સરસ્વતીચંદ્ર ભાગ ૪/કુસુમનું કઠણ તપ.

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← સુરગ્રામની યાત્રા. સરસ્વતીચંદ્ર ભાગ ૪
કુસુમનું કઠણ તપ.
ગોવર્ધનરામ ત્રિપાઠી
શશી અને શશીકાન્ત. →


ત્યાંથી પગ ભાગ્યે ઉપડ્યો એટલામાં તો ચોકના બીજા ભાગમાં કોઈ લ્હેંકા કરી ગાતો હતો. તેના લલકારે સંસ્કાર-શેાધકને ઉભો રાખ્યો.

“મુકરર મા...નની કહ્યું મ્હા...રું,
એક દિન મા...ટીસેં મીલ જા...વું...
એક દિન પં...ખીસેં ...ઉડ જા...વું...
મુકરર મા.....નની...કહ્યું મહા….રુઉઉઉ….”

મ્હારુના રુનો ઉકાર સાંભળનારનાં કાનમાંથી કાળજામાં પેંઠો અને કાળજું વલોવવા લાગ્યો. રુકારનો રણકારો ઘણો પ્હોચ્યો, સરસ્વતીચંદ્ર દ્‌હાડી ઉપર હાથ ફેરવતો ઉભો. ગાનારે એટલામાં તો કેટલીક કડીયો પુરી કરી અને વિચારની ધુનમાં આ વચલો ભાગ કાનમાં કે ધ્યાનમાં પેંસે ત્યાર પ્હેલાં છેલ્લી કડીયો સંભળાઈ. ગાનાર ખીલી ખીલીને ગાવા લાગ્યો.

"જુઠી રે કા..યા.. જુઠી રે માયા
જુ...ઠા માલ ફૂટા...યા...
જુ...ઠા રે ત્હારાં સગાં સબંધી
ફો...કટ ફે..રા ખા..યા.. મુકરર૦
અંત સમે કોઈ કામ ન આવે,
પા..છળથી પસ્તા...વું..,
ભોજો ભગત ક્‌હે ભજી લ્યો ભાઈ !
હું ગુણ ગોવિદનાં ગાઉં !..”
મુકરર માનની કહ્યું મારું,
એક દિન મોટીસેં મીલ જાવું,
એક દિન પંખીસે..ઉડ...જાવું...”
“ઉડ જાવું..ઉડ..જાવું :” એ અક્ષરો આજ ચિરંજીવ થયા.

“ કાયા જુઠી.. એ સત્ય. ઉડી..જવું... એ સત્ય. ફેરો ફોકટ થયો કે સાર્થક થયો એ બીજો પ્રશ્ન. એ ફેરો કયારે સાર્થક થયો ગણવો એ ત્રીજે પ્રશ્ન. અને એજ સઉથી કઠણ પ્રશ્ન ”

મ્હેતાજી૦- વિહારપુરીજી, આ ગાયું એટલે સુધી બધા ધર્મનો બોધ એક – માયા ખોટી, મૃત્યુ નકી, ને હરિભજન કરી મોક્ષ પામવો ત્યાં સુધી વાંધો નહી, પણ કીયા હરિને ભજવો? વિષ્ણુને, શંકરને, શક્તિને, ખ્રીસ્તને, કે મહમદ પેગમ્બરને ? પેલા મંદિરમાં હતા ત્યાં શિવકીર્તન કરવાં અને અહીંયાં રાધાકૃષ્ણનો વિહાર ગાવો. ત્યારે સાચું તે શું ? રાધેદાસ - શિવ ઓર વિષ્ણુ તો એક જ હય.

મ્હેતાજી - જો એક જ છે તો આ અનેક નામ ને અનેક મૂર્તિઓ ને અનેક કથા પુરાણને ભજન શું કરવા જોઈએ ? બધું એ એકજ કરોની કે આ નકામી કડાકુટ, નકામાં ખરચ, ને નકામા ઝઘડા ન થાય ! ગોળ મટોળ મ્હારા શિવજીને પાણી પાંદડાની સોંઘી પૂજા કરવી મુકી આ ઢોંગ ને ખરચ શું કરવા કરવાં !

વિહાર૦- મ્હેતાજી, અલખ તો એકજ છે. પણ તે જ્ઞાનમાર્ગનું લક્ષ્ય છે. લખ પણ એક જ છે – પણ તેના વિહાર અનેક છે અને તે ભક્તિમાર્ગનું લક્ષ્ય છે. માટે જ ભક્તિ બહુમાર્ગિણી અને બહુરૂપિણી છે. તેમાંથી જે માર્ગે, જે રૂપે, ભક્તિ પામો તે ભક્તિથી ભક્તિનું પરમ સાધ્ય લખરૂપ પમાય છે.

મ્હેતાજી – પણ અનેક માર્ગ અને અનેક રૂપમાંથી લેવું કીયું ને પડતું કીયું મુકવું?

વિહાર૦– અધિકાર પ્રમાણે.

મ્હેતાજી૦- શિવ ભજવા કે વિષ્ણુ ભજવા તેમાં અધિકાર શો?

વિહાર૦– જો બચ્ચા, અધિકાર સર્વમાં છે. લખરૂપનો અનેક લહરીવાળો પ્રવાહ સર્વ પાસ મહાસાગર પેઠે ચાલી રહ્યો છે. તેમાંની લહરીઓ કેણી પાસ જાય છે? જેની પાછળ જે હોય તેની પાછળ તે જાય છે. તેમજ પિતા પાછળ પુત્ર ને પિતાની ભક્તિ પાછળ પુત્રની ભક્તિ. સર્વ ધર્મ અને સર્વ ક્રિયાઓ સમીપસ્થ પદાર્થોને ઉદ્દેશી વર્તે છે. પિતા કોણ ને પુત્ર કોણ? તેમના પરસ્પર સામીપ્યથી તેમના શરીરના ધર્મ રચાય છે. અનેક બાળકોને ભુખ્યાં ર્‌હેવા દઈ પોતાના બાળકને સ્તન્યપાન [૧] આપવું તે માતાનો ધર્મ ને બાળકનો ધર્મ છે. તેમજ કુટુંબનો ઈષ્ટ દેવ સ્વીકારવા તે બાળકને શીખવવું એ કુટુમ્બનો અધિકાર.

મ્હેતાજી૦– ત્યારે તો કુળધર્મ છોડવો નહી.

વિહાર૦- નહી.

સરસ્વતીચંદ્ર રસથી સર્વ સાંભળી રહ્યો હતો તેણે પુછ્યું : “વિહારપુરીજી, એ ઉત્તરમાં દોષ નથી !”

વિહારપુરી આગળ આવી પુછવા લાગ્યો: “ જી મહારાજ, ક્યા દોષ આતા હે?"


 1. ૧. સ્તન્ય એટલે ધાવણ - તેનું પાન.

સરસ્વતીચંદ્ર - કાલ સવારે ગુરુકૃપાથી મ્હારોજ કુળધર્મનો અધિકાર બદલાયો તમે દીઠો.

રાધે૦- એ વાત તો સચ.

વિહાર૦- જી મહારાજ, મ્હારી ચુક થઈ. મ્હેતાજી, તમારું સમાધાન અમારા નવીન જૈવાતૃક કરશે ને તેનો અમને પણ લાભ મળશે.

સરસ્વ૦- આપને વિદિત હશે કે जन्मना जायते शूद्रः संस्काराद् द्विज उच्यते.

વિહાર૦- હા, જી.

સરસ્વતી૦– જન્મથી ભક્તિમાર્ગમાં જન્મ્યો હોય તે સંસ્કારથી જ્ઞાનમાર્ગમાં જાય.

મ્હેતાજી– પણ જ્ઞાનમાં જાય તે કંઈ ભક્તિને વખોડે કે?

સરસ્વ૦- વખોડવાની કાંઈ આવશ્યકતા નથી. ઉપલે પગથીયે ચ્હડીયે એટલે નીચલા સાથે કાંઈ સંબંધ ર્‌હેતો નથી. નવો સંબંધ થાય એટલે જુનો જાય. પ્રાતઃકાળેજ વિહારપુરીજીએ ઉપદેશ કર્યો હતો કે અલખનો પ્રકાશ અને અધિકારીની બુદ્ધિ બેના સંયોગથી લખસૃષ્ટિ ઉપરામ પામે છે.

વિહારપુરીનો આત્મા અતિ પ્રસન્ન થયો.

“જી મહારાજ, હું તે અલખનાં રહસ્ય શુકમુખ પેઠે ઉચ્ચારું છું, પણ આપ તેને પ્રકાશિત કરો છો–”

રાધે૦- અને સાથે અમારાં હૃદયકમળને વિકસાવો છો.

મ્હેતાજી - નવીનચંદ્રજી મહારાજ, ત્યારે ભક્તિમાર્ગમાંના અનેકમાંથી કીયો સ્વીકારવો?

સરસ્વ૦- અનેક સંસ્કારોના અનેક પ્રવાહમાંથી જેનો પટ તમારી બુદ્ધિ ઉપર વધારે બેસે તે ઇચ્છાથી કે અનિચ્છાથી તમે સ્વીકારવાના જ.

વિહારપુરી વિચારમાં પડ્યો હતો તે સ્મરણ વિકસાવી બોલ્યો: “જી મહારાજ, ગુરુજીનું વચન હવે સ્મરણમાં સ્ફુર્યું. આપનું વચન તેને અનુસરતું જ છે. સર્વના સરખા જઠરાગ્નિને દેશ કાળ પ્રમાણે જુદી જુદી જાતનાં અન્નાદિની આહુતિઓ અપાય છે, તેમ સર્વની સરખી ભક્તિવાસનાને માટે એક દેશમાં વિષ્ણુ પ્રિય છે, બીજામાં શિવ છે, ત્રીજામાં પેગમ્બર છે, અને ચોથામાં વિશ્વાસીયોનો દેવ છે. એ સર્વ સંસ્કાર જન્મ અને સહવાસથી અનધિકારીઓને મળે છે. એ ધર્મોમાંથી એકનો ત્યાગ કરી બીજાનું ગ્રહણ કરવાથી અનધિકારી અધિકારી થતો નથી,પણ ઉલટો ભ્રાંત થાય છે તેને માટે જ કહેલું છે કે, स्वधर्मे निधनं श्रेय: भयावह: ॥ પણ અનધિકારી અધિકારી થાય એટલે તો તેને જ્ઞાન સ્વતઃ ઉદય પામે છે.”

મ્હેતાજી – તે તમારા જ્ઞાનમાં પણ કયાં એકપણું બળ્યું છે ? આ જુવો કબીરપન્થી, જૈન, સાંખ્ય, વેદાન્ત વગેરે - અખો ક્‌હે અંધારો કુવો ને ઝઘડો ભાગી કોઈ ના મુવો - માટે જ તમારા જ્ઞાન કરતાં અમારી જેવી તેવી પણ ભકિત સારી.

વિહારી૦- અલખમાર્ગમાં ભક્તિ તો પ્રથમ સાધન જ છે. યોગજ્ઞાનાદિ તો તે પછી છે. અધિકારનો ક્રમ છે.

મ્હેતાજી - તો ખરું. બાકી આ તો શું ? જ્ઞાનની બડાશો મારવી એ તો સર્વને આવડે ને બડાશો મારવા શીવાય બીજું તો જ્ઞાન પણ નહી ને ભક્તિ પણ નહી.

સઉ વાતો કરતા ચાલતા હતા તે આટલી વાત થઈ એટલામાં તો મંદિરના મંડપનાં પગથીયાં ચ્હડી અંદર આવ્યા. સરસ્વતીચંદ્રને બીજાં વર્તમાન પત્રો મંગાવેલાં તે આપી, સમય થયે મ્હેતાજી શાળામાં ગયા.

મંદિરમાં અત્યારે રાજભોગનો સમય થવાને કંઈક વાર હતી, પણ ધીમે ધીમે લોક ભરાતા હતા. ગામની વસ્તી થોડી હતી તે થોડાં વરસથી વધવા માંડી હતી. તેમાં થોડાથોડા પરગામના યાત્રાળુઓ તો હમેશ આવજા કરતા. મંદિરમાં બહુ ભીડ ક્‌વચિત્ થતી; પણ શરદઋતુના આકાશમાં આછી વાદળીઓ અંહી તંહી હોય તેમ દર્શન કરવા આવનાર મંદિરમાં અહીં તંહી બેઠેલાં, ઉભેલાં, ચાલતાં, પ્રતિમાને નીહાળી ર્‌હેતાં, વાતો કરતાં, કીર્તન કરતાં, અને અમસ્તા રાગ ક્‌હાડતાં, યુવક અને વૃદ્ધ સ્ત્રી પુરુષો અને બાળકોનાં આછાં ટોળાં દ્વારોમાં, પગથીયાં ઉપર, ભીંતે અઠીંગેલાં, ચોકમાં અને મંડપમાં ભરાયલાં, લાગતાં હતાં. કોઈ સ્નાન - આદિ કરી પવિત્ર થઈ ઉઘાડે અંગે ટીલાં ટપકાં સાથે હતાં. મુંબઈવાસીને નિર્માલ્ય લાગે એવાં પણ ગામડામાં તે સુંદર અને આકર્ષક લાગતાં વસ્ત્રો કોઈએ પ્હેરેલાં હતાં. કોઈએ માત્ર અબોટીયાં જ પ્હેર્યાં હતાં. મ્હેતાજી ગયા તે વેળા ત્રણે સાધુવેશ યુવકો આ સ્થાને આવી પ્હોચ્યા હતા. વિહારપુરી અને રાધેદાસ દેવને નમસ્કાર કરી ઉભો. સરસ્વતીચંદ્રનું હૃદય જ મૃદુભાવથી પ્રવણ થયું અને બાહ્ય આકૃતિ સ્વસ્થ જ રહી.

એના જમણા હાથ ભણી એક ભક્ત એક પગે ઉભો રહી ઈષ્ટદેવની સુન્દરતાના અભિમાનની લ્હેમાં દેવને એક ટશે ન્યાળી રહી બીહાગ ગાતો હતો.

રાધે૦- જી મહારાજ, શ્રીકૃષ્ણ પરમાત્માને માટે રાધિકાજી વાસકસજ્જા થઈ આખી રાત વાટ જોઈ રહ્યાં હતાં. સંસારની રાત્રિમાં ભક્ત પણ તેવીજ વાટ જુવે છે, એ વિયોગ અને આતુરતાને કાળે ૨ાધિકાજીએ જેવી રીતે કાળક્ષેપ કર્યો તેનું જ અનુકરણ ભક્ત કરે છે. એ રાત્રિ પુરી થઈ ત્યારે જ રાધાજીને પ્રભુ મળ્યા. સાધારણ કામી જનનો મેળાપ રાત્રે થાય છે. રાધિકાજીની પરા ભક્તિને પ્રભુ વશ થયા તે તો માયાનો અધિકાર ગયો અને આતુર ભક્તિની સીમા આવી ત્યારે. રાધાસ્વરૂપ થઈ રાધિકેશજીનો ભક્તિયોગ ધરતાં ધરતાં આ ભક્તનું હૃદય દ્રવે છે તે જુવો.

સરસ્વતીચંદ્રે દૃષ્ટિ ફેરવી. ગાનાર ભક્તને પોતાના કીર્તનમાં અન્ય પદાર્થનું ભાન જ ન હતું. તે એકનું એક પદ ફરી ફરી ગાતો હતો.

“જલસુત[૧] વિલખ ભયે, સુરતબીનર.[૨] જલસુત વિલખ ભયે! (ધ્રુ૦)
હિમસુતાપતિરિપુ*[૩] તન પ્રકટે... ખગપતિ૩.[૪] ચખ ન પયે૪.[૫] સુરત૦
સારંગસુતા૫.[૬] સારંગ૬.[૭] લીયો કરપે... સારંગ૭.[૮] સ્થિર ભયે: સુ૦
સારંગ દેખ રીઝ રહે સારંગ૮.[૯]... લે રથ રાખ રહે રે ! સુ૦
સારંગસુતઅંક૯.[૧૦] કર લીનો...સારંગચિત્ર૧૦.[૧૧] ઠયે૧૧.[૧૨] ; સુત૦
સારંગ દેખ ચૌકે ઓહી સારંગ... લે રથ ભાગ ગયેરે. સુ૦
પ્રાત ભયો જબ પ્રકટે કચ્છપનંદન૧૨.[૧૩] , સંતન સુખ ભયે । સુ૦
સુરદાસ કહત હરિપ્રતાપ વ્રજવનિતા સુખ લહે.૧૩[૧૪] સુ૦

છેલી પંક્તિ ફરી ફરી ગાઈ અશ્રુ ભર્યો ભક્ત લાંબો થઈ દેવને સાષ્ટાંગ


 1. કમળ; રાધાનાં નેત્રકમળ.
 2. ર.(કૃષ્ણ-ચંદ્રની) સુરત એટલે મુખછબી વિના.
 3. *કામદેવ, મદન.
 4. ૩.ખગપતિ= ગરૂડપતિ=કૃષ્ણ.
 5. ૪.ચખ (ચક્ષુ, આંખ) ખગપતિને પીતી (પામતી) નથી.
 6. ૫/રાધા.
 7. ૬.વીણા.
 8. ૭.હરિણ.
 9. ૮.ચંદ્રમાનું હિરણ.
 10. ૯.સારંગ એટલે દીપ; તેનો પુત્ર કાજળ. કાજળનો અંક (નિશાની) હાથમાં કર્યો.
 11. ૧૦.સારંગ એટલે વાધ. વાઘનું ચિત્ર.
 12. ૧૧. ઠયે = ચિત્ર્યું.
 13. ૧૨.કશ્યપનંદન = સૂર્ય.
 14. ૧૩કૃષ્ણને વિયોગે રાધાએ વીણા લેઈ વિનાદ ઈચ્છ્યો, ત્યારે તે સાંભળવા હરિણવર્ગ અને ચંદ્ર સ્તબ્ધ થઈ ઉભા, રાધાએ વિરહથી ચંદ્રદર્શન ન વેઠાતાં હથેલીમાં કાજળ વડે વાઘ ચિત્ર્યો. તે જોઈ હરણ નાઠાં. ચંદ્રનું હરણ પણ બ્હીન્યુ ને રથ લેઈ નાઠું તે ચન્દ્ર અસ્ત થયો ત્યાં સૂર્ય ઉગ્યો ને કૃષ્ણદર્શન પણ થયાં. એ આ પદનો અર્થ.
નમસ્કાર કરી ભીંતને ટેકી ઉભો રહ્યો, અને નેત્ર મીંચાઈ ગયાં. ફરી ફરી

સંભળાતાં સર્વને અર્થ બેસી ગયો.

રાધે૦– નવીનચંદ્રજી, આ ભક્તરાજે ભક્તિનો યોગ શ્રીરાધિકેશના દર્શનમાં સાધ્યો અને વ્રજવનિતાનું સુખ અનુભવે છે – આ પરાભક્તિનો સમાધિ.

સરસ્વતીચંદ્રે ઉત્તર મુખવડે ન દીધો, પણ તેના હૃદયમાં ધ્વનિ થયો:- “'Tis the yearning for the Beautiful ! – for the Beautiful in the Divine. It is the Beauty which the sightseers admire, but to the Bhakta is a trance of intense love. There is a form of beauty floating on the air before his loving eye and singing the sweet melodies of Divine raptures into his wistful ears.”

એક પ્રૌઢ સ્ત્રી મંડપની વચ્ચે દેવનાં દર્શન કરતી કરતી હાથ જોડી ગાતી હતી. તેના આગળ એક તુળસી ભરેલો ટોપલો પડેલો હતો. તેમાંથી લીધેલી એક માળા એના હાથમાંથી લટકતી હતી. એનું શરીર દુ:ખીયું અને દુબળું હતું. એના ગાલ બેસી ગયા હતા. એના વસ્ત્રમાં અનેક થીંગડાં હતાં. આ દુ:ખી અબળાના પગ આગળ એક બાળક પુત્ર એના શરીરને બાઝી ઉભો હતો, અને રહી રહીને રોતો હતો. પણ તે કંઈ લક્ષમાં ન લેતાં આ બાળકની માતા માત્ર દેવને ન્યાળી રહી હતી અને એ પ્રતિમામાં આરોપેલો સર્વવ્યાપી ઈશ્વર સાંભળતો હોય તેમ એના મુખમાંથી ધીરે ધીરે અક્ષર ખરતા હતા.

“ મીરાં ભક્તિ કરે રે પ્રકટકી ! નાથ તુમ જાનત હો સબ ઘટકી; (ધ્રુ.૦)
રામમંદિર મીરાં દર્શન આવત, તાલ બજાવત ચટકી,
પાયલ ઘુઘુરું રુમઝુમ વાગત, લાજ સંભાળો ઘુંઘટકી ! મીરાં૦
ધ્યાન ધરત મીરાં ધરણીધરનકો ને સેવા કરત ખટપટકી,
શાલિગ્રામકું તુલસી ચ્હડાવત, ભાલ તિલક, માંહી ટપકી ! મીરાં૦
વિખના પ્યાલા રાણાજીએ ભેજ્યા ને સાધુ સંગત મીરાં અટકી,
હરિચરણામૃત કરી પી ગઈ મીરાં, જેસી જાનત અમૃત ઘટકી. મી૦
સુરદોરપર ચલી એક ધારા ને સીર ગગરીપર મટકી,
બાઈ મીરાં કહે પ્રભુ ગીરધર નાગર, એસી સુરત બની જ્યમ નટકી ।
મીરાં ભક્તિ કરેરે પ્રકટકી! “વિખના પ્યાલા”ની કડી ગાતાં ગાતાં આ સ્ત્રીના નેત્રમાંથી આંસુની ધાર

નિરંકુશ થઈ. છેલી કડી ગાતાં તે ઘેલી જેવી દેખાઈ. તેના અંતર્માં કંઈક ઉંડું દુઃખ હતું. તેના રોતા બાળક ભણી તે દૃષ્ટિપાત પણ નાંખતી ન હતી. અંતે દીર્ઘ નિઃશ્વાસ મુકી, બાળકને એમનું એમ ર્‌હેવા દેઈ, તુળશીનો ટોપલો લેઈ સામી સામી ચાલી અને સિંહાસન ઉપર ઉંધો વાળ્યો. એ તુળશીની ભેટનો સ્વીકાર થયો જ હોય અને ઈશ્વર ઉપર વિશ્વાસ આવ્યો હોય તેમ આશ્વાસન પામી આ સ્ત્રી સ્વસ્થ વદનથી પાછી આવી, બાળકને ઉચક્યું, અને તેની પાસે ઠાકોરજીને “જયજય” – “જે જે કરાવી” એક પુરાણી ભાગવતની કથા કરતો હતો તેની પાસે બાળકને ખોળામાં લેઈ સાંભળવા બેઠી.

આ સર્વ પ્રત્યક્ષ કરતો કરતો સરસ્વતીચંદ્ર ક્‌હેવા લાગ્યો; “વિહારપુરી, આ સ્ત્રી બહુ દુ:ખી હશે અને તેના અનાથ હૃદયમાં એની ભક્તિએ આશ્વાસક અમૃત રેડ્યું તે આજે પ્રત્યક્ષ કર્યું. સુખી જીવને ભક્તિથી શું થાય છે તે જોવાનું બાકી રહ્યું.”

વિહાર૦- “જી મહારાજ, તે પણ ક્યાંક લખ થશે.”

આ ઉત્તર કાનમાં પ્હોચતાં પ્હેલાં તો કુમુદસુંદરી સાંભરીઃ “ કુમુદ ! દુઃખી કુમુદ! આવા જ દુઃખથી તું ડુબી ! ત્હારાં જેવાં કેટલાં સુંદર પુષ્પો દુઃખના ભાર નીચે કચરાઈ ચીમળાઈ નિર્માલ્ય થઈ ધુળ ભેગાં લોકના પગનીચે છુંદાતાં હશે ! - ત્હારા જેવીજ આ દુ:ખીયારી ! તેના જેવું આશ્વાસન તને ન મળી શકયું ! ઈંગ્રેજી વિદ્યાએ ન આપ્યું, સંસ્કૃત વિદ્યાએ ન આપ્યું, માતાપિતાએ ન આપ્યું, મ્હેં ન આપ્યું ! – તે અમૃત આ રંક અશિક્ષિત સ્ત્રીને આ સ્થાને મળ્યું ! – આજ જે સુન્દર દુ:ખી મુખ દીઠું તે જ તું ન હોય ! તું તે હોય - તો - તને આવું અમૃત ન મળે ? ત્હારાં દુ:ખમાં આ અમૃતથી શાન્તિ ન વળે ? એ શાંતિ આપવી તે મ્હારા અધિકારમાં નથી. – આ ભેખ – હવે બુદ્ધિધનના ઘર જેટલું ૫ણ – આશ્વાસન આપવા દે એમ નથી ! પ્રમાદધન મુવો. તું વિધવા થઈ. સુંદરગિરિ ઉપર આવી, અલખની સ્વતંત્રતાને પ્રાપ્ત થઈ. મ્હારા અપરાધનું પ્રાયશ્ચિત્ત શક્ય થયું - પણ... આ ભેખ... પણ તું તે હોય ખરી ! મળતાં મ્હોંનાં માણસ જગતમાં ક્યાં નથી હોતાં ? – સર્વથા આ સંકલ્પવિકલ્પ અપ્રાપ્તકાલ છે."

મન સ્વાધીન થયું અને વિચાર બંધ પડ્યા. દેવના સિંહાસન પાસે ઉભી ઉભી એક સુન્દર મુગ્ધા ગાતી હતી. તેનાં વસ્ત્ર ભગવાં હતાં, પણ મુખ અને અવયવોમાં લાવણ્ય અને લાલિત્ય ઉભય હતાં. બે ત્રણ પુરુષો કેટલેક છેટેથી તેના સામી વિકાર ભરેલી દૃષ્ટિ કરી ઉભા હતા. પણ એની આશપાસ બીજી સ્ત્રીયો કીલ્લો રચી ફરી વળી હતી, એને વચ્ચેનો માર્ગ જરા વધારે રાખી તેમાં આ મુગ્ધાને રાખી હતી. એ બાળા ચંદ્રાવલીની ભાણેજ હતી, અને માશીનું અનુકરણ કરી કુમારી ર્‌હેવાનો નિશ્ચય કરી બેઠી હતી અને સાધુજનોમાં એવા નિશ્ચયવાળી સ્ત્રીયો મરતા સુધી પરણે નહી તેની નિન્દા થતી ન હતી. આ મુગ્ધા પોતાના મનથી શ્રીકૃષ્ણપરમાત્માને જ વરેલી હતી અને તેમ સમજી તેવા જ હાવભાવ કરી દેવને ઉદ્દેશી ગાતી હતી.

“આવત મોરી ગલીયનમેં ગિરિધારી !
આવત મોરી ગલીયનમેં ગિરિધારી !”

ગલીને એક છેડે પોતે હોય ને બીજે છેડેથી પ્રિયજનને આવતો દેખી આંખોને હાથ તે છેડા ભણી લંબાવતી હોય તેમ કરવા લાગી અને પ્રિયજનને જોઈ શરમાતી મુગ્ધા મ્હોં સંતાડતી હોય તેમ અચિન્તી પાછી હઠીને મ્હોંપર લાજ તાણવા લાગી.

“મ્હેં તો છુપ રહી લાજ કુમારી,
“આવત મોરી ગલીયનમેં ગિરિધારી !-
“મ્હેં તો છુપ રહી . . લાજ . . કુમારી . . આવત૦”

મ્હોડું ઉઘાડી નાંખી શ્રીકૃષ્ણને આલિંગન દેવા બે હાથ પ્રસારતી હોય અને ઉમંગમાં આવતી હોય તેમ કરી બોલી.

“વૃન્દાવનમેં મીલ ગઈ મોહન,
“છુપ રહી રાધે જ્યું પ્યારી ! આવત૦"

એ ગાતી ગાતી દોડી જઈ મૂર્તિના પગને બાઝી ચુમ્બવા લાગી.

વળી આઘી ખસી તેને દૃષ્ટિપાતથી લલચાવવા દષ્ટિ નાંખી, મન્મથન ઘેનમાં આવી ડોલતા મદનવશ પ્રિયને સમાનભાવથી ક્‌હેતી હોય તેમ લ્હેંકાતે ધીરે સ્વરે હાથ લંબાવી ધીમી ધીમી મૂર્તિ ભણી જતી ગાવા લાગી

“મીલ જાવ, મનમોહન પ્યારે !
“મોહન પ્યારે! નન્દદુલારે!–મીલ !–”

સરસ્વતીચંદ્રના હૃદયમાં વીજળીના કડાકા પેઠે ધ્વનિ થયો ! ૧ ) “ I swear – I swear – there is no lascivious note in these lines of our good friend Dayârâm in spite of all that libidinous veneer over them which is meant to dazzle and catch into its flame the unlearned worldly sinking soul in order that she may rise there from like the phœnix into the heaven of Devotion. Is then this a lewd religion as they say ? Is this mere worship of the fetish as they say ? Most certainly not. As I understand and realize the depth of this sweet girl's heart, she is not more distant from the highest purity and the abstractest devotion than Cowper was when he loved and worshipped the Eternal Fair in his Olney hymn. The girl's vision is at this moment stretched over the vistas of Infinity and Beauty and Love far beyond this man - manufactured Idol, far beyond this Temple of clay and stone, exactly like the vision of Byron's Dying Gladiator looking at his distant Dacian dame and children as if they were present before his eyes in the midst of the Roman audience against whom he had closed them. Her ideal is sweet and harmless, and has all the pleasure and sport which they in the West get from their balls and dances ! If there be no vice in the latter, surely there is none in this – the former. And have my countrymen a right to object to all this as being a wrong side of religion ? No –no-not until the generation that frowns at this can boast of the birth of a new poet of God whose fervor of soul shall be able to soar as high as does the spirit of this song in the child ! And - the Christian missionaries - ? I think I realize what must always make them fail in a country so rich in the light of the Heart., Their only chance lies in waiting until our people become colour-blind on this their light-some land. Are they destined to be so blind ? No - this sweet girl says - No. Keshab Chunder's last stage, too, says – No ! Evil will be that day for India when these temples of divine raptures will have been turned into the soul-less laboratories and workshops of materialistic ideals ! Science I love ! – but not at the cost of this - the sweet living heaven of the poverty-stricken angels of my country. Can't give them up for the highest blessings of the Western civilization ! Poor sweet angels ! You shall live through the din and the turmoil that the world wakes with !”

વિચાર થઈ રહ્યા. કુમુદનું મધુરી-સ્વરૂપ સાંભર્યું, જિજ્ઞાસા સુતેલી જાગી. મન ચંચળ થયું. પગ અસ્વસ્થ થયા. મ્હોટેથી બોલાયું.

“વિહારપુરી, આપણે ચાલશું?”

“જી મહારાજ, ભલે ચાલો.”

સરસ્વતીચંદ્ર વિના સર્વ જણે દેવને પ્રણામ કર્યા. એ અને તે સર્વ જણ પાછા ફર્યા અને મંદિર બ્હાર નીકળ્યા. સામી ચંદ્રાવલી મળી. તેને જોઈ વિહારપુરી આગળ નીકળી ગયો. એ પણ એની પાછળ છેટે ઉંચું જોયા વિના ચાલી ગઈ. ચાલતાં ચાલતાં કંઈક વિચાર થતાં પાછી ફરી, રાધેદાસને પકડી પાડી ઉભી રાખી પુછવા લાગી.

“રાધેદાસજી, ભક્તિમૈયા માર્ગમાં દૃષ્ટ થઈ?”

"હા, હવે તો તે યદુશૃંગ ઉપર પ્હોચી હશે?"

“એની સાથે મ્હારી મધુરી હતી ?”

સરસ્વતીચંદ્ર ઉત્તર સાંભળવા ઉભો.

“કોઈ નવીન ગૃહસ્થ કન્યા તો હતી.”

"તે શ્રાન્ત હતી કે અશ્રાન્ત હતી?"

"અમે આવ્યા ત્યારે બેઠી હતી. જુદા પડ્યા ત્યારે એને તેડી લીધી હતી. એ કન્યા કોણ છે ?" "તમ પુરુષ જાતિની કઠોરતાનો ભોગ થઈ પડેલી એ બાપડી ડુબતી ડુબતી માતાને શરણ આવી જીવી છે."

"જ્યાં ત્યાં અમ પુરુષોનો જ દોષ?"

"છે તે છે."

"એકના દોષને માટે સર્વને દૂષિત ગણવા યોગ્ય નથી."

"રાધેદાસ, ઉત્કર્ષના લોભને હું દોષ કેમ કહું ? જે લાભ મ્હેં રખાવ્યો તેને હું દોષ કેમ કહું ? પણ આપણે આ વાત પડતી જ મુકવી. બિન્દુમતીને દીઠી?"

"મંદિરમાં છે ઠાકોરજી જોડે પ્રણય અને અભિનય કરતી હતી."

"પુરુષનો પ્રણય કરવા કરતાં આ વસ્તુ સારી."

"સત્ય બોલે ત્યાં ના કેમ ક્‌હેવાય ?"

રાધેદાસ બ્હાર ચાલ્યો. ચંદ્રાવલી અંદર ચાલી. સરસ્વતીચંદ્ર રાધેદાસથી આગળ ચાલતો હતો. વિહારપુરી સઉથી આગળ નીકળી ગયો હતો અને આમની વાટ જોતો માર્ગમાં ઉભો હતો.

ચંદ્રાવલીને બિન્દુમતી સામી મળી અને ભેટી પડી બોલી.

"મૈયા, વિહારપુરી જોડે નવીન કોણ હતું !"

"આપણે શી ચિન્તા !"

"તેની આકૃતિ રમણીય હતી."

"ત્હારે ક્યાં પુરુષનું કામ છે?"

"હું તો સહજ પુછું છું. એ ઘણું કરીને વિષ્ણુદાસજીના અતિથિ છે."

"હેં ! ત્યારે તો આપણે તેનું કામ છે - મધુરીની કથા ત્હેં સાંભળી છે કની ?"

"તે પુરુષ આ ?"

"એમ જ હોવું જોઈએ."

"સૂર્ય ગયે પદ્મિની મીંચાય છે તે યોગ્ય જ છે. મધુરીનાં દુઃખની મધુરતા અને તીવ્રતા હવે સમજાય છે."

"બચ્ચા, તું માજીનું મંદિર બે દિવસ જાળવીશ?"

"હા. કેમ ?"

"મધુરી વિષે મ્હારો જીવ ઉંચો હતો - તે હવે વધારે ઉંચો થયો -"

"તે યદુશૃંગ જવા ધારો છો?"

"હા."

"પણ વિહાર - " “મ્હારે તેનું શું કામ છે? મધુરીને સુખ કરી પાછી આવીશ.”

“ભલે. જાવ ત્યારે.”

“કોઈ સ્ત્રીયોને ત્હારી સાથે ર્‌હેવાનું કહીશ.”

“કયારે જશે ?”

“તે બેટ જઈને નિર્ણય કરીશું.”

“ભલે.”

“અથવા – બિન્દુબેટા, તું પણ મ્હારી સાથે જ ચાલજે, મંદિર કોને સોંપીશું.”

“કેમ વિચાર ફેરવ્યો ?”

“શરીર એકલું પડે ત્યારે કાળજું હાથમાં ન ર્‌હે — તો વિપરીત થાય. બેટા, જેને એવું ભય હોય તેણે કોઈ ન મળે તો બોલતું બાળક પણ સંગતમાં રાખવું.”

“માશી, સાધુજનોનો કાળ સર્વદા મનને આમ અંકુશમાં રાખવામાં જ જતો હશે ?”

“સંસારમાં જન્મ લેનાર સર્વને માટે એ સાધુચરિત ઉચિત છે, તો સાધુનો આ ભેખ ધરે તેનું તો પુછવું શું?”

“પણ વિવાહિત જનોને એ પ્રયાસની આવશ્યકતા નહી ર્‌હેતી હોય?”

મન્દ સ્મિત કરી, મુગ્ધાને ચુમ્બન કરી, તેને વાંસે જરીક થાબડી, ચંદ્રાવલી બોલી.

“બેટા, અનેક ભોગ અને ભોગનાં સાધન હાથમાં છે તેને પણ સંતોષ દુર્લભ છે તે પામવાને આવું સાધુચરિત જોઈએ છીયે તો ત્હારા જેવી આ ન્હાની સરખી કોમળ દેહલતિકાને શ્રી અલખ ભગવાનના અશરીર યોગથી તમે ર્‌હેવા માટે કેટલું જાગૃત ર્‌હેવું પડે વારું ? બેટા બિન્દુ, તું અને મધુરીના વયમાં બહુ ફેર નથી. ત્હારી સાથે એ મન મુકી વાત કરશે ને એને સુખી કરવામાં તું સાધનભૂત થાય તો એ પુણ્ય ત્હારે ઓછું નથી. માટે પણ મ્હારી સાથે ચાલ. મન ઉપર જય, માજીનો યોગ, અને અન્ય જીવોને સુખી કરવા: એ ત્રણ કામ પુરાં

થાય તો સાધુજીવનનું ફળ પૂર્ણ મળ્યું ગણવું.”
પ્રકરણ ૧પ
કુસુમનું કઠણ તપ.

કુસુમ, ઓ કુસુમ, તને ખોળી ખેાળીને તો હું થાકી ગઈ ! બળ્યું, આમ તે શું કરતી હઈશ ?” એમ બોલતી બોલતી કુસુમનાં માંડવા આગળ થઈને સુન્દર ઉતાવળી ઉતાવળી ચારેપાસ જોતી જોતી ફરતી હતી. આજ પ્રાત:કાળની તે જડતી ન હતી અને એને માટે નિર્મેલા કોઈપણ સ્થાનમાં તેનો પત્તો ન હતો. એમ કરતાં કરતાં છેટે માળણની ઓરડીની પાછળ એક પીપળા તળે કંઈક ઘસારો લાગ્યો, કાન માંડ્યા, બીજા ઝાડ પાછળ સંતાઈને જોયું, અને જુવે તો એક હાંલામાં કંઈક રાંધવા બેઠેલી કુસુમની પીઠ – માળણનો જાડો સાલ્લો પ્હેરેલો તેથી – એકદમ ઓળખાઈ નહી... પણ જરીક એક પાસથી જોયું તો કાન, નાક, આંખ, ગાલ – સર્વે કુસુમનાં જ. શ્વાસ રુંધી સ્તબ્ધ થઈ છાતીએ – હાથ મુકી, કાકી ભત્રીજીનો આ ચિત્રવેશ જોઈ રહી. નાક ચ્હડાવી, ઓઠ લંબાવી, આંખો સંકોડી, અનેક ગુંચવારામાં પડી, મનમાં ને મનમાં સુન્દર બડબડી: “આ છોકરીથી તે ત્રાહિ દીનના નાથ ! એ શું કરે છે ને શું કરશે તે આપણાથી તે કંઈ સમજાય નહી. એની માને દુ:ખ આવી પડ્યું એટલે એને સુઝતું નથી ને બાપને કારભારમાં દીકરીનું ચરિત્ર વસતું નથી. એવાં એવાંની બુદ્ધિ લોપ પામી ગઈ ત્યાં મ્હારા તે શા આશરા !-- છતી થઉં ? – ના, ના, જોઉં તો ખરી કે આ વેશ આખરે કેવો ઉતરે છે?”

માળણની ઝુંપડી અને વાડીના કોટવચ્ચે ખાલી જગા હતી અને તે એક પીપળાના ઝાડની છાયાથી ઢંકાઈ હતી. આ ઝાડના મૂળ આગળ કુસુમે ભોંયમાંજ ખાડો ખોદી ચુલો કર્યો હતો અને તેમાં દેવતા સળગાવી ઉપર હાંલીમાં ખીચડી ચ્હડાવી હતી. પોતે પાસે એક ઈંટ ઉપર અર્ધોત્થિત- - અર્ધોત્ક – અધુકડી બેઠી હતી. પોતાના શરીર ઉપરથી સર્વ અલંકાર ક્‌હાડી મુકેલા હતા, પણ પીપળાના તળ આગળ પોતે કોઈ વેલી પેઠે બેઠેલી લાગતી હતી અને પીપળાનો અલંકાર જાતેજ થઈ પડી હતી. કૃષ્ણપક્ષમાં મધ્યરાત્રિયે ચંદ્રબિમ્બ ક્ષિતિજમાં ઉગે અને આસપાસના પ્રદેશમાં રમ્ય નવીન પ્રકાશ પ્રકટાવી ર્‌હે તેમ ઝાડના મેલા થડ આગળ કાળા સાલ્લામાં કુસુમનું ગૌર મુખબિમ્બ નવીન કાન્તિ ધરતું હતું. તે જોતાં સુન્દરને ઉમળકો આવ્યો અને છતી થઈ તેને બાઝી પડતી પડતી અટકી.

ઝાડની ડાળો અને પાંદડાં વચ્ચેથી કોયલ ટહુકી ઉઠે તેમ શાન્તિની છાયાથી ઉભરાતા આ સ્થાનમાં કુસુમ બોલી ને સુન્દરનો પગ અટક્યો

“જમની, આ ચુલામાંથી દેવતા ઘેર જાય છે ને ધુમાડો થાય છે તે ભુંગળી વગર શું કરવું ?”

થોડેક છેટે ઉગેલું ઘાસ એક લાંબી કાતરવડે બેસીને કાપતી કાપતી માળણ બેલીઃ

“ઉભાં ર્‌હો, ભુંગળી લાવું.”

“ના ના, ભુંગળી ન હોય ત્હોયે ફુંક મરાય એમ કર.”

“ તે વારુ અમ માળીડાંને યે ભુંગળી મળે તે તમને જંગલમાં નહી મળે ? ત્યાં તો ઘણાએ વાંસ હોય.”

“ પણ વાંસને કાપવાનું જોઈએ કની ? આપણે તો વગર ભુંગળીયે તાપ લાગે એવું બતાવ.”

“માળણ ઉઠી આવી, ને ચુલા સામું જોતી જોતી બોલી. “વારું, બ્હેન, તમે કર્મી લોક તેને આ તે શા અકર્મીના ધંધા કરવા ? જાવ, ઘેર જાવ ! જુવો તો ખરા આ ધુમાડે તમારી આંખો કરી છે તે – કેસુડાનાં ફુલ જેવી ?”

“ના, તે હું કહું તે કર.”

માળણ કંઈ વિચાર કરી બોલી.

“પાંદડાં ને ઘાસને દેવતા – તે પુરો થયો, એ હવે બીજો સુકાં પાંદડાં વીણી લાવ્યા વગર નહી બળે.”

“તે તેમ કરતાં તો ખીચડી કાચી કાચી સુકાઈ જશે. તળે છે થોડે ભુકો - તે લાગશે. માટે કુંકવાનો રસ્તો બતાવ.”

“મ્હારી તો અક્કલ ચાલતી નથી. ફુંક જેવી ફુંકો મારો તે તમારાં નાજુક મ્હોંમાં જોર કેટલું ? હું ફુંક મારું તો અભડાવ ને તમારામાં ફુંકવાનું જોર નહી!”

કુસુમ જરાક ઉંચી થઈ વિચારમાં પડીને બોલી ઉઠી. “ જો, ભુંગળીને ઠેકાણે આ હાથેલી મ્હોં આગળ રાખું ને ફુંક મારું તો દેવતા સળગશે કની ?”

"હા, લ્યો, એમ કરી જુવો."

ફુંક મારતાં આંખમાં રાખ ઉડી ને માળણ હસી પડી.

"લ્યો લ્યો હવે ! જાવ ઘેર. જેનું કામ તે તે જ કરે. મ્હોં ઉપર રાખોડી ઉડી ચ્હોટી તે બાવીઓ જેવાં કાળા હત તો તો બરોબર લાગત.”

"ત્યારે આ કેવી લાગે છે?” હાથેલી વડે ભુલી ત્યાંથી ફરી ફુંક મારવાનું કરતી કુસુમ બોલી, ને ઉત્તર મળતા પ્હેલાં હાથેલી ધરી ફુંક મારવા લાગી. માળણને ઉત્તર સુઝે ત્યાર પ્હેલાં ભડકો થયો અને સુન્દર પાસે આવી બોલી ઉઠી.

"આ દિવસમાં ધોળી વાદળીઓથી ઢંકાયલો ચંદ્ર લાગે છે એવું ત્હારું રાખોડીવાળું મ્હોં લાગે છે ! કુસુમ !"

કાકીને દેખી કંઈક ચમકી, અંતે સ્વસ્થ થઈ, હાંલાનું ઢાંકણું ઉધાડી એક ધોયેલા છોડીયાવડે ખીચડીના દાણા ક્‌હાડી ચાંપી જોતી, એણી પાસ જ દૃષ્ટિ રાખી, કુસુમ બોલી.

“કાકી, એ રાખોડી ને એ મ્હોં - એ બે આખરે એક દેખાવાનાં તે આજથી અજમાવી જોઉં છું કે એ બેનો અરસપરસ મેળ કેવો થાય છે ? આખરનું જે સાથી તેનું આજથી જ હેત કરું છું.”

"કર્યું કર્યું એ હેત ! ઉઠ - આધી – રોજ નવા નવા વેશ ક્‌હાડે છે તે હવે નહી નભે. ખબડદાર જમની ! જો આ છોકરીને અંહી આવવા દીધી તો !”

જમની:- “કાકીબા મ્હેં તો ઘણું યે સમજાવ્યાં પણ, એ કંઈ અમ જેવાનું માને ? ર્‌હાડ કરીને આવું અાવું કરે છે !”

સુંદર– તે કેમ, કુસુમ, કહ્યું માને છે કે નહી ! ઉઠે છે કે ઘરમાંથી વડીલને બોલાવું ?

ચાંપેલો દાણો હાંલીમાં પાછો નાંખી હાંલી ઢાંકતી ઢાંકતી કાકી ભણી કંઈક ફરીને ઉંચુ જોઈ કુસુમ બોલવા લાગી.

"તે શું, કાકી, એમ જાણો છો કે વડીલ - કુસુમને તમારી પેઠે ધમકાવશે? ”

"ના, તું તો એમની હૈયાની હોડી - લજવામણી ! તે તને કેમ ધમકાવે? પણ એટલું તો થશે કે જો ત્હારા આ ચાળા જોઈ વડીલ દુખના દરીયામાં ડુબશે. માનું કાળજું બાળે છે ને દાદાનું બાળ ! જોઉં તો ખરી કે કોનાં કોનાં કાળજાં બાળે છે ? ભાયડાઓ છોકરીયોને ભણાવે ન આમ બગાડે તે ત્હારા બાપ નથી જાણતા, પણ દાદા તો જાણે છે.”

હાંલી ઉઘાડી માંહ્ય પાણી રેડતી રેડતી હસતી હસતી પાણીની ધાર ભણીજ આંખ રાખી કુસુમ બોલી.

"કાકી, એ તો ભુલ્યાં. દાદા તો વળી પિતાજી જેટલું પણ કુસુમને ક્‌હેવાના નહી અને પિતાજીની જોડે તો બહુ બોલાય નહી, પણ દાદાજીને તો ક્‌હેવાય એટલું કહું.”

મ્હોં લંબાવી ખભા ઉંચા કરતી સુંદર બોલીઃ “ઉંહ - તું તે કોઈને ગાંઠવાની નહી. શું કરીયે આને તે ? પણ બોલ તો ખરી કે આ બધું શું કરે છે ને આ વેશ શો ક્‌હાડ્યો છે ? મને તો ત્હારી કંઈ સમજણ પડતી નથી."

“કાકી ! કોઈને ભારે પડ્યા વિના ગરીબ થઈ એકલાં બાવીઓ પેઠે કેમ ર્‌હેવાય – આવું કેમ ખવાય ને આવું કેમ પ્હેરાય તે શીખું છું.” ઉભી થઈ, કાકીના સામી ફરતી પ્હેરેલા વસ્ત્રનો જાડો પાલવ હાથમાં ઝાલી બતાવતી, અને આંખવડે હાંલી બતાવતી કુસુમ પ્રફુલ્લ મુખથી બોલી અને અંતે જય પામતી હોય તેમ કાકીની આંખો સામું તાકીને જોઈ રહી.

“કુસુમ, ત્હારે કરવું હોય તે કર. પણ આ કંઈ સારું કરતી નથી !” નિ:શ્વાસ મુકી સુંદર એક ઝાડના ઠુંઠા ઉપર લમણે હાથ મુકી બેઠી અને કુસુમના ચુલા સામું જોઈ રહી.

થોડી વારે હાંલીમાં જોઈ, ઉભી થઈ બે ચાર પાંદડાં વીણી, કુસુમ પત્રાળું કરવા બેઠી, ને તેને સળીયોના કડકાથી સાંધતી સાંધતી બોલી “કાકી, આ અન્ન ખાવું હોય તો ચાલો – એ પણ મિષ્ટ લાગશે, એથી પણ જઠરાગ્નિ તૃપ્ત થશે.”

“શું આમ હાથમાંથી જવાને બેઠી છે? ત્હારા ઘરના અન્ન જેવું આ અન્ન ન હોય અને એ જાડું અન્ન ત્હારા નાજુક પેટમાં ને નળામાં ખુંચશે ને પ્રાતઃકાળે ઔષધ ખાવું પડશે.”

"કાકી, આ ખીચડી ખાતે તો બે ત્રણ દિવસ થયા.” “હેં ! ત્રણ દિવસ થયાં ખાય છે? દીકરી, ગજબ કર્યો ! ” – છાતી ઉપર હાથ મુકતી સુન્દર ચપ લેઈને ઉભી થઈ અને હાંલીને અડકવા ગઈ

“હાં, હાં, અડકશો નહી – નવણમાં છું” કુસુમ ગાજી ઉઠી.

“હવે જાણ્યું ત્હારું નવણ ને બવણ. જમનીનું લુગડું, જમનીની માટલી, ને બધું નવણમાં હશે ખરું કની ? ”

“તો, આ જુવો. પણે કાલને માટે ધોઈ સુકવી મુકેલું લુગડું પેલા ઝાડની ડાળ ઉપર, ને આ હાંલી તે કુંભારના ઘરની નવી છે. કાકી, આવો તો ખરાં; જરા ચાખો તો ખરાં, જુવો તો ખરાં વારું, આમ શું ગાંડાં ક્‌હાડો છો?”

“હા હા, હું ગાંડી, ને તું ગાંડી તે ડાહી. હું તો અડકું છું ને હાંલી બાંલી બધું લઉં છું ઘરમાં ત્હારાં માને ને બાપને દેખાડવાને.” સુન્દર અડકવા ગઈ, કુસુમે તેને અટકાવી.

"જો, ત્હારે આ વાત તેમનાથી છાની રાખવી હોય તો એટલું કબુલ કર કે આવું આવું જે જે ધતીંગ કરે તેની પ્રથમ મને જાણ કરવી."

"તે તમે કબુલ કરો છો કે તમારે એ વાત કોઈને ક્‌હેવી નહી?”–

“હા.”

“ને મને અટકાવવી નહી ?”

"એ તો અટકાવવાનું હોય ત્યાં અટકાવવીયે પડે !”

“તે બળથી કે કળથી ?”

“કળથી, બાપુ, કળથી. એટલું યે કબુલ તો કર.”

“નક્કી – ખાતરી ?”

"હા નક્કી ! ખાતરી ! ”

“જાવ ત્યારે કબુલ. ”

“ત્યારે ક્‌હે કે આવું આવું શું શું ધાર્યું છે?”

“જુવો, ગુણીયલના મનમાં મને બુદદ્ધિધનભાઈને પરણાવવાનું છે- તેની આપણે ના છે. બ્હેનના સસરા તે મ્હારા વડીલ, પિતાજીના મનમાં મને સરસ્વતીચંદ્રને પરણાવવી છે - તેમાં પણ આપણી ના સમજવી. અને આ ચંદ્રકાંતભાઈના ઘરમાં એક છે ને તેના ઉપર મને બીજી બેસાડવાની માગણી તેમના ભાઈએ કરી છે – તે કાગળ પિતાજી ઉપર છે – તેની પણ ના.” સુન્દર૦– બે વાતની ના તો સમજાઈ, પણ સરસ્વતીચંદ્રની ના કેમ ક્‌હે છે?

કુસુમ– બે વાતની નામાં છેલે સુધી મને મદદ આપો તો સમજાવું. પિતાજી, દાદાજી, ગુણીયલ, જરાશંકરમામા ને એ બધાંને આ વાતમાં તમારે સમજાવવાં.

સુન્દર૦– તે એટલી બધી હું બન્ધાઉં તેને સટે તું કેટલું બન્ધાય છે?

કુસુમ૦- સરસ્વતીચંદ્રને ના પરણવાનું મ્હારું કારણ તેના બદલામાં સમજાવું.

સુન્દર૦– ના, તે એટલામાં બદલો ન વળે; હું બંધાઉં તેના બદલામાં તું સરસ્વતીચંદ્રને પરણવાને બન્ધાય છે !

કુસુમ૦– આવડી આવડી ના !

એણે “આવડી” ઉચ્ચારતાં હાથના ચાળા કર્યા.

સુન્દર૦– ત્યારે અમારી યે આવડી આવડી ના, આટલી છોકરી મને પટાવે છે - જમની, જો તો ખરી.

જમની– કુસુમબા, ત્યારે કહીજ દ્યોને. કાકીબાને યે મનની વાત ન કહીયે ?

કુસુમ૦– જો તમે આટલું બન્ધાવ તો હું એટલી બન્ધાઉં કે - સરસ્વતીચંદ્ર જડે ને પોતાના વિચાર ફેરવે તે પણ તેટલાથી કંઈ મ્હારે મ્હારા વિચાર ફેરવવાના નથી – પણ હું પુછું એ બધા પ્રશ્નોના ઉત્તર આપે ને એવા ઉત્તર આપે કે તેથી મ્હારા મનનું સમાધાન થાય ને મ્હારા વિચાર ફરે ને તેમનો ને મ્હારો બેનો વિચાર એક થાય તો પછી હું મને ઠીક લાગે તે વિચાર કરું – તે વિચાર કરું – હાં – વિચાર કરું; બીજું કાંઈ અત્યારથી બંધાવાનું નહી.

સુન્દર૦– આ જોને - આનું આમ થાય, તેનું તેમ થાય, પેલાનું પેલું થાય - તો પછી મ્હારાં કુસુમ બ્હેન શું કરે – વિચાર કરે ! બીજું કાંઈ ન કરે, પણ વિચાર કરે. જાવ અમે તેા કંઈ - બંધાતાં નથી.

કુસુમ૦– હું તો આ ખાવા બેસું.

પત્રાળું તૈયાર થયું હતું. તેમાં ખીચડી નાંખી કુસુમ ખાવા લાગી. સુન્દર કેડે હાથ દઈ ઉભીજ રહી, વળી સ્મરણ સ્ફુરતાં બોલી.

“કુસુમ, બીજી વાતમાં બન્ધાવાનું પડતું રહ્યું, પણ વાત ક્‌હેવા તું બંધાઈ છે તે તો ક્‌હે કે ત્હેં શાં શાં ધતીંગ ધાર્યાં છે ?” કુસુમ હસી પડી. “ કાકી, આ અન્નમાં એવો નીશો છે કે સાંભરેલું ભુલી જવાય છે.”

સુન્દર - “ઠીક છે ત્યારે હું ભુખથી ભુલી જઈશ.” સુન્દરે જવા માંડ્યું, કુસુમે તેને ઉભી રાખી.

કુસુમ૦- ઉભાં તો ર્‌હો. જરા મશ્કેરી કરીયે તેમાં સું રીસાવછો જે! મ્હારા વિચાર ધારેલા છે તે તું, જમની, કાકીને ક્‌હે, પછી બાકી ર્‌હેશે તો હું કહીશ.

સુન્દર – ક્‌હે બાપુ, જમની, તું ક્‌હે, એ નહીં ક્‌હેવાની.

જમની – કાકીબા, બ્હેનને તો બાવીની પેઠે ર્‌હેતાં શીખવું છે, માળણ પેઠે ર્‌હેતાં શીખવું છે, અને જાણવું છે કે અમે બધાં રહીયે છીએ તેમ એમનાથી ર્‌હેવાય કે નહી ?

સુન્દર – પછી ?

જમની - હું તો એટલું જ જાણું.

સુન્દર – તેમાં તે શું વધારે કહ્યું ? કેમ કુસમ ? શું ધાર્યું છે?

કુસુમ – મ્હોં ધોઈ ઉઠી, અને મ્હોં લ્હોતી લ્હોતી આગળ આવી બોલી.

“કાકી, લ્યો હું જ કહીશ. મ્હારે જમી લેવું હતું તેમાં વાર થાય માટે આટલી યુકિત કરી ઉતાવળથી જમી લીધું. હવે સાંભળો. આ કાળમાં કુમારી સ્ત્રીયોને દ્રવ્ય વિના ખાવા પીવાનો વાંધો પડે અને મ્હોટાં ઘરનાં બાળકથી રાંક લોકની ર્‌હેણી પ્રમાણે ર્‌હેવાય નહી એવું તમે જ કહ્યું હતું. મ્હેં મ્હારી હવે ખાતરી કરી લીધી કે આ લુગડાં મ્હારાથી પ્હેરાશે, આ ધાન્ય મને પચશે ને ભાવશે, ને આવે ઠેકાણે ર્‌હેવામાં મને કંઈ હરકત નહી પડે. આ માળણને માસના બે રૂપીઆના ખરચથી નિર્વાહ થાય છે - લુગડાં, ખાવાનું, અને માટલાં લાકડાં સુધાંત ! બાર માસે એ ચોવીશ રૂપીઆ થયા. તે ચાર ટકા પ્રમાણે છસો રુપીઆનું વ્યાજ થાય. પિતાજી મને કન્યાદાનમાં એટલી રકમ તો ઓછામાં ઓછી આપવાનું ધારશે ત્યારે આ તો એ રકમ પણ નહીં જોઈએ. એટલા રૂપીઆ પિતાજી એમને પોતાને નામે રાખવા હોય ત્યાં રાખે અને મને આટલું વ્યાજ અપાવે એટલે આપણે થયું. તેટલામાં તો “તાકડધીના" થાય ને કુમારી કુસુમ મિસ ફ્લોરાનાથી પણ વધારે સુખી થાય.”

સુન્દર- તને આ બધું કોણે શીખવ્યું ? –હશે. હવે એ આવડ ત્હારામાં આવી. ચાલ પછી શું કરવું છે? કુસુમ૦ – પિતાજીને નાતજાતની હરકત પડે નહી ત્યાં સુધી મને ઘરમાં રાખશે ત્યાંસુધી રહીશ. તેવી હરકત પડવા માંડશે ત્યારે –

સુન્દર૦ - ત્યારે શું ?

કુસુમ - ત્યારે કે – ગાઉં ?–

“કુસુમ બ્હેન ચા...લ્યાં.….રે.….ગોદાવરી !”

“ગોદાવરી જતાં તો પઈસા બેસે, પણ સુરગ્રામ, સુન્દરગિરિની બાવીઓ, અને એવાં એવાં સ્થાન ક્યાં ઓછાં છે કે જ્યાં સ્ત્રીની જાતને પણ ભય નથી અને મનજી બંડકરે તેને કેદ કરવાને તો સાધુજનોના કીલ્લા તૈયાર જ છે. કાકી, હવે સુન્દર મીરાંબાઈ થવાને તૈયાર છે.”

સુન્દર – તે ગાંસડાં પોટલાં ક્યારે કરવાનાં છે?

કુસુમ – આવી જાત્રા કરવાને ગાંસડાં પોટલાં શાં ? શરીરનો રથ અને મનની સ્વારી, કુસુમ ક્‌હાડે સંઘ, ત્યાં તો આનંદની વારી.

સુન્દર – પણ પિતાજી ઘરમાં રાખે ત્યાં સુધી તો ર્‌હેવું છેની ?

કુસુમ – એમાં કાંઈ વાંધો નથી. માત્ર વચ્ચે એક દિવસ આ બધાં સ્થાન જોવા જવું છે અને ક્યાં ઠીક પડશે તેનો નિર્ણય કરી રાખવો છે.

સુન્દર – તે ક્યારે ?

કુસુમ – કાંઈ નિમિત્તે પ્રસંગ આવશે.

સુન્દર - કુસુમ, હવે ઘરમાં આવવું છે કે નહી?

કુસુમ – હાસ્તો, હવે ઘર અને આશ્રમ બે કુસુમને મન સરખાં છે, ને પિતાજી અને ગુણીયલ એ બે શિવપાર્વતી જેવાં છે; તેના મન્દિર જેવું આ ઘર આશ્રય આપશે ત્યાં સુધી ત્યાં જ આનન્દ છે. કાકી, કુસુમનું આયુષ્ય હવે તપોમય સમજવું. મીરાંબાઇનો કાળો કામળો કુસુમને ગમ્યો છે – એને સંસારના બીજા રંગ લાગે નહી ને ત્હાડમાં હોડાય.

સુન્દર – કુસુમ, કન્યાઓને વિદ્યા આપતા પ્હેલાંજ સંસારમાં પરોવવી એ શાસ્ત્ર ત્હારા દૃષ્ટાંતથી વધારે સમજાશે, અને – બીજાં માબાપ પોતાની કન્યાઓને વિદ્યા આપતાં ત્હારાં દૃષ્ટાંતથી ડરશે અને તે બાપડીઓને વિદ્યા નહી મળે - એ સર્વ સંસારનું પાપ - કુસુમ - ત્હારે માથે ! માતાપિતાને અને સંસારને દુઃખી કરી તેનું દુઃખ દેખી પસ્તાજે ને કાકીને સંભારજે!

ક્રોધ અને અશ્રુથી ભરેલી સુન્દર ચાલી ગઈ. કુસુમ ઓઠે આંગળી મુકી પાછળ ઉભી રહી - તેનું મુખકમળ કાકીની છેલી શબ્દવૃષ્ટિના પ્રહારથી નમી ગયું. નવા ઉંડા વિચારમાં પડી જઈ તે ધીમી ધીમી ચાલવા લાગી. તેના મનના પ્રબળ તાપને દેખી બ્હારનો તાપ હારી જતો હોય અથવા એવા તાપવાળી સુન્દર બાળાને વધારે તાપ ન આપવો એવી સૂર્યને કે મેઘને દયા આવતી હોય - તેમ એક વાદળું સૂર્યની નીચે આવી ગયું, અને કુસુમના મ્લાન શરીર ઉપર છત્રની છાયા થઈ.

“શકુન તો બહુજ સારા થાય છે” – મ્લાનિ ત્યજી કુસુમ કાકીની પાછળ ગઈ અને શકુનદર્શક આશીર્વાદ હૃદયમાં ઉભેલા સત્વના મુખમાંથી નીકળતા સાંભળતી સાંભળતી લ્હેમાં ને લ્હેમાં સ્વગૃહમાં ચાલી. તેના હૃદયને આજ એ સત્વ પ્રથમ દેખાયું અને જે ખંડમાં સરસ્વતીચંદ્રના મુખમાંથી ભાષણ સાંભળ્યું હતું ત્યાં, તેના જેવો સ્વર ધારી, એ સત્ય ક્‌હેવા લાગ્યું.

“સૌંદર્યોદ્યાનના સુન્દર કુસુમ ! ત્હારું ભાગ્ય રાત્રિવિકાસિ કુમુદ જેવું નથી. આ દેશકાળને અપરિચિત સ્વતંત્રતાની જે વાસના ત્હારામાં જન્મી છે તે વાસનાનો પિતા હું છું, એ વાસનાના બીજનું આજ સુધી ગુપ્ત એકાંતમાં ત્હારા ઉરમાં જગતથી અદૃષ્ટ રક્ષણ અને પોષણ ત્હેં કર્યું છે. ત્હારા જેવી જેની માતા અને મ્હારા જેવો જેનો પિતા એ વાસનાને શાનું ભય છે ?”

પોતાની વાસનાને માથે આવાં “માતાપિતાની” કલ્પનાથી કુસુમ કમ્પી – એ કલ્પનાજ એ વાસનાને ભયંકર લાગી. તે ભયથી એ કમ્પવા માંડે છે ત્યાં ગૃહમાં એક બારીએ વિદ્યાચતુર એકલો ઉભો ઉભો કાંઈ રાજધસંબંધી વિચાર કરતો દીઠો. કુસુમને દૂરથી જોતાં તેના વિચાર અટકયા. કુસુમના કૌમારવ્રતની વાસના એને વિદિત હતી અને એના મનોરાજ્યને પ્રિય હતી; એ વાસનાનો ઉદય કુસમમાં થયો તે એને અભિનન્દનીય લાગતો હતો; માત્ર આ દેશકાળમાં એ વાત વ્યવહારવિરુદ્ધ છે અને એ વાસનાનો ઉદય કન્યાને દુ:ખકર અને અનિષ્ટકર છે એટલો – આ વિષયની તુલના કરતાં – સામો પક્ષ સમજાયો અને સત્ય લાગ્યો હતો. આ ગુંચવારામાંથી છુટવાનો માર્ગ તેને હજી જડ્યો ન હતો. પણ એક પાસથી આ વિષયમાં ગુણસુંદરીની ચિન્તાનો તે અંશભાગી થયો હતો, ત્યારે બીજી પાસથી આ વાસનાની તૃપ્તિ શોધવાને માર્ગે નીકળી પડેલી પુત્રીના તપની વાર્તા સુન્દરને મુખે સાંભળી એ ઉત્કર્ષથી પિતાનું હૃદય ફુલ્યું હતું. એટલામાં જ એ ઉત્કર્ષદાત્રી મેધાવિની દુહિતાને દાદર ઉપર જોઈ પિતાના હૃદયે હૃદયમાં કાલિદાસની વાણીવડે, પણ ઉચ્ચાર બોલ્યાવિના, આશીર્વાદ ! દીધો કે–

“रम्यान्तरः कमलिनीहरितैः सरोजै-
श्छायाद्रुमैर्नियमिताकर्मयूखतापः।
भूयात्कुशेशयरजो मृदुरेणुरस्याः
शान्तानुकूलपवनश्च शिवश्च पन्थाः॥

“કુસુમ ! સંસારમાં ત્હારો માર્ગ આવો કરી આપવા ત્હારો પિતા પ્રયત્ન કરશે. કુમુદ ગઈ તેમ તેને જવા દેવી નથી. આવી દુઃખકારક એક ભુલ થઈ તેવી બીજી કરવી નથી. જે અવિશ્વાસ અને ભયથી આ મન્દિરમાં રહી રહી તું ઓછું આણે છે અને આવું તપ કરે છે તેમાંથી મુક્ત કરી ત્હારા સુન્દર સ્વતન્ત્ર પવિત્ર અભિલાષને સફલ કરે એટલી શક્તિ – એટલી વૃત્તિ – શું મ્હારી અપત્યવત્સલતામાં નથી ? કુસુમ જેવી એક ન્હાની બાલકી – હવે એકલી એજ – તેનો અપરાધીન ર્‌હેવાનો, ઉપાધિ મુક્ત ર્‌હેવાનો, અભિલાષ, વેળાસર સમજાયો છતાં રત્નનગરીના પ્રધાન જેવો પિતા તેટલો અભિલાષ સિદ્ધ કરવા અશક્ત નીવડે એ દેશકાળનું તારતમ્ય.”

“રંક કુમુદની સ્વતંત્રતા ઉગતા પ્હેલાંથી મ્હેં નષ્ટ કરી. આ પ્રધાનપદની જંજાળમાંથી જન્મેલા પ્રમાદને બળે મ્હેં એ નષ્ટ કરી, મ્હારા ભાગ્યોદયને કાળે જન્મેલી કુસુમની સ્વતંત્રતાને એનું પ્રારબ્ધ મ્હારી પાસે વિકાસ અપાવે છે. એ વિકાસ આપવો એ મ્હારો ધર્મ મ્હારી દૃષ્ટિમાં જણાય છે."

“કુમુદનાં દુર્ભાગ્ય જોઈ આ દૃષ્ટિ ઉઘડી - તેનો લાભ કુસુમને મળશે – એ તેનું ભાગ્ય. અનાર્ય થઈ ગયલા લોકાચાર ઉપર વિશ્વાસ રાખી હું સ્વકાર્યનો અનભિજ્ઞ રહ્યો, મ્હેં મહાપ્રમાદ કર્યો, અને પરિણામમાં કુમુદ જેવી સુશીલ રંક પુત્રીરૂપ ગૃહરત્ન ખોયું ! કુસુમને એમ ખોવી નહી એ હવે પ્રતિજ્ઞા.પુત્રહીન ગુણીયલે પુત્રીઓને પુત્રસમાન ગણી છે, અને એકના નાશથી તે આવી વિકલ થઈ છે તો બીજીના દુ:ખથી તેને શું નહી થાય ? એના મનની ચિન્તા, અને કુસુમની ચિન્તા - સર્વ હવે મ્હારે શિર પડી ! પરણે તે પાળે ને જન્મ આપે તે આત્મજનું જીવનું સુધારે. કુસુમનું જીવન સુધારવું - એના જેવીના મનોરાજ્યને ધ્વસ્ત કર્યાથી નહી પણ સફલ કર્યાથી જ એ જીવન સુધરશે.”

“આ મ્હારા વિચારમાં કેટલું સત્ય છે તે મને સુઝતું નથી.પુત્રી ઉપર માતાપિતાનું વાત્સલ્ય તેમને રંક કરી દે છે, વિકલ કરી દે છે, પરાધીન કરી દે છે ! કણ્વ મુનિને પણ ક્‌હેવું પડ્યું હતું કે वैफल्यं मम तावंदीदृशमपि स्नेहादरण्यौकसः ॥ સર્વથા પુત્રીનો પિતા વિકલ જ છે - પુત્રના દુઃખથી પણ એમ જ થતું હશે, બુદ્ધિધન અને લક્ષ્મીનંદનને અત્યારે કેવી તીવ્ર વેદનાઓ થતી હશે ?

“I fear I am, what they call, Doting. A strange weakness is creeping over my soul, and I don't know what absurd follies I shall commit next, while under the magic influence of this awful weakness. Let it be ! The weakness, if weakness, is noble and blessed, and I am not going to be frightened out of it by its being called a weakness. For the sake of this dear innocent child, I shall, like the poet, say to my manlier soul-“ Resist not the weakness.”

“અનાથ બાળક માતાપિતાની પ્રીતિથી જ સનાથ છે. શંકરાચાર્ય જેવા ત્યાગીએ પણ એ પ્રીતિને પૂજ્ય ગણી છે. માતાપિતા જ્યારે પુત્રપુત્રીનાં રક્ષક પોષક નહીં થાય ત્યારે બીજું કોણ થશે ? The State certainly cannot take care of all its children when parents call parentage an accident and shift all duty from their own heads. It is, therefore, for the parents to look to the preservation and advancement of the cradled world. Parents alone can do this work most efficiently as being placed nearest their little ones and able to study their wants and give them that warmth which can develop the seeds of adolescence. This is a function which parental affection alone can best perform and, therefore, by the logic of final causes, the function is also a duty. And I must perform it best for my little Kusum. When affection cooperates with duty, custom and convention must be ruled out of order !” “કુસુમ ! લગ્નની ઉપાધિમાંથી મુક્ત ર્‌હેવાનો ત્હારો અભિલાષ દૃઢજ ર્‌હેશે તો આવા કષ્ટ તપની અપેક્ષા વિના જ ત્હારો પિતા ત્હારા અભિલાષ સિદ્ધ કરશે ને જે સૈાંદર્યઉદ્યાનમાં તું આજ રહે છે તેવીજ રમણીય જગામાં એ અભિલાષની વાડી ખીલવશે. એ ધર્મને માટે નાતજાત ને પ્રધાનપદ જેવા સર્વ સ્વાર્થનો ત્યાગ કરવા એ તત્પર છે.”