સરસ્વતીચંદ્ર ભાગ ૪/ચન્દ્રકાન્તના ગૂંચવાડા.

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← મલ્લમહાભવન અથવા રત્નનગરીની રાજ્યવેધશાળા અને મહાભારતનો અર્થ વિસ્તાર. સરસ્વતીચંદ્ર ભાગ ૪
ચન્દ્રકાન્તના ગૂંચવાડા.
ગોવર્ધનરામ ત્રિપાઠી
તારમૈત્રક. →


પ્રકરણ ૧૨.
ચંદ્રકાંતના ગુંચવારા.


મ્હારે તે આ મલ્લભવનનું શું કામ હતું? સરસ્વતીચંદ્રની સાથે દેશી રાજયોની ચર્ચાને અને આ મહાભારતના અર્થવિસ્તારને શો સંબંધ છે કે જીવતા મિત્રના શેધની ત્વરામાં આ કથાઓથી વિલંબ થાય ? આવા વિચાર કરતો કરતો ચંદ્રકાંત સૌંદર્ય ઉઘાનના કોટ ઉપર એકલો ફરતો હતો અને એક પાસનો ઉદ્યાન અને બીજી પાસ નાગરિકોના વિનોદ માટે રાખેલું ઉઘાડું ચોગાન – તે ઉપર દૃષ્ટિ ફેરવતો હતો. એના મનમાં ઘણી જાતના ગુંચવારા હતા. પ્રથમ એણે વિદ્યાચતુર શોધ કરશે એવી આશા રાખી હતી. બ્હારવટીયા, કુસુમના સમાચાર, સામંતનો મંદવાડ આદિ અનેક વિધ્નોએ આ આશાને ખોટી પાડી. જાતે શોધવા જવા ચંદ્રકાંતે નિશ્ચય કર્યો ત્યારે ગુણસુંદરીના સ્નેહવ્યંજક શબ્દોએ એને શીતળ કર્યો, પણ ધારેલા શોધમાં કાંઈ પણ વધારો ન થયો. કાલ વિદુરભવનની સભામાં તો આજ કુરુક્ષેત્રની આસપાસનાં ભવનોમાં સરસ પણ પોતાના શોધમાં નિરુપયોગી ચર્ચામાં કાળક્ષેપ થઈ ગયો. સરસ્વતીચંદ્રના ઉપર આટલો સ્નેહ દેખાડનાર ગુણસુંદરીપાસે શી રીતે ક્‌હેવું કે હવે મને એકલો જવા દ્યો અને તમારા સાહાય્યની મ્હારે અપેક્ષા નથી ? આ પ્રશ્નોએ ચંદ્રકાંતને મધુર ગુંચવારામાં નાંખ્યો, અને પાઘડીનીચે હાથ ઘાલી માથું પંપાળતો પંપાળતો તે ચારે પાસ શોધવા લાગ્યો કે ચારે પાસની જડ અને ચેતન સૃષ્ટિમાંથી કાંઇ સૂચના કે સમાધાન મળે છે.

પોતે ફરતો હતો તે કોટના અગ્રભાગે બુરજના આકારની મેડીયો હતી તેમાં ગુણસુંદરીને બેસવાની શાળાઓ હતી અને નીચે કુસુમનો લતામંડ૫, જળકુંડ વગેરે હતાં. ત્યાંથી તે કોટના બીજા છેડા સુધી માત્ર અનેક વૃક્ષોના શિખરભાગ અને વચ્ચે વચ્ચે ભૂમિકાઓ દેખાતાં હતાં. કોટની બીજી પાસ ક્ષિતિજમાં રત્નનગરીનો કોટ અને તેનાથી ઉંચા પ્રાસાદો-મ્હેલો-ના ઉપલા ભાગ દેખાતા હતા. ઉદ્યાન અને નગરના કોટ વચ્ચેના ચોગાનમાં અનેક લોક આવ જા કરતા હતા. ગામડાંથી આવેલા અનેક વ્યાપારીઓ હાટ માંડી બેઠેલા હતા, અથવા તો ધાન્યાદિક વેચવાના પદાર્થ ભરેલાં ગાડાં વચ્ચે વચ્ચે છોડી રાખી દલાલો સાથે અને નગરના વ્યાપારીઓ સાથે મ્હોટે સ્વરે ભાવ ઠરાવતા હતા. વણઝારાની પોઠો, ઉંટ, ઘેાડા, ઢોર, અને ઘેટાં બકરાંના વ્યાપારીયો પોતાનાં સ્થાન જમાવી ઉભા અથવા બેઠા હતા. બંદરી માલની ખપત તથા આપલે પણ આ સ્થાને થતી હતી. વચ્ચે વચ્ચે ભીખારીયો, સાધુઓ, ફકીરો અને બ્રાહ્મણો જુદા જુદા રાગ ક્‌હાડી, જુદા જુદા ઉચ્ચાર કરી ઉદરપૂર્તિ પામવા ફરતા હતા. એ સર્વ ચિત્ર વચ્ચે દરબારી દોરથી અથવા રાજકીય સત્તાના ચિન્હથી અથવા પટાવાળાઓના પરિવારથી અધિકારીઓ જણાઈ આવતા હતા અને આવજા કરતા હતા.

ચંદ્રકાંતની દૃષ્ટિ આ સર્વ ઠાઠઉપર ફરી ફરી ફરી વળતી હતી. "શું આટલા મહાન્ અને ચિત્ર સમુદાયમાં સરસ્વતીચંદ્ર મને શોધવા ન ઉભો હોય ? શું એ સઉમાં એના સમાચાર આપનાર કોઈ નહી હોય ?

ખીસામાં હાથ મુકી આળસ મરડે છે ત્યાં તેમાંથી હાથમાં બે ચાર પત્ર આવ્યા. એ પત્ર વાંચેલા હતા. તે પાછા મુક્યા.

"મુંબઈમાં ગંગા એટલી માંદી છે કે મ્હારી ત્યાં જરૂર છે. ભર્યા ઘરમાં તેના તનમનની આ પ્રસંગે કોઈ સેવા કરનાર નથી એમ સંસારીલાલ લખે છે, ને કીકી લખે છે કે તમે નહી આવે તો મ્હારી બા મરી જશે."

"કારકુન લખેછે કે મુંબાઈ છોડ્યાથી મ્હારો ધંધો ધુળધાણી થઈ જવા ઉપર છે અને ઘરમાં ખરચની વ્યવસ્થા જુદી જ છે."

"સરસ્વતીચંદ્રના કરતાં આ વાત વધારે નથી – પણ ગંગા મરે તે તો કાળજે ધક્‌કો લાગે - આવે પ્રસંગે હું ત્યાં ન હઉં તો ઈશ્વરનો અપરાધી થાઉં – પણ એનો મંદવાડ ક્યાં સુધી પ્હોંચશે તે ક્‌હેવાતું નથી અને આ શોધ કરવાનું પડતું મુકવું એ તો ચંદ્રકાંતથી નહી થાય."

માથે ટોપી હતી તે નીચે હાથ ઘાલી વાળમાં આંગળી ઘસતો ઘસતો તે કોટની ભીંત ઉપર આવજા કરવા લાગ્યો. થોડી વારમાં પ્રવીણદાસ અને શંકરશર્મા ઉપર આવ્યા. હાથ મેળવી વાતો કરતા સર્વ એક બુરજની અગાશીમાં ગયા. સર્વ રવેશ ઉપર બેઠા. ચંદ્રકાંતના મનની દોલાયમાન સ્થિતિ સર્વ સમજ્યા અને તેનું કારણ પુછવા લાગ્યા.

ચંદ્ર૦- આપને વિદિત છે કે સરસ્વતીચંદ્રના શોધને માટે હું અત્ર આવેલો છું. આણી પાસ આવ્યો ત્યારે એ શોધ કર્યા વગરનો હતો તેવોજ હજી સુધી છે. ઘરમાં મંદવાડ છે ત્યાં પણ મ્હારી જરૂર છે. મને લાગે છે કે હવે મ્હારે આપનાથી જુદાં પડવું જેઈએ.

શંકર૦– આપ કેણી પાસ જવા ધારો છે ?

ચંદ્ર૦– ઘરમાં મંદવાડ છે તેની તો મિત્રોની સહાયતાથી વ્યવસ્થા કરીશ; પણ મિત્રરત્નનાં શોધ માટે નીકળ્યો છું તેમાં આપ શો આશ્રય આપી શકશો તેની જિજ્ઞાસા આજ સુધી અતૃપ્ત રહી એટલે હવે ઈશ્વરે આપેલાં હાથપગ ચાલે તેણી પાસ ચલવવા કલ્પના છે.

શંકર૦– અમે શો આશ્રય આપીશું પુછો છો તેમાં અમે એટલે આ શરીર કે આ રાજ્ય? ચંદ્ર૦- આપ ક્‌હો તે.

શંકર– જો આ રાજ્યપાસે આશ્રય માગતા હો તો બે રીતે મળે. રાજ્યમાં કાંઈ અપરાધ થયો હોય તો પોલીસ શોધ કરે. સરસ્વતીચંદ્રના સંબંધમાં અર્થદાસનું ન્યાયાન્વેષણ થવાનું એટલે પોલીસ શોધ કરે છે જ. બીજું અમારું “સરભરાખાતું” રાજ્યના અતિથિવર્ગની સરભરા કરે છે; પણ આપ રાજ્યના અતિથિ નથી. આ૫ રાજ્યપ્રસંગે પધારેલા નથી. આપ પ્રધાનજીના અતિથિ છો એટલે તેમના કુટુમ્બવત્ છો અને તેથી મહારાજને મન તથા અમારે મન પણ કુટુમ્બવત્ છો તે ન્યાયે આપ માગો તે આશ્રય આપવો એ અમારો ધર્મ છે.

ચંદ્ર૦- સરસ્વતીચંદ્ર આપના રાજ્યમાં ગુપ્તપણે સંચાર કરે છે તેને શોધવામાં આપના રાજ્યસ્થાનનો કુટુમ્બનન્યાય શો આશ્રય આપી શકશે તે જાણ્યા પ્હેલાં મ્હારી ઈચ્છા વધારે સ્પષ્ટ કરી શી રીતે દર્શાવું?

પ્રવીણ૦- આપ મનમાં સંકોચ રાખી વાત કરો છો, પ્રધાનજીના મનમાં એમ છે કે અર્થદાસના સંબંધમાં સરસ્વતીચંદ્રના શરીરનો શોધ પોલીસ કરે છે એટલે આપના શરીરને અથડામણમાં નાંખવાની અગત્ય નથી.

ચંદ્ર૦– પોલીસ શું કરે છે તે જાણવા પામું તો મનની આતુરતા શાંત થાય, સૂચનાં કરું અને શો આશ્રય માગવો તે સમજું.

પ્રવી૦– તે આપને જણાવવામાં કાંઈ ઢીલ નહી થાય.

ચંદ્ર૦- મ્હારે પોતાને પણ આ શોધને માટે જવાની ઈચ્છા છે તો આ શરીર અથડાવવું પડે તેની ચિંતા પ્રધાનજીએ રાખવી નહી. મ્હારી શાન્તિ એવી અથડામણથીજ થશે. હું આટલા દિવસ બેસી રહેલો છું તે મને બહુ ઉદ્વેગ થાય છે.

શાન્તિ૦- આપનું મન રોકાયેલું ર્‌હે એટલા કારણથી જ મહારાજશ્રી જાતે પ્રધાનજીસહિત મલ્લભવન આદિ સ્થાનોમાં આપની સાથે કાલગમન કરે છે. સરસ્વતીચંદ્રના મિત્ર ઉપરનો કુટુમ્બભાવ એમને એટલું કરાવે છે.

ચંદ્ર૦- હું જેને સરસ્વતીચંદ્ર વિષયે સઉના પ્રમાદનું ચિન્હ ગણતો હતો તે આમ સ્નેહનું કાર્ય નીવડે છે, તે જાણી હું સ્વસ્થ થાઉં છું, પણ મ્હારો ગુંચવારો તો મ્હારા અથડાવાથીજ મટશે.

પ્રવી૦– તેમાં આપની ઈચ્છા પ્રમાણે થશે જ.

શાન્તિ૦- એ વાતનો સત્વર માર્ગ ક્‌હાડીશું. બીજું પ્રધાનજીના શિરનામથી આ પત્ર આવેલો છે તે કોનો છે તે સમજાતું નથી પણ સરસ્વતીચંદ્રના સંબંધમાં કાંઈક લખેલુ છે તેથી આપને જોવા મોકલ્યો છે.

ચંદ્રકાંતે પત્ર લીધો. વાંચ્યો. ગંગાએ પોતાના ઉપર પત્ર લખેલો પણ ઉપર ચંદ્રકાંતનું નામ લખવું રહી ગયેલું અને પ્રધાનનું નામ હતું તેથી પત્રની આ દશા થઈ. તેમાં લખાણ ટુંકું જ હતું.

"મને મંદવાડ છે પણ તમે એમના એમ પાછા આવશો તે મને ઠીક નહી પડે. તમારાં ઘરમાં સર્વને એમ છે કે સરસ્વતીચંદ્ર મરે કે ન જડે તો તમારા ઘરમાં પઈસો આવે. મ્હારા મંદવાડને બ્હાને તમને બોલાવવા કાગળ લખે છે તે આ જ મતલબથી. પણ એવો પઈસો આવેલો એ સઉ ખાઈ જશે ને તે નહી ર્‌હે તમારી પાસે ને નહી રહે સરસ્વતીચંદ્ર પાસે. સરસ્વતીચંદ્ર જડશે તો જેટલા તે આપણા છે એટલાં તમારા ઘરનાં આપણાં નથી. માટે ખોટાં સગાનું માનશો નહીં ને ખોળો છો તેને ખેાળજો. ધુતારાલાલનાં માણસ તમારા ઘરમાં આવે છે, જાય છે ને લાંચ લાલચો આપે છે. મ્હારું નામ દેઈ બોલાવે તો છેતરાશો નહી ને આવશો નહી. મને મંદવાડ છે ને મરીશ તેનું મને દુ:ખ નથી. કારણ તમારા ઘરમાં સુખ દીઠું નથી ને દેખવાનું નથી, પણ હું મરીશ તો સરસ્વતીચંદ્ર મ્હારાં છોકરાનું કલ્યાણ કરશે ને તમારા ઘરમાંથી છુટી છોકરાં તેને હાથ જશે. માટે મ્હારા મરવાની ચિંતા ન કરતાં સરસ્વતીચંદ્રનો જ સ્વાર્થ રાખજો."

ચંદ્રકાંતને પરસેવો થઈ આવ્યો ને કપાળપર તેનાં ટીપાં ઉભરાયાં; પણ ઓઠ કરડી થયેલો વિકાર બીડી રાખી મુખપર આવેલો ભાવ પાછો ખેંચી લીધો. પત્ર ખીસામાં મુક્યો ને મુકતાં મુકતાં બોલ્યો.

"આ પત્ર મ્હારા ઉપર છે. તેનો સાર કોઈ વેળા સમજાવીશ. હાલ તો આપે જે ઉપકાર કરવા ધારેલો છે તે કરો."

પ્રવીણ૦– બહુ સારું, પ્રધાનજીને સર્વ વાત વિદિત કરી આપને સંદેશો મોકલીશું.

બે જણ ગયા, ચંદ્રકાંતના ક્ષોભનો પાર રહ્યો નહી. અાણી પાસ ઉદ્યાન અને પેલી પાસ વસ્તીનો તરવરાટ–કશામાં એનું મન ગયું નહી. એટલામાં આધેના કોલાહલમાં અનેક અવ્યક્ત, મિશ્ર અને મ્હોટા સ્વર નીકળતા હતા તે વચ્ચેથી એક ઉચ્ચ સ્વરે ગાયેલી સાખી ચંદ્રકાંતના કાનના પડદા સાથે અથડાઈ.

“જડ જેવો દ્રવતો શશી,
“સ્મરી રસમય શશિકાંત.”

આ શબ્દો કાનમાં પ્હોંચતાં તે ચમક્યો અને ઉધાનની બ્હાર સ્વર બોલનારને શોધવાને તેનાં નયન સહસા વળી ગયાં.પ્રકરણ ૧૩.
તારામૈત્રક.

જે પ્રાતઃકાળે ભક્તિમૈયા અને અન્ય સાધુજનના સાથમાં કુમુદસુંદરી સુંદરગિરિ ઉપર જવા નીકળી તે જ પ્રાતઃકાળે સરસ્વતીચંદ્ર વિહારપુરી અને રાધેદાસના સાથમાં સુરગ્રામ અને સમુદ્રતટ જોવા પર્વત ઉપરથી નીચે જવા નીકળ્યો.

સુન્દરગિરિનું પશ્ચિમ અંગ આ કાળે વિચિત્ર રમણીયતા ધરતું હતું, પર્વતની આનતિ[૧] શિખરથી ભૂમિસુધી ધીમે ધીમે થતી હતી અને પ્હોળાં પગથીયાવાળા મ્હોટા આરા પેઠે સમુદ્રના તટ સુધી ગોઠવાયલી લાગતી હતી. એ આરાનો નીચેનો ભાગ, કેટલાંક સ્થાન આગળ સુરગ્રામસહિત, દૃષ્ટિમર્યાદાની નીચે ડુબી જઈ આગળ નીકળી આવતા ખડકો નીચે ઢંકાયેલો હતો, અને આરાના નીચલા ભાગ સાથે સમુદ્રના મોજાં અથડાતાં હોય એમ ઉપર ઉભેલાને લાગતું. ચિત્ર વિચિત્ર વૃક્ષોની ઝાડીઓ, લીલાં અને સુકાં ઘાસનાં જંગલ, વચ્ચે વચ્ચે ઉઘાડાં કાળાં માથાંવાળા ખડકો અને તેની અણીયાળી શિખાઓ, અને અનેક ન્હાના મ્હોટા સર્પ જેવા અને કંઈક દેખાતા ને કંઈક ન દેખાતા વાંકાચુકા રસ્તાઓ, - એ સર્વ પદાર્થ તીર્થવાસી બ્રાહ્મણોના સાથરાઓ પેઠે અને તેમની સામગ્રી પેઠે આરા જેવા ઢોળાવ ઉપર પથરાયલા હતા.

આ બધો ભાગ પશ્ચિમ દિશાનો હતો અને ચૈત્રમાસની વાદળાં વગરની રાત્રિને અંતે સૂર્ય ઉગ્યા પ્હેલાં તેના કિરણ પૂર્વમાંથી ચ્હડી પર્વતના શિખર ઉપરથી પશ્ચિમમાં ઉતરતા હોય એવો મન્દ આભાસ થતો હતો. આકાશ સ્પષ્ટ કેવળ ભુરું અને ડાઘા વગરનું હતું અને છેલામાં છેલો તારો અસ્ત થઈ ગયો હતો. સૂર્ય, તારા અને વાદળાં – એમાંના કંઈ પણ પદાર્થવગરનું, નીચેના સમુદ્રનાં મોજાં કે પ્રતિબિમ્બશક્તિ કે પ્રવાહકર્મ વગરનું, કરચલી વગરની મ્હોટી ભુરા વસ્ત્રની છત જેવું આકાશ હતું. તેને એક છેડે સમુદ્રપારની દૃષ્ટિમર્યાદાનો મ્હોટો તટ હતો અને બીજે છેડે


  1. ૧. ઢોળાવ, incline, gradient.