સરસ્વતીચંદ્ર ભાગ ૩/નવાં પ્રકરણ અને નવા ઇતિહાસ

વિકિસ્રોતમાંથી
←  પરરાજ્યનો પ્રથમ વમળ. સરસ્વતીચંદ્ર ભાગ ૩
નવાં પ્રકરણ અને નવા ઇતિહાસ.
ગોવર્ધનરામ ત્રિપાઠી
મલ્લરાજની નિવૃત્તિ અને મણિરાજનું યૌવરાજય. →


પ્રકરણ ૧૨.

નવાં પ્રકરણ અને નવા ઇતિહાસ.

“But no ! the imperial theorist will live and die a martyr to his theory.”

–Merivale on, Aurelius.

પ૨રાજ્યનો પ્રથમ ધક્‌કો વાગ્યો તેની અસર મલ્લરાજના સર્વ તન્ત્રમાં લાગી ગઈ. એનાં ભાયાતો, એની સેના, એનો મિત્ર, એનું અંતઃપુર, એનો સ્નેહ; સર્વ સ્થળમાં છિન્નભિન્નતા થઈ ગયા જેવું થયું. પોતાનાં સર્વ સગાંવ્હાલાં પરાયાં થઈ ગયાં જણાયાં. અભિપ્રાયના ભેદને અંતે પ્રીતિમાં ભેદ પડ્યો. ઈંગ્રેજનો સંબંધ સ્વીકારતાં ક્ષત્રિય બન્ધુઓ નકામા થઈ ગયા, તેની લાગણી તેમને સ્વાભાવિક રીતે થઈ અને સામંતને કરેલી શિક્ષાથી ભાયાતો અત્યંત તપી ગયા. મલ્લરાજ એકલો પડ્યો. એના કાનનો મંત્રી પ્રધાન સર્વને મન શત્રુ થયો. “ખટપટ” – અંતર્ભેદ-નાં મૂલ ઉડાં રોપાયાં. રાજયમાં સર્વનો પરસ્પર વિશ્વાસ અચલ હતો તે સંસારનાં નિયમોને અનુસરી પાણીના રેલા પેઠે સરી ગયો. પલંગમાં એકલો સુતો મલ્લરાજ આ ચિત્રનું પ્રત્યક્ષ દર્શન અનુભવવા લાગ્યો – તે છેક રાત્રિને પાછલે પ્રહરે નિદ્રાનો પ્રથમ સંચાર અનુભવતાં બોલી ઉઠ્યો:–

"एकोऽहमसहायोऽहमेकाकी विजने वने ।
इत्येवंविविधा चिन्ता मृगेन्द्रस्य न जायते ।"[૧]

પળવાર નિદ્રામાં પડી જ બોલ્યો:-

“ઈંગ્રેજોની સાથે હું જોડાયો –હવે – अङ्गीकृतं सुकृतं सुकृतिनः परिपालयन्ति.”

રાજાના મનની ભોમીયણ રાણીએ, આજ્ઞાનો ભંગ ન ગણી બારીમાં છાની દૃષ્ટિ કરી, રાજાને જોઈ લીધો. તેને નિદ્રાવસ્થ જોઈ પોતે પોતાને કૃતકૃત્ય સમજતી ચોકમાં પૃથ્વીપર ગાઢ નિદ્રાને વશ થઈ.

આ પ્રસંગ પછી એક વર્ષ વીતી ગયું. રત્નનગરીની પાડોશમાં વીરપુરનો વૃદ્ધ રાણો ગુજરી ગયો અને તેની ગાદી ઉપર તેનો યુવાન પુત્ર ખાચર બેઠો. ખાચરના પિતાને મલ્લરાજ સાથે મિત્રતા હતી, અને ઉભયના સામાન્ય શત્રુઓ સામે ટક્કર ઝીલવામાં રત્નનગરીની અને વીરપુરનાં રાજ્ય ભેગાં ર્‌હેતાં. આ પ્રસંગોમાં રત્નગરીના રાજાઓ પોતાનું સંસ્થાન સુસંબદ્ધ સમીપ અને સુઘટિત રાખવામાં અને દૂરનો પ્રદેશ ઉપર લોભ ન રાખવામાં સંતોષ માનતા અને પોતાના ભાયાતો તથા ગ્રાસીયા દૂર દેશમાં પરાક્રમ દર્શાવી જુદા ગ્રાસ મેળવવા પ્રયત્ન કરે તેમને સાહાય્ય આપતા અને તેમની વૃત્તિઓને બહિર્મુખ કરવામાં સાધનભૂત થતા ત્યારે વીરપુરના રાજાઓ પોતાના રાજ્યને ભાયાતોની તૃષ્ણાને વશ ર્‌હેવા દેઈ દૂરના પ્રદેશો ઉપર જાતે ફાળ ભરવામાં આનંદ માનતા. ઈંગ્રેજી રાજ્યનો હાથ આ તૃષ્ણાનાં સાધનભૂત યુદ્ધોની આડે આવ્યો અને તૃષ્ણા શમી નહી. ભાયાતોનો ઉન્માદ શત્રુઓનાં શિર ઉપરથી અસ્ત થઈ રાજ્યની ગાદી આગળ ઉદય પામવા લાગ્યો. આ સર્વનું ફળ એ થયું કે પૃથ્વીની તૃષાથી કુદી રહેલા યુવાન અને ઉત્કટ ખાચરે આજ સુધી બન્ધુજન પેઠે રહેલાં પાડોશનાં રાજ્યોની પૃથ્વી વગરયુદ્દે પચાવી પાડવાના માર્ગ શોધ્યા અને તેમ કરવામાં પોતાને કનડતા ભાયાતોને સાધનભૂત કરી પોતાને ખાવા આવતાં કુતરાનાં ટોળાં પડોશીઓ ઉપર છોડ્યાં. વીરપુરના ગ્રાસીયા લોક પોતાના રાજાને નામે ચારે પાસની જમીન પચાવી પાડવા લાગ્યા, અને તેમના તથા તેમના રાજા ખાચર સામે નવા પોલીટીકલ એજંટને ત્યાં આસપાસ રાજ્યોમાં ફરીયાદીઓ થવા માંડી. પોતે જ સર્વને હેરાન


  1. ૧. આ વિજય વનમાં હું એક છું, અસહાય છું; એકલો છું – એવી ચિંતા સિંહરાજને થતી નથી.
કરતો નથી એવો આભાસ એજંટના મનમાં ઉત્પન્ન કરવા તેમ ન્યાય

માગવાને નિમિત્તે, એજંટની મૂર્ખતાનો અથવા ધનવાસનાનો લાભ લેઈ એજંટના આપેલા ન્યાયદ્વારા, પારકી પૃથ્વી કમાવા ખાચરે પાડોશીઓ સામા દાવા કરવા કરાવવા માંડ્યા. આ ચેપ બીજાં રાજ્યોમાં પણ પેઠો. રાજાઓમાં શાંતિ રાખવાના અને તેમના પંચનો અધિકાર ધારણ કરવાના અભિલાષી પોલીટીકલ એજંટનો અભિલાષ સિદ્ધ થયો અને લ્હડવા પડેલી બીલાડીઓની ભાખરીઓ તેમનાથી વધારે બુદ્ધિમાન અને બળવાન વાનરના હાથમાંની તુલામાં પડવા માંડી. આ કાળપરિવર્તનનું નાટક મલ્લરાજ દૂરથી જોયાં કરતો હતો અને ખિન્ન થતો હતો, એટલામાં એ કાળચક્રનો ઘોષ એના કાનમાં પણ આવવા લાગ્યો – એના રાજ્યપર એ ચક્ર ફરતાં લાગ્યાં. પોતાના સ્વરાજ્યમાં અંતઃપુર સુધી સળગેલી આગ હોલવી રહ્યા પછી ઘણો કાળ થયો નહી એટલામાં પરરાજ્યોમાં લાગેલી આગના ભડકા આકાશમાં દેખાવા લાગ્યા અને તેના તનખા પોતાના છાપરા ઉપર પડવા લાગ્યા. જુની મિત્રતા ભુલી જઈ ખાચરે એક પાસથી રત્નનગરીના રાજ્ય સાથે સીમાડાની તકરાર ઉઠાવી અને બીજી પાસથી ખાચરના ગ્રાસીયાઓ ૨ત્નનગરીના રાજ્યની એક પાસની જમીન ખેડાવવા લાગ્યા. એજંટે મલ્લરાજ ઉપર પત્ર લખી ખાચરે ઉપાડેલી તકરારનો ઉત્તર માગ્યો. એક પાસથી આ ઉત્તર માગવાનો તેને અધિકાર મલ્લરાજે સ્વીકાર્યો નહી અને તે વિષયનું લેખયુદ્ધ ચાલ્યું અને બીજી પાસથી તેણે જરાશંકરને અને સામંતના ઉગતા પુત્ર મુળુભાને બોલાવી રાજાપ્રધાન વચ્ચે સિદ્ધ કરેલી આજ્ઞા આપી.

“જરાશંકર, રાજાઓના પંચ થનારે પંચનો ઢોંગ માંડ્યો અને મૂર્ખ રાજાઓ એકબીજાનાં ગળાં કાપી પંચના હાથમાં મુકશે. શસ્ત્રયુદ્ધના યુગમાં પણ ધરતીનો લોભ ન કરનાર રાજા એ લોભમાં પડી વૈશ્યયુદ્ધ કરે એ કાંઈ બને એવી વાત નથી. શસ્ત્રયુદ્ધના કાળમાં ભાયાતો અને યોદ્ધાઓનો સ્વાર્થ એવો હતો કે રાજાઓ ધરતીના ભુખ્યા ર્‌હે અને ઘડીઘડી યુદ્ધના પ્રસંગો શોધી એ યોદ્ધાઓની ધરતીની તૃષા ભાંગે. આ વૈશ્યયુદ્ધના કાળમાં પ્રધાન સહિત મુત્સદ્દી વર્ગનો એવો સ્વાર્થ છે કે રાજાઓ ધરતીના ભુખ્યા રહે અને ઘડી ઘડી લેખયુદ્ધના પ્રસંગ શોધી લેખકવર્ગની ભુખ ભાંગે. જરાશંકર, ભૂતકાળમાં આપણાં પુરુષરત્નને જેમ લોભનાં કલંક લાગ્યાં નથી તેમ આ વર્તમાન કાળમાં એ કલંક વગરનાં શુદ્ધ રત્નોનો આપણી પાસે સંગ્રહ છે અને ત્હારો રાજા એ લોભકલંકવાળા ચળકતા પથરાને નિર્મળ રત્નોને સટે સંગ્રહતો નથી. ધરતી અને ધન જેવા જડ પદાર્થો કરતાં રત્નનગરીના જનરાજયનું બળ મ્હારા વંશને પરાપૂર્વથી પ્રિય રહેલું છે. માટે જરાશંકર, જુવાન ખાચરને લાગેલો ચેપી રોગ આ દેશમાં આવી ન જાય તેને માટે ધરતી અને ધનનો તું ચાહે એટલો ભોગ આપી આ દેશમાં વૈશ્યયુદ્ધની હોળી જાગે નહી અને આ આજકાલનાં માંકડાંને મ્હારા પંચ-સરપંચનું કામ સોંપવાનો પ્રસંગ કોઈ દિવસ આવે નહી એવા મહાયજ્ઞનો આરંભ માંડ.”

“તરવાર ચુકવે તે ન્યાય એ કાળ વહી ગયો ! સ્વપ્ન જેવો થઈ ગયો ! હવે રાજાઓનો ન્યાય તરવાર નહી ચુકવે પણ માણસ ચુકવશે ! જરાશંકર, જયાં સુધી આ દેહમાં જીવ છે ત્યાં સુધી આ રજપુત એ કાળને આ દેશમાં નહીં આવવા દે – તું જ ક્‌હેતો હતો કે राजा कालस्य कारणम - હું જીવીશ ત્યાં સુધી રાજા મટી મ્હારા રાજ-છત્રને ધક્‌કેલી પાડી તેને સટે ઈંગ્રેજનું છત્ર રોપવું પડે - એ છત્રની છાયા શોધવી પડે એમ નહી કરું. એ છાયા શોધવાથી રાજત્વ જાય છે ? કે મ્હારી પાડોશના રાજાઓની સાથે મ્હારો મમત છોડી તેમનું ધાર્યું થવા દેવામાં અને તેમના હાથમાં થોડીક ધરતી – માટી, પથરા અને ઝાડપાલા – જવા દેવાથી રાજત્વ જાય છે ? જરાશંકર, એવી છાયા શોધવાથી જ રાજાઓનું રાજત્વ જાયછે અને જશે ! બીજા રાજાઓને તેમ કરવું ગમે તો ગમે, પણ યુદ્ધકાળમાં પાછા હઠવા કરતાં વડીલ હસ્તિદંતે મરણને પ્રિય ગણ્યું, અને એના જેવા શૂર મહાત્મા પુત્રરત્નના શબની છાતી ઉપર પગ મુકતાં નાગરાજ જેવા પુત્રવત્સલ પિતાએ આંચકો ખાધો નહી – તેમ - તેમ – એ મહાત્માઓની છાયામાં ઉછરેલો બાળક વૈશ્યયુદ્ધને અર્થે તેમના શત્રુઓની છાયા સ્વીકારવાનો નથી. જે ધરતી મુકીને મ્હારા બે વડીલો મ્હારી દૃષ્ટિ આગળથી ગયા તે ધરતીને ત્યજવી એમાં શી વસાત છે ? ઈંગ્રેજોની મ્હેં મિત્રતા સ્વીકારી છે – તેમની પાસે ન્યાય માગવો સ્વીકારેલો નથી. તેમની પાસે ન્યાય માગવાને હાથ જોડવા તેના કરતાં નાગરાજે કરેલા યુદ્ધમાં મ્હારી સાથે ઉભા રહેલા રાજાઓનાં આજકાલનાં સંતાનના હાથ ઉંચે રાખી તેમને જે જોઈએ તે આપી દેવું એવો મમત મને અતિપ્રિય છે. માટે જ અને આ મ્હારો મમત રાખ.” “જરાશંકર, મ્હેં મ્હારું સાધ્ય બતાવ્યું. તેનું સાધન શોધવું એ પ્રધાનબુદ્ધિનું કામ છે – આવી વાતમાં કેવું સાધન વાપરવું, શો ભોગ આપવો, વગેરે વાતનો વિચાર કરવાનો શ્રમ મલ્લરાજ લેતો જ નથી. આ ધુળ જેવી તકરારોનું ગમે તે રીતે કરી સમાધાન કરી દે. મ્હારો અને મ્હારા રાજ્યનો સ્વાર્થ કેવી રીતે સાચવવો તે તને આવડે છે. તેમ કરવા જતાં ત્હારી ચતુરતામાં ભુલ આવશે તો તેની ક્ષમા આપતાં પણ મને આવડે છે. માટે જા અને મ્હારા ભણીની પૂર્ણ સત્તાથી, પૂર્ણ વિશ્વાસથી, અને પૂર્ણ સાધનથી ધારેલું કામ સિદ્ધ કરી આવ.”

“જોજે. જે રાજા સાથે તકરાર હોય તેની સાથે પણ સમાધાન કરવું અને તકરાર ન હોય તેની સાથે પણ ભવિષ્યમાં આ પથરામાટીની તકરાર ઉભી ન થાય એવા કરાર કરી દેવા. આપણા રાજ્યની સીમ એવી દૃઢ અને સ્પષ્ટ કરીને બાંધી દે કે ન્હાના બાળકને પણ તે સમજવામાં ભૂલ ન થાય અને લુચ્ચામાં લુચ્ચા માણસને પણ તે હદ ખોટી કરવાનો માર્ગ ન જડે. પરરાજ્યો સાથેનાં સર્વ પ્રકરણને એવાં શાંત કરી દે કે આ રાજયમાં તેમને પુનર્જન્મ પ્રાપ્ત ન થાય અને તેમ કરવામાં ત્હારી બુદ્ધિમાં જે કાંઈ ધરતીનું કે દ્રવ્યનું નુકસાન તરત વેઠવું પડે તે વેઠી લેવું - પણ મ્હારા રાજ્યની એક પાસે જેવી સમુદ્રે હદ બાંધી છે તેમ બીજી ત્રણ પાસ એવી હદ બાંધજે કે યાવચ્ચંદ્રદિવાકર એ હદમાં કોઈ ચાંચ બોળી શકે નહી; અને તે જ પ્રમાણે પરરાજ્યો સાથેના જે જે પ્રશ્ન હોય તેનું સમાધાન પણ એમ જ સદાકાળને માટે કરી લેજે. એ કામ થઈ જશે અટલે રત્નનગરીના ભાવી રાજાઓએ પોતાની પ્રજાને અર્થે જે કાળ રોકવો જોઈએ તે કાળ ઓછો કરવા કોઈની શક્તિ ચાલવાની નથી.”

પ્રધાનની જોડે આટલી વાત કરી જુવાનીમાં આવવા તૈયાર થતા મુળુભાનો હાથ ઝાલી વૃદ્ધ થતો મલ્લરાજ ઉછળતા આનંદથી બોલવા લાગ્યો.

“મુળુભા, સામંત જેવો મહારા રાજ્યનો સ્તંભ છે તેમ તમે મણિરાજના રાજ્યના સ્તંભ થવા યોગ્ય છો. નાગરાજ અને ઈંગ્રેજના યુદ્ધપ્રસંગે પરરાજ્યોમાં જવું પડ્યું હતું ત્યારે સામંતભાનો મ્હારે સાથ હતો અને એમની બુદ્ધિ અને પ્રીતિ મને કામ લાગી હતી. મણિરાજ આજ બાળક છે પણ તમારું વય યોગ્ય છે માટે આવા મ્હોટા પ્રસંગોનો અનુભવ આપવા અને રાજાઓમાં પ્રસંગ પાડવા તમને જરાશંકર સાથે મોકલું છું તેનો પૂર્ણ લાભ લેજો, અને વીરપુર જતાં માર્ગમાં તમારા પિતાને પણ સાથે લઈ લેજો ને તેમની ઓથમાં ર્‌હેજો.”

મુળુએ નીચાં નમી મહારાજના ચરણ સ્પર્શ્યા અને મલ્લરાજે તેને માથે હાથ મુકી આશીર્વાદ આપ્યો.

મુળુભા બોલ્યો: “મહારાજ, મ્હારા રંક પિતા ઉપર આપ ક્ષમા રાખો છો તેનો બદલો હું છોરુથી વાળી શકાય એમ નથી; પણ આપની આજ્ઞા સાથે જે કૃપા રહેલી છે તે બે હું મ્હારા શિર ઉપર ધારુંછું અને આપના વિયોગથી દુ:ખી મ્હારા પિતાને આ સમાચાર કહી આપનાં દર્શન જેવો સંતોષ તેમને વાળીશ.”

મલ્લરાજ આ ઉત્તરથી તૃપ્ત થયો અને પ્રસંગ જવા દેવો અયોગ્ય ગણી બોલ્યો.

“જરાશંકર, મુળુભાને લઈ તું સામંતને મળજે અને હવે તું મને પાછો મળે તે પ્રસંગે સામંતને મુળુભાની સાથે લાવજે.”

અતિ હર્ષમાં આવી જરાશંકર બોલ્યો: “અવશ્ય, મહારાજ, એ આનંદ પ્રસંગ ક્યાંથી ? મહાકાર્યના આરંભમાં આપ મુળુભાનું માગણું સ્વીકારો છો અને સામંતરાજ ઉપર કૃપા કરો છો તે મંગળ, શકુન થાય છે અને આપની આજ્ઞા સિદ્ધ થઈ સમજજો. સામંતરાજ અને મુળુભા જેવાં રત્નોના ધણીને શાની ખોટ પડવાની છે ?”

જરાશંકર અને મુળુ ગયા. મુળુના વંશમાં પિતાનું નામ પુત્રના નામ પ્હેલાં લખવાનો વહીવટ હતો તેથી મુળુભા સામંતમુળુ અથવા સામતમુળુના નામથી ઓળખાતો. સામંતમુળુના અંતઃકરણમાં નવા યુગનો વા વાયો હતો. પૃથ્વી અને સત્તાનો અત્યંત લોભ, પિતાને થયેલાં અપમાનથી ઉદય પામેલો ક્રોધ, તે અપમાનના નિમિત્તભૂત પ્રધાન ઉપર અને તેના કુટુંબ ઉપર દ્વેષ અને વૈર, અને રાજ્યમાં કાંઈ પણ ઉથલ પાથલ કરી જાતે આગળ આવવાની તૃષ્ણા; ઈત્યાદિ ભૂત મુળુનાં ઉગતા હૃદયમાં રાતદિવસ નૃત્ય કરી ર્‌હેતાં. તેમની સાધનભૂત ક્રૂરતા મોસાળપક્ષથી તેનામાં ઉતરી હતી; પિતૃપક્ષથી માત્ર બુદ્ધિ, કલ્પના, અને શૌર્ય તેનામાં ઉતર્યા હતાં; અને એ સર્વથી ઉઠેલા અભિલાષ મહાપ્રયત્નથી તે હૃદયમાં ગુપ્ત રાખતો હતો. એ પાછો ફર્યો તે સમયે એના બોલવામાં કાંઈ કપટ હોય, એના સ્મિતમાં કોઈ ગુપ્ત કટાર હોય, એનાં હૃદયમાં કોઈક રાક્ષસ હોય – એવો આભાસ મલ્લરાજના હૃદયમાં વીજળી પેઠે ચમકારો કરી શાંત થયો. તેને અકારણ ગણી મલ્લરાજે તેનો વિચાર ન કર્યો અને પોતે સ્વકાર્યમાં ભળ્યો.

“વિદ્યાચતુરને આ પ્રસંગોમાં સર્વ રાજકીય પુરુષોના પ્રસંગનો લાભ મળશે તો તે વિદ્યાનો લાભ મણિરાજને મળશે અને જરાશંકર પાછળ તૈયાર કરવા યોગ્ય વિદ્યાચતુરને ધાર્યો છે તે તૈયાર થશે તો રાજ્યને પણ લાભ છે” – એ સંકલ્પ મનમાં કરી વિદ્યાચતુરને નવાં કામોમાં સાથે લેવા જરાશંકરને રાજાએ આજ્ઞા કરી. જરાશંકરને તો ભાવતું હતું ને વૈદ્યે કર્યું.

આ મહાન કાર્ય કરવામાં કેટલાંક વર્ષ ગયાં. તે પૂર્ણ થતાં પ્હેલાં રાજાઓના અને ઈંગ્રેજ અધિકારીઓના કંઈ કંઈ અનુભવ થયા. ખંડણી વસુલ કરવા અને પંચનું કામ કરવા નીમાયેલા અધિકારીનાં રૂપ કાળક્રમે બદલાયાં અને મલ્લરાજનો અભિપ્રાય થયો કે તે અંતે રાજાઓના ગોવાળનું રૂપ ધરશે.

રાજાઓના પંચ નીમાયેલા અધિકારીને માથે ઉપરી સરકારે સરપંચનું કામ કરવા માંડ્યું અને સાધારણ પ્રજાવર્ગનાં માણસ એક ન્યાયાધિકારીની પાસેથી સંતોષ ન મળતાં ઉપરી ન્યાયાધિકારી પાસે શુદ્ધતર ન્યાય (અપીલ) માગવા જાય તેમ રાજાઓ એજંટ પાસેથી સરકાર પાસે જવા લાગ્યા અને તેમને માથે ન્યાયાસન સ્થપાયાં. ક્ષત્રિયત્વ, ભુલી રાજાઓ સાથે રાજાઓ વૈશ્ય યુદ્ધ કરવા મંડી ગયા, પંચ પાસે હારતાં સરપંચ પાસે શુદ્ધતર ન્યાયના ભિક્ષુક થવા લાગ્યા, અને તેમની ભિક્ષુકતા વધી તેમ તેમ પંચ-સરપંચનું ગૌરવ વધવા લાગ્યું. સાક્ષી પુરવાં ઉપર આધાર રાખતો ન્યાય શોધનાર રાજાઓનાં ભાગ્ય ક્ષુદ્ર સાક્ષીઓના હાથમાં જતાં રહ્યાં; બે પક્ષમાંથી એકનો પુરાવો ખોટો માનવો આવશ્યક થતાં રાજાઓની અને તેમના પ્રધાનોની પ્રતિષ્ઠા પંચ-સરપંચના હાથમાં જવા લાગી, અને પ્રતિષ્ઠાહાનિને ક્રમે રાજત્વ પણ હઠવા લાગ્યું. રાજાઓની આ દશા થઈ તેની સાથે પંચ-સરપંચનો અધિકાર ક્વચિત જાતે વધ્યો તો કવચિત્ વધાર્યો વધ્યો, કવચિત્ રાજાઓ એ અધિકારની શંકા ઉઠાવવા લાગ્યા તો ક્વચિત એ જ શંકાઓએ અધિકારને, સ્થાણું ખનનન્યાયનો પ્રસંગ આપી, સિદ્ધ અને સ્થિર કર્યો. ન્યાયી એજંટ હોય ત્યાં હારેલાં દ્યૂત ફરી રમવાની આસક્તિ રાજાઓને આ અધોગતિ આપવા લાગી તો અન્યાયી એજંટો મળતાં અધોગતિના ઉપરાંત દુર્દશા પણ થવા લાગી. ક્વચિત્ તો જાતે અધોગત થયલા રાજાની દુર્દશા કરી જોનારને તે જોવામાં રસ પણ પડતો. આ વાતનું એક પરરાજ્યમાંનું અવલોકન થતાં મલ્લરાજે અદ્દભુત આશ્ચર્યમાં પડી જરાશંકરને કહ્યું:–

“જરાશંકર, જો – જો - આ લુચ્ચા અને પ્રજાઘાતક ઠાકોર યમદૂતની પાસેથી દ્રવ્ય ક્‌હડાવતાં અને તેને અનેક અપમાન આપતાં આ દુષ્ટ કર્નલ ફાક્‌સ સાહેબને કેવો રસ પડે છે તે ! – અરરર ! શો કાળ આવ્યો ?”

જરાશંકર બોલ્યો – “મહારાજ, એક જણે કહેલું છે કે લીંબડાની પાકી લીંબોળીઓ, તેમાં વળી ચાંચો મારી મારી સ્વાદ લે એવી જીભ, અને એ સ્વાદ લેવાની કળામાં પ્રવીણ નીવડનાર કાકલોક:– એ સર્વનો યોગ કરવામાં પણ વિધાતાની ચતુરતા છે.”

“चित्रं चित्रं वत महदहो चित्रमेतद्धि चित्रम्
“यत्संजातो ह्युचितघटनासंविधाता विधाता ।
"यन्निम्बानां परिणतफलस्फीतिरास्यादनीया
"यज्वैतस्याः कवलनकलाकोविदः काकलोकः ॥

"યમદૂત જવું શિક્ષાપાત્ર અને ફાક્‌સ જેવો શિક્ષા કરનાર એવી જોડ રચવામાં બ્રહ્માની પણ ચતુરતા છે !”

મલ્લરાજે દીર્ઘ નિઃશ્વાસ મુક્યો. “જરાશંકર, એકને લીધે સર્વને મહાન્ અનર્થ થવાનો ! પોતાનાં છિદ્રમાં થતો વ્યાધિ નરમ પાડવા યમદૂતે રાજયનાં કેટલા અધિકાર ઈંગ્રેજને હસ્તગત કર્યા ?”

જરાશંકર – “મહારાજ ! સર્વ યાદવોના ઉન્માદ અને પ્રમાદને અંતે શ્રીકૃષ્ણના ચરણમાં રહેલા પદ્મમાં ભાલો વાગ્યો અને સર્વ યાદવને હણનાર લાકડાનો અવશેષ એ દુષ્ટ યાદવોના સંગમાં ર્‌હેનાર પરમ પુરુષને પણ પ્રાણઘાતક નીવડ્યો તો આપણે કોણ?”

મલ્લરાજ – “ખોટા ઈંગ્રેજ અધિકારીઓ હોય ત્યાં તો તેમને નીમનારનો દોષ. પણ આ તો આપણા જ રાજાઓ અને દેશીઓ સારા એજંટોને નરસા કરશે ત્યાં નીમનારનો દોષ ક્‌હાડવા ક્યાં બેસીશું ? નક્કી, સાહેબોની વાતો થાય છે તેટલી તેમનામાં અધોગતિ નથી, પણ આપણાં જ આ વૈશ્યયુદ્ધ આપણી અને તેમની અધોગતિ આણી મુકે છે ! દુષ્ટ સ્વામીને સારી સ્ત્રીઓ સુધારે છે તો ગમે તેવા સાહેબોને સુધારવા જેટલી કળા શું રાજા પ્રધાનોમાં નહી આવે ? જરાશંકર, આ હોળી મહાબળથી લાગી છે અને એની આંચ આપણને ક્યારે લાગી બેસશે તે ક્‌હેવાતું નથી. જરાશંકર, બળે એવાં લાકડાંને અડકવા લાગેલો અગ્નિ નિરંકુશપણે સર્વને બાળે અને તેમાં એકાદ લીલું ઝાડ પણ બળી જાય તે એ ઝાડના દેશકાળનું બળ ! જરાશંકર, એ કાળ આપણને અડકવા ન પામે એવો એક જ માર્ગ છે તે એ કે આ વ્યાધિને પેસવાનાં છિદ્ર આપણામાં ન પડવા દેવાં અને તે છિદ્ર પડવા કાળ આવે તેના કરતાં ધરતી, દ્રવ્ય, માન અને અંતે આ રાજમુકુટ જાય તો તેને પણ જવા દેવાં ! રાજપુત્રોમાં રાજત્વ હશે તો ગયેલાં રાજ્ય મળશે; પણ રાજત્વ ત્યજી રાજ્ય રાખવા જનારનાં રાજય પણ જશે અને રાજત્વ પણ જશે અને ગયેલું કંઈ પણ પાછું નહી આવે.”

જરાશંકર – “એ જ નિશ્ચય સત્ય છે. રાજા દેશકાળનું કારણ છે એ બુદ્ધિવ્યવસાયમાં આપનો પુરુષાર્થ છે, અને આપના પુરુષરત્નને તે જ અર્થે પ્રેરો.”

મલ્લરાજ – “રાજાઓને રાજાઓ સાથે કલહ કરાવવો એમાં ઈંગ્રેજનો સ્વાર્થ છે અને એ અર્થે એમનો ખેલ એ ચલાવશે તો એ ખેલ નિષ્ફળ કરવામાં એકલો પડીને પણ મલ્લરાજ બુદ્ધિબળ (શેતરંજ)નાં ખેલ રમશે.” આ વિચારની સાથે મલ્લરાજનું મુખારવિંદ શુદ્ધ આનંદથી ઉભરાવા લાગ્યું. સદ્‌ગુણ અને રાજ્યનીતિ જાતે જ આનંદરૂપ છે.

રાજાઓને માથે ન્યાયાસન બંધાયાં, પણ પ્રજાઓને ન્યાય આપવાને શાસ્ત્રીય ધારાઓ હોય છે તેવા ધારા રાજાઓને માટે બાંધવાનો અધિકાર સરકાર માથે લે તો રાજાઓ પોતાના અધિકારને ગયો સમજે એમ હતું. આથી રાજાઓએ ધારા માગ્યા નહી અને સરકારે કે કોઈયે બાંધ્યા નહીં. આટલા વિષયમાં “પંચ બોલે તે પરમેશ્વર” એટલો જ ધારો રહ્યો, અને રાજાઓના ન્યાયાધીશનું પંચ–સ્વરૂપ એ વિષયમાં કાયમ રહ્યું. રાજાઓના અધિકારનું રક્ષણ કરવાનું આ સાધન તેમને અનેકધા ઉપદ્રવકર થઈ પડ્યું. કીયા ધારાથી ન્યાય કરવો એ પંચની મનોવૃત્તિની વાત રહી, કીયા કારણથી ન્યાય કર્યો એનું સ્પષ્ટ કારણ દર્શાવવા પંચને માથે બંધન નહી. अन्धकारनर्त्तित જેવાં આ નિર્ણયશોધનમાં રાજાઓની આ દોડાદોડ તેમને અનેકધા ભમાવવા લાગી. સરકારની સેનાના યોદ્ધાઓ – military man - ના હાથમાં આ પંચપણું હોય ત્યારે તેમના ક્ષુદ્ર શીરસ્તેદારોના હાથમાં અધિકારસૂત્ર ર્‌હેવા લાગ્યાં તો પંડિત અધિકારીઓના હાથમાં આ પંચપણું આવે ત્યાં સરકાર સુધી ફરે નહી એવાં પ્રવીણ નિર્ણયપત્ર પરભારાં લખાવા લાગ્યાં અને એ પત્રમાંના પૂર્વપક્ષને ઉત્તરપક્ષ કરવા જેટલાં સાધનને સ્થાને બે ચાર સંક્ષિપ્ત વાક્યોમાં રાજાઓને વિધિનિષેધ થવા લાગ્યા. રાજાઓના વૈશ્યવિગ્રહનાં આ નાટકોની વાર્તાઓ, વધતી ઘટતી, ૨ત્નનગરીમાં દૂરની આગના ધુમાડાના ગોટાઓ પેઠે આવવા લાગી. આ ગોટાઓથી મલ્લરાજની આંખો ચોળાતાં, આ વૈશ્યવ્યવહારી રાજાઓને, એ વ્યવહારને પરિચિત પણ રાજાઓને અપરિચિત હાડેતુતુ ન્યાય અને માનાપમાન મળવા લાગ્યાં ત્યારે, બ્હાર દોડતી વૃત્તિઓને પાછી ખેંચી લેઈ અંતર્મુખ કરી, યોગી પોતાના નિત્ય અને સત્યસ્વરૂપમાં લીન થાય તેમ, આ અધિકારમંથનકાળે રત્નનગરીના ઉદાસીન રાજયોગીએ કરવા માંડ્યું. વિદ્યાચતુરે આ વિષયમાં એક દિવસ એવું સમાધાન કર્યું કે, “આપણા રાજાઓ જ્યારે જાતે ભ્રષ્ટ થાય છે ત્યારે પરદેશીઓ પણ તેવા ભ્રષ્ટ થતા હોય તો મોઘલાઈ પાછી આવે પણ આ પરદેશીઓની રાજનીતિના નિયમ તેમના સ્વાર્થ સાચવી અંતે પણ ન્યાય આપવાનું પ્રયોજન રાખે છે અને આપણા રાજાઓને એ ન્યાય મેળવતાં ક્લેશ પડે છે તેનાં કારણ ત્રણ છે. એક તો એ નિયમો સંપૂર્ણ ગુણવાળા, અથવા આપણા વ્યવહારને કેવળ અનુકૂળ નથી. બીજું એ કે એ નિયમો અમલમાં આણનાર અધિકારીઓમાં કંઈક ભાગ અપ્રવીણ અથવા દુષ્ટ લોકોનો છે અને સારાઓની સંખ્યા છે પણ જોઈએ તેથી થોડી છે. અને ત્રીજું એ કે આપણા રાજાઓ અને તેમનાં માણસોમાંથી દુષ્ટ પુરુષોને બાદ કરીએ તો પણ બાકીનાં માણસોમાં સદ્‍ગુણ સાથે નવા યુગની વેગવાળી ભરતી ઉપર તરવાની વૃત્તિ પણ નથી અને કળા પણ નથી. પરદેશીઓના સ્વાર્થનો ભાર તો ઝીલ્યા વિના છુટકો નથી. પણ આ ત્રણે કારણ દૂર થઈ શકે એવાં છે – જો આપણાંમાં આપણાપણું હશે તો. મહારાજ ! આપના જેવી અતૃષ્ણા અને ઉદારતા તેમ આપનો સંયમ બધાઓમાં ર્‌હેવો અશક્ય છે અને પાડોશીઓની લાતો ખાવા જેટલી સહનશક્તિ પણ ન્હાની સુની વાત નથી – તેવા રાજાઓને તો આ ત્રણ કારણ દૂર કરવા જ માર્ગ શોધવાનું છે. તેટલી કળા – તેટલો સંપ – તેમનામાં તરત આવે એમ નથી – કાળે કરીને આવે. જે વિદ્યા મહારાજ મણિરાજને અપાવો છો તેવી વિદ્યા રાજાઓમાં ઘેરઘેર જશે ત્યારે એ કાળ આવશે. માટે નિરાશ થવાનું કારણ નથી. બાકી મહારાજે સ્વીકારેલો માર્ગ તો આર્ય અને ઉદાત્ત રાજવંશીઓના હાથમાં રામબાણ થઈ પડે એવો છે એની ના કોનાથી ક્‌હેવાય એમ છે ? પણ મહારાજ, રામબાણ છોડનાર રામ તો આખા સત્યયુગમાં એક જ થઈ ગયા.”મલ્લરાજે આ યુવાનનું ભાષણ શાંત ચિત્તે સાંભળ્યું.

આ અવલોકનમાં બે ત્રણ વર્ષ ગયાં નહીં એટલામાં નવું પ્રકરણ જાગ્યું અને ઈંગ્રેજ સરકારે મોકલેલા પંચનું નવું સ્વરૂપ પ્રકટાયું. રાજાઓ રાજાઓ વચ્ચે તકરાર થતાં એ સરકારના પંચે નિર્ણય કરવો એ વાત કંઈક સમજાય એવી હતી, પણ રાજાઓ અને તેમની પ્રજાની વચ્ચેની તકરારોનો નિર્ણય કરવાનો અધિકાર આ પંચને આપવાનો વિચાર સરકાર અને રાજાઓના સંધિકાળે સ્વપ્ન કિંવા ગર્ભિત પણ ન હતો, અને એવા અધિકારનું કોઈ રાજાને સ્વપ્ન પણ થયું ન હતું. મૂળ દેશી રાજાઓ ઘણાં વર્ષથી પરસ્પરવિગ્રહમાં પડેલા હતા ત્યારે પણ તેમની પ્રજા કાંઈ સુખી હોવાનું કારણ ન હતું. તે કાળના રાજાઓ, બ્હારના કોઈને તરવારના બળવિના નમ્યું આપતા નહીં એટલા સ્વતંત્ર હતા ત્યારે એ તરવાર ઉઘાડી રાખવાના નિરંતર પ્રયાસમાં પ્રજાના સુખનો વિચાર કરવા તેમને અવકાશ ર્‌હેતો નહીં; અને યુદ્ધકાળના રાજ્ય-સ્તંભ ક્ષત્રિયો મદોન્મત્ત થઈ પ્રજાને પીડતા તેના ઉપર અંકુશ રાખી તેમના કોપનું પાત્ર થવા જેટલી હીંમત રાજાઓમાં ન હતી. આ અત્યંત દુઃખને કાળે “હાથી હાથી લ્હેડે તેમાં ઝાડનો ક્ષય” એ ન્યાયે પ્રજા ત્રાસમાં ર્‌હેતી. પણ દુઃખનો અતિશય ભાર વેઠવો પડતાં રંક પ્રાણીઓ પણ સામાં થાય છે, કાયરને પણ શૌર્ય આવે છે, અને મૂર્ખને પણ બુદ્ધિ આવે છે, તે ન્યાયે प्रजापीडनसंतापથી ધુમાઈ રહેલો હુતાશન ભસ્મમાંથી પ્રગટ થતો અને રંક પણ બુદ્ધિશાલી વાણીયાઓનાં મહાજન રાજાઓને સતાવી શકતાં અને હડતાલો પાડી તથા બીજા અનેક સાધનોથી વ્યાપારના આકાશમાં ઉડવાની પાંખો વગરના રજપુતોને ઉંચા નીચા કરતાં અને રાજાઓના રાજમહેલના પાયાને કંપાવતાં, તે જ રીતે ધર્મની સાજી નહી તો કોહેલી કમળનાળ દ્વારા સ્ત્રીવર્ગરૂપ સરોવરનું પાણી કીનારે ઉભા ઉભા પીવાની અને તે જ નાળમાં કુંકો મારી મારી એ સરોવરના પાણીમાં વેગ અને પરપોટા પ્રવર્તાવવાની કળાવાળા બ્રાહ્મણો, રજપુતો અને રાજાઓનાં અંતઃપુરમાં ચક્રવાયુ (વંટોળીયા) ઉભા કરી, સ્ત્રી અને પુરુષોની આંખો આંધળી કરી મુકતા. ઉચ્ચથી તે નીચમાં સર્વે નાતો તથા જાતોમાં – દેશાચારે પાડેલી નાતોમાં અને ધંધા અર્થે પડેલી જાતોમાં – તેમ ન્હાની શેરીઓ અને મ્હોટા મ્હોલાઓમાં બ્રાહ્મણોની બ્રહ્મપુરીઓ, વાણીયાઓની ધર્મશાળાઓ, પટેલોના ચોતરાં, વૃદ્ધોનાં ઓટલા, સ્ત્રીઓના કુવાતળાવો, કાછીયાઓનાં ચઉટાં, સીપાઈઓના ચકલાં, અને હલકી વર્ણોનાં પરાંઓ : એ સર્વે સ્થલોમાં પ્રજાપોકારનો કોલાહલ ઉઠી ર્‌હેતો, અને રજપુતોના અને રાજાઓના કાન બ્હેરા કરી દેઈ, નિદ્રાદેવીનો પાલવ પકડી રાખી, રાજવંશીઓના મ્હેલોમાં તે દેવીને સંચરવા ન દેતો. આ સામ દામ અને ભેદનાં સાધનને પણ રાજા વશ થાય નહી ત્યારે પ્રજાઓ બંડ અને હુલડના વાવટા ઉરાડતી અને પ્રજાપીડક રાજાઓનાં સિંહાસનો ઉભાં ઉભાં ડોલતાં. તે ડોલાવનાર ધરતીકંપથી જગતમાં ત્રાસ વર્ષતો ત્યારે મહાદેવ ચંડી આગળ નૃત્ય કરે તેમ મહારાજો અને તેમના વિકરાળ ગણો અને ભૂતપ્રેતો, ઉગ્ર પ્રજાદેવી આગળ કિંકર જેવા બની, એ ચંડીની કોપજ્વાળા શમે એવી ગતિથી અને એવા સ્વરથી, નૃત્ય અને ગાન કરતા. ઈંગ્રેજના સામ્રાજયને ઉદયકાળે જ રાજાઓને ઈંગ્રેજે એવું અભયવચન આપ્યું કે તેથી દેશી રાજ્યોમાં પ્રજાદેવી નિર્માલ્ય થઈ ગઈ અને તે કોમળ કુસુમમાળાની નિર્માલ્ય અને પૃથ્વી ઉપર શબવત્ પડી રહેલી પાંખડીઓ ઉપર અને તેને સાંધનાર સૂત્રો ઉપર એ મહારાજાઓ, અને એ શ્મશાનની ભસ્મ ઉપર તેમના ગણો અને ભૂતપ્રેતો, નિરંકુશ અને ક્રૂર નૃત્ય કરી ર્‌હેવા લાગ્યા. આ સર્વ વ્યુત્ક્રમ જોનાર કેટલાક પ્રજોદ્ધારના રસિક ઈંગ્રેજનાં હૃદય દ્રવ્યાં. રાજાઓની પ્રજારૂપ સિંહણના દાંત અને નખ ઉભય આપણાં અભયવચનથી નષ્ટ થઈ ગયાં અને આ પ્રજાઓના પીડનનું કારણ આપણે થયા છીએ તો એ પીડન દૂર કરવાનો અને એ પ્રજાઓના બળનો ઉદ્ધાર કરવાનો ધર્મ પણ આપણે માથે છે એવું એ ઇંગ્રેજના મનમાં આવ્યું. બાકીના ઈંગ્રેજોના, સ્વાર્થી અને રાજ્યબળના લોભી, ભાગને આ દયા ગમી ગઈ – એ દયાને નિમિત્તે દેશી રાજાઓનું રાજત્વ હીન કરી પોતાનું રાજત્વ વધારવાનું ફાવશે, એ બુદ્ધિ તેમના ચિત્તમાં વજ્રલેપ થઈ સ્વાર્થ અને પરમાર્થ ઉભય ભળ્યાં. સારા અને નરસા ઈંગ્રેજોની બુદ્ધિ આ કાર્ય સાધવામાં એકમત થઈ. માત્ર સાધનનો પ્રશ્ન રહ્યો. પાંડવો જેવા મૂઢ રાજાઓનાં દેખતાં દુર્યોધન*[૧] સરકારની ઈચ્છાથી દુ:શાસન[૨] એજંટો અનેક ક્ષુદ્ર વરને વરેલી રાજલક્ષ્મીનાં અસંખ્ય ચીર એક પછી એક આવી રીતે, અને બીજી અનેક રીતે ઉતારવા લાગ્યા; પાંચ પ્રકારની બુદ્ધિના પાંડવો પેઠે અનેક બુદ્ધિવાળા નિઃસત્વ, રાજાઓ પોતાની રાજલક્ષ્મીનાં ઉતરતાં ચીરનો ઢગલો પોતાની પાસેના રાજ્યદ્યૂતના ચોપટ આગળ એકઠો થતો બળતે ચિત્તે જોઈ ર્‌હેવા લાગ્યા; ભીષ્મપિતામહ, દ્રોણ, અને વિદુર જેવા નીચું જોઈ રહેલા વૃદ્ધોની ચિત્તવૃત્તિને પ્રત્યક્ષ પ્રતિકૂળ થતો, પોતાની ઝંઘા થાબડતો, રક્ષણ કરવા અસમર્થ નિ:સત્વ અનેક પતિઓને ત્યજી પોતાની એ એક સમર્થ ઝંઘા ઉપર બેસવા, ચીરહીન થતી રાજાઓની રાજલક્ષ્મીને, નેત્રવડે આજ્ઞા કરતો કરતો.

[૩]“દુર્યોધન ક્‌હે દુ:શાસનને - કર કર ઉઘાડું એ ગાત્ર !”

પણ પ્રજાપીડક રાજાઓને વરેલી રાજલક્ષ્મીમાં એટલો જીવ ન હતો કે આ કડીનું અનુસંધાન કરી બોલી શકે કે,

“ ધાયે પ્રભુ અનાથનકો નાથ !”

જરાશંકર અને વિદ્યાચતુર સાથે આ નવા યુગની દશા અવલોકતાં અને ચર્ચતાં મલ્લરાજ બોલી ઊઠ્યો: “અહા ! એ જ દેશ ! એ જ ઉપદેશ ! પણ કાળ જુદો છે. પાંડવો જેવા પાંચાલીને પાત્ર હતા તેમ આ આપણા રાજાઓ કંઈ રાજલક્ષ્મીને પાત્ર નથી. જરાશંકર ! ક્ષીણ પુણ્ય થતાં પૃથ્વીપર પડતા એક ઈન્દ્રને ત્યજી સ્વર્ગના રાજ્યને પાત્ર થતા નવા સુપાત્ર ઈન્દ્રને માત્ર પુણ્યની જ સહધર્મચારિણી ઈન્દ્રાણી વરે છે તેવી જ રાજાઓની રાજલક્ષ્મી છે ! રાજલક્ષ્મી રાજત્વને વરે છે અને ગુણને આધારે વેલી પેઠે ચ્હડે છે. પ્રજાપીડક રાજા તે રાજા નથી. રાજત્વવિહીન રાજાઓને અંગે ઉઠી ર્‌હેલો દુર્ગન્ધ નાસિકા આગળ આવતાં જ સુઘડ પદ્મિની રાજલક્ષ્મી ત્રાસે છે અને ન્હાસે છે. ઈંગ્રેજ તેને યોગ્ય છે તો રાજલક્ષ્મી તેને વરે છે. જે સ્વામી રાજલક્ષ્મીને અયોગ્ય થાય છે તેની પાસે એ ઈન્દ્રાણી ર્‌હેતી પણ નથી. નક્કી, આમાં કાંઈ અયોગ્ય હોય એવું લાગવાનું કાંઈ કારણ દેખાતું નથી – સૂક્ષ્મ દૃષ્ટિએથી જોઈએ તો.”


  1. *જેની સાથે યુદ્ધ કરવું દુસ્તર રહે તેવા
  2. † જેનાં શાસન દુર્વાર છે તેવા.
  3. લૌકિક પદમાંથી.
ચારે પાસ સળગી રહેલી આગને જોનારાંની પાસે બળવાન

કાળપવને એ આગનો ઝપાટો લગાડ્યો, પવનના અચીન્તયા ઝપાટાથી આગના ભડકાથી એક ઉંચી શિખ આડી થઈ મલ્લરાજના રાજ્યગૃહસાથે ઝપટાઈ અને રત્નનગરીના સર્વ રાજ્યાધિકારીઓ, નિદ્રામાંથી એકદમ ચમકી, જાગી, ઉભા થઈ સજ્જ થઈ ગયા.

કુમાર મણિરાજ રાજ્યનો પ્રત્યક્ષ વારસ ખરો, પણ તેને અભાવે સામંત વરસ થાય અને તેને અભાવે મુળુભા થાય. આવા વારસોને રાજયનું કલ્યાણ ઈચ્છી રાજ્યપ્રસંગોમાં કેળવણી આપવી એવો રત્નનગરીના રાજાઓનો પ્રાચીન કુલાચાર હતો. નાગરાજે સામંતને આવી કેળવણી આપી હતી, અને મલ્લરાજે મુળુને જરાશંકર જોડે મોકલ્યો તેનો પણ આવો જ અભિપ્રાય હતો, પણ પ્રત્યક્ષ વારસોને અપ્રત્યક્ષ વારસો સાથે અતિનિકટ સહવાસ રાખવાથી રાજ્યલોભનો વિષદંશ અપ્રત્યક્ષ વારસોના ચિત્તમાં ઊત્પન્ન થવાની ભીતિ, અને પ્રત્યક્ષ વારસોને જીવની હાનિની ભીતિ, હોવાનું લક્ષ્યમાં રાખી એ બેને અતિનિકટ સહવાસ રાખવામાં આવતો નહીં. છતાં તે બેના પરસ્પર સ્નેહ ઉપર રાજ્યનો આધાર ગણી તેમને અત્યંત દૂર પણ રાખવા દેવામાં આવતા નહી, અર્થાત્ તેમનો પ્રસંગે પ્રસંગે નિર્ભય દેશકાળે સહવાસ વધારવામાં આવતો. સામંતનું ચિત્ત નિર્મલ હોવાથી એના ભણીથી કોઈ જાતનું ભય મલ્લરાજને થયું ન હતું. પણ મુળુનો સ્વભાવ જાતે અસંતુષ્ટ હતો તેમાં પિતાના તિરસ્કારનું કારણ મળ્યું ત્યાર પછી તેના ચિત્તમાં કોઈક જાતની અતર્ક્ય ચંચળતા ઉત્પન્ન થઈ અને મલ્લરાજ સામે તેનામાં સ્વભાવબદ્ધ વૈર રોપાયું. મલ્લરાજ તેને જે જે આદર બતાવે તેના અર્થ તે અવળા જ કરવા લાગ્યો અને રાજા મ્હારાથી ડરે છે અને મને શાંત રાખવા આદર દર્શાવે છે એવું એ કલ્પવા લાગ્યો; મણિરાજનો સહવાસ થતાં આ ધીર અને શાંત બાળકને એ નિર્માલ્ય, નિસ્તેજ, અને બુદ્ધિહીન ગણવા લાગ્યો અને એવો કુમાર રાજ્ય ભોગવશે જાણી રાજ્યની દયા આણવા લાગ્યો. આવો કુમાર રાજા થશે ત્યારે પ્રધાનો ફાટી જશે અને વિદ્યાચતુર કર્તાહર્તા થશે એ પણ તેના મનમાં સિદ્ધ થયું. યુવાન મુળુનું ચિત્ત દિવસે દિવસે આવા નિશ્ચયે કરી ઉદ્રિક્ત થયું; પણ પોતાના ઘરમાં પોતાના પિતાની રાજભક્તિ સમક્ષ એ ચિત્તમાંથી વરાળ સરખી ક્‌હાડવા જેટલી ધૃષ્ટતા એનામાં આવી શકતી ન હતી. માત્ર માતાપાસે કવચિત્ ધ્વનિ ક્‌હાડતો અને અનુકૂળ પ્રતિધ્વનિ સાંભળતો. એક દિવસ બ્હીતે બ્હીતે પિતા પાસે પ્રસંગ જોઈ રાજા સામું કંઈક કટાક્ષનું વચન તે બોલી ગયો; પણ તે વચન નીકળતાં જ સુતેલા સ્વામી ઉપર બંદુક તકાતી જોઈ તાકનાર ઉપર બુદ્ધિમાન પતિભક્ત વિકરાળ કુતરો ઉછળી પડે તેમ સામંતે મુળુને કર્યું, અને તે દિવસથી મુળુના ઉત્સાહ ભગ્ન થઈ ગયા અને તે નિરાશ ર્‌હેવા લાગ્યો. જરાશંકર સાથે રજવાડાઓમાં ફરવાનો પ્રસંગ મળતાં મુળુએ ખાચર સાથે મિત્રતા કરી અને ઘરમાં ભગ્ન થયેલી આશા ઘરબ્હાર સાધવા માંડી. ખાચર સાથે પત્રવ્યવહાર અને પ્રીતિ વધાર્યા, રત્નનગરીના ગુપ્ત રાજમંત્ર ફુટવા લાગ્યા. અને ૨ત્નનગરીમાંથી જ ખાચરના મનોરથ સિદ્ધ થવાના સાધન મળવા લાગ્યાં. સરકારના એજંટ કર્નલ ફાક્‌સ ઉપર રાજયવિરુદ્ધ નનામાં કાગળો જવા લાગ્યા. રાજાઓ સાથે સર્વ તકરારો હોલવવાના ઉપાય ઈંગ્રેજ ઉપરના તિરસ્કારનું કાર્ય છે અને મલ્લરાજ ઈંગ્રેજથી પરોક્ષ રીતે રાજાઓ સાથે સંધિ કરવા પ્રયત્ન કરે છે એવો પત્ર ફાક્‌સ સાહેબને પહોંચ્યો. રાજાઓ ચારચક્ષુ છે. મહારાજને આ સર્વ વાત વિદિત થતાં વિલંબ થયો નહી, પણ તેણે ધૈર્ય તથા શાન્તિ રાખી દીઠેલું ન દીઠું કર્યું, જાણેલું ન જાણ્યું કર્યું, અને સર્વ વાતમાં માત્ર સાક્ષિદશા ધારી. મુળુ અને ફાક્‌સ એમ જ જાણતા કે એ વાત કોઈ જાણતું નથી. સર્વરાજાઓ સાથે કરવા ધારેલા સંધિ સંપૂર્ણ થયા ત્યારે ખાચર સાથે સંધિ કરવામાં જરાશંકર તથા સામંત ફાવ્યા નહી. ફાક્‌સ સાહેબ ભણીથી મલ્લરાજ ઉપર પત્ર ઉપર પત્ર આવવા લાગ્યા અને જરાશંકરે દીધેલા સર્વ ઉત્તર નિરર્થક ગયા. ફાક્‌સ સાહેબે મહારાજ અને ખાચર વચ્ચે નિર્ણય કરવાની ત્વરા કરવા માંડી. જરાશંકરને મુળુનાં કર્તવ્યના સમાચાર રાજાએ કહ્યા ન હતા તેથી જરાશંકરને સામંતના ઉપર વ્હેમ ગયો કે એ મને આમાં ફાવવા દેતો નથી. સામંત તે સમજતો, પણ મ્હોડે લાવતો ન હતો; કાળક્રમે ફાક્‌સ સાહેબ, ખાચર, અને મુળુ એક થયા. તેમની વચ્ચે ખોટે નામે અને ગૂઢાક્ષરમાં પત્રવ્યવહાર ચાલવા લાગ્યો, એક દિવસ મુળુ ઉપર ફાક્‌સ સાહેબના નામનો દેખાતો પત્ર સામંતના હાથમાં આવ્યો અને પોતાને માથે રહેલો આરોપ દૂર કરવાનું સાધન ગણી સામંતે આ પત્ર મલ્લરાજના હાથમાં મુક્યો. આ પત્રમાં મુળુને લખેલું હતું કે મલ્લરાજ રાણીસરકારનો શત્રુ છે અને તે શત્રુતાના પ્રયોજનથી ખાચર સાથે ગુપ્ત સંધિ સાધવા પ્રયત્ન કરે છે, અને તે વીશે મુળુએ સરકારમાં પુરાવો કરવો પડશે. આ પત્ર મલ્લરાજના હાથમાં મુકતાં સામંતના નેત્રમાંથી અશ્રુધારા ચાલી અને તે બોલ્યોઃ

“મહારાજ, મ્હારા કુળમાં અંગાર ઉઠ્યો છે તે એક ક્ષણ પણ જીવવા યોગ્ય નથી. ગમે તો એના વધની આપ કોઈને આજ્ઞા કરો અને તેમ કરવામાં આપ આંચકો ખાતા હો તો મને આજ્ઞા કરો એટલે એ દુષ્ટનું માથું લાવી આપના ચરણ પાસે મુકું. રત્નનગરીમાં આવો કુલાંગાર સાંભળ્યો કે દીઠો નથી.”

સામંતની આંખ દુ:ખ અને ક્રોધથી રાતી થઈ ગઈ અને તેનું વૃદ્ધ થતું શરીર કંપવા લાગ્યું.

જરાશંકર બોલ્યોઃ “મહારાજ, સામંતભાએ આજ અત્યંત રાજભક્તિનું દૃષ્ટાંત બતાવી આપ્યું છે તેના બદલામાં એમની વૃદ્ધાવસ્થામાં એમને આ શિક્ષા કરવી ઘટતી નથી. વળી મુળુભા ઉપર આ પત્ર આવ્યો એટલા ઉપરથી એ પત્રના લેખ વીશે તેને માથે આરોપ મુકવા યોગ્ય નથી.”

મલ્લરાજ સ્મિત કરતો કરતો બોલ્યો : “જરાશંકર, વિદ્યાચતુરે પેલો શ્લોક કહ્યો હતો તે બોલ અને સામંતને સમજાવ.”

જરાશંકર બોલવા લાગ્યો.

“સામંતભા, આ શ્લોકમાં એક સમર્થ પુરુષ ક્‌હેછે કે આકાશ ને પૃથ્વી ભળે છે ત્યાં આગળ મદ ધરનાર મ્હોટા ઉન્મત્ત હાથીઓ ગાજી રહ્યા છે, આણી પાસ હાથણો ઉભી છે પણ તે સ્ત્રીજાતિ હોવાથી દયાને પાત્ર છે - તેની સાથે યુદ્ધ યોગ્ય નથી, અને છેક પાસે મૃગલાં ઉભાં છે તે કાંઈ સમાન–શીલ નથી, તો વનરાજ સિંહ એમાંથી પોતાના તીવ્ર નખનું પાણ્ડિત્ય કોના ઉપર બતાવે ? આ હું કહું છું એ શ્લોકનો સાર છે :–

“दिगन्ते श्रूयते मदमलिनगण्डाः करटिनः
"करिण्य कारुण्यास्पद्मसशीलाः खलु मृगाः ।
"इदानीं लोकेऽस्मिन्ननुपमशिखानां पुनरयम्
"नखानां पाण्डित्यं प्रकटयतु कस्मिन् मृगपतिः ॥"*[૧]

  1. * ભામિનીવિલાસ.
“આ અન્યોક્તિ મ્હારી પાસે શા વાસ્તે ક્‌હેવડાવી તે તો

ક્‌હેવડાવનાર મહારાજ જાણે। બાકી સામંતભા, પુત્રનું બળિદાન આપવા સજજ થઈ આપે બતાવેલી રાજભક્તિ આગળ અમે તો ક્ષુદ્ર જંતુ છીએ અને છોકરવાદીનું વય જતાં મુળુભા પણ આપના જેવા રાજ્યસ્તંભ થાવ એવો આ બ્રાહ્મણનો આશીર્વાદ છે. જરાશંકર જેવા કંઈક આવશે જશે પણ સામંતરાજ જેવા રાજભક્ત સિંહ તો એના જ વંશમાં થશે.”

સામંતે જરાશંકરનું વચન સાંભળ્યું ન સાંભળ્યું કર્યું અને મલ્લરાજ સામે દૃષ્ટિ સ્થિર કરી રાખી થોડીવાર કોઈ બોલ્યું નહીં. અન્તે થાકીને સામંત બોલ્યો.

“મહારાજ, હું કાંઈ મ્હારી સ્તુતિ સાંભળવા આવ્યો નથી. મ્હેં કરેલી વિજ્ઞપ્તિનો ઉત્તર આપો.”

મલ્લરાજ – “ આ શ્લોકમાં ઉત્તર જ છે.”

સામંત – “હું શ્લોક સમજતો નથી – મને ઉત્તર આપો.”

મલ્લરાજ – “શ્લોક સમજે તો ઉત્તર આપું.”

સામંત – “ જો આપની આજ્ઞા જ હોય કે મ્હારે શ્લોક પ્રથમ સમજવો અને પછી ઉત્તર માગવો તો તે આપનો અધિકાર છે.”

મલ્લરાજ – (હસીને) “પણ “સમજાવો” એમ તું સ્પષ્ટ માગનાર નહી. ભલે આજ્ઞા ગણીને સમજ. હવેના યુગમાં, રાજાઓની પાસે રંક મૃગલાં જેવી તેમની પ્રજા પડી છે તેને કચરી નાંખવી હોય તો નવરા સ્વામીને સ્ત્રી ઉપર શૂર થવાનું છે. એથી છેટે આ સ્ત્રીજાતિ જેવા બીજા રાજાઓ પડોશમાં હાથણોનાં ટોળાં પેઠે ભમે છે તે સ્ત્રીઓની મૃગયા તે શૂરમૃગયા નથી. પણ છેક છેટે એ હાથણોના સ્વામી મદોન્મત્ત હાથી જેવા ઇંગ્રેજ લોક ગર્જના કરી રહ્યા છે તેમના સામે પોતાના નખનું પાણ્ડિત્ય બતાવવું હોય તો રત્નનગરીના રાજાઓમાં હતું તે નાગરાજ મહારાજે બતાવી દીધું છે અને હવે સિંહ અને હાથીની મિત્રતાના કાળમાં માત્ર મૈત્રીપાણ્ડિત્યને જ અવકાશ છે. હવે તો નવરો સ્વામી સ્ત્રીઉપર શૂરત્વ દેખાડે તેવું શૂરત્વ ધરી, મૃગ જેવી પ્રજાના પતિ એટલે પાલણ કરનારનું કામ મુકી દઈ, તે પ્રજાને જ પંઝો દેખાડવો એ તો બાયલાઓનું કામ છે તે તું મને બતાવે છે. ક્‌હે, ઉત્તર મળ્યો ? ” સામંત સ્તબ્ધ થઈ થોડીવાર બોલ્યા વગર જોઈ જ રહ્યો. અંતે બોલ્યો – “પ્રજાનું રક્ષણ કરવું પડે માટે શું તેને આપણે માથે પણ ચ્હડવા દેવી એવું શાસ્ત્ર છે? મહારાજ, એવાં શાસ્ત્ર ક્‌હાડશો તો ગાદી છોડી કાલ સવારે સંન્યાસી થવું પડશે.”

મલ્લરાજ હસ્યો: “તે પ્રજાના કલ્યાણ વાસ્તે ક્ષત્રિય રાજા સંન્યાસી થાય તો તેમાં શું અયોગ્ય છે ?”

“મહારાજ, ક્ષમા કરો, આમાં પ્રજાનું કલ્યાણ આવી ગયું હોય એમ હું દેખતો નથી. બાકી આપની ઉદારતા તો ખરી. પણ ઘણું વખત ઉદારતા એ માત્ર લોકમાં પ્રિય થવાનું મૂર્ખાઈભરેલું સાધન છે અને એ ઉદારતા બતાવી લોકોને લડાક બનાવી મુકશે તો જેનું કલ્યાણ ઈચ્છો છો તેને જ બેસવાની ડાળ કાપવાનું શીખવાશે.”

મલ્લરાજ – “સામંત, તું ભુલી જાય છે કે મુળુભા મલ્લરાજની પ્રજા જ છે એમ નથી પણ મણિરાજ જેવો મ્હારો પુત્ર છે એવો મુળુ પણ છે.”

સામંત – “જો એમ હોય તો સામંતને શિક્ષા કરી તેથી સોગણી મુળુને કરવી જોઈએ. પણ આપ એને પારકો ગણો છો માટે જ શિક્ષા કરતા નથી.”

મલ્લરાજ – “જે પિતા પુત્રને એટલો દૂર કરે છે કે તે ફરી સમીપ આવે જ નહીં તે પિતા પુત્રને અપુત્ર કરે છે.”

સામંત – “મહારાજ, હું હાર્યો. તો એવી શિક્ષા કરો કે પુત્ર અપુત્ર થવાનું ભુલી જાય.”

મલ્લરાજ – “હવે બોલ્યો તે ક્રોધ ત્યજી સાત્ત્વિક વૃત્તિની વાત કરી. રાજાઓએ રાગદ્વેષનો ઉપદેશ સાંભળવો પણ નહી અને કરવો પણ નહી. હવે તને સાત્ત્વિક વૃત્તિ થઈ તો ત્હારી સાથે ચર્ચા કરવાને તું અધિકારી થયો તો સાંભળ. ન્યાય જોવો એ રાજાપ્રજાના સંબંધમાં રાજાઓનું એક કર્તવ્ય છે પણ ન્યાય કરતાં રાજનીતિ મ્હોટી છે, ન્યાય એ રાજનીતિનું એક શસ્ત્ર છે – અને પ્રજાવર્ગ પરસ્પર વિરોધ ન કરે માટે એ શસ્ત્ર નિરંતર સજ્જ રાખવાનું છે. રાજાપ્રજા વચ્ચે વિરોધ થાય ત્યારે એ શસ્ત્ર ક્વચિત્ વપરાય છે, પણ ઘણું ખરું એ શસ્ત્ર એ પ્રસંગે યોગ્ય નથી. રાજાપ્રજાનો સંબંધ ક્‌વચિત્ સ્ત્રીપુરુષના જેવો હોય છે - તે કાળે જે માર્ગથી તેમનાં ઐક્ય અને પ્રેમ વધે એવા શસ્ત્ર યોગ્ય છે. ક્‌વચિત્ એ સંબંધ પિતાપુત્ર જેવો છે - તે કાળે બાળકોનો પિતાપ્રતિ વિશ્વાસ વધે અને પિતા ભણીથી દંડનું ભય સરી ન જાય અને એ બાળકનાં કલ્યાણ અને વૃદ્ધિસમૃદ્ધિની વાડીમાં રાજાએ માળીનું કામ કરવાનું તે કરવામાં રાજાની શક્તિ ઘટે નહીં પણ વધે એવા માર્ગે - એ પણ - રાજનીતિનાં રામબાણ જેવાં અસ્ત્ર છે. આ અને બીજાં અનેક શસ્ત્રાસ્ત્રમાંથી કીયું વાપરવાનો દેશકાળ છે એ વિચાર ન કરતાં જે રાજા માત્ર એકાદ શસ્ત્રને રાગદ્વેષથી જ પકડે છે કે ત્યજે છે તે રાજા કુપથ્યનું સેવન કરે છે અને કરાવે છે અને કેવળ નરકનો અધિકારી થાય છે. સામંત, મુળુ બુદ્ધિમાન છે તે એક પ્રસંગે ભુલ કરી બેઠો માટે હંમેશ કરશે એવું ધારવાનું છોડી દેઈ ફરી એ ભુલને માર્ગે ન ચ્હડે એવું સુઝે તો બસ છે. ઈંગ્રેજે અને ખાચરે દેખાડેલી મુઠીમાં સાકર નથી પણ ઝેર છે, માટે એ મુઠી એની પાસે ઉઘાડવાને પ્રવૃત્ત થયેલાઓ મુળુને મૂર્ખ સમજી એની પાસે મુઠી ઉઘાડે તે પ્રસંગે ઉઘાડવા દઈ તેમાંનું ઝેર ઝુંટાવી લેઈ સાકરને ઠેકાણે જાતે ખાય નહીં એટલી કળા મુળુને આવડે તો ઓછી વાત નથી.”

સામંત – “મહારાજ, આ બધું ગોળ ગોળ અત્યારે સ્પષ્ટ સમજું એમ નથી. માટે મને સ્પષ્ટ વાત ક્‌હો.”

મલ્લરાજ - “જરાશંકર, સામંતે ચણેલો ગઢ મ્હેં તોડી પાડ્યો. હવે એ ગઢની અંદરની વ્યવસ્થા કરવાની રહી તે તું કર અને સામંતને સંતુષ્ટ કર.”

જરાશંકર આ અરસામાં ઉંડા વિચારમાં પડ્યો અને તેના કાન ચાલતી વાતો સાંભળતા હતા ત્યારે એનું મસ્તિક આ ગુંચવારામાંથી બ્હાર નીકળવાનો માર્ગ શોધતું હતું. મલ્લરાજના વાક્યથી એ માર્ગ મળ્યો તે ધીમે ધીમે વિચાર કરતો કરતો બોલવા લાગ્યો, અને ક્‌વચિત્ શબ્દે શબ્દે તો ક્વચિત્ વાકયે વાકયે સામાથી સમજાય નહી એ રીતે મનમાં વિચાર કરતો હતો.

“સામંતરાજ, ખાચરની સાથે જે સન્ધિ કરવા આપણે સઉ પ્રયત્ન કરીને છીયે તેમાં પ્હેલો અંતરાય મુળુભા છે એમ આપના ક્‌હેવાથી સમજાય છે. બીજો અંતરાય ખાચરનો તો ખરો જ, અને ત્રીજો એજંટ સાહેબનો. ખાચરના રાજ્યને આ અંતરાયથી એવો લાભ નથી, કારણ જો એ આમાં અંતરાયરૂપ ન થાય તો મહારાજની ઉદારતાથી આપણે એની સાથે એવો સંધિ કરવા પ્રયત્ન કર્યો છે કે તે સંધિથી ખાચરને એકલો લાભ અને આપણને એકલી હાનિ જ થાય. અર્થાત્ પૃથ્વી અને દ્રવ્યનો પ્રત્યક્ષ લાભ માત્ર પોતાના જ પક્ષને મળે છે તેનો તિરસ્કાર કરવા ખાચર ઉભો થયો છે તે કેવળ દુરાગ્રહનું ફળ છે એમ ગણીએ તો ખાચરને દુરાગ્રહી ગણવો પડે. ખાચર દુરાગ્રહી નથી – મમતી પણ નથી. પણ આપણને નમતા દેખી એના ચિત્તમાં વધારે શંકા ઉત્પન્ન થઈ હોય અથવા એજંટે એને કાંઈ વધારે લાલચ દેખાડી હોય અથવા મુળુભા અને ખાચર એ સમાન વયના સ્નેહી હોવાથી અન્યોન્યાશ્રયની ગાંઠથી બંધાયા હોય અને એ ગાંઠથી સત્તાનો લોભ ઈચ્છી પરસ્પરની સત્તા વધારવા ઈચ્છતા હોય – આવાં કાંઈ કારણને લીધે જ ખાચર આપણી સાથે એકમત થતો નથી એમ મને લાગે છે. સામંતરાજ, આપે મને ક્ષમા આપી એવું હું માનું છું - પણ મુળુભાના મનમાંથી એ ડાઘ ગયો નથી. આપને ખબર છે કે આપને થયેલા અપમાનમાં મહારાજે કરેલી આજ્ઞામાં પ્રધાનનો હાથ નથી - આપ આ વાત માનશો – યુવાન મુળુભા ન માને એ સ્વાભાવિક છે. આ અવસ્થામાં આપ મ્હારો પક્ષ લેશો તેનો મુળુભા અવળો નહી તો જુદો જ અર્થ કરશે. માટે મ્હારો પ્રથમ અભિપ્રાય એ છે કે આ વિષયમાં થોડો કાળ આપે મુળુભા પાસે એવો આભાસ પડવા ન દેવો કે એ આપને અમારા પક્ષના ગણે.”

સામંત ઓઠ કરડતો બોલ્યો: “પછી ?”

જરાશંકર – “પછી આપ મુળુભાના હૃદયના મિત્ર બનો. એના વિશ્વાસના પાત્ર બનો. એનું હૃદય આપની પાસે એ જાતે ઉઘાડે એમ કરો. ખાચર અને એજંટની વાતો અને પત્રવ્યવહાર વગરભયે એ આપને સમજાવે એમ કરો. અને અંતે ખાચર પણ આપના ઉપર વિશ્વાસ કરે એ સમય લાવો. સામંતભા, શત્રુના ઘરમાં અમારા શત્રુ ગણાઈ પેસવા પામો. બુદ્ધિમાન્ મુળુભાને – મુળુભા પણ ચેતે નહી અને જડ હોય એમ ખાચરના એ ઘરમાં ખાતર પાડવાના ખાતરીયાને ઠેકાણે વાપરો. મુળુભાને પ્રત્યક્ષ શિક્ષા કરવાનું છોડી દેઈ એનો આ ઉપયોગ કરો અને ધારેલો સંધિ સાધો.”

સામંતને કંઈક વિશ્વાસ પડ્યો. તેનાં ચિત્તમાં કાંઈક શાંતિ થઈ. તે ધીમો પડી પુછવા લાગ્યો,

“પણ માણસ કામ કરે આશે કે ત્રાસે. મુળુનાં ચિત્તમાંથી ત્રાસનું બીજ તો તમે ક્‌હાડી નાખ્યું. તમને અને ખાચરને એક ગાંઠે સાંધવાનો અભિલાષ મુળુ શી રીતે ધરશે ?”

જરાશંકર – “મહારાજ તો હાલ મ્હારી આંખે દેખે છે - ખાચરની જોડે સંધિ કરવામાં મુળુભા ફાવશે તો મહારાજ મુળુભાની આંખે દેખતા થશે - વર્તમાન ચિત્રમાં હું આ ઉંચી સ્થિતિયે છું તેને ભવિષ્યકાળના ચિત્રમાંથી ભુસી નાંખવો અને તેને સ્થાને મુળુભાને તેજસ્વી રંગો વડે પ્રતિષ્ઠા આપવી: આ આશાથી મુળુભા આપને અનુકૂળ થઈ જશે. સામંતરાજ ! ખાચરની મિત્રતા શોધવાથી મુળુભા આ રાજ્યમાં જ લાભ શોધે છે, તે લાભનો તેને આ માર્ગ દેખાડો. મુળુભાના કોમળ હૃદયમાં હાલ ભૂત નાચે છે તેને આ શીશીમાં ઉતારો. મને દૂર કરવાને નિમિત્તે આપ, મુળુભા, ખાચર, અને અંતે મહારાજ – સર્વ એક પંક્તિમાં બેસી જાવ અને ધારેલો સંધિ સાંધો.”

સામંત – “પણ એજંટનું શું કરવું ? અને સર્વને અંતે નિરાશ થયલા ખાચર અને મુળુ તમારા સર્વના સામા બમણા ક્રોધથી કુદશે એટલે આજ કરવાનો વિચાર વધારે કઠણ થઈ પાછો એવો ને એવો ઉભો ર્‌હેશે. તે વિચાર્યું?”

જરાશંકર – “એજંટનો વિચાર એટલો કે આપણે અને ખાચર એક થઈશું એટલે એ પડશે જુદો. આ એના નામનો પત્ર આપના હાથમાં છે તે એનો હોય કે ન એ હોય. એનો ન હોય અને આપણે છેતરાતા હઈએ તો એ પત્ર ઉઘાડો કરવાથી અને એને માથે આરોપ મુકવાથી એને આપણને નુકસાન કરવાનું ઘણી રીતે સાધન મળશે. એ પત્ર એનો હશે તો એ કબુલ કરવાનો નથી, અને એના ઉપરીઓ પાસે એ સાચો અને આપણે જુઠા, એટલે એ પત્ર એનો ન હોય ને નુકસાન થાય તેટલું જ નુકસાન. એનો હોય અને એ કબુલ કરે તો પણ હું લાભ દેખતો નથી. એ પત્રમાં એ આપણા ઉપર આરોપ મુકે છે અને એ પત્ર એના હાથમાં મુકી આપણે એના આરોપી ઉઘાડી રીતે થઈ બળવાન શત્રુ સાથે ઉઘાડું યુદ્ધ માંડી એના જ ઉપરીઓ પાસે ન્યાય માગવા જવું, જીતીને કાંઈ લેવાનું નહી ને હારીને ખોવાનું બધું: એ માર્ગ ઈશ્વર આપણા ઉપર બળાત્કારે નાંખે ને લેવો પડતાં ઉગરવા યુદ્ધ કરવું પડે એ જુદી વાત. પણ જાતે જ એ માર્ગ શોધી લેવો એ તો - આવ કુહાડા પગ ઉપર - જેવું થાય. એમાં જીત્યા તો આ સાહેબના પછીનો સાહેબ એના કરતાં સારો આવશે એવું માનવાને કારણ શું ? જે આવશે તે આ એના જાતભાઈનું વેર આપણા ઉપર નહીં રાખે તેની ખાતરી શી ? એ નવો માણસ વેર રાખી ફરી નવું પ્રકરણ ઉભું કરે અને આપણે બીજી વાર ફરીયાદી કરવા જવું પડે તો આપણને ફરીયાદ કરવા ટેવ પડી ગઈ એમ ગણવાનો પુરાવો આપણે આપીશું, અથવા તો જે વહુને સાસરે સઉની સાથે ન બને તો વહુનામાં પોતાનામાં જ કંઈક દોષ હોવો જોઈએ એવું અનુમાન થવાનું. સામંતરાજ, ખાચરને એની સાથે બનાવતાં આવડે ને આપણને ન આવડે તો આપણી આવડ ઓછી. આ સઉનો ઉપાય એ જ છે કે આ પત્ર ગુપ્ત રાખી મુકો, આપણે અને ખાચર એક થઈએ અને એજંટ જાતે એકલો જુદો પડી હાલ એના સામા આપણને એકલાને દેખે છે તેને સાટે એ આપણને અને ખાચરને બેને એકઠા સંધાઈ એકઠા ઉભેલા અને હાથ ઉપાડતાં જાતે જ ડરે એવું કરો. એને આપણા સંધિનો પંચ મટાડી નોંધણીદાર કરીશું, એટલું એને સારું લગાડી એના મનનું વૈર શાંત કરવાનો માર્ગ છે."

મલ્લરાજ – “સામંત, આટલું કરતાં તો તને આવડવાનું.”

સામંત – “મહારાજની આજ્ઞા થઈ તે કંઈ ન આવડવાનું નથી. હશે, એજંટનું ગમે તે થાય તેની મ્હારે પંચાત નથી. પણ મ્હારા કુળમાં ઉઠેલો અંગારો વધારે ગરમ થશે અને આજ ઉઠાડું છું તે પ્રશ્ન ફરી ઉઠવાનો તેનું શું ? મહારાજ, કશ્યપ જેવા મુનિના ઘરમાં હિરણ્યકશિપુ જેવા દૈત્ય જન્મ્યા, તેવું મ્હારે થયું છે; અને આ ઉગતા શત્રુને ઉગતો જ ડાબવો એ રાજનીતિનો ધર્મ છે. એનું બળ વધારી પછી ડાબવાનું રાખવું એ દેખીતી મૂર્ખતા છે. મહારાજ, પ્રધાનજીને અપમાન કર્યાની આપે મને શિક્ષા કરી તે મને યોગ્ય લાગી છે; અને મ્હારા અંતઃકરણમાંથી મને એ શિક્ષા યોગ્ય ન લાગી હોય તો મને ઈશ્વરની આણ છે. અહો ! એ શિક્ષા કરી આપે મને મહાદોષમાંથી બચાવ્યો છે અને જે રાજધર્મનો આપે મને એ નિમિત્તે ઉપદેશ કર્યો છે તે સારુ હું આપનો આભારી ન થઉ તો હું આપણા ઉત્તમ વંશમાં જન્મવા યોગ્ય ન હતો એવું જ ક્‌હેવું પડે. મહારાજ, હું પ્રતિજ્ઞાપૂર્વક કહું છું કે જરાશંકર ઉપર મ્હારા મનમાં રજ પણ કલંક નથી ઉપજયું; અને આપ અને જરાશંકર ઉભયે મને શુદ્ધ ક્ષમા જ આપી હોય તો, આપણું સૂર્યવંશમાં જ ભરતે જેવો દુષ્ટ કૈકેયીનો ત્યાગ કર્યો હતો તેમ જ, મને આ મ્હારા કુળના અંગારનો ત્યાગ અને નાશ ઉભય કરવા દ્યો. એટલું હું આપની પાસે માગી લઉછું, અને તે માગવાને ભરત જેમ રામચંદ્રજીને પગે પડ્યા હતા તેમ હું આપને પગે પડું છું અને મ્હારું હૃદય શુદ્ધ છે તેના શપથ લેઈ આપના પવિત્ર ચરણ સ્પર્શ છું.”

મહાપ્રચણ્ડ વંટોળીયો પર્વતની તળેટી આગળ પૃથ્વી ઉપર સુઈ જાય અને ક્ષણ પ્હેલાં આકાશમાં ઉભેલું એ વંટોળીયાનું શિખરચક્ર પર્વતના પાદમાં લીન થાય, તેમ આ બળવાન યોદ્ધાનું પ્રચણ્ડ ઉચું શરીર એકદમ મલ્લરાજના ચરણ પાસે દંડવત્ પ્રણામ કરવા સુઈ ગયું; સામંતના શિરનું મંડીલ મલ્લરાજના પગ ઉપર પડ્યું. એના નેત્રમાં અશ્રુની ધારા ચાલી રહી, અને એના દુઃખને ઉછળતો ઉષ્ણ નિઃશ્વાસ એનું હૃદય કંપાવતો હતો તેના ધબકારા ગદ્‍ગદ થતાં કંઠ આગળ પ્રયાણ કરતા સંભળાયા. જરાશંકર સ્તબ્ધ થઈ ગયો – પાષાણ જેવો જડ બની ઉભો. મલ્લરાજનું હૃદય ઓગળી ગયું, અત્યંત સજળ નયનથી તે વયોવૃદ્ધ ભાઈને - જુના મિત્રને – પરમ રાજભક્તને - પોતાના પગ ઉપરથી ઉઠાડવા ત્વરાથી નીચે નમ્યો, અને નમતાં નમતાં મેનારાણીના દ્વાર ભણીથી ભણકારા સાંભળવા લાગ્યો કે,

“સામંતશિરના મુકુટમણિથી પદ-પાવડી સોહાય,
“એ મણિધર૫ર ભાર ક્ષમાનો અચળ ટકાવો ક્ષ્માનાથ !
“મહારાજ ! રંક...મેના રટે તમ પા....સ !”

પડેલા બન્ધુશરીરને બળાત્કારે ઉચું કરી – તેને ફરી પડી જવા ન દેવું હોય - તેને ટેકો આપવો હોય – તેમ – મલ્લરાજ બળ કરી સામંતને ભેટી પડ્યો, અને બળવાન યોદ્ધાઓનું સ્થિર આલિંગન જોતું બ્રાહ્મણનું નેત્ર સ્થિર દૃષ્ટિ કરી રહ્યું, અને એના હૃદયમાં ઉછળતો સ્વર મુખ ઉપર સહસા ચ્હડી આવી ગાજ્યો – “મહારાજ, મહારાજ, આ રાજભક્તિ આગળ આમ દરિદ્ર બ્રાહ્મણો કાંઈ લેખામાં નથી – મહારાજ, આવા રાજભક્તનું સંતાન આજ જેટલું ઉચું ઉછળે છે એટલું જ નમ્ર થઈ આપના ચરણ પર એક દિવસ આવી જ રાજભક્તિથી પડશે - મહારાજ, મીઠા બીજનું ફળ મીઠું જ થશે. મહારાજ, અમારા જેવાં દરિદ્ર ફળને લોભે આવાં રત્નફળનાં બીજ આપની વાડીમાંથી દૂર ન કરશો ! પ્રધાનો તો અનેક આવશે જશે પણ ઉદાત્ત રાજવંશનાં બીજ ગયેલાં પાછાં નહી જડે.”

મલ્લરાજે સામંતને બાથમાંથી છોડ્યો, અને સર્વ બેઠા.

આનંદ અને ઉત્સાહથી ઉભરાતા રાજાના મુખમાંથી વચન નીકળ્યું.

“સામંત, રાજાનો ધર્મ એવો ગહન છે કે ઘણી વેળા એના મનને અણગમતી વસ્તુ એને જ હાથે કરવી પડે છે અને તે જ પ્રમાણે તને શિક્ષા કરવી પડી છે–”

રાજાના વચનમાં ભંગ પાડી સામંત વચ્ચોવચ બોલી ઉઠ્યો, “મહારાજ, એ વાત પડતી મુકો અને મ્‍હારી માગણીનું સમાધાન કરો.”

મલ્લરાજ - “ સામંત, હું બાળક મુળુને શિક્ષા કરું તે વિના તું સંતોષ પામે એમ નથી. તો સાંભળ. એ બીજ બગડ્યું હશે તોપણ એને સુધારવા હજી એક પ્રયત્ન કરવો ઘટે છે. દેવની ઈચ્છા એને દુષ્ટ બુદ્ધિ આપવાની થઈ તો આપણે એમ ધારવું કે એ જ ઈચ્છા એને પાછી સુબુદ્ધિ આપશે, અને આજ વેઠેલો તીવ્ર તાપ તે પ્રસંગની છાયાની મીઠાશનું મૂલ્ય બતાવશે. એ કાળે એને જાતે જ પશ્ચાત્તાપ થશે અને તેની શિક્ષા એને ઓછી નહી થાય એનું દ્રષ્ટાંત ત્‍હારા અનુભવથી પ્રત્યક્ષ કરી લે. એમ છતાં આજ દૂષિત થયેલી બુદ્ધિ વધારે દુષ્ટ થશે અને ત્હારા ધારવા પ્રમાણે ઉદયકાળે ન ડાબેલો શત્રુ આગળ જતાં બળવાન થશે તો તે કાળે આપણા હાથમાં જે બળ હશે તે અજમાવીશું.”

સામંત – “એ રાજનીતિ મને સમજાતી નથી. મહારાજ, મને કરેલી શિક્ષા મુળુને શિક્ષા કરતાં આપને અટકાવે છે એથી જે મ્‍હારી બુદ્ધિ થઈ છે તે આપ અાથી દૂર કરો એમ નથી.”

મલ્લરાજ – “ખાચરની સાથે સંધિ કરવામાં અને એજંટની સાથે જીતવામાં આપણે મુળુને એની ઇચ્છાવિરુદ્ધ સાધન કરવાનું ધારીએ છીએ; જો મુળું સદા દુષ્ટ જ ર્‌હેશે તો તે ધારણા સિદ્ધ થયાથી મુળુ પોતે પોતાને ફસાયો અને હાર્યો જાતે જ સમજશે અને તે શિક્ષા દુષ્ટ હૃદયને માટે ઓછી નથી.”

સામંત – “પછી?”

મલ્લરાજ – “પછી એથી પણ વધારે શિક્ષા યોગ્ય લાગશે તો સામંતને હાથે મુળુને શિક્ષા કરાવીશ.” સામંત - “નકકી ?”

મલ્લરાજ – “મલ્લરાજનું વચન ફર્યું છે ?”

સામંત – “તો મહારાજની આજ્ઞા સિદ્ધ થઈ સમજો.”

સામંત આજ્ઞા લેઈ ગયો. મહારાજ જરાશંકરને, ક્‌હેવા લાગ્યો.

“જરાશંકર, ફાક્‌સ સાહેબ થોડા દિવસ ઉપર આપણા અરણ્યમાં મૃગયા કરવામાં મ્‍હારો સાથી હતો. ઘણી વાતો અમે કરી. પણ આ વાત કરવા એનો ઓઠ ઉઘડી શક્યો નથી – બાકી એણે વાત ઉઘાડવા ધારી હતી તે હું જાણું છું.”

જરાશંકર – “મહારાજ, સદ્ગુણનો પ્રતાપ એવો છે કે દુષ્ટ લોક એ પ્રતાપથી જ અંજાઈ જાય છે અને બાયલા બની, જેવા આવેછે, તેવા પાછા જાય છે. તેમાં જેનામાં સદ્ગુણ સાથે શૌર્યનો સંગમ હોય એવા મહાત્મા પાસે તો દુષ્ટતા સાથે ગમે તેટલું બળ હોય તે નિર્બળ થઈ જાય છે. અન્ય પ્રસંગે મ્‍હેં આપને કહ્યું હતું કે એક મહારાજને મુનિયોના તપોવનમાં પેસતાં એવું ક્‌હેવું પડ્યું હતું કે,

" पदे पदे साध्वसमावहन्ति ।
" प्रशान्तरम्याण्यपि मे वनानि ॥*[૧]

સિંહ અને વાઘ જેવાં ક્રૂર પ્રાણીઓ પોતાની સામે એકટશે જોઈ રહેનારથી પાછાં ખસે છે. તો ગમે તેવો દુષ્ટ પણ ચતુર ઈંગ્રેજ આપના જેવાની પાસે પોતાના મુખથી અપવિત્ર ઉદ્ગાર ક્‌હાડતાં પાછો કેમ ન હઠે? મહારાજ, જો કોઈ રાજાની પાસે કોઈ ઈંગ્રેજ હલકી વાત ક્‌હાડે કે તેનું અપમાન કરે તો એટલું સિદ્ધ ગણજો કે એ ઇંગ્રેજ તો ગમે તેવો હશે પણ એ રાજાના રાજત્વમાં કોઈ મહાન દોષ હોવો જોઈએ.”

મલ્લરાજ અને જરાશંકર છુટા પડ્યા, સામંતને સોંપેલું કામ એણે શ્રદ્ધાથી અને ચતુરતાથી કર્યું. દિવસ ગયા, માસ ગયા. મુળુનો વિશ્વાસ સામંતે મેળવ્યો, તેના સાધનથી ખાચર અને એનાં માણસ રત્નનગરીના રાજાને વશ બની વર્ત્યા. ખાચર સાથે સન્ધી થયો, સરકારના એજંટે આ સન્ધિનું પ્રમાણભૂત સાક્ષિત્વ કર્યું, અને સરકાર સુધી સન્ધિ વજ્રલેપ થયો. મલ્લરાજના રાજ્યની ચારે પાસની સીમા દૃઢ નિર્ણીત થઈ ગઈ. યુવાન મુળુએ મનથી પરાક્રમ કર્યું માન્યું, તેની


  1. * આ વન અતિશય શાંત અને રમ્ય છે તો પણ પગલે પગલે મ્‍હારા હૃદયમાં ભય ઉત્પન્ન કરે છે.
બુદ્ધિ આગળ ખાચર હાર્યો ખરો. એજંટ, ખાચર, અને મુળુ,

એ ત્રણ અને ચોથો મલ્લરાજ – એ ચાર જણ વચ્ચે રમાયેલા ચોપટમાં મલ્લરાજનાં સોકટાં પ્રથમ પાકી ગયાં. એ બાજીમાં એનો ભીરુ બનેલો બાલક મુળુ પણ મનમાં ફુલાયો. પ્રધાનપક્ષની હાર હવે સિદ્ધ થયા જેવી એની દૃષ્ટિએ પડી. પિતા અને મલ્લરાજ ઉપર આ વાતની ઉઘરાણી કરવાનો એણે હવે પોતાનો અધિકાર સિદ્ધ ગણ્યો.

સામંતને જે પ્રસંગનું ભય હતું તે આગળ આવ્યું. મલ્લરાજ મુળુની સર્વ ઈચ્છાઓ તૃપ્ત કરવા તત્પર હતો, એ ઈચ્છાઓથી પણ અધિક કૃપા કરવા અભિલાષી હતો, પણ એ તત્પરતા અને અભિલાષના કરતાં પ્રધાનનું રક્ષણ કરવા એનો આગ્રહ અને નિશ્ચય અતિશય અધિક હતો. સામંતને આ રાજનીતિનો જાતઅનુભવ હતો, અને મન સ્વસ્થ થતાં પોતાને થયેલી શિક્ષા તેમ આ રાજનીતિ ઉભયને એણે ઉત્તમ ગણ્યાં હતાં. મલ્લરાજ પોતાના બન્ધુમંડળની ઉન્નતિ ઈચ્છતો હતો અને તેમાં રાજ્યનું કલ્યાણ માનતો હતો. પણ આ કૃપાનું પાત્ર થયેલું મંડળ પ્રમત્ત અને ઉન્મત્ત થાય તો અધિકારી મંડળ અસ્ત થાય તે પણ સમજતો હતો. જેમ જુદી વ્‍હેતી ગંગા અને યમુના એક હિમાચલમાં પ્રભવ પામે છે તેમ બન્ધુઓનું તેજ અને અધિકારોઓનો અધિકાર એ ઉભયના જુદા પ્રભવ એક જ રાજ–અંગમાંથી છે, અને યમુનાને ગંગા સમુદ્રમાં પ્હોંચાડે છે તેમ બન્ધુઓના તેજને રાજ્યસિદ્ધિના સમુદ્રમાં લેઈ જનાર પ્રવાહ અધિકાર જ છે માટે અધિકાર-અંગને તેજ-અંગના ઉન્માદથી ન્યૂન થવું ન પડે તેને માટે રાજા રાત્રિદિવસ સજ્જ અને જાગૃત ર્‌હેતો, અને એવો ઉન્માદ દેખતાં તે ઉપર સિંહના પંજા જેવો ભાર મુકતો. આ રાજનીતિને એક પ્રસંગે પ્રતિકૂળ ગણતો સામંત, સાત્વિક વૃત્તિને સમયે અનુકૂળ અને આવશ્યક ગણવા લાગ્યો હતો, અને એ સિંહનો પંજો પોતાના પુત્રને માથે મુકાવવા અને રાજ્યને નિષ્કંટક કરવા એની રાજ્યભક્તિએ એને આગ્રહ ચ્‍હડાવ્યો હતો.

મુળુએ રાજાની ઈચ્છા તૃપ્ત કરી, અને રાજાએ મુળુની ઈચ્છાઓ તૃપ્ત કરવા અનેક યજ્ઞ કર્યા, પણ જ્યાં વૈરાગ્નિ બળ્યાં કરે ત્યાં બીજી ઈચ્છાઓની ગમે તેટલી તૃપ્તિ થાય તે આ અગ્નિથી બળતા ચિત્તને શાંત કરી શકતી નથી. જ્યાં આગળ વૃદ્ધિ સામન્તે ક્ષણિક ક્રોધને શાંત કરી અપૂર્વ રાજભક્તિ દર્શાવી અને ઉદાર રાજનીતિમાં પ્રજ્ઞતા ઉત્પન્ન કરી ત્યાં આગળ તેનો યુવાન બાળક બ્રાહ્મણને હાથે પિતાને થયેલા અપમાનની અક્ષમા ડાબી શક્યો નહી. પિતૃભક્તિએ રાજભક્તિના અંકુરને કચરી નાંખ્યો, અને વૈરના ભડકાએ રાજનીતિના વિચારના દીવાઓને અસ્ત કરી નાંખ્યા. ખાચર સાથે સન્ધિ થતાં બ્રાહ્મણોનું બળ પડી ભાંગશે એ ઈચ્છા નિષ્ફળ થતાં બીજી સર્વે ઈચ્છાઓ, અનિચ્છારૂપ થઈ ગઈ અને એક જ ઈચ્છાની તૃપ્તિ પામવામાં નિષ્ફળ થતાં ચિત્તમાં અસહ્ય ક્રોધ ઉત્પન્ન થયો. कामात्संजायते क्रोधः એ વાક્ય સિદ્ધ થયું. બીજા વિકારોનો પ્રવાહ એક દિશામાં જનાર હોય છે; ક્રોધનો ભડકો સર્વે દિશામાં વિવેક વગર ફેલાય છે, પાત્રાપાત્ર જોતો નથી, અને જેને અડકે તેને સળગાવે છે. ચંડિકાને દૈત્યસાથે યુદ્ધક્રોધ થતાં તેણે શિવજીના દેહ ઉપર નૃત્ય કર્યું. ક્રોધનો અગ્નિ સર્વ- સંહારક થાય છે. પ્રધાન ઉપર ઉપજેલા મુળુના ક્રોધની જ્વાળા મલ્લરાજના દેહની આસપાસ ફરી વળવા લાગી. જો મલ્લરાજ પ્રધાનને ક્‌હાડે નહીં તો મલ્લરાજની સત્તાનો નાશ કેમ થવો ન જોઈએ? પણ આ વાત રત્નનગરીમાં અશક્ય હતી, અને રત્નનગરી બ્હાર સરકારના એજંટના હાથમાં મુકાય એવું કાંઈ શસ્ત્ર મુળુને જડ્યું નહીં. પ્રધાનની સત્તાનો નાશ ન બનતાં પ્રધાનનો નાશ કરવાનો માર્ગ મુળુએ શોધ્યો.

કુતરો પૃથ્વી સુંઘતો સુંઘતો ચાલે તેમ મુળુ પ્રધાનનાં છિદ્ર શોધવામાં આયુષ્ય ગાળવા લાગ્યો. છિદ્ર ન જડતાં પ્રધાનની સાથે વૈરભાવે મિત્રતા રચવા લાગ્યો. કાળક્રમે મુળુ વિદ્યાચતુર અને જરાશંકરને ઘેર જતો આવતો થયો. તેના મનના મર્મનો પરીક્ષક અનુભવી વૃદ્ધ જરાશંકર છેતરાયો નહીં. મુળુ ને પ્રધાનની વચ્ચે, બે ગ્રહો એક બીજાને દેખે તેવો, એક બીજાને જોવાના સંબંધ કરતાં વિશેષ, સંબંધ થયો નહીં. બૃહસ્પતિની અવિશ્વાસની નીતિ જાણનાર મામાએ તેના ઉપર રજ વિશ્વાસ કર્યો નહીં ત્યારે અનુભવહીન ભાણેજ છેતરાયો અને વિદ્યાચતુર મુળુને રાજાનો ભત્રીજે ગણી તેની મિત્રતા સ્વીકારવા લાગ્યો. આટલું છિદ્ર મળતાં રજપુતનો બાળક કપટકળામાં યુદ્ધનિપુણતાનો ઉપયોગ કરવા લાગ્યો. જરાશંકરને આ સંબંધનો આભાસ લાગતાં તેણે ભાણેજને ચેતાવ્યો. પણ ઈંગ્રેજી વિદ્યાથી ભોળવાયલો પંડિત માની વિદ્યાચતુર મામા સાથે મનમાં એકમત થયો નહી. છતાં મામાની આજ્ઞા માની, પણ પોતાના વિચાર ન ભુલાવાથી સુજ્ઞ લાગતા મિત્રને એ છેક દૂર કરી શક્યો નહીં.

મુળુનો પગ આવી રીતે વિદ્યાચતુરના ઘરમાં થોડો ઘણો રહ્યો, માનચતુરને મુળુનું મ્હોં સરખું ગમતું નહી, અને એ આવે તે પ્રસંગે વાઘની પેઠે સજ્જ ર્‌હેતો. એક દિવસ માનચતુર ઘર બ્‍હાર ગયાનો લાભ લઈ મુળું વિદ્યાચતુરને ઘેર ગયો, અને બાળક કુમુદસુંદરીને રમાડવાનો પ્રસંગ શોધી ઘરની અંદર કામ કરતી ગુણસુંદરી ઉપર દૃષ્ટિ નાંખવા લાગ્યો. ઘરના ચાકરો આઘાપાછા હતા. સુંદર કોઈ પાડોશીને ઘેર ગઈ હતી. વિદ્યાચતુર ઘેર આવ્યો ન હતો. રજપુતની દ્રષ્ટિ, વિકારથી રાતી, ચોરની પેઠે પ્રસંગ શોધતી, અને શીયાળની પેઠે અંધકારને ભેદી આગળ આવતી, લાગી. તેને છેટેથી જોતી ગુણસુંદરી અંતર્ભયથી કંપવા લાગી, અને, છેટે ઉભેલા પુરુષનો હાથ કાંકરા ઉપાડવા તત્પર થતો જોઈ ચતુર કાગડી ઉડી જાય તેમ, ઘરની પરસાળમાં ન્‍હાસી ગઈ અને પરસાળનાં દ્વાર વાસી દીધાં. પણ બાળક કુમુદ વાસ્તે તેના જીવને ગભરામણ થઈ છતાં દીકરી કરતાં કુટુમ્બલજજાને વ્‍હાલી ગણી. ઘર ઉઘાડું હતું - તેને અને દીકરીને ઈશ્વરના હાથમાં સોંપ્યાં. જાતે જરાક શાંત થતાં એ સઉ નિર્ભય લાગ્યું અને પોતાને પરસાળમાં સંતાઈ ર્‌હેવું ઉચિત લાગ્યું - માત્ર એક કાણામાંથી બહાર દ્રષ્ટિ રાખવા લાગી. કુમુદને પાછી આપવાને નિમિત્તે મુળુ ઘરની અંદર આવી ફરવા લાગ્યો. આમ તેમ શોધવા લાગ્યો, અને એટલામાં માનચતુર બ્‍હારથી આવી દ્વારમા પેંઠો.

માનચતુરે કુમુદને મુળુભાના હાથમાંથી લેઈ લીધી; અને ચારે પાસનો દેખાવ જોઈ ગુણસુંદરીની અવસ્થા કલ્પી, ભવિષ્યમાં આ પ્રસંગ ન આવે અને રાજપુત્રની સાથે દેખીતો વિરોધ ન થાય એવું વચન રચ્યું.

“મુળુભા, આપ મ્‍હોટા ઘરનું છોરુ તે આ ગરીબ ઘરમાં આવો ત્યારે અમારે ત્યાં કંઈ કંઈ ગુંચવારો થાય અને લોકમાં આપને ન્‍હાનમ લાગે. માટે વિદ્યાચતુરનું કામ હોય તો આપ એને સંદેશો મોકલશો તો તરત આપને મળવા આવશે અને દરબારમાં તો નિત્ય આપને વગર તેડ્યો મળી શકશે. માટે આપ અત્રે આવવાનો શ્રમ લેવા કરતાં એને જ શ્રમ આપશો તેમાં સઉને સારા દેખાશે. આપ જાતે શાણા છો અને સામંતસિંહને પુછશો તો આવી જ રીતે બતાવશે.”

અંતઃકરણના અપરાધે મુળુને આ મર્મવાક્યનો અર્થ સમજાવ્યો. વૃદ્ધજન અને તે વળી માનચતુરના દેખાવવાળો - તેને પ્રત્યુત્તર વાળવા સામંતના પુત્રની છાતી ચાલી નહીં. “ખરી વાત.” કહી, નીચું જોઈ, વધારે બોલ્યા કે જોયા વિના તે ચાલતો થયો. ને દ્વારમાંથી નીકળ્યો તેની સાથે તે સાંભળે એમ બુમ મારી મ્હોટે સ્વરે માનચતુર ક્‌હેવા લાગ્યો,

“ગુણસુંદરી રાહુ ગયો – બ્હાર નીકળો અને કાલથી દરવાજે આરબની ચોકી રાખજો કે આવો પ્રસંગ ફરી ન આવે.”

ગુણસુંદરી દ્વાર ઉઘાડી બ્હાર આવી, અને દયામણે મુખે રંક સ્વરે બોલીઃ “વડીલ, મ્હેં આપને એક બે વાર ક્‌હેલું છે કે આપણા લોકમાં મઝીયારાં ર્‌હેવાનો ચાલ છે તે સારો છે તે એટલા માટે કે આવો પ્રસંગ તેમાં ન આવે. મ્હારાં સાસુજી, નણંદો અને જેઠ જેઠાણી હતાં ત્યારે બધું ઘર આખો દિવસ ભરેલું ર્‌હેતું અને બ્હારનો માણસ જમ જેવો હોય પણ તેની છાતી, ઉમરાની માંહ્ય નજર નાંખવા જેટલી, ચાલી શકતી ન હતી. મ્હારાથી આપની સેવામાં કોણ જાણે શી ન્યૂનતા આવી જતી હશે કે આપ ઘડી ઘડી મનોરીયે જઈ વસો છો.”

માનચતુર “હસ્યો,“ પણ હવે અારબ રાખીશું કની ! ઈંગ્રેજી ભણે તેને તો ઈંગ્રેજની પેઠે એકલો વાસ અને એકલાં ઘરબાર હોય તે ઠીક પડે.”

ગુણસુંદરી ગાલે હાથ દેઈ બેઠીઃ “આપને ક્‌હેવું હોય તો વડીલ છો. પણ મ્હારા હૃદયમાં જે વાત છે તેનો સાક્ષી ઈશ્વર છે. ઈંગ્રેજ લોકની ફુંકથી પર્વતો ફાટે છે અને તેમના નામથી રાજાઓ કંપે છે. મડમો અરણ્યમાં હોય પણ તેના સામી દૃષ્ટિ કરતાં લોક ડરે. આપણાં ઘર એમનાં ઘર પેઠે ઉઘાડાં થઈ જશે ત્યારે રસ્તાના જનારને અને શેરીનાં કુતરાંને પણ તેમાં પેસી જવાનું મન થશે. આપણા ઘરનાં લશ્કર વેરાઈ જશે ત્યારે ધોળે દિવસે ધાડ પડશે. વડીલ, તમને હસવું આવે છે પણ ખરું જાણજો કે આપના જેવા વડીલો તે આપણા ઘરના ગઢ છો અને એ ગઢ તુટશે ત્યારે તેમાંનાં તમારાં અમ જેવાં ઢોર અને બીજું જે પવિત્ર ધન હશે તેને લોક લુટશે તેટલાં લુંટાશે.”

“ગુણસુંદરી ! તમારાં આ વચન સાંભળવાનું મને મન થયું હતું માટે આટલું ક્‌હેવડાવ્યું. ઘરડાઓ ગુણમાં ઘાલેલા બોલે તે તમે સમજો છો; પણ હવેના કાળમાં તો જુવાનીયા વાજુ જેવું બદલાયું છે તેમ જ ઘરડાઓની ગત ગઈ છે એટલે તમારું ક્‌હેવું જ્યાં જોશો ત્યાં ખોટું પડશે. બાકી આપણા ઘરમાં તો એવું કહું તો જવાનમાં મ્હારાં છોકરાં તમે બધાં, અને ઘરડાંમાં હું જાતે, તે આપણામાં જ એવો કાળ બદલાઈ કળજુગ બેઠો કહું તો આપણને પોતાને જ ગાળ પડે ! માટે આપણા ઘરમાં તો એ કાળનો વા વાયો જ નથી. પણ કાલનો વિશ્વાસ નહી તો આજનો કેમ થાય ? માટે આરબો ઉમરે રાખીશું અને હું તો જીવું ત્યાં સુધી છું સ્તો !" આમ બોલતો બોલતો માનચતુર હસવા લાગ્યો અને ગુણસુંદરીને બીજી વાતમાં નાંખી.

આણી પાસ વિદ્યાચતુરના ઘરમાં ન ફાવેલો મુળુ પોતાના ઉપર ખીજવાતો અને મનમાં બડબડતાં બડબડતો નગર બ્હાર પોતાનો બાગ હતો તે દિશામાં ચાલ્યો, ગુણસુંદરીએ પોતાના કરતાં વધારે ચકોરપણું બતાવ્યું જોઈ સ્ત્રીજાતિને હાથે પોતે હાર્યો તેનું એને ઘણું હીન પદ લાગ્યું. મ્હારું છિદ્ર વિદ્યાચતુર, જરાશંકર, અને મહારાજ જાણશે એ ભયથી તે કંપવા લાગ્યો. માનચતુર જેવા વૃદ્ધ બ્રાહ્મણને હાથે તિરસ્કાર ગળી જવો પડ્યો તે વિચારથી તે અસ્ત થયો. આ સર્વ વિચાર કરતો કરતો એ ચાલ્યો જાય છે એટલામાં માર્ગની એક પાસ એક હાટ આવ્યું. ત્યાં આગળ એક બ્રાહ્મણ રાગ ક્‌હાડી ગાતો હતો અને તેની આસપાસ લોક એકઠા થયા હતા, પોતાના મ્લાન ચિત્તને કંઈક વિનોદ મળે એ આશાથી મુળુ લોકના ટોળામાં ભળ્યો.


“પુરુષને અબળા ક્‌હેવાતી નચાવે,
“રાણીજાયાપાસે એ પાણી ભરાવે,
“ જોજો, લોક, કૌતુક કળજુગનાં એ !
“વંઠેલાને ઉંડે કુંપે એ ઉતારે,
“પુરાણીનાં પોથાં પાણીમાં પલાળે ! જોજો૦
“મ્હોટા મ્હોટા જોગીને જાળમાં નાંખે,
“જ્ઞાનીઓની આંખે પાટા તાણી બાંધે ! જોજો૦
“ઋષિ મુનિ એના થકી ભુરકાયા,
“કામણ કરે નારી તણી ગંદા કાયા– જોજો૦
“હડહડતો અા આવ્યો છે કળિકાળ,
“સતીએ ઉતરી ગઈ પાતાળ ! જોજો૦
“વ્યભિચારિણી આજ થઈ જોગમાયા,
“એની દૃષ્ટિએ જે પડ્યા તે ફસાયા ! જોજો૦
“બ્રાહ્મણભાઈના મંત્ર થયા એનાં તંત્ર,
“રજપુતનાં શસ્ત્ર બન્યાં એનાં જંત્ર ! જોજો૦

બ્રાહ્મણ આમ ગાતો હતો ત્યાં તેની સામે એક જણ ગયો અને એને ખભે હાથ મુકી કહેવા લાગ્યો–“ અલ્યા, ત્હારા ઘરમાં પણ એવાં જોગમાયા છે કે ? – હોય તો કહેજે – ” આ સાંભળી બ્રાહ્મણને ક્રોધ ચહડ્યો અને યુદ્ધ જાગ્યું. તેનો કોલાહલ અતિશય થયો; “હો હો” કરતા છોકરાઓ એની પાઘડી ઉછાળવા લાગ્યા, એ ટોળામાંથી બ્રાહ્મણને છોડવી, પોતે છુટી, મુળુ એકલો ચાલ્યો અને વિચારમાં ને વિચારમાં બોલવા લાગ્યો–

"રાણીજાયાપાસે એ પાણી ભરાવે..................
"રજપુતનાં શસ્ત્ર બન્યાં એનાં જંત્ર !”

“ખરી વાત ! – ના, ના, સ્ત્રીઓમાં હતી તેવી ને તેવી સતીઓ હજી છે, પણ અમે રજપુત જ બગડ્યા.” શાંત પડી મનમાં બોલવા લાગ્યો: “ મ્હારા જેવો મૂર્ખ કોઈ નથી કે ખરો માર્ગ મુકી ખોટે માર્ગે દોરાયો. યુદ્ધ તે સરખે સરખાનું. આ જરાશંકર અને વિદ્યાચતુર તે કોણ? – હું - બીચારા બુમણા પ્રધાન તે રાજાના દાસ. એવા હલકાઓના ઉપર મ્હારા મનમાં વેર થયું ને એવા હલકાઓ સાથે યુદ્ધમાં ઉતર્યો એટલે આવું હલકું યુદ્ધ કરવું પડ્યું.” “પ્રધાન ઉપર વેર લેવાનું બીજે રસ્તે ન ફાવતાં આ હલકું કામ સુઝ્યું, તેમાં ફાવ્યા હત તો પણ ફળ કાંઈ નહી, ને એ ન ફાવ્યા તેમાં આ આબરુ ગઈ. ખરી વાત છે પોતાના જેવા સાથે લ્હડવું.”

વિચારમાં પડી ચાલ્યો. થોડે છેટે ગયા પછી નવો વિચાર સુઝતાં પૃથ્વી ઉપર એક હાથ કુદ્યો અને મુછે હાથ દેઈ હસ્યો. મહા ઉલ્લાસથી મનમાં બોલ્યો;

“બ્રાહ્મણોએ કર્યો શાસ્ત્ર તે રજપુત તોડે, મ્હારા દાદા નાગરાજથી બે વરસ ન્હાના એટલે અમને ગાદી ન મળે ! એ પેલા ધુતારા બ્રાહ્મણોનું શાસ્ત્ર. દાદો બે વરસ મોડો જન્મ્યો તો પોતરો[૧] વ્હેલા જન્મેલાને ન જન્મેલા કરે એમ ક્યાં નથી ? આ નકામો બાયલો મણિયો જીવતો ન હોય તો મુળુ એને ઠેકાણે રાજા ! તરવારના એક ઘાનું કામ ! આ બ્રાહ્મણો સાથે નકામી માથાકુટ કરવા કરતાં રજપુત રજપુતાઈ કેમ નહી કરે ? રાજ્યને સુધારવા રજપુતાઈ કરતાં કોનો ડર છે ! રાજા થવાને યોગ્ય હોય તે રાજા થાય !”

દુર્ભાગ્યની ઘડીમાં કરેલા એ વિચારે જુવાન મુળુનું મસ્તિક ફેરવ્યું અને વંટોળીયે ચ્હડાવ્યું. મણિરાજનું વય બાલ્યાવસ્થા ત્યજતું હતું અને તેને રત્નગરીનાં મહાન અરણ્યોમાં મૃગયાની દીક્ષા આપવામાં તરત જ આવી હતી. તેની સાથે બીજા રાજપુત્રોને મોકલવામાં આવતા હતા. આ પ્રસંગ અને સહવાસનો લાભ લઈ મુળુએ મણિરાજનું ખુન કરવાનો યત્ન આરંભ્યો, પુત્રનો વિશ્વાસ પામેલા પિતાને આ યત્ન જાણતાં - પકડતાં - વાર ન લાગી. સામંતે એકદમ મુળુને કેદ કરી, તેને બેડીએ જડી, પોતાના ઘરમાં એક ઓરડામાં પુર્યો. એને પાકા કબજામાં રાખી વચનબદ્ધ રાજા પાસે પોતાના પુત્રના નાશનું વરદાન લેવાનો પોતાનો નિશ્ચિત અધિકાર ગણી રાજભક્ત પિતા રાજમન્દિર ભણી ચાલ્યો. પુત્રની દુષ્ટતાની પરીક્ષા એણે પ્રથમથી કરી હતી એટલે આજ એને કાંઈ નવી શોધ કર્યા જેવું આશ્ચર્ય વસતું ન હતું પણ એ પરીક્ષાનું ફળ આજ સુધી રાજાએ ન આપ્યું તે હવે હાથમાં આવ્યું


  1. પૌત્ર
સમજાયું. પોતાના ઘરમાં સળગેલા કુલાંગારનું આયુષ્ય ખુટ્યું સ્પષ્ટ

થયું. પોતાના રાજાના શત્રુનો નાશ નક્કી ગણ્યો. બાળક મણિરાજને નિષ્કંટક કરવાનો અભિપ્રાય સિદ્ધ થશે જાણી સામંતને આનંદ વ્યાપી ગયો. પોતાનો અભિપ્રાય સત્ય થયો જાણી એને યોગ્ય ગર્વ ચ્હડ્યો. દુષ્ટ પુત્રને શત્રુ ગણી તેનો વધ ઈચ્છતાં પોતાના હૃદયમાં કાંઈ પણ ખેદ થાય કે મૃદુતા જણાય એવો અનુભવ કે આભાસ ક્ષત્રિય પિતાને રજ પણ થયો નહીં. પ્રાતઃકાળે ભૂ-નભની સંયોગરેખામાંથી નીકળી, પળવાર નગ્ન દેખાઈ પોતાનાથી જન્મ પામેલા મળસ્કાનો નાશ કરવા સૂર્ય જેમ ઉગ્ર તેજથી અને વેગથી ઉંચો ચ્હડતો ભભુકતો લાગે તેમ આ પ્રસંગે ઘર છોડી રાજમંદિર ભણી અત્યંત ઉત્સાહથી અને વેગથી સામંત પગલાં ભરવા લાગ્યો.

સામંતે મલ્લરાજ પાસે ફરીયાદી કરી. મલ્લરાજે તે શાંત ચિત્તથી સાંભળી, સામંતે મુળુને શિક્ષા કરવાનું માગણું કર્યું. મલ્લરાજે કહ્યું કે તેનો વિચાર થશે. “આવો સ્પષ્ટ વાતમાં વિચાર શો ?– આથી મ્હોટો અપરાધ શો? – આપે મને આપેલું વચન સત્ય કરો,” એમ સામંતે ઉત્તર આપ્યો. મલ્લરાજે વિચાર કરી જરાશંકરને આજ્ઞા કરી કે “આ વાતનો નિર્ણય કરવાને ભાયાતોની પંચાયત નીમવા મ્હારો કરેલો ઠરાવ છે તે તને અને સામંતને ખબર છે – તે વાંચી ક્‌હાડો, તે પ્રમાણે પંચ નીમો, અને તેની પાસે મુળુનો ન્યાય કરાવો.”

સામંત – “તો શું આપ ન્યાય નહી કરો ? અપરાધના પ્રસંગોમાં એ પંચ નીમવાનો ઠરાવ નથી.”

મલ્લરાજ - “એ ઠરાવ વાંચજે, 'રાજય સાથે વાંધો પડે ત્યારે પંચ નીમવા' એવો ઠરાવ છે. મણિરાજની વાતમાં મ્હારે ન્યાય ચુકવવો પડે તે ઠીક નહીં. મ્હારો કરેલો ન્યાય સ્વીકારવો હોય તો આ ફરીયાદ કરવી છોડી દે અને મુળુને છુટો કર.”

સામંત - “હવે છુટશેઃ આવતે અવતાર, મ્હારી સાથે વચનથી બંધાયા છો.”

મલ્લરાજ - “તો જે વચનથી તું અને ભાયાતો બંધાયા છે તે ઠરાવ પ્રમાણે ન્યાય થશે.”

સામંત - “તે તેમની ઈચ્છા પ્રમાણે શિક્ષા પણ થશે, અને એ ઠરાવ પ્રમાણે પંચમાં મને પણ બેસવાનો અધિકાર છે.”

મલ્લરાજ - "તું તટસ્થ નથી – ન્યાય કરવા અયોગ્ય છે. તું ફરીયાદી કરનાર છે ? સામંત – “તો હું અપરાધીનો બાપ પણ છું, મહારાજ, બીજા ભાયાત શરમ રાખી એને છોડે – માટે આપના વચન પ્રમાણે મને પંચમાં બેસવાનો અધિકાર છે તે નહી આપો તો આપનું વચન તુટશે.”

જરાશંકર – “મહારાજ, હું આવાં કારણોથી જ ક્‌હેતો હતો કે આ ઠરાવમાં પ્રધાનની સંમતિ લેવી જોઈતી હતી.”

મલ્લરાજ – “એ તમે પશ્ચિમ બુદ્ધિવાળા બ્રાહ્મણો ન સમજો. સામંત, જા એ પંચમાં બેસવાનો અધિકાર તને આપું છું, કારણ વચને બંધાયો છું. પણ ઠરાવનો પાછલો ભાગ વાંચી કામ કરજે કે બીજા પંચ ફરી નીમવા ન પડે.”

પંચ નીમાયા. પંચે મુળુને કુમારના ખુન કરવાના પ્રયત્નનો અપરાધી ઠરાવ્યો અને દેહાંત દંડની શિક્ષા દર્શાવી. એવી ભારે શિક્ષા કરવા રાજાએ ના પાડી, રાજા અને સામંત વચ્ચે વળી વાદ-યુદ્ધ થયું. રાજાએ મુળુને પુછ્યું : “મુળુભા, ત્હારી સર્વ ઈચ્છાઓ તૃપ્ત કરવા મ્હેં પ્રયત્ન કર્યો તે નિષ્ફળ ગયો અને ત્હારી દયા આણતાં ત્હારા પિતાનાં આ વચન સાંભળવાં પડે છે. મ્હેં કે મણિરાજે ત્હારો શો અપરાધ કર્યો હશે વારુ ?”

મુળુ બેડીઓમાં ઉભો હતો તે આળસ મરડી જરા ઉંચો થઈ બોલ્યો: “મહારાજ, આ ઈંગ્રેજની સાથે આપે સંધિ કર્યો ન હત તો આ પ્રસંગ આવત નહી. કર્યો તો ખેર, પણ એ સંધિ કરવા સારુ આપની બુદ્ધિને ફસાવનાર આ બ્રાહ્મણને આપે દૂર કર્યો હત તો આ પ્રસંગ ન આવત, થવા કાળ થયું. આ મહાન્ રાજપ્રસંગોમાં આપ અશક્ત નીવડ્યા અને આવા હલકા બ્રાહ્મણના વશીકરણથી બંધાઈ રહ્યા છો તે જ્યાં સુધી મુક્ત થાવ નહી ત્યાં સુધી આ સિંહાસનને માટે આપ યોગ્ય છો એમ મને કદી લાગનાર નથી. જે ભાર લેવા આપ અશક્ત છો તે ભાર લેવાની મને હીંમત હતી અને તેથી જ તે ભાર માથે ખેંચવાનું સાધન મ્હેં વાપર્યું. મ્હેં એમાં કાંઈ ખોટું નથી કર્યું. જગતમાં ઘણા અયોગ્ય રાજાઓ રાજ્યાસન પર બેસી સમર્થ પુરુષોને જીવનથી મુક્ત કરે છે. તેમ આપ ભલે મને પણ મુક્ત કરો. હું મરવા તયાર છું.”

સામંતને ક્રોધ ચ્હડયો તે અટક્યો નહી. તેણે એકદમ ઉઠીને મુળુના કપાળમાં મુક્કો માર્યો અને લોહીની ધારા ચાલી. રાજાએ સામંતને પાછો ખેંચી લીધો અને વચન ક્‌હાડ્યું. “મુળુ, ત્હારા પિતાનો ક્રોધ તને શિક્ષા કરે છે તે શિક્ષાથી તને આજ ત્હારી બાળક અવસ્થા સાંભરતી હશે તેવે ક્ષણે મ્હારાં પણ બે વચન સાંભળ. મ્હારે મ્હોંયેથી તું ન્યાય સાંભળે તે પ્હેલાં ત્હારે મ્હોંયે મ્હારો ન્યાય સાંભળતાં મને આનંદ થાય છે. મુળુ, ત્હારે માથે જે આરોપ છે તે તું સિદ્ધ કરે છે પણ મ્હારે માથે જે આરોપ તું મુકે છે તે સત્ય છે કે નહી તે તને અનુભવનાં વર્ષ વગર બીજું કોઈ શીખવી શકે એમ નથી. જો તને દેહાંત દંડ કરી તને એ વર્ષ પ્રાપ્ત કરવા હું ન દઉં તો હું ત્હારા આરોપમાંથી મુક્ત નહી થઉં. માટે પ્રથમ તો આ આરોપમાંથી મુક્ત થવાના મ્હારા સ્વાર્થ માટે તને દેહાંત દંડ હું દેઈ શકતો નથી.”

સામંત કુદ્યો અને ગાજી ઉઠ્યો – “શું મહારાજ, શું – એ નહીં થાય, ભાયાતોએ કરેલી શિક્ષા કબુલ રાખવી પડશે.”

મલ્લરાજ – “સામંત, ધીર થા. ત્હારું વચન સાંભળવાનો કાળ આવશે. મુળુ, તું જે વંશમાં જન્મયો છે તેમાં આજ સુધી કોઈને ત્હારા જેવી બુદ્ધિ સુઝી નથી અને તને સુઝી તે કાળબળ છે. મ્હારું અંતઃકરણ હજી મને ક્‌હે છે કે જતે દિવસે આપણા વંશની બુદ્ધિ તને સાધ્ય થશે, અને એમ છે તો તને સંસારમાંથી ભુસી નાંખવા મને અધિકાર નથી. જે અપરાધી કદી સુધરે એમ નથી અને જેના ત્રાસથી સંસાર કદી મુક્ત થાય એમ નથી એવા અપરાધીને જ સંસારમાંથી દેશવટે ક્‌હાડવો યોગ્ય છે – તે જ મૃત્યુને પાત્ર છે. હું ત્હારી વાતમાં નિરાશ થતો નથી તો તું મૃત્યુને પાત્ર નથી. મુળુ, જે રાજ્યાસનને માટે તું આજ ઈશ્વરનો અપરાધી થયો છે તે રાજ્યાસનને કોઈ દિવસ પણ ત્હારા જેવા રાજાનો ખપ નહી પડે એમ ક્‌હેવાતું નથી અને તેમ ખપ પડે તે કાળે પાકા વયને અને ત્હાડતડકાના મહાન અનુભવને પામી તું આયુષ્યમાન હો એમ ઈચ્છવું એ મ્હારો ધર્મ છે. મુળુ, જે મણિરાજને સંસાર છોડવાનો માર્ગ દેખાડવા તું તત્પર થયો હતો તે મણિરાજને કોઈ કાળે આ રાજ્યાસન ઉપર બેસવાને જીવતો હશે તો ત્યાર સોરો તેની ક્ષમાને તું પાત્ર થશે અને એ એવી ક્ષમાવાળો થશે એવી મને આશા છે તે આશાને હું નષ્ટ કહી કરું. માટે સામંત, એક બોલ બોલ્યા વગર તું આજ મુળુને કેદમાં રાખ અને એનું આયુષ્ય તોડ્યા વિના એને એવી શી શિક્ષા કરીયે કે ત્હારી અને મ્હારા ભાયાતોની ઈચ્છા સિદ્ધ થાય અને મ્હારી આશાઓ પડી ન ભાગે તે સર્વનો વિચાર ત્હારી સાથે કરી કાલનો સૂર્ય ઉગતાં તેનો અમલ કરીશું.”

મુળુને યોગ્ય ઠેકાણે વશ રાખી સામંત પાછો આવ્યો. રાજા, પ્રધાન, અને રાજબન્ધુ, એ ત્રિપુટી વચ્ચે રાજવંશનું ભવિષ્ય ચર્ચાવા લાગ્યું.

મલ્લરાજ – “જરાશંકર, ભાયાતોએ ચુકવેલો ન્યાય તો જાણ્યો. તેમને મ્હેં ન્યાયનો અધિકાર આપ્યો છે, શિક્ષાનો આપ્યો નથી. તેમણે સૂચવેલી શિક્ષા અત્યંત લાગવાથી મને રુચતી શિક્ષા મ્હેં બતાવી છે. એ શિક્ષા કેવી રીતે આચારમાં આણવી તેની ચર્ચા કરવી.”

સામંત – “મહારાજ, ઓછી શિક્ષા આપ બતાવો છો તેનું કારણ જાણવા મને અધિકાર છે.”

મલ્લરાજ – “હા, મુળુના દેખતાં મ્હેં કારણ કહ્યું તે ત્હેં સાંભળ્યું.”

સામંત – “પણ મને તેથી સંતોષ વળ્યો નથી. શત્રુનો નાશ કરવાને પ્રસંગે તેનું પોષણ કરવું એ ઉદારતામાં મૂર્ખતા છે. આ સર્પને દુધ પાવું યોગ્ય નથી. તે બ્હારવટે નીકળશે : આપણી પ્રજામાં, આપણા ભાયાતોમાં, અને અંતે ઈંગ્રેજ અધિકારીઓમાં – આ દુષ્ટ રાક્ષસ મિત્રતા કરશે અને આ રાજ્યને માથે અનેક શત્રુઓ ઉભા કરશે. મહારાજ, હું સ્પષ્ટ કહું છું કે આ દુષ્ટ હવે જીવવાને યોગ્ય નથી. રાજ્યને વિષ દેનારને માટે મરણની સજા પણ ઘણી ન્હાની છે.”

મલ્લરાજ – “ભાયાતોને હાથ ભાયાતોનો ન્યાય કરાવવાનો માર્ગ આપણે ઈંગ્રેજોને માટે જ ક્‌હાડ્યો છે તે તને યાદ હશે.”

સામંત – “ હા.”

મલ્લરાજ – “ભાયાતોને એ ધર્માસનનો અધિકાર આપ્યો તે રાજ્યઅંગને કવચ પ્હેરાવવા.”

સામંત – “ હા.”

મલ્લરાજ – “ભાયાતો ઈંગ્રેજ દ્વારા રાજ્ય અંગ ઉપર ઘા કરે ત્યારે આ કવચ સમર્થ રક્ષણ કરી શકે તેને માટે જ ભાયાતોની સંમતિ લેઈ આ કવચ ઘડેલું છે.”

સામત – “હા.”

મલ્લરાજ – “તો ઈંગ્રેજ અને મુળુ ઉભયનાથી જેટલા કરાય એટલા ઘા તે કરશે તેમ તેમ કવચનું બળ જણાશે, અને કોઈ સ્થળે છિદ્ર હશે તો તે પણ જણાશે. અને તે છિદ્રનો ઉપાય કરવામાં સામંતનું મલ્લરાજને સહાય્ય છે.”

સામંત – “એ બધાની હા. પણ આવ કુહાડા પગ ઉપર એમ કરવાનો માર્ગ મને ગમતો નથી.”

મલ્લરાજ - “હાલ એ કુહાડાથી આપણો પગ બચશે; પણ હું, તું, કે મણિરાજ કોઈ ન હોઈએ તે કાળે જેને આપણે રાજ્યનો શત્રુ ગણીએ છીએ તે રાજયનું છત્ર થઈ શકે એમ છે – એ છત્રનો દંડ મૂળ આગળથી તોડી પાડવો એ રાજ્યના શત્રુનું કામ છે.”

ઘણી ચર્ચા કરતાં અંતે મલ્લરાજના વિચારની યોગ્યતા સ્વીકારાઈ. મુળુને ગમે તે રાજાના રાજ્યમાં રહી તેણે આયુષ્ય પૂર્ણ કરવું, ત્યાં એના પોષણ યોગ્ય દ્રવ્ય દર વર્ષે મોકલવું, એના પોષણનું સાધન થવા અપાતું દ્રવ્ય કુમાર્ગે વપરાય નહીં એટલું વધારે ન થાય એવી રકમ આપવી, સામંતના આયુષ્યને અંતે એનો સર્વે ગ્રાસ રાજ્યમાં જપ્ત કરવો, આ પ્રમાણે મુળુના આશ્રય માટે ઠરાવેલા રાજાનું રાજ્ય છોડી મુળુ બ્હાર નીકળે અથવા રત્નનગરીના રાજ્ય વિરુદ્ધ વર્તણુક દેખાડે તો આમ અપાતું દ્રવ્ય બંધ કરવું, રત્નનગરીના રાજ્યની એ હદમાં આવે તો એને કેદ કરવો અને એનું બાકીનું આયુષ્ય પુરું થાય ત્યાં સુધી એને કેદ રાખવો, અને મણિરાજ ગાદી ઉપર બેસે અને મણિરાજનું મન પ્રસન્ન થાય તો મુળુની આ સર્વ શિક્ષામાંથી ગમે તેટલીની મણિરાજ ક્ષમા આપે – આ પ્રમાણે શિક્ષા નિર્ણીત થઈ અને મુળુની ઈચ્છા પ્રમાણે તેને રાણા ખાચરના રાજ્યમાં મોકલી દીધો અને શિક્ષાપત્ર ઉપર ભાયાતોના પંચે अत्र मतम् (“અત્ર મતું”) લખ્યું.

મુળુ રાજ્યમાંથી ગયો. પણ અનેક જાતનો ઉચાટ પાછળ મુકતો ગયો. એજંટને કાન એને બ્હાર મોકલ્યાના સમાચાર ગયા, એણે મલ્લરાજ ઉપર પત્ર લખી ખરા સમાચાર મંગાવ્યા. પત્ર જોતાં સામંતે મુળુને માથે આરોપ મુક્યો કે એણે એજંટને ત્યાં ફરીયાદ કરેલી હોવી જોઈએ. એ પત્રના ઉત્તરમાં રત્નનગરીથી પત્ર ગયો તેમાં સામું પુછવામાં આવ્યું કે આ સમાચાર તમે કોની પ્રેરણાથી મંગાવો છો, શા કારણથી મંગાવો છો, અને શા અધિકારથી મંગાવે છો. ઉત્તર આવ્યો અને એજંટે લખ્યું કે એ સમાચાર અમે અમારી પોતાની ઈચ્છાથી મંગાવીએ છીએ, મુળુના સમાચાર સત્ય હોય તો તે બ્હારવટે નીકળે એવો સંભવ છે, તે તેમ કરે તો દેશની શાંતિને ભય, એ ભય દૂર રાખવાનો અધિકાર સર્વ રાજાઓની ચક્રવર્તીની સત્તાના ચક્રવર્તિત્વને અંગે સમાયલો છે, અને એ અધિકારનું પોષણ કરવામાં રાજાઓ, પ્રજાઓ અને ચક્રવર્તિનો એક સ્વાર્થ છે. અંતે એજંટે મલ્લરાજને વિજ્ઞાપના કરી લખ્યું કે પોતાને આપનો મિત્ર સમજું છું અને તે મિત્રતાના અધિકારથી સૂચના કરું છું કે સરકારનો આ અધિકાર સ્વીકારવામાં આપના જેવા સદ્‍ગુણી રાજાઓને કાંઈ પણ ભય નથી, એ અધિકાર ન સ્વીકારવામાં આપના ઉપર વિના કારણ, શંકા ઉભી કરવાનું બીજ છે, અને એ અધિકારનો સર્વત્ર સ્વીકાર કરાવવા, સરકારની શક્તિ છે તે આપને વિદિત છે, અને ઈચ્છા છે તે હું આપને વિદિત કરું છું.

આ પત્ર વંચાતાં મલ્લરાજ ગાજી ઉઠ્યોઃ “રાજાઓના પંચનું રૂપ આ એજંટે ધારણ કર્યું હતું - હવે રાજાઓના ફોજદારનું અને હવાલદારનું રૂપ એણે ધરવા માંડ્યું ! જરાશંકર ! આ ત્હારી રાજનીતિનું ફળ ઉગી નીકળ્યું.

જરાશંકરના કાન મહારાજ ભણી હતા અને આંખ સામંત ભણી હતી. આટલા અનુભવ પછી સામંત આજ કેવું રૂપ ધરે છે તે જાણવા એને આતુરતા થઈ અને મલ્લરાજને ઉત્તર દેવા પ્હેલાં પળવાર સામંત ભણી જોઈ રહ્યો. સામંત તે કળી ગયો, અને પ્રથમ પેઠે ગર્જવાનું છોડી દેઈ ગંભીર સ્વરે બોલ્યો.

“મહારાજ, પ્રધાનની જે રાજનીતિ ઉપર આ ફળનો આપ આરોપ મુકો છે તે જ નીતિમાં એનો પ્રતિકાર પણ સમાયલો છે.”

“શું સામંત, રાજાને છોડી પ્રધાનના રથમાં બેસી ગયો ? – સામંત, હું જાગું છું કે ઉધું છું ? આ - તું -?” મલ્લરાજ અતિ આશ્ચર્યમાં પડી, નેત્ર વિકસાવી લાંબો હાથ કરી, સામંત સામું જોઈ રહ્યો અને બોલ્યો.

સામંત કંઈક હસ્યો અને બોલ્યો: “મહારાજ, આપ નિદ્રામાં છો એમ તો મ્હારાથી કેમ ક્‌હેવાય ? પણ આ રાજનીતિનો વિષય આજ સુધીમાં જ્યારે જ્યારે ચર્ચાયો હશે ત્યારે હંમેશ આપ અને હું પ્રથમ એક પક્ષમાં રહી અનુશ્રુત્વ સ્વીકારતા, પણ આપ બ્રાહ્મણ બુદ્ધિના પ્રવાહમાં અંતે ભળી જતા અને પક્ષ બદલતા ત્યારે હું મ્હારા અસલ પક્ષમાં કાયમ ર્‌હેતો. આપે આપેલા અનુભવે ઘણે કાળે આજ મ્હારો એ અભ્યાસ છોડાવ્યો છે, અને આપ અંતે જે પક્ષમાં ભળવાના તે પક્ષને હું આરંભથી જ વળગું છું.” મલ્લરાજ ખડખડ હસી પડ્યો. “સામંત, ત્યારે મ્હેં તને કરેલી શિક્ષા ત્હેં સફળ કરી. પણ એ શિક્ષા સફળ રાખીને ત્હારો ખરો અભિપ્રાય ક્‌હે. મ્હારો અભિપ્રાય એવો ન હતો કે ત્હારે ત્હારો અભિપ્રાય સંતાડવો.”

સામંત – “મહારાજ, આપના કે કોઈના ભયથી અસત્ય બોલું તો હું આપનો બન્ધુ થવા યોગ્ય નથી. મહારાજ, આપે આપેલા દેશવટાના અવકાશમાં શાંત ચિત્તે વિચાર કરતાં પ્રધાનજીની રાજનીતિમાં તેમનો અંત:કરણથી શિષ્ય થયો છું; અને તેથી જ એમની રાજનીતિ ઉપર આપે મુકેલા આરોપમાંથી એમને મુક્ત કરવા જેટલી છાતી ચલાવી શકું છું.”

મલ્લરાજ –“શી રીતે ?"

સામંત –“મહારાજ, નિર્વાહકાળની નીતિ પ્રધાનજીએ આપની પાસે સ્પષ્ટ કરી છે. નવા ભોજન ઉપર બેઠેલી સરકારને હવે ઘણી ઘણી ઈચ્છાઓ થશે, કેટલીક ઈચ્છાઓ ન્યાયે કે અન્યાયે, બળે કે કળે, તૃપ્ત કરવા સરકારને આગ્રહ થશે; એ આગ્રહ સામે આપણે શસ્ત્રયુદ્ધ કરવાનું નથી, અને લેખયુદ્ધથી પાણી વલોવવા જેવું થશે, બળવાનની સાથે નકામો વિરોધ થશે, વિરોધે વિરોધે હાર થશે, અને હારે હારે તેમને મન હારેલા શત્રુમાં લખાઈશું, આપણા મનમાં અપમાન લાગશે, બીજાઓની પાસે પ્રતિષ્ઠા જશે અને વાર્યા નહી કરીયે તે હાર્યા કરીશું. મહારાજ, આત્મવિડંબના જાતે ઉભી કરવી મને કંઈ ઠીક લાગતી નથી. એ મૂર્ખતા કરતાં રાજ્ય છોડવું સારું.”

મલ્લરાજ – “ત્યારે શું કરવું ?”

સામંત – “આપણા બોલ્યા કે લખ્યાથી સરકાર પોતાની ઈચ્છા ફેરવે એવો સંભવ લાગે ત્યારે જ સરકારની સામે લેખયુદ્ધ કરવું. અને મિત્રભાવે તેમની પાસે જે સાકર વટાય તે વાટવી અથવા કડવા થવાથી ફળ લાગે ત્યાં કડવા થઈ લ્હડવું. પણ સરકારને કોઈ વાતની ઈચ્છા થઈ જણાય તો પ્રથમ એટલો વિચાર કરવો કે આ ઇચ્છા અંતે અનિવાર્ય છે કે નિવાર્ય છે અને એટલો વિચાર કરી નિવાર્ય ઈચ્છાઓમાં સામા થવું અને અનિવાર્ય ઈચ્છાઓ વગર બોલ્યે સમજી જવી, અને જે ઈચ્છાઓને આજ્ઞા ગણી શત્રુ બની પાળવી પડે તે ઈચ્છાઓ મિત્રરૂપે તૃપ્ત કરવી અને મ્હોટાને ઉપકારવશ કરવા, મહારાજ, જુના કાળના પાણીમાં તરેલા મ્હારા અને આપના જેવાં માછલાંઓને આ વાત ગમવાની નથી - મને પોતાને એ કરવા કરતાં મરણ વધારે મીઠું લાગે છે. પણ મહારાજ, રાજાઓના અને ક્ષત્રિયોના સ્વભાવ કરતાં તેમના ધર્મ મ્હોટા છે અને કાળબળના ભાર તળે ડબાયલા ચંપાયલા હાથ ક્‌હાડી લેતાં અથવા ન નીકળે તો તેનું દુઃખ સહેતાં કષ્ટ વેઠવું એ રાજધર્મ મ્હોટો છે.”

સામંતના સ્વભાવ અને વિચારમાં થયલો ફેર જોઈ જરાશંકરને હર્ષનાં આંસુ આવ્યાં, તેનો કંઠ ગદ્‍ગદ થઈ ગયો, અને ઘણુંક બોલવાનું હૃદયમાં ભરેલું છતાં તે એક સ્વર ક્‌હાડી શક્યો નહી.

મલ્લરાજ સામંતનાં વાક્યમાં લીન થઈ ગયો અને પ્રધાનને ભુલી જઈ સામંત સાથે જ બોલવા લાગ્યો:

“સામંત, આજ પ્રધાનના કરતાં ત્હારાં વચન મને વધારે અનુભવવાળાં લાગે છે, અને એ વચન પ્રધાનને મીઠાં લાગશે. તો ક્‌હે કે સરકારે આપણું ઘર તપાસવા મોકલેલા આ ફોજદારનું શું કરવું ? સરકારની એવી પણ ઈચ્છા હશે કે એમનાં કુતરાં આપણા ઘરમાં આવી ભસવા લાગે ત્હોયે આપણે પથરા મારી તેને દૂર ન કરીયે ? સરકારની એવી એવી ઈચ્છાઓને તે નિવાર્ય ગણવી કે અનિવાર્ય ગણવી?"

આ વાકય બોલતાં બોલતાં મલ્લરાજનાં નેત્ર રાતાં થઈ ગયાં અને એને સ્વેદ થઈ ગયો. ક્ષત્રિય સ્વભાવની અનુકમ્પા કરતો ક્ષત્રિય બોલ્યો, “મહારાજ, આપે જન્મ ધરી આજ્ઞા કરવી જાણી છે – આજ્ઞા ઉપાડવી જાણી નથી – તેનાથી આ અવસર સ્‌હેવાય એવો નથી પણ દીલ્હીના પાદશાહો અને સુબાઓ અને પુનાના પેશવાઓ અને તેના અધિકારીઓ રાજાઓના ગઢ આગળ આવી બળાત્કાર કરી આજ્ઞાઓ તરત પળાવતા તેને ઠેકાણે આજ એવું માનો કે આઘેની છાવણીઓમાં સેનાઓ સંતાડી રાખી સરકારના એ એજંટો એ જ સેનાઓને બળે આપની પાસે બળાત્કારે આજ્ઞાઓ પળાવવા ઈચ્છે છે. એ બળાત્કાર આગળ ટકવાના સાધન વિનાના રાજાઓએ એ બળાત્કારને વશ થવું અને જવા બેઠેલા રાજત્વમાંથી જેટલું હાથમાં રહે એટલું રાખવું - એ તો રાજ્યના ઘોડાઉપર નાંખેલા જીનનું એક પાસનું પેંગડું છે અને આપ સિંહાસને ચ્હડયા ત્યારથી આપે તેમાં પગ મુકેલા છે.”

આ વચન સાંભળતો સાંભળતો મલ્લરાજ નરમ થયો અને તેના પ્રતાપી કપાળમાં કંઈ કંઈ વિચારની કરચલીયો પડી ચાલી ગઈ.

"સામંત, તું ક્‌હે છે તે ખરું છે, ઈંગ્રેજની સાથે જ્યારે જ્યારે સન્ધિ થયેલા ત્યારે તું આજ ક્‌હે છે તે બધી વાતો કરવી પડશે એ મ્હેં ધારેલું હતું. પણ ખરું પુછે તો હવે મ્હારા શરીર તેમ જ મન ઉપર વૃદ્ધાવસ્થાનું બળ વધે છે અને મ્હારી સ્મરણશક્તિ અને બુદ્ધિ દિવસે દિવસે બ્હેરી થતી લાગે છે, વૃદ્ધાવસ્થાએ ત્હારી બુદ્ધિને સતેજ કરી ને મ્હારી બુદ્ધિમાં ઝાંખ ભરવા માંડી છે. જરાશંકર, સામંતનું બળ તને પ્રતિકૂળ હતું ત્યાં સુધી ત્હારા રક્ષણને અર્થ મ્હેં રાજ્યભાર મ્હારે માથે રાખ્યો હતો. હવે ત્હારા રક્ષણનો પ્રસંગ નથી.”

“સામંત તને અનુકૂળ છે – પ્રતિકૂળ નથી. મણિરાજ બાળક છે. એ બાળક છે તે ભાર ઝીલે એમ નથી. હું વૃદ્ધ થયો તે ઝીલી શકતો નથી. તું અને સામંત આજથી આ રાજચિન્તાના પ્રવાહને સંભાળજો. મને પરમાત્માના વિચાર કરવા દ્યો.”

સામંત અને જરાશંકર ઉભયનાં હૃદય આ વાક્યથી ભરાઈ આવ્યાં અને તેમનાં નેત્રમાંથી આંસુ નીકળવાં બાકી રહ્યાં. થોડીક વાર સુધી કોઈ બોલી શક્યું નહી. અંતે સામંત પોતાની આંખો લ્હોતો લ્હોતો બોલ્યો :

“મહારાજ, આટલાં વર્ષ સુધી જે મહાન વડના છત્રની છાયામાં રહી અમે કામ કરેલું છે તેનાથી એ વડના જેવી છાયા આ રાજ્ય પામે એ અશક્ય છે. મહારાજ, અમે રાજ્યનાં અંગ આપની આજ્ઞા ઉપાડવા સમર્થ છીએ – આપ રાજ્યનો આત્મા છો ને તેનાથી જ રાજ્ય સચેતન છે તેવું ચેતન રાજ્યમાં મુકવા અમે સમર્થ નથી.”

મલ્લરાજ બેઠેલો હતો તે ઉઠ્યો, એનું પ્રચણ્ડ શરીર રાજમ્હેલના મહાન્ સ્તંભ જેવું લાગવા માંડ્યું. પણ આજ સુધી તેમાં શૌર્ય અને ઉદ્રેકની તીવ્રતા હતી, તેને ઠેકાણે વિરક્તતા અને ઉદાસીનતા ઠરેલી લાગી. એના મુકુટમણ્ડીલમાંથી રાજલક્ષ્મીને ક્‌હાડી મુકી તેને સ્થાને ધર્મવાસના ચ્હડી ગઈ હોય અને તેનો રસ આખા મુખારવિંદમાં ઉતરી ગયો હોય તેમ મલ્લરાજના કપાળમાં સંસાર સરી ગયો લાગ્યો, નેત્ર ઉઘાડાં હોવા છતાં અંતર્વૃત્તિ પામતાં દેખાયાં, કાન કાંઈ અવ્યક્ત સ્વર સુણવા તત્પર ભાસ્યા, અને મુખપુટને આ સંસારમાં બ્હાર ક્‌હાડવા જેવો કાંઈ અક્ષર ન જડતો હોય તેવી કાન્તિ થઈ ગઈ. આ નવું સ્વરૂપ ધરી ઉભો થયલો મલ્લરાજ કેઈ દિશાએ જવું તેનો વિચાર કરતો જણાયો. એ ઉભો થયો તેની સાથે સામંત અને જરાશંકર પણ ઉભા થયા, અને રાજાના મનની કૂંચી અચીંતી હાથ લાગી હોય એમ, તેના સન્મુખ આવી, પ્રધાન તેના રાજસંસ્કાર જગાડવા અને તેમાં ઉત્સાહ ભરવા પ્રયત્ન કરવા લાગ્યો.

“મહારાજ, વાનપ્રસ્થ થવા આપનો વિચાર હોય તો તે પણ યોગ્ય છે, અને રાજ્યચિન્તામાં આપનો ભારવાહી થનાર પ્રધાન આત્મચિન્તામાં પણ આપણી સાથે વનના અન્ધકારમાં દીવો લેઈ ચાલવા તયાર છે. પણ મરનારે પોતાની પાછળ જીવનારની વ્યવસ્થા કરી જવી એ સંસારમાં અંતકાળનો ધર્મ છે.–”

મલ્લરાજને કંઈ હસવું આવ્યું હોય તેમ મુખ કરી બોલ્યો: “ઠીક છે – તે થશે – તું અને સામંત તેનો વિચાર કરી લાવજો. હું કાંઈ અત્યારે જ રીસાયલા બાળક પેઠે ન્હાસી જનાર નથી, પણ એ એક વાત શીવાય બીજી બધી વાતોના વિચાર તમે કરજો.”

જરાશંકર – “તે વિચાર અમે કરીશું, પણ આપની આજ્ઞાથી જ તે વિચાર સિદ્ધ થશે.”

મલ્લરાજ – “એટલે એમ કે તમે વિચાર કરી મ્હારી પાસે પણ વિચાર કરાવો ? એવી કીરકોળ વાતોના વિચાર સાથે અંતકાળના ધર્મને સંબંધ નથી.”

જરાશંકર – “પણ તે વાતોને એ ધર્મ સાથે સંબન્ધ છે કે નહી તેનો નિર્ણય કરવો તે તો આપના વિના બીજું કોઈ કરે એમ નથી.”

મલ્લરાજ – “તેથી શું? ”

જરાશંકર –“શું તે એ કે અમુક વાતોની ને વિચારની વીગત આપે સાંભળવી, સાંભળીને એના ને અંતકાળના ધર્મના સંબંધનો નિર્ણય કરવા જેટલો વિચાર કરવો, ને પછીનું પછી !”

મલ્લરાજ – “એટલો બધો વિચાર કરવો, અને આજ્ઞા કરવી, ત્યારે વિચાર ન કરવાનું શું બાકી રહ્યું ?”

જરાશંકર – “તે તો અમે શું કરીયે ?”

મલ્લરાજ – “સામંત, તને એમ નથી લાગતું કે આ પ્રધાન બહુ લુચ્ચો છે ? જે વાત કરવાની મ્હેં ના કહી તે જ વાત કરવાની એણે મ્હારી પાસે હા ક્‌હેવડાવી અને મ્હારા શબ્દને પ્રતિકૂળ થયા વિના પોતાનો અભિપ્રાય સિદ્ધ કરે છે.”

સામંત – “મહારાજ, એમ કરે છે માટે જ એ આપના પ્રધાન થવા યોગ્ય છે, કેટલાક પ્રધાનો રાજાઓ બોલે તેમાં હા જી હા ભણે છે અને પોતાનો પગાર મળે એટલે પોતાની પ્રધાનતા સિદ્ધ થઈ ગણે છે અને રાજાના કે પ્રજાના હિતાહિતનો વિચાર કરતા નથી અને વિચાર કરે છે તો તે બેધડક બોલી દેતા નથી, અને દ્રવ્ય અને સત્તાની લાલચે સ્વામીને છેતરે છે, તેની પાસે અસત્ય બોલે છે, અને તેની દુષ્ટ ખુશામત કરી તેને મનમાંથી મૂર્ખ ગણે છે. આવા રાજ્યદ્રોહી પ્રધાનો રાજા અને પ્રજા ઉભયના શત્રુ છે. મહારાજ, આવા પ્રધાનની વાસના આવતાં રાજાએ તેને ગટરમાં ફેંકી દેવો.”

મલ્લરાજ – “પણ જરાશંકરે પોતાની વાત મને બેધડક ક્યાં કહી ! એણે તો આડે અવળે રસ્તે મને લીધો, છેતર્યો, અને મ્હારા વચનથી મને બાંધી કેદ કરી હવે પોતાનું ધાર્યું મ્હારી પાસે કબુલ કરાવે છે.”

સામંત – “તે બરાબર કરાવે છે. રાજાઓ પાસે બેધડક વાત કરવી એટલે માને બાપની વહુ કહી દેવા જેવું કરવાનું નથી. મહારાજ, મ્હેં આપની પાસે ઘણી વાતો બેધડક કરી દીધી છે પણ માને બાપની વહુ કહ્યા જેવું કરેલું છે. ત્યારે પ્રધાનજીએ આપની પાસે સત્ય વાતને પ્રિય રૂપ આપી કહી દીધી છે – એ એમની ચતુરતા અને મ્હારી મૂર્ખતાનાં દૃષ્ટાંત, સત્ય, હિત અને પ્રિય બોલવું એ રાજસેવકનું કામ છે.”

મલ્લરાજ – “ત્યારે તો એ અસત્ય ને પ્રિય પણ બોલે.”

સામંત – “કોઈ શાસ્ત્ર એમ નથી ક્‌હેતું કે અસત્ય બોલે. માત્ર સત્ય, હિત, અને પ્રિય બોલવું એ આપણાં શાસ્ત્ર બોલે છે; તેનો અર્થ મને તો એવો લાગે છે કે અસત્ય તો કદી પણ બોલવું જ નહીં, જે વાત સત્ય હોય પણ હિત અથવા પ્રિય ન હોય તે ન બોલતાં મૌન રાખવું, અને જે વાક્ય સત્ય અને હિત હોય પણ પ્રિય ન હોય તે વાક્ય કદી પણ ન બોલવું એમ ન કરવું; પણ પ્રધાનની પ્રધાનતા ક્યારે કે ગમે તેવી ચતુરાઈ કરી સત્ય અને હિત વાક્ય રાજાને પ્રિય થાય એવી યુક્તિ કરે અને તેને પ્રિય કરી દઈ અંતે રાજાને એ વાક્ય કહી દે.”

મલ્લરાજ – “કેમ, જરાશંકર, આ વાત ખરી ?”

જરાશંકર – “સામંતરાજ જેવા ચતુર વકીલ મળે તે છતાં રંક બ્રાહ્મણ બોલકણો બને તો બરાબર બ્રહ્મબટુ જ થાય.”

મલ્લરાજ – “ત્યારે શું ત્હારા મનમાં એમ છે કે સત્ય વાત એકદમ સાંભળી શકવાની રાજાઓમાં શક્તિ નથી ? ” જરાશંકર–“આપનો અનુભવ આપ જાણો – આપની શક્તિનો આપને અનુભવ. બળવાન સરકારના માણસે માત્ર પ્રશ્ન પુછ્યો તે સાંભળતાં જેને અંગે અગ્નિ ઉડ્યો તેવા તેજસ્વીના મુખમાંથી વચન તો શું પણ શ્વાસ સરખો નીકળે તેના પ્રવાહની સામે ઉભાં ર્‌હેવા એક પ્રધાનનું ગજું કેવી રીતે હોય? મહારાજ, હું આ મ્હારું ગજું– મ્હારી શક્તિ –જાણું, આપની શક્તિ આપને ખબર.”

મલ્લરાજ – “ઠીક, એમ બોલ. પણ રાજાઓમાં આ શક્તિ ન હોય તે સારું કે ખોટું ?”

જરાશંકર – “સારું કે ખોટું એ પ્રશ્નના ઉત્તર દેશકાળ પ્રમાણે જુદા જુદા દેવાશે. પણ શાન્તિપર્વમાં પિતામહે યુધિષ્ઠિરને એવો ઉપદેશ આપેલો છે. આવી શક્તિવાળા રાજાઓને માથે એમના સેવકો ટપલા મારે એવો કાળ આવવાનો ભય છે.”

મલ્લરાજ – “પણ મ્હારો ત્હારો દેશકાળ કેવો છે ?”

જરાશંકર હસી પડી બોલ્યો: “આપે મ્હારા, મુખમાંથી વાત ક્‌હડાવવી જ ધારી તો આપની ઈચ્છા આગળ મ્હારી ઇચ્છાનું બળ નથી – એ આપણો હાલનો દેશકાલ મહારાજને પ્રત્યક્ષ જ છે. બાકી આપ શાંત હો કે ઉગ્ર હો, હું આપને અર્થે પ્રવર્તતો હઉં કે મ્હારા સ્વાર્થમાં જાણ્યો અજાણ્યો તણાતો હઉં, ઇત્યાદિ આપના અને મ્હારા દેશકાળ પ્રસંગે પ્રસંગે અનેક થાય અને પ્રસંગે પ્રસંગે આપે સેવકો સાથે વર્તતાં એ અનેક દેશકાલ વિચારવા પડે એ કાળ રાજાઓની બુદ્ધિને વિના કારણ શ્રમદાયી છે અને ક્વચિત્ ભયંકર પણ છે તેના કરતાં તો પિતામહનો ઉપદેશ સ્થિર ભક્તિથી પાળવો એ એક માર્ગે રાજા અને સેવક ઉભયને કુશલદાયી છે .”

મલ્લરાજ–“ ત્યારે રાજાએ શું કરવું?”

જરાશંકર – “સત્ય, પ્રિય, અને હિત – એ ત્રણે ગુણ જેમાં સાથે લાગાં હોય એવાં વચન બોલવાનો સેવકોને અભ્યાસ પાડવો, અસત્ય વચનની અસહિષ્ણુતા રાખવી, હિત વચનના લોહચુમ્બક થવું, પ્રિયવચનની અપેક્ષા રાખવી નહીં, અપ્રિય વચનને ઉત્તેજન આપવું નહીં, અપમાન સ્‌હેવું નહી, આજ્ઞા ભંગ સ્પષ્ટ થતાં સ્પષ્ટ અને સત્ય શિક્ષા કરવી. અને જેને જે ધર્મ ઉચિત હોય તે ઉપરાંત એક પણ અક્ષરનો ઉદ્ધાર રાજાની પાસે નીકળી શકે નહીં એટલું ઉગ્ર રાજતેજ સેવકની દૃષ્ટિથી પરોક્ષ થાય એવું કદી પણ થવા દેવું નહી: ઇત્યાદિ ઇત્યાદિ પથ્યનું સેવન કરવું તેને શક્તિ ક્‌હો કે અશક્તિ ક્‌હો પણ એ પથ્યનું સેવન રાજઅંગને આવશ્યક છે, અને આપને એવા પથ્યનું સેવન કરતાં હરકત ન થાય એટલી ચિંતા રાખી મ્હેં આપની પાસે બધી વાત બેધડક કહી દીધી છે,”

છાતી પર હાથનો સ્વસ્તિક વાળી સર્વ ભાષણ સાંભળી રહ્યો હતો તે સ્વસ્તિક છોડી, હસી પડી, મલ્લરાજ બોલ્યો.

“જરાશંકર, ત્હારું ભાષણ લાંબું તો થયું પણ હવે એ પથ્યસેવન ત્હેં દેખાડ્યું તો થશે તેટલું કરીશું, પણ એજંટના પ્રશ્નનું શું કરવું તે ક્‌હે.”

જરાશંકર – “મહારાજ, એ તો આપને અમસ્તો ક્ષોભ થયો. એજંટના વચનમાં કોઈ જાતની આજ્ઞા નથી. એ તો વાનરો રાજ્ય અંગમાં છિદ્રો શોધવા આમ દૃષ્ટિ કરશે એવું આપણે જાણતા હતા. હવે એ છિદ્ર જોવા આવનારની આંખોને સંતોષ આપીશું તો આપણી સન્નીતિના કવચમાં એ વાનરના નખ ખુંપવાના નથી એવી આપણે સંભાળ લીધેલી છે, અને એવું એવું એ જોવા આવે તો એ ભલે અાંખો ફાડી ફાડી જુવે ને આપણે જોવા દેવું – એવો આપણે નિશ્ચય છતાં શો વિચાર બાકી છે તે મને સુઝતું નથી.”

મલ્લરાજ – “પણ એજંટ પંચ મટી ફોજદાર થાય છે તે?”

જરાશંકર – “પણ ફોજદાર આપણી ઝડતી લે તેમાં આપણે શું કરવા ડરવું? જુવે ને જોવું હોય તેટલું. જેણે ચોરી કરી હશે તેને ભય; આપણે શું? જે રાજ્યમાં છિદ્ર નથી તેમાં મર એવા વાનરા ડાળે ડાળે કુદે.”

મલ્લરાજ – “પણ એ પોતાનો અધિકાર શાને ગણે?”

જરાશંકર – “જુવો મહારાજ, આપણે તો માત્ર આપણા જ રાજ્યની વ્યવસ્થા રાખવાની છે; પણ ઈંગ્રેજને તો આ હીંદુસ્થાનના સેંકડો રાજાઓનાં રાજ્યની વ્યવસ્થા રાખવાની છે, કારણ ચક્રવર્તીનો ધર્મ એ કે સર્વ રાજ્યચક્રને ફેરવનાર મ્હોટું ચક્ર થવું અને ખુણે ખોચલે ભરાઈ રહેલા ઝીણી ઝીણી આંખોવાળા અને વ્હેંતીયા હાથપગવાળા પરરપરથી છુટા પડેલા ન્હાના ન્હાના રાજાઓ જે વાત જોઈ શકે નહી અને જે પ્રયોગ આરંભી પણ ન શકે એવી વાતો જોવી અને એવા પ્રયોગ સાધવા, અને તેમ કરી પોતાનાં અને સર્વ ન્હાનાં રાજ્યોના સામાન્ય લાભ સંભાળવા અને સર્વને માથેનાં સામાન્ય ભય દૂર કરવાં – એ ચક્રવતીનો ધર્મ. એ ધર્મને અંગે સર્વત્ર દૃષ્ટિ ફેરવવી, જાગૃત ર્‌હેવું, અને સર્વને જાગૃત રાખવા એ ચક્રવર્તીનો ચક્રાધિકાર દેશકાળની આવશ્યકતા પ્રમાણે નવા નવા આવા અધિકાર એમને અનેકધા ધારવા પડશે. પણ આપણા જેવાઓને માટે સારી વાત એ છે કે એ અધિકારનું નામ દેવાનો એ લોકને પ્રસંગ જ આવે નહી એમ રાખવું, અને ભુલે ચુક્યે પ્રસંગ આવે તો સામંતરાજે બતાવ્યા પ્રમાણે નિવાર્ય કે અનિવાર્ય ઈચ્છા વગેરે વાતનો વિચાર કરવો. આપણે પ્રશ્ન પુછ્યો કે તમારો અધિકાર શો એ આપણી ભુલ. આપણી ભુલ થઈ ત્યારે તેનો લાભ લઈ એજંટે લુચ્ચો ઉત્તર આપ્યો. ભુલ થઈ તે થઈ. હવે નહી કરીયે અને થયું ન થયું કરવા બનતો ઉપાય કરીશું, પણ છિદ્ર શોધનાર અાંખને સંતોષ આપતાં છિદ્ર વિનાના રાજાને કાંઈ ડર નથી.”

સામંત – “મહારાજ, હવે લાંબી ચર્ચા પડતી મુકો. મ્હારા કુળમાં દુષ્ટ અંગારો ઉકલ્યો તેની આ લ્હાય છે. મ્હેં તો એને મુવો ગણી સ્નાન કરી લીધું છે તેની હવે આ એજંટ સાંભળે એવડી પોક મુકો. મહારાજ, જરાશંકર સત્ય ક્‌હે છે. એ પ્રમાણે કરવામાં રાજ્યને કે અધિકારને કાંઈ હાનિ નથી. ભાયાતી પંચનો ઠરાવ અને આખરનું શિક્ષાપત્ર, એ બેની નકલો સાહેબને મોકલો અને બાકીનું હું અને જરાશંકર જોઈ લઈશું. મહારાજ, આ મરણપોક ખુલે મ્હોંયે મુકવા દ્યો, અને એ મરનાર, પ્રેત થઈને, સાહેબના શરીરમાં ધુણશે તો અડદ નાંખવા કે લીંબુ ઉછાળવું તે જોઈ લઈશું, પણ હાલ તો આ પોક જ મુકો. ઉઠો, જરાશંકર!”

સર્વ ઉઠ્યા. આગળ જરાશંકર અને પાછળ સામંત એમ બે જણ દ્વાર બહાર નીકળ્યા. નીકળતાં નીકળતાં સામંતે ઓઠ કરડ્યા, દાંત કચડ્યા, પગ પૃથ્વીઉપર પછાડ્યો, અને કેડ ઉપરના મ્યાનમાંથી કટાર અર્ધી ક્‌હાડી ક્રોધથી અને આતુરતાથી તે ઉપર ડોક વાળી દૃષ્ટિ કરી, પાછી કટાર મ્યાનમાં સમાવી દીધી. મહારાજે એ સર્વ જોયું, અને પ્રધાન તથા ભાયાત એની દૃષ્ટિ આગળથી ગયા.