લખાણ પર જાઓ

સરસ્વતીચંદ્ર ભાગ ૪/શશી અને શશીકાન્ત.

વિકિસ્રોતમાંથી
← કુસુમનું કઠણ તપ. સરસ્વતીચંદ્ર ભાગ ૪
શશી અને શશીકાન્ત.
ગોવર્ધનરામ ત્રિપાઠી
ચન્દ્રકાન્ત અને કારાગૃહમાં સરસ્વતીચંદ્રનો શોધ. →


પ્રકરણ ૧૬.
શશી અને શશિકાન્ત.

સાધુજનના મુખમાંથી સરસ્વતીચંદ્ર સંબંધના પદ્યાક્ષર કાને પડતાં ચંદ્રકાંત સૌંદર્યદ્યાનમાંથી બ્હાર નીકળ્યો અને લોકસમુદાયમાં કાને પડેલા સ્વરનો ઉચ્ચારનાર શોધ્યો. દમયન્તીને શોધવા નીકળી પડેલા સુદેવનું પ્રેમાનંદકવિએ વર્ણન કર્યું છે કે

"કહ્યું કોનું ન સાંભળે, છે ક્લેવરમાં કષ્ટ
“સુદેવ ને દમયન્તીની ત્યાં મળી દૃષ્ટે દૃષ્ટિ”

એ વર્ણનમાં સુદેવના હૃદયની જે વૃત્તિ સમજાય છે તેવી જ વૃત્તિથી, “શશી” અને “શશિકાંત ” એટલે ચંદ્ર અને ચંદ્રકાંતને સંયોગ કરનારી કડી સમજતાં, ચંદ્રકાંતને વાર ન લાગી. આટલામાં જ સરસ્વતીચંદ્ર હશે જાણી આ ઉદ્યાનબ્હારના લોકવચ્ચે કાન અને આંખને ચોપાસ અતિપ્રવૃત્ત કરતો કરતો એ આગળ ચાલ્યો. હાથની ક્‌હોણીઓથી સર્વેને ધક્કા મારી તે ઘેલાની પેઠે ધસતો હતો, સર્વ જાતની પાઘડીઓ અને સર્વ જાતનાં વસ્ત્રોમાં સરસ્વતીચંદ્રનાં વસ્ત્રનો કે આકારનો આભાસ ન જડ્યો. ઘણું શોધી શોધી થાકી પાછા ફરે છે ત્યાં ઉધાનના કીલ્લાની એક પાસ ઉગેલા ઘાસ ઉપર ચાર પાંચ બાવાઓ બેસી ચલમ ફુંકતા હતા અને એક બાવો તેમના સામે પગ ઉપર પગ ચ્હડાવી તેમની સાથે વાતો કરતો હતો અને વચ્ચે વચ્ચે “શશિ” અને “શશિકાંત,” વાળી કડી બોલતો હતો. ત્યાં આગળ આવી ચંદ્રકાંત ઉભો અને આ સાધુના મુખમાં આ શબ્દ સાંભળી ચમકયો.

“નક્કી આ મ્હારો મિત્ર ન્હોય ! – પણ આ પંક્તિયો - તે એની જ !” પાસે ગયો અને બાવાઓની વાતો સાંભળવા લાગ્યો. “ક્યા ભૈયા ! અલખ જગવવાનું છોડી આ નવો સંપ્રદાય ક્યાંથી ક્‌હાડો છો?"

“મ્હારા ઉદ્ધારમાં જે આત્મા અલખ રહ્યો છે તે તેના અધિકારીના કર્ણપુટમાં જતાં ત્યાં અલખ જગાવશે.”

જોડે બેઠેલા બાવાને ચલમ આપતો આપતો બીજો બાવો બેલ્યો.

“જગાવો અલખ આ ચલમમાં ! માર ફુંક ! એ આપણો સંપ્રદાય.”

“આ ચલમમાં અલખ અગ્નિ પ્રથમ ભડકારૂપે લખ થાય છે અને પછી અમારા અંતઃકરણમાં લખ થાય છે - તમે યદુશૃંગવાસી તે ન સમજો” એક જણ બેાલ્યો.

એને ઉત્તર ન મળ્યો. ગાનાર ફરી ગાવા લાગ્યો.

“સબ સંસારકી ચીલમ ધગાવો, અલખ ફુંક વાં ફુંકો ફુંકો,
“ચીલમ મીટ્ટીકી, અગ્નિ લખકા, અલખ ફુંક વાં ફુંકો ફુંકો !”
"ભૈયા, છોડી દે આ ચલમને ને ફુંક આ અલખ ફુંક !"

મ્હોંમાંથી ચલમ પળવાર દૂર રાખી એક જણ હસી પડ્યો: “ દેખો ઓ બોધ દેનેવાલા સાધુ ! ભૈયા, ચલમકા આસ્વાદન કબી કીયા હય ?”

એના ઉત્તરમાં ગાનાર માત્ર ગાવા લાગ્યો.

"મુખકી ચીલમકું મૂર્ખ લેત હય, મે નહી લેનેવાલા !
“યદુનંદનકી ચીલમ હૃદયમેં મેં તો ફુંકનેવાલા !”

“અચ્છા ભૈયા, તુમ તુમારી ચીલમ ફુંકો ! અમ અમેરી ચીલમ ફુંક લેઉંગા."

“નહી કાન્તા નહી નારી, હું, ત્હોય પુરુષ મુજ કાન્ત !
"જડ જેવો દ્રવતો શશી, સ્મરી રસમય શશિકાન્ત"

ચંદ્રકાંત ધૈર્ય ખોઈ આગળ આવ્યો ને બાવાને નમસ્કાર કરી પુછવા લાગ્યો.

“બાવાજી, આપ ક્યાંથી આવો છો ને આ ઉદ્દગારનો અર્થ શો છે ?”

"એ ઉદ્ધાર સમજવાને અધિકારી હશે તે સમજશે. એનું રહસ્ય બીજાપાસે પ્રકટ કરવાનો મને નિષેધ છે.”

“વારું, આટલુંજ ગાવાનું છે કે બાકી કાંઈ ગાવાનું છે ?”

"બચ્ચા, તેરા નામ ક્યા ? ”

“મ્હારું નામ ચંદ્રકાંત. ” “હાં ? ચંદ્રકાંત ? નામ તો અચ્છા છે. જો નામ પ્રમાણે અર્થ હેાય તે મ્હારું ગાવાનું જાતે જ સમજી લ્યો, તમારો ઉતારો ક્યાં છે?”

“પ્રધાનજીને ત્યાં ”

“મ્હારા જેવો કોઈ સાધુજન થોડા દિવસ ઉપર આપને મળ્યો હતો?"

“હા, મહારાજના બાગ પાસેના તળાવ પાસે.”

બાવો વિચાર કરી બોલ્યો. “ચંદ્રકાંતજી, મ્હેં જે ગાયું તેમાં કાંઈ તમને સ્વાર્થ છે ?”

“સમજાયલું સત્ય હોય તો તો તમારા ગાયામાં મ્હારા સર્વ સ્વાર્થ છે. સર્વ સાર છે.” ચંદ્રકાંત નિઃશ્વાસ મુકી બોલ્યો.

આ પ્રધાનના અતિથિ છે જાણી, અને આ વાતમાં સાર ન લાગતાં, ચલમ ફુંકનાર ઉઠી ચાલી ગયા અને આ બે જણ એકલા પડ્યા. ચારે પાસ દૃષ્ટિ કરી સાવધ થતો બાવો બોલ્યોઃ “ચંદ્રકાંતજી, તમારો સ્વાર્થ અને સાર કોનામાં છે ?"

“શશિકાંતના શશીમાં મ્હારો સર્વ સ્વાર્થ છે."

“જો એમ હોય તે હું વિશેષ બેાલું તે ઉપરથી અભિજ્ઞાન પામો–”

ચંદ્રકાંત અત્યાતુર સ્તબ્ધ થઈ સાંભળતો ઉભો. બાવે જાડા પણ સુન્દર સ્વરથી ગાવા માંડ્યું.

“સાંભળો, ચંદ્રકાંતજી, અને પછી મનન કરો-”

“સુંદરગિરિનાં શૃંગ ચુમ્બતાં જળધરગણને– ” વગેરે પંક્તિયો બાવાએ ગાવા માંડી; “ જગ ત્યજી જનારા તણો પંથ- સંતોને સસ્તો ! ” એ પંક્તિ આવી.

આ પંક્તિ સાંભળતાં ચંદ્રકાંત કંપવા લાગ્યો ને મનમાં બોલ્યો – "શું ત્હેં જગ છોડી જ દીધું ? ” તેનો વિચાર વધે તે પ્હેલાં ગાયન વાધ્યું, “ઇન્દ્રપુરી ” અને “ચન્દ્રવિકાસિ કમળના” ત્યાગ સાંભળી તેનું અભિજ્ઞાન સ્પષ્ટ થયું. “ લીધ ભગવો ભેખ વિરક્ત” – એ શબ્દ નીકળતાં તો તેનાં નેત્રમાં અશ્રુ રહ્યાં નહી એને નેત્રમાંથી નીકળી ગાલ ઉપર આવ્યાં.

“શું બાવાજી, મ્હારા ચંદ્રે તમારા જેવો ભેખ લીધો છે? મને હવે સ્પષ્ટ વાત કહી દ્યો. હું સંસારી છું ને મ્હારું હૃદય હવે કહ્યું નથી કરતું. શું મ્હારો ચંદ્ર સાધુ થયો? ” લ્હોવા માંડેલાં આંસું વધારે વધારે નીકળવા લાગ્યાં.

ચંદ્રકાંતનાં અશ્રુ જોઈ બાવાના મનમાં પણ પોતાના શ્રોતાનું અભિજ્ઞાન સિદ્ધ થયું, અને આર્દ્ર હૃદયથી તે ચંદ્રકાંત સામો ઉભો રહી એનાં અશ્રુ લ્હોવા લાગ્યો અને બોલ્યો.

“બચ્ચા, ત્હારે રજ પણ ગભરાવું નહી. ત્હારા મિત્રરત્નને તું સત્વર પ્રાપ્ત કરીશ એ અમારું પણ રત્ન છે, એ જીવ ત્હારે માટે તૃષિત છે ને મ્હારા મુખમાં જે ઉદ્ગાર છે તેનો પ્રભવ એનાજ એ જ મુખમાંથી, એનાજ હૃદયમાંથી, અને એની જ તૃષામાંથી છે. એ ઉદ્ગારસુધાનું પાન એકવાર કરી લે ને બોધી લે કે ત્હારા મિત્રની ત્હારે માટેની તૃષા ત્હારાથી સમજાય.”

અશ્રુ લ્હોતો લ્હોતો મિત્રવિયુક્ત મિત્ર “બોલો બોલો, બાવાજી, બોલો - પરમુખે પણ મિત્રના શબ્દ મિષ્ટ છે – પણ –”

“પણ” વાળું વાક્ય નીકળવા ન દેતાં બાવાએ આગળ ગાયું અને ગાન પુરું થયું – “નહી મળે મિત્ર અધર્વ્યુ – યજ્ઞમાં વિઘ્ન જ આવે !”

"આવ્યું – ભાઈ, યજ્ઞમાં વિઘ્નજ આવ્યું – ત્હેં આ ભેખ લીધો ત્યારથી જ – બાવાજી, હવે મને કાંઈ જાતે ક્‌હો – સુન્દરગિરિ ઉપર મ્હારો મિત્ર ક્યાં છે? તેનું શરીર કેવું છે? તેના અન્નપાનની વ્યવસ્થા કેવી છે ? તેના મનની અવસ્થા કેવી છે ? તે મને ક્યારે મળશે ? ક્યાં મળશે? મ્હારે અત્યારેજ નીકળવું છે. આમાંથી જેટલા ઉત્તર દેવાય તેટલા સત્વર આપો. એ જીવમાં અનેક જીવોનું જીવન છે અને મ્હારું તો સર્વસ્વ તેમાં જ છે.”

“બચ્ચા, આ કામ ગુપ્તપણે કરવાની મને આજ્ઞા છે. આ સ્થાન ને સમય તેને પ્રકટ કરવાને અનુકૂળ નથી. ત્હારું રત્ન સુવર્ણની પેટીમાં સાચવી રાખેલું છે અને સર્વ રીતે આનન્દરૂપ છે એટલું જાણી શાન્ત અને શીતળ થા. તું જેમ મ્હોટાના ગૃહનો અતિથિ છે તેમ ત્હારો મિત્ર મહાત્માનો પ્રિયતમ અતિથિ છે. જો તને શોધતું કોઈ આવે છે – હું તેમની જિજ્ઞાસાને જાગૃત નહી કરું, ચંદ્રકાંતજી, હું આ સ્થાને સંધ્યાકાળથી પ્રાત:કાળ સુધી તમારી વાટ જોઈશ અને એકાંતમાં તમારી ઈચ્છા તૃપ્ત કરવાનો સંકેત દેખાડીશ.” શંકરશર્મા અને પ્રવીણદાસ ત્યાં આવી પ્હોંચ્યા. બાવો ચાલ્યો ગયો. ચંદ્રકાંત ગુંચવાતો ઉભો રહ્યો અને આવેલા ગૃહસ્થો સામે ફર્યો, બાવાની ગોષ્ટીમાં ભંગ પાડનાર આ મિત્રોનો યોગ અત્યારે તેને રજ પણ ગમ્યો નહી. તેના મ્હોં ઉપરને કડવાટ ઢાંક્યો ન રહ્યો. પણુ બાવો તો ચાલ્યો ગયો અને હવે તો પ્રારબ્ધ જે ઢીલ કરે તેને વશ થવામાં બળાત્કારે તૃપ્તિ આણવી પડી. મિત્રના સમાચારના અભિજ્ઞાને ઉત્પન્ન કરેલા સંરંભમાં તે ઉદ્યાન છોડી મસ્તક ઉપર પાઘડી વિના આટલે સુધી આવેલો હતો. તેનું અચિંત્યું ભાન આવ્યું અને ભાન સાથે લજજાયુક્ત થયો. આ નવા મિત્રોને પણ આ દેખાવથી જિજ્ઞાસા અને ચિન્તા થઈ હતી અને તે બે જણે સાથે લાગો પ્રશ્ન પુછ્યો કે તમે અંહી આમ કયાંથી ?