સરસ્વતીચંદ્ર ભાગ ૪/ખોવાયેલાં રત્નો ઉપરની ધુળ.

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← ન્યાયધર્મની ઉગ્રતા ને સંસારના સંપ્રત્યયની કોમળતા. સરસ્વતીચંદ્ર ભાગ ૪
ખોવાયેલાં રત્નો ઉપરની ધુળ.
ગોવર્ધનરામ ત્રિપાઠી
મિત્રના મર્મપ્રહાર. →


પ્રકરણ ૪૧.
ખોવાયલાં રત્નો ઉપરની ધુળ
કાળવર્ષ વીત્યું ને મેહ ગાજ્યો,
મ્હારા હઈડાંનો ધાશકો ભાગ્યો !

રદારસિંહ ! હવે તો તમારો શોધ પુરો થઈ રહ્યો હશે.” વિદ્યાચતુર, ગુણસુંદરી પાસેથી ઉઠી, પોતાના પ્રધાન ખંડમાં જઈ ત્યાં પોતાની વાટ જોઈ બેસી ર્‌હેલા રત્નનગરીના દેશપાલને પુછવા લાગ્યો.

ઉભો થઈ પ્રણામ કરતો કરતો સરદાર બોલ્યો: “લગભગ પુરો થયો છે.”

વિદ્યા૦- હવે કંઈ ત્વરાથી તમારે જાતે જવા જેવું બાકી છે ? સર૦– “ના જી. રાત્રે માત્ર કુમુદબ્હેન વિદ્યમાન છે ને સરસ્વતીચંદ્રની છાયામાં છે એટલા જ સમાચાર હતા. આજની ટપાલમાં અને આજ આવેલાં આપણાં માણસોથી ઘણી વીગત એકઠી થઈ હાથ લાગી છે. બુદ્ધિધનભાઈના ઘરમાં જે નવીનચંદ્ર હતા તે જ આજ સુન્દરગિરિ ઉપર છે. છસાતદિવસ ઉપર વિહારપુરી જોડે એ સુરગ્રામ ગયા હતા અને ત્યાંના મ્હેતાજીને પોતાનું નામ નવીનચંદ્ર કહ્યું અને બુદ્ધિધનભાઈના ઘરમાં પોતે હતા તે પોતે જ મ્હેતાજીને કહ્યું. વર્તમાનપત્રોમાં શોધાતા સરસ્વતીચંદ્ર તે પોતે જ કે નહી એવા મ્હેતાજીનો પ્રશ્ન તેમણે ઉડાવ્યો. તેઓ ઈંગ્રેજી અને સંસ્કૃતમાં વિદ્વાન છે ને વિષ્ણુદાસજીએ પોતાની પાછળ તેમને યદુશૃંગના મહન્ત કરવા ધાર્યા છે ને તેને માટે સિદ્ધ કરવા ચિરંજીવશૃંગ ઉપર સાધુઓ જોડે મોકલ્યા છે.

“બુદ્ધિધનભાઈના ઘરમાં તેઓ કેવી રીતે રહ્યા તેની હકીકત સુવર્ણપુર ગયલા આપણા દૂતે મોકલી છે તે આ પત્રમાંથી જડશે. કુમુદબ્હેન અને તેમની બાબતમાં સુવર્ણપુરમાં લોકાપવાદ પ્રમાદધનભાઈએ અને કૃષ્ણકલિકાએ જ ચલાવ્યો હતો તે ત્યાં કોઈ માનતું નથી, અને બુદ્ધિધનભાઈ પોતાના દ્રવ્યની વ્યવસ્થા એવી રીતે કરવાના છે કે તેમાંથી એક અંશ એમના બાળક પુત્રને માટે ર્‌હે, એક અંશની ઉપજ સુવર્ણપુરમાં સંન્યાસીઓના અન્નસત્રમાં જાય અને તેમાંથી પોતાની ભિક્ષા તથા પારિવ્રિજયાના ખરચનો નિર્વાહ થાય, બાકીને એક અંશ અલકકિશેારીને મળે, અને બાકીનો એક અંશ પ્રમાદધનભાઈ જીવતા નીકળે તો તેમને મળે ને ન નીકળે તો તેમને અંશ અને બાકીનો એક બીજો અંશ કુમુદબ્હેન જીવતાં નીકળે તો તે તેમને મળે. કુમુદબ્હેન જીવતાં ન નીકળે તો એમના અને પ્રમાદભાઈના અંશની વ્યવસ્થા કંઈ ધર્મમાર્ગે કરવાની આપને સોંપવાની છે. તેમને સંન્યાસ લેવામાં માત્ર મહારાણા ભૂપસિંહે તેમને દીધેલા સોગન નડે છે.

“કુમુદબ્હેનના રથમાંથી એક પોટકું ગુણસુંદરીબાની પાસે આવેલું છે તે મ્હારે જાતે જોવું બાકી છે, તેમાં તેમની પોતાની લખેલી કવિતાઓ ક્‌હેવાય છે પણ કોઈનું નામ તેમાં નથી. સુભદ્રાના મુખ આગળ માતાના બેટ આગળથી તેમનું, કે બીજી કોઈ એમના જ વયની અબળાનું, શરીર ચંદ્રાવલીને હાથ આવ્યું જણાય છે ને એ સાધ્વીએ તેનું નામ મધુરી પાડ્યું છે. મધુરી સુંદરગિરિ ઉપર ત્રણ ચાર દિવસથી પરિવ્રાજિકામઠમાં છે, તેમના શરીર ઉપર માતાની ચુંદડી છે પણ આપના જેવાની પુત્રીને યોગ્ય અલંકાર પણ તેમણે અંગે રાખેલા છે. હાલમાં ચિરંજીવશૃંગ ઉપર વસન્તગુફામાં તેમને લેઈ કેટલીક સાધ્વીઓ ર્‌હેવા ગઈ છે ને સાધુઓ સાથે તેની જોડની સૌમનસ્યગુફામાં નવીનચંદ્ર છે.

“મધુરીનો વિવાહ નવીનચંદ્ર સાથે થયલો હતો અને તેમના લગ્ન પ્હેલાં નવીનચંદ્ર ગૃહ છોડી નીકળી ગયલા હતા, અને તે પછી મધુરીનું લગ્ન બીજા પુરુષ સાથે થયું, પુરુષે મધુરીને બહુ દુઃખ દીધું ને મધુરીએ સુભદ્રામાં જળશયન કર્યું અને સંસાર ઉપર કંટાળી બીજી વાર બેટની માતાની પેલી પાસે સમુદ્રમાં પણ શરીરનો ભોગ આપવા પ્રયત્ન કરતાં સાધુસ્ત્રીએાએ તેમને બચાવ્યાં. હવે માતાપિતાને ઘેર જઈ તેમનાં અને સ્વામીની પાસે જઈ તેનાં દુ:ખનું સાધન ન થવું એવા વિચારથી અને નવીનચંદ્રનું દુઃખ જોઈ ન શકાયાથી આમ કર્યું ક્‌હેવાય છે. સાધુજનોએ આ દુ:ખમાંથી તેમને ઉદ્ધારવાને માટે પોતાને અશકત સમજી છેલી પળે તેમને બોધ અને આશ્વાસન આપવા માટે નવીનચંદ્રનો સમાગમ કરાવેલ છે. તેમની પાસેથી પોતાના સ્વામીના મૃત્યુના સમાચાર એમણે ગઈ કાલ જાણ્યા અને તે પછી સાધ્વીનો ભેખ ધર્યો છે. પરિવ્રાજિકામઠમાં કે ચંદ્રાવલી પાસે રહી સત્સમાગમમાં અને પરમાત્માના ચિન્તનમાં બાકીનું આયુષ્ય ગાળવું એવો તેમનો વિચાર સાધ્વીઓમાં સંભળાય છે.

“તેમના સ્વામીના મૃત્યુના સમાચાર નવીનચંદ્રે તેમને કહ્યા. સુરગ્રામનાં વર્તમાનપત્રોમાં પ્રમોદભાઈના સમાચાર નવીનચંદ્રે વાંચેલા જ હોવા જોઈએ. આ અને બીજી બધી વાતો ઉપરથી પણ સ્પષ્ટ છે કે નવીનચંદ્ર તે સરસ્વતીચંદ્ર અને મધુરી તે કુમુદબ્હેન જ. હવે આજ ચંદ્રકાંતભાઈ કોને મળે છે ને શા સમાચાર ક્‌હાવે છે તેટલી, સોળે આના નિશ્ચય થવાને, વાર છે.

“મ્હેતાજી અને શંકાપુરી નામના સાધુથી તેમ બીજાઓથી આ સમાચાર મળેલા છે. શંકાપુરી યદુશૃંગઉપર ગયેલો કોઈ નવો સાધુ છે તે તો આ બેની ગમે તેવી વાતો કરે છે, પણ તે જાતે જ શુદ્ધ નથી અને હાલ વિષ્ણુદાસજી યોગસ્થ છે તે તેમાંથી જાગશે એટલે આ સાધુનો મઠમાંથી બહિષ્કાર કરશે એવું સર્વ સાધુઓ બોલે છે. એણે મધુરી ઉપર કુદૃષ્ટિ કરી ક્‌હેવાય છે ને સાધ્વીઓએ મધુરીનું રક્ષણ કરેલું છે. આવા દુષ્ટ મનુષ્યની કરેલી વાતોમાં વિશ્વાસ રજ કરવા જેવો નથી અને આપણાં મનુષ્યોને એવી શંકા છે કે એ વેશધારી સાધુ હીરાલાલનો કોઈ બાતમીદાર છે. તે સઉ જોવાશે, પણ એટલું સત્ય છે કે સર્વ સાધુજનો અને સાધ્વીજનો નવીનચંદ્રને પૂજ્ય ગણે છે ને મધુરીને દુ:ખી પણ અતિ પવિત્ર માને છે. તેમના આવા વિષયમાં નિર્ણય ક્વચિત જ ભુલ ભરેલા હોય છે અને કુતરાએ શીકારને શોધી ક્‌હાડે તેવી જ ત્વરાથી વિષ્ણુદાસજીના સાધુજનો અપવિત્ર માણસને સુંઘી ક્‌હાડે છે.

“પ્રધાનજી, આપ જેવાનાં નેત્રમાં દીનતા આજ જ દેખું છું!”

વિદ્યા૦– "સરદાર! પુત્રી જીવતી છે એટલું જ નહી પણ આવા સાધુજનો પણ તેની પવિત્રતાને અભિનન્દે છે એ જાણી ઈશ્વરનો ઉપકાર મ્હારા હૃદયમાં ઉભરાય છે ને આ દીનતાને આણે છે. બીજી પાસથી આવી પુત્રીને મ્હારા ઘરમાં સુખની આશા નથી ને સાધુનો ભેખ અને ભિક્ષાનું અન્ન તે પ્રિય ગણે છે અને તેમ કરવાને તેને વારો આવે છે તે માત્ર આપણા લોકના સંસારની વ્યવસ્થાને લીધે જ છે એ પ્રત્યક્ષ કરું છું ત્યારે કુમુદના અને આપણા દેશના વિચાર મ્હારા હૃદયને દીન કરી મુકે છે. એ પુત્રીનું સુખ મ્હારા હાથમાં છે, છતાં હું તેને તે આપી શકતો નથી તે માત્ર આપણા સંસારની માનુષી વ્યવસ્થાને લીધે ! – એ અશક્તિ ઈશ્વરે નથી આપી. ઈશ્વરની કળાને લીધે મનુષ્યને માથે અનેક અનિવાર્ય દુઃખનાં વાદળ ફરે છે તેમાં આપણા લોકે હાથે કરીને આ વ્યવસ્થાને ધુમાડાની પેઠે ફેલાવી છે.

સર૦– વડીલની સુચના આ૫ સ્વીકારશો તો દંહી અને દુધ બેમાં પગ ર્‌હેશે.

વિદ્યા૦– એવા ચોરિકાવિવાહનું, મ્હારી - કુમુદ કે સરસ્વતીચંદ્ર બેમાંથી કોઈ અભિનન્દન નહી કરે, તેમનાં હૃદય એટલાથી તૃપ્ત થાય એમ હત તો સરસ્વતીચંદ્ર અને કુમુદને ભગવી કન્થાઓ અને ભિક્ષાનાં અન્ન પ્રિય લાગત નહીં, એવી ચોરી કરતાં તેમને આ સ્થિતિ વધારે પવિત્ર અને ઉત્કૃષ્ટ લાગી ન હત તો એમને હું પામર ગણત અને તેમને માટે શોક ન કરત ને વડીલનું વચન પાળવું જ ઉત્તમ ગણત.

સર૦– વડીલનું વચન હૃદયનું છે, કુમુદબ્હેન ઉપરની તેમની પ્રીતિનું છે, અને મર્મનું નથી એવું હું માનું છું.

વિદ્યા૦- હું પણ એમ જ માનું છું. એમની પ્રીતિ બાળકને સુખી જેવાને ઈચ્છે છે ને લોકના વ્યવહારશાસ્ત્રને જાળવી તેને જ તોડવાનો માર્ગ શોધે છે. મ્હારામાં એ જાળવવાની વૃત્તિ નથી, તોડવાની શક્તિ છે, અને સંતાનનાં સુખ લોકમાં અનિન્દિત ગણાય એવું જોવા ઇચ્છું છું. આ ઇચ્છા વ્યર્થ છે ને તે સફળ થાવ કે નિષ્ફળ થાવ તેની પરવા કર્યા વિના મ્હારે મ્હારી શક્તિ અને વૃત્તિ પ્રમાણે વર્તવું પડશે – મને મ્હારો ધર્મ એવો લાગે છે. આવી મ્હોટી વાતમાં મ્હારે મામાજીથી જુદો મત રાખી તેમને કુપથ્ય લાગતે માર્ગે પ્રવર્તવું પડશે, અને વડીલની ઇચ્છામાં બે વાત સાચવવી ઠીક લાગી છે તેને સ્થાને એક વાત સાચવી બીજીને પડતી મુકવી પડશે. એક પાસ આ કાર્યથી વડીલોનાં મનને આમ ક્લેશ થાય અને બીજી પાસ એ કાર્ય ન કર્યાથી પુત્રી પ્રતિ મ્હારો માનેલો ધર્મ ત્રુટે છે – એ વિચાર મને ગુંચવારામાં નાંખે છે ને દીન બનાવી મુકે છે.

સર૦– સુધારાના વમળમાં એવી અવસ્થાઓ વશે કે કવશે સર્વને અનુભવવી પડશે.

વિદ્યા૦– એ વમળનાં ખેંચાણ સહીને પણ ધારેલું કાર્ય ધર્મ ગણું છું માટે તે કર્યા વિના છુટકો નથી.

સર૦- પુત્રીને સાધુના ભેખમાં જોઈ આપને આમ થાય તે સ્વાભાવિક છે.

વિદ્યા૦– છતાં મહારાજના ધર્મભવનની આજ્ઞાઓ જેવી તીવ્ર છે તેવી જ અનિવાર્ય છે. હીરાલાલે ધારેલો પુરાવો તે રજુ કરશે કુમુદની પ્રતિષ્ઠાને ચીથરે હાલ થતી જોવાનું ભય મને કંઈક કમ્પાવે છે. ન્યાયાસનનો વેગ સામાન્ય મનુષ્યો અનુભવતાં તે આજ મ્હારે અનુભવવો પડશે.

સર૦– એ અનુભવથી આપને બ્હીવાનું કાંઈ કારણ નથી.

વિદ્યા૦– કારણ તો નીવડ્યે જણાય. બાકી જે ધૈર્ય અને સહનશીલતા ન્યાયાસન પાસેના પક્ષકારોમાં હું ઇચ્છતો હતો તે રાખતાં કેટલો પ્રયાસ અને ક્લેશ પડે છે તેનો આજ મને જાત-અનુભવ પ્રથમ થાય છે.

સર૦– આપ જેવાને ક્લેશના અનુભવ થાય તેમાંથી પણ આપ જગતને કલ્યાણકારક દષ્ટાંત બતાવી શકશો.

વિદ્યા૦- આ અનુભવથી દુષ્ટ લોકની પણ હું દયા રાખતાં શીખીશ. આવા આવા ગુંચવારામાંથી મુક્ત થવાની શક્તિ ન મળતાં અને માર્ગ ન સમજાતાં સામાન્ય બુદ્ધિનાં મનુષ્યો દુષ્ટ માર્ગમાં પ્રવૃત્ત થવાની લાલચને નિવારી નહી શકતાં હોય ને દુષ્ટ થતાં હશે.

સર૦– એમ જ.

વિદ્યા૦- મ્હારી જે ફજેતી થશે ને જે તમાશા લોકને જોવાનો રસ પડશે તેને માટે હું હવે સજ્જ છું, બોલો, સરદારસિંહ ! નિર્ભય થઈને તમારો ધર્મ કરજો ને રાજસેવામાં ને લોકસેવામાં પ્રવર્તતાં કોઈ જાતનું ભય કે ૫ક્ષપાત ન રાખશો. ભીમભવનની દૃષ્ટિમાં તમે વજ્ર જેવા લાગો એવું કરજો.

સર૦– આપનાં બાળકની પવિત્રતા એવી છે કે અમારા દેહ અતિકોમળ હોય તો પણ ગદાનું ભય ર્‌હે એમ નથી.

વિદ્યા૦– જે હો તે હો. એ ગદાની શક્તિમાં ન્યૂનતા આવે એવું કંઈ કરવું નહી.

સર૦– યથાર્થ બોલો છો તે થશે. રત્નનગરીના મહારાજ અને અધિકારીઓ એવું જ ઇચ્છે છે.

વિદ્યા૦- હવે શી નવાજુની છે અને શું કરવા ધારેલું છે તેની યોજનાઓ ક્‌હો.

સર૦– હાજી. એજન્સીમાં ધૂર્તલાલના પ્રતિનિધિરૂપે હીરાલાલે એવી અરજી કરેલી છે કે અર્થદાસના અપરાધનો ન્યાય ઈંગ્રેજી ન્યાયાસન પાસે થવો જોઈએ. તેના કારણમાં તેણે એવું બતાવેલું છે કે કુમુદબ્હેન અને સરસ્વતીચંદ્રનો પ્રસંગ બુદ્ધિધનભાઈના ઘરમાં પડેલો તે આપના અને બુદ્ધિધનભાઈના જાણવામાં આવવા પછી અર્થદાસે કે બ્હારવટીઆઓએ સુરસ્વતીચંદ્રનું ખુન આપ બેમાંથી કોઈના તરફની સૂચનાથી કરેલું હોવું જોઈએ, અને આપના રાજ્યમાં આ તપાસ ચાલે તો તે વાતનો શુદ્ધ નિષ્પક્ષપાત નિર્ણય થઈ શકે એમ નથી. આ કારણને લીધે અર્થદાસનું ન્યાયાન્વેષણ આપણી પાસે ન ચલવવું અને બ્હારવટીયાઓનું સુવર્ણપુરમાં ન ચલવવું પણ એ સર્વેનું શોધન ઈંગ્રેજી અધિકારી પાસે ચલવવું એવી સૂચના એજન્સીમાંથી આપણા ઉપર અને સુવર્ણપુરના રાજ્ય ઉપર ગઈ છે ને બુદ્ધિધનભાઈએ આ વિષયમાં ઉત્તર આપતા પ્હેલાં આપનો અભિપ્રાય મંગાવ્યો છે. પ્રથમ પ્રશ્ન માત્ર કોની હદમાં કામ ચલાવવું એવો હતો તેને સ્થાને આ વધારે મ્હોટો પ્રશ્ન હવે ઉભો થયો છે.

વિદ્યા૦- આવી તપાસ ત્યાં થાય તો કામના રૂપના સંભવાસંભવ તમને કેવા લાગે છે ?

સર૦- સરસ્વતીચંદ્રનું એક પોટકું બ્હારવટીયાના હાથમાં ગયેલું તેમાં કુમ્દબ્હેનના હાથની એક પત્રિકા છે તેમાં એમના હાથની કવિતા છે તે આપણે સરકારી અધિકારી પાસે રજુ કરવું કે ન કરવું તે એક પ્રશ્ન છે.

વિધા૦- તેની પાસે કામ ચલવવું જ પ્રાપ્ત થાય તો તે રજુ કરવું એ આપણો ધર્મ છે. આપણે સામાન્ય મનુષ્યો પેઠે આવી વાતો ન્યાયાસનથી ગુપ્ત રાખવાનું કામ નહી કરીયે.

સર૦– એ પોટકું રજુ કરીયે ને પત્રિકા આપણી પાસે રાખીયે તો કાંઈ બાધ છે ? પરરાજ્યને આવા વિષયમાં આવી રીતે સાહાય્ય આપવાને આપણે કયા ધર્મથી બંધાઈએ છીયે ?

વિદ્યા૦- ચક્રવર્ત્તીભવનના ધર્મથી સરદારસિંહ, એ પત્રિકામાં શું લખેલું છે ?

સર૦– કવિતા કઠણ છે ને જેવો અર્થ લેઈએ તેવો લેવાય એમ છે. આપને જોવી હોય તો આ રહી.

પત્રિકા લેતો લેતો વિદ્યાચતુર બોલ્યો: “જે હો તે હો – જે થાવ તે થાવ પ્રતિષ્ઠા જાવ તો જાવ. સરદાર, આ પત્રિકા રજુ તો કરવી જ. કાંઈ ગુપ્ત ન રાખવું. વિદ્યાચતુર ન્યાયને પ્રિયતમ ગણે છે ને તેને માટે સર્વ વસ્તુનો ભોગ આપવા તત્પર છે.”

સર૦– આપ વાંચો તો ખરા.

વિદ્યાચતુર વાંચવા લાગ્યો.

“અવનિ પરથી નભ ચ્હડ્યું વારિ પડે જ પાછું ત્યાં ને ત્યાં !” [૧] વગેરે પંક્તિઓ આ પત્રિકામાં કુમુદના સુન્દર હસ્તાક્ષરથી સ્પષ્ટ લખેલી હતી. તે વાંચી રહી એ પત્રિકા હૃદય સાથે ચાંપી વિદ્યાચતુર આનંદગર્વથી બોલ્યો.

“સરદાર ! આપણી પવિત્ર કુમુદની આ પવિત્ર કવિતા અવશ્ય ઈંગ્રેજી ન્યાયાસન પાસે આપણે મુકીશું અને અગત્ય પડશે તો હું તેનો અર્થ સમજાવવાને જાતે ન્યાયાસન પાસે સાક્ષી થઈશ ! સરસ્વતીચંદ્ર બુદ્ધિધનભાઈનું ગૃહ કેવી પવિત્ર કુમુદની કેવી પવિત્ર - વાસનાની સૂચનાને બળે છોડ્યું તે આથી સ્પષ્ટ સમજાશે !”

સર૦-સત્ય છે. પણ એક વાર ખોટા આરોપ મુકનારને મુખેથી સર્વ દુષ્ટ આરોપ સાંભળવા પડે અને તે પછી તેના ઉત્તરમાં આ કામ લાગે. મ્હેં ધાર્યું છે કે સરસ્વતીચંદ્ર આયુષ્યમાન છે એટલું આપણે સંપૂર્ણ રીતે પ્રથમ સિદ્ધ કરી આપવું, અને તે આપણા જ રાજયમાં કરી આપવું – એટલે પછી એમના ખુનનો કે આપણા કે ઈંગ્રેજી ન્યાયાસનનો પ્રશ્ન નહી ર્‌હે, અને કુમુદબ્હેનનું આમ કે તેમ નામ સરખું દેવાનો પ્રસંગ ઉભો નહીં


  1. ૧ પ્રથમ ભાગ પ્રકરણ ૧૯ પુષ્ઠ ૩૩૦ –૩૩૧.

રહે, અને તે પછી કુમુદબ્હેનના વિષયમાં વડીલની સૂચના સ્વીકારવી કે આપની કલ્પના સિદ્ધ કરવી કે અન્ય માર્ગ લેવો તેને માટે વિચાર કરવાને અને યથેચ્છ વર્તવાનો પુષ્કળ અવકાશ ર્‌હેશે.

વિદ્યા૦ – જો તેમ થાય તો સર્વ વાંધો દૂર જાય ખરો. તમે તેમ કેવી રીતે કરવા ધારો છો ?

સર૦– “નવીનચંદ્ર સરસ્વતીચંદ્ર જ નીવડે તો તેમણે અર્થદાસના આયુષ્યના રક્ષણને માટે અને કુમુદબ્હેનની પ્રતિષ્ઠાને માટે પોતાનું નામ અને શરીર પ્રસિદ્ધ કરવું પડશે એવું તેમને ક્‌હેવાને મ્હેં ચદ્રકાંતભાઈને ક્‌હેલું છે ને તેમણે તે ક્‌હેવા સ્વીકાર્યું છે. તે પછી આપણે વચ્ચે પડવું ન પડે એવો માર્ગ છે. યદુશૃંગના સાધુજનોનો પ્રથમ ન્યાય કરવાનો આપણે હાથમાં રાખેલો નથી, પણ એક આપણો અધિકારી યદુશૃંગના મહન્તની સાથે બેસે અને સાધુજનનો ન્યાય એ બે જણ મળી કરે અને તે પછી આપની પાસે તે વિષયને શુદ્ધતર ન્યાય – અપીલ – થાય એવી વ્યવસ્થા નાગરાજ મહારાજના સમયથી આપણે સ્વીકારી છે ને ધ્રુવ સાહેબની તેમાં સંમતિ છે. કોઈપણ સાધુજનને આજ્ઞા કરી આ વિના બીજા ન્યાયાસન પાસે કોઈપણ પ્રસંગે કે પ્રકારે મોકલવાનો અધિકાર આપણે આપણા હાથમાં રાખેલ નથી. આ બે ન્યાયાસન પાસે જેનો પ્રાથમિક ન્યાય – 'પ્રાઈમાફેસી કેસ' – થાય તેને તે પછી જ આપણે સરકારને સોંપી શકીયે છીયે. નવીનચંદ્ર પણ યદુશૃંગના સાધુજન છે અને આ વ્યવસ્થા તોડી તેમને સરકારમાં મોકલી શકીયે તેમ નથી, ને એજન્સીમાં આ કારણ વિદિત થશે એટલે તેમણે પણ એ જ માર્ગે ઉતર્યા વિના છુટકો નથી.

“નવીનચંદ્ર ઉપર કાંઈ આરોપ નથી. તેમનું તો માત્ર અસ્તિત્વ જ સિદ્ધ કરવાનું છે. વિષ્ણુદાસજી અને શંકર શર્મા સાથે બેસી એમના અસ્તિત્વનો અને તે સંબંધી સર્વ વાતનો નિર્ણય કરશે તે બીજી કાંઈ કથા કે કુથલી ર્‌હેવાની નથી. એ જ સરસ્વતીચંદ્ર છે, અને સાધુ થયા છે, એટલી વાતથી કુમુદબ્હેનનું નામ દીધા વિના એમની પ્રતિષ્ઠાનું રક્ષણ છે. માટે આ વિના બીજું કાંઈ કરવાનું નથી. અર્થદાસ અને બ્હારવટીયાઓ સરસ્વતીચંદ્રના કે નવીનચંદ્રના ખુનના અપરાધી નથી એટલું સિદ્ધ કરવા આટલું બસ છે. અર્થદાસ પાસે આવેલી મહામૂલ્યવાળી મુદ્રાનો યેાગ સરસ્વતીચંદ્ર વિના બીજાના નામથી મનાવો જેવો કઠણ છે તેવો જ સરસ્વતીચંદ્ર અને નવીનચંદ્ર એક જ પુરુષ છે તેટલું સિદ્ધ થયાથી એ યોગ માનવાનાં કારણમાં કાંઈ ન્યૂનતા નહી ર્‌હે." “આપ આ વિષયમાં પ્રસિદ્ધ આજ્ઞાપત્ર ક્‌હાડો તેની સાથે જ સરસ્વતીચંદ્રનાં માતાપિતા અને દેશીપરદેશી પ્રતિષ્ઠિત મિત્રો એમનું અભિજ્ઞાન સિદ્ધ કરી સાક્ષી થવા સુંદરગિરિ ઉપર આવવા મુંબાઈથી નીકળી પડે એવી યોજના કરી રાખી છે. આપ તેમનું આતિથેય કરજો અને એવાં પ્રતિષ્ઠિત મનુષ્યો એક વાર સરસ્વતીચંદ્રને ઓળખી ક્‌હાડી તે વિષયે પ્રતિજ્ઞાપૂર્વક આપણા આવા ન્યાયાસન પાસે ઉદ્ધાર કરશે તે પછી સરકારી અધિકારીઓને અને હીરાલાલ કે ધૂર્તલાલને બોલવાને અક્ષર પણ નહી ર્‌હે અને સરકારને આટલાથી સંતોષ ન વળે તો આ સર્વે ગૃહસ્થોને ભલે મુંબાઈની કોર્ટોમાં જ બીજીવાર પ્રતિજ્ઞા આપી પુછી લે.

“સુવર્ણપુર અને રત્નનગરી ઉપરથી તેમ કુમુદબ્હેન ઉપરથી સર્વ વાદળાં આટલા સ્હેલા પ્રયોગથી ખસી જશે, અને આપના ગૃહસંસારની વ્યવસ્થા તે પછી આપને યોગ્ય લાગે તે માર્ગે ઉતારજો.”

સરદારસિંહ બોલી રહ્યો. થોડી વાર વિચારમાં પડી અંતે, વિદ્યાચતુર બોલ્યો.

“સરદારસિંહ ! તમે ઘણી દૂર અને સૂક્ષ્મ દૃષ્ટિ વાપરી આ યોજના કરી ક્‌હાડી છે, રાજ્યને અને અન્ય સર્વને તે હિતકારક છે અને ચક્રવર્તીભવનમાં પણ એ જ અનુકૂળ પડશે. તમે મહારાજને તે વિસ્તારથી સમજાવજો. મને તો હવે તમારે માત્ર એટલું જ ક્‌હેવાનું બાકી છે કે મ્હારું કુટુંબ તમને આ ન્યાયકાર્યમાં શી રીતે સાહાય્ય આપી શકે એમ છે અથવા મ્હારા કુટુમ્બની પોતાની વ્યવસ્થાને માટે મ્હારા સ્વમિત્રરૂપે તમે મને શી સૂચના કરો છો ?”

સર૦– એ તો ટુંકી વાર્તા છે. ગુણસુંદરીબાને અને સુન્દરબાને વડીલની સાથે આપે સુન્દરગિરિ ઉપર મોકલવાં. કુસુમબ્હેને પણ સાથે જવું. તેઓ સર્વ પોતાની મનોવૃત્તિઓ પ્રમાણે ત્યાં જઈ પ્રયોગ કરશે, અને વડીલ સાથે હશે એટલે લોકમાં વાંધો પડે એવું કામ અથવા સાહસ નહી થાય. તેમ કોઈ શીધ્રકાર્યનો પ્રસંગ ચુકી જવાય એવું પણ નહી થાય. આપના મનનો સંકેત ચંદ્રકાંતભાઈને પત્રદ્વારા લખી જણાવજો ને તેને અનુસરી સરસ્વતીચંદ્ર જોડે વાત કરવાની સૂચના લખજો. મિસ ફ્લોરાને પણ જુદાં મોકલજો ને તેમને આપની મનોવૃત્તિ જણાવી ગુપ્ત રાખવા ક્‌હેજો, ને પ્રસંગ પ્રમાણે ગુણસુંદરીબા સાથે અને કુમુદબ્હેન તથા કુસુમબ્હેન સાથે તેમ ચંદ્રકાંત સાથે ખુલાસો રાખવાનું અને વાત કરવાનું સૂચવજો. આટલી વ્યવસ્થા તરત રચશો તો પછી આપે ત્યાં આવવાની કે જાતે બીજી ચિંતા કરવાની કાંઈ અગત્ય નથી. આપ જેવા સુજ્ઞ અને પવિત્ર છો તેવી જ આપની પાસે પવિત્ર, સુજ્ઞ અને ચતુર પરિવારની સંપત્તિ છે માટે સુસ્થ રહી શકો એવું ભાગ્ય પણ આપને અનુસરે છે અને અનુસરશે.”

વિદ્યા૦- તમારી બુદ્ધિ બહુ ઉપયોગી અને ક્ષેમકારક માર્ગ ઘણી ત્વરાથી જોઈ શકે છે. તમે પણ રત્નનગરીનું રત્ન જ છો.

સર૦– મહારાજની અને આપની સાત્વિક દૃષ્ટિ અને પ્રીતિ છે તો આપના સર્વ અધિકારીઓ આપ મહારત્નોની આશપાશ રત્નકણિકાઓ પેઠે ર્‌હેવા યોગ્ય થવાનો પ્રયત્ન કરે છે. આપને વધારે અવકાશ રોકવા જેવું હવે કાંઈ કામ બાકી જણાતું નથી.

વિદ્યા૦– ના, તમે નીરાંતે હવે જાવ અને સ્વકાર્યમાં યોગ્ય લાગે તે કરો.

સરદારસિંહ ગયો.