સરસ્વતીચંદ્ર ભાગ ૪/ન્યાયધર્મની ઉગ્રતા ને સંસારના સંપ્રત્યયની કોમળતા.
← દેશપ્રીતિનું મનોરાજ્ય. | સરસ્વતીચંદ્ર ભાગ ૪ ન્યાયધર્મની ઉગ્રતા ને સંસારના સંપ્રત્યયની કોમળતા. ગોવર્ધનરામ ત્રિપાઠી |
ખોવાયેલાં રત્નો ઉપરની ધુળ. → |
- निन्दन्तु नीतिनिपुणा यदि वा स्तुवन्तु
- लक्ष्मीः समाविशतु गच्छतु वा यथेष्टम ।
- अद्यैव वा मरणमस्तु युगान्तरे वा
- न्याय्यात्पथः प्रविचलन्ति पदं न धीराः ॥
- -भर्तृहरि
- Fiat Justitia ruat caelem ! (Justice shall be done :
- though the heavens fall !) A Maxim of Law.
- “એ તે જ્ઞાન મને ગમતું નથી ! ઋષિરાયજી રે”
- -(પ્રેમાનંદ : સુદામાચરિત)
- “એ તે જ્ઞાન મને ગમતું નથી ! ઋષિરાયજી રે”
ચંદ્રકાન્તને મળનાર સાધુજન પાછો ચંદ્રકાંતને મળ્યો ને તેમના સંકેત પ્રમાણે તે ગયો ને તે વાતમાં પોતાને જિજ્ઞાસા ન હોય એવું પોલિસના ઉપરી સરદારસિંહે દર્શાવ્યું. ચન્દ્રકાંત, ચાર પાસનો દેશ જોવા જાય છે એવું પ્રસિદ્ધ કરી, પાછલે પ્હોરે નીકળી વિદ્યાચતુરની એક ગાડીમાં ગયો, અને તેને સુન્દરગિરિની પૂર્વ તળેટીમાં એક થાણામાં રાખી એક માંચીમાં બેસી ઉપર ચ્હડવાનું હતું ત્યાં આગળ રસ્તામાં પોતાની સાથે સંકેત કરનાર સાધુએ એની જોડે મળવાને સંકેત કર્યો.
જે સાંઝે ચન્દ્રકાંત રત્નનગરીથી નીકળ્યો તે પછીને પ્રાતઃકાળે થોડી વાર પછી વિદ્યાચતુરે પોતાના ભવનમાં પોતાના ખંડમાં ગુણસુન્દરીને બેલાવી. આરામખુરશી ઉપર તે પડ્યો ને સામે ખુરશી પર ચિન્તાતુર ગુણસુન્દરી બેઠી.
"ગુણીયલ સરસ્વતીચન્દ્ર સોયે નવાણુંવસા વિદ્યમાન છે, પણ તે સાધુ થયા છે ને વિષ્ણુદાસ બાવાના મઠમાં છે. હવે આપણે તેમની આશા રાખવી વ્યર્થ છે.”
ગુણ૦- મા વિનાના એ બાળકને પાછા સંસારમાં આણવાને મા જોઈએ, એમના દુઃખથી હદ વળી ! હું કુમુદનું દુ:ખ ભુલવા જાઉં છું ત્યાં કુસુમનું દુઃખ ઉભું થાય છે ને તે ભુલું છું ત્યાં સરસ્વતીચન્દ્રનું દુ:ખ કાળજું વીંધી નાંખે છે. આપ આજ્ઞા આપો તો બાવાજીના મઠમાં જઈશ ને મ્હારું મ્હોં બાવાજી કે એ બેમાંથી કોઈ નહી તરછોડે. વિદ્યા૦- કુસુમનો લોભ તને ભુલાવતો નથી ?
ગુણ૦– તે ભુલવતો હશે તે ભુલાવવા દ્યો. જે વાતમાં કાંઈ હાનિ નથી ને લાભ કોઈ પણ અંશે થાય એમ હોય તો તે કામ કરવું જ. મ્હારું હૈયું એમ ક્હે છે કે મ્હારાં આંસુ એ જોઈ નહી ર્હે.
વિદ્યા૦– ૫ણ તેમને ઘેર આણી તું શું કરવાની હતી ? તેમને ત્યાં જ સુખ હશે ત્યારે ?
ગુણ૦- આપ શું બોલો છે તેની મને કંઈ સમજણ પડતી નથી.
વિદ્યા૦- હું તને કંઈ વિચિત્ર સમાચાર કહું, પણ તે તું કેવી રીતે સાંભળી શકીશ તે મ્હારાથી સમજાતું નથી ત્યાં સુધી મ્હારું બોલ્યું ત્હારાથી સમજાવાનું નથી.
ગુણ૦– મને જે હોય તે કહી દ્યો, આટલાથી ન ફુટેલા કાળજાને હવે ઘાયે વાગવાના નથી.
વિધા૦– મ્હારી જીભ ઉપડતી નથી.
ગુણ૦– હા ! આ પણ એક નવો અનુભવ કે મ્હારી સાથે આપ ભેદભાવ રાખો છો. આ ભેદભાવ મ્હારા કાળજાને જેટલું વલોવે છે તેટલું આપે ક્હેવાના સમાચારથી નહી વલોવાય. સ્ત્રીજાતિ અબળા છે – સ્વામીની પ્રીતિ છતાં પણ અનાથ છે – તે હું આજ સમજી.
વિઘા૦- કુમુદ જીવતી છે !–
'હેં !' – ગુણસુંદરીએ મલકાઈને ઉદ્ગાર કર્યો.
વિદ્યા૦– ઘણું કરીને છે – ને સરસ્વતીચન્દ્રની પાસે જ તે છે !
ગુણસુન્દરીનું મ્હોં લેવાઈ ગયું. તેણે ઉત્તર ન દીધો. નીચું જોઈ રહી ને નેત્રમાંથી આંસુનાં મ્હોટાં બિન્દુ ટપકવા લાગ્યાં.
વિદ્યા૦- તને આ સમાચારથી શું થશે તે હું જાણતો હતો માટે જ અચકાતો હતો. હવે ત્હારા હૃદયમાં સરસ્વતીચંદ્રનો કેટલો લોભ છે ને કુસુમનું શું કરવું છે તે ક્હે.
ગુણસુન્દરીનાં આ આંસુ ઉડી ગયાં દેખાયાં ને સટે તેમાં ક્રોધની રતાશ દેખાઈ ને એ રતાશ ઉપર ક્રોધનાં નવાં આંસુ લોહીની તસરોવાળાં દેખાયાં.
“હું જાઉં છું ! હવે મ્હારે કાંઈ ક્હેવાનું નથી. આપને ઠીક લાગે તે કરો ને જેને જે ગમે તે કરે. કુમુદની સુવાવડમાંથી હું ઉઠી એ જ ખોટું થયું. હવે જીવવાં શાં ને જોવાં શાં ? હું જાઉં છું. એ દીકરી ને તમે બાપ. હું છુટી ને છુટીશ.”
ગુણસુંદરી ઉઠી અને દ્વાર ભણી ક્રોધના વેગથી ચાલી. વિદ્યાચતુર તેવા જ વેગથી એની પાછળ ચાલ્યો ને એને બાથમાં લેઈ એક ટેબલ પર બેસાડવા લાગ્યો.
“ગુણીયલ ! ક્રોધનો કાળ નથી. આ વાતમાં તું જ શાંત થઈ મને આશ્રય અને અભિપ્રાય નહી આપે તો કેની પાસે હું આ વાત કરીશ ? આપણી પ્રતિષ્ઠા અને આપણો ધર્મ અને આપણે પેટે જન્મેલાં બાળક ! – તેની વ્યવસ્થામાં શું ત્હારા ધર્મસહચારનો લાભ મને નહી મળે ?"
ગુણ૦– હવે તે શું કરવાનું હતું ? પ્રતિષ્ઠા પાણીમાં પડી, ધર્મ ધોવાઈ ગયો, ને આપણી અપ્રતિષ્ઠા જોવામાં સહચાર જ છેસ્તો ! હવે આપ પ્રધાનપદ છોડી દ્યો ને બે જણ કાશીવાસ કરી આ સંસાર આગળથી મ્હોડું સંતાડી ચાલ્યાં જઈએ.
વિધા૦– આપણી કલ્પના મિથ્યા કેમ ન નીવડે ? વિષ્ણુદાસબાવાની છાયામાં કદી અધર્મ કે અનાચાર થયો નથી ને જીવતી નીકળેલી કુમુદને સરસ્વતીચંદ્રે કેવળ ધર્મનો આશ્રય આપ્યો હોય તો તેમાં કંઈ અશક્ય છે ?
ગુણસુન્દરી કંઈક નરમ પડી. “એમ પણ હોય. પણ જગત કેમ માનશે ?”
વિદ્યા૦- આપણે માનીશું તો જગત પાસે પણ મનાવીશું.-
ગુણ૦– આપણે માનવાનો કાળ પણ આવે ત્યારે આવે.
વિદ્યા૦– જો આપણું હૃદય વિશુદ્ધ જ છે ને આપણો સ્નેહ સત્ય જ છે તો આપણી કુમુદનું હૃદય અન્ય સંસ્કારોથી ભરાવાનો સંભવ બહુ જ એાછો છે.
ગુણ૦– આપણાં જે હૃદયે વિશુદ્ધિને પોષી છે તે જ હૃદયે દૃઢ સ્નેહને પણ પોષેલો છે. કુમુદના હૃદયમાં આપણે જ આપણા જેવો સ્નેહ અતિ-ઉત્સાહથી સફળ થઈ ભરેલો તેને ત્યાંથી સરવવાને અને નિષ્ફળ કરવાને પ્રમાદધન જેવાની શક્તિ ક્યાંથી હોય ?
વિઘા૦- એ પણ સત્ય છે. “નવીનચંદ્ર” નામના બુદ્ધિધનભાઈના અતિથિની વાતો સાંભળી છે તે ત્હારી કલ્પના સાથે મળતી આવે છે. ગુણ૦– લોક ક્હે છે તે ખરું યે હોય ને ખોટું યે હોય. પ્રમાદધનની પોતાની કટેવોએ આ રાંક જાતને માથે અપવાદ આણ્યો હોય તો સંસારને જરી જરીમાં આવી વાતે સાચી માનવાની ટેવ ક્યાં નથી ? સૈાભાગ્યદેવીએ આ વાત સાચી માની નથી ને નવીનચંદ્રને કોઈએ હીન વચન કહ્યું નથી. છતાં અપવાદ સાંભળી તેમણે સુવર્ણપુર છોડ્યું. પણ જો અપવાદ સાચો હોય તો એ અપવાદને પણ ગાંઠે નહી ને સુવર્ણપુરને પણ છોડે નહીં. રાતદિવસ ઘરમાં ર્હેનારાં સતી સૈાભાગ્યદેવીથી એ વાત છાની ર્હે નહી ને તેમણે જાણી હોય તો કુમુદને માટે કલ્પાંત કરવામાં જ દેહને પાડે નહી. બુદ્ધિધનભાઈને ઘેર કુમુદનાં પગલાં દુધે ધોવાયાં છે, એણે આ અપવાદ ન સ્હેવાતાં જ જળશાયી કરી હોય તે સંભવે છે. માત્ર વ્હેમ એટલો ર્હે છે કે આપ ક્હો છો તેમ તે જીવતી હોય તે સરસ્વતીચન્દ્રને સમજાવીને આપણે ઘેર લાવ્યા વિના અને જાતે પાછી આવ્યા વિના ર્હે નહી.
વિધા૦- તેમ કરી શકવા જેટલો સંપૂર્ણ અવકાશ તેને ન મળ્યો હોય.
ગુણ૦– તેમ કરવામાં ખોટો અપવાદ ખરો કરવાની પણ બ્હીક એને લાગતી હોય.
વિધા૦– હોય.
ગુણ૦- આપ આજ્ઞા આપો તો હું જ સુન્દરગિરિ ઉપર જાઉં.
વિદ્યા૦- શા નિમિત્તે તું ત્યાં જઈશ ?
ગુણ૦- કુસુમને એ સ્થાનોમાં મોકલવાનું ક્હેલું છે તેને સાથે લેઈ હું અને સુન્દરભાભી જઈએ.
વિદ્યા૦– પણ લોકાપવાદ ખરો હશે તો ?
ગુણ૦– ખરો હશે તો આપણું ભાગ્ય ફુટયું ને મ્હારી અક્કલને આગળા દેવાયા સમજજો.
વિદ્યા૦- તને કંઈક યથાશક્તિ વિદ્યા આપી છે તેમાંથી આથી વિશેષ ફળની આશા રાખું છું.
ગુણ૦– આપે તો ઘણી આપી પણ મ્હારી અબુદ્ધિમાં તે સમાઇ નથી.
વિદ્યાધા૦- ત્હારી બુદ્ધિ ભવ્ય છે, માત્ર તે દુઃખના આવરણથી ચંપાઈ ગઈ છે. ગુણ૦–એમ હો, તો પણ તે આપને તો કામ લાગે એવી નથી.
વિદ્યા૦– તરવાર યુદ્ધમાં કામ લાગે ને ત્હારા જેવીની વિધા અને બુદ્ધિ આવે કાળે કામ લાગે. ગુણીયલ ! જે કાર્યથી મ્હારે મણિરાજ મહારાજનું પ્રધાનપદ છોડવાનો વારો આવે છે તે કાર્યના વિચારમાં - પ્રધાનપદ છોડી માત્ર સામાન્ય મનુષ્ય થઈ ત્હારા આશ્રય ઉપર જ આધાર રાખવાનો કાળ આવે છે તેવા પ્રસંગમાં – મ્હારી ગુણીયલની બુદ્ધિ અને વિદ્યા મને કામમાં નહી લાગે ત્યારે વિદ્યાચતુરનું પોતાનું માણસ બીજું કોઈ રહ્યું નહી.
ગુણ૦– સ્ત્રીની બુદ્ધિ પગની પ્હાનીએ. મહાકાર્યમાં આપે સ્ત્રીની બુદ્ધિએ ચાલવું ઘટતું નથી.
વિદ્યા૦- લોક તેમ માને છે, પણ આપણાં હૃદય જુદી બુદ્ધિથી સંધાયાં છે તેને તોડવાને શું મારી ગુણીયલનું કાળજું કહ્યું કરે એમ છે? ગુણીયલ ! મ્હારા કુટુંબમાં જ્યારે અનેકધા ક્લેશ અને દુઃખ હતાં ને મ્હારી પેટીમાં જ્યારે પાઈની છત ન હતી ત્યારે ગુણીયલની ઉદાર બુદ્ધિએ મ્હારી અને મ્હારા કુટુંબની સંભાળ લીધી છે ને મને આ મહાન્ પદને પ્હોચવાને સમર્થ કર્યો છે ! તે દિવસ તું મ્હારી હતી ને હું ત્હારો હતો. આજ શું તે સંબંધ મટી ગયો ? ને તું મારી હવે નહી ?
ગુણસુન્દરી વિધાચતુરને ખભે માથું મુકી રોઈ પડી ને રોતી રોતી ક્હેવા લાગી.
“પ્રાણનાથ ! ક્ષમા કરો ! હું કૃતઘ્ન થઈ ને આપનો મહાન્ અપરાધ કર્યો ! દુઃખે મ્હારી બુદ્ધિને ડ્હોળી નાંખી ને આપે હવે તેને નિર્મળ કરી, આપ બોલો તે સાંભળવાને આ ક્ષુદ્ર બુદ્ધિથી જે બનશે તે ક્હેવા સજ્જ છું. હું સત્ય કહું છું કે – કુમુદ, કુસુમ, ને સંસાર એ સર્વને તુચ્છ ગણી હું આપનામાં જ ચિત્ત પરોવીશ. આપને શાને પ્રધાનપદ છોડવા કાળ આવે છે ?” માથું ઉંચું કરી ગુણસુંદરી સામી બેઠી.
વિધા૦- “તું સજ્જ છે તો મ્હારા હૃદયના સર્વ પડદા દૂર કરી વાત કહું છું તે સાંભળી લે. કુમુદનો અપવાદ અસત્ય હશે તો તો કાંઈ દુઃખ છે જ નહી – મ્હારી શ્રદ્ધા છે કે તું, સુન્દર, અને ચન્દ્રકાંત મળી સરસ્વતીચંદ્રને પલાળી શકશો ને કુસુમનું ભાગ્ય ઉઘડશે. ફ્લોરા અને કમલારાણીજી પાસે આશ્રય શોધીશું. તે નહી ફાવે તો કુમુદની ઇચ્છાથી અવળી ચાલે એટલું કુસુમના હૃદયનું ગજું નથી. પણ લોકનો અપવાદ ખરો હોય તો મ્હેં ઘણાં સૂક્ષ્મ વિચાર કરી મારા ધર્મને માર્ગે પ્રવર્તવા નિશ્ચય કર્યો છે. સરસ્વતીચંદ્ર ઉપરથી કુમુદનું હૃદય દૂર થઈ શકયું ન હોય તો દોષ કોનો ? સર્વથા આપણો. આપણા દોષનું ફળ ચાખતાં આપણે ડરવું ન જોઈએ. આપણા દોષનાં વિષફળ બીજાને ચાખવાં ન પડે એવું કરવું એ આપણો ધર્મ છે. અન્ય સંસારથી કંટાળી આત્મહત્યા કરવા જતાં જીવતી ર્હેલી કુમુદ પોતાની વિધવાવસ્થામાં સરસ્વતીચંદ્રના આશ્રયથી જ સુખી થવા ઇચ્છતી હોય તો તેમાં વિધ્ન નાંખવું નહી પણ સાહાય્ય આપવું એ આપણો ધર્મ છે એવું હું માનું છું, અને સર્વ સુધરેલા દેશો તો એને કેવળ ધર્મ નહી પણ માતાપિતાની ખરી પ્રીતિની કસોટી માને છે - તે ત્હારાથી ક્યાં અજાણ્યું છે ? કુમુદના દુઃખી જીવનને માટે સુખનો જો એ જ માર્ગ હશે તો આપણે તે લેવો - ગુણીયલે તે આપવામાં મ્હારી સાથે ભળવું – એ હું ઇચ્છું છું. મ્હેં તને વિદ્યા આપવા પ્રયત્ન કરેલો છે તે આવા ધર્મના બોધને માટે.
“હું જાણું છું કે આ કાર્યમાં અપકીર્તિ છે, આપણા લોકનું બીજી રીતે કલ્યાણ કરવાને આપણે આ કાર્યને લીધે અશકત થઈશું, અને આ કાર્ય કરી મહારાજના પ્રધાનપદમાં ર્હેવું તે મહારાજને ગુંચવારામાં નાંખવા જેવું છે. એમની પ્રજા આ કાર્યનું અભિનન્દન નહી કરે અને મને ભ્રષ્ટ ગણશે. પ્રજા જેને ભ્રષ્ટ ગણે એવા મનુષ્યનો અધિકારથી દૂર કરવો એ મહારાજનો ધર્મ છે, એ ધર્મનો મહારાજને બોધ કરવો એ મ્હારો ધર્મ છે એ ધર્મ હું પાળીશ ને કુમુદને સુખી કરવાને આવો ધર્મ પ્રાપ્ત થશે તો પ્રધાનપદનો ત્યાગ પરમ સંતોષથી કરીશ – તે પછી હું અને તું બે જણનો જ સહવાસ રહ્યો - તે સહવાસનો તું મને અધિકારી ગણીશ તો.
“એ પ્રસંગ આવશે તો કુસુમનો અભિલાષ પણ હું પૂર્ણ કરીશ. એની ઇચ્છા હશે તે મોહનીમૈયાના પરિવ્રાજિકામઠમાં યોગ્ય વ્યવસ્થાથી તે ર્હેશે, મરજી હશે તો હું એને યુરોપ અમેરિકામાં કુમારિકાઓને અભ્યાસમાં અને પરમાર્થમાં જીવન ગાળવાનાં સ્થાન છે ત્યાં મોકલીશ, ને મરજી હશે તો સ્વતંત્ર મુંબાઈનગરીમાં રહી નીતિ, પરમાર્થ, અને વિદ્યાનું સેવન કરવામાં આયુષ્ય ગાળવાની એને અનુકૂળતા કરી આપીશ. કાર્યને અંગે પણ પ્રધાનપદ છોડવું પ્રાપ્ત થશે."
“ગુણીયલ ! ધર્મને નામે પ્રચાર પામેલા લોકાચારથી દોરાઈ આપણે એક વાર કુમુદને કુવામાં નાંખી ! એની સ્વતંત્રતાનો નાશ કર્યો ! એને અધમ પુરુષના કર-પંજરમાં પુરી દીધી ! એ સર્વથા પાપ થયું – મહાપાપ થયું. હવે એ પાપ ફરી કરવાની મ્હારી વૃત્તિ નથી. જે અધ્યાત્મ દૃષ્ટિથી મનુષ્યમાત્રને વૃદ્ધ મહારાજ જોતા, જે અધ્યાત્મદૃષ્ટિથી તેમને જોવાને બોધ આટલી વાર સુન્દરગિરિના સાધુજનોને મુખેથી આપણે સાંભળ્યો છે, તે દૃષ્ટિથી જોતાં પૂર્વ અને પાશ્ચાત્ય બુદ્ધિનો સંગમ થાય છે અને એ સંગમસ્થાન આગળના પ્રવાહમાંના પાણીમાં જોતાં જે ભૂમિ ઉપર પત્થર જેવાં પાપ છે ત્યાં આપણે સંચાર નહી કરીયે. જે લોકાપવાદ સત્ય હોય તો કુમુદનું સરસ્વતીચંદ્ર પાણિગ્રહણ કરે એ જ યોગ્ય છે ને યોગ્ય વર વિનાની તેમ કૌમારવ્રતની અભિલાષિણી કુસુમનો અભિલાષ સિદ્ધ થાય તે જ યોગ્ય છે. તે જ બે આપણા બેના ધર્મ છે !
“તો એ ધર્મના આચારમાં બીજો શો અંતરાય છે ? પ્રધાનપદની વાસનાને લીધે શું આ ધર્મ ત્રુટવો ઘટે છે? લોક ગમે તે માનતા હશે. પણ કામન્દકીને મુખે પવિત્ર ભવભૂતિએ અધિકારના લોભી પિતાઓના સ્નેહનું વર્ણન કરાવ્યું છે તે તને લક્ષ્યમાં હશે !
- "गुणापेक्षाशून्यं कथामिदमुपक्रान्तमथवा.
- कुतोऽपत्यस्नेहः कुटिलनयनिष्णातमनसाम् ।
- इदं त्वैदंपर्यं यदुत नृपतेर्नर्मसचिवः
- सुतादानान्मित्रं भवतु स हि नो नन्दन इति [૧] ॥"
“ગુણીયલ ! પ્રધાનપદના લોભથી તો શું પણ સંસારમાં કોઈ પણ પદાર્થના લોભથી અથવા રાજા કે માતાપિતા કે દેશ કે કોઈને પણ પ્રસન્ન કરવાના લોભથી જે માતાપિતા પુત્રીનું વિવાહમાં દાન કરે છે તેમનો અપત્યસ્નેહ શૂન્ય ગણવો અને તેમણે પુત્રી પ્રતિના પોતાના ધર્મમાં ધુળ ભેળવી સમજવી ! પુત્રીનું દાન કરતાં પુત્રીના સ્વાર્થ વિના બીજો સ્વાર્થ કે બીજો લોભ રાખે છે તે માતાપિતારૂપે શત્રુ જ સમજવાં ! તેવા પિતાને માથે માલતીના જેવા નિઃશ્વાસ ભમ્યાં કરે છે ને ક્હે છે કે – “ઓ પિતા ! તમને અન્યનું આરાધન પ્રિય છે - તમારી પુત્રી પ્રિય નથી [૨] !”– “ઓ તાત ! તમે પણ આવા છો તો સર્વથા ભોગ - તૃષ્ણા જ જય પામી
- ↑ ૧. આ પિતાએ જમાઈના ગુણની અપેક્ષા રાખ્યા વિના આ વિવાહનો ઉપક્રમ કેમ કર્યો ? અથવા તો કુટિલ રાજનીતિમાં ઝબકોળાયેલાં મનવાળાપુરૂષોને પોતાનાં બાળક ઉપર શુદ્ધ સ્નેહ તે શાનો હોય ? અા પિતાના મનનોસાર તો આટલામાં જ આવી ગયો છે કે મ્હારી દીકરીના વિવાહથીરાજાનો નર્મસચિવ નન્દન મ્હારો મિત્ર થાય ! (માલતીમાધવ)
- ↑ २ राजाराधनं खलु तातस्य गुरुकं न पुनर्मालती
છે !”[૧] ગુણીયલ ! નક્કી તું મ્હારા પ્રધાનપદને આપણી પુત્રી કરતાં ને આપણા ધર્મ કરતાં અધિક નહીં ગણતી હોય !
ગુણ૦- સત્ય જ ક્હો છો ! પ્રધાનપદને વૈભવની વાસનાથી -પ્રિય ગણવાનું કહું તો તો આપ ક્હો છે તે દોષ આવે જ, પણ મહારાજ પ્રતિ રાજ્ય પ્રતિ - આપનો ધર્મ છે ને પુત્રી પ્રતિ પણ છે ને તે બે વચ્ચે વિરોધ આવે ત્યારે મ્હોટા ધર્મ આગળ ન્હાનનું બલિદાન કરવું એ ધર્મ શું પ્રાપ્ત થતો નથી ?
વિદ્યા૦- એ પ્રશ્નનું સમાધાન પણ એ જ કવિયે કરેલું છે. પુત્રીનું કલ્યાણ કરવામાં પોતાની શક્તિની ન્યૂનતાનું બલિદાન થયેલી પુત્રીની પાછળ અગ્નિમાં પડવા માંડતા પિતાએ પોતાને ચરણે પડેલા રાજાની પણ અવગણના કરી અને તે જ અવગણના કરનાર પિતાએ પુત્રીની સુસ્થિતિ સાંભળી તે વધામણીને રાજાએ કરેલા ચરણપાત કરતાં અધિક ગણી ! [૨] ગુણીયલ ! એક જણની પ્રતિ ધર્મ કરવાને માટે બીજાની પ્રતિ અધર્મ કરવો પડે ત્યારે એમ જ સમજવું કે જેને આપણે ધર્મ ગણીયે છીયે તે અધર્મ જ છે ! માતા પિતા કે દેશ કે લોકસમસ્ત – સર્વના કલ્યાણ કરતાં પણ એક ન્હાના સરખા આપણા બાળક પ્રતિનો આપણો ધર્મ ન્હાનો છે એવી બુદ્ધિ દૂષિત છે, સામા મનુષ્યોની સંખ્યાથી કે તેમના ગૌરવથી તેમના પ્રતિના ધર્મ મપાતા નથી ! સર્વે લોકના કલ્યાણને માટે પણ અસત્ય બોલવું પડે કે ચોરી કરવી પડે તો તે કરવું અધર્મ મટી ધર્મરૂપ થતું નથી. ધર્મનું આચરણ કરવામાં અથવા અધર્મથી દૂર ર્હેવામાં પ્રાણીમાત્રનો સંહાર વળી જતો હોય તો તે થવા દેવો એ જ ધર્મ છે. શ્રુતિ અને સ્મૃતિ, જ્ઞાન અને ભક્તિ, વ્યવહાર અને પ્રીતિ, સર્વે આવા ધર્મના આગળ ક્ષણિક અને ક્ષુદ્ર છે.
ગુણ૦– જો એમ છે તો સ્ત્રીયોને વૈધવ્યના ભયમાં આણી વીરપુરૂષો દેશના કલ્યાણ માટે યુદ્ધમાં મરવું ઉત્તમ કેમ ગણે છે ? સ્ત્રીનું
સૌભાગ્ય સાચવવું એ શું પતિનો ધર્મ નથી ? અનાથ બાળકોને સંસારમાં એકલાં મુકી જતાં અટકવું એ શું ધર્મ નથી ? તો એ સર્વ ધર્મનો ભંગ કરી વીરપુરુષો યુદ્ધના ધર્મની પ્રશંસા કેમ કરે છે ? બે દીકરીઓને કારણે આપ પ્રધાનપદ છોડો ને રાજ્યનું અકલ્યાણ થાય અને મહારાજ પ્રતિ કૃતજ્ઞતા થાય એ કામ પ્રધાનપદના અધિકારીની બુદ્ધિને છાજતું હોય એવું મને દેખાતું નથી. પછી મ્હારી સ્ત્રીબુદ્ધિને લીધે જ મને આમ લાગતું હોય તો ઈશ્વર જાણે.
વિદ્યા૦- “ત્હારી બુદ્ધિ સૂક્ષ્મ છે તેથી જ આ પ્રશ્નોને દેખે છે એ પ્રશ્નો જેવા સગર્ભ છે તેવું જ તેમનું સમાધાન છે. ગુણીયલ ! ધર્મ ક્રિયારૂપ નથી પણ ક્રિયાનું કારણ છે. જે ક્રિયા કર્તવ્ય થાય છે તે ક્રિયામાં ધર્મ રહેલો નથી, પણ આપણા મનમાં એવી બુદ્ધિ થાય કે આ કર્ત્તવ્ય છે ને આ નથી ત્યારે આપણે તે ક્રિયા કરીયે છીએ કે નથી કરતાં; માટે એ બુદ્ધિ એ ક્રિયાનું કારણ છે. એ બુદ્ધિ સુવિદિત શુદ્ધ સત્ય ધર્મને અનુસરે ત્યારે ધર્મસ્થ ગણવી. આપણી ક્રિયાઓ ત્રણ પ્રકારની છે.આપણે કોઈ પદાર્થનો ત્યાગ કે સ્વીકાર કરીયે છીયે, અન્ય જીવોને સુખદુઃખ કરીયે છીયે, અને આપણા જીવની અધોગતિ કે ઉન્નતિ કરીયે છીયે. આપણાં જીવનનાં સુખદુ:ખ તો આ ત્રણે ક્રિયાઓથી થાય છે માટે તે જોવાનાં કે જુદાં ગણવાનાં નથી. ત્રણે ક્રિયાઓને અંગે આપણે સુખદુઃખ પામીયે તેને પ્રારબ્ધફળ ગણી લઈ લેવાં – આ પવન જેવો આવે તેવો આપણે સંસ્કારી લેઈએ છીયે તેમ.
“જ્યારે આપણાં પોતાનાં મન કે શરીર પોતાને માટે કોઈ પદાર્થનો ત્યાગ કે રવીકાર કરે ત્યારે તું ક્હે છે તેવા ધર્મવિચાર પ્રાપ્ત થાય છે. જેમાં આપણી મમતા છે, જેમાં આપણી અહંતા છે એ સર્વ પદાર્થનો ત્યાગ કે સ્વીકાર કરતાં ફળનો વિચાર યોગ્ય છે કે આ મ્હારા ત્યાગથી માતાપિતાને લાભ છે અથવા દેશને લાભ છે અથવા પારકા જીવને લાભ છે. જ્ઞાતિભોજનનું વ્યય કરતી વેળા આપણે સ્વતંત્ર છીયે તેનું કારણ પણ એ કે એ ક્રિયા ધર્મવિચારની આ કોટિમાં[૧] આવે છે,
“આ પ્રમાણે પોતે ત્યાગ કે સ્વીકાર કરી અન્ય જીવોને સુખ આપવું એ આપણો અધિકાર છે. પણ કોઈ જીવને દુ:ખ દેવું કે તેનું અકલ્યાણ કરવું તો શું પણ તેની ઇચ્છાવિરુદ્ધ માર્ગે તેનું કલ્યાણ કરવા પ્રયત્ન
- ↑ ૧. Class, Category.
પારકા જીવને દુ:ખ દેવું કે તેને અજ્ઞાત પણ હાનિ કરવી એ ક્રિયાનો ધર્મ તો લેકવ્યવસ્થાના અધિકારીને જ પ્રાપ્ત થાય છે. સંસારની વ્યવસ્થાઓ સામાન્ય રીતે રાજાઓના અને તેણે સ્વીકારેલા અધિકારીઓના અધિકારની વાત છે. માતાપિતા પુત્રાદિક ઉપર અધિકાર વાપરે છે તે પણ રાજાએ આપેલા જ અધિકારથી રાજાએ જ્યાં આજ્ઞા કે નિષેધ કાંઈ ન કર્યું હોય પણ માત્ર અધિકાર આપ્યો હોય ત્યાં અધિકારીએ સામા જીવનું કલ્યાણ ઇચ્છી ક્રિયા કરવાની છે – એ વિના સર્વ વિષય અને વિચાર તેના અધિકારથી બ્હાર છે. સેનાધિપતિ અને ન્યાયાધીશ પોતાના અધિકારના વિષયનું જ કલ્યાણ ઇચ્છી અન્ય જીવોને દુઃખ કરે છે એને તેમનાં શરીરને મૃત્યુવશ કરે છે તે ક્રિયાઓથી થતાં સુખદુઃખ વિચારવાનો તેમને અધિકાર નથી; તેમને અધિકાર માત્ર એટલો જ કે સેનાધિપતિએ અમુક માર્ગે વિજય મેળવવો અને ન્યાયાધીશે ન્યાય મેળવવો. રાજાને પણ લોકવ્યવસ્થાને માટે જ ઈશ્વરે અધિકાર આપેલો છે તે છોડી અન્યથા કામ કરે ને પ્રજાને દુઃખ થાય ત્યારે રાજાને સ્વમાર્ગે આણવાને માટે પ્રજા છે, અને પ્રજા વિમાર્ગે ચાલે ત્યારે તેને માથે રાજા છે. આ સર્વ પ્રશ્નોમાં માત્ર લોકવ્યવસ્થાને માટે યોગ્ય સ્થાનમાંથી પ્રાપ્ત થયેલા અધિકારને અને અધિકારના વિષયનો વિચાર છોડી બીજો કાંઈ વિચાર કરવાનો નથી. જેની બુદ્ધિ પ્હોચતી નથી તેને માર્ગ દર્શાવવાને પ્રાચીન શાસ્રી, અર્વાચીન મહાત્માઓ, અને આશપાશના મહાજન છે. જ્ઞાતિના અજ્ઞાની જનોને માટે જ્ઞાતિ એક જાતનો મહાજન છે. બાળકને માટે માતાપિતા મહાજન તુલ્ય છે. બાળકનાં વય, બુદ્ધિ અને વિધા વધે તેમ તેમ તેના અધિકાર વધે છે ને માતાપિતાના ઘટે છે, તે જ રીતે જે મનુષ્યોની બુદ્ધિ અને વિદ્યા વધે છે તેમનો અધિકાર વધે છે અને જ્ઞાતિના, લોકાચારના, શાસ્ત્રના, અને મહાત્માઓના અધિકાર ખસવા માંડે છે. દેશકાળની કાંઈક સ્થિતિ વિચારી પૂર્વકાળના વિદ્વાનોએ અને મહાજનોએ બાળલગ્ન, અને વૈધવ્યસહનના આચાર પાડેલા તે કાયમ રાખવાનો તેમનો અધિકાર નવી વિદ્યા અને નવી બુદ્ધિના હાથમાં છે. મને મળેલો આ અધિકાર હું વેળાસર સમજ્યો નહી અને એ અધિકાર મને હોય નહી એમ વિશ્વાસે રહી કુમુદનું ભાગ્ય સુવર્ણપુરમાં મ્હેં બાંધ્યું તે મ્હારાથી અધર્મ થઈ ગયો, ને હવે મ્હારી શક્તિ વિચારી મ્હારો અધિકાર શોધી વેળાસર ચેતું છું તેથી હું મ્હારો ધર્મ કરીશ. અધિકાર કોટિથી પ્રાપ્ત થયલા અાવા ધર્મને અંગે મ્હારા પ્રધાનપદના ધર્મ વિચારવા એ મ્હારા અધિકારમાં નથી. રાજ્યના સામાં હુકમનામાં કરતાં ન્યાયાધીશે ડરવાનું નથી તેમ પ્રધાનપદના અને રાજ્યહિતના વિચારમાં પડી કુમુદ - કુસુમ - ના જીવનું અકલ્યાણ કે દુઃખ રચવું તે મ્હારા અધિકારથી બ્હારની વાત છે. કુમુદ રાજ્યાપરાધ કરી મહારાજના ધર્માસન આગળ આવે અને એને દેહાંતદંડની શિક્ષા કરવાનો મ્હારે પ્રસંગ આવે ત્યારે મ્હારો પિતૃધર્મ વિચારવાનો મને અધિકાર નથી; તે જ રીતે યુદ્ધમાં જનાર સેનાપતિએ સ્ત્રીપુત્રાદિકને માથે પોતાના મરણથી આવી પડનાર ભયના વિચાર કરવાનો પણ તેને અધિકાર નથી. આમાંનું એક કાર્ય અથવા કાર્યનું ફળ બીજા કાર્ય કરતાં મ્હોટું કે ન્હાનું છે માટે મ્હોટું કરવું ને ન્હાનું ન કરવું એ વિચાર અયોગ્ય છે. લોકવ્યવસ્થાના અધિકારીએ તો ન્હાના કે મ્હોટા પોતાના જેવા હોય તેવા અધિકારનો વિષય અને ધર્મ વિચારી ત્રિજ્યામાં પ્રવૃત્ત થવાનું છે."
“અને જ્યાં જીવાત્માના આત્મધર્મના વિચાર પ્રાપ્ત થાય ત્યાં તો આ અધિકારનો પણ પ્રશ્ન અનુચિત છે. પ્રત્યેક જીવાત્માનો ઉત્કર્ષ થાય તો તે સર્વે જીવોનું કલ્યાણ છે. એક જીવન અધર્મથી સર્વ જીવનું કલ્યાણ થતું હોય તેા તે કલ્યાણમાં અકલ્યાણનું બીજ રોપાયું ગણવું. એક જીવના ધર્મથી અનેક જીવોને દુ:ખ થતું હોય તો પણ તે જ માર્ગે સર્વનો ઉત્કર્ષ ગણવો. સર્વભૂતાત્મક પરમાત્માના અંશ રૂપ જીવાત્માનો અભેદ માનો કે સર્વ જીવોના ભિન્નભાવ માનો તો પણ સર્વના ધર્મથી થયલે સર્વનો ઉત્કર્ષ જ કલ્યાણ રૂપ છે. પોતે અધર્મ કરે છે તેથી જગતનું કલ્યાણ થશે એવું માનનાર જીવ મૂર્ખ છે. કારણ સર્વ જગતને જોઈ શકવાની શક્તિ વગરનો ક્ષુદ્ર જીવ એ જગતનું કલ્યાણ ક્યાં છે ને ક્યાં નથી એ જાણવાની શક્તિ શી રીતે પામવાને હતો ? આવા દમ્ભી મિથ્યાભિમાની જીવોએ સંસારને માથે અનેક અવ્યવસ્થાઓ અને વિપત્તિઓ આણી મુકેલી ઇતિહાસમાં સુપ્રસિદ્ધ છે. ગુણીયલ ! જે ક્રિયાથી જીવાત્માની પોતાની અધોગતિ છે તે સર્વથા વર્જ્ય છે, ને જેથી તેની ઉન્નતિ છે તે કર્ત્તવ્ય છે, ને તેમાં કોઈ પણ અન્ય વિચાર કર્તવ્ય નથી.
“ઈશ્વરે કુમુદનો જીવ આપણા અધિકારમાં સોંપ્યો. ઈશ્વરે નિર્મેલા સ્નેહની ગતિથી યોગ્ય વયે એ – નદી સમુદ્રમાં ભળે તેમ – પોતાના હૃદયના સ્વામીને ધર્મથી પ્રાપ્ત થઈ હોય તો તેમાં વિધ્ન રૂપ થવા મ્હારો કે ત્હારો અધિકાર નથી. અધિકારવિનાની ક્રિયામાં પ્રવૃત્ત થઈએ જીવને પરતંત્ર કરવો એ ક્રિયાથી આપણી અધોગતિ સમજવી. કોઈ જીવ આપણે પેટે બાળકરૂપે જન્મ્યો માટે તેને આપણી ઇચ્છા પ્રમાણે બન્ધનમાં નાંખીયે એવો અધિકાર માતાપિતાએ ધારવાનો નથી. કુમુદ-કુસુમના જીવ હવે આમ સ્વતંત્ર છે. માટે તું અન્ય વિચાર અને દુ:ખ છોડી દેઈ મ્હેં દર્શાવેલા માર્ગનો શાંત વિચાર કરી લે.”
વિદ્યાચતુર બોલી રહ્યો ને થોડી વાર સુધી થાક્યો હોય તેમ ખુરસીમાં પડી રહ્યો ને માત્ર ગુણસુંદરીના સામું જોઈ રહ્યો. ગુણસુન્દરી ઉંડા વિચારમાં પડી બેાલ્યા ચાલ્યા વિના, બેઠી હતી ત્યાં જ, નીચું જોઈ બેસી રહી. અંતે ઉંચુ જોઈ બોલી.
“ચંદ્રકાંત મુંબઈથી આવ્યા તેવામાં તેને સરસ્વતીચંદ્રને વિષયે આપે કઠણ વચન કહ્યાં હતાં[૧] તે કાળે વૃદ્ધાચાર આપને પ્રિય હતો તે ઘણી થોડી વેળામાં અપ્રિય થઈ ગયો. આપે કરેલો બોધ અસત્ય છે એમ સિદ્ધ કરવા જેટલી મ્હારી શક્તિ નથી. પણ જુના સંપ્રદાયમાંથી નવામાં આપ આટલી વેળામાં જતા રહ્યા તેથી મને કાંઈ ભ્રાંતિ થાય છે.”
વિદ્યા૦– તેમાં ત્હારો દોષ નથી. સરસ્વતીચંદ્ર ઉતાવળ કરી નાઠા અને કુમુદને હાનિ પ્હોંચી તે સહન કરવાની અશક્તિને બળે મને કાંઈક ક્રોધ થયો હતો, અને સરસ્વતીચંદ્રનો જ દોષ મ્હારા હૃદયમાં વસી ગયો હતો. શાંત થયા પછી અને કુમુદ-કુસુમ-નાં હૃદય અને સુખદુ:ખ જાણી વિશેષ વિચાર કરતાં મને જે લાગ્યું તે તને અત્યારે કહી દીધું.
ગુણ૦- ન્હાનપણમાં બાળક પરણાવવાનો પ્રાચીન કાળથી ચાલતો આવેલો સંપ્રદાય આપ હવે દુષ્ટ ગણો છો?
વિદ્યા૦– લોકવ્યવસ્થા રચનારાઓએ આ પાળ દુષ્ટતાથી નથી બાંધી, પણ લોકહિતની જ બુદ્ધિથી દેશકાળની કંઈક પરીક્ષા કરી બાંધેલી હોવી જોઈએ. હાલમાં તે વ્યવસ્થાને બે પિતાઓ બદલી નાંખવા જાય તો એકની પુત્રી દુ:ખી થાય ને બીજાની સુખી થાય. દ્રવ્યહીન, વિદ્યાહીન,પક્ષહીન પિતાની રંક કે વિદ્યાહીન પુત્રીને આપણી જુની વ્યવસ્થા તોડ્યાથી સુખ કરતાં દુઃખ અનેકધા અસહ્ય થઈ પડે. નવી વ્યવસ્થાના અધિકારી કુટુમ્બમાં જન્મેલી બાળકી નવી વ્યવસ્થાથી દુઃખ કરતાં સુખ વધારે પામવાની. સર્વ વાત શક્તિ અને અધિકારની છે. હું નવી વ્યવસ્થાથી પુત્રીઓને સુખી કરવા શક્તિમાન છું અને પુત્રીઓ
- ↑ ૧. પ્રથમ ભાગ પૃષ્ઠ ૨૫૩.
નવી વ્યવસ્થાનું જીવન આપવા હું અધિકારી થાઉં છું ને તેમ કરવું એ મ્હારો ધર્મ થાય છે.
ગુણ૦– આપે વડીલોના અભિપ્રાય લીધા ?
વિદ્યા૦- સરદારસિંહે વડીલને પુછ્યું. ને મહારાજે મામાને પુછ્યું. આપણે આવો પ્રશ્ન પુછીયે છીયે તેટલાથી જ મામાને આશ્ચર્ય લાગ્યું ને એવા પ્રશ્ન પુછનારની વૃત્તિ મનગમતો ઉત્તર જ ઇચ્છે અને તે આપવો કે ન આપવો એ વિચારતાં પોતાની નિવૃત્તિમાં વિઘ્ન આવે માટે આ વિચાર મહારાજને અને મને જ સોંપ્યો, અને મહારાજનું અપમાન ન થાય માટે સ્મિત કરી કહ્યું કે “હું હવે વૃદ્ધ થયો છું ને નવા યુગનું માહાત્મ્ય જોવું ઘણા કાળથી મ્હેં મુકી દીધું છે, માટે એ જોવું જુવાનમંડળને જ વધારે અનુકૂળ થઈ પડશે; - રાજ્યનો કોઈ મ્હોટો પ્રસંગ હત તો હું નિવૃત્તિ તોડી અભિપ્રાય આપત; પણ નવા યુગનાં ન્હાનાં મ્હોટાં થયલાં બાળકોના પરિપાકનો મને અનુભવ નથી ને તેના વિચારનો પણ મને અધિકાર નથી.”
ગુણ૦- આ ઉત્તરમાં એમનો અભિપ્રાય જણાતો નથી ?
વિદ્યા૦- એ તો સ્પષ્ટ છે. પણ પિતાજીનો અભિપ્રાય જુદો થયો. તેમણે કહ્યું કે કાગડાના માળામાં મુકેલી હંસી, કાગડો મરતાં, હંસને શોધે તો એ એક જુવાનીનો વેગ છે. લોક પોતે પોતાની જુવાનીના વેગને અટકાવતા નથી પણ પારકાં બાળક એ વેગને અટકાવે એવું જોવાને ઇચ્છે છે. લોકના કહ્યા પ્રમાણે કરીયે તો બાળક દુ:ખી થાય ને બાળકના કહ્યા પ્રમાણે કરીયે, તે લોક ચુંટી ખાય. માટે ડાહી વાત એ છે કે લોક જેને મુવેલી જાણે છે તેને જીવતી કહી લોકની ભુલ ભાંગવાને આપણે કંઈ બંધાયા નથી. માટે આ બે જણે સુંદરગિરિમાં જે વાસ શોધી ક્હાડ્યો હોય ત્યાં તેમને નીરાંતે ર્હેવા દેવાં, ને આપણે તેમની કુથલી કરવી નહી ને લોકમાં થવા દેવી નહી. મરેલાં ગણાતાં છોકરાં ભલે સુખી થાય ને લોકની આંખમાં ધુળ નાંખે. લોકને રીઝવી છોકરાંને મારવાં નથી ને લોકમાં સત્યવાદી થઈ કારભારને આંચ આવવા દેવી નથી, ગુણીયલ ! આ એમના શબ્દે શબ્દ તને કહી દેઉં છું.
ગુણ૦- સંસારને ધર્મથી પાળનાર મામાજીએ સંસારનું રક્ષણ કર્યું ને સંસારને અને સંસારના ખેલને ઓળખનાર વડીલે એ સંસાર સાથે રમવાનો ખેલ બતાવ્યો. વિદ્યા૦– હવે તું ક્હે આપણે શું કરવું ?
ગુણ૦– મ્હેં કહ્યું છે તે પ્રમાણે અમને સર્વને સુન્દરગિરિ ઉપર જવા દ્યો. લોકાપવાદ ખોટો હશે તો તો સર્વ સારાં વાનાં જ છે. લોકનું ક્હેવું ખરું હશે તો મ્હારાથી કાંઈ પુત્રીને અફીણ ઘોળી પવાવાનું નથી. જો એ પસ્તાશે અને ડાહી થશે તો આપણી જંઘા ઢાંકી એને તેડી લાવી બુદ્ધિધનભાઈને ઘેર મોકલી દેઈશ ને તેમ નહી થાય તો તો વડીલની સૂચના સ્વીકાર્યા વિના છુટકો નથી. લોકાપવાદ હજી સુધી પ્રકટ નથી ત્યાં સુધી તેનો ઘા નિવારી શકાશે.
વિદ્યા૦- વચલો માર્ગ પડતો જ મુકજે.
ગુણ૦– જન્મારો સાપનો ભારો સાચવવા જેવું હવે એને સાચવવું વિકટ છે તે વિચારું છું ત્યારે હીંમત હારી જાઉં છું, ને વશે કે કવશે વડીલનું વચન પળાશે ને બાકીનું મ્હારું દુ:ખી આયુષ્ય ગળાશે તેમ ગાળી પુરું કરીશ એવું સુઝે છે. આપે બતાવેલા ધર્મ મ્હારી બુદ્ધિને સત્ય લાગે છે, અને આપને આપવા જેવા ઉત્તર મ્હારી પાસે નથી, પણ મ્હારા હઈયાની હોળી આપના બોધથી શાંત થાય એમ મને તો લાગતું નથી. આપ પુરુષ છો ને હું સ્ત્રી છું; શરીરમાં અને હૃદયમાં એટલો ભેદ તો બ્રહ્માએ ઘડ્યો તે હું શી રીતે ભાંગવાની હતી ? માત્ર એટલી બંધાઉં છું કે આપનો બોલ મ્હારા હૃદયમાં ઉતરશે તેટલો ઉતારવા પ્રયત્ન કરીશ અને પછી તો ઈશ્વર, આપ, અને આ મ્હારું દુઃખઘેલું હૃદય-ત્રણ જણ મળી જે કરો તે ખરું!”
વિદ્યા૦- એ કાંઈ ઓછું નથી. ઈશ્વર આવી વેળાએ પણ સામું જુવે છે ને જોશે.