સરસ્વતીચંદ્ર ભાગ ૪/કંઈક નિર્ણય અને નિશ્ચય.
← કોઈને કાંઈ સુઝતું નથી. | સરસ્વતીચંદ્ર ભાગ ૪ કંઈક નિર્ણય અને નિશ્ચય. ગોવર્ધનરામ ત્રિપાઠી |
અલખમન્દિરના શંખનાદ અને આયુષ્યની પૂર્ણાહુતિ. → |
- The star of the unconquered will,
- He rises in my breast,
- The star of the unconquered will,
- Serene, and resolved, and still,
- And calm, and self-possessed.
- Longfellow.
- And calm, and self-possessed.
આ વાર્ત્તા પ્રસંગ ધીમે ધીમે પુરો થયો ત્યાં કુમુદ સાધ્વીઓમાં ગઈ ને બે મિત્રો બ્હાર ફરવા નીકળી પડ્યા. વિદ્યાચતુરના ઘરના, બે પુત્રીઓ અને ત્રીજા સરસ્વતીચંદ્રના સંબંધમાં ગુણસુન્દરીના હૃદયના દુઃખના, કુસુમના તીવ્ર અભિલાષ સાથેની એની બુદ્ધિના, સરસ્વતીચંદ્રના ગૃહત્યાગવિષયે કુસુમના દૃઢ પક્ષવાદના, અને અંતે લક્ષ્મીનંદનના દુઃખના અને ધૂર્તલાલની ધૂર્તતાના ઇતિહાસના, સર્વે સમાચાર ચન્દ્રકાંતે ધીમે ધીમે સરસ્વતીચંદ્રને વિસ્તારથી કહી દીધા અને એ શ્રોતાના હૃદયના મર્મભાગમાં એ વક્તાએ બેસાડી દીધા – ચ્હોટોડી દીધા.
રાત્રે ચંદ્રાવલી કુમુદને મળી, પોતાની મધુરીને પ્રધાનપુત્રીરૂપે ઓળખી લીધી, અને ગુરુજીની કૃપાથી મળેલી પઞ્ચરાત્રિના પ્રસાદની વાર્ત્તા જાણી લીધી – તે પછી છેક મધ્યરાત્રિ સુધી બે મિત્રો, ચંદ્રાવલી, અને કુમુદ, ચાર જણ સૌમનસ્યગુફામાં બેઠાં અને એ વાતો, જેટલા અંતરપટ અને જેટલા પ્રકાશ યોગ્ય લાગ્યા તેટલાથી, કરી; હવે શું કરવું તેની ચર્ચા ચલાવી તેમાં પણ કોઈને કાંઈ સુઝ્યું નહી અને અંતે કુમુદ અને ચંદ્રાવલી વસંતગુફામાં જઈ સુઈ ગયાં, અને બે મિત્રો સૌમનસ્યગુફામાં સુઈ ગયા. શું કરવું તેના વિચારમાં કુમુદ એકલી આખી રાત્રિ ઉંઘી શકી નહી, પણ ઉઘાડી આંખો રાખી જાગતી સુઈ રહી અને ચંદ્રાવલીની આંખો વચ્ચે વચ્ચે ઉઘડે ત્યારે તેની સાથે આ જ પ્રકરણ ક્હાડતી. બે મિત્રો તો સ્વસ્થ નિદ્રા પામીને જ સુતા. માત્ર એકાદ વેળા ચંદ્રકાંતની આંખ ઉઘડતાં તેને કંઈક હસવું આવ્યું પણ તરત પાછો નિદ્રાવશ થયો. પ્રાત:કાળે કન્થા પ્હેરી કુમુદ, સરસ્વતીચંદ્ર પાસે આવી અને હાથ જોડી પગે લાગી બોલી.
“મ્હારી દુ:ખી જનની પાસે જઈ આવવાની આજ્ઞા માગવાને હું આપની પાસે આવી છું અને એવી પણ વિજ્ઞપ્તિ કરું છું કે અવકાશે આપ પણ ત્યાં પધારશો અને તેને આશ્વાસન આપશો. આપ, હવે ગુરુજીને મળી, જ્યાં ર્હેવાના હો તે, અને આપ બે મિત્રોના એકાંત સમાગમનો જે અવસર આપને અનુકૂળ હોય તે, ચંદ્રાવલી બ્હેનને ક્હાવશો તે પ્રમાણે હું આપને મળીશ અને કુમુદ, કુસુમ, અને ચંદ્રાવલી ત્રણ બ્હેનોનો વિચાર જે થશે તે જણવી આપની આજ્ઞા શોધીશ.
“ચંદ્રકાંતભાઈ, આપે કન્થા પ્હેરી નથી તો પણ સાધુજન છો અને સર્વ જાણો છે તો વધારે શું કહું ? પિતાજીને લખવું યોગ્ય લાગે તો લખશો. મ્હારે ભાઈ નથી પણ અમે બે પુત્રીઓ એમની દૃષ્ટિમાં પુત્રથી પણ અધિક લાગીયે છીયે અને એમના હૃદયને સંતાપનું કારણ થઈએ છીયે તે પણ એમના સ્નેહને લીધે. આપના મિત્ર ધર્મને અધિક માને છે ને હું સ્નેહને માનું છું – કારણ ધર્મ સમજવા જેટલી મ્હારી વિધા કે બુદ્ધિ નથી. પણ એમના ધર્મનો ને મ્હારા સ્નેહનો સાર એક જ આવે છે ને આપ પણ સ્નેહને માનો છે તો આ કન્થા પ્હેરીને પણ મ્હારાં ગુણીયલને અને કુસુમને મળવા જાઉં છું, ને જ્યારે મ્હારા હૃદયનું નિરાકરણ આપ બેને સુઝતું નથી ત્યારે હું અને મ્હારી બહેન અમારી બાળકબુદ્ધિથી અને સ્ત્રીબુદ્ધિથી જે કાંઈ નિર્ણય કરી લાવીયે તે આ મ્હારા હૃદયના યોગના યોગીરાજના હૃદયમાં ઉતરે એટલો આશ્રય આપજો”
આટલું બોલતી બોલતી કુમુદની આંખોમાં આંસુ સરતાં હતાં અને નીચું જોઈ તે ઉભી રહી. બે મિત્રો પરસ્પર સામું જોઈ રહ્યા અને અંતે બોલવા લાગ્યા.
સર૦– જ્યાં સુધી તમારાં નેત્રમાંથી આંસુ સુકાયાં નથી ત્યાં સુધી મ્હારા હૃદયનો તાપ શમતો નથી, અને તે માટે જ તમારી હૃદયગુહામાંના ઉંડાં મર્મસ્થાનની અવગણના કરી તમે મ્હારે માટે સ્વાર્પણ કરવા તત્પર થશો એ ભય મને છે. તેથી જ હું તમારા મુખના ઉદ્ગાર્ પ્રમાણે ચાલવાનું વચન આપતાં એ વચનમાં મર્યાદા મુકું છું. તમે સાધુજન છો, મ્હારી સાથે અદ્વૈત પામેલાં છો, અને તમે પૃથ્વીસ્વરૂપ છો તેમ હું દ્યૌસ્વરૂપ છું એ પરિણામ સંસિદ્ધ થયો છે તો તમારે મ્હારી આજ્ઞા માગવાની બાકી ર્હેતી નથી, પણ તમારી ઇચ્છા પ્રમાણે સુવૃષ્ટ થવું એ મ્હારો સ્વભાવ જ બંધાયલો સમજજો.
ચન્દ્ર૦– કુમુદસુન્દરી, શુભ કાર્યે સીધાવો અને હવે ભૂતકાળમાં જે મિત્ર વજ્ર થયો હતો તે હવે તમારા હૃદયથી ભિન્ન થઈ શકે એમ નથી. ઈશ્વર તમને સદ્બુદ્ધિ આપો અને પવિત્ર અને ઉત્કૃષ્ટ રસનો તો તમારા હૃદયમાં ઈશ્વરે જ ઝરો નિર્મેલો છે. તમને અમારા બેના આશીર્વાદ છે.
કુમુદસુન્દરી નેત્ર લ્હોતી લ્હોતી ગઈ. વળી પાછી ફરી– “આપણાં સ્વપ્નને આપે લખેલા લેખ આપશો ? હું તે સર્વે કુસુમની પાસે વંચાવીશ અને તેની બુદ્ધિનું સાહાય્ય લેવાને સાધનવતી થઈશ. એ છે તો બાળક પણ એની બુદ્ધિ અપૂર્વ ચમત્કારોથી ભરેલી છે.”
"ભલે !"
લેખ લેઈ કન્થામાં ગુપ્ત રાખી, કુમુદ ગઈ. અદૃશ્ય થઈ.
“સરસ્વતીચંદ્ર, આપણે હવે તમારા ગુરુજી પાસે જઈશું ?“ ચંદ્રકાંતે પુછયું.
“અવશ્ય.”
બે જણ ઉતર્યા ને થોડી વારમાં તેમણે અને નીચેના સાધુઓએ સૌમનસ્યગુફાને હતી તેવી શૂન્ય કરી દીધી. તેમાંથી નીકળીને પળવાર સરસ્વતીચંદ્ર, પાછો ફરી, ઉભો રહી, ઉપરથી નીચે સુધી પોતાના અપૂર્વ સંસ્કારોની સાધક આ ગુફાનાં દર્શન કરવા લાગ્યો અને તેને હૃદયમાં નમસ્કાર કરી સઉની સાથે ચાલ્યો.
માથે ચૈત્રી પ્રાત:કાળનો સૂર્ય, પર્વતના ઉંચામાં ઉંચા ભાગના પવનની ઉત્સાહક લ્હેરો, અાશપાશની નેત્રને શીતળ કરનારી ને રમણીય લીલીછમ લીલોતરી, વચ્ચે વચ્ચે તપ કરવા બેઠેલા જટાધર વૃદ્ધ યોગીઓ જેવા કાળા ખડકો, સામે દૂર સમુદ્રની ઝીણી આકાશમાં મળી જતી જળરેખા, અને પગ ખસે નહી એટલું લક્ષયમાં રાખવાનું આવશ્યક કરતો સાંકડો ઉતરતો માર્ગ : એ સર્વ વચ્ચે એ માર્ગ ઉપર શાંત સાધુઓ અને તેમની વચ્ચે બે મિત્રો એટલું મંડળ, એક શબ્દ બોલ્યાવિના ચાલતું, ઉતરતું હતું, ને તે સર્વ વચ્ચે સરસ્વતીચંદ્રનું હૃદય, નવી શાંતિથી ને નવી સમૃદ્ધિથી, એના પગ ઉપડતા હતા તેની સાથે સાથે ઉપડતું હોય તેમ, ધડકતું હતું અને, ચારે પાસનાં ઝાડોને ગિરિશિખરનો પવન વાળતો હતો તેમ, એના વિચારને વાળતું હતું, આવી શાંતિથી તે નીચું જોઈ ચિરંજીવશૃંથી યદુશૃંગ ભણી ઉતરતો હતો, માત્ર સામે થઈને રંગબેરંગી પક્ષીઓ આવે ત્યારે આંખો ઉંચી કરતો હતો, અને તે મધુર સ્વર સંભળાવે ત્યારે સાંભળતેા હતેા.