભાષણમાં કાંઈક સત્ય લાગ્યું. આવાં આવાં નિશા-ભાષણ કાળ ક્રમે પત્થરને પ્રહારથી રેતી કરી દેતા સમુદ્રના તરંગની પેઠે એક પછી એક ચ્હડીયાતાં બની નિત્ય ઉછળતાં અને અસર કરતાં. પોતાના કાર્યમાં પરોવાયેલું લક્ષ્મીનંદનનું મન આવા આવા વિષયો પર વિચાર કરવાને અવકાશ પણ ન પામતું; કંટાળવા છતાં, સ્ત્રીને ધુતકારી ક્‌હાડવા છતાં, અને તેની વાત ન માનવાનો નિશ્ચય વારંવાર કરવા અને ક્‌હેવા છતાં, રાત્રિ પડ્યા પછી પણ પશ્ચિમાકાશમાં ૨ઝળતા સૂર્યકિરણની પેઠે ગુંચવાયલા મસ્તિકમાં ગુંચવાઈ ભરાઈ ર્‌હેતી ફરીયાદો પુરુષના મનમાં રહી જતી; સત્યાસત્ય શોધવાનો પ્રસંગ દૂર ર્‌હેતો; પુત્રની પરોક્ષે થતા વર્તમાનનું તારણ (ખુલાસો) પુત્ર કરી શકતો નહી; અને અંતે ઉધાઈ લાકડાને આરોપાર કોતરી ખાય તેમ સ્ત્રીની નિષ્કંટક જીભે, પુરુષના મસ્તિકને નિ:સત્ત્વ કરી દીધું.

એક દિવસ સંધ્યાકાળે શેઠ થાકી પાકી ઘેર આવ્યા, અને શયનગૃહમાં સ્ત્રીને ન દેખી “નીરાંત થઈ” જાણી એક આરામખુરસી પર બેસી ચાકર પાસે ખાવાનું મંગાવી, થાક ઉતારવા લાગ્યા. એવામાં ગુમાન જ ખાવાનું લાવી થાળી ધરી ઉભી. શેઠના પેટમાં “વળી હવે શું મહાભા૨ત નીકળશે” વિચારી ફાળ પડી, પણ કોઈ બોલ્યું નહી અને શેઠે ખાવા માંડ્યું. ઈશ્વરલીલાને બળે અકળાયેલા મનમાં પણ પુત્ર ર્‌હેતો અને શેઠે પુછી જવાયું : “ભાઈ આવ્યો ? ખાધું એણે કાંઈ?”

અજાણતાં પણ દેાષ થતાં કોઈ મેલી માતાને કુંડું પડે તેમ આટલા ઉચ્ચારના ફળમાં શેઠે કાંઈ નવું જ – મ્હોટું – ભાગવત સાંભળવાનું હોય અને તેનું મંગળાચરણ થવા માંડતું હોય તેમ સાંભળવા માંડ્યું. મ્હેં “કીલોત્પાટી વાનર”નું કામ કર્યું એમ શેઠને સ્પષ્ટ લાગ્યું અને પસ્તાવા લાગ્યા. ગુમાન ઉતરી પડી.

“આ શા ભાઈ ઉપર ઉમળકા ? ભાઈ તો આવ્યા યે ખરા અને બાપના પ્હેલાં ક્યારનું ખાઈને બેઠા છે. બાપને ભાઈ ભાઈ થઈ રહ્યાં છે. ભાઈને તો બાપ લેખામાંયે નથી. ભાઈ તો એ બેઠા બેઠા કાગળો આવ્યા છે વહુના તે વાંચે. એમને પરણ્યા પહેલાંથી વહુ વહુ છે. અને તમારે મન તો હજીયે ઠીક જ છે. કોણ જાણે ક્યાંથી લોકો જુઠું જુઠું ગાય છે કે,

“બીજ વ૨ની પરણી મહાસુખ પામશે ! ”

ઈંગ્રેજ લોક ક્‌હે છે કે હીંદુઓમાં સ્ત્રીઓને સ્વતંત્રતા નથી. પણ આવા ધનાઢય અને વયવાળા પ્રતિષ્ઠિત ધણીને પોતે આમ ધમકાવે અને શેઠ સાંભળી રહે એ ગુમાનની સ્વતંત્રતામાં શું કાંઈ ન્યૂનતા છે ? વીલાયતથી આવેલો એક તાર લેઈ શેઠને આપવા આવેલો એક ગુમાસ્તો આવો વિચાર કરતો કરતો તાર આપી પાછો ગયો.

શેઠ તાર વાંચે છે એટલામાં થાળી પાછી મુકી આવી રસ્તામાં પડતી એક બારીની જાળીને અઠીંગી ગુમાન ઉભી રહી અને તાર વંચાઈ રહ્યો એટલે પાસેથી એક કાગળ ક્‌હાડી આપ્યો. શેઠે પુછ્યું “કોનો કાગળ છે આ ?"

“આ જુવો તો ખરા - ભાઈએ કાગળ લખ્યો છે વહુ ઉપર - તમે કોઈ દિવસે મને એવું લખ્યું ?” સરસ્વતીચંદ્રના ટેબલમાંથી ચોરેલો એક કાગળ શેઠને આપી ગુમાન બોલી. શેઠ કાગળ લેઈ ગુમાન ભણી કતરાતી કોપાયમાન આંખે જોતા જોતા, ઉંડા વિચારમાં પડ્યા અને આખરે ગાજી ઉઠ્યા,

“ક્યાંથી આણ્યો કાગળ આ ? આવું કામ કરે છે ? આ કાગળ મને વંચાવતાં શરમાતી નથી ?”

રજ પણ ગભરાયા વિના શાંતિ રાખી ગુમાન બોલી, “હું જાણું છું કે એ કાગળ તમને વંચાવવો ન જોઈએ, એટલું જ નહી પણ મ્હારે ય વાંચવો ન જોઈએ, એટલું તો હું સમજું છું. પણ આ તો ભાઈની ખુબી બતલાવવા આણ્યો છે. કાંઈ ચોરીને આણ્યો નથી. ભાઈએ લખીને મુક્યો હશે તે વાથી ઉડતો ઉડતો મ્હારી મેડીમાં આવ્યો. આપવા જાઉં તો મ્હારે માથે ચોરી મુકે. માટે તમને આપું છું અને મરજી પડે તે કરો. પરણ્યાં તો આપણે યે છીયે અને હું યે ભાઈ કરતાં બે વર્ષે ન્હાની છું - પણ આજથી આવા બાયલા કાગળ લખવા ન ઘટે. બાયડી તે ભાઈને જ હશે કે બીજા કોઈને યે હશે ? ”

શેઠ જરા શાંત પડ્યા, પણ ક્રોધ ઉતરતાં ઉતરતાં કાંઈક વાર લાગી અને એટલામાં કાગળના અક્ષરો ઉપર કાંઈક દ્રષ્ટિ પણ પડી હશે. અંતે ધીમા પડી એ બો૯યા, “એ ગમે તેવા કાગળ લખે તેમાં મ્હારું શું ગયું ? હોય, છોકરાં છે તે ગમે તે કરે. કોઈ પારકી બાયડીને તો નથી લખ્યો ?”

“હા એ ખરું. મ્હારો કાંઈ દોષ હોય ત્યારે હું ઘરડી અને ભાઈ વાંક કરે તો બાળક પણ હશે એ તો જે હોય તે. હું તો કાંઈ કામસર બતાવું છું તે જુવો જોવું હોય તો. ન જેવું હોય તો મરજી. અમારો કોઈ ભાવ પુછનાર છે ?” – કરી ડુસકાં ભરતી પાછી ફરી અને જવા લાગી.

શેઠે તેને ગણકારી નહીં, જવા દીધી, અને તારમાં મન પરોવતા પરોવતા બરબડ્યા, “કોણ જાણે આ ઈશ્વરે તે બઈરાની જાત ક્યાંથી કરી હશે ? મૂર્ખ – મૂર્ખ – છેવટ સુધી મૂર્ખ – નખથી તે શિખ સુધી મૂર્ખ !” ગુમાન મૂર્ખ જ છે એટલું શેઠને ભાન હતું – તે શઠ નથી એવું સ્વાભાવિક પક્ષપાતે મનમાં વસાવ્યું હતું. મૂર્ખતા માફ કરવા લાયક લાગતી પણ કોઈ વાર તો કંટાળતા.

પોતાને ગાંઠી નહી – શેઠ મનાવતા નથી – જાણી ગુમાન મિષ ક્‌હાડી આંંખો લ્હોતી ૯હોતી પાછી આવી અને બારણામાં ઉભી. શેઠનું ચિત્ત તા૨માં હતું. લક્ષ ખેંચવા ઉભી ઉભી ડુસકાં બંધ કરવા યત્ન કરતી દેખાવા લાગી, કમાડ ઉઘાડ અડકાવ કરવા લાગી, અને ઉંડા સંભળાય એવા નિઃશ્વાસ મુકવા લાગી. શેઠને તેને ઘસારો લાગ્યો, તેના ભણી નજ૨ કરી, અને જરાક દયાનો અંશ ઉત્પન્ન થતાં પુછ્યું, “કેમ અહીયાં ઉભી છે ? આવ, આવ, હવે. છાની ર્‌હે. જો હવે આવું કામ ન કરીશ. એમાં રડે છે શું ? આ કાગળ બતાવ્યાથી તને શું ફળ હતું ?”

ગુમાન પાછો આવી – આંખો ફુલાવી શેઠના સામી ખુરશી પર બેઠી. શેઠને દયા આવી. જાતે ઉઠી બારણું વાસી ગુમાન બેઠી હતી તેની સાથે તેની તે ખુરશી પર બેઠા અને મનાવવા લાગ્યા. ગુમાને ખેલ જોઈ બમણું માન ધાર્યું અને આખરે બોલીઃ “ હા, અમારે શું ? જુવો તમને તો એક કાગળ આપ્યો છે. પણ વહુ પણ જોઈએ તેવી મળી છે. ટપાલવાળો ભુલમાં ભાઈનો કાગળ મને આપી ગયો અને મેં ભુલમાં ને ભુલમાં મ્હારો જાણી ફોડ્યો. જુવો, આ વહુએ કેવી પાક્કી છે ? એનાં મૂળ ઉડાં છે. બાયડીઓના સ્વભાવ તમે ભોળા ભાયડાઓ ન સમજો. અમે સમજીએ. આજથી આટલું ભાઈને ફોસલાવે છે તે અગાડી જતાં કેવી નીકળશે ? ભાઈ એને વશ આટલા થઈ ગયા છે તેનું તો ઠેકાણું એ નહી ર્‌હે અને અમે સઉને વશ થઈ જઈશું. સસરા સાથે પણ ભાઈને કાગળ લખવાનું ચાલે છે. ૨જવાડાના લોક કેવા લુચ્ચા છે તે તમે જ મને તે દિવસ ક્‌હેતાં હતા. વળી ઈંગ્રેજી ભણેલું માણસ કોઈનું નહી. વખત આવ્યે પોત પ્રકાશે. આજ તો તમે કમાઓ છો - તમારું ચાલે ને મ્હારું રાજ્ય હોય તેને સટે આ તો ઉલટી જ કથા છે ! એ ભાઈનો તમને વિશ્વાસ !”

દયામણે મ્હોંયે આ ભાષણ નીકળ્યું જોઈ શેઠ નરમ થયા અને બોલ્યાઃ “વારુ, પણ તેમાં આટલું બધું શું ?” પાસેના કાગળો વાંચવા જોઈએ જાણી ગુમાનને ખાતર વાંચી બો૯યાઃ “ આ કાગળોમાં એવું શું છે જે – હોય એ તો જવાન છોકરાં જરી લખે ગાંડું ઘેલું.”

“એમ કેમ ? એ ભાઈના હાથમાં બધું સોંપો છો તે પછી મ્હારા ધનની શી વ્હલે–ને મ્હારી શી વ્હલે – થવાની તે કંઈ વિચાર કર્યો ?"

“એટલું જ કેની ?”

“તે એ ઓછું છે ? – તમારે મન તો કાંઈ નહીં હોય ! ” વારું – વારું – એ તો થઈ ર્‌હેશે ” કરી ગુમાનને હસાવી પટાવી રમાડી બારી ઉઘાડી શેઠ બ્હાર ગયા.

આણી પાસ સરસ્વતીચંદ્રના મનમાં કુમુદસુંદરી રમી રહી હતી અને લગ્નનો દિવસ પાસે આવતો જાણી આનંદમાં ર્‌હેતો. પિતાના વ્યાપારનો ધણીરણી પોતે જ થઈ રહ્યો હતો અને પિતાનું દ્રવ્ય સ્વેચ્છાએ ખરચે તો કોઈ ના ક્‌હે એવું નથી તે પોતે જાણતો. પરંતુ ચંદ્રલક્ષ્મીને [૧] તેનાં માબાપ પાસેથી તેમ જ લક્ષ્મીનંદન પાસેથી અલંકાર અને ઘણુંક દ્રવ્ય મળેલું હતું અને બધો મળી તે સંચય લાખેકના સુમારનો હતો. સરસ્વતીચંદ્ર વયમાં આવતાં આ સર્વે તેના હાથમાં આવ્યું હતું અને પિતાના દ્રવ્યને જો અડકવા કરતાં ચાલતાં સુધી પોતાના જ આ દ્રવ્યમાંથી વ્યય કરતો. વાલુકેશ્વરની ટેકરી ઉપર પિતાના બે ત્રણ બંગલા હતા તેમાંથી એક બંગલો એને સાંપવામાં આવ્યો હતો. આમાં અગ્રભાગે એક પ્રધાનખંડ [૨] હતો તેમાં કાંઈ


  1. સરસ્વતીચંદ્રની મા
  2. ૨. દીવાનખાનું
વધારો ઘટાડો કરી પાંચ છ હજારનું ખરચ કરી મનસ્વીરીતે તેણે એ શણગાર્યો

અને એક ભીંત ઉપર કુમુદસુંદરીની એક મ્હોટી છવિ (છબિ) રંગાવી તથા રમણીય હાથીદાંતના આસનમાં જડાવી મુકી. તે આસનની ચારે પાસ કોતરકામ હતું અને તેમાં તથા છવિમાં મળી બે ચાર હજારનું ખરચ થયું. ચંદ્રકાંતના ખભા ઉપર હાથ મુકી સરસ્વતીચંદ્ર જુગના જુગ વીતતા સુધી એ છબિ સામું જોઈ રહેતો અને આનંદમય અનિમિષ બનતો. તેનો ભૂતકાળનો વૈરાગ્ય સંભારી ચંદ્રકાંત મિત્રની પુષ્કળ મશ્કરી કરતો. સરસ્વતીચંદ્ર ઉત્તરમાં માત્ર હસતો જ. તે પોતાની પત્નીવ્રત વૃત્તિને શ્લાધ્ય ગણતો અને તેને સતેજ કરવી એ પોતાનો ધર્મ ગણતો. વિચાર વૃત્તિને અનુસરે છે. કાંઈ અધુરું હોય તે પુરું કરવાને સરસ્વતીચંદ્રે એક હીરાની મુદ્રા કરાવી.

આ મુદ્રામાં એક સુશોભિત પાસાંવાળો જળજેવો નિર્મળ મ્હોટો હીરો ચળકતો હતો અને તેને એક સુંદર સોનેરી આસનમાં જડ્યો હતો. વળી એવી ગોઠવણ કરી હતી કે આ આસન એક ચાંપવતે ઉઘડતું હતું અને ઉઘડતાં બીજી પાસ એક સૂક્ષ્મ મીજાગરાના આધારે હીરા સહિત છુટું. ન પડતાં લટકતું હતું. તે આસન ઉઘડતાં નીચેના આસનમાં ઉપરના હીરા જેટલી જ જગામાં સરસ્વતીચંદ્રના ઉત્તમાંગની [૧] એક સૂક્ષ્મ સુંદર હસતી છબિ હતી. ઉપલું આસન બંધ હોય ત્યારે આ છબિ અદ્રશ્ય ર્‌હેતી. આ મુદ્રા કુમુદસુંદરીને મોકલવા ધારી અને તેનું મૂલ્ય પાંચ હજાર રુપિયાનું થતું. આમ સઉ મળી પંદર વીશ હજાર રુપિઆ ખરચી નાંખતાં લક્ષાધિપતિના પુત્રે કાંઈ આંચકો ખાધો નહી. કુમુદસુંદરીને સારું આટલું ખર્ચ કરવું તેમાં એને કાંઈ મ્હોટી વાત લાગી નહી. ચંદ્રકાંત મ્હોંયે તેને ઘેલો થઈ ગયો ક્‌હેતો પણ મનમાં તેની સ્ત્રીભક્તિની પ્રશંસા કરતો અને મનમાં ને મનમાં જ ક્‌હેતો કે “ આહા ! મ્હોટાનું ભાગ્ય મ્હોટું જ ! આટલું દ્રવ્ય, તે છતાં આટલું નિર્મળ અને નિરભિમાની મન, આટલી વિદ્યા, આટલી કીર્તિ, આવી કન્યાનો યોગ, તેના ઉપર આવી પ્રીતિ ! – કેવો ભાગ્યશાળી મિત્ર – ઈશ્વર એનું ભાગ્ય અખંડ રાખે !” તેને બીચારાને ખબર ન હતી કે ભાગ્યના જ પ્રસાદને દુર્ભાગ્યનું નિમિત્ત થઈ પડતાં પળ પણ વાર નથી લાગતી. આ સંસારરૂપી ચોપટમાં ભાગ્ય, દુર્ભાગ્ય એ એક જ પાસાની બે જુદી જુદી બાજુઓ છે.

આ સર્વ સમાચાર ગુમાનને કાને ગયા. તેણે શેઠને કહ્યા અને ભાઈ સ્ત્રીવશ બની સર્વ દ્રવ્ય વેડફી મારશે તે પ્રત્યક્ષ દ્રષ્ટાંતથી સિદ્ધ કરી આપ્યું.


  1. ૧. માથું.
આવા વિષયોમાં શેઠે પણ કદી આમ દ્રવ્ય ખરચ્યું ન હતું અને તેને પણ

પુત્રનો વ્યય વિવેક વિનાનો લાગ્યો. “તમે જે સોપ્યું છે તેનો આ ઉપયોગ તો દેખીતો છે – બીજો આપણી દૃષ્ટિ બ્હાર પણ કેટલો હશે તે તો ખબર જ શી રીતે પડે ? આ તમારા વિશ્વાસનું ફળઃ ” આમ ગુમાને સૂચવ્યું અને ચંદ્રલક્ષ્મીવાળા દ્રવ્યમાંથી આ ઉપયોગ થયો હશે તે તો શેઠને સાંભર્યું જ નહી. તેમનો મીજાજ ગયો પણ દેખીતો વશ રાખ્યો.

વૃદ્ધ પિતામહી, ગુમાનનાં સર્વ કાર્યસ્થાન (કારસ્તાન) શોધી ક્‌હાડી, સરસ્વતીચંદ્રને એકલો બોલાવી, ગુપચુપ વાતો કરી, કહી દેતી અને એ સર્વ વાત સાંભળી ર્‌હેતો, પિતામહીને શાંત પાડતો, પણ ગુમાનની દુષ્કૃતિ અને શેઠની ફરતી વૃત્તિ જાણી, અંતરમાં ખિન્ન થયા વિના તેનાથી ર્‌હેવાતું નહી. પિતામહીના મનમાં એમ નક્કી આવ્યું કે લક્ષ્મીનંદન આખરે મ્હોટા પુત્રને રઝળાવશે. આનો ઉપાય પોતે તો શો કરે પરંતુ પોતાની પાસે પણ લાખ પોણાલાખનો સંચય હતો તે મ્હોટા પુત્રને આપી દેવા ઈચ્છા જાણવી. સરસ્વતીચંદ્ર તે સાંભળી જરી હસ્યો અને કહ્યું કે “માજી, ઈશ્વર સર્વની તેમ મ્હારી સંભાળ રાખશે જ. તમારા વિચારનો નિર્વાહ (અમલ) કરવાથી પિતા માતા વધારે કોપશે, કુટુંબમાં ક્‌લેશ વધશે, અને મ્હારે માથે વિશેષ આરોપ આવશે, માટે વધારે સુતર તો એ છે કે એ સર્વ ન્હાના ભાઈને મૃત્યુપત્ર કરી આપો. એટલે સઉ આજ તમારા હાથમાં રહેશે, પિતા માતા પ્રસન્ન થશે અને ગુમાનબાએ જે વિપરીત ભાવ આરંભ્યો છે તે મુકી દેશે.” આ વાત ડોશીને ન ગમી. આમ કરવાથી શેઠ કે ગુમાન સરસ્વતીચંદ્રનો પાડ માનશે નહીં અને ગુમાન એટલાથી અમીવૃષ્ટિવાળી નહી બને અને મ્હોટા પૌત્રની હરકત દૂર નહી થાય એમ ડોશીના મનમાં આવ્યું. તે બીજો ધંધો કરી રળી ખાય એવી તેની તાકાત ડોશી જાણતી હતી, પણ એવા કુળના દીવાને કુળમાંથી કંઈ નહી મળે એવી શંકા ઉપજવાથી તેના મનમાં ઓછું આવતું અને રોતી. કારણ પોતાના વિચાર સાધવામાં સરસ્વતીચંદ્ર જ વચ્ચે આવતો દેખી ઉપાય ન સુઝ્યો. એમ કરતાં કરતાં પૌત્ર બ્હાર ગયો હતો એવે સમયે ચંદ્રકાંતને એકાંતે બોલાવી તેની સહાયતા માગી.

ચંદ્રકાંતે ડોશીની વાર્તા સાંભળી અને તેને એ સ્વીકારવા યોગ્ય લાગી. પણ ડોશીની યોજના પાર પડવી કઠિન હતી તે પણ તે સમજતો હતો. એક સમય એવો હતો કે જયારે સરસ્વતીચંદ્રના મનમાં એવો સંક૯પ થવા ઉપર હતો કે ચંદ્રલક્ષ્મીવાળું સર્વ દ્રવ્ય કંઈક દેશોન્નતિને અર્થે રોકી દેવું, પિતાનું દ્રવ્ય પિતામહોપાર્જિત હતું તેમાં પોતાનો ભાગ હતો તેના ઉપરથી પોતાના સ્વત્વને (માલકીને) ન્યાસ [૧] કરવો, પોતે ભગવાં ધારણ કર્યા વિના પણ અજ્ઞાત વેશે સાધારણ વર્ગમાં ભળી જઈ દેશાટન કરવું, લોકઅનુભવ અને ઈશ્વર શોધવો, અને પણ ચાર વર્ષમાં પાછાં ફરી કોઈ ઠેકાણે સ્થિર રહી અવલોકન અને અનુભવનું ફળ લોકના ઐહિક અને આમૂત્રિકઅર્થે કેમ વાપરવું તે વિચારી તે પ્રમાણે યથાશક્તિ શાંત પણ ગુરુ યત્ન કરવો. આ સંક૯પનો નિર્વાહ કરવા જતાં તરત તો સુધરેલાઓમાં અપકીર્તિ થશે અને પિતાને અત્યંત ખેદ થશે એમ તેને લાગ્યું. અંતઃકરણનું પરમાર્થ ઈષ્ટ કરવા જતાં પરોક્ષ અથવા પ્રત્યક્ષ અપકીર્તિ થાય તે તો તેને ગાંઠવા જેવી લાગી નહી પણ પિતાને કેટલો ખેદ થશે એ વિચારી તેણે એ સંકલ્પ છોડી દીધો હતો. આ સર્વ ચંદ્રકાંત જાણતો હતો અને તેથી તથા પોતાના બીજા અનુભવ ઉપરથી તેના મનમાં સિદ્ધ હતું કે ડોશીની યોજના પાર પાડવામાં સરસ્વતીચંદ્ર પોતે જ અનિવાર્ય વિઘ્નરૂપ થઈ પડશે. યોજના પૂર્ણ થયા પહેલાં સરસ્વતીચંદ્રને માલમ ન પડે અને પૂર્ણ થયા પછી માલુમ પડતાં નિષ્ફળ કરી શકે નહી એવી યોજના રચવાનો માર્ગ ચંદ્રકાંત શોધવા માંડ્યો. ચંદ્રકાંત પોતે વ્યાવહારિક દ્રષ્ટિ - વૃત્તિવાળો હતો અને મિત્રની સ્વાર્થ સંન્યાસી વૃત્તિને લીધે એના ઉપર વધારે દ્રઢ પ્રેમ રાખતો; તોપણ એ જ વૃત્તિથી આવું રત્ન વૈરાગ્યમાં ડુબી અપ્રસિદ્ધતાના અંધકારમાં લીન થઈ જાય, જે નિર્ધન અવસ્થાનું દુ:ખ પોતે અનુભવ્યું હતું તેવી જ અવસ્થામાં આટલો અઢળક ભંડાર મુકી આવી પડે, અને સંસારની – સુધારાની – મોહક માયા મુકી અાટલી વિદ્યા અને કીર્તિને અંતે સુધારાવાળામાં અપકીર્તિનું – તિરસ્કારનું – પાત્ર થાય: આ સર્વ સ્નેહથી ઉભરાતા ચંદ્રકાંતને મર્મચછેદક થઈ પડે એવું હતું અને તેનો વિચાર કરતાં, તેની કલ્પનાથી જ, દારુણ દુઃખમાં પડ્યા જેવો થતો. કોઈ પ્રસંગે પણ મિત્રની ડબાયલી વૃત્તિ પાછી ઉછળશે એવું તેને ભય હતું, પણ કુમુદસુંદરી પર ઉત્પન્ન થયેલા મિત્રપ્રેમની રમણીય વૃદ્ધિ જોઈ તે નિર્ભય થયો હતો. તે પણ પ્રથમ થયેલા વૈરાગ્ય અને પાછળનો સ્નેહ એમાં કાંઈક અવર્ણનીય સામાન્યતા જણાતી, અને તેથી કોઈક પ્રસંગે પોતાના પૂર્વસંસ્કાર જાગતાં કુમુદસુંદરીને સાથે લેઈ એ જ સરસ્વતીચંદ્ર વાનપ્રસ્થ સ્વીકારે એવો ચંદ્રકાંતના અંતઃકરણમાં ઝાંખો આભાસ થઈ આવતો અને તેથી જ ડોશીની યોજના પાર પાડવાનો પ્રસંગ ન મુકવા તેની વૃત્તિયે તેને અતિબળથી ઉશકેર્યો.


  1. ૧. ફારકતી

ડોશીએ પોતાની મીલકત કોઈ વિશ્વાસપાત્ર માણસને નામે ચ્હડાવી સોંપી દેઈ તેનો વહીવટદાર નીમવો, અને તે વહીવટદાર ડોશી જીવતાં સુધી ડોશીને તેનું ઉત્પન્ન આપે, અને તેના મરણ પછી સરસ્વતીચંદ્ર અને તેની સ્ત્રીને નામે એ દ્રવ્ય ઉપર સામાયિક સ્વત્વનો લેખ કરી તેમને આપે એવી વ્યવસ્થા કરવાની ડોશીને સલાહ મળી. સ્ત્રી ન હોય તો સરસ્વતીચંદ્રને એકલાને આપવાનું ઠર્યું. સ્ત્રીના નામનું દ્રવ્ય સરસ્વતીચંદ્ર પોતાની ઈચ્છા પ્રમાણે વાપરશે નહી એવી ચંદ્રકાંતની ખાતરી હતી. પણ વહીવટદાર કોને નીમવો તે શંકાનું સમાધાન થયું નહી. ડોશીએ એ કામ ઉપાડવા ચંદ્રકાંતને જ કહ્યું અને ઘણુ વિચારને અંતે મિત્રના હિતને બીજો રસ્તો ન દેખાતાં તેણે સ્વીકાર્યું. આ વિષયનો લેખ વિધિવત સંપૂર્ણ થયો, સરસ્વતીચંદ્રને તેની જાણ પડવા ન દીધી, સારા પ્રતિષ્ઠિત મનુષ્યોને સાક્ષી કરવા બોલાવ્યા. અંતે લક્ષ્મીનંદનને અચિંત્યો ડોશી દ્વારા બોલાવ્યો. સર્વ દેખતાં કાંઈ બોલ્યા ચાલ્યા વિના કારણ બતાવ્યા વિના ડોશીચે લક્ષ્મીનંદનને ગંભીર મુખાકૃતિ ધારી લેખ આપ્યો અને તે ઉપર પોતાની સહી નીચે સંમત (મતુ) કરવા કહ્યું અને તેની આંખો સામું તાકીને જોઈ રહી. પોતાની આજ્ઞાના ઉત્તરમાં અજ્ઞાના પાલન શીવાય બીજો ઉત્તર આપવા પુત્રની તાકાત શૂન્ય થાય એવો પ્રતાપ માતાયે ધારી દીધો, સર્વ મંડળ બે જણના સામું શું થાય છે તેની જિજ્ઞાસાથી જોઈ રહ્યું, શેઠે લેખ વાંચ્યો, જરાક વિચારમાં પડતાં “ભાઈ સહી કર” એમ ડેોશીએ ઉચિત પુનરુક્તિ કરી; ધનવાન્ વયવાન્ પ્રતિષ્ઠિત વ્યવહાર-કુશળ સ્વતંત્ર પુત્ર વૃદ્ધાવસ્થાના સિંહાસન પર બેઠેલી – વિજ્ઞાપના નહી પણ નિર્ભય નિરંકુશ આજ્ઞા કરતી – માતુ:શ્રીના આજ કાંઈક અપૂર્વ લાગતા – પ્રતાપ આગળ અંજાઈ ગયો, પોતે ગુમાનને વશ થઈ ગયો છે તેની આ શિક્ષા ધર્મરાજના દૂતોને વાટ જોવરાવતી માતા ધર્માસન પર બેસી કરતી હોય એવો સંસ્કાર શેઠે અનુભવ્યો, અને પોતે તે શિક્ષાને યોગ્ય છે એવું સ્વીકારતો હોય તેમ માતાના મુખમાંથી અક્ષર ખરતાં એકદમ લેખ ઉપર સહી કરી લેખ માતુ:શ્રીના હાથમાં મુક્યો. आज्ञा गुरुणामविचारणीया તેનું આ કલિયુગમાં દૃષ્ટાંત બન્યું. પ્રત્યક્ષ મંડળે સાક્ષ કરી. આ સર્વ વ્યાપાર થયો તે સમયે કોઈ બોલ્યું ચાલ્યું નહી; સર્વ જીભ વિનાનાં સયંત્ર પુતળાંની પેઠે જ વર્ત્યાં; અને અંતે ડોશીના ખંડના દ્વાર આગળ ચંદ્રલક્ષ્મીની છવિ હતી તે 'મ્હારા પ્રેમને ઉચિત જ કર્યું છે' એમ વગર બોલ્યે બોલતી હોય, વગર જીવે જીવ આણી પ્રસન્નતા બતાવતી હોય, તેમ છવિ ઉપર દૃષ્ટિ પડતાં લક્ષ્મીનંદનને લાગ્યું અને ભૂતકાળના પ્રેમ, ઉમળકા, અને આનંદનો નિર્મળ વિનિમય[૧] સ્ત્રીપુરુષ વચ્ચે


  1. ૧. અદલાબદલી કરવી; સટેસટું.
ઘડીક થતો હોય તેમ થયું. છવિ ઉપર સ્નિગ્ધ દ્રષ્ટિ નાંખતો નાંખતો પુરુષ

ઘડીક ગુમાનને ભુલી ઉઠ્યો, ખંડ બ્હાર આવ્યો, પોતાના ખંડમાં ગયો, ત્યાં ગુમાન બેઠી હતી તેને જોઈ વિચારમાં પડ્યો, અને રામચંદ્રને યુવરાજ કરવાનો સમારંભ આરંભી કૌશલ્યાના મ્હેલમાંથી કૈકેયીનાં વચન સાંભળવા આવનાર બીચારા દશરથના જેવો ગુમાનને ખભે હાથ મુકી ઉભો. પળવારનું નિર્મળ સ્વપ્ન ભયંકર સત્ત્વની દૃષ્ટિએ પળવારમાં ભુલાવી દીધું.

"જઈ આવ્યા ! શું કામ હતું ?” આ પ્રશ્નથી આરંભી ધીમે ધીમે ગુમાને સર્વ વાત તથા સુવૃત્તિ પતિના ઉરમાંથી ક્‌હાડી લીધી અને તેની ખાતરી કરી કે આ સર્વ કામ સરસ્વતીચંદ્રનું છે. ઈંગ્રેજી વિદ્યાની કપટશક્તિ દૃષ્ટાંતથી સિદ્ધ કરી આપી. ધનનંદનને થયેલા અન્યાય પેટે તેને કાંઈ બદલો વાળી આપવો શેઠને આવશ્યક લાગ્યો. “મને પુત્રે છેતર્યો” એવું વ્યલીક પિતાના મનમાં વશી ગયું, ચ્હોંટી ગયું. સ્નેહની અમીને ઠેકાણે વિષવૃક્ષનું બીજ પડ્યું. આવનાર કન્યાના મસ્તક ઉપર શંકા ભમવા લાગી –“આવા નિર્મલ પુત્રને આવું ક્યાંથી સુઝે ? – ગમે તો કન્યા કે ગમે તે કન્યાના ખટપટી બાપનું એ કામ !” સહી કરતાં શું તો કરી આપી પણ પાછળ પસ્તાવો થયો.

સરસ્વતીચંદ્રના કારભાર ઉપર હવે પિતાએ ઈર્ષ્યા અને અવિશ્વાસની ચોકી મુકવા માંડી. પુત્રના દરેક કામનું પૃથક્કરણ થવા લાગ્યું, કસોટીના કાળા પત્થર ઉપર ઉજળા સોનાના લીસોટા ઉપર લીસોટા થવા માંડ્યા અને દરેક લીસોટામાં સોનું છતાં પિત્તળ જ અપદૃષ્ટિને લાગવા માંડ્યું, જુના અને નવા મતનાં મગજો વચ્ચે ઘણાક મતભેદ થતા; નિ:શંક અને નિર્દોષ પુત્ર એમ જ ધારતો કે હજી પ્રથમની પેઠે જ તકરાર કરી મ્હારું મત ખરું દર્શાવી આપવાનો અધિકાર (હક) મને અપાય છે: શેઠ એ સર્વે ક્રિયાનું સૂક્ષ્મ અવલોકન કરવા લાગ્યા, વૃત્તિયે અનુરંગી વસ્તુ દેખાડી, અને “પુત્ર પોતાના હાથ ઉપર રાખવા – મને ડાબી નાંખવા – સર્વ હાથમાં લેવા -યત્ન કરે છે” એ આભાસ ભૂતપેઠે વહેમાયલા મગજમાં ભરાઈ ગયો !

ખરી ખાતરી કરવાનો ઉપાય શેઠે શોધી ક્‌હાડ્યો. ગુમાનનો ભાઈ ધૂર્તલાલ બ્હેનના અંતઃકરણની કુંચી ફેરવતો. શેઠના ઘરમાં પગપેંસારો કરવાનો તેને લાગ મળતો ન હતો. હવે સમય જોઈ તેણે સમય-સૂચકતા વાપરી, કાંટાપરનું માંસ માંસલ માછલાના મ્હોમાં પેંસતું જોઈ માછીએ જાળ ખેંચી, સાળાના હાથમાં બનેવી આવ્યો. ભાઈ એ બ્હેનની જીભ ઉપર પોતાની શક્તિ મુકી. “પુત્ર ઉપર ઘણોએ વિશ્વાસ રાખ્યો હતો-પણ આનું કહેલું, સર્વ આમ ખરું પડતું જાય છે – મ્હારો વિશ્વાસ ખોટો પડ્યો – હવે એનું કહ્યું માન્યા વિના કેમ ચાલે ?” – શેઠે પોતાના મનને પુછ્યું અને તેમાં ભરાયેલા ભૂતે પ્રતિધ્વનિ કરીને જ ઉત્તર આપ્યો.

શેઠ એક સૂત્રયંત્ર (સુતરની મિલ)ના મૂળ વ્યવસ્થાપક હતા. એક બે વર્ષ થયાં પોતાને ઠેકાણે મ્હોટા પુત્રને દાખલ કર્યો હતો. હવે એવો વિચાર કર્યો કે તરત પુત્રના હાથ નીચે ધૂર્તલાલને દાખલ કરવો અને કાળક્રમે એને સંયુક્ત (જૉઈંટ) બનાવવા. તરત પાર પાડવા જેટલી ઈચ્છા પુત્રને કહી બતાવી. પાછલી ઈચ્છાનું ફળ - ધનનંદનનો સ્વાર્થે જળવાશે એવું – ધાર્યું. સરસ્વતીચંદ્ર ઉપર અંકુશ મુકવાની ઈચ્છા તો પિતાની આંખે પુત્રે જોયું હત તો તરત જણાત. પણ તેની આંખ તેવી હતી નહી. એ આંખમાં તો ભરપૂર વિશ્વાસ હતો. સર્વ પ્રપંચ–બળ વિશ્વાસઘાતમાં પર્યાપ્ત થાય છે, એકનો વિશ્વાસ એ બીજાની શક્તિ છે, સારાની સારાશ એ નરસાને ફાવી જવાનું સ્થાન છે ! સામે સારો નીવડે ત્યાંસુધી તેને નરસો જ ગણી વર્તવું એમાં ક્ષેમકા૨ક સાવધાનપણું આવી જાય છે એવી એવી ઘણી ફહેવતો સરસ્વતીચંદ્રને ખબર હતી; પરંતુ તેને અનુભવમાં આણવાનો પ્રસંગ તેણે કલ્પ્યો ન હતો. “મ્હારી સાથે મ્હારા પિતા દાવપેચ રમે છે” – આ વિચાર તાતવત્સલ પુત્રના મનમાં કેમ જન્મવા પામે ? પિતાએ જે ઈચ્છા જણાવી તેનો તેણે શુદ્ધ અંતઃકરણથી ઉત્તર આપ્યો.

"પિતાજી, ધૂર્તલાલ આપણો સંબંધી છે અને આપણે બને તેટલું એનું હિત ઈચ્છવું જેઈએ. પરંતુ એની વૃત્તિ અને વર્તણુંક આપને ખબર નથી એમ નથી. આપણે ઉચ્ચ અને પ્રામાણિક મનુષ્ય સાથે જ ફાવે એમ છે. તેમ ન કરવાની શિક્ષા આપણને થશે. આપણા દ્રવ્યની હાનિ થાય તો હરકત નહી પણ સૂત્રયંત્રનાં ભાગસ્વામીયો (શેર્‌હોલ્ડરો)ને હાનિ ન થવી જોઈએ, અને દ્રવ્યને હરકત થાય તો હરકત નહી પણ પ્રતિષ્ઠામાં ન્યૂનતા ન પડવી જોઈએ. જો ધૂર્તલાલને કાંઈ કામે જ વળગાડવો હોય તો આપણા ઘરમાં ઘરના વ્યાપારમાં ક્યાં સમાસ થાય એમ નથી? એને બે પૈસાની પ્રાપ્તિ કરી આપવાના બીજા નિર્દોષ માર્ગ ક્યાં નથી? ગુમાનબાને સંતોષ મળે, ધૂર્તલાલ સુમાર્ગે કાંઈ પ્રાપ્તિ કરે અને આપણને હરકત ન થાય – એવા માર્ગ છે.” આ ભાષણ નિશ્ચિત-સિદ્ધાન્તિને ઠીક ન પડ્યું. તેને વધારે શંકા થઈ.

“ભાઈ બસ, મ્હારા મનમાં એ જ છે કે આમ કરવું.”

"પણ કાંઈ યોગ્ય કા૨ણસ૨ ક૨વું એ ઉચિત છે."

“કારણ મ્હારી ઇચ્છા.” “તો જેવી ઈચ્છા. આપની ઈચ્છા એ મ્હારે મન આજ્ઞા જ છે – માત્ર ઘરનું હિત લાગ્યું તે સૂચવ્યું.”

"હવે ઠીક એ તો. આ વીશે જોજો.”

"હાજી .”

જન્મ્યા પછી પિતાને આમ બોલતા આાજ પ્રથમ જ સાંભળ્યા. કારણ કલ્પાયું નહીં, પણ કલ્પવાની જરુરે ધારી નહી. "આજ કાંઈ એમ જ હશે.” એટલા વિચારથી સંતોષ આણ્યો. પોતાને દૂર કરવાનો માર્ગ શેઠ શોધે છે એવી કલ્પના પણ ન કરી. શેઠે જાણ્યું, “ઠીક ઉક૯યું.”

એટલામાં ભાગ્યશાળી ડોશી કાંઈ આકસ્મિક કારણથી માળા જપતાં જપતાં બગાસું આવ્યાથી પંચત્વ[૧] પામ્યાં. લક્ષ્મીનંદનને કાંઈક દુ:ખ થયું પણ મનમાં લાગેલા ડાઘને બળે તરત જ શાંત થઈ ગયું. સ્મશાનમાં સર્વ હસી હસી વાતો કરતા હતા તેમાં ભળી જતાં કાંઈ અસ્વાભાવિક લાગ્યું નહીં. ગુમાન સાસુ પાછળ શણગાર સજી કુટવા ઉભી તેના ઉપર ઘડીક મોહથી દૃષ્ટિ કરી એકાંતમાં તેની તે સમયની સુંદરતા વખાણતાં તેને કાંઈપણ ખેદ થયો નંહી. ડોશીએ કરેલી વ્યવસ્થાથી અજાણ્યો પણ ન્હાનપણથી તે આજસુધી તેની માયામાં ઉછરેલો સરસ્વતીચંદ્ર ઘણો જ ખિન્ન થયો અને ઘડીવાર તેને એવી ભ્રાંતિ થઈ કે આ ઘરમાં હવે કોઈ મ્હારું સગું નથી. આત્મપ્રયાસથી તેણે મનનું સમાધાન કરી દીધું. ડોશીના ખંડમાંથી ચંદ્રલક્ષ્મીની છવિ અને બીજી કંઈ કંઈ સ્મારક વસ્તુઓ પોતાના ખંડમાં આણી તેના ભણી જોઈ ર્‌હેતો. ડોશી બેસતી, વાતો કરતી, માયા બતાવતી, ઈત્યાદિ કંઈકંઈ બનાવોનો તાદૃશ ચીતાર મનમાં ખડો કરી ઘડીક તદ્રુપ બનતો અને વ્યવહારમાં ચિત્ત પરોવવા પ્રયત્ન કરતો. ડોશીના દ્રવ્યનું શું થયું તેનો તેણે વિચાર પણ ન કર્યો.

ગુમાનને નામે અને અર્થે શેઠે ઘણા દિવસ થયાં એક સારી રકમ ક્‌હાડી મુકી હતી, સરસ્વતીચંદ્ર પોતાની સાથે વ્યવહારમાં ભળ્યો તેવામાં એ ૨કમ કોઈ સારા 'શેર'માં રોકી દેવા શેઠની ઈચ્છા હતી, પણ મ્હોટા પુત્ર ઉપર તે સમયે ભાવ હોવાથી તેનો અભિપ્રાય પુછ્યો. સ્ત્રીયોના દ્રવ્યને ચાલતા સુધી શેરમાં રોકવું નહી એવો વિચાર હોવાથી પુત્રે સલાહ આપી કે આ દ્રવ્ય સરકારી 'લોન'માં નાંખો. પિતાએ તે જ પ્રમાણે કર્યું. એ જ સમયમાં ચંદ્રલક્ષ્મીના નામની સરકારી 'લોન' હતી તે વટાવી પોતે


  1. ૧. મરણ
સગીર મટતાં સરસ્વતીચંદ્રે શેર-ઈત્યાદિ વ્યાપારમાં તે દ્રવ્ય નાખ્યું. હાલે

એમ થયું હતું કે રશિયા સાથે લ્હડાઈની કિંવદંતી (જન–વાર્તા) ચાલતી હતી અને લોનની ખરીદી બંધ થવા જેવી થઈ અને ભાવ બેસી ગયા. સરસ્વતીચંદ્રવાળા શેરના ભાવ ઘણા જ ચ્હડી ગયા અને તેને ઘણો લાભ મળ્યો. શેઠના મનમાં આવ્યું કે પુત્રે જે સલાહ આપી હતી તે જાણી જોઈ ગુમાનને નુકસાન કરવા આપી હતી. પોતાની બાબતમાં એક અને પારકી બાબતમાં બીજી સલાહ આપી - તેનો અર્થ શો નીકળે ? પ્રીતિ અને વિશ્વાસ ખોટામાંથી સારો અર્થ શોધાવે; અપ્રીતિ અને અવિશ્વાસ સારા હેતુમાં ખોટાનું ભાન કરાવે.

એક દિવસ ભોજન કરી બપોરે પિતા અને પુત્ર બે ઘોડાની 'ફાઈટન' માં બેસી 'આફીસ' માં ચાલ્યા. નીકળતાં પહેલાં ગુમાને શેઠને તૈયાર કરી મુક્યા હતા. ડોશીના દ્રવ્યની વ્યવસ્થા, પુત્રની વહુ અને સાસરીયાંની સત્તા, અને આજ જ બજારભાવમાં ઉથલપાથલથી થયેલા વિચાર; એ સર્વેયે શેઠનું ચિત્ત ઉકાળ્યું હતું અને તેમાં ગુમાને પુષ્કળ સંભાર ભર્યો હતો. ઘર છોડી ગાડી જરાક ચાલી એટલે શેઠે વાત ઉપાડી.

"ભાઈ બજા૨ ભાવ જાણ્યા"

“હા જી, સારા ભાવ છે.” પોતાને થયલો લાભ પિતાને પુત્રે ઉત્સાહથી જણાવ્યો.

“નોટ તો બેશી ગઈ છે.”

“હા જી. પણ આ તોફાન બંધ થશે એટલે ઠેકાણે આવશે.”

“ને રશિયાવાળો આવશે તો?”

પુત્ર હશ્યો. “પિતાજી, વાર લાગશે એમ થતાં.”

“ત્હારી નોટો તો ત્હેં વેચી દીધી."

" હા જી."

“ઠીક” - શેઠ પુત્ર સામું જોઈ રહ્યા. ઝાઝી વાર મનમાં ઉભરો રહી શકયો નહી અને પુત્રે વાત ટુંકી કરી એટલે નિત્ય સ્વભાવ ભુલી શેઠે ઉભરા ક્‌હાડવા માંડ્યા.

"ભાઈ, હું બહુ દીલગીર છું ત્હારી બાબતમાં. મ્હારે તને કાંઈ ક્‌હેવું પડશે."

આ અપૂર્વ અને અતર્કિત મંગળાચરણ સાંભળી પુત્ર વિસ્મય પામ્યો.

“હા જી, આપ મને નહી કહો તો બીજું કોણ ક્‌હેશે ?” “જો સાંભળ. ઘણા દિવસથી હું કાંઈ બોલતો નથી પણ માત્ર જોયાં કરું છું. ત્‍હારામાં દિવસે દિવસે ઘણો ફેર થતો જાય છે. એનું કારણ પ્રથમ તો હું સમજી શકતો ન હતો. પણ વિચારતાં અને જોતાં એમ માલમ પડે છે કે ત્‍હારું ચિત્ત સ્વતંત્ર નથી.”

“ત્‍હારો વિવાહ કર્યો તે ત્‍હારા સુખને અર્થે. પણ એમાંથી જ કુટુંબમાં ક્‌લેશ ન થાય તે જોવું એ ત્‍હારી ફરજ છે. કેટલાક જુવાનીયાઓ ન્હાનપણમાંથી વહુઘેલા થઈ જાય છે અને વહુરો તેનો ગેરલાભ લેવા ચુકતી નથી. વરને ભંભેરી તેને હાથે સકળ કુટુંબનું અહિત કરાવવા તે તત્પર હોય છે. જે વહુરો પરણ્યા પહેલાં અામ કરાવે તે પછીથી શું ન કરાવે તે સમજાતું નથી. પણ વરનું કાળજું ઠેકાણે હોય તો અા કશાની અડચણ નહી. ત્‍હારે જ આમ છે એમ મ્હારું ક્‌હેવું નથી. હું તો હુતાર્થ ઉપર કહું છું કે ખબર હોય તો ચેતતા ર્‌હેવાય ! ”

ઉત્તર દેવાની કાંઈ પણ વૃત્તિ સરસ્વતીચંદ્રના ચિત્તમાં હતી તે સર્વ બંધ થઈ ગઈ. શેઠે મર્યાદા તોડી પણ પોતાથી તુટે એમ ન હતું. “નિર્દોષ પવિત્ર કુમુદસુંદરી ! પ્રિય કુમુદ !” એ ઉચ્ચાર ચિત્તે ચિત્તમાં જ કર્યો. તેના સામો અા, નિર્મળ અપવાદ સરસ્વતીચંદ્રના કાનમાં પેંસતાં જ ચિત્ત વીંધાયું, “અર૨૨૨૨ ! અા પિતા ! અા બોલે છે શું ! અાનો ઉત્તર દેવાની કાંઈ જરુર નથી ! પ્રિય કુમુદ – મ્હારા ચિત્તમાં અને ઈશ્વરને ઘેર ત્‍હારો પવિત્ર ઉત્કર્ષ સિદ્ધ છે. આ અપવાદ ત્‍હારી પવિત્રતાનું તેજ વધારે છે ."

તે રાતો પીળો થઈ ગયો. રોષ તેના આખા અંગમાં વ્યાપી ગયો. મ્હોં લાલચોળ થઈ ગયું. તેની સહનશક્તિ ઘણી હતી પણ તે પોતાની જ બાબતમાં હતી. “મ્હારી કુમુદ ! ત્‍હારી બાબતમાં આ કેમ સહું - હું ઈશ્વરનો અપરાધી ન થાઉં ? ” આટલું છતાં સર્વ વિકાર તેણે ચિત્તમાં જ રાખ્યો, પ્રિય વસ્તુની વિમાનના પ્રિય પિતાને હાથે જ થતી જોઈ તીવ્ર વેદના થવા લાગી તે જણાવી નહી, અને એક શબ્દ બોલ્યા વિના પુત્રે પિતાના શબ્દપ્રવાહનો રજ પણ પ્રતિરોધ ન કર્યો.

સદયનિર્દયપણાનો ભેદ ન સમજનાર શેઠે જેટલું ક્‌હેવાયું એટલું કહ્યું. વિદ્યાચતુરની પરીક્ષા કરવામાં પોતે છેતરાયો, ગુમાનભણી દયા દર્શાવી, તેના પ્રતિ સરસ્વતીચંદ્રના વ્યક્તાવ્યક્ત ધર્મ કહી બતાવ્યા, કુમુદસુંદરી અાગળ ઘેલા બની જવાનો પુત્ર પર આરોપ મુક્યો, સ્ત્રી અને શ્વશુરને વશ થયેલાં માણસ બાયલાં કહેવાય એ ભાન આપ્યું. વાલુકેશ્વરનો બંગલો વગેરે વિષયમાં પૈસા વેડફી માર્યા જાણી ખેદ થયો બતાવ્યો, આવા ઉડાઉ પુત્રના ભવિષ્ય બાબત ચિંતા કરી, અને અંતે ગુમાનને લોન લેવરાવી પોતે શેર લીધા અને વિશ્વાસના બદલામાં ઉંધી સલાહ આપી તે સારું તિરસ્કાર પણ દેખાડ્યો, “ડોશીવાળા લેખમાં મ્હેં તો મ્હારાપણા ઉપર જઈ સહી કરી આપી પણ ત્‍હારે એ લેખ અામ કરાવી લેવો ઘટતો ન હતો” તે વાત ફુલાશા મારી કહી બતાવી. “ધૂર્તલાલની બાબતમાં તું તો ના ક્‌હેવા ગયો પણ ચાલ્યું નહી એટલે શું કરે.” એ પણ કહ્યું. “તું ભણ્યો પણ ગણ્યો નહીં,” “ આજ તો કાંઈ પણ મ્હારી ગરજ ત્‍હારે હોવી જોઈએ,” “ ઇંગ્રેજી ભણી માથું ફેરવી બેઠાથી પૈસો ન મળે,” “એમ ન જાણવું કે કાયદો જાણ્યો એટલે બાપ પણ 'જી ! લબ્બે !' કરશે:” ઈત્યાદિ કંઈકંઈ અસહ્ય વચન કહી બતાવ્યાં, સોંપેલા વ્યાપારકાર્યમાં કંઈ કંઈ ભુલો ક્‌હાડી; અને બુદ્ધિમાં, અનુભવમાં, અાવડમાં, વ્યવહારમાં, સારાંશમાં પિતૃભક્તિમાં અને એવી કંઈ કંઈ બાબતોમાં પુત્ર પછાત છે તેને વીશે લાંબું બળવાન ભાષણ કર્યું.

સરસ્વતીચંદ્ર શેઠે ક્‌હેલી ઘણીક બાબતોનો મર્મ ન સમજ્યો, ઘણી બાબતો નવાઈ ભરેલી લાગી, ગુમાનનો પ્રતાપ પૂર્ણ કળી ગયો, પોતાની સ્થિતિ જોઈ લીધી, પિતાની અપ્રીતિનો પૂર્ણ આવિર્ભાવ અનુભવ્યો, અન્યાયની હદ જોઈ મૂર્ખતાનું શિખર નજરે પડ્યું, ઉત્તર વાળવો પુત્રધર્મ વિરુદ્ધ જણાયો, શબ્દ પણ બોલવો નિષ્ફળ લાગ્યો, અને પોતાની મનોવૃત્તિ દેખાડવી એ પોતાના પદના ત્યાગ જેવું ધારી નીચું જ જોઈ રહ્યો, મ્હોંને બંધ જ રાખ્યું, પિતાની મૂર્ખતા ઉપર વિચાર પણ ન કર્યો, અને માત્ર “હવે મ્હારે શું કર્ત્તવ્ય” તેના સંકલ્પવિકલ્પની સૄષ્ટિમાં ડુબી ગયો. અા સમાધિમાં શેઠના શબ્દ નીકળવા છતાં તેના કાનની બ્‍હાર ઉભા. તેના ગાલ ઉપર શેરડા પડ્યા, કપાળપર પરસેવો વળ્યો, બંડી ભીંની થઈ ગઈ શરીરે પળે પળે રોમાંચ અને કંપ અનુભવ્યો, અાંખો મીંચાયા જેવી થઈ ગઈ મન ખેદમય બન્યું, મસ્તિક ગુંચવારામાં પડ્યું, પેટમાં અાંકડી અાવી, અાંકડી ગણકારી નહી, અને સર્વને અંતે અાંખની કીકી અને પોપચું તે બેની વચ્ચે પાણી ભરાયું, તેમાંથી એક ટીપું પડ્યું, અને તે કોઈએ દીઠું નહી. શેઠની જીભ આખરે થાકી પોતાની મેળે જ બંધ પડી, અને એટલામાં “અાફીસ” અાવતાં શેઠ ભભકાભેર શિક્ષા કરનાર ન્યાયાધીશની ઢબથી ઉતર્યા, અને તરત જ ઉંઘમાંથી જાગ્યો હોય એવો પુત્ર ધીમે રહી ઉતરી પાછળ ગયો. આજ એ કોઈનો ન હતો. તેનું માથું ફરી ગયું.

અાફીસમાં જઈ તરત ચીઠ્ઠી લખી ઘૂર્તલાલને બોલાવ્યો. અાખો દિવસ તેને અાફીસની હકીકતથી વિદિત કરવામાં ગાળ્યો. દિવસને અંતે પિતા પાસે ધૂર્તલાલને લેઈ ગયો અને ધૂર્તલાલને મ્હોડે જ પિતાની ફરી ગયેલી વૃત્તિને અનુકૂળ સંતોષ આપે એવો ઉત્તર દેવડાવ્યો, બીજે દિવસે અાફીસમાં જઈ પોતાના હાથમા જે જે વસ્તુઓ હતી તે પિતાને દેખાડી. શેઠને કાંઈક અનુકુળ નવાઈ લાગી અને પુછયું કે આ બધી શી ગરબડ છે ? પુત્રે ઉત્તર દીધો કે “કાંઈ નહીં, સહજ જ.” સાંઝે પિતાની સાથે ઘેર ગયો અને “હું આજ વાલુકેશ્વર બંગલે ખાવાનો તેમ જ સુવાનો છું ” કહી નીકળ્યો. ઘરમાં નિત્યના જેવો માણસોનો તથા કામનો ગરબડાટ હતો તેપર ઉદાસીનવૃત્તિ થઈ ગઈ અને દીવા થતાં બે ઘોડાની ફાઈટનમાં નીકળ્યો. રસ્તે જતાં ચંદ્રકાંતને સાથે લીધો. ચેાપાટીના રસ્તાપર સમુદ્ર પરથી આવતી ભીની ઉત્સાહક પવનની લ્હેરોથી તે શાંત થયો નહી. પાસેના કાળા ડુંગરો ઉપર દ્રષ્ટિ કરતાં અદ્દભુત વૃત્તિ તેણે અનુભવી નહીં. મિત્રની સાથે આખો રસ્તો વટાવતા સુધી કાંઈ બોલ્યો નહી. ટેકરી પર ધીમે ધીમે ઘોડા ગાડીને જોરથી ખેંચતા ચ્‍હડતા હતા. વખતે કોણ જાણે અકસ્માત કે કોણ જાણે કાંઈ કારણથી શિથિળ થયેલો સરસ્વતીચંદ્ર મિત્રના શરીર પર પડી ચમક્યો હોય તેમ સજજ થયો. રસ્તે ચાલતા હવા ખાતા ચિત્રરંગી લોકવર્ગ ઉપર, ગાડીઘોડાઓ ઉપર, હાડકાંના ભાગલા શેઠીયાઓ ઉપર, સંસારનાં નિ:સ્પૃહી આનંદી બાલકો ઉપર, પત્થરોપર બેઠેલી મિત્રતા ઉપર, ન્હાની ગુટકો ઝાલી બડબડી બંદગી કરતા ઘડીક પવિત્ર થતા પારસીઓ ઉપર, ઘોડા દેાડાવતાં પરપ્રમત્ત યુરોપિયન દમ્પતીયો ઉપર; કશા ઉપર સરસ્વતીચંદ્રે દ્રષ્ટિપાત કર્યો નહી. કોલાબાની દીવાદાંડી અને વાલુકેશ્વરની અણીની વચ્ચે . આથમતા ગરીબડા સૂર્યને કાંઈ પુછતો હોય, ફીણ ઉરાડતા ગર્જતા અનાદિ લાગતા સમુદ્રપર છેટે કોઈ પ્રદેશ જોતો હોય, વિશાળ આકાશમાં ઉતરતા અંધકારને માપી લેવા ઇચ્છતો હોય, તેવો તે દેખાતો હતો. એમ કરતાં કરતાં બંગલો આવ્યો, પાણીદાર ઘોડા ખોંખારા કરતા અંદર વળ્યા, ચાબુક વીંઝાતી બંધ થઈ વાડીમાંની લીલોતરી અાંખનો સત્કાર કરવા યત્ન કરવા લાગી, ગાડીનાં ચક્ર નીચે કચરાતી હતી તે કઠણ ન્હાની કાંકરી ગાડીમાં બેસનારના અભિમાન અને પ્રમાદને ભેદી તેના કાનમાં ફરીયાદીનો શબ્દ મોકલવા માંડી, એટલામાં ગાડી દ્વારમાં પગથીયાં અાગળ અાવી ઉભી અને બેસનાર ઉતર્યા. તરત જ નવા કરાવેલા ખંડમાં ગયા. સામી કુમુદસુંદરીની છવિ હતી. ચદ્રકાંતને ખભે હાથ મુકી સરસ્વતીચંદ્ર ઘડીક તે છવિ જોઈ ૨હ્યો, છવિની પાસ ગયો, પાછો આવી મિત્રને ગળે બાઝી એક કીનખાબી ગાદીવાળા કોચપર જોરથી તેને બેસાડ્યો અને તેના ખભા ઉપર માથું મુકી ન્હાના બાળક પેઠે રોયો ! રોયો નહી પણ રોયો ! ચંદ્રકાંત ચમક્યો, મિત્રને ઉઠાડી, સામું જોઈ ધીરજ આપી: "ભાઈ ભાઈ – આ શું ? ધૈર્ય રાખો ! શું છે આ ?”

“ચંદ્રકાંત ! ચંદ્રકાંત ! કાંઈ ક્‌હેવાનું નથી. ધૈર્ય જ છે. શું હોય ! કાંઈ નથી?”

“ત્યારે આ શું ?” ચંદ્રકાંતનું હૃદય ઓગળ્યું અને ધડકવા લાગ્યું.

"કહીશ.”

પોતાની મેળે જ અાંખો લોહી પિતાની સાથે બનેલા સર્વ વર્તમાન ધીરજથી કહી બતાવ્યા. પોતે ધૂર્તલાલને સર્વ સોંપી દીધું તે પણ કહ્યું અને એકદમ હૃદય કઠણ થઈ ગયું હોય એમ ટટાર થઈ બેઠો.

“ચંદ્રકાંત, મ્હારું મન આજ આટલું નિર્બલ ઘડીક થયું તેથી મને ઘણી શરમ આવે છે. પણ શું કરું ? હું છેક અામ ન્હોતો જાણતો. હશે. ઈશ્વરને ગમ્યું તે ખરું."

“ભાઈ શા વાસ્તે આમ કરો છો ? તમારો દોષ નથી. પણ તમે , આ ઉતાવળ કરી તે ઠીક ન કર્યું.”

“ચંદ્રકાંત, પિતાનું દ્રવ્ય અાજથી મ્હારે શિવનિર્માલ્ય છે !”

“ શાંત થાઓ. એમ શું બોલો છો ? કાંઈ તમારે સારું માર્ગ નથી . એમ તો નથી ?"

“ના, ના, તે માર્ગ નથી જોઈતો મ્હારે. માર્ગ ન હોય તે ત્યાગ । કરે એ તો व्रुध्धा नारी पतिव्रता. પિતાના મનમાં એમ જ આવ્યું કે હું દ્રવ્યને લીધે જ એમનો સંબંધી છું. હવે એમને મ્હારી ચિંતા નથી - મ્હારો વિશ્વાસ નથી. ભલે ચિંતા નથી તો સારું છે. અવિશ્વાસ હું દૂર કરીશ. એ સર્વ દ્રવ્ય હું ગુમાનબા અને ધનભાઈને આપી દેઉ છું. ઈશ્વર એ દ્રવ્ય તેમના હાથમાં અચલ રાખો. મ્હારે મન નિર્ધનતા કઠણ નથી.”

" જાઓ, જાઓ, એમ શું કરો છો ? ઈશ્વરે તમને વિદ્યા ક્યાં નથી અાપી ?"

“વિદ્યા વેચવા હું ઈચ્છતો નથી. પેટની મને ચિંતા નથી. દ્રવ્ય મ્હારે જોઈતું નથી – તે નિરુપયોગી છે. તને ખબર છે કે માત્ર પિતાના સ્નેહને વાસ્તે જ હું સંસારી હતો, અને એ સ્નેહ હવે નથી !”

“ કોણે કહ્યું કે દ્રવ્ય નિરુપયોગી છે ?” " હવે જાણ્યા, જાણ્યા ત્હારા વિચાર. દેશહિત, લોકહિત, અને આત્મહિત ત્રણે વાનાં દ્રવ્ય વિના સિદ્ધ થઈ શકે છે. પછી આપણામાં જ ખામી હોય તો કોઈ શું કરે ? ”

“ત્યારે તમે ધર્માસન આગળ ધંધો કરો. તમને ક્યાં અનુકૂળતા નથી?”

“મૂર્ખ, તને ખબર નથી કે તેનો પ્રથમથી જ મને તિરસ્કાર છે ? શું ઉદરનિમિત્તે હું અણગમતા સંસારમાં ઝબકોળાઈશ ? ”

“ત્યારે વ્યવહારનો પુરુષાર્થ શો ? ” .

“ ચંદ્રકાંત, હવે બસ કર. મ્હારે અા વાદવિવાદ નથી જોઈતો.”

" તો વગરધંધે તમે ક્યાં રહી શકો નહીં એમ છે ? એક લાખ રુપીઅા તમારા છે - લાખ રુપીઅા ડોશી આપી ગયાં છે.”

સરસ્વતીચંદ્ર ચમક્યો, ચંદ્રકાંતે ડોશીના સર્વ સમાચાર કહ્યા. સરસ્વતીચંદ્ર નારાજ થયો. પણ હવે ઉપાય ન રહ્યો. કુમુદસુંદરીનું દ્રવ્ય કોઈને આપવા તેને અધિકાર ન હતો.

“ચંદ્રકાંત એનું ગમે તે થાય. મ્હારે તો દ્રવ્ય જ નથી જોઈતું.” -

“તમે તો ઘેલા છો. તમારું દ્રવ્ય-તમે જુદા ર્‌હો પિતાથી. સંતોષમાં વસો, વિદ્યા વધારો, પરમાર્થ કરો, અને કુમુદસુંદરીને આનંદ આપો"

“પણ હું પિતાથી જુદા તો ન રહું. વળી વિચાર કે આ દ્રવ્ય જોઈ વિદ્યાચતુરે સંબંધ બાંધ્યો હશે. તેને કેવું થશે ? તેનાથી વિવાહ ફોક પણ નહી થાય.”

“હવે કાંઈ પરમેશ્વરને પાડે હતા તેવા શાણા, થાઓ. તેણે તમને જ જોયા છે - બીજું કાંઈ નથી જોયું.”

“પણ ચંદ્રકાંત, રંક અવસ્થાનાં સુખદુ:ખ, ગ્રહોના જેવી! નિરાધાર સ્થિતિ, સંસારના ધક્કા, નિર્ધનતાના અંધકારમાં ઢંકાયલાં ૨ત્ન, અવિદ્યાના પ્રદેશ અને એવું એવું ઘણુંક જોવાનો મ્હારો અભિલાષ છે અને આ અનુકૂળતા થઈ ગઈ છે.”

"પણ લોક શું ક્‌હેશે ?”

“ મૂઢ, અપકીર્તિ મને ભયંકર નથી. કીર્તિ અપકીર્તિ એ જુઠાં ત્રાજવાં છે, ઉંઘતાંનાં સ્વપ્ન છે, સ્વપ્નનાં સત્ત્વ છે, એ ગ્રાહ્ય પણ નથી, હેય પણ નથી. ?”

"વારું, કુમુદસુંદરીનો વિચાર કર્યો ?" "એનો વિચાર ઈશ્વરને સોંપું છું. ટુંકા પ્રસંગથી ઉત્પન્ન થયેલો સ્નેહ ટુંકા સમયમાં શાંત થશે. કોઈ સારો વર મળશે એટલે મને ભુલી જશે.”

“તમે ભુલ કરો છો. એ મુગ્ધાને તમે હાનિ પ્હોંચાડી તો અત્યંત પસ્તાશો અને ઈશ્વરના અપરાધી થશો. તમારા ચિત્તમાંથી પણ એ ખસનાર નથી.”

"મ્હારા ચિત્તની વાત હું વધારે જાણું.”

“તે જાણતા હો ત્યારે જોઈએ શું ? તમે તો માત્ર ઘેલા ઘેલા અભિલાષ કરી જાણો છો અને બીજા મનમાં ડાબી રાખે તેને બ્‍હાર ક્‌હાડી અનુભવમાં અાણવા ઈચ્છો છો. એ મૂર્ખતાનું લક્ષણ.”

“તું બહુ બોલે છે હાં !”

“હું તો બોલું છું પણ તમે બોળવા ઉભા થાવ એવા છો. બારિસ્ટર બન્યા, આટલી કીર્તિ મેળવી, આવો સ્નેહ બાંધ્યો, આટલા શ્રીમંત અને વિદ્યાવાન થયા – તે આ વિચાર તો કરો કે શું કરવા ધારો છો ! આ તો મૂર્ખતમ. બીજો કોઈ બારિસ્ટર આ દશામાં પડ્યો હોય; અને તમે તેને જોઈ શું ક્‌હો તે કલ્પો તો ખરા !”

"ત્યારે હું શું કરું ?"

“જે જે શક્તિ અને સુંદરતા તમારામાં છે તેનો સારો જયવંત ઉપયોગ કરો, એ જ ! આમ જોગી જેવા બાયલા બની સંસાર દુસ્તર છે માટે તરવું નહીં એવો વિચાર ન કરો; પાછળ અમને શું થશે તે વિચારજો.”

સરસ્વતીચંદ્ર ઉંડા વિચારમાં પડ્યો. બેઠો હતો તે કોચ ઉપર માથું ઢાળી દીધું અને અર્ધ મીંચેલી અાંખો ઘડી શૂન્ય થઈ થોડીક વાર ચંદ્રકાંતને ખભે હાથ મુકી દયામણે પણ ધીર ગંભીર અને શાંત સ્વરે બોલવા લાગ્યોઃ– “ ચંદ્રકાંત ! પ્રિય ચંદ્રકાંત ! ત્‍હારી મિત્રતાનો બદલો હું વાળી શકવાનો નથી. ધર્માધિકારીયો છેલ્લો અભિપ્રાય બાંધતાં પ્‍હેલાં પક્ષવાદ સાંભળે છે. પણ મનુષ્યના ગાંડા ઘેલા ઉતાવળા અભિપ્રાય પ્રવાહી મટી સ્થૂળઘન નિશ્ચયરૂપ થઈ જાય છે અને તે એકાંતમાં જ થાય છે તેનો પક્ષવાદ કરનાર મિત્ર વિરલ જ હોય છે. ત્‍હેં મને ઘણું કહ્યું છે, પ્રતિકૂળ પણ હિત કહ્યું છે, પણ મ્હારી વાત મ્હારા ચિત્તમાંથી ખસતી નથી.”

“ પ્રિય કુમુદ – નિર્મળ કુમુદ – એને વાસ્તે જે વચન હું સાંભળી રહ્યો – તે ખરેખર મ્હારી શક્તિ ઉપરાંતનું કામ મ્હેં કર્યું છે. ગમ ખાધી. પણ મ્હારા અંતઃકરણમાં જે ઉંડો ઘા એ વચનથી પડ્યો છે તે રુઝતો નથી - ખમાતો નથી.” “ પિતાપ્રતિ મ્હારો ધર્મ હું જાણું છું. પણ તે ધર્મને શરણ થઈ પત્ની- પર જુલમ કરવો એ મ્હારો ધર્મ છે એમ મ્હારાથી કદી પણ સમજાય એમ નથી. પત્ની પોતાનાં માતાપિતાપ્રતિ પોતાના ધર્મના કરતાં પત્નીધર્મને કેવળ વશ થાય છે; અને માતા પિતા ખરાં – પણ 'પતિ પ્‍હેલો' એ શાસ્ત્રશાસનને સ્વીકારે છે. પતિનો પતિધર્મ શું જુદી જાતનો છે ? જો કોઈ પણ શાસ્ત્ર એમ ગણતું હોય કે માતાપિતાનો મીજાજ જાળવવા પત્નીપર જુલમ કરવો - તેને અશરણ કરી દેવી – તો તે શાસ્ત્ર મ્હારે માન્ય નથી. એક અાંખે માતાપિતા જોવાં અને બીજી અાંખે પત્ની જોવી – અથવા તો એની એ બે અાંખોયે બેને જોવાં એ પતિધર્મ હું માન્ય ગણું છું.

“प्रेयो मित्रं बन्धुता वा समग्रा
"सर्वे कामा: शेवधिर्जीवितं च
"स्त्रीणां भर्ता धर्मदाराश्च पुंसाम् ॥ [૧]

"આ ઉત્તમ વચન મ્હારે માન્ય છે. પરણ્યા પછી સ્ત્રીને લેખામાં ન ગણે, તેને નિરાધાર બનતી જોઈ બળે નહી, અને કેવળ અમારી આજ્ઞામાં જ ર્‌હે એવો પુત્ર ઈચ્છનાર પિતાએ પુત્રને પરણાવવો જ નહી એ ઉત્તમ છે. હું એવો પુત્ર હઉં એમ જોવા પિતા ઈચ્છે છે તે લગ્ન પ્‍હેલાં મ્હેં જાણી લીધું તે હું મ્હારું મ્હોટું ભાગ્ય સમજું છું. લગ્ન પછી જાણ્યું હત તો હું એમની ઈચ્છા પુરી ન પાડી શકત અને તેથી એમને અને મને ઉભયને નિરુપાય ખેદ થાત.”

“લગ્નથી મ્હારે અને કુમુદને સગપણ થાય, પણ પિતાને શું ? પિતાને મન હું પુત્ર, પણ કુમુદ એમને મન શા લેખામાં ! ચંદ્રકાંત ! અા કારણનું કાર્ય અસહ્ય થાય તે જોવા હું ઈચ્છતો નથી. કુમુદ મ્હારા ચિત્તમાંથી ખસવાની નથી – એના હૃદયનું લાવણ્ય મ્હારા મસ્તિકને ઘેલું બનાવી મુકે છે તેમ જ સદૈવ બનાવશે: એનાથી છુટાં પડતાં મને અસહ્ય વેદના થશે તે સારી રીતે જાણું છું. કુમુદને પણ વેદના થશે. પણ મ્હારે મન પિતા ખરા અને તે ખરા જ ર્‌હે એટલા માટે હું લગ્નપ્રસંગ નહી આવવા દઉં, પિતાને ખાતર હું દુ:ખ સહીશ, બીજાને પરણી કુમુદ મને કાળક્રમે ભુલશે. મને પરણી આ કુટુંબમાં અાવી તે સુખી નહી થાય, તેને કોઈ નીરાંતે બેસવા નહી દે - માટે...”


  1. ૧. સ્ત્રીને મન પતિ, અને પતિને મન ધર્મદારા પરસ્પરના અતિપ્રિયમિત્ર, સગામાં સગાં સર્વ ઇચ્છારૂપ, ઉત્તર દ્રવ્યના ભંડારરૂપ અને (બીજુંતો પછી પણ) જીવિતરૂપ છે.–માલતી માધવ.

એટલું બોલતાં બોલતાં તે ગળગળો થઈ ગયો. વળી સજજ થઈ બોલ્યો:–

“તું કહીશ કે તમે જુદા ર્‌હો અને કુમુદ સુખી થશે. પણ એટલું શાને જોઈયે ? પિતાથી જુદાં વસવું – તેમની દ્રષ્ટિયે પ્રતિસ્પર્ધી જેવા લાગીયે – એ તો કલ્પના પણ દુઃખકર છે. વધારે દુઃખકર એટલા માટે કે એથી પિતા દુ:ખી થાય અને તેમની જ અપકીર્તિ થાય તે મ્હારે જોવી પડે. એમનું સુખ એ મ્હારું લક્ષ્ય છે.”

"પ્રસિદ્ધપણે જુદો રહું તેના કરતાં અપ્રસિદ્ધતામાં લીન થાઉં તો કાંઈ હરકત નથી. એથી કાંઈ અપકીર્તિ થશે તો મ્હારી જ થશે અને તેનો મને ડર નથી. મ્હારી ખોટ ધનભાઈથી સપુત્ર પિતાને પડનાર નથી. ગુમાનબાને મનથી ફાંસ જશે. પિતા સ્વસ્થ થશે. મ્હારાપર પ્રીતિ નથી એટલે પિતાને વિયોગદુઃખ થવાનું નથી. આટલા શ્રીમંત એમને જોઈને જાઉં તો એમની બાબત હું નિશ્ચિત રહીશ.”

“મ્હારા મનમાંથી તો એ ખસવાના નથી. પણ કુમુદ વિસરાવાની નથી તે એક દુ:ખ છે તો આ બીજું ? તું પણ ક્યાં વિસારે પડે એમ છે ! ચંદ્રકાંત, પણ તું તો વ્યવહારજાળમાં લપટાયલો ૨હીશ. અને તેમાં તથા દેશસેવામાં ગુંથાતાં મને સંભારવાનો અવકાશ નહી મળે – પણ પિતાને કદીક સાંભરી અાવું તો તેમને આશ્વાસન આપજે, હોં ! તને પણ સાંભરીશ પણ વિદ્યાનો ઉપયોગ મને વિસારવામાં કરજે ! ચંદ્રકાંત, પિતાની સંભાળ રાખજે ... મને તું પણ સંભારજે–”

ચંદ્રકાંતનું અંતઃકરણ નરમ થઈ ગયું: તેનું હૃદય ભરાઈ આવ્યું. મિત્રનો હાથ ઝાલી બોલ્યો –“ શું મિત્ર, આમ શું કરો છો ? હું ધારું છું કે તમે બોલો છો એટલા નિર્દય નહી થાઓ.”

ચંદ્રકાંત વ્યાવહારિક દ્રષ્ટિવાળો હતો. બીજી વાતમાં મિત્રને નાંખવાથી તેના તરંગ શાંત થશે એમ ધારી ચાલતી વાત ભુલાવી બીજી વાતો ક્‌હાડી. સરસ્વતીચંદ્ર શાંત થયો લાગ્યો અને રાત્રિના અગીયા૨ વાગે બે મિત્રો જુદા પડ્યા - જુદા પડતાં પડતાં પાછળ સરસ્વતીચંદ્ર : દોડ્યો અને ચંદ્રકાંતને એક પેટી આપી કહ્યુંઃ “ચંદ્રકાંત, અા અત્યારે ત્હારી સાથે લેઈ જા. એ વીશે કાંઈક સૂચના મ્હારે તને પ્રાત:કાળે કરવાની છે."

“મિત્ર, મને એમ થાય છે કે આજ હું અંહીયા જ સુઉં.”

“ના, ના, ગંગાભાભી મને બે ઘડી શાપ દે.”

“ના, નહીં દે. પણ મને તમારા ચિત્તનો વિશ્વાસ પડતો નથી.” સરસ્વતીચંદ્ર હસ્યો: “ જા, જા, બહુ વ્હેમી ન થવું. મન જ નિરંકુશ થશે તો અંહી રહી તું શું સાચવશે ? જો પેટી સંભાળજે હોં !"

"તમે સાહસિક છો તે ચિંતા.”

"જા. જા, હવે.”

"પણ જોજે હોં !”

“ઠીક, મને પ્રાત:કાળે તેડવા ગાડી મોકલજો.”

ગાડીમાં બેસી પેટી લેઈ ચંદ્રકાંત ગયો, પેટીવીશે પ્રાત:કાળે સૂચના થવાની છે જાણી તે નિર્ભય બન્યો. પ્રાતઃકાળ થયો. સાત વાગ્યા, અાઠ વાગ્યા, પણ ગાડી આવી નહીં. તેના પેટમાં ફાળ પડી. ભાડે ગાડી કરી બંગલે ગયો. બંગલે માળી વિના કોઈ મળે નહી. માળી કહે, “ભાઈ ગાડીમાં બેસી ચોપાટીપર મળસ્કાના ફરવા ગયા છે.” ચંદ્રકાંતે ચોપાટી પર ગાડી દોડાવી. મુંબાઈના નાગરિકોનું ચોપાટી એ પ્રિય સ્થાન છે. અર્ધે સુધી સમુદ્રતટ અને તેની જોડે બાંધેલો રસ્તો છે. અાગળ ચાલતાં “રેલવે” ની સડકનું “ક્રોસિંગ” અાવે છે તે ઓળગતાં “ચર્નીરોડ” સ્ટેશન છે. સ૨સ્વતીચંદ્રની ગાડી ચંદ્રકાંતને સમુદ્રતટપર ઉભેલી મળી. ગાડીવાન ક્‌હે “ભાઈ અાગળ પગે ફરવા ગયા છે. પણ ક્યારના પાછા ફર્યા નથી. મને આ ચીઠી અાપી છે ને કહી ગયા છે કે ત્‍હારી પાસે રાખી મુક, ઘેર જઈ ચંદ્રકાંતને આપવાની છે.”

ચંદ્રકાંતનો જીવ ઉડી ગયો. ચીઠી લેઈ વાંચી.

“ પ્રિય ચંદ્રકાંત !

તું મને શાંત કરીને રાત્રે ગયો હતો. હું શાંત થયો હતો જ. ૫ણ અાખી રાત મ્હેં વાડીમાં ફર્યા કર્યું છે. ઘણા વિચાર કર્યા આખર મ્હારો વિચાર ખરો લાગ્યો અને તે પ્રમાણે કરું છું.

“ત્‍હારી પાસે પેટી છે તે ત્હારી પાસે રાખજે. તેમાંના સામાનની યોગ્ય વ્યવસ્થા કરજે. મ્હારે તેનો સંબંધ નથી. પિતાજીને મળજે – સાથેનો પત્ર તેમને આપજે અને યોગ્ય લાગે તે તેમને ક્‌હેજે – તેમને દુઃખ થવા દેઈશ નહી.”

"મ્હારા વિયોગનો શોક કરીશ નહીં. મૃત્યુ પાછળના અંધકારમાં એકલાં પ્રવાસ કરવા પ્રાણીમાત્ર નિર્માયલાં છે. મૃત્યુ પ્‍હેલાં જ અંધકારમાં ફરવું એ મૃત્યુને માટે સજ્જ થવા જેવું છે. માયાનો જુઠો પ્રકાશ મુકી અાવા નિમિત્તે હું આ અંધકાર શોધું છું તે રજ પણ શોચનીય નથી.”

“હું તને નહી ભુલું. પ્રસંગે ફરી પ્રત્યક્ષ કે પરોક્ષ રહી જણાઈશ. હું તને છોડું, પણ હૃદય કેમ છોડશે ?” મ્હારો શોધ કરીશ નહી. ગંગાભાભીને આશ્વાસન આપજે – હું તેમને ભુલી શકનાર નથી.

૨હી ઓછુંવત્તું વિષય સઉ જાશે તજી મને,
તજું હું તેને તો, પ્રિય સુહૃદ, ના દોષ કંઈ એ.[૧]
જશે મેળે જયોત્સના ઉડ્ડુગણ જશે, રાત્રિય જશે,
કલેન્દુ[૨] સાંઝે એ નીરખી ઉગતાં આથમી જતો.

સ્નેહથી બંધાયલો તું મને છુટવા ન દેત જાણી સાહસ કરી છુંટું છું.

લી. નામે સરસ્વતીચંદ્ર – બીજું શું કહું ?”


ઉંડો નિઃશ્વાસ મુકી, કપાળે હાથ દઈ, વ્હીલો પડી જઈ, ચંદ્રકાંત લક્ષ્મીનંદનપરનો કાગળ વાંચવા લાગ્યો.

“ પ્રિય પિતાજી,

આપને સુખનો માર્ગ હું ખુલ્લો કરી આપું તેમાં અપરાધ તો નથી તે છતાં અપરાધ લાગે તો પિતા પાસે ક્ષમા માગતાં પુત્ર નિરાશ નહી થાય.?

ધૂર્તલાલને સૂત્રયંત્રનું સર્વ કામ આપની ઈચ્છા પ્રમાણે બતાવી કાર્યનો સમસ્ત ભાર તેમને સોંપી સર્વ પદાર્થ આપને બતાવી દીધા છે.

બ્રહ્માને ઘેર કોઈની ખોટ નથી. મ્હારી ખોટ પડવાનું અાપને કારણ નથી. ધનભાઈથી આપને સર્વ સંતોષનું કારણ મળે એ ઈશ્વરપ્રાર્થના છે. અાપનું સમસ્ત દ્રવ્ય તેના ક૯યાણ અર્થે યોગ્ય લાગે તેમ રાખો. અાપને હું કોઈ પ્રસંગે સાંભરી આવીશ તો એ જ મ્હારે મન દ્રવ્ય છે.

મ્હારે માનસિક વૈરાગ્ય લેવામાં આપની ચિત્તવૃત્તિ પ્રતિકૂળ નહી થાય એવો નિશ્ચય થવાથી હું તે સ્વીકારું છું અને સંસાર-સાગરને અદ્રશ્ય તળીયે જઈ બેસું છું. સંન્યસ્તારંભે કોઈને જણાવવાની જરુર નથી લાગતી. જનાર 'જાઉ છું' ક્‌હેવા ર્‌હે એમ હોતું નથી. ગુમાનબાને આજ સુધીમાં હું નિર્દોષ છતાં મ્હારો દોષ વસ્યો હોય તો ક્ષમા અપાવશો.

મ્હારા જવાથી આપના રોષનું સર્વ કારણ જતું ર્‌હેશે. મ્હારી ચિંતા કરવાનું આપને કારણ નથી. વિદ્યાચતુરના કુટુંબની પરીક્ષામાં અાપ છેતરાયા એ શલ્ય અાપના ચિત્તમાંથી હવે નીકળી જશે. આપની નિશ્ચિતતા હવે અમર રહો !”


  1. ૧. ભર્તૃહરિ ઉપરથી
  2. ૨. કલારૂપી ચંદ્રઃ એક કળા ધરનાર ચંદ્ર

“પિતાજી, હવે મ્હારી ચિંતા કરશો નહીં, મ્હારી પાછળ ખેદ કરશો નહીં. સર્વ કોઈ મોડું વ્હેલું જવાનું છે અને તે પાછું ન મળે એવું થવાનું છે. - ચંદ્રબા ગઈ તેમ હું જાઉ છું. એ એક દિશામાં ગઈ. હું બીજીમાં જાઉં છું. એ સ્મરણમાંથી ખસી તેમ મને ખસેડજો. સંસારમાં ડાહ્યા માણસોનો માર્ગ એ છે કે ગયેલું ન સંભારવું. પિતાજી, હવે તો

“ સુખી હું તેથી કોને શું ?
“ દુખી હું તેથી કોને શું ?    ૧
“ જગતમાં કંઈ પડ્યા જીવ,
“ દુખી કંઈ, ને સુખી કંઈક !     ૨
“ સઉ એવા તણે કાજે
“ ન રોતા પાર કંઈ આવે !      ૩
“ કંઈ એવા તણે કાજે,
“ પિતાજી, રોવું તે શાને ?      ૪
“ હું જેવા કંઈ તણે કાજે,
“ પિતાજી રોવું તે શાને ?     ૫
“ નહી જોવું ! નહીં રોવું !
“ અફળ આંસું ન ક્યમ લ્હોવું ?     ૬
“ ભુલી જઈને જનારાને,
" રહેલું ન નંદવું શાને ?     ૭
" સુખી હું તેથી કોને શું ?
“ દુખી હું તેથી કોને શું ?      ૮

પિતાજી, બીજું શું લખું ? મ્હારા ગયાથી આાપના ઘરમાં હું શીવાય કંઈ ચીજ ઓછી થઈ લાગે તો ચંદ્રકાંત આપશે. તેને ક્‌હેજો.”

“ લા. હવે તો આપના ચિત્તમાંથી પણ
“–આપને સુખી કરવા સારુ જ – ખસી જવા ઈચ્છનાર
     “ સરસ્વતીચંદ્ર"







બે કાગળો વાંચી શોક-સાગરમાં પડી, માથે હાથ દઈ ચંદ્રકાંત સમુદ્રતટ પરના એક પત્થર ઉપર બેઠો. સરસ્વતીચંદ્રના ગાડીવાળાને કહ્યું કે “ જા અને ત્હારા મ્હોટા શેઠને ખબર કર કે ભાઈ તો ગયા.” ગાડીવાળો ચમક્યો: “ હેં ક્યાં ગયા ?”

“તે તો કોણ જાણે. જા, જઈને ક્‌હે કે કંઈક પરગામ ગયાં.”

“કાગળમાં શું લખ્યું છે ?”

“એ જ.” ગાડીવાળે વિચારમાં પડી ઘોડાની લગામ લીધી અને ગાડી સાથે ચર્નીરોડ સ્ટેશન આગળનાં ઝાડો પાછળ અદૃશ્ય થઈ ગયો. ચંદ્રકાંત ઉઠ્યો, ભાડાની ગાડીમાં બેસી સ્ટેશન પર જઈ પોતે તપાસ કરી, પણ કોઈએ પત્તો ન આપ્યો. સ્ટેશન માસ્ટર્, ટીકૅટ માસ્ટર્, સર્વે એની આસપાસ ગુંચળું વળી ભરાયા, મેલ અને પેસેંજર ટ્રેનની ટીકૅટોની જાવક જોઈ પણ કાંઈ સમજાયું નહી. નિરાશ બની ચંદ્રકાંત ઘેર ગયો. ત્યાં એકલો શયનગૃહમાં બેઠો, લેખનપીઠ (ટેબલ) પર માથું મુકી અશ્રુપાત ખાળી ન શકાતાં તેને રોકવો છોડી દીધો, ગંગાને સમાચાર કહ્યા, એક દુઃખનાં બે ભાગીયાં થયાં. અને આખરે આંસુ લ્હોઈ શું કરવું તેના વિચારમાં એ પડ્યો અને ગંગા આગળ હૃદય ઉઘાડું કરવા માંડ્યું.

“શું કરું ? અ-હં-હં-હં ! ગયા જ ! સરસ્વતીચંદ્ર, આ શું સુઝયું ? શેઠના ઉપર રોષ ચ્હડે પણ મ્હારા ઉપર શું ? ગરીબ બીચારી કુમુદસુંદરીની શી વ્હલે થશે ? હું ક્યાં શોધું ? અપ્તરંગી માણસનો ભરોસો જ નહી – હેં ? ”

વાયે વાત ચલાવી અને ઘડીમાં સર્વ સમાચાર લોકવિદિત થઈ ગયા. એટલામાં લક્ષ્મીનંદનનો ગુમાસ્તો ચંદ્રકાંતને બોલાવવા આવ્યો. ચંદ્રકાંતે શેઠ ઉપરનો કાગળ ફરી વાંચી જોયો. “આપનું સમસ્ત દ્રવ્ય તેના (ધનનંદનના) ક૯યાણ અર્થે યોગ્ય લાગે તેમ રાખો” એ શબ્દો જોયા. કાગળ શેઠને તરત તો ન આપવો એ વિચાર કરી ઉઠ્યો અને શેઠને ઘેર ગયો.

ગાડીવાને શેઠને સમાચાર કહ્યા તે વખતે ગુમાન અને ધૂર્તલાલ પાસે બેઠાં હતાં. સમાચાર સાંભળી ગુમાન ઝંખવાણી પડી ગઈ અને શેઠ બ્હેબાકળા બની ગયા. ધૂર્તલાલે ગુમાનના કાનમાં સૂચના કરી “જોજે, કાંઈ ગોટો વાળી ન ગયો હોય !- પાકો છે.” ગુમાનને જોર આવ્યું ને બોલી ઉઠી “ઘરમાં બધી તપાસ કરાવો.” શેઠ બોલ્યા, “ઘરમાં શાની તપાસ કરાવે - પરગામ જાય તેની ઘરમાં શી તપાસ કરાવે ?”

“જુવો, ભાઈ કાંઈ કીકલા નથી.આ તો બધાંને ડરાવવાને વેશ ક્‌હાડ્યો. કોણ જાણે ક્યાં ભરાઈ પેંઠા હશે અને આપણી પાસે શોધાશોધ કરાવી મુકશે. બે લાખ રુપીઆનો ધણી નાશી જાય નહી. ભલું હશે તો સસરાને કે વહુને મળવા ગયા હશે. પણ ઘરમાં ગોટો ન ઘાલ્યો હોય તેની તપાસ પ્હેલી કરો. આ તો મ્હારા ભાઈને તમે ઘાલ્યો તે ક્‌હડાવાની યુક્તિ. પણ આપણે યે એટલું તો સમજીએ. નાકે છી ગંધાતી નથી.”

રાતીચોળ આંખ કરી શેઠ શેઠાણીના ભણી જોઈ રહ્યા અને આખરે બોલ્યાઃ “જો આજ હું ત્હારો નથી, હોં ! ત્હારા પેટમાં ન બળે પણ મને તો બળે."

આ નાટક ભજવાતું હતું અને કણકની પેઠે શેઠને કાંઈક નરમ કરી દેવામાં ગુમાન ફાવી શકી એટલામાં ચંદ્રકાંત આવ્યો.

શેઠ ઉઠ્યા અને એક એકાંત ખંડમાં ચંદ્રકાંતને લઈ ગયા. ગુમાન પાછળ આવી. શેઠે તેને બારણે ક્‌હાડી બારણે સાંકળ દેઈ પાછા આવી ચંદ્રકાંત પાસે બેઠા. તેમનું હૈયું ભરાઈ આવ્યું. પુત્રના ગુણ સાંભરી આવ્યા. ધૂર્તલાલને તથા પોતાને હવાલો સોંપી દેવામાં તેણે જે ઉતાવળ કરી હતી તે સાંભરી આવી, પોતે તેને કઠન વચન કહ્યાં એમ લાગવા અને સાલવા માંડ્યું.

“ચંદ્રકાંત, તું બધું જાણતો હઈશ - હા - ત્હારા મ્હોં ઉપરથી લાગે છે - તને ખબર હશે – મને ક્‌હે – આ એને શું સુઝયું ? એના વિના હું ઝેર ખાઈશ, હોં” શેઠે ટેબલ ઉપર માથું કુટ્યું. ચંદ્રકાંત શેઠને ત્હાડા પાડ્યા. ડોશીવાળો લેખ કેમ થયો, તે લેખ કરવામાં સરસ્વતીચંદ્રે કેવી હરકત કરી હતી અને લેખની બાબતમાં તે કેવો અજાણ્યો હતો, શેઠના જ વચનથી તેના મનમાં કેટલું ઓછું આવ્યું હતું, ઈત્યાદિ સર્વ વાત કહી. વાત કરતાં કરતાં સરસ્વતીચંદ્રવાળો કાગળ હવે આપવો કે નહી તે વિચાર કર્યો. ન આપવો તે અપ્રામાણિક લાગ્યું. આપ્યા પછી પાછો માંગવો તે ઠીક ન લાગ્યું. આપતાં હરકત એ કે ચિત્ત ફરી જતાં શેઠ એ કાગળને ફારકતીરૂપ ગણી દે અને વહુની રીસ અને સાસુનો સંતોષ થઈ જાય – તેનું શું કરવું એ વિચાર થયો, અંતે “જોઈ લેઈશું” કરી કાગળ શેઠના હાથમાં મુક્યો. ભેાજે લોહીના અક્ષર મોકલ્યા તે વાંચી મુંજને થયો હતો તેવો જ વિકાર કાગળ વાંચતાં શેઠને થયો. ખરી વાત જાણ્યાથી, પુત્રની નિર્મળ વૃત્તિ અનુભવ્યાથી, આંખમાં ખરખર આંસુ ચાલવા માંડ્યાં, ગુમાન અને ધૂર્તલાલ ઉપર તિરસ્કાર અને ધિક્કારની વૃત્તિ થઈ અને કાગળ એક - પાસે મુકી દીન વદનથી ચંદ્રકાંતને ક્‌હેવા લાગ્યા; “ચંદ્રકાંત, ભાઈને બતાવ, તું જાણે છે – ગમે તે કર, ભાઈને આણ, નહી ચાલે.” ચંદ્રકાંતે કાગળ હાથમાં લઈ લીધો અને ફાડી શેઠના દેખતાં જ ચીરા ઉરાડવા માંડયા અને લાંબા ચીરા કરી પાછા તેના કડકા કરતાં કરતાં બોલ્યોઃ

“શેઠ, મ્હેં કહ્યું કે મને ખબર નથી તે સાચી વાત છે.” કાગળ ફડાતો શેઠે દીઠો, પણ સર્વ વ્યાપારરોધી ચિત્તવિકાર મનોવ્યાપી[૧] થઈ જવાથી


  1. Absorbing
તે વીશે વિચાર ન કર્યો, પ્રશ્ન ન પુછ્યો. ચંદ્રકાંત ઉકળતા હૃદયમાંથી

ઉભરા ઉપર ઉભરા ક્‌હાડી બાકી ન રહે એમ ડરવગર બોલવા લાગ્યો અને કાગળના ચીરા કર્યા તેમ જ શબ્દે શબ્દથી શેઠના પસ્તાતા અંતઃકરણના ચીરા કરવા લાગ્યોઃ

“શેઠ આપ તો મ્હોટા માણસ છો. પણ આપણાથી ન્હાનાં માણસ હોય તેની ચિંતા પણ કરવી જોઈયે. પુત્રને પરણાવવા ઈચ્છો તો પરણનાર જોડું એક બીજા પર પ્રીતિ વધારી સુખી થાય તે પણ આપે જ ઈચ્છવું જોઈયે. નિર્મળ કુમુદસુંદરી પર આરોપ મુકી પુત્રના હૃદયમાં કટાર ખોસ્યા જેવું કર્યું – તેની વેદના એ દમ્પતીને હવે કેટલી થશે તે ઈશ્વર જાણે ! વરકન્યાની પ્રીતિ વધે ને માબાપથી ન ખમાય એ તો વિપરીત જ. પણ આપ શું કરો ? ઈશ્વરનું કર્તવ્ય એવું જ. અપર માના હાથમાં ગયેલા પિતાનો પુત્ર સુસ્થ રહ્યો સાંભળ્યો નથી. ખરી વાત છે કે છોકરાં કરતાં સ્ત્રી વધારે હોય જ. સરસ્વતીચંદ્ર કેટલો નિર્દોષ છે તે આપના મનમાં શાનું વસે ? પિતાની મ્હારા પર પ્રીતિ નથી એ વિચારે તેને ઘેલો બનાવી મુકયો અને ઘર છોડી તે ગયો ! બે ઘોડાની ગાડીમાં બેસનારો, બૂટ મોજાં વિના ન ચાલનારો, આપની શ્રીમંતાઈનાં વૈભવમાં વસનારો – તે આજ સાધારણ વેશે નિરાધાર એકલો અપ્રસિદ્ધ કોણ જાણે ક્યાં ભટકતો હશે ? સભાઓ ગજાવનાર, વિદ્વાનોનો માનીતો, મ્હારા જેવા કેટલાક નિરાધારનો આધાર, તે આજે કયાં હશે ? શેઠ, એને ધ્રુવજીના જેવું થયું. અરેરે, કુમુદસુંદરી જાણશે ત્યારે તેને શું થશે ? શેઠ આપના ઘરમાંથી દીવો હોલાઈ ગયો. પણ આપને શું ?”

“એક વાત આપને ક્‌હેવા જેવી છે. એક બાબુ અને તેની સ્ત્રીને ઘણી પ્રીતિ હતી. એક બીજાથી તેમનાં ચિત્ત જુદાં જ ન હતાં. તેમના ઘરમાં એક થાંભલા પર ચકલીનો માળો હતો. તેમાં ચકલો ચકલી ર્‌હે અને આનંદ કરે. ચકલીએ ઇંડાં મુક્યાં અને બચ્ચાં થયા તેની બે જણ બહુ સંભાળ રાખે. એક દિવસ ચકલી મરી ગઈ ચકલે બીજી ચકલી અણી. બે જણાંએ મળી બચ્ચાંને ધકકેલી ક્‌હાડ્યાં અને ઉડવા સરખું ન શીખેલાં બચ્ચાં જમીન પર પડી મરી જાત પણ પેલી સ્ત્રીએ ઝીલી લીધાં. તેમનો વિચાર કરી તે પોતે રોવા લાગી. બચ્ચાંને છાતી સરસાં ધરી રાખે ને રુવે.”

“એટલામાં બાબુ આવ્યો. સ્ત્રીને રોવાનું કારણ પુછયું. તેણે ન કહ્યું. ઘણું કર્યું ત્યારે બચ્ચાં બતાવ્યાં, તેમનો ઈતિહાસ કહ્યો, અને બોલી – આ પક્ષિયોમાં બને તેવું જ માણસમાં પણ કેમ ના બને ? દેહનો ભરોંસો નથી અને તમારી આજ મ્હારાપર પ્રીતિ છે પણ મ્હારા પછી આ કુમળાં બાળકનું શું થશે તે વિચારથી મને રોવું આવે છે. ધણીએ ઘણું આશ્વાસન કર્યું પણ સ્ત્રીને વિશ્વાસ ન જ આવ્યો."

"પળેપળ જાય તેમ સ્ત્રી રોતી જાય અને આંસુ આંખમાં માય નહી ! 'હાય, હાય ! આ બાળકનું શું થશે ?' એ જ વિચાર ભરાયો.”

“આખરે ધણીએ કહ્યું કે ન કરે નારાયણ ને એવો સમય આવે તો છેકરાંને ક્‌હેજે કે આ થાંભલા આગળ મને આણી આ વાત સંભારી આપે – શું ત્હારી પ્રીતિ ભુલાય એવી છે ?”

“દિવસ ગયા અને બાઈ ભાગ્યશાળી તે સૌભાગ્યવતી ગુજરી ગઈ: બાબુ ફરી પરણયો. પ્રથમની સ્ત્રીથી એક છોકરો ને છોકરી હતાં.”

“નવી વહુએ હળવે હળવે કાન ભંભેરવા માંડ્યા. નવી તો ફરીયાદી કરે – છોકરાંનું ખોટું બોલે, પણ નમાયાં બાળક – તેમનાથી માનું ખોટું કેમ બોલાય – ફરીયાદી કેમ થાય ? આખરે નવીએ બાપને ભ૨વ્યો અને ક્‌હે કે આ છોકરાં ભેગાં મ્હારાથી નહી રહેવાય - ગમે તો એ કે ગમે તો હું"

“ખરું ! સ્ત્રી હોય એટલાં નમાયાં છોકરાં હોય ? છોકરાંનું તો ગમે તે થાઓ ! સ્ત્રી ક્યાં જાય ? બાબુએ બાળકને બોલાવી કહ્યું કે - મ્હારે હવે તમે નહી – બસ જાઓ.”

“છોકરાંનાં મ્હોં દયામણાં થયાં પણ દયા કોને આવે ? 'બાપા કયાં જઈયે ?' કરી વ્હીલે મ્હોયે પુછ્યું. બાપા કોના ? રાક્ષસે કહ્યું – મને, શું પુછોછો ? જાઓ ગમે ત્યાં. પડો ખાડામાં.”

"રોતાં રોતાં નિરાધાર છોકરાં બારણા આગળ આવ્યાં. દૈત્યને દયા ન જ આવી.”

“એટલામાં છોકરી જરા ડાહીલી હતી તેને માનું કહ્યું સાંભરી આવ્યું અને ભાઈને રોતી કહે 'ભાઈ, ચાલ આટલું માનું કહ્યું કરીએ.' બેજણ પાછાં આવ્યાં.”

“કેમ પાછાં આવ્યાં–જાઓ ?” “બાપે ઘાંટો કહાડ્યો.”

"બ્હીતી બ્હીતી થરથરતી બાળકી બોલી:- “બાપા, અમે જઈએ છીયે પણ માયે કહ્યું હતું કે આ વખત આવે તો બાપાને એક વાત ક્‌હેજો તે કહીયે તો સાંભળશો ?”

“દૈત્યને દયા આવી અને સાંભળવા હા કહી.”

“છોકરાંએ ચકલીની વાત અને મા રોઈ હતી તે કહી બતાવ્યું. બાપનું અંતઃકરણ ઓગળ્યું, ભૂતકાળ સાંભરી આવ્યો, આપેલું વચન મન આગળ તરી આવ્યું, છોકરાંને રોતો રોતો બાઝી પડ્યો અને ઘરમાં રાખ્યાં.”

"શેઠ આપને પણ આ બાબુના જેવું થયું છે. પણ સરસ્વતીચંદ્રને જ ચંદ્રલક્ષ્મીએ કાંઈ કહી મુક્યું નથી - તે બીચારા ગયા, અને મનાવાનો અવકાશ પણ તમારે નથી.”

“આપના મનમાં એમ આવ્યું કે એ પૈસાને લીધે આપનો સગો છે ! હવે એ સગપણ નથી. આપ એને મન બાપ છો - આપને જ મન એ પુત્ર નથી. હોય, એમ જ હોય તો !”

"શેઠ, આપના ઘરમાંથી એ ગયો તેની કાંઈ ફીકર કરશો નહી. એને સોંપેલી અને બીજી વસ્તુઓ – ઘરની સંભાળજો. ઘરમાંથી કાંઈ ગયું લાગે તો મને ક્‌હેજો. હું ભરી આપીશ. ”

“શેઠજી, જાઉં છું. આપ મ્હોટા માણસ છો. વધારે ઓછું બોલાઈ ગયું હોય તો ક્ષમા કરજો. ૨જા લેઉં છું.”

બોલતાં બોલતાં ચંદ્રકાંતે પાઘડી પ્હેરી. ઉઠ્યો, અને ચાલવા માંડ્યું.

શેઠે હાથ પકડી તેને બેસાડ્યો.

“ચંદ્રકાંત, ચંદ્રકાંત, આમ શું કરે છે ? મને એનો પત્તો આપ. ત્હેં મ્હારું ખશી ગયેલું કાળજું ઠેકાણે આણ્યું છે. હવે પુત્રવિયોગથી ફરી ખસશે તો પછી ઠેકાણે નહી આવે – હોં.”

“શેઠ, ઘરમાં છે ઠેકાણે લાવનાર. હું ખરેખર કહું છું કે મને ભાઈની ખખબ૨ નથી. મને ખબર હત તો હું આમ જવા ન દેત. હું મ્હારી મેળે હવે એને શોધાશે એટલું શોધીશ, એના જેવો થઈને આથડીશ, મરજી પડે તે કરીશ. એમાં કોઈને શું ? આપ હવે આનંદ કરો – ઘરમાંથી કાંટો ગયો - એની કનવા ક્‌હાડી નાંખો. મ્હારું હૈયું ભરાઈ આવ્યું છે - બસ હવે મને જવા દો.” શેઠનો હાથ તરછોડી નાંખી બારણું ફડાક ઉઘાડી ચાલતો થયો. ગુમાન બારણામાં પેઠી.

શેઠ ઘેલા જેવા બની લવતા હતા – “દુઃખી હું તેથી કોને શું ? હેં ! શું એમ જ ? શું તું દુઃખી તેનું મને કાંઈ નહીં ?” – “દુઃખી હું તેથી કોને શું ?" “હેં !"- "નહીં જોવું – નહી રોવું – અફળ આંસુ ન શીદ લ્હોવું ?” “પિતાજી, રોવું તે શાને ? ” – “ભુલી જઈને જનારાને" "દુઃખી હું તેથી કોને શું ?” – હેં – મ્હારો જ વાંકસ્તો” – “ચંદ્રકાંત, મ્હારો ભાઈ મને આણી આપ.” જુવે તો ચંદ્રકાંત ન મળે.

“ભાઈ ભાઈ !"

ગુમાન પાસે આવી ઉભી -“- ભાઈ તો ગયા.” ગુમાનને દેખતાં જ શેઠ ઉઠ્યા અને એક બે લાતો એવી મુકી કે ગઈ ગરબડતી આઘે અને બારણા ઉપર અથડાઈ પડી ગઈ. “ હાં હાં,” કરતો ધૂર્તલાલ અને બીજાં માણસો અંદર આવ્યાં.

હાથથી વાત ગઈ જાણી ભાઈબહેન શેઠની વૃત્તિને અનુકૂળ થઈ ગયાં અને સરસ્વતીચંદ્રની શોધ બાબત શેઠની સર્વ આજ્ઞાઓ દેખીતી પળાવા લાગી. પવનના ઝપાટા અાગળ નમી જઈ ઝપાટો પાછી વળતાં ઉભું થતા ઘાસની વૃત્તિ સર્વેએ અનુસરી. તરત સઉ શેઠને વશ થઈ ગયા. દિવસ જવા માંડયા, માણસો ઉપર માણસો શોધમાં રોકવા છતાં અને દ્રવ્યનો વ્યય નિરંકુશ થવા છતાં પત્તો ન લાગ્યો, અને એવી રીતનાં ઘણાં કારણોથી શેઠ હળવે હળવે શાંત થયા અને ગુમાન નિર્ભય બનવા લાગી. શેઠ જે માણસોને મોકલતા તેમને દ્રવ્ય અાપી, લાલચ આપી, સમજાવી, છેતરી, શેઠની ઈચ્છાનો અમલ કરવામાં શિથિળ કરી દેતી અને શેઠને કાને એમ જ જતું કે અદ્દભુત શોધ નિષ્ફળ જાય છે.

ચંદ્રકાંતે પણ શોધ કરવામાં બાકી રાખી નહી. પોતાનો ઉભરો નરમ પડતાં શેઠપર દયા આવી; પણ તેના ઘરનો તાલ જોઈ પોતાની શોધ ઉપર અાધાર રાખ્યો.

એક દિવસ “ ધિ બૉમ્બે લાઈટ ” વાળા બુલ્વરસાહેબની ચીઠી ચંદ્રકાંત ઉપર અાવી. તે તરત સાહેબપાસે ગયો. એ પત્રના તંત્રી ઉપર પરદેશીના પત્રો આવતા તેમાં એક પત્ર સરસ્વતીચંદ્રના અક્ષરનો હતો. બુલ્વરેસાહેબે એ અક્ષર ચંદ્રકાંતને બતાવ્યા. ચંદ્રકાંતે અક્ષર ઓળખ્યા, ભાષા ઓળખી, વિચાર ઓળખ્યા, અને તેના હર્ષનો પાર રહ્યો નહી. પત્ર ઉપરના પરબીડીયા પર ટપાલની છાપ હતી. છાપમાં "સુવર્ણપુર” હતું. આ શોધ ગુપ્ત રાખવાનો સાહેબ સાથે મંત્ર કરી, ચંદ્રકાંતે સુવર્ણપુર જવાનો વિચાર કર્યો. સુવર્ણપુરના અમાત્યને અને વિદ્યાચતુરને સંબંધ હતો એટલે અમાત્ય ઉપર ભલામણ લેવા પ્રથમ રત્નપુરી જવાનું ઠરાવ્યું. ઉત્સાહના વેગમાં અાંખ મીંચાઈ બંધ થાય એટલી વારમાં ૨ત્નપુરી પહોંચ્યા જેવું લાગ્યું.

વિદ્યાચતુર અને ગુણસુંદરી બન્ને જણે સરસ્વતીચંદ્રના મિત્રનો ઘણો સત્કાર કર્યો; સરસ્વતીચંદ્ર બાબત ઘણી જિજ્ઞાસા અને ઘણો ખેદ બતાવ્યો. ચંદ્રકાંતે શેઠની અને ગુમાનની સર્વ વાતો કરી, પોતાના મિત્રનું ઉત્કૃષ્ટ હૃદય સ્નેહ અને દુઃખે ઉત્પન્ન કરેલી કવિત્વશક્તિના બળથી તાદ્રશ્ય ખડું કર્યું; અને સાંભળનાર દમ્પતી તેમાં લીન થઈ દુ:ખમય બની ગયાં, સરસ્વતીચંદ્રની મનોવૃત્તિ જોઈ અદ્દભૂત આશ્વર્યમાં પડયાં, તેના ભણી સ્નેહની ભરતી થતી અનુભવવા લાગ્યાં, અને એ સર્વે છતાં “એણે આમ કરવું જોઈતું ન હતું ” એવું કહેવામાં આશંકા બેમાંથી એકેયે ન ધરી. વિદ્યાચતુરે કહ્યું: “ ચંદ્રકાંત, મ્હારે ક્‌હેવું જોઈએ કે આપણી ઈંગ્રેજી વિદ્યામાં એક જાતનો દોષ છે અને તે એ કે માણસની વિચારશક્તિને તે ઉદ્ધત બનાવી મુકે છે. અા ગુણ અાખી પાશ્વાત્ય[૧]વિદ્યાનો છે એમ કહીયે તો પણ ચાલે. અસંતુષ્ટવૃત્તિ સર્વ પાશ્ચાત્ય પ્રવૃત્તિનું મૂળ છે, તે પ્રવૃત્તિને ઉત્પન્ન કરે છે, વધારે છે, અને દ્રષ્ટિમર્યાદાના જેવી કુળપરંપરા દેખાડે છે. એ વૃત્તિથી માણસ ફળ પ્રાસ કરવા ઉતાવળું બને છે અને અધીરું થાય છે. સ્વાભાવિક માર્ગે ફળ મેળવતાં વાર લાગે છે તે અા વૃતિને પ્રતિકૂળ થાય છે. એક જ ફળ શોધી બેસી ર્‌હેવાનું નહી, પણ ફળ ઉપર ફળ ખોળ્યાં કરવાનાં અને તે પણ આટલી ઉતાવળથી એટલે આ વૃત્તિવાળાં મન સટોરીયા જેવી પ્રકૃતિવાળાં થઈ જાય છે. ભૂતકાળનો અનુભવ શોધ્યા વિના, વર્તમાન સ્થિતિ જોયા વિના, આતુર મન ભવિષ્ય શોધવા નીકળે છે અને સાધન વિના ફળ ઈચ્છે છે ! વર્તમાનથી અસંતુષ્ટ ચિત્ત દ્રષ્ટિ આગળ અકસ્માત્ ઉડતું ભવિષ્ય ઝડપે છે અને એ ભવિષ્યની પાછળ ઉભેલું ભવિષ્ય દ્રષ્ટિયે અચિંત્યું પડતાં કંપારી ખાય છે. સરસ્વતીચંદ્ર આનું એક દ્રષ્ટાંત છે. જુવો એમનો જગત છોડી જગત જોવાનો રસ્તો ! જુવો એમનો દ્રવ્ય છોડી પરાર્થ કરવાનો રસ્તો ! તેની અવસ્થા અત્યારે કેવી દયાપાત્ર થઈ હશે તે જોશો ત્યારે મ્હારું કહ્યું સિદ્ધ થશે.”

“આજ કાલના જુવાનો સહનશીલતાને દાસત્વ ગણે છે, પરવિચારને વશ થવામાં શૌર્યહીનતા ગણે છે, પોતાના તરંગ પ્રમાણે જ ચાલવાની સ્વતંત્રતા શોધે છે, મનની વાત બહાર ક્‌હાડવામાં અને સાકાર કરવામાં વીરત્વ માને છે, અનુભવને હસે છે, નિવૃત્તિને ધિક્કારે છે, અને વૃદ્ધાચારને ક્ષુદ્ર કલ્પે છે. ઘણાક પિતાઓ લક્ષ્મીનંદન પેઠે બોલતા હશે, પણ તેટલાં ઉપરથી આ પ્રમાણે કરનાર તે તમારા મિત્રને જ દીઠા. ખરેખર, મૂર્ખમાં મૂર્ખ માણસો વચ્ચે ચાસ ચસાય નહી એમ રાખી તીખા, અભિમાની, અને દુષ્ટ ઉપરીના હાથ નીચે બે વર્ષ નોકરી કરવી પડે, દુષ્ટ વચન સાંખવા પડે, અને ટુંકામાં દાસત્વનો અનુભવ થાય તો જ તમારાં મુંબઈગરાં માણસો ઠેકાણે આવે ! આવા દાસત્વમાં કાંઈ દોષ નથી એમ નથી પણ પારકાં માણસોને, અનુભવને, અને સ્થિતિને વશ કેમ ર્‌હેવું – પોતાના મનની વૃત્તિને પરવશ કેમ રાખવી – એ શીખવું પણ આવશ્યક છે.”


  1. ૧. પશ્ચિમ દેશોની.
સ્વતંત્ર પ્રકૃતિનો ચંદ્રકાંત અા અનુભવનું અભિમાન જોઈ ર્‌હે

એવો નહતો. પરંતુ મિત્રનો શોધ કરવામાં વિદ્યાચતુરની સહાયતાની જરુર હતી; એ પોતાની બળેલા હૃદયની દાઝ ક્‌હાડે છે એ ભાન હતું; ઈત્યાદી ઘણાંક કારણોએ ચંદ્રકાંતને પરવશતાનો ધર્મ શીખવ્યો અને એના પીશેલા ઓઠને સમો કર્યો. મિત્રની શોધ કરવાની જરુર ન હત તો તો ચંદ્રકાંત વિદ્યાચતુરને ઉત્તર આપત જ – સરસ્વતીચંદ્રને મૂર્ખ લેખવાનો પ્રયન્ન ઇંદ્ર ઉતરીને કરવા જાય તો તે ચંદ્રકાંત સહી શકે તેમ ન હતું. પણ મિત્ર સંયોગની આતુરતાએ આ સહનશક્તિ ઉત્પન્ન કરી.

વળી વિદ્યાચતુરે કહ્યુંઃ “ચંદ્રકાંત, થનાર તે થયું. હવે દાઝ્યા ઉપર ડ્‌હામ દેવો યોગ્ય નથી. હવે તો તમે એમને શોધી ક્‌હાડો. અા સાહસથી સરસ્વતીચંદ્ર શીખાશે અને તેમનું કાળજું ઠેકાણે આવશે. મ્હારા રાજ્યમાં મુખ્ય ધર્માધિકારીની જગા બે ચાર માસમાં ખાલી પડશે ત્યાં એમનો જોગ થઈ શકશે. મ્હારી કુસુમનો વિવાહ હજી કંઈ કર્યો નથી અને એમને દેવા હું બહુ ખુશી છું. એ દ્રવ્યહીન હશે તેની મ્હારા મનમાં ચિંતા નથી. પણ આટલી સરત તો ખરી કે એમણે કંઈ પણ ઉદ્યોગમાં પડવું જોઈએ. ઈચ્છા હશે તો તો હું ઉદ્યોગમાં પાડીશ. પણ અામ અાથડ્યાં કરે તો તો મ્હારાથી કાંઈ ન થાય.”

ચંદ્રકાંત ક્રોધને ડાબી રાખવા વ્યર્થ પ્રયત્ન કરી બોલ્યો: “પ્રધાનજી, આપનો બહુ ઉપકાર માનું છું. પણ જે શાણપણ આપ ઇચ્છો છો એ મ્હારા મિત્ર માં અાવે એમ નથી - તેમાં આપની સરત પાળવાને સારું તો આવતું હોય ત્‍હોયે ન આવે. કુસુમસુંદરીનો હાથ મેળવવા સારું એ કાંઈ પણ સરત પાળે ને દ્હાડો વળે તે માનવું નહી. દુઃખ એને નરમ કરશે એ હું ધારતો નથી. આપ જેને ફાટેલું મગજ ક્‌હો છો. તેવું એનું મગજ વધારે દુ:ખથી વધારે ફાટેલું થશે. વાસ્તે આપને જે બીજો વિચાર કરવો હોય તે ખુશીથી કરવો. આપની ઈચ્છેલી યોગ્યતા એનામાં નહી આવે એ હું ખાત્રીથી કહું છું. મ્હારે તો માત્ર એમને શોધવામાં આપની સહાયતા જોઈએ છીયે તે આપી શકો તો કૃપા ન અાપો તો તેમ કરવા સ્વતંત્ર છો. અાજ સાંઝે મ્હારે નીકળવું જોઈએ.”

ચંદ્રકાંત નિર્ધન સ્થિતિમાં ઉછર્યો હતો, પણ પત્થરની ભૂમિમાં રસ્તો કરી કેટલાક છોડ ઉગી નીકળે છે તેમ આપત્તિયોને ન ગણી એણે પોતાનો ઉન્નત માર્ગ કરી દીધો હતો. પોતાના ઉપર પડેલા નિર્ધનતારૂપી પત્થરને ફાડી પરાક્રમથી ઉંચો ઉગ્યો હતો. તેને આશ્રયમાં આશ્રય માત્ર સરસ્વતીચંદ્રનો હતો અને તે આશ્રય ન્હાનોસુનો ન હતો, પરંતુ સરસ્વતીચંદ્ર પોતાની મેળે જ સહાયભૂત થઈ પડે ત્યારે જ તેનો આશ્રય ચંદ્રકાંત સ્વીકારતો. ચંદ્રકાંતે કાંઈ માગ્યું છે એ વારો આવ્યો ન હતો. દુઃખ ખમી, હરકત ભોગવી, બેસી ર્‌હેવું એ હા, પણ ચંદ્રકાંતનો આત્માભિમાની ચિત્તોદ્રેક નમ્યું આપે તેની ના હતી. ધનાઢ્ય અને , પોતાનાથી વધારે વિદ્વાન ઉપકારક મિત્ર પાસે તેની મિથ્યાપ્રશંસા (ખુશામત) કરવી તો શું પણ પ્રિયવચન કહેવું તે પણ તે સમજતો ન હતો. અા નિઃસ્પૃહી સ્વતંત્રતાને લીધે સરસ્વતીચંદ્રની તેનાપર અનુપમ પ્રીતિ થઈ હતી. પરંતુ વિદ્વાન અને ઉચ્ચ પદવીએ પહોંચેલા પણ દાસત્વના જે સંસ્કારવાળા વિદ્યાચતુરને આ સર્વ અપરિચિત હતું. ઈશ્વરના તરફથી જેમાં દેાષ ન આવી જતો હોય એવા વિષયમાં મ્હોટાંનું મન રાખવું એ તે આવશ્યક ગણતો હતો. પરવૃત્તિનું અનુસરણ કરવું અને લોકાચારથી વિરુદ્ધ ન દેખાવું એ કળાઓ સંપાદ્ય ગણતો હતો. પોતે પણ ઉચ્ચ પદવી પર હતો; એટલે અનુકૂળ ઉત્તર જ સાંભળવાનો અભ્યાસ હતો, ઈચ્છા દર્શાવતામાં જ તેને આજ્ઞા ગણી અનુસરનાર વર્ગ જ એની દ્રષ્ટિમર્યાદાને ભરી રાખતો, અને ઉઘાડી આત્મપ્રશંસા થવા પોતે ન દેતો તોપણ પરપ્રશંસાના પ્રવીણ અને પ્રધાનની પ્રીતિ ઈચ્છનાર અધિકારીયો, 'આ ગુણ તમારો છે અને તે આવો સારો છે ' એમ ઉઘાડું ક્‌હેવાની રીત છોડી દઈ પ્રધાનને પોતાના કીયા ગુણનું ભાન છે એ શોધી ક્‌હાડી, એકલા તે ગુણની પ્રશંસા કરતા, પ્રધાને કરેલાં કંઈ કંઈ કાર્યોમાં દક્ષતા અને અપૂર્વતા બતાવી આપતા, અને પ્રધાનનાથી ઉલટી રીતિએ ચાલનારને હસી ક્‌હાડતા. પ્રશંસાના કરતાં આ સર્વની અસર વધારે થતી અને સાવધાન છતાં પ્રધાન ભુલ ખાઈ ઘણી વાર એમ કલ્પતો કે મ્હારી બુદ્ધિ સર્વમાન્ય છે. અાવા અાવા સંસ્કારોના અભ્યાસીને ચંદ્રકાંત જેવો ઉત્તર આપનાર મળતાં નવીનતા લાગી, મૂર્ખતા પ્રત્યક્ષ દેખાઈ ઉદ્ધતતા મૂર્તિમતી થઈ જણાઈ અને બાલિશતા અને અવિનીતતાના અવતારનું દર્શન થયા જેવું થયું. પણ એનો ઉપાય ન હતો. ચંદ્રકાંત પોતાના હાથ નીચેનો માણસ ન હતો. 'એને શું કરવું ? શું ક્‌હેવું ? ક્‌હેવું ત્હોયે નિરર્થક ! હશે ! આપણે શું ? કોઈ વખત ખત્તા ખાશે ત્યારે ઘણોયે ઠેકાણે આવશે.–

उपदेशो न दातव्यो याद्दशे ताद्दशे नरे
पश्य वानरमूर्खेण सुगॄही निगृही कृता ॥'

એ વિચાર કરી શાંત પડી મનમાં પુષ્કળ હસ્યો. “ અાની સાથે શું બોલવું ?” એમ જ લાગ્યું. “આ મુંબાઈગરી માંકડાની જાત ! તે વળી કાંઈ મોભે ચ્હડી ! એને તો છંછેડવી જ નહીં ! પેલા પારસીની આાટલી આગતાસ્વાગતા કરી ત્યારે મૂર્ખે બધી ખાનગી વાતચીત પણ વર્તમાનપત્રમાં છ૫ાવી – એ અને આ બેયે જાતભાઈ જ ! જગતને શીખામણ આપવી એ કાંઈ મ્હારું કામ નથી.” જાતિ સ્વભાવ ભુલી રાજકીય વ્યવહારી બે વસમા વેણ કહ્યાં હતાં તેનો ઉતાર કરવા લાગ્યો – તે પાછો પોતાની પ્રકૃતિ પર આવ્યો અને હૃદય ઢાંકી જીભવતે અમૃત લ્હાવા લાગ્યોઃ

“ચંદ્રકાંત, તમે ખોટું ન લગાડશો. તમારા મિત્ર તે મ્હારા પણ એકવાર સંબંધી હતા અને હજી પણ મ્હારું ચિત્ત તેમને વાસ્તે બળે છે. પણ આટલું તો તમે પણ સ્વીકારશો કે એમણે છેક આમ કરવું જોઈતું ન હતું. હશે ! ઈશ્વરેચ્છા આગળ એ શું કરે ? તમે એમને પાછા મળો તોપણ હવે એ તમારું કહ્યું માની નહી શકે અને મ્હારો સંદેશો પ્હોંચાડશો તો કાંઈક એમને અસર થશે જાણીને મેં તમને કહ્યું. પણ એમનો સ્વભાવ તમે વધારે સારી રીતે જાણો, માટે યોગ્ય લાગે તે ખુશીથી કરવું. સાંઝસોરી સઉ વ્યવસ્થા થશે.”

તોફાની સમુદ્રતરંગઉપર નૌકાપતિએ તેલ ઢોળ્યું કે તરત જ તરંગ શાંત પડ્યા અને તે ઉપર નૌકા નીરાંતે સરવા લાગી. ચંદ્રકાંત ધીરો પડ્યો. આવે સમયે મિત્ર પર થયેલી ટીકા ન સંખાઈ તેથી વધારે ઓછું બોલાયું તેની પ્રધાન પાસે ક્ષમા માગી. તે વિજ્ઞપ્તિને પોતે સ્વીકારે છે કે નહી તે જણવવાની જરુર ન લાગી હોય, તત્ત્વતઃ ઉત્તર દેવો ન હોય, અને સામો માણસ તે ન કળી જતાં શાંત પડે એવા ઉત્તર સહેજ વિષયમાં પણ આપવાના પરિચયવાળે શબ્દવ્યવહારી હસ્યો અને બોલ્યો: “ કાંઈ હરકત નહીં, એમાં ક્ષમા શાની માગે છે ?” નિ:સ્પૃહી ચિત્તમાં આ ધ્વનિ જવા પણ ન પામ્યો; પ્રતિધ્વનિરૂપે પાછો ઉછળ્યો પણ નહી; ચિત્તની બહાર કંઈક ખુણે ખોચલે કોણ જાણે ક્યાં ગડબડતો ગડબડતો છાનોમાનો સરી ગયો. સંધ્યાકાળે એક મ્હોટા શીગરામમાં બેસી ચંદ્રકાંત નીકળ્યો અને તેમાં સુતો સુતો મિત્રના વિચાર કરતો કરતો સુવર્ણપુર ભણીને પન્થે વળ્યો.

નવીનચંદ્રનું નામ બુલ્વરસાહેબપર આવેલાં પત્રો પર હતું પણ નવીનચંદ્ર તે સરસ્વતીચંદ્ર હશે જ કે નહી તેની ખાતરી ન હતી; નવીનચંદ્રના બાપનું નામ ખબર ન હતું. તેનું શીરનામું ખબર ન હતું; તે છતાં હશે તો કાગળ આથડતો આથડતો પ્હોંચશે ફરી એક કાગળ લખ્યો. તે જ નવીનચંદ્રને પ્હોંચ્યો અને તે જ કુમુદસુંદરીના હાથમાં આવ્યો હતો. ચંદ્રકાંતની વાતો ન્હાની કુસુમસુંદરીયે માબાપની પાછળ બેશી છાનીમાની સાંભળી લીધી હતી અને ચંદ્રકાંતના શબ્દેશબ્દ બાળક મેધાવિનીએ બે ચાર પત્રો ઉપર ચિત્રી ક્‌હાડ્યા હતા. ટપાલમાં જાય તો પ્રમાદધનના હાથમાં જાય માટે સંગાત શોધી વનલીલા દ્વારા પત્રરાશિ પ્હોંચડાવ્યો હતો.

વાંચનાર ! હવે ત્હારી સ્મરણશક્તિની કમાન જરીક ફે૨વ. સુવર્ણપુરનો સંસાર ભુલી સરસ્વતીચંદ્રનો સંસાર જોવા આપણે ઘડીક મુંબાઈ અને રત્નનગરીનાં સ્વપ્ન જોયાં. હવે જાગ અને પાછો સુવર્ણપુરના સંસારમાં આવ.

ભૂપસિંહના ભવ્ય દરબારમાં ભજવાયલા – કલ્પનાને ભરી નાંખનાર - નાટકનો સૂત્રધાર નવા ભભકાથી ઘેર આવ્યો; તેની મેડીના પ્રધાનખંડમાં અધિકારીવર્ગ પ્રથમ જ ભીંડ મચાવી થનાર કારભારી- ઉગતા સૂર્યનો સત્કાર કરવા તરવરતા હતા; એકાંત હીંચકા પર બેસી રંક સૌભાગ્યદેવી એકલી એકલી 'પતિસંપત્તિયે આણેલા આનંદના ઉપરાઉપરી આવતા ઉભરાથી ઉભરાતી મલકાતી દ્વારમાં પેંસતા પતિ સાથે, તારામૈત્રક રચી ગૃહકાર્યમાં ભળી; ઉન્મત્ત અલકકિશેરી મ્હોટા સખીમંડળ વચ્ચે પાટઉપર બેસી પિતાના દેારનું અનુકરણ કરતી હોય તેમ તડાકા ધડાકા કરતી હતી અને વાર્ત્તાયુદ્ધમાં ગાજતી હતી: – તે સમયે કુમુદસુંદરી પોતાની મેડીમાં એકલી બેઠી બેઠી બ્હેનનો પત્ર વાંચી રોયા વગર આંસુ સારતી તે ચિત્ર, વાંચનાર, હવે પાછું દૃષ્ટિ આગળ ખડું કર. એક સ્વપ્નમાંથી બીજા સ્વપ્નમાં - જાગૃત અવસ્થામાં પણ – એકાએક સંક્રાન્ત થવું એ - ઓ સંસારના પ્રવાસી ! – તને પરિચિત છે જ.

પ્રથમ બ્હેનનો કાગળ વાંચ્યો. વાંચતાં વાંચતાં મુગ્ધા ગળગળી થઈ ગઈ.

“શું પ્રિય ચંદ્ર - આ બધું મ્હારે સારું સોસવું પડ્યું ? શું તમને હવે પ્રિય કહી શકું નહીં ? મૃત પત્નીને સંભારનાર પતિ શું મરનારીને પ્રિય નહીં ક્‌હેતો હોય ? તમે મ્હારા વીતી ગયા ભવમાં પ્રિય હતા – ઈશ્વરને પ્રિય કહું છું,– પિતાને પ્રિય કહું છું – તેમ સરસ્વતીચંદ્રને પ્રિય કહેતાં શો બાધ ? હવે તે મ્હારા પતિ નથી; હવે મ્હારું શરીર મ્હારા પતિને જ સોંપ્યું છે, મનમાં પણ પતિ જ પતિ છે; પરંતુ હું ઈશ્વર, માતાપિતા, અને સ્નેહી વર્ગને પ્રિય કહી તેમનું રટણ કરું તે અયોગ્ય ન હોય તો, સરસ્વતીચંદ્ર, તમારું રટણ કરું તેમાં અયોગ્ય શું ? મ્હારે સારું તમે આટલું ખમો છો - એક સમયે આવો સંબંધ હતો”- એમ વિચાર કરતી કરતી પાછી કાગળ વાંચવા લાગી. પ્રેમબંધનની જાળમાં ચિત્તવૃત્તિ સરસ્વતીચંદ્ર પાછળ કરોળીઆ પેઠે દોડંદેાડા કરવા લાગી, આંસુ ખાળ્યાં રહ્યાં નહીઃ ટપક ટપક થવા લાગ્યાં, અને પત્ર અર્ધો ભીંનો થયો. આખરે ટેબલ પર માથું મુકી પુષ્કળ રોઈ.

કુસુમસુંદરીના કાગળનો અંતભાગ આવ્યો અને ત્યાં આગળ તેણે સમાચાર લખ્યા હતા કે ચંદ્રકાંત સરસ્વતીચંદ્રનો શોધ કરવા બુદ્ધિધન ઉપર વિદ્યાચતુરનો કાગળ લેઈ આવે છે. ગુણસુંદરી (કુસુમસુંદરીની મા) લીલાપુર પાસે આવેલા ભદ્રેશ્વર મહાદેવની યાત્રા કરવા જનાર છે અને તે પ્રસંગે “તને તેડવા મોકલશે માટે ત્હારે સઉની રજા લઈ તૈયાર થઈ રહેવું” એ સમાચાર પણ આ કાગળમાં હતા. ઉભય સમાચારથી બાળકીના મનમાં કંઈ કંઈ વિચાર થવા લાગ્યા અને વિચારે આંસુ વિસરાવ્યાં.

ચંદ્રકાંતે નવીનચંદ્ર ઉપર કાગળ લખ્યો હતો તે વિચિત્ર હતો, ઈંગ્રેજીમાં હતો:

"દુ:ખી સંસાર: તિથિ, દિવસ ને રાત્રિ સરખાં જ.”
“પ્રિય ચંદ્ર,
“ત્હારે તે ચંદ્રકાંત વિના ચાલે છે પણ ચંદ્રકાંતને ત્હારા વિના નથી ચાલતું. ચંદ્રકાંતને મુકી ચંદ્ર પ્રતિલોમ[૧] દેશમાં સંતાઈ જાય તોપણ કંઈ કંઈ ક્રિયાદ્વારા ચંદ્ર જણાઈ જાય છે. મ્હેં ત્હારો અપરાધ કર્યો ન હતો – મ્હારો ત્યાગ કર્યો તે કામ નિર્દય થયું. ત્હારી પ્રામાણિકતા કેટલી જળવાઈ તે પણ જોવાનું છે – ૨ાત્રે શું કહ્યું હતું અને પ્રભાતે શું કર્યું ? ઈશ્વરેચ્છા. પણ હજીયે કંઈ કરતાં કૃપા કર. દર્શનનો – પત્રનો – કાંઈ માર્ગ ક્‌હાડ. ભાગ્યની સાથે મ્હારે ઘણી લ્હડાઈઓ થઈ છે અને તેમાં મને જીતાડનાર તું જ હતો. પણ હવે તો હરાવનાર તું બન્યો.”
“ત્હારા વિનાનું ભાગ્ય એ જ દુર્ભાગ્ય.”
'त्वया सह न य * * * दिवसः स विध्वंसताम्
प्रमोदमृगतृष्णिकां धिगपरत्र या मानुषे ॥
"એ મકરન્દની દશા ઉપરથી મ્હારી દશા કલ્પજે – અરરરર ! નિર્દય–તે બધાંની સાથે નિર્દય !"

  1. વિપરીત ભૂગોળાર્ધ. The Antipodes.
પિતાની દયા નહી, મિત્રની દયા નહીં, કોમળ અંતઃકરણવાળીની દયા નહી – આ શી નિર્દયતા !
હશે. તું નિર્દય થઈશ પણ ત્હારું અંતઃકરણ નિર્દય થઈ શકનાર નથી. દૃષ્ટાન્ત – જેનો ત્યાગ કર્યો તેનાં જ દર્શન કરવા તું ગયો હોય એમ મને લાગે છે - હવે પશ્ચાત્તાપ કરજે.
દયા અને નિર્દયતા, પંડિતતા અને મૂર્ખતા, મૃદુતા અને કઠિનતા, રસિકતા અને વૈરાગ્ય, એવા કંઈ કંઈ પરસ્પરવિરોધી ગુણો કોઈનામાં ભેગા રહેતા હોય તો તે ત્હારામાં રહે છે.
પણ હરકત નહી. છેલ્લી કૃપા એટલી કરજે કે તું છે ત્યાંનો ત્યાં જ થોડા દિવસ રહેજે. પછી તું સ્વતંત્ર છે. ત્હારી પાછળ આથડવા સરજેલો જીવ તે આથડશે જ.”
“ત્હારા દર્શનને ઉત્સુક-

કયાં તું તેને ઓળખે એમ નથી ? ”


આ કાગળ વાંચી કુમુદસુંદરીનું હૃદય પાછું ભરાઈ આવ્યું, પણ એટલામાં નીચેથી જમવા તેડું આવ્યું. આંખો લોહી, સાવધાન થઈ કાગળ પોતાના કબાટમાં લુગડામાં વચાળે મુકી, સjજ થઈ નીચે ગઈ. દાદર પર ઉતરતાં ચિત્તે ગાયું:

“જોયું જોયું જગત બધું આજ, કે સર્વ નકામું રે.”

મેઘધનુષ્યનાં રંગો પેઠે ચિત્તવૃત્તિયોનું આયુષ્ય ટુંકું હોય. પુરુષવર્ગ જમી રહ્યો હતો. સ્ત્રીવર્ગ જેટલો ભરાયો હતો તે સર્વને અત્રે જ જમવાનો અલકકિશોરીયે આગ્રહ કર્યો અને તે આજ્ઞા એટલે સુધી પળાઈ કે જમેલાંને પણ ફરી જમવાનું સ્વીકારવું પડ્યું. આ સર્વ ઉત્સવકાર્યમાં ભળી જતાં કુમુદસુંદરીનું ચિત્ત ક્ષણવાર પાછું ઠેકાણે આવ્યું અને ઉત્સવ-સંસારી થયું.

સૌભાગ્યદેવીને બુદ્ધિધનની થાળી, અલકકિશોરીને વિદુરપ્રસાદની થાળી, કુમુદસુંદરીને પ્રમાદધનની થાળી, વૃદ્ધ જમનાકાકીને દયાશંકરકાકાની થાળી; એમ જે જે સૈભાગ્યવતીને પોતપોતાના પતિયોવાળી થાળીયોમાં જમવાનાં સૌભાગ્ય તૈયાર જ હતાં તેમને વાસ્તે તો કાંઈ ગોઠવણની જરુર ન હતી. બીજું જે વિશેષ મંડળ જમનાર હતું તેના ઠામ ગોઠવવાની ધામધુમ ચાલી રહી હતી. તે ચાલે છે તેટલા અરસામાં પ્રસંગને અનુસરતી એક ગરબીની કેટલીક કડીયો વનલીલાએ જોડી ક્‌હાડી સેોભાગ્યદેવીને બતાવી અને અલકકિશોરીએ સઉની આગળ તે ગાઈ બતાવાની આજ્ઞા કરી. “ભણેલી ભાભીને તે ગમે તો જ તે ગરબી ખરી” કરી કુમુદસુંદરીને બોલાવી હતી. કુમુદસુંદરી આવી કે સઉ ખસી ગયાં અને તેને માર્ગ આપ્યો. પાટ ઉપર વચ્ચોવચ નાજુક કુમુદસુંદરી બેઠી અને ગરબીવાળો કાગળ લીધો. તેને એક ખભે હાથ મુકી જાજરમાન અલકકિશોરી અને બીજે ખભે હાથ મુકી ફળજિજ્ઞાસુ વનલીલા બેઠી અને ત્રણે જણની આંખો કુમુદસુંદરીના હાથમાંના કાગળમાં નદીયો પેંઠે સંગત થઈ. સર્વ સખીયોનું ટોળું આસપાસ પાટ ઉપર તથા નીચે ગુંચળું વળી ભરાયું, સૌભાગ્યદેવી અને જમના પતિયોવાળા પાટલા ઉપર બેસી તેમના ભણી આંખકાન માંડી રહ્યાં, રસોઈયો પણ પળવાર ઉમરા ઉપર હાથમાં થાળી લઈ અર્ધો વળેલો ઉચું જોઈ રહ્યો. ત્રણેનું ગાન ઘણે જ ઝીણે અને ધીમે પણ કોમળ સ્વરે કિન્નરકંઠોમાંથી નીકળવા લાગ્યું :

“ ઈશ્વરના ઘરના ખેલ જન શું કરશે રે ?
“પ્રભુ પુંરે જેવું તેલ તેવા દીપ બળશે રે. ૧
“વહી ગયા તે દુઃખના દિન, સુખના આવ્યા રે;
“ દીન જનને દેતા ક્લેશ દુષ્ટ ન ફાવ્યા રે !
“ફાવ્યો શઠ તે અંતે નહી જ, છક્‌કડ ખાધી રે;
“બુદ્ધિબળમાં[૧] મ્હાત, અધર્મ ! તુજને આપી રે. ૩
“રુડો સુવર્ણપુરનો રાજ નીવડ્યો જાગતો રે;
“એનો જુગ જુગ તપજો પ્રતાપ, અમોને છાજ્જોરે. ૪.
“વનલીલા કહે જોડી હાથ – ઓ દીનબંધુ રે !

“આવા સુખનું શાણું[૨] સદૈવ રાખજે સંધું રે.” પ

ગવાઈ ર્‌હેતા સુધી સર્વ શાંત એકચિત્ત હતાં. ગવાઈ રહ્યું કે સઉની આંખો કુસુદસુંદરી પર વળી. 'ઠીક જોડાયું છે' એટલા શબ્દ આનંદભર સુંદરીના મુખમાંથી નીકળતાં સર્વ ઉઠ્યાં, વાતો કરતાં કરતાં પાટલા ભણી ગયાં. એકે 'કડીયો ઠીક બેસતી આાવી છે,' કહ્યું, બીજી બોલી 'ના, અર્થ પણ જુગતે જુગતો છે,' એક જણી વનલીલા પાસે જઈ પુછવા લાગી – 'અલી – બુદ્ધિબળમાં મ્હાત આપી – એ કડીનો અર્થ શો ?' વનલીલા ચારે પાસ ઉત્સાહભેર ખેંચાવા લાગી, અને આખરે અલકકિશોરીએ એને ગળે બાઝી ખેંચી લઈ જઈ પોતાની જોડના પાટલા ઉપર બેસાડી પાટ


  1. ૧. શેતરંજ.
  2. ૨. સ્વપ્ન.

ખાલી થઈ ગઈ. પાટલા રોકાઈ ગયા, અને સર્વમાં મુખ ભોજન કરતાં છતાં વિનોદવાર્ત્તાની ક્રિયાનું જ ભાન ધરવા લાગ્યાં. તત્ક્ષણજન્ય વર્તમાનના તેજમાં ત્રિકાળસિદ્ધ પદાર્થ એમ જ ભુલી જવાય છે.