લખાણ પર જાઓ

સરસ્વતીચંદ્ર ભાગ ૨/બ્હારવટિયું મંડળ

વિકિસ્રોતમાંથી
સરસ્વતીચંદ્ર ભાગ ૨
બ્હારવટિયું મંડળ
ગોવર્ધનરામ ત્રિપાઠી
ઘાસના બીડમાં પડેલો →


પ્રક૨ણ ૨.
બ્હારવટિયું મંડળ.

થોડે થોડે વડનીચે પચાશ પોણોસો માણસ એકઠું થઈ ગયું. પણ કોઈ કોઈની સાથે બોલતું ન હતું. માત્ર પગના ઘસારા અને હથિયારોના ખડખડાટ સંભળાતા હતા. એવામાં એક જણ એક મસાલ સળગાવી ચારેપાસ ફરી વળ્યો અને સઉનાં મ્હોં તપાસી સુરસંગપાસે આવ્યો અને તે નીચે બેઠો એટલે સઉ મંડળ બેસી ગયું. ચારપાંચ માણસો મસાલો સળગાવી સઉ મંડળની આસપાસ લક્ષ રાખતા ઉભા રહ્યા, અને ચાર માણસો વડની ચારે દિશા જોતા હાથમાં બંધુકો રાખી ઉભા. સર્વ માણસ મજબુત બાંધાના હતા. કોઈ ઠીંગણા ગાંઠા જેવા, કોઈ લાંબાપ્હોળા, કેાઈ એકલા ઉંચા પણ તરી આવતી નસોવાળા, પણ સર્વ શુરવીર દેખાવના હતા અને જુનાં તથા નવાં જુદી જુદી જાતનાં હથિયાર તેમના હાથમાં હતાં. સુરસંગની આસપાસ ચાર વૃદ્ધ અને બે જુવાન ગરાસિયા અને એક બ્રાહ્મણ એટલામાં કુંડાળું વળી બેઠા.

“બાપા,” બે જુવાનમાંનો ન્હાનો માથું ઉંચુ કરી બોલ્યો, “હવે બુદ્ધિધન જખ મારે છે ! એના દીકરાની વહુ ભદ્રેશ્વર જવા નીકળી છે અને અંબા સહાય થઈ તો આજ વડપાસે આપણા હાથમાં સવારે આવશે, પછી એ ધીરપુર પચાવી પડ્યો છે તે જીવતી માખ ગળ્યા જેવું થશે.”

બ્રાહ્મણ જરા પાસે આવ્યો અને બોલ્યો. “ઠાકોર, પરતાપસંગ બાપુ બરાબર ક્‌હે છે, પણ મ્હારા બ્રાહ્મણ ભાઈનુંયે જરા સાંભળ્યું જોઈએ. એ બાઈને પકડ્યાથી બીજો શત્રુ થશે. રત્નનગરીવાળાને વેરી કરવાથી હાંસલ નહી થાય. પછી તો તમે જાણો. અમે તો પશ્ચિમબુદ્ધિવાળા બ્રહ્મબંધુ.”

પ્રતાપસિંહનો ન્હાનો પણ બુદ્ધિવાળો ભાઈ વાઘજી બેલ્યો: “બાપા, શંકરમહારાજ ઠીક ક્‌હેછે. વળી સ્ત્રી અને બાળક બેને હેરાન ન કરવાં એ આપણો નિયમ છે તેથી તે આપણને બધી વસ્તીની મદદ છે તે પણ ભાઇના કહ્યા પ્રમાણે કર્યાથી બંધ થશે.”

પ્રતાપસિંહ ક્રોધમાં આવી બોલી ઉઠયો: “વાઘજી, હજી તમે ખરો વિચાર કરી શકતા નથી. રાણા ખાચરને ભૂપસિંહ કરતાં રાણા મણિરાજપર વધારે વેર છે. આ જ કારણથી સામત મુળુને ખાચર આપણા કરતાં વધારે મદદ આપે છે. સામત અને આપણે એક થઈ જઈએ તો ખાચરની મદદ વધારે થશે.”

વાઘજી પોતાના ભાઈના સામું ગુંચવારા ભરેલી નજરથી જોઈ રહ્યો. મણિરાજ રત્નનગરીનો રાજા હતો અને સામત મુળુ એની સામે બ્હારવટે નીકળેલો હતો. કુમુદસુંદરી વિદ્યાચતુરની દીકરી એટલે એને પકડવાથી સામત અને સુરસંગ બેનો સંબંધ ઘાડો થાય એ સ્પષ્ટ હતું. પરંતુ પ્રતાપની સૂચનાનું ખરું કારણ આ ન હતું, તે વિષયી હતો અને કુમુદને પકડવામાં પિતાનો સ્વાર્થ પૂરવા કરતાં પોતાની વાસના પૂરવાની ઈચ્છા તેને વધારે હતી. સુરસંગ વાઘજીનું મન સમજી ગયો, પરંતુ તેનો પોતાનો વિચાર કંઈ જુદોજ હતો.

સુરસંગ એ જડસિંહનો ભાયાત હતો પણ શઠરાયે એના કબજામાંથી ધીરપુર લેઈ લીધું અને સુરસંગને ન્યાયનું દ્વાર ન જડવાથી બ્‍હારવટું લીધું હતું. ભૂપસિંહને અને સુરસંગને મૂળ સ્નેહ હતો અને ભૂપસિંહ ગાદી પર બેઠા પછી પોતાના ગ્રાસની આશા રાખી હતી. પરંતુ શઠરાય ભૂપસિંહ અને સુરસંગનો મેળાપ થવા ન દેતો. ભૂપસિંહને ખાનગી સંદેશો ગયેજ વર્ષે કહાવતાં સુરસંગને ઉત્તર મળ્યો હતો કે “તમે ધીરજ રાખો, હળવે હળવે સઉ થશે, ” આથી શાંત રહી સુરસંગે કંઈ તોફાન કર્યું ન હતું. ભૂપસિંહના મનમાં એવું હતું કે શઠરાયનો કારભાર બદલાયા પછી આ કામ કરવું. આ કારણ જાણતો ન હોવાથી સુરસંગ ધીરજ રાખી શકયો નહી અને શઠરાયનાજ તરફથી સંદેશો આવતાં લુટફાટ કરવા મંડ્યો હતો. પણ તેના મનમાં એમ હતું કે આમ કરી ભૂપસિંહને ડરાવી બધી બાબતનો નીકાલ આણવો. કુમુદસુંદરીને પોતાનાં માણસો પાસે કેદ કરાવવી, પોતે છુટાં રહેવું, ઉપકાર કરતો હોય એમ બુદ્ધિધનને પાછી સોંપવી, અને એ ઉપકાર સંપૂર્ણ થઈ રહે તે પ્‍હેલાં બુદ્ધિધનને ઉપકારવશ તેમ જ ભીતિવશ રાખવો અને પોતાનું કામ ક્‌હાડી લેવું એવો તેના મનને ખેલ હતો. પ્રતાપ તામસી વૃત્તિવાળો અને બાપની પરવા ન કરે એવો હતો. તેની ઈચ્છામાં હાલ દેખીતું વિઘ્ન પડશે તો તે વિવાહનું વર્ષી કરી બેસશે એમ પણ હતું. બે દીકરા શાંત રહે એવો માર્ગ તેણે શોધ્યો. તેણે બેની વાત ઉડાવી અને પાસે બેઠેલા વૃદ્ધોને પુછવા લાગ્યો:

“કહો ભીમજી, તમે શા સમાચાર આણ્યા ? ચંદનદાસ, તમે પણ તમારી હકીકત બોલો. ” ભીમજી વૃદ્ધ ગરાસિયો હતો અને સુરસંગની સાથે નિ:સ્વાર્થી પ્રીતિને લીધે બ્‍હારવટે નીકળ્યો હતો અને સર્વે મંડળમાં અત્યન્ત વિશ્વાસનું પાત્ર હતો. રજપુત લોહીના પ્રવાહને વૃદ્ધાવસ્થાએ કાંઈક શાંત કર્યો હતો અને અનુભવે તેમાં ડ્‌હાપણનો પટ ભેળવ્યો હતો. બ્‍હારવટિયા સુરસંગની એક ખાસ ટોળીનો તે નાયક હતો. રત્નનગરી અને સુવર્ણપુરની સીમ તેને સોંપી હતી. ચદ્રકાંતના રથ ઉપર તેણે હુમલો કર્યો હતો અને તે બાબતના સમાચાર તેની પાસે હતા.

ચંદનદાસ એક વાણિયો હતો અને તે છતાં કદાવર તથા લ્હડવઇયો હતો. રજપુતોના પરિચયથી તેમનો પટ તેને બેઠો હતો. જાતિગુણનો તેનામાં માત્ર એટલો જ અંશ હતો કે સામ દામ અને ભેદથી કામ થાય ત્યાંસુધી દંડસાધન ઈચ્છતો ન હતો અને સ્વાર્થવિના લ્‍હડી પડવું એ તેની પ્રકૃતિ ન હતી.

સરસ્વતીચંદ્રને લેઈને સુવર્ણપુરથી નીકળેલું ગાડું આંબા અને તાડનાં વન વચ્ચેના રસ્તાના આરંભ આગળ આવી પહોચ્યું ત્યારે પાછલા પ્‍હોરના ત્રણ વાગવા આવ્યા હતા અને આંબાઓની ઘટામાં ચંદનદાસ બ્હારવટિયાઓનું એક ટોળું લેઈ પડાવ નાંખી રહ્યો હતો અને સંન્યાસીને વેશે સુવર્ણપુરની સ્થિતિ તપાસી આવતા સુરસંગની વાટ જોતો હતો. સુરસંગ જેલમાં જઈ શઠરાયને મળી આવ્યો હતો, ગરબડદાસસાથે બ્‍હારોબ્‍હાર સંબંધ રાખવા ટપાલ ગોઠવી મુકી હતી, સરસ્વતીચંદ્ર બુદ્ધિધનના ઘરનો માણસ છે એ તપાસ કરી હતી, રાણાના મ્‍હેલમાં પહેલીજ રાત્રે તે ગયો હતો એ ખબર મેળવી હતી, અને તેને પકડ્યાથી લાભ સમજી તેના ગાડા જોડે ચાલતો હતો.

આંબા અને તાડના વનના મુખ આગળ ગાડું આવ્યું અને ઉઘાડું મેદાન બંધ પડયું એટલે સુરસંગ ગાડાથી આગળ નીકળ્યો. ચંદનદાસ ઝાડીમાંથી બહાર આવ્યો અને સુરસંગે કરેલી સાન ઉપરથી ચેતી આઠેક માણસો હથિયારબંધ લેઈ ગાડાઉપર ત્રુટી પડ્યો. એક જણે તરવારવડે જોતરાં કાપી બળદનો કબજો લેઈ લીધો ગાડાવાળો રાશ લેઈ એકપાસ ઉભો અને ધ્રુજતો ધ્રુજતો કહેવા લાગ્યો. “ બાપુ બ્રાહ્મણ વાણિયાં કાંઈ સામાં થાય એવાં નથી. અમસ્તી હત્યા ન કરશો – પાસે હશે તે આપશે અને ક્‌હેશો તે કરશે. હું તો મ્હારે ગાડીવાળો છું.”

ગાડીમાંથી વાણિયાને એક જણે ઉંચકી હેઠે નાંખ્યો અને તે નીચે પડી પોકે પોક મુકી રોવા લાગ્યો; જુવાન વાણિયણ ગભરાઈ ગઈ અને એક જણે નીશાની કરી તે પ્રમાણે પઈડાં ઉપરથી ઉતરતાં ઉતરતાં નીચે પડી ગઈ અને તેના શરીર પરથી દાગીના એક બે સરી પડ્યા તે લેવામાં બે જણ ગુંથાયા. બાઈને ભોંય ભારે થઈ પડી – તેનાથી બોલાયું નહી – ચલાયું નહી – અને આંખમાંથી માત્ર પાણી ખરખર ચાલ્યું. તેનું ભાન ખસી ગયું અને બોલવાનો યત્ન કરતી જીભ દાંત વચ્ચે અટકી. બીચારીની બોચી ઝાલી એક જણે તેને પકડી રાખી.

સઉમાં અનુભવી ડોસી નીકળી, એક ન્‍હાની સરખી પોટલીમાં થોડાક રુપિયા રાખ્યા હતા તે પોટલી લુગડામાં સંતાડવી કઠણ ન પડી. સામાન માત્ર ગાડામાં રહેવા દેઈ હળવે રહી ડોસી બ્‍હાર નીકળી પડી અને છેટે ઉભી ઉભી બોલી: “ભાઈ, આ હું તો મ્હારે લુગડાભેર ગાડા બ્‍હાર નીકળી. મ્હારો સામાન બધો માંહ્ય છે જોઈએ તે લેઈ લ્યો. બ્રાહ્મણી છું – તમારી પાસેથી માગવા લાયક છું. પછી તમને ખપે તો તમે લ્યો.”

“હવે, બેસ, બેસ, બુઢ્ઢી” કરી એક જણ તેને ધોલ મારવા આવ્યો. ડોશી આધી ખશી ગઈ અને ધોલ ચુકાવી દયામણું મ્હોં કરી બોલી; “ભા, માર્ય્ મારવી હોયતો. વર્ષે બે વર્ષે મોતનું મ્હોં તો મ્હારે છે સ્તો, તે એમ જાણીશ કે આજે જ આવ્યું ! તનેયે ઘડપણ આવજો – સો વરસનો થજે – ભા ! – મ્હારા જેવો !” બ્‍હારવટિયો છક થઈ ગયો અને આઘો ખસી ડોશીને એમને એમ મુકી, પણ દૃષ્ટિ તેના ભણી જ રાખી ગાડા ભણી ગયો. “ નાસવાનું કરીશ તો બ્‍હીક છે - અંહી જ ઉભી રહીશ તો મને શું કરનાર છે?” ગણી ડોસી ગાડા આગળનો તમાસો જોતી જોતી એક પથરા ઉપર રસ્તાની બાજુએ બેઠી.

સરસ્વતીચંદ્ર ગાડામાં પગથી માથા સુધી ધોતિયું હોડી સુઈ ગયેલો હતો તે આ લોકનો ગરબડાટ સાંભળી સફાળો ઉઠયો અને વાણિયાને મુકાવા વિચાર થયો ન થયો એટલામાં તે બીજી પાસ વાણિયણની અવસ્થા જોઈ તે પાસ કુદી પડયો. તેને સામો થતો જોઈ ચન્દનદાસ અને તેના માણસ એની આસપાસ વીંટાઈ વળ્યા, હથિયાર વિનાનો અને સુકુમાર પુરુષ આ લોકો સામે શું કરી શકે એમ હતું ? આખા દિવસના ધૂળ અને તાપ વચ્ચેના પ્રવાસથી તેના શરીરમાં તાવ ઉત્પન્ન થયો હતોઃ કુમુદસુન્દરીના વિચારથી તેનું મસ્તિક (મગજ) ઉકળેલું હતું. સ્વપ્નોથી ભરેલી પણ નિદ્રા ભોગવવાથી તે કાંઈક શાંત થયો હતો તે આ અણધાર્યા પ્રસંગથી બીજા વ્યાપારમાં ગુંથાયો, અને નિદ્રા છુટતાં અકસ્માત વાણિયણને બચાવવા કુદી પડયો હતો. તેને પોતાની અશક્તિ અને શસ્ત્રહીનતાનું ભાન આવ્યું, તો પણ વાણિયણને હસ્ત બળથી છોડવી અને એક હાથે તેને ઝાલી ભમ્મર ચ્‍હડાવી હઠી ગયેલા બ્‍હારવટિયા સામું જોઈ રહ્યો. આ જોઈ સુરસંગ અત્યાર સુધી છેટે ઉભો હતો તે હસતો હસતો આવ્યો અને ક્‌હેવા લાગ્યો.

“ચંદનદાસ, આ ભવાઈ હવે જવા દે. આ બઇરાંને જવા દે અને મરદોને સાથે લઈ જા. ચંદરભાઈ, હું તમને ઓળખું છું – જાવ આમની સાથે.”

કોપાયમાન મુખવાળો પણ શું કરવું તે ન સમજનાર વિચારમાં પડેલો સરસ્વતીચંદ્ર બોલ્યો પણ નહી – ખસ્યો પણ નહી – માત્ર સુરસંગસામો દાંત પીસી ઉભો રહ્યો.

“ચંદરભાઈ, તમને લુંટવા નથી. હું તમને ઓળખું છું. મ્‍હારે તમારું કામ છે – આમની સાથે જાવ – ”

સરસ્વતીચંદ્ર ન જ ખસ્યો. સુરસંગે પાછળથી આવતા ત્રણ સ્વાર દીઠા અને હોંકારો કર્યો. તેની આંખ ફરી ગઈ.

“ જા ! જાય છે કે નહી ? ચંદન, ખેંચી જા આ જુવાનને ! સખત જાપતો રાખજે ! એકદમ ચલાવ હથિયાર, ન માને તો. સાળી બ્રાહ્મણની જાત ! – માર વગર માને જ નહી ને!”

ચંદનદાસ અને તેના માણસોએ હાથ ઉગામ્યા અને સરસ્વતીચંદ્રને ખેંચી ગયા. ખેંચતા હતા તેવામાં પાછળના સ્વારો આવ્યા. તેમને આડીવાટે દોરવા સુરસંગ તેમની સાથે લ્‍હડવા લાગ્યો અને સરસ્વતીચંદ્ર ખેંચતાણ કરતો પાછો ન્‍હાસવા જતો હતો તેને ડાંગવતે ગોધો એવો માર્યો કે તે લોહીવાળો થઈ પડી ગયો. સ્વારોની દૃષ્ટિ તો સરસ્વતીચંદ્ર ભણી જ હતી. તેને ઘવાયલો તથા બેભાન લેઈને દોડનાર મંડળની પાછળ તેઓ પણ દોડ્યા. પગના નળામાં વાગવાથી ચાલવાને અશકત સુરસંગ ગાડામાં બેસી વડતળે આવ્યો તે આપણને ખબર છે.

પણ સરસ્વતીચંદ્રનું શું થયું ? વડતળે ચંદનદાસ આવ્યો ત્યારે તેના સાથમાં એ ન હતો. કુમુદસુંદરિયે મોકલેલા સ્વરો તો ત્રણ હતા પણ તેઓ શૂરવીર અને ઉંચી જાતનાં હથિયારો લેઈ ઘોડે ચ્‍હડેલા હતા અને પૂર વેગમાં બ્હારવટિયાઓની પાછળ દોડતા હતા. ચંદનદાસના માણસોની સંખ્યા વધારે હતી, પણ તેઓ સર્વ પાળા હતા, ત્રણ ત્રણ દિવસના અપવાસી હતા, તેમનાં હથિયાર સારાં ન હતાં, દશ દશ વર્ષના નિષ્ફળ બ્‍હારવટાંથી કંટાળેલા હતા, અને માત્ર વટને ખાતર જ સુરસંગના પક્ષમાં ઘસડાતા હતા, તેમાં અત્યારે પાછળ આવા સ્વારો આવે અને બે માણસોને સાથે ખેંચી ચાલવું ભારે પડયું તેમ જ નિરર્થક અને પોતાને વાસ્તે હાનિકારક લાગ્યું. ચન્દનદાસે પણ વણિગ્બુધ્ધિ જ ગ્રહી. આ મુસાફરોને પકડવામાં તેમની પાસે દ્રવ્ય હોય તો તે લુટવા શીવાય બીજો અર્થ સુરસંગના મનમાં હોય એવી તેને કલ્પના પણ ન થઈ, અને “ આ માણસો તો ભીખારી છે – મુકો ને પડતા” એ વિચાર કરી, એક ઉંચા ઘાસવાળી જમીનમાં ઘાસ વચ્ચે તેમને સુવાડી દઈ પડતા મુકી, પોતે ભારવિનાના થતાં સ્વારોની નજર ચુકાવી ન્‍હાસી ગયા, સરસ્વતીચંદ્રને આમ પડતો મુકયો તેની સ્વારોને ખબર ન પડી અને થોડેક સુધી દોડી નિરાશ થઈ મનહરપુરી ભણી વળ્યા.

ચંદનદાસે આ સર્વ સમાચાર વડતળેની સભાના અધ્યક્ષ સુરસંગને બ્‍હીતે બ્‍હીતે કહ્યા. સુરસંગ માત્ર એટલું જ બોલ્યોઃ “ચંદનદાસ, તું ગમે તેવો શૂરવીર છે, પણ વાણિયો છે, રાજકાજનાં કામ સમજે પણ આખરે ત્‍હારી નજર વેપારીની. હશે. ત્‍હેં ત્‍હારા ગજા પ્રમાણે કર્યું કામ સોંપતા પ્‍હેલાં કામ કરનારનું ગજું જોવું અને તેનાથી કેટલું ઉપડી શકશે એ ક્યાસ કરી જોવો – એ રાજાનું કામ છે, ત્‍હેં થયું તે કર્યું – ત્‍હારો દોષ નહી, દોષ મ્હારો કે તને કામ સોંપ્યું. ખરી વાત. દશ દશ વર્ષ થયાં રાજા મટી ધાડપાડુનો ધંધો લેઈ બેસનારમાં રાજબુદ્ધિ કયાંથી રહે? જો બુદ્ધિ હોય તો તમારા જેવા શુરવીર અને વટવાળા સાગ્રીતો સાથે હોવા છતાં શું શું બનવું ન જોઈએ ?” સુરસંગનું મ્‍હોં લેવાઈ ગયું – કારણ તેને મનથી હાથમાં આવેલું એક મ્‍હોટું સાધન જતું રહ્યા જેવું થયું. “ વારુ, ભીમજી, તમારે પણ એવી જ કથા કરવાની છે કે કાંઈ બીજી ? ભા, ચ્‍હડતાનું નસીબ ચ્‍હડાતું, ઉતરતાનું ઉતરતું બોલો, બોલો, જે હોય તે.” વૃદ્ધ ભીમજી આગળ આવી ભૃકુટી ચ્‍હડાવી તાકી જોઇ બોલ્યોઃ “સુરસંગ, ત્‍હારા બાપને માથે ત્‍હારાથી વધારે દુઃખ પડયું હતું પણ તેની છાતી આવી ન હતી – ત્‍હારા કરતાં જબરી હતી, આટલાથી તું હારી જાય છે ત્યારે હવે બીજું શું કરશે ? ત્‍હારું કામ તો એ છે કે આ બધાને હીમ્મત આપવી. ચાલ, ચાલ, આમ નબળા બોલ બોલતાં રજપુતના દીકરાને શરમ નથી આવતી ? ઘોડે ચ્‍હડે તે પડે–બીજાને કંઈ પડવાનું હતું? ત્‍હારો આવો શત્રુ શઠરાય તે આજ ત્‍હારી મદદ માગે છે – કંઈ મ્હારી માગે છે? ત્‍હારો બાપ કોણ ? ત્હારી મા કોણ ? ત્‍હારું કુળ કોણ ? તું કોણ ? જા, મ્હારા ભા ! દશને ઠેકાણે પચાશ વર્ષ આવાં થાય ! – જંગલમાં તો ખાવાનું યે મળે છે – પણ કઠણ પ્‍હાડની ખોમાં બે વરસ ભરાઈ ર્‌હેવું પડે ! - તેમાં શું થયું જે ? વાણિયા બ્રાહ્મણને કંઈ એમ થવાનું હતું - રજપુતનું રજપુતપણું તરવાર મારવામાં ને તરવારના ઘા સ્‌હેવામાં જ પૂરું નથી થતું. રજપુત! રજપુત બધી જાતનાં દુ:ખ ખમતો ખમતો હસે છે ને ઈશ્વર ઘા ઉપર ઘા કરે તેમ તેમ રજપુતનું લોહી વધારે વધારે ઉકળે છે – તેનું લોહી વધારે વધારે બળવાળું થાય છે ! રજપુતને તો પોતાની જ ચિંતા હોય છે – પણ રજપુત રાજાને તો પારકી ચિંતા પણ હોય છે. બાપુ, તું જુવે છે કની કે આ વાદળાં આખા વાદળને કાળું બલક કરી મુકે છે અને વરસવાને સાટે ગાજવીજ કરી મુકે છે ત્યારે ઝાડીમાં અંધારી રાતે એકલું ઉભેલું પણ સાવજનું બચ્ચું ખીજી ખીજીને ફાળ ભરે છે ને સામું ગાજે છે ! સુરસંગ ! તું સાવજનું બચ્ચું છે – જ્યાં સુધી આ વાણિયા બ્રાહ્મણનો વેશ છોડી ત્‍હારી જાત ઉપર – ત્‍હારા કુળ ઉપર – નહી આવે ત્યાંસુધી હું કંઈ તેને સમાચાર ક્‌હેવાનો નથી. ત્‍હારું મન આવું થાય ત્યારે તો સુરજ આથમણે ઉગવો જોઈએ – તને રજપુત કોણ ક્‌હે? – ત્‍હારી સાથે બોલું તો હું ભ્રષ્ટ થઉં - ઘરડો પણ રજપુત છું. ત્‍હારા બાપની, અને તું રજપુત હતો. ત્યારે ત્‍હારી, નોકરી કરી છે. ગાજી ઉઠ અને જણાવ કે હજી તું એ નો એ મ્હારો શૂરો સુરસંગ છે. ત્યાંસુધી હું નહી બોલું.”

આટલું બોલી ભીમજી એકદમ સુરસંગ ભણી પુઠ ફેરવી બેઠો.

"ભીમજીભા! ” – સુરસંગ ડોસાને ખભે હાથ મુકી તેને મનાવવા લાગ્યો.

“ભા એ નહી ને બાએ નહી, હું રજપુતનો સગો છું બીજાનો નહી ! બોલ કે સુરસંગ હજી નાહીમ્મત નથી થયો."

સુરસંગ ભીમજીના સામે આવી ઉભો અને તેનો હાથ ઝાલી તેને ઉઠાડી ગાજી ઉઠયો: “ભીમજીભા, ઉઠો, ઉઠો ! વાણિયા સાથે વાણિયાનો વેશ ક્‌હાડ્યો માટે હું વાણિયો થયો ન સમજશો. ચંદનદાસ, ત્‍હારામાં ઉકળતું લોહી ન હોય ત ખોલ ત્‍હારી નસ ને મ્હારી નસ ખોલી મ્હારુ લોહી થોડું લે. ખરુ છે કે સેનાધીશે ધૈર્ય ખોયું એટલે સેનાનો નાશ થવાનો જ સેના એ યુદ્ધ કરનાર અંગ છે અને સેનાધીશ એ અંગમાં વસનાર આત્મા છે સેનાધીશનું શૂરત્વ એ અંગને ઉકાળનાર અને કુદાવનાર લોહી છે ! એ લોહી મ્હારામાં છે. ભૂપસિંહના વાયદા હવે હું સાંભળનાર નથી. તેનો કારભારી શઠરાય હો કે બુદ્ધિધન હો – મ્હારે તેની સાથે શો સંબંધ છે? ધીરપુર પાછું મેળવવું એ મ્હારો પુરુષાર્થ છે. આ મ્હારું મંડળ દશ દશ વર્ષ થયાં રખડે છે. તેનો અંત હવે આવશે એવું મ્હારો આત્મા મને કહે છે. કહો, ભીમજીભા ! બીજી વાત પડતી મુકી, હવે શું કરવું અને આપણું બળ ક્યાં અજમાવવું તે બતાવો. જુવાન લોહી લ્‍હડે ખરું પણ માર્ગ ઘડપણ જ બતાવી શકે.”

ભીમજી સુરસંગનો ખભો થાબડતો ઉઠયો અને તેને આનંદથી ભેટી પડ્યો, જુદો પડી આખરે બેાલ્યો. “ શું કરવું ?” એ પ્રશ્નના ઉત્તરના વિચારે અનુભવી રજપુતના લોહીને કંઈક ત્‍હાડું પાડયું.

“ભા, લ્‍હડવું એટલે અમસ્તકાં બળતામાં કુદી જ પડવું એમ નથી. રત્નનગરીથી કેટલાંક માણસ સુવર્ણપુર જતાં હતાં તેને સાંઝે – બરોબર રોળી કોળીને સમે લુટયાં છે. પણ બ્હારવટાનું નસીબ પણ બ્‍હારવટે જ હોય. આ પેટિયો શિવાય તે માણસે પાસે કાંઈ ન હતું એ એ પેટિયોમાં તો આ સાહેબલોકશાહી લુગડાંના ચીથરાં અને આ કાગળિયાં છે. લુંટેલાં માણસ સામન નાંખી દેઈ પાછાં ગયાં અને સામનમાંથી આ નીકળ્યું ! જાણ્યું તું કે પંદર દિવસનું ભાથું મળશે – પણ કાગળ ને કપડાં તે પણ એવાં કે વાણિયો વેચાતાં, પણ ન લે ! મ્હારી નજરમાં તો હવે એમ આવે છે કે આ હવાતિયાં મારવાનું આપણે છોડી દેવું. આપણું બળ એવું નથી કે દેશ લુંટીને રાજાને કાયર કરિયે, માણસો છે પણ પઈસા વગર પગમાં જોર ન હોય અને હથિયારવગર હાથમાં જોર ન હોય. હવે આપણે જુદા રસ્તા પકડવા.”

“હવે તો શઠરાયની મદદ મળે તે લેવી પણ એના પઈસા લુટ કરીને લેતા હતા તેને સાટે એની ગરજે આપ્પા લેવા અને ખબર આપે તે સંભાળીને લઈ લેવી. ભૂપસિંહ ગમે તેટલા કોલ આપે પણ એ ગાદીપર બેઠો એટલે આપણાં ને એનાં પેટ જુદાં થયાં. હવે તો ગમે તો એકાદ રાત્રે શઠરાયની મદદથી રાણાના મ્‍હેલમાં જઇ તેની પાસેથી માગ્યું લેવું – પણ આ સાહસ હજી કરવા જેવું નથી.”

“મ્‍હારી નજરમાં પ્રતાપબાપુએ બતાવેલો રસ્તો બહુ વ્યાજબી લાગે છે. વાઘજી ક્‌હેછે તે ખરું છે પણ બુદ્ધિધનની ચોટલી અાપણા હાથમાં આવી એટલે પછી એ ભૂતને ધુણાવવું હશે તેમ કયાં ધુણાવાતું નથી ? વિદ્યાચતુરથી પણ આપણું માગ્યું અપાવવામાં પછી કેમ પાછાં પડાશે ? એની દીકરી સારી રીતે જાળવજો એટલે છુટયા પછી એ આપણું સારું જ બોલશે અને તેમ થશે એટલે દુશ્મનાઈનો અંત આવ્યો સમજવો.

"કેમ વાઘજી ભા ? એમાં કાંઈ વાંધો છે? બોલી જજો બધામાંથી જેને કાંઈ બીજી વાત સુઝતી હોય તો. હા, પછી વખત નથી.”

વાઘજીએ ઉત્તર ન વાળ્યો. બીજું મંડળ પણ શાંત આતુરતાથી બેસી રહ્યું.

સુરસંગે ભીમજીનાં કાનમાં કહ્યું : “શઠરાય હાલ કામમાં લાગે એમ નથી એ મ્‍હેં કાલ નક્કી કર્યું છે.”

ભીમજી મ્‍હોટે સાદે બોલ્યો : “ત્યારે તો ધાર્યું તે નક્કી કરવુંજ, હવે વેળા વીતાડવી નહીં.”

સુરસંગ ટટ્ટાર થયો, છાતી ક્‌હાડી અને તેની સાથે બધું મંડળ ઉઠયું. સુરસંગે બુમ મારી કહ્યું.–“મ્‍હોટાં મળસ્કામાં આ તાડો વચ્ચે સુભદ્રાનદીની આણીપાર આપણે મળવું – ભીમજી, તમે નદીનાં કોતરોમાં ર્‌હેજો. ચન્દનદાસ ત્‍હારે બે વન વચ્ચેના રસ્તાપર ફરવું અને માણસો આઘેથી આવતાં જણાય એટલે સાન કરવી. નદીના પુલ આગળ કોઈ મ્‍હોટા જટાળા ઝાડમાં એક જણને ઢોલ આપી બેસાડવો અને તેની ઢોલ બોલાવે તે પ્રમાણે બધાયે ચાલવું. પરતાપ, તું રસ્તાની પેલી બાજુએ આંબાના વનમાં રહેજે ને વખત પડ્યે આવજે. વાઘજી, તું આ વડની બાજુ સાચવજે, હું ચારે પાસ ફરતો રહીશ. સઉએ પોતપોતાનાં માણસ લેઈ છુટાં છુટાં ફરવું અને વખત આવ્યે ભેળા થવું – હવે શંકર સહાય થશે અને આટલા વરસનાં દુઃખનો છેડો આવશે એ નક્કી.”

“ચન્દનદાસ, હું આખો દિવસ સુવર્ણપુરમાં જ હતો, આપણું ધાર્યું થશે એ લોકના સાથમાં માત્ર રત્નનગરીના દશેક સ્વાર જ છે, પણ ફેર એટલો છે આપણે ચીથરે હાલ છિયે અને તે લોકો સારા સરંજામવાળા છે. બુદ્ધિધનનાં પણ માણસ હશે. માટે સંભાળીને ચાલવું, જો કાલે લાગ ન ફાવ્યો તો જન્મારે ન ફાવ્યો સમજવો – પછી ધીરપુરની આશા મુકવી. મ્‍હારા શૂરાઓ ! મ્‍હારા આટઆટલા વખત થયાં સુખદુ:ખના સાથિયો ! મ્‍હારી સાથે તમે ઝાડોમાં ને જંગલોમાં આથડ્યા છો; મ્‍હારે માટે તમે કાંટાઓમાં ચાલ્યા છો અને નદીના કાદવમાં કળતા કળતા લ્‍હડયા છો. આ ઉઘાડા આકાશ તળે શિયાળા ઉન્‍હાળાના ત્‍હાડતડકા ખમવામાં કસર નથી રાખી. ઉપર વરસાદ મુસળધાર અને નીચે કીચ કાદવ તેમાં તમે ભમ્યા છો. સાવજની ગર્જના સાંભળી કંપ્યા નથી અને તેના ભયંકર પંઝાને તમારાં બાળકો વશ થયાં છે. પંદર પંદર દિવસ ભુખે રહ્યા છો અને વગર દુકાળે દુકાળ વેઠ્યો છે. નહી ઘરના, નહીં બ્‍હારના; નહી સ્ત્રીના – નહી માબાપના – એમ આટલાં વર્ષ ક્‌હાડ્યાં છે – તેનો બદલો હું શી રીતે વાળનાર હતો? પણ એ બધી દશામાંથી છુટવાનો વખત આવ્યો છે, તે કોણ નથી સમજતું ? આટલું કર્યું તો હવે એટલું જ વધારે કરો કે એક પળમાં શત્રુ વશ થાય અને તમને સુખ આપવાનો મ્‍હારો વારો આવે ! ! ! જે અમ્બે ! જોગણી માયા ! આજ ત્‍હારે અમારી ઓથ કર્યા વિના ચાલે એમ નથી. જોગણી ! અંબા ! ભવાની ! બોલો, જે !”

"અમ્બે માત કી જે"- ચારે પાસ બુમ ઉઠી અને અંધકાર વીંધાઈ કંપવા લાગ્યો.

આ બુમની સાથે સર્વ મંડળ હર્ષવાર્તાનો ગણગણાટ કરતું બ્‍હાર નીકળ્યું અને ચારે પાસ વેરાઈ ગયું. મનહરપુરીની ગરીબ અજ્ઞાની વસ્તી ઘણી વખત આ મંડળને અંહી મસાલો સાથે મળતું ને હોંકારા કરતું જોતી પણ જુના કાળમાં પોતાની નગરીની કોઈ સેના આ ભૂતાવળીરૂપે મળતી હશે એમ વાતો કરી અદ્દભુત આશ્રર્ય પામતી. આ કારણથી આ બ્હારવટિયા ભૂતાવળીમાં લેખાતા અને તેઓ જ ત્યાં મળતા હશે એવી કોઈને શંકા થતી ન હતી.

થોડી વારમાં વડતળે અંધકારનો તંબુ હતો તેવો પાછો પથરાઈ ગયો. માત્ર વાઘજી અને શંકર મહારાજ અંધકારમાં ભૂત પેઠે ઉભા રહ્યા.

“વાધજીબાપુ, ભાઈની યુક્તિ ફાવી. કુમુદસુંદરીથી એમની દાઢ સળકી રહી છે તે બાપા જાણતા નથી.”

"શંકર, એ હું સમજયો છું. મ્‍હારાથી ધીંગાણાને ઠેકાણે હવે નહી જવાય – નીકર હું સંભાળી લેત. હશે. પણ હવે તો સોંપ્યું કામ કરવું, તું જા, હું બાપાને મળું છું.” વાઘજી ગયો,

“બુદ્ધિધનભાઈ, આ લોક હજી તમને ઓળખતા નથી. પણ હું અત્યારે જઈ કુમુદસુંદરીના સાથને મળું છું. આ લોક ઉદારતા નહી ચાખે – શિક્ષા ચાખશે – ઠીક, એ તો ઉપાય સુઝ્યો જ !” અંધકારમાં હરણની પઠે ફલંગે ભરતો રસ્તાનો ભોમિયો શૂર બ્રાહ્મણ ચાલ્યો.

ઝાડ ઉપરથી કોઈક હળવે રહીને ઉતર્યું.