સરસ્વતીચંદ્ર ભાગ ૩/''' નિવાપાંજલિ.'''
← પ્રસ્તાવના. | સરસ્વતીચંદ્ર ભાગ ૩ નિવાપાંજલિ. ગોવર્ધનરામ ત્રિપાઠી |
સુન્દરગિરિના શિખર ઉપર. → |
નિવાપાંજલિ.
બત્રીશ વર્ષનું સ્વન્ન થયું ત્યાં પુરું કર્યું યમદૂતે;
હતી ન હતી કરી દીધ ફુલવાડી મૂર્ખ પવનની ફુંકે. ૧
ભગિની ! હતી તું પ્રિય માતપિતાને. કંઈક આપી વિદ્યા ત્હેં;
સોંપી તને ગુણી માળીને, ત્યાં કેળવી ગુણવલ્લરી ત્હેં. ૨.
ફુલી ફળી તું કરમાઈ અકાળે; રુવે આપ્તજન સર્વે;
તુજ ગુણદ્રુમસંપત્તિતણાં શ્રીગન્ધ વહે સ્મૃત ગર્વે. ૩
વસે ગર્વ મુજ ઉરમાં ત્હારો ! ભાગ્યવતી થઈ ગઈ તું !
વિશ્વવાહિની મરણનદીમાં, કલ્યાણી l તરી ગઈ તું ! ૪
મનુષ્યમેધ*[૧] યજ્ઞ માંડે આજે, યુગ ભયંકર બેસે !
શમી પ્હેલી [૨]તું જગ પ્રસન્ન જોતી સુભાગ્યવતીને વેશે. ૫
શૈશવથી તરતી ઉત્સાહિની પ્રસન્નતા તુજ જોઈ;
એ જ નિકષ[૩] પર ગ્રન્થ-રતિ મુજ પ્રથમ ઘસી મ્હેં જોઈ ૬
આરંભ્યો આ ગ્રન્થ, લેખ મુજ નહી હતો સુકાયો;
કનકરેખ નિકષે પ્રકટી, તે, બ્હેની, ત્યાં ત્હેં સ્હાયો. ૭
મુજ પુસ્તકની કીર્તિ રંક, તે તુજને ભાસતી ઝાઝી,
અનુમોદતી મોદતી પ્રિય બાળા ઘણું ઘણું મલકાતી. ૮
ત્રીજા ભાગનું દર્શન કરવા અતિશય ધરી અભિલાષ,
ભ્રાતપાસ લ્હેણું રાખી, ગઈ પ્રભુપદ કરવા વાસ. ૯
જ્ઞાનદ્રષ્ટિ ઉઘડી; બાળા ! નથી અનુશોચન સિંચાતું,
પણ આ ગ્રન્થ વધે ત્યમ ત્યમ તુજ સ્મરણ-સલિલ ઉભરાતું. ૧૦
નિકષશિલા મુજ ! સ્મરી સ્મરી તુજપર પડેલી કંઈ કંઈ રેખા,
તત્પર કરું અક્ષરમય અંજલિ, નિવાપ તુજને દેવાં. ૧૧
વસી મુજ હૃદયે, એ અંજલિનો સ્વીકાર કરજે, બ્હેની !
ભુલી શેકરસ[૪] લેવો, ભ્રાતા દે અંજલિ, તે લેની. ૧૨
હર્ષશોકના દર્ભરાશિમાં લગાડી છે મ્હેં લ્હાય,
એક ક્રમે [૫] તેમાં પડી ભગિની – મૃત્યુશોક હોમાય. ૧૩
એ હોમે આહુતિ દેતો, નયન ન અશ્રુ ધરતો,
કઠિન હૃદયને ભ્રાત કાષ્ઠભર ભગિની-ચિતાપર ભરતો. ૧૪ ;