લખાણ પર જાઓ

સરસ્વતીચંદ્ર ભાગ ૪/સિદ્ધલોકમાં યાત્રા ને સિદ્ધાંગનાનો પ્રસાદ

વિકિસ્રોતમાંથી
← હૃદયના ભેદનું ભાગવું સરસ્વતીચંદ્ર ભાગ ૪
સિદ્ધલોકમાં યાત્રા ને સિદ્ધાંગનાનો પ્રસાદ અથવા શુદ્ધ પ્રીતિની સિદ્ધિનું સંગત સ્વપ્ન.
ગોવર્ધનરામ ત્રિપાઠી
પિતામહપુરમાં આર્ય સંસારનાં પ્રતિબિમ્બ અને મણિમય સામગ્રીના સંપ્રસાદ. →


પ્રકરણ ૩૦.
સિદ્ધ લોકમાં યાત્રા ને સિદ્ધાંગનાએાનો પ્રસાદ,
અથવા
શુદ્ધ પ્રીતિની સિદ્ધિનું સંગત સ્વપ્ન
Before the starry threshold of Jove's Court
My mansion is, where those immortal shapes
Of bright aerial spirits live insphered
In regions mild of calm and serene air,
Above the smoke and stir of this dim spot
Which men call Earth, and with low-thoughted care,
Confined and pestered in this pinfold here.
Strive to keep up this frail and feverish being,
Unmindful of the crown that Virtue gives,
After this mortal change, to her true servants
Amongst the enthroned gods on sainted seats.
Yet some there be that by due steps aspire
To lay their just hands on that golden key
That opes the palace of Eternity.

To such my errand is; and, but for such,
I would not soil these pure ambrosial weeds
With the rank vapours of this sin-worm mould.
Milton's Comus.

બે જણ થોડી વાર નીચું જોઈ થોડી વાર એક બીજાનાં સામું એક ટશે જોઈ, બેસી રહ્યાં. ફલાહારનું પાંદડું ખાલી થઈ ક્યારનું વચ્ચે પડી રહ્યું હતું તેને એક પવનને ઝપાટે આવામાં ઉરાડી દીધું, અને ઉડીને સરસ્વતીચંદ્રના ખેાળામાં, જ્યાં પ્રથમ કુમુદ સુતી હતી ત્યાં, પડ્યું. કુમુદનું લક્ષ્ય એણીપાસ પ્રથમ ખેંચાયું ને એણે એ પાંદડું લઈ લીધું ને ઉઠીને બ્હાર નાંખી દીધું. પાંદડું લેતાં લેતાં થએલા અજ્ઞાત સ્પર્શના મન્મથ ચમત્કારને બળે બ્હાર નાંખવા જતી જતી અને નાંખતી નાંખતી પણ તે કંઈક પરવશ થતી હતી, અને પાણીનો હેલારો એક પાસનો થાય ને પવનને ઝપાટો સામી પાસનો આવે ત્યારે કમળની નાળ એક પાસ ખેંચાય ને તેનું પત્રસંપુટ અવળું વળી જાય તેમ તે નાળ જેવું શરીર રવેશ ભણી ખેંચાયું અને મુખકમળ પાછું વળતું હતું. સરસ્વતીચંદ્ર પણ બેઠો બેઠો તે જ જોયાં કરતો હતો અને સમુદ્રની ભરતીની સાથે માછલાં તણાય તેમ એના તનમનના વેગ સાથે એની આંખો પણ આમ આગળ ધક્‌કેલાતી હતી, છતાં એ ઉઠ્યો નહી અને કુમુદ પણું આવીને પ્રથમને સ્થાને પાછી બેઠી. બેસતાં બેસતાં આકાશને ને ચંદ્રને જોઈ રહી ક્‌હેવા લાગી.

“અર્ધ રાત્રિ વીતી ગઈ. આપ હવે કંઈ નિદ્રા લેશો ?”

”હા.”

“કીયું સ્થાન આપને ઇષ્ટ થશે ?”

“જે તમને ઇષ્ટ હશે તે જ મને ઈષ્ટ થશે.”

કુમુદ વિચારમાં પડી જોઈ રહી. “આ વાક્ય દ્વિઅર્થી નથી ? એનો અર્થ કેવો લેવો ?” મનમાં શંકા થઈ ને મને જ તેનું સમાધાન કરી ઉત્તર દેવડાવ્યો. “ પ્રિયચંદ્ર ! મ્હારે માટે જે ઇષ્ટ હોય તે જ આપને માટે ઇષ્ટ હોવાનો સંદેહ છે ત્યાં સુધી આપને માટે મને આપના વાળી ગુફા ઇષ્ટ છે ત્યાં આપ પધારો, અને હું મ્હારે માટે આ જ સ્થાન ઇષ્ટ ગણું છું આપ હવે પધારો.” "એ જ ઉત્તમ વાત છે.” સરસ્વતીચંદ્ર ધીમે રહી ઉઠ્યો, જરીક વાર દૃષ્ટિવડે કુમુદનું સર્વાંગ ધ્યાનમાં લેઈ લેઈ પુલ ભણી ફર્યો અને ઘણી વાર લગાડી પગલા પછી પગલું ભરતો ચાલ્યો. કુમુદ પણ ઉઠી તેની પાછળ પાછળ ચાલી – તેને એણે જોઈ પણ કંઈ બોલ્યો નહી. કુમુદે પોતાને માટે પાથરેલી પથારી સાથે લેઈ લીધી ને બે જણ સામનસ્ય ગુફામાં પુલ ઉપર થઈને આવ્યાં. સાધુજનોએ સરસ્વતીચંદ્રને માટે વસ્ત્ર પાથર્યું હતું તે કુમુદે લઈ લીધું, તેને સ્થાને પોતાની કંઈક જાડી પથારી પાથરી, તે ઉપર મૂળ વસ્ત્ર ચાદર પેઠે પાથર્યું, અને પોતે પાછી ફરી.

સર૦– તમે એવી શિલા પર સુશો ને મને આ કોમળ પથારીમાં સુવાની આજ્ઞા કરશો તો મને નિદ્રા નહી આવે.

કુમુદ૦– પથારી એક ને સુનાર બે ત્યાં પૂજનીય જને પથારીનો સ્વીકાર કરવો એ પૂજક જનના ઉપર અનુગ્રહ કરવાનો માર્ગ છે.

સર૦– સાધુજનોમાં એવા ભેદનાં કાર્ય વર્જ્ય ગણાય છે.

કુમુદ૦– હું હજી સાધુતા પામી નથી. મ્હારું હૃદય હજી સંસારી જ છે,

સર૦- તમે સાધુ જ છો.

કુમુદ૦– આપ મ્હારા અતિથિ છો.

સર૦– મને શિલાશયનનો પરિચય છે ને મને પ્રિય પણ તે જ છે અથવા તમે મ્હારાં અતિથિ છો.

કુમુદ૦– મને ગમતી વાત કરવાનું આપે વચન આપેલું છે.

સર૦- હું બંધાયો છું.– તે વધારે નહી તો આ મ્હારા વાળું જ વસ્ત્ર અને મ્હારી કન્થાનો સ્વીકાર કરી લેઈ જાવ ને તેના ઉપર શયન કરજો.

કુમુદ૦–ભલે, એટલાથી પ્રસન્ન થાવ.

કુમુદ તે લેઈને પુલ ઉપરથી ચાલી, સરસ્વતીચંદ્ર સુઈ ગયો. કુમુદ કન્થા વગેરે ખોળામાં લેઈને પોતાની ગુફામાં ઓટલા ઉપર બેઠી. તેને નિદ્રા દેખાઈ નહી. કન્થાને જોઈ રહી અને તેને એક હાથે ઉંચી કરી જોવા લાગી.

"કુમુદ ! જેના પવિત્ર ખોળામાં ત્હારા ભ્રષ્ટ શરીરને અદૂષિત વાસ મળ્યો તેની પવિત્ર કન્થાને શું તું ત્હારા શરીર નીચે ડાબી ચાંપીને નિદ્રા પામીશ ? મહાત્માના શરીરનું રક્ષણ કરનારી પવિત્ર કન્થા ! આજની રાત્ર તને એ મહાત્માનો પ્રસાદ ગણી મ્હારી છાતી સાથે ચાંપી રાખીશ અને ત્હારી પવિત્ર ઉંફથી નિદ્રા પામીશ. કન્થા ! આ પતિત હૃદયને તું પાવન કરજે.”

એ વસ્ત્રો બે હાથ વચ્ચે ઘાલી, છાતી સરસાં ચાંપી રાખી, કુમુદ ઓટલા ઉપર સુતી. સુતાં સુતાં પણ નિદ્રાને ઠેકાણે વિચાર આવવા લાગ્યા ને અાંખો મીંચાઈ ઉઘડવા ને ઉઘડી મીંચાવા લાગી.

"શુદ્ધ પ્રીતિ તે આ જ ! – મ્હારા હૃદયમાંની નહી પણ એ મહાત્માના હૃદયમાં છે તે જ ! કેવું ઉદાર અને શુદ્ધ હૃદય ? મ્હારી ક્ષુદ્રતા તો એમાં વસતી જ નથી ! મ્હારા ઉપર આ તે કેવો પક્ષપાત ! સંસારમાં પિતાના કરતાં પત્ની એાછી ગણાય છે. પિતાના કરતાં, માતાના કરતાં, ને કુટુમ્બ માત્ર કરતાં પતિને વિશેષ ગણવા એ વાતને ઉત્તમ ગણનાર જે સંસાર છે તે જ સંસાર પતિનો પત્ની ભણી આવો ધર્મ ગણતો નથી ને એ ધર્મને અધર્મ ગણે છે. મ્હારો ચંદ્ર મ્હારે માટે એ અધર્મ ગણાતો ધર્મ પાળે છે, ને સાધુજનો તે વાતનું અનુમોદન કરે છે ! મ્હારું શરીર અન્ય સ્થાનને વરી ચુક્યું વરણની મ્હારી પ્રતિજ્ઞાઓને પળાવવા મ્હારા ચંદ્ર ઇચ્છે છે, ને આ શરીર સંપૂર્ણ રીતે તેમને વશ હોવા છતાં, મનને વારી શકે છે – મનને મારે છે ! કેવી પ્રીતિ ! એને બદલે હું શી રીતે વાળું ? એમને માટે હું શું કરું ?"

“મન મારવું એ કેવું કઠણ કામ છે ? મને તેનો ક્રૂર અનુભવ થયો છે ને ઈશ્વરકૃપાએ આપેલાં નિમિત્તોથી – મ્હારા બળથી નહી – હું ફાવી શકી. પણ આ તો પોતાને બળે જ જીતે છે ! હું એમને સ્વાધીન છતાં જીતે છે, ને તે શા માટે ? પિતાને તે ધર્મના અત્યયને ને લોકના અપવાદનો પણ વાંધો નથી; માત્ર જે મને અનિષ્ટ છે તેને તેટલાથી જ એ અધર્મ ગણે છે.”

“આજે હું પણ મનને વારી શકી છું. મ્હેંતો મનને માત્ર વાર્યું પણ એમણે તો માર્યું. હું તો સંસારના સ્વાદની અનુભવીયણ છું પણ એમનાં રસેન્દ્રિય તો આજ સુધી અભોક્તાની દશામાં જ રહ્યાં છે, ભોગના અનુભવનો રસ કલ્પનામાં પૂર્ણ વિકાસથી સ્ફુરે છે ને હૃદયમાં ભરેલો છે, છતાં આવે પ્રસંગે મર્યાદા ન તોડવાની એ હૃદયમાં અપૂર્વ શક્તિ છે તે આજ મ્હેં જોઈ ન હત તો એવી શક્તિ કોઈમાં હોય એમ હું માનત નહીં. આવા દૃઢ હૃદયને ઢાંકનારી પવિત્ર કન્થા !”

કન્થાને છાતીમાં ચાંપી. આંખો મીંચાઈ ગઈ. કેટલીક વારે ઝબકીને જાગી. “એ શરીરમાં જ્વર હતો. અાંખોનો પ્રવાહ મ્હારા આ શરીર ઉપર હતો. એ હૃદયની વાસના સ્પષ્ટ હતી. ફલાહાર ! માત્ર આંગળીને જ આંગળી અડકી હતી – પણ – પણ –”

“એ જ્વર મ્હારે માટે, એ તુમુલ મનોમંથન મ્હારે માટે જ – એ એમનું મહાયુદ્ધ મ્હારી ઇચ્છાના અભાવને લીધે જ-"

વળી નિદ્રા આવી. વળી કંઈક ભયંકર સ્વપ્ન થતાં છળી ગઈને જાગી ઉઠી બેઠી થઈ.

“હું નિર્દય છું. ને તે પણ એમના ભણી નિર્દય છું ! દયા ધર્મકો મૂલ હય ! આ સ્થાનમાં જ્વરના વેગથી એમના શિરમાં પિત્ત ચ્હડી જશે – તો -”

વળી સુઈ ગઈને નિદ્રા પણ આવી. વળી જાગી.

“નિદ્રા ! તું કેમ આમ દૂર ર્‌હે છે ? આજ તો મન નિશ્ચિન્ત છે તૃપ્ત છે, હવે એ સ્વચ્છન્દી મન શામાં ભમે છે ને નિદ્રામાં વિઘ્ન પાડે છે તે મને પોતાને પણ સુઝતું નથી.”

આંખો ચોળતી ચોળતી કન્થા ખોળામાં રાખી બેઠી થઈ

“હું જોઉં તો ખરી કે એમની પણ મ્હારા જેવી સ્થિતિ તેા નથી ને હવે એમના જ્વરનું કેમ છે ?”

ધીમે ધીમે તે પુલ ઉપર ગઈ ને સામેના દ્વારમાં એક હાથ કેડે દેઈને બીજા હાથની બગલમાં કન્થા વગેરે રાખી ઉભી રહી. "

સામા ઓટલા ઉપર સરસ્વતીચંદ્ર સુતો હતો. એ ઓટલો પાંચ છ હાથ લાંબો ને એક હાથ પ્હોળો હતો. તેના એક છેડા ઉપર પગ રાખી, તેના મધ્ય ભાગમાં માથું રાખી, સરસ્વતીચંદ્ર સુતો હતો, ઉંઘતો હતો. ને લવતેા હતેા.

"એકના દુઃખમાં અનેકનાં દુઃખ જોઉં છું. કુમુદસુંદરી, ચંદ્રકાન્ત તરંગશંકર, ઉદ્ધતલાલ, ગુણસુંદરી, સૌભાગ્યદેવી, – સર્વનાં દુઃખ સૂક્ષ્મ દર્શક કાચ વડે જોઈ લીધાં અને ઓ મ્હારા આર્ય દેશ, ત્હારી ભયંકર અનાથતા જોઈ હું કમ્પુ છું. હું શું કરું ? કુમુદસુંદરી, તમાતો ત્યાગે મ્હેં ન કર્યો હત તો તમારા અદ્વૈતસહચારમાં રહી દેશની આ સ્થિતિ સુધારવા હું મથત. કુમારો પુરુષ આ દેશમાં સ્ત્રીઓમાંથી બહિષ્કાર પામે છે, અને સ્ત્રીવર્ગનું કલ્યાણ તમારા જેવી સ્ત્રીના સાધન વિના અશક્ય છે પણ હવે કામવનનાં વાઘવરુ તમારા સહચારના માર્ગ વચ્ચે ઉભાં ર્‌હે છે ને મને કમ્પાવે છે.

તે લવતો બંધ પડ્યો ને કુમુદસુંદરી સર્વ સાંભળતી હતી તે છેક પાસે આવીને કન્થા પોતાને ખભે નાંખી સુન્દર કાન્તવદન જોતી ઉભી રહી.

“ઓ મ્હારા દેશવત્સલ રસિક પવિત્ર કાન્ત !” એટલું કુમુદથી બોલાઈ જવાયું, સુતેલા નરના શરીર ઉપરના માત્ર પવનને જ – હાથ પ્હોળા લાંબા કરી – આલિંગન દીધું ને હાથ નીચા પડતા પ્હેલાં પાછા ખેંચી લીધા, સુતેલા અધરપુટ ઉપર બે તસુ ઉંચે જાગતું અધરપુટ પળવાર લટકી રહ્યું અને ચ્હડેલો મેઘ વર્ષ્યા વિના વેરાઈ જાય તેમ, જાતે જ પાછું ઉંચું થઈ ગયું, અને પ્રથમ ઉભી હતી તેમ ટટાર ઉભી રહી. એમ ઉભી ર્‌હેતાં ર્‌હેતાં લવી: “આવી સુન્દર પવિત્ર યોગમૂર્તિને મ્હારા દુષ્ટ સ્પર્શથી દૂષિત ખંડિત નહીં જ કરું !”

વળી, સરસ્વતીચંદ્ર લવ્યો.

[]"Oh. summoning stars! I come ! Oh mournful
earth !
For thee and thine, I lay aside my youth,
My throne, my joys, my golden days, my nights,
My happy palace - and thine arms, sweet Queen !
Harder to put aside than all the rest !”
* * *
"Now am I fixed, and now I will depart !"
* * *
"And now the hour is come when t should quit
This golden prison where my heart is caged !"

આ સ્વપ્નના ઉદ્દગાર સાંભળતી કુમુદ ઉભી રહી અને એની આંખમાં આનન્દનાં આંસુ આવી ગયાં.

“નક્કી – એમના ત્યાગકાળનું જ આ મનોરાજ્ય એમને આ સ્વપ્નરૂપે પ્રત્યક્ષ થાય છે ને એમના મહાત્યાગનું કારણ પણ અાવું સૂક્ષ્મ સુન્દર અને કલ્યાણકારક છે !”


  1. Light of Asia

પોતાના હૃદય પર હાથ મુકી લવી.

“ક્ષુદ્ર હૃદય ! આવા મહાશય હૃદયને ત્હારી પ્રીતિના પાંજરામાં પૂરવાની ત્હારી યોગ્યતા તે ત્હેં શાથી જાણી ! એ હૃદયના તો કોઇ ન્હાના સરખા ખુણામાં પણ પડી ર્‌હેવાને તને સ્થાન મળે તો પણ ત્હારું મહાભાગ્ય અને એમની પરમકૃપા ! મ્હેં એમના પર રોષ ધર્યો, એમને દોષ દીધો, એમના ભણીની અનેક આશાઓ રાખી, એ સર્વ મ્હારી જડતા અને દુષ્ટતાનું જ પરિણામ ! યોગિરાજ ! મને ક્ષમા કરો ! તમારો ચરણસ્પર્શ કરવાનો માત્ર અધિકાર માગું છું અને તે પણ તમારી ક્ષમા માગવાને માટે ! તમે તે ક્ષમાથી પણ વિશેષ આપ્યું છે, આટલાથી પણ અનેકધા વિશેષ અધિકાર વગરમાગ્યે આપી દીધો છે! તમે તમારે કરવાનું મ્હારું આતિથેય કરી ચુકયા, પણ તેનો સર્વ રીતે લાભ લેવાની મ્હારી યોગ્યતાનો વિચાર કરવાનો ધર્મ મ્હારે શિર બાકી છે. મ્હારે આવી સુન્દર યોગમૂર્ત્તિને ખંડિત નથી કરવી ! માત્ર ચરણસ્પર્શ જ કરીશ.”

કુમુદ ધ્રુજતી ધ્રુજતી આ ચરણ ભણી ગઈ અને ચરણ આગળ કંઈક જગા હતી ત્યાં, ચરણ ભણી દષ્ટી કરી રહી, બેસી ગઈ બેસી રહી, પણ ચરણને સ્પર્શ કરવા છાતી ચાલી નહીં.

“મહાત્માના ચરણસ્પર્શમાં તો સંસાર પણ દોષ ગણતા નથી ને એ તો પાવન થવાનો જ માર્ગ છે.”

સરસ્વતીચંદ્રના ચરણનાં ચાંપવાં એણે ધીરે રહી, ધીમેથી, ઝાલ્યાં, ત્યાં પોતાનું મસ્તક અરકાડ્યું, ચરણનાં તળીયાંને મધ્યભાગે ચુમ્બન કર્યું, અને અંતે એ તળીયાં પોતાના ખોળામાં મુકી, હાથવડે ઝાલી રાખી, ભીંતને ટેકે, કન્થાને ઉશીકે રાખી, બેઠી બેઠી ગાઢ નિદ્રાને વશ થઈ ગઈ. સરસ્વતીચંદ્ર પણ લવતો બંધ થઈ ગયો ને નિદ્રાદેવી એકલી જાગતી રહી.

નિદ્રા જાગતી હતી અને પોતાને વશ થયલાં હૃદયમાં સ્વપ્નની સામગ્રી ભરતી હતી.

આપણા તેમ પાશ્ચાત્ય વિદ્વાનોનો એક અભિપ્રાય છે કે જાગૃત દશાના સંસ્કારોથી [] થતા પ્રત્યય [] સ્વપ્નરૂપે સ્ફુરે છે. [] પણ આ વિષયનું શાસ્ત્ર આથી વધારે ઝાઝું ધપ્યું નથી. સ્વપ્નમાં કોઈ કવિતા રચે છે તો કોઈ શાસ્ત્રવિચાર પણ સાધે છે.[] આ સર્વે વાતો તો સાંભળી છે પણ બે


  1. ૧. સંસ્કાર : Association
  2. ૨. પ્રત્યય : Impression
  3. जागरितसंस्कारजः प्रत्ययः स्वप्नः (પઞ્ચદશીને ટીકા)
  4. ૪. Carpenter's Mental Physiology

જણને એક જ સ્વપ્ન એકજ કાળે થતું સાંભળ્યું નથી પણ તેનો અનુભવ સૌમનસ્યગુફામાં આજ થવા લાગ્યો.

સરસ્વતીચંદ્ર ચતો સુતો હતો અને એના મુખ ઉપર ચંદ્રનો કોમળ પ્રકાશ પથરાયો હતો. એના ચરણ આગળ બેઠેલી નિદ્રાવશ કુમુદની આંખો નિદ્રામાં પણ અર્ધ-ઉઘાડી રહી ગઈ હતી અને પ્રથમ જોનારને તે જાગતી જાગતી સરસ્વતીચંદ્રને એક ટશે જોઈ ર્‌હેલી લાગે એવી એની સ્થિતિ હતી. આવી સ્થિતિમાં તેમને સાથેલાગો સ્વપ્નોદય થવા લાગ્યો અને સ્વપ્નમાં પણ એક જ દર્શન થવા લાગ્યું. તેનું કારણ અનેક રીતે કલ્પાઈ શકે તેમ છે. લલાટ પાછળના અન્તર્ભાગમાં મનુષ્યનું મસ્તિક છે ને સ્વપ્નસૃષ્ટિ તેમાં ઉદય પામે છે. સરસ્વતીચંદ્રના મસ્તિકમાંની સ્વપ્નસૃષ્ટિનું કારણભૂત તેજ, એના લલાટબ્હાર લલાટ ઉપર રમતા ચંદ્રપ્રકાશમાં ચંદ્રકિરણની નાડીયોમાં, વાદળીમાં પાણી ચ્હડે તેમ, નાડી-આકર્ષણથી[] આકર્ષાઈ ચ્હડયું હોય અને તેમાંથી કુમુદની આંખના ઉઘાડા ભાગમાં થઈને એના મસ્તિકમાં ગયું હોય; અથવા ચંદ્રપ્રકાશમાં જ ઉત્પન્ન થયેલું સ્વપ્ન બે જણનાં સામસામાં મસ્તિકોમાં સાથેલાગું સર્યું હોય; અથવા નવા શોધાયલા “રોજજન” કિરણના[] યંત્ર જેવી શક્તિ કોઈ સંયોગથી કુમુદના મસ્તિકમાં આવી હોય ને તેના પ્રભાવથી તે પ્રિયજનના મસ્તિકને કે હૃદયને પારદર્શક કરી જોઈ શકી હોય, અથવા બેના ગ્રહસંયોગે આ દશા આણી હોય; અથવા પ્રાણવિનિમયના કોઈ નિયમથી આ ચમત્કાર બન્યો હોય; અથવા કુમુદે કરેલા ચરણસ્પર્શથી જ એને આ સંગત - સ્વપ્નનો લાભ પ્રાપ્ત થયો હોય; અથવા વિષ્ણુદાસ બાવાએ આજથી સાધવા માંડેલી યોગસિદ્ધિનું જ આ ફળ - એમના પરાક્રમરૂપ - હોય, આમાંથી ગમે તે એક અથવા અનેક કારણને બળે અથવા અઘટિતઘટના રચવામાં પ્રવીણ ક્‌હેવાતી માયાના ગમે તે બીજા કાર્યને બળે આજ આ બે મસ્તિકમાં બળવાન સંગત સ્વપ્નોદય થવા લાગ્યો. આ જાગતી સૃષ્ટિની કથા મુકી, પ્રિય વાંચનાર, આપણે પણ ગુપ્ત શાંત રહી , આ સ્વપ્નસૃષ્ટિમાં પ્રવેશ કરીશું, સરસ્વતીચંદ્ર અને કુમુદસુંદરીની પાછળ પાછળ ચાલ્યા જઈશું, અને આપણા ચર્મચક્ષુથી જે જોવાય તે જોઈશું.


  1. ૧. Capillary attraction.
  2. ૨. આ Róntgen Rays, અથવા X Rays નામના કિરણયંત્રમાં એવી શકિત છે કે શરીરના અપારદર્શક ભાગની અંદરના પદાર્થ પણ આ યંત્રથી જોવાય છે.

ચંદ્ર મધ્યાકાશમાંથી પશ્ચિમ દિશા ભણી ઉતરવા લાગ્યો ત્યાં સુધી તેનો પ્રકાશ સરસ્વતીચંદ્ર ઉપર પડતો હતો તે હવે માત્ર એના મુખ વિના બીજા ભાગ પરથી ક્રમે કરી બંધ થયો. ચંદ્ર વસન્તગુફાથી ઢંકાયો અને સૌમનસ્યગુફામાં અંધકાર વ્યાપ્યો. છેક તળીયાને ભાગે સાધુઓ ગાઢ અસ્વપ્ન નિદ્રામાં પડ્યા હતા અને ઉપલે માળે સરસ્વતીચંદ્ર અને કુમુદ ઉંડી પણ સ્વપ્નભરી એકાન્ત નિદ્રામાં હતાં. ગુફાબ્હાર શાંત અને ધીરા પવનના સર્વ પારદર્શક ભાગમાં ચંદ્રિકા ઉતરી પડી હતી અને ઝાકળ સર્વ સ્થાનોના બ્હારની સપાટી ઉપર શીતળતા ભરતું હતું. સૌમનસ્યગુફાના આ અંધારા ખંડમાં આ પ્રસંગે સર્વ વસ્તુ દેખાતી બંધ થઈ અને અંધકારની ઘાડી છાયાને જોવાને કે જોઈને બ્હીવાને હવે કોઈ રહ્યું નહી.

સરસ્વતીચંદ્ર આ વેળાએ પોતાના સ્વપ્નમાં આ ગુફાની બહારના ઝરાઓની એક પાસની પાળ ઉપર થઈને ચાલતો હતો અને કુમુદસુંદરી પણ એની પાછળ પાછળ બોલ્યા ચાલ્યા વિના ચાલતી હતી. તે પોતાની પાછળ છે કે નહી એ વાત સરસ્વતીચંદ્રના ધ્યાનમાં હોય એવું અનુમાન કરવાનું ચિન્હ ન હતું; માત્ર તે એટલે ધીમે પગલે ચાલતો હતો કે કુમુદ થાકે નહીં એવા વિચારથી જ આમ ચાલતો હોય એવું અનુમાન થઈ શકે એમ હતું. હવે આપણે નામ દેઈશું તે આ સ્વપ્નમાંના જીવોનું ગણવું અને સર્વ સૃષ્ટિ પણ સ્વપ્નની જ ગણવી.

ઝરાના પાણીમાં ચંદ્રિકા પ્રસરતી હતી અને તેની સાથે આ પાળ ઉપર ચાલનારાંનાં પ્રતિબિમ્બનું જોડું પણ તેમાં પડતું હતું અને તેમની જોડે જોડે ચાલતું હતું. આમ ઘણીવાર ચાલ્યાં ને અંતે એક કીલ્લા જેવી ભીંત જણાઈ તેની વચ્ચે મ્હોટું ઉંચું ગોપુર[] હતું તેમાં થઈને બે જણ બહાર નીકળ્યાં. ત્યાં એક મ્હોટા ચોગાનમાં આવી ઉભાં રહ્યાં. ચારે પાસ અંધકારના સ્તંભ જેવાં વૃક્ષ ઉભાં હતાં અને પાંદડાંના ખડખડાટથી તેમાં પવનની ગતિ જણાતી હતી. પૂર્ણ ચંદ્રનું બિમ્બ માથે આવ્યું તે ઉંચાં મુખ કરી બે જણે જોયું ત્યાં એ ચંદ્રની નીચે થઈને એક રૂપેરી વાદળી સરવા લાગી ને ચંદ્ર દેખાતો બંધ થઈ ગયો. પાછું પૃથ્વી ઉપર જુવે તે પ્હેલાં તો વાદળીમાંથી ફુલના ગોટા જેવો કંઈક પદાર્થ નીચે સરી પડતો લાગ્યો.

આ રુપાનાં ફુલના જેવો ગોટો જેમ જેમ નીચે ઉતરતો ગયો તેમ તેમ


  1. ૧. નગરનો દરવાજો.
મ્હોટો થતો ગયો, અને મ્હોટો થતો ગયો તેમ તેમ વધારે વધારે સ્પષ્ટ

દેખાતો ગયો. થોડીક વારમાં તો કોઈ દેવીના જેવા આકારવાળો લાગ્યો. કુમુદસુંદરી નીચે હાથ જોડી એક પાસ ખશી ગઈ અને સરસ્વતીચંદ્ર બીજી પાસ ખસી ગયો ને એ દેવીને બે જણની વચ્ચે ઉતરવાનો માર્ગ આપ્યો. એ દેવીનું અંગ સ્ફટિકમણિ જેવું હતું અને સ્ફટિકની મૂર્તિપેઠે બે જણની વચ્ચે આવી ઉભી. જુવે તે સૌભાગ્યદેવીની જ આકૃતિ આ સ્ફટિક શરીરધારી ઉભેલી.

સરસ્વતીચંદ્રના સાથમાં આવેલી ઉભેલી કુમુદ સાસુનું શરીર જોઈ લજવાઈ ગઈ અને પોતે ક્ષમાને પણ પાત્ર નથી અને હવે કંઈ બોલવાનો પણ માર્ગ નથી એવું ધારતી હોય એમ મુખ છેક નીચું કરી ઉભી રહી. પણ સરસ્વતીચંદ્ર આગળ આવ્યો ને વિનયથી બોલવા લાગ્યો. “પવિત્ર સૌભાગ્યરૂપ સૌભાગ્યદેવીની મૂર્તિ ચંદ્રલોકમાંથી ઉતરી આ સ્ફટિક શરીરને દેખું છું તે સૈાભાગ્યદેવી ન હોય તો બીજું જે કોઈ પવિત્ર સત્વ તમે હો તેના અભિજ્ઞાનનો હું અધિકારી હઉં તો તે અભિજ્ઞાનની કૃપા માગું છું.”

“સરસ્વતીચંદ્ર ! હું સૌભાગ્યદેવીનું જ સિદ્ધ શરીર છું અને આ પ્રદેશમાં તમારું બેનું આગમન મ્હારા સ્થાનમાંથી જોઈ અંહી આવું છું. કુમુદસુંદરી ! પાસે આવો.” દિવ્ય મૂર્ત્તિના મુખમાંથી સ્વર નીકળ્યા.

કુમુદ બ્હીતી બ્હીતી પાસે આવી, પાસે આવી સાસુને પગે પડી, પણ આંસુ સાથે નીકળતાં ડુસકાં, ઉપરાંત વધારે ઉચ્ચાર કરી શકી નહી.

“કુમુદસુંદરી ! બેટા કુમુદસુંદરી ! તમે હવે પૃથ્વીના છેડા ઉપર છો અને પૃથ્વીના ધર્મ ભુલી સિદ્ધ લોકનાં અને તેમના ધર્મનાં દર્શન કરવાનાં અધિકારી થયાં છો ! ” દિવ્ય મૂર્ત્તિના મુખમાંથી આશ્વાસક શબ્દ નીકળ્યો ને તેના પવિત્ર હાથે કુમુદને ઉભી કરી છાતી સરસી ચાંપી.

કુમુદ તેની છાતીમાં જ માથું ડાબી રાખી બોલવા લાગી.

“દેવી! મનુષ્યરૂપે દેવી હતાં – માતા હતાં – તેને આજ આવે રૂપે જોઉં છું – ને હું તો ભ્રષ્ટ હતી, આપના ગૃહમાં નિવાસને યોગ્ય ન હતી તે હવે વધારે દૂષિત થઈ છું. આપના પવિત્ર શરીરને મ્હારા સ્પર્શથી દૂષિત કરો છો તેને સ્થાને મને કોઈ અતિશુદ્રી પેઠે – ચાણ્ડાલિની પેઠે – દૂર ઉભી ર્‌હેવા દો.” સૌ૦- ત્હારા હૃદયની વાત જાણીને જ હું તને શુદ્ધ કરવા આવી છું. તું હવે થોડી વારમાં સિદ્ધલોકની અતિથિ થઈશ અને આ પુરુષરત્નને જે જે સિદ્ધજન પ્રિય હશે તેનાં દર્શન કરીશ. પણ તું પોતાને ભ્રષ્ટ સમજે છે ત્યાં સુધી તને એ લોકના દેશમાં જવાનો અધિકાર નથી. સાધુજનોએ તને શુદ્ધ ધર્મ સમજાવ્યો છે, પણ સંસારે વઞ્ચના કરી ત્હારા મન ઉપર અધર્મને ધર્મ ગણવાની મુદ્રા પાડી છે. સાધુજનોના ઉપદેશથી તે મુદ્રા ન ગઈ તે દૂર કરવા હું આવી છું. મ્હેં પૃથ્વી ઉપરથી દેહ છોડ્યો છે અને સિદ્ધ લોકમાં વસું છું. અન્ય સંપત્તિવાળાને તેમ શુદ્ધ અદ્વૈત પ્રીતિયજ્ઞ કરનારને પણ આ દેશનો અધિકાર મળે છે. મ્હારા સ્વામી આ દેશમાં આવશે ત્યાં સુધી હું અંહી છું ને તે ત્યાં છે તોપણ તેમને દેખી શકું છું તે જોયાં કરીશ ને એ પોતે સિદ્ધ થશે એટલે અમે બે જણ આ શરીરનો ત્યાગ કરી સાથે મુક્ત થઈશું. સંસારની વઞ્ચનાએ ત્હારા આવા યજ્ઞમાં મહાવિઘ્ન નાંખ્યું તેમાં હું નિમિત્તભૂત થઈ તે સંસારમાં હતી ત્યાં સુધી સમજી નહીં પણ આ દેશની દિવ્ય દૃષ્ટિએ મને તે વાત દેખાડી છે. બેટા, મ્હારો પુત્ર ત્હારો અધિકારી ન હતો. ત્હારો અધિકારી આ ત્હારી પાછળ છે તેની સાથે જ તું વરેલી છે.

કુમુદ૦– જો એમ હોય તો તો આર્ય સ્ત્રીયો સર્વ વર્યા વિનાની અને નરકની અધિકારી ગણવી જોઈએ, દેવી ! તમારું લગ્ન પણ મ્હારાં જેવું જ વઞ્ચનારૂપ નહી ? તમે પતિને માટે આ સિદ્ધિ લોકમાં પણ વાટ જુવો છો ને મ્હારી ગતિ જુદી કેમ ?

સૌ૦– એમ નથી. આર્યબાલાઓ માતાપિતાના અને લોકાચારના બળથી અજ્ઞાત દશામાં લગ્નાભાસ નામના યજ્ઞાભાસમાં હોમાય છે. તે પછી સાસરે જાય છે ને સમજણી થાય છે ત્યારથી સાસરે જે તપ કરે છે તે તેમના પિતૃયજ્ઞની વેદી ઉપર થાય છે; એ તપનાં પુણ્ય એ બાલાને, અને એનાં પાપ એનાં માતાપિતાને, મળે છે – કારણ એને વેદી ઉપર મુકનાર માતાપિતાની જ તૃપ્તિ માટે એ દુહિતા તપ તપે છે, અને શુદ્ધ વિવાહથી અવિવાહિત પતિને પતિ ગણે છે. તે પછી પરમ ભાગ્યને બળે, ઈશ્વરની કૃપાને બળે, અને પોતાની પરમ સાધુતાને બળે, આવી બાળા આવા પતિ સાથે અદ્વૈત-પ્રીતિથી સંધાય છે તેનું પરમ પુણ્ય તેને પોતાને મળે છે તે મને મળ્યું ને હું અંહી આવી. પણ જેણે એક પુરુષના સહચારમાં આવો યજ્ઞ આરંભ્યો તેને તે યજ્ઞ છોડી પિતૃયજ્ઞને માટે એ પતિયજ્ઞને ત્યાગ કરાવ્યો તે બહુ અધર્મ્ય છે. બેટા, એ ત્યાગ ત્હારાં માતાપિતાની બુદ્ધિએ ત્હારી પાસે કરાવ્યો તે અધર્મનું ફળ અત્યારે તેઓ અનેકધા ભોગવે છે. સાધુજનોના પ્રયાસે તું એ અધર્મમાંથી છુટી, અને ત્હેં કરેલા ચરણસ્પર્શથી તું ત્હારા શુદ્ધ પતિની પતિવ્રતા બની તે પુણ્યના ફલોદયથી તું આ પવિત્ર દેશનો અધિકાર પામી છે.

કુમુદસુંદરી આ મૂર્તિની છાતી આગળથી દૂર થઈ સામી ઉભી, બોલવા લાગી.

“હું સ્વપ્ન દેખું છું, અને સ્વપ્નમાં જે દેવીને દેખું છું તે મ્હારાં જીવતાં દેવી જેવું તમે બેલતાં નથી તો આ સ્વપ્નથી કેમ છેતરાઉં ?”

સૌ૦- સંસારનું જાગૃત તે અમારું સ્વપ્ન છે ને સંસારનું સ્વપ્ન તે અમારું જાગૃત છે. જે દેવીના ઉપર ત્હારી આવી પ્રીતિ હતી તેણે તે દેહનો ત્યાગ કર્યો છે ને તું અત્યારે તેનાજ સિદ્ધ સૂક્ષ્મ શરીરને જુવે છે. મ્હારા વિચાર ને ઉદ્ગારમાં તને કંઈ નવીનતા લાગતી હશે; પણ યમરાજ જીવન અને મૃત્યુ વચ્ચેનો પડદો ચીરી નાંખે છે તેની સાથે મૃત્યુનાં અધિકારી શરીર મૃત્યુના અનન્ત અંધકારમાં જાય છે અને જીવનનાં અધિકારી શરીર આ ચિરંજીવ સિદ્ધદશાને પામે છે ને અર્ધ જીવનવાળી પૃથ્વીમાંથી પૂર્ણ જીવનવાળા સિદ્ધ લોકને પામે છે, તે કાળે તેમને સર્વ શુદ્ધ જ્ઞાન પ્રાપ્ત થાય છે. તે જ્ઞાન મને પ્રાપ્ત થયું છે ને તેથી હતી એની એ જ ત્હારી દેવી હું જુદું બોલું છું.

કુમુદ વિચારમાં પડી, પછી ઉચું જોઈ સરસ્વતીચંદ્રના સામું જોવા લાગી.

સૌ૦– તું હવે ત્હારા શુદ્ધ પતિ ઉપર દૃષ્ટિ કરે છે. મ્હારો પુત્ર તે ત્હારો પતિ નથી. એક નર સાથે હૃદય જોડીને પછી અન્ય પુરુષ સાથે કોઈ રીતના વિવાહથી કે વિવાહના નામથી ત્હારી પેઠે જોડાયલી સ્ત્રીનું દૃષ્ટાન્ત આર્ય દેશમાં નથી. કારણ વિવાહયોગ્ય હૃદયવાળી કન્યા ત્યાં કન્યાવસ્થા દેખતી નથી. એવા હૃદયવાળી કન્યા ત્હારા પિતાએ તને જ થવા દીધી એ તેમણે પરમ પુણ્ય કર્યું. કુમુદ, મ્હારા પુત્રના વરણકાળે અમે ત્હારાં અને મ્હારા પુત્રના શરીર ઉપર નિસ્તેજ વસ્ત્રના કડકાનાં છેડાછેડ નાંખ્યાં હતાં અને ર્હારું તેનું પાણિગ્રહણ કરાવ્યું હતું તેને સ્થાને અત્યારે આ તમારી બેની પીઠ પાછળ અદ્વૈતરૂપે દેખાતા તેજનાં છેડા હું નાંખું છું તે તમારા સ્કન્ધ ઉપર થઈને તમારાં હૃદય ઉપર આવ્યા છે તે જો! અને સ્થૂલ પાણિગ્રહણને સ્થાને સક્ષમ હૃદયગ્રહણ - હૃદયયોગ - રચાય છે તેના પવિત્ર ચમત્કાર અનુભવો ! એ છેડા અને એ ચમત્કાર જોવાની શક્તિ તમને પ્રાપ્ત થાવ ! બે જણે જોવા માંડ્યું તે દિવ્ય પ્રકાશમય વસ્ત્ર પોતાની પાછળથી, વરકન્યાનાં છેડાછેડ પેઠે, સાંધતું દેખાયું ને તેનો એક છેદો ખભે થઈને સરસ્વતીચંદ્રના હૃદયમાં જડાયો હતો, ને બીજે કુમુદના હૃદયમાં જડાયો હતો. આનું દર્શન થતાં બેની આંખોમાં નવું તેજ આવ્યું તે તેજવાળી આંખો ઉપર સૌભાગ્યદેવીની આંખોનું તેજ પ્રસરવા લાગ્યું. તેની સાથે બે જણ વરકન્યા પેઠે એ વસ્ત્રના આકર્ષણથી જ સાથે સાથે જોડાઈને ઉભાં. સૌભાગ્યદેવીની મૂર્તિ પાસે આવી તેમને માથે અકેકો હાથ મુકી ઉભી ને બોલી–

“હું પ્રમાદધનની માતા તે પ્રમાદધનના આતિથેયમાંથી કુમુદસુંદરીને મુક્ત કરી તેમના શુદ્ધ પતિ જોડે તેમનો નિયોગ કરું છું અને સિદ્ધ લોકમાં ચ્હડવાનાં એ દમ્પતીને અધિકારી કરું છું. આ લોકમાં, નથી મનુષ્ય લોકના જેવી ઉદરયાતના, નથી મદનયાતના, નથી લોકવાસના, નથી રાગ, નથી દ્વેષ, નથી પુરુષાર્થ, નથી સુખ, નથી દુઃખ, નથી અહંતા, નથી મમતા, પણ માત્ર શુદ્ધ સાત્તિવક પ્રજ્ઞાચક્ષુ છે, કલ્યાણકર દૃષ્ટિ છે, સર્વભૂતાત્મક વૃત્તિ છે, પૃથ્વી ઉપરના નિવાસકાળે આરંભેલા યજ્ઞના સમાવર્ત્તની નિષ્કામ વાસના છે, એ વાસનાની તૃપ્તિને માટે તમારા જેવાં સિદ્ધિમાર્ગની કામનાવાળાં હૃદયમાં સિદ્ધ જનોના સૂક્ષ્મ સંચાર છે, એ હૃદયોનાં \ યજ્ઞોમાં સિદ્ધ જનોના સૂક્ષ્મતમ યજ્ઞોની જ્વાલાએાના સ્પર્શ છે અને આહુતિદાન છે, અને એમ સિદ્ધોના યજ્ઞો તે મોક્ષ છે. આ વિના બીજું સ્વર્ગ નથી, આ વિના બીજો કલ્પવૃક્ષ નથી, અને આ લોક વિના બીજા દેવ નથી. સિદ્ધ શક્તિના પ્રભાવથી હું તમને બેને નવી લોકયાત્રામાં પ્રેરું છું, અને સિદ્ધ લોકના અવ્યય []દેશમાં યાત્રા કરવાની શક્તિ આપું છું. કુમુદસુંદરી, તમારી તૃપ્તિને માટે મ્હારા હૃદયે મૃત્યુલોકમાં આરંભેલા પુત્રયજ્ઞની આ પૂર્ણાહુતિ છે તે તમારા હૃદયમાં ફલેગ્રાહિણી [] થાવ ! કુમુદસુંદરી, તમારે, અને તમારે લીધે તમારા શુદ્ધ સ્વામીને, માથે આ તેજોમય સિદ્ધલેપ હું રેડું છું તે તમારે શરીરે લગ્નના પાનેતરના સૂક્ષ્મ વસ્ત્ર પેઠે વળગી જશે ને તેના બળથી સિદ્ધ લોકના ભયંકર વિષધરોની વિષજ્વાલાઓ તમને સ્પર્શ નહી કરે, અને તમે તેમાં નિઃશંક નિર્ભય સંચાર કરી શકશો!”

આની સાથે એ સ્ફાટિક મૂર્ત્તિના હાથમાંથી તેમનાં શરીર ઉપર પુષ્પવૃષ્ટિ થઈ અને તે સુન્દર પુષ્પ રસમય વૃષ્ટિના છાંટા થઈ બેને શરીરે વળગ્યાં, અને એ છાંટાના રેલા, લેપ પેઠે, વસ્ત્ર પેઠે, ચળકવા લાગ્યા.


  1. ૧. સ્વર્ગ
  2. યોગ્ય ઋતુમાં ફલસમૃદ્ધિનું ગ્રહણ કરનારી
' “ કુમુદસુન્દરી, સરસ્વતીચંદ્ર, હવે મ્હારે જવાની વેળા આવી. તમારે

કંઈ પુછવું છે કે માગવું છે ?” સ્ફાટિક મૂર્તિ બોલી.

સર૦- દેવી ! આ દેશમાં અમે ભોમીયાં નથી અને ક્યાં છીયે ને ક્યાં જઈશું તે જાણતાં નથી, માટે તેનું કંઈ જ્ઞાન આપવાની કૃપા કરશો.

સૌ૦– સૂર્ય અને પૃથ્વીની વચ્ચેના પ્રદેશમાં મનુષ્યથી ન જોવાતા સિદ્ધ લોકનો પ્રદેશ છે તેના પિતામહનગરની નીચે તમે ઉભાં છો. એ નગર ઉડતા દ્વીપ પેઠે તમારા ઉપર ભમે છે તે મ્હારથી દેખાય છે ને તમને દેખાવાને વાર છે, તમારાં પગલાં સાંભળતાં હું તમારી પાસે આવી તેમ અન્ય સિદ્ધ જન તમારાં પગલાં સાંભળી તમારી પાસે અાવશે ને તમને યોગ્ય સાધન ને યોગ્ય દૃષ્ટિ આપશે.

સર૦- બીજું કોણ આવશે ?

સૈા૦- જે આવશે તેને તમારું હૃદય જ ઓળખી લેશે, હું એટલું જાણું છું કે મ્હારી પાછળ તમારી માતા ચન્દ્રલક્ષ્મી હતાં અને મ્હારાં કરતાં સિદ્ધ ભૂમિમાં તેમનો નિવાસ વધારે થયલો છે, પૃથ્વી ઉપર તેમનું તપ મ્હારા કરતાં વિશેષ થયલું છે, ને તેમની સિદ્ધિ પણ પ્રમાણમાં વિશેષ છે. તમારે માટે તેમણે આરંભેલો યજ્ઞ પૂર્ણ થયો નથી માટે તે મળશે.

સર૦– તેમનું તપ તમારા કરતાં વિશેષ શી રીતે ?

સૌ૦– મ્હારે મ્હારા સ્વામી સાથે કુમારિકાવસ્થામાંથીજ અદ્વૈતયોગ થયો હતો અને તેનું કલ્યાણફળ મ્હેં પ્રથમથીજ ચાખવા માંડ્યું. આ સૂક્ષ્મ રસનો અમૃતલેપ મ્હારા ઉપર મૂળથી રેડાયો હતો, પણ ચન્દ્રલક્ષ્મીનો અદ્વૈતયોગ ઘણા દુઃખને અંતે રચાયો હતો અને તેમ થતાં ધણીક વિષમય જ્વાલાઓ વચ્ચે તેમને તપ કરવું પડ્યું હતું, એ યોગ પણ મરણકાળે શિથિલ થયો અને તમારા જેવા તેનાં પુત્રને અપરમાતા મળશે એવું ભય જીવતાં છતાં તેમણે જોયું હતું, અને માતાનું હૃદય કમ્પ્યું હતું. તે છતાં તેમણે તમારાં પિતાને માટે દુષ્ટ વિચાર કર્યો નથી, તેમને કઠોર શબ્દ કહ્યા નથી. તેમના ઉપર અમૃત–પ્રીતિ રાખી છે, અને તેમના ઉપર જ શ્રદ્ધા અને વિશ્વાસ રાખી, તેમને ફરી લગ્ન કરવાની ઇચ્છા દર્શાવી સંમતિ આપી, આનંદથી દેહ છોડ્યો છે. આવું તપ તેમને કરવું પડ્યું છે અને જે મૃત્યુલોકમાં વધારે તપ કરે છે તેની આ લોકમાં વધારે સિદ્ધિ થાય છે. સરસ્વતીચન્દ્ર, તમારા ચરણ જાતે આ દેશમાં તમને પવિત્ર સ્થાનોમાં જ લઈ જશે માટે ક્યાં જવું એ વિચાર કરશે મા. કુમુદસુન્દરી, હું તમારી સાસુ નથી; તમારી શુદ્ધ સાસુ હવે તમને મળશે. મ્હારી વાસના છોડી તેમને તમે પૂજજો, તેમનું તપ મ્હારા કરતાં અનેકધા અધિક છે, હું તેમનાં પગલાંને ઘસારો સાંભળું છું, અને એ મહાશયા મહાસિદ્ધાના પવિત્ર ચરણના માર્ગને રોકતી ઉભી છું તે ત્યાંથી દૂર થાઉં છું !

આ મૂર્તિનું સ્ફાટિક શરીર ધીમે ધીમે ઓગળતું હોય, વરાળ પેઠે સ્ફટિક ઉડી જતો હોય, તેમ એ શરીર ધીમે ધીમે અદૃશ્ય થઈ ગયું; ને તેમ થતાં થતાં તેનો સર્વાંગમાં બુદ્ધિધનની છાયા, નદીમાં આકાશનું પ્રતિબિમ્બ તરે તેમ, તરતું દેખાયું. પળવારમાં બિમ્બ અને પ્રતિબિમ્બ અદૃશ્ય થઈ ગયાં અને એ મૂર્તિએ વિવાહિત કરેલાં દમ્પતી એક બીજાને ગળે હાથ નાંખી, તેજોમય વસ્ત્રથી હૃદયની નાડીઓનું અદ્વૈત પામી, સજોડે, ચકિત થઈ હવે શું થાય છે તેની વાટ જોઈ ઉભાં રહ્યાં.

થોડી વારમાં તેઓ નીચેથી ઉચકાતાં, ઉચાં થતાં, લાગ્યાં, ગમે તો તેમને કોઈ અદૃશ્યરૂપે ઉપર ખેંચતું હોય, ગમે તો એમનાં શરીર પવનથી પણ હલકાં થયાં હોય ને છુટાં મુકેલાં બલુનની પેઠે ઉંચાં ચ્હડતાં હોય, અથવા ગમે તો પૃથ્વીમાં ગુરુત્વાકર્ષણથી વિપરીત શક્તિ જાગીને તેમને ઉપર ધક્કેલતી હોય, તેમ આ બે જણ ધીમે ધીમે આકાશ ભણી અદ્ધર ચ્હડવા લાગ્યાં ને રુપેરી વાદળામાં આવ્યાં ત્યાં ચ્હડતાં અટક્યાં. એક મૃગાકાર વાદળીમાંથી તેમના ભણી કોઈ અદ્ધર ચાલી આવતું દેખાયું ને પાસે આવ્યું ત્યાં સરસ્વતીચંદ્રે પોતાની માતાનું સ્વરૂપ ઓળખ્યું ને તેણે એાળખયું તેની સાથે એના સ્કન્ધ ઉપરના તેજોમય વસ્ત્રમાં સરતા કોઈ પ્રવાહની શક્તિથી કુમુદસુંદરીએ પણ ઓળખ્યું. બે જણ ચન્દ્રલક્ષ્મીની મૂર્તિને સજોડે પ્રણામ કરી ઉભાં અને રુપેરી વાદળાથી બનેલા શરીરવાળી ચન્દ્રલક્ષ્મીની મૂર્તિ અમૃત જેવાં વચન ઝરવા લાગી:–

“પુત્ર અને વધૂ ! સૌભાગ્યદેવીએ તમને સંસ્કારેલાં છે ને મ્હારા જે તપનું તેમણે વર્ણન કર્યું તે તપની સિદ્ધિથી હું આ કલ્યાણ દેહને પામી છું. પુત્ર ! જે પિતૃયજ્ઞને માટે સ્ત્રીને, લક્ષ્મીને, અને ગૃહને ત્હેં ત્યાગ કર્યો તે જ ત્યાગ ત્હારા પિતાના અધર્મરૂપ હતો, તેનું કષ્ટ પરિણામ તે હાલ ભોગવે છે ને તે કષ્ટથી તે સિદ્ધ થાય એવા તેમના યજ્ઞમાં હું અંહીથી પણ સહાયભૂત છું. ત્હારો પિતૃયજ્ઞ સમાપ્ત થયો અને પ્રીતિયજ્ઞ આરંભાયો છે ને તેની સાથે ત્હારા પ્રારબ્ધમાર્ગમાં નવા મહાન મનુષ્યયજ્ઞના અગ્નિ સળગતા હું ત્હારા હૃદયમાં જોઉં છું. એમાંના યજ્ઞના વિધિના શોધનને માટે આજ તું પિતામહ પુરમાં જઈશ, અને ત્યાં ત્હારા કાર્યમાં તને સાધન હું આપું છું તે લેતો જા.”

“એ નગર આ મેઘ-સ્થાનથી પણ ઉંચું છે. નીચે પૃથ્વી પર મનુષ્યસૃષ્ટિમાં બનેલાને બનતા બનાવોનાં પ્રતિબિમ્બ, ઉંચાં ચ્હડી, ગન્ધર્વનગરીની [] સૃષ્ટિ પેઠે, પિતામહપુરના કેટલાક ભાગમાં, તેજનાં જાળાં પેઠે બાઝેલાં છે; એ જાળાંમાં વચ્ચે વચ્ચે કેટલાંક સ્થાને મ્હોટા મ્હોટા માટીના રાફડા બાઝેલા છે ને રાફડાના અંદરના ભાગમાં પણ અનેક સૃષ્ટિયો છે. કેટલાક બનાવોનાં પ્રતિબિમ્બ તેજોમય થાય છે ત્યારે કેટલાકનાં પ્રતિબિમ્બને સ્થાને આવા રાફડા બાઝે છે. એ રાફડા ખોદવાને આ દિવ્ય પાવડો તને આપું છું, તેમાંનાં ભોંયરાંમાં ઉતરવાને અા નિસરણિ આપું છું, અને તેજનાં જાળામાં તેમ અન્યત્ર તરવાને માટે આ બે પાંખો તમને આપું છું. એક પાંખ કુમુદને બાંધું છું, એક તને બાંધું છું, ને પાવડો ને નિસરણી પોતાની ગતિથી તમારી જોડે જોડે ઉડીને ચાલ્યાં આવશે ને ઇચ્છશો ત્યાં તમને કામ લાગશે.”

“મ્હારા સ્વભાવને લીધે આ પદાર્થોની મને સિદ્ધિ થઈ છે તે તમને આપું છું. કુમુદસુંદરી ! મ્હારી પાછળ ઉપર તમારાં પિતામહી ધર્મલક્ષ્મી તમારી બેની વાટ જુએ છે, તેમનું તપ મ્હારા કરતાં વધારે છે. તેમણે પ્રીતિયજ્ઞનો સ્વાદ ચાખ્યો નથી, પણ માત્ર પિતૃયજ્ઞમાંથી પ્રાપ્ત થયેલા અતિથિ - પતિની સેવા કરતાં અનન્ત દુઃખ વેઠેલું છે. એ દુઃખથી, એ દુઃખના શાન્ત દીર્ધ સહનથી, એ સહનકાળે સર્વદા સ્ફુરેલી ધર્મબુદ્ધિથી, ધર્મલક્ષ્મીનું સૂક્ષ્મ શરીર સિદ્ધ થઈ આ દેશમાં વસે છે. તે તમને થોડા કાળમાં મળશે અને તેમના તપ:પ્રભાવના પ્રમાણમાં તમને ગુરુતર સાધન આપશે.”

ચંદ્રલક્ષ્મી અદૃશ્ય થઈ ગઈ, વાદળાંમાં ભળી ગઈ ને નિસરણિ પાવડો સાથે પોતાની પાંખેાને બળે આ બે જણ ઉંચે ઉંચે ઉડવા લાગ્યાં. થોડી વારમાં મેઘમાળાના ઉપરનો અને સ્વચ્છ પ્રદેશ આવ્યો ત્યાં ધર્મલક્ષ્મીનું વૃદ્ધ શરીર એક પાસથી આવ્યું. ધર્મલક્ષ્મી નિરાધાર ઉભી રહી અને બોલવા લાગી.

“જામાતા અને પુત્રી ! દુઃખસહન એ એક મહાતપ છે. જે દુ:ખથી મનુષ્યલોક થાકે છે તે દુઃખનું મ્હેં સહન કર્યું તે તેનું ફળ


  1. ૧. નવલ ગ્રંથાવલિ. ભાગ ૪ પૃષ્ટ ૭૮.
કલ્યાણુરૂપ થયું છે, એ સહનથી હું સિદ્ધ થઈ છું ને એ સિદ્ધિથી આ

કલ્યાણદેહને અને બે ભદ્રમણિને પામી છું, એ મણિનાં આભરણ કરી તમને આપું છું તે લ્યો. તેમાંની એક આ ચિન્તામણિની મુદ્રા તમે પૂજ્ય જામાતા છો તેમની આંગળીયે પ્હેરાવું છું. એ મુદ્રાના મણિ ઉપર દૃષ્ટિ કરી સિદ્ધનગરના જે ભાગનું રહસ્ય જાણવા ઇચ્છશો તે તમને બોધિત થશે. એ મુદ્રાથી જે સિદ્ધ કે સિદ્ધાંગનાનું તમે ચિન્તન કરશો તે તમને દેખાશે અને જે લક્ષ્ય ભણી ગતિ ઇચ્છશો તેનો માર્ગ તમને સુપ્રકાશિત થશે. બેટા કુમુદ ! આ સ્પર્શમણિથી – પારસમણિથી – જડેલું મંગલસૂત્ર ત્હારે કંઠે પ્હેરાવું છું તેનો ત્હારી છાતી ઉપર સ્પર્શ થશે ને પ્રકાશ પડશે, અને એ છાતીમાં પવિત્ર અને ધાર્મિક સંસ્કારોના ઉલ્લેખ પાડી તે સ્પર્શ અને પ્રકાશ તને શાંત અને સુખી કરશે. લોકયાત્રાને કાળે ત્હારાં જેવાં ઉપર જે જે દુ:ખો પડે છે તે દુ:ખેામાં કલ્યાણનાં બીજ જાતે રોપાય છે ને દુ:ખના સરોવર ઉપર તરવાને તુંબીફલ[] અનાયાસે મળી આવે છે. એ બીજને અને એ ફળને આ સ્પર્શમણિ ત્હારા હૃદયના સ્વભાવરૂપ કરશે. આ સિદ્ધલોકની યાત્રામાં ત્હારા પતિની દૃષ્ટિથી જે જે પદાર્થ તું જોઈશ તેનું સૈાદર્ય તને આ સૂત્રના પ્રકાશથી પ્રત્યક્ષ થશે, અને મ્હોટા રાફડાઓની ધુળ ભેગી કનકની રેતી ગુપ્ત હશે કે ધુળમાં ઢંકાયલાં રત્ન હશે તે તને જાતે દેખાશે. તને આમ આ સૂત્રથી જે જે પદાર્થ પ્રત્યક્ષ થશે તે સર્વે સૈાભાગ્યદેવીએ આપેલા તેજોમય વસ્ત્રમાં થઈને ત્હારા સ્વામીને ત્હારા કરતાં વિશેષ પ્રકાશથી પ્રત્યક્ષ થશે. સરસ્વતીચંદ્ર ! તમે જે વિશુદ્ધ લોભથી પ્રીતિયજ્ઞ આરંભેલો છે તેનું સમાવર્તન મ્હારી કુમુદ એના આ દેહથી જ દેખશે, અને તેનાં પુણ્યફળ જગત ઉપર મેઘ પેઠે સુવૃષ્ટ થશે. ચિન્તામણિ ! પારસમણિ ! મ્હારી પાસેથી જઈ મ્હારે ઈષ્ટ સ્થાને વસો !”

તેનું વાક્ય પુરું થતા પ્હેલાં મુદ્રા સરસ્વતીચંદ્રની અાંગળીઓ ચળકવ લાગી ને મંગળસૂત્ર કુમુદના પયોધરભાર ઉપર વીજળી પેઠે ચમકારા કરવા લાગ્યું, ને બે જણ પિતામહીને ચરણે ઉપકારથી પડવા માંડે છે ત્યાં તે પિતામહી અદૃશ્ય થઈ ગઈ.

પ્રણામકાળે મીંચેલી આંખો બે જણ ઉઘાડે છે ત્યાં તે પ્હેલાંથી જ પાસે આવી રહેલો કોઈ મહાન્ નગરનો ઉંચો કોટ તેમના માર્ગને રોકતો દૃષ્ટિયે પડ્યો.


  1. ૧. તુંબડું.